કથા-સપ્તાહ - દેશ-વિદેશ (નારી તું નારાયણી - ૧)

જીવન કી બગિયા મહેકેગી....katha

અન્ય ભાગ વાંચો

1  |  2 

સમીત (પૂર્વેશ) શ્રોફ

જીવન કી બગિયા મહેકેગી....

દૂર ક્યાંક ગૂંજતા લતાના કંઠે તેમને પળ પૂરતાં સ્થિર કરી દીધાં. મનના કૅન્વસ પર ભૂતકાળની પીંછીનો લસરકો થઈ ગયો.

ક્યારેક આ ગીતને મેં મારી જિંદગીના સમણાની જેમ ગણગણ્યું હતું... અજિતની સાથે! હૈયે મધુરતા છલકાઈ જતી, આંખોમાં ઉમંગ છવાતો, હાથના અંકોડા ભિડાતા ને અમારાં અસ્તિત્વો પ્રણયભીનાં થઈ જતાં.

કેવો એ સમય હતો! વલસાડની અલકા ટૉકીઝમાં ‘તેરે મેરે સપને’ રી-રનમાં જોયેલું. અજિત સાથે પ્રીત થયા પછી એના આ ગીતનો મર્મ જાણે પોતીકો થઈ ગયો.

પછી શું થયું? હાથોમાં મેંદી રચાઈ? લગ્નની શરણાઈઓ ગૂંજી?

ના રે ના!

જુહુના ફ્લૅટની બાલ્કનીમાં મૂકેલાં છોડવાંને પાણી છાંટતાં ઉષાબહેને ડોક ધુણાવીને મનને વર્તમાનમાં આણ્યું ત્યાં નજર આભમાં ઉડાન ભરતા પ્લેન પર ગઈ.

તેમના હોઠ મરકી ગયા. મને ચાહનારો મારી શું, આ દેશની માયા મૂકીને વિદેશ ઊપડી ગયાને પણ આજે સાડાત્રણ-ચાર દાયકા થઈ ગયા!

‘ગુડ મૉર્નિંગ ઉષાબહેન!’

સામી બાલ્કનીમાંથી માયાબહેને સાદ પાડ્યો, ‘કહેવું પડે હોં. નાટકનો શો પતાવીને દીનાનાથથી આવતાં સહેજે રાતનો દોઢ થયો હશે તોય તમે સૂર્યોદય ટાણે ઊઠી જવાનાં એટલે ઊઠી જવાનાં. જાણે સાઠ વરસે પણ ક્યાંથી લાવો છો આટલી એનર્જી?’

નાટક. ગુજરાતી તખ્તાનાં મહારાણી તરીકે જેમની ગણના થાય છે એવાં ઉષાબહેન અભિનયની પાઠશાળા સાથે ઊજાનું પાવરહાઉસ ગણાય છે એ તો સાચું.

‘બહુ આસાન છે માયાબહેન...’ વૉટરપૉટ બાજુએ મૂકીને સાડલાનો છેડો સરખો કરતાં ઉષાબહેન મલક્યાં, ‘આ સાંઠનો આંકડો તમે પાડ્યો. બાકી મારી ઉંમર હું યાદ નથી રાખતી.’

આ કેવળ વાણીવિલાસ નહોતો... ઉંમરને પોતે હાવી નથી થવા દેતાં એ હકીકત છે. ભૂતકાળને સાંભરવો, પણ એનું વળગણ રાખવું નહીં. વર્તમાનને ખુલ્લા દિલે માણવાનો, કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં સતત વ્યસ્ત રહેવું આટલી ટિપમાં ખોરાક-પાણીની ચોખ્ખાઈ અને યોગની કસરતનો ઉમેરો કરો તો મારી જેમ ૬૦ શું, સિત્તેર વરસેય નખમાં રોગ ન આવે!

અને આ મારાં લાભુદાદીની શીખ...

પાડોશણ સાથે થોડું ગપાટી ઉષાબહેન રોજની ટેવ પ્રમાણે ચાનો પ્યાલો લઈને દીવાનખંડના હીંચકે ગોઠવાયાં. આમ તો ચાની ચૂસકી સાથે ભક્તિ ચૅનલ પર હવેલીએ થતી આરતી નિહાળવાનો નિયમ, પણ આજે મન ગતખંડ તરફ વધુ ખેંચાતું લાગ્યું. એના પર લગામ કસવાને બદલે તેમણે એને વહેતું મૂકી દીધું. બિનજરૂરી બંદિશ મનને પણ વંઠેલ બનાવી દે. એના કરતાં આપણે જ એનો હાથ પકડીને દોરવતા જઈએ તો ક્યારેક એવું એને પણ ગમે.

‘તમારું મન કેળવાયેલું હોવું જોઈએ.’

હીંચકાની ઠેસે ઉષાબહેન પચાસેક વર્ષ અગાઉના ભૂતકાળમાં ખૂંપી ગયાં.

દસેક વર્ષની નાનકડી ઉષા તરવરી ઊઠી. વલસાડના મોટાબજારના લાંબા ગાળાના ઘરમાં ધમાચકડી મચાવી દેતી ઉષા માબાપ-દાદીની અતિ લાડલી. સવાર-સાંજ પૌત્રીને ખોળામાં બેસાડીને લાભુદાદી તેને વાર્તાઓ કહે.

ના, તેમની વાર્તા પરી કે રાજકુમારની ન હોય. પૌત્રીનું મન કેળવવા દાદી વીર ભગત સિંહની કથા કહે, ચંદ્રશેખર આઝાદની શૂરવીરતા ટાંકે, ગાંધીજીની મહાનતા વર્ણવે. અંગ્રેજોના જુલમ સામે લડતા ખપી ગયેલા દાદા સૂર્યકાન્ત મહેતાનું બલિદાન કહેતી વેળા સ્વાતંત્ર્યસેનાનીની વિધવાનું તેજ ઝળહળી ઊઠે.

મોટી થતી બાળકીમાં ગજબનો ખુમાર પ્રેરાય.

‘દેશને આઝાદી કેવળ ગાંધીજીના અહિંસાવþતથી નથી મળી. અનેક શૂરવીરોએ એને માટે શહીદી વહોરી છે, કંઈક સ્ત્રીઓનાં ચૂડી-ચાંદલા ભાંગ્યાં છે ત્યારે લાલ કિલ્લા પર તિરંગો લહેરાયો છે મારી લાડો. મહામૂલી એ આઝાદીનું રક્ષણ તમારે કરવાનું છે.’

દાદીની ટકોરમાં હજી થોડાં વરસો અગાઉની ઇન્ડો-ચાઇના વૉરમાં મળેલી હારનું દર્દ પડઘાતું.

લાભુબા જોકે ૧૯૭૧ની જીતનો જશન જોવા ન પામ્યાં, પણ તે હતાં ત્યાં સુધી દર બે-ત્રણ મહિને મહોલાનાં છોકરાઓ-છોકરીઓને ભેગાં કરીને શેરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ ગોઠવે. સ્વાતંત્ર્યસંગ્રામ વિશેનાં નાટકો પણ કરાવતાં. દિવાળી-હોળીથી વધુ મજા ઉષાને ૧૫ ઑગસ્ટ યા ૨૬ જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં આવતી. દેશાભિમાન સાથે શિક્ષક પિતા અને ગૃહિણી માતાના આદર્શોનો પિંડ તેનામાં બંધાતો ગયો.

‘તમારી દીકરીમાં તો નેતા બનવાના ગુણ છે.’

ન્યાતના મોવડીઓ કહેતા, સુબોધભાઈ સાંભળીને હસી નાખતા. યૌવનમાં બેઠેલી દીકરીને સવિતાબહેને ઘરકામમાં કેળવવા માંડેલી. ઇન્ટર પાસ કરીને ઉષાએ આર્ટ્સ કૉલેજમાં પ્રવેશ લીધો ત્યારે ગુજરાતમાં નવનિર્માણ આંદોલનના ભણકારા વાગી રહ્યા હતા.

દેશના રાજકારણની કલુષિત છબી એમાં જોવા મળી ને પૉલિટિક્સમાં જોડાવાની વાતને બાપુજી કેમ હસી નાખતા એ ઉષાને ત્યારે સમજાયું. સત્તાની દોટમાં નેતાઓ માટે ગાંધીજી કેવળ ખુરસી સુધી જવાનો રસ્તો બની ગયા, મૂલ્યોના હાંસિયામાં ધકેલાતા જવાની શરૂઆત તો ક્યારની થઈ ચૂકેલી.

લાભુબા જીવતાં હોત તો તેમનો જીવ કકળત કે ‘અરેરેરે, આ દિવસો માટે મારા પતિએ શહીદી વહોરીતી? આના કરતાં અંગ્રેજોની ગુલામી બહેતર હતી!’ 

‘તેમની અરેરાટીથી નાસીપાસ થયે નહીં ચાલે. દેશની રક્ષા માટે, મૂલ્યોના જતન માટે આપણે ઝઝૂમવું પડે.’

કૉલેજના પ્રથમ વર્ષે ૧૫ ઑગસ્ટના ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉષાની જુસ્સાદાર સ્પીચે વિદ્યાર્થી આલમમાં જોશ ફેલાવી દીધેલું.

ત્યાર બાદ દિવાળી ટાણે અડધા દિવસની કૉલેજની તીથલના દરિયાની પિકનિકમાં જુદી જ ઉષા જાણે જોવા મળી. સખીઓ સાથે ધીંગામસ્તી કરતી, મીનાકુમારીથી હેમા માલિનીની મિમિક્રી કરતી ઉષા અનેરી લાગી.

‘તમારું કયું રૂપ સાચું?’

૧૯૭૭-૭૮ના એ ગાળામાં વલસાડ એટલું વિકસિત ન મળે. છોકરા-છોકરી છૂટથી હરીફરી શકે એવુંય નહીં. છતાં પિકનિકમાં દરેક સંભાવના શક્ય બને એમ અજિતે સંવાદની તક ઝડપી લીધેલી... 

કૉલેજના થર્ડ યરમાં ભણતો તે ઉષાથી બે વર્ષ મોટો. મોસાળમાં મોટો થયેલો અજિત કૉલેજકાળથી ગામમાં આવેલો. તે મને કદાચ ઝાઝી ન જાણતો હોય, પણ બાજુના મહોલ્લામાં રહેતા ન્યાતીલા નંદકિશોર વકીલના દીકરા ત૨ીકે હું તો જાણુંને. રોજ મંદિરે દર્શનમાં આવતા-જતા જોયો હોય. તેની પૃચ્છા ઉષાને સહેજ મલકાવી ગયેલી, ‘હું કોઈ જાદુગર નથી અજિત કે રૂપ બદલી શકું.’

‘નહીં...’ કામદેવ જેવા રૂડારૂપાળા અજિતે ઉતાવળે ખુલાસો કર્યો, ‘પંદર ઑગસ્ટે તમને સાંભળ્યા ત્યારે વૈચારિક પુખ્તતા લાગી, આજે એટલી જ નટખટતા ભાળી. સાચે જ આનંદ થયો.’

‘કેમ, પુખ્ત વ્યક્તિ બાળપણ ન માણી શકે એવો નિયમ છે?’

તેનું તેજ અજિતને પ્રભાવિત કરી ગયું. પછીથી બેઉ દેવદર્શનમાં કે કૉલેજમાં ટકરાતાં ને સ્મિત ઝરી જતું. અજિત સોહામણો હતો તો ઉષાનું સૌંદર્ય ઝગારા મારતું. સાદગીમાં પણ તે શોભી ઊઠતી.

ઘરથી કૉલેજ દૂર. એ સમયે વસ્તી ઓછી. રિક્ષાઓ નહીંવત્્. ટાંગાની સવારી મોટા ભાગનાને પરવડે નહીં એટલે અડધો કલાક જેટલું

ચાલીને કૉલેજ પહોંચવાનું.

છોકરાઓ-છોકરીઓનું ગ્રુપ અલગ. એ પણ શો જમાનો હતો!

અજિતના વકીલ પિતાની સ્થિતિ સધ્ધર. તેમની ખુદની ઍમ્બૅસૅડર કાર પણ ખરી. અજિતે સાઇકલ વસાવેલી. એક-બે વાર કૉલેજના એક્સ્ટ્રા ક્લાસમાં મોડું થતાં તેણે વસતિ સુધી ઉષાને લિફ્ટ પણ આપેલી. એમાં બે હૈયાં એકરૂપ થતાં ગયાં. લેસનમાં સમજ ન પડે તો ઉષા અજિતનું માર્ગદર્શન લેવા તેના ઘરે જતી. રાત્રે વાળુ પછી તે અગાસીમાં લટાર મારે ને બીજી છત પરથી અજિત પોતાના ચાંદનાં દર્શન કરી લે!

આ બધું ઘરનાથી, સખી-સખાથી છાનું, નૅચરલી.

‘આટલી આદર્શવાદી છોકરી જૂઠ પણ બોલે છે?’ અજિત હસતો.

‘પ્રેમીઓ જૂઠ નથી બોલતા અજિત, કેવળ સત્ય છુપાવતા હોય છે.’ ચોરેલા એકાંતમાં ઉષા ક્યારેક ફફડી જતી, ‘તમે માસ્ટર્સમાં ઍડ્મિશન લીધું એટલે કૉલેજ એક રહેતાં આપણા મેળમાં વાંધો નહીં આવે અજિત, પણ પછી શું?’

‘પછી શું એટલે? લગ્ન!’

‘લગ્ન!’ ઉષા મુગ્ધ બનતી, પછી ફફડાટ જતાવતી, ‘પણ આપણો શું મેળ અજિત? ક્યાં તમારું ગર્ભશ્રીમંત કુટુંબ, ક્યાં હું ગરીબ શિક્ષકની છોકરી.’

‘તું સંસ્કારોમાં મારાથી ક્યાંય વધુ અમીર છે ઉષા એ ન પારખી શકે એટલાં અબુધ નથી મારાં માબાપ!’

છતાં ઉષાને અજાણ્યો ફડકો રહેતો. બાપુજીની ધાક રહેતી, પણ બાને બધું કહી દેવાની અધીરાઈ પરાણે કાબૂમાં રાખવી પડતી. અજિત ભણી રહે પછી વિધિવત્ માગું મૂકવાના જ છે. બધું વડીલોની મરજીથી ગોઠવાય એ જ શોભનીય છે... પણ...

અજિતની કૉલેજનો છેલ્લો મહિના બાકી હતો ત્યાં એક નાનકડી ઘટના બની.

અજિતથી બે વરસ મોટો તેના મામાનો દીકરો વીરેન વિદેશથી આવ્યો. વરસેકથી લંડન ભણતા વીરેને અઠવાડિયાના રોકાણ દરમ્યાન જાણે કેવી ભૂરખી છાંટી કે અજિતમાં પણ વિદેશ જવાનો જોસ્સો ઊપડ્યો.

‘આપણે હજી વિક્ટોરિયા યુગમાંથી બહાર નથી આવ્યા ઉષા. ત્યાં સામાન્ય માણસ પાસે મોટરકાર છે. ત્યાંની સડકો, રેલવે, ત્યાંની ડિસિપ્લિન, ત્યાંનાં હવાપાણી. આપણે તો તેમને કૉમ્પિટ પણ ન કરી શકીએ.’

‘ક્યાંથી કરી શકીએ? આપણને લૂંટીને તો એ લોકો સધ્ધર બન્યા છે.’ ઉષાનાં નાખોરાં ફૂલી ગયેલાં. અજિત અંગ્રેજોની તરફદારી કરે એ કેમ ખમાય? એ પણ દેશને નીચો દર્શાવીને!

‘દેશદાઝ છેતરામણો શબ્દ છે. એ ખુવારી સિવાય કંઈ નથી આપતો.’

ઉષા ડઘાયેલી. અજિત આ કેવી ભાષા બોલે છે!

‘તારા જ ઘરનો દાખલો લે ઉષા. તારા દાદા દેશ માટે કુરબાન થયા. દેશે તમારી શું કદર કરી? તારા બાપુજી પોતાનું અલગ મકાન નથી કરી શક્યા...’

‘એક મિનિટ અજિત...’ ઉષા હાંફી ગઈ, ‘મારા દાદા કુટુંબ માટે કશું મેળવવા દેશ પર કુરબાન નહોતા થયા. જે ધરા પર જનમ લીધો એને ગુલામીમાંથી મુક્ત કરવા મરી ફીટuા.’

કહીને ઉમેરવાનું ન ચૂકી, ‘દેશે મારા પિતાને ભલે કંઈ ન આપ્યું, તારા પિતાને ત્યાં ઍમ્બૅસૅડર કાર દેશ થકી જ આવી છે એ યાદ રાખજે.’

‘ઓહો, તું સમજતી નથી ઉષા. બહારની દુનિયા કેટલી આગળ છે. આપણે એક ડગલું ચાલીને ચાર પગલાં પારોઠનાં ભરીએ છીએ.. આપણે હિન્દી-તામિલના નામે ઝઘડીએ છીએ, અનામત માટે લડીએ છીએ, સબસિડીનાં વલખાં મારીએ છીએ. રૅશનની કતારમાં અહીં જિંદગી વહી જાય છે ઉષા. અહીં આપણું ભવિષ્ય નથી. આ દેશમાં રહેવામાં શાણપણ નથી.’

ઉષાને અજિત ધરમૂળથી

બદલાયેલો લાગ્યો.

‘પોતાના દેશમાં રહેવા માટે શાણપણની નહીં, માતૃભમિની માટી પ્રત્યેનો લગાવ જોઈએ અજિત.’

હળવા સાદે કહીને તેણે અજિતનો ખભો પસવાર્યો, ‘જુવાન પુરુષને મહkવાકાંક્ષા હોય, હોવી જોઈએ. વલસાડમાં પૂરતી તક ન લાગે તો મુંબઈ-અમદાવાદ-કલકત્તા જાઓ, દેશના ઉત્થાનમાં તમારું યોગદાન આપો. એ જ સભ્ય નાગરિકની ફરજ.’

‘ફરજ સામે મને શું મળશે? લંડનમાં ટૅક્સપેયર્સને કેટલી સવલત મળે છે એની યાદી જોઈ તેં? ઉષા, ઉષા... ભારતભૂમિના ભવ્ય ભૂતકાળને નજરમાં રાખીને વર્તમાનની અવગણના ન કરાય અને ફ્યુચર તો એનું છે જ નહીં.’

‘આજ સુધી તો તમને આવી ફરિયાદો નહોતી અજિત. પરદેશીની અઠવાડિયાની સોબતે તમારો નજરિયો બદલી નાખ્યો કે પછી દૃષ્ટિ ધૂંધળી કરી મૂકી? તમે ત્યાંનું ઐfવર્ય જોયું, ત્યાંની સભ્યતા-સંસ્કૃતિનું શું? ટૂંકાં વjાો પહેરવાં, પરણ્યા વિના શારીરિક છૂટછાટ માણવી...’

‘એ જ તો ફ્રીડમ છે. આજ

સુધી આપણે એક કિસ નથી કરી

શક્યાં ઉષા. ત્યાં આવી રૂઢિ, આવાં બંધનો નથી.’

‘સંસ્કૃતિની સીમારેખાને તમે બંધન ગણો છો અજિત?’

‘મને તો અહીં રહેવું બંધનરૂપ લાગે છે ઉષા. મેં નક્કી કરી લીધું છે. કૉલેજ પતતાં હું લૉ ભણવા લંડન જવાનો. બૅરિસ્ટર થઈને મૅરેજ પૂરતો અહીં આવીશ. પછી આપણે પાછા લંડન મૂવ થઈ જઈશું.’

આપણે. અજિતના નિર્ણયના આઘાતમાં આપણેનો શબ્દપ્રયોગ ઉષાને સહેમાવી ગયો.

‘જેના દાદાએ સ્વતંત્રતા માટે અંગ્રેજોની ગોળી ખાધી હોય એ અંગ્રેજોની ધરતી પર સંસાર વસાવે એવું તમે કેમ માની લીધું અજિત? તમે સિધાવો, મારે મારું વલસાડ ભલું.’

નીકળવાના દિવસ સુધી અજિત મને કન્વિન્સ કરવા મથ્યો, પણ મને નિર્ણયની દ્વિધા નહોતી... હીંચકે બેઠેલાં ઉષાબહેન વાગોળી રહ્યાં.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK