કથા-સપ્તાહ : ડંખ (ઓછાયાની છાયા : 5)

‘હં...સા... તું?’

અન્ય ભાગ વાંચો

1  |  2  3  |  4  |  5


અતીતની થૂંકવાની ચેષ્ટાથી વિશેષ વાસંતી તેના પ્રશ્ને ડઘાઈ. કોણ છે આ જુવાન? મને ક્યાંથી ઓળખી ગયો?

‘ધીરજ શાહ યાદ છે? યશોદા સાંભરે છે? હું તેનો દીકરો - અતીત.’

હેં. અ....તી...ત... વાસંતી ઉર્ફે હંસાને તમ્મર આવ્યાં. ભૂતકાળ આમ સામો આવશે એવું ધાર્યું નહોતું!

€ € €

‘ઘરબાર, માલમિલકત બધું તમે બૈરીને દઈ દીધું... હાય-હાય, હું તો તમને ફસાવીને ફસાઈ.’

એક મધરાતે યશોદાએ ધીરજ-હંસાની ‘ચોરી’ પકડી પાડી એના પગલે ધીરજે ઘર છોડ્યું. તેની નજરમાં મહાન ઠરવાની લાયમાં હંસા પણ જોડે ચાલી નીકળી... ત્યારે તો હતું કે ધીરજ ચપટીકમાં પોતાને બીજું ઘર ધરી દેશે, સરકારી નોકરી છે એટલે બચત પણ સારીએવી હશે...

તરત તો તે ઠેઠ ભાયખલા ભાડાની ઓરડીમાં લઈ ગયો ત્યારેય ટાઢક રાખી : હોય, પસંદનું ઘર લેવું હોય તો તપાસનો સમય તો લાગે...

પણ ના. જે સમય વીતતો હતો તે નવું ઘર જોવામાં નહીં; જૂનું ઘર, બચત વગેરે અતીત-યશોદાના નામે કરવામાં.

‘મારે બધું પાકા પાયે કરવું છે જેથી અતીત-યશોદાને તકલીફ ન પડે. ડિવૉર્સ થઈ જાય પછી જ આપણાથી પણ નવી શરૂઆત મંડાશેને...’

ધીરજ સમજાવતો, પણ હંસાની ધીરજ હવે ખૂટવા આવી હતી. એમાં આગલા ધણી લાખનના અખતરાની અજમાયશ ધીરજને પલોટવા પૂરતી ઠીક હતી, પણ ધીરજ માટે એ રોજિંદો ક્રમ બની ગયો હતો. હંસાને એ પણ ભારે પડતું.

‘તમને મારા શરીરમાં જ રસ છે...’ તે ચિડાતી. ‘બળ્યો એનો વાંધો નહીં, પણ તમારે દેવું બધું યશોદાને છે ને મને મફતની ભોગવો છો!’

ધીરજ ક્ષુબ્ધ બનતો. તેના માટે એ પ્રણયની ક્ષણો હતી. એમાં આવું કર્કશપણું?

‘મફતની ભોગવું છે એટલે?’ ધીરજનો પિત્તો હટ્યો. ‘તું ધંધે બેઠી છે? તું મને પ્રેમ નથી કરતી?’

‘પ્રેમ, પ્રેમ. મૂકો ચૂલે તમારા પ્રેમને.’ હંસાનું અંતિમ આવરણ ઉતરડાઈ ગયું, ‘મારી પાસે, મારા નામ પર શું છે? જે

હતું બૈરીને દીધું. હાય-હાય, હું તો ફસાઈ તમને ફસાવીને...’

આવેશમાં શબ્દો પર અંકુશ ન રહ્યો. સત્યના ઉઘાડે ધીરજ ડઘાયો, ચેત્યો. પછી તો રોજ કંકાસ, મહેણાંટોણાં... અને બળજબરી.

‘તારા વાંકે મેં સુખીનો સંસાર ગુમાવ્યો, એનું વ્યાજ તો હું વસૂલવાનો જ!’

છૂટાછેડા થઈ ચૂક્યા હતા; પણ ધીરજ હવે પરણવાનો નહીં, માત્ર મને આમ ભોગવવાનો! કચડાતી હંસાને થતું, માથે છત્ર વિનાની હું જાઉં પણ ક્યાં?

પણ જવું પડ્યું. ધીરજને ઐયાશીમાં ગુપ્ત રોગ નીકળતાં ભડકીને હંસા

ભાગી એ ભાગી! રખેને તેનો ચેપ ધીરજ મને વળગાડે.

જોકે ભાગતા પહેલાં ધીરજની ઘડિયાળ, વીંટી-ચેઇન જેવી દોઢ-બે લાખની મતા લઈને નીકળેલી. આમ તો એ ચોરી જ થઈ. ધીરજે એની પોલીસ-ફરિયાદ કરી હોય તો રેકૉર્ડમાં મારું નામ બોલાવાનું. એ ભયે તેણે નામ બદલ્યું, વિધવાનો વેશ ધારણ કર્યો‍...

(એ વાત જુદી કે ધીરજે ક્યારેય આવી ફરિયાદ નહોતી નોંધાવી. તેની હાલત પણ ક્યાં હતી દોડધામ કરવા જેવી? માંડ સરકારી હૉસ્પિટલમાં ભરતી થઈ યશોદાનો નંબર મેળવીને તેને તેડાવાઈ... અંતિમ મેળાપમાં પણ આ વિશે ક્યાં કહેવાયું? જરૂરે શું?)

પુરુષને ફસાવવાની ચોટ ખાધેલી હંસાએ વાસંતી નામ ધારણ કર્યું પછી કદી એવી હિમાકત ન થઈ.. જેમતેમ જિંદગી ગુજરતી ગઈ. છેવટે પાંચેક વરસ અગાઉ સ્નેહાબહેનને ત્યાં નોકરીએ લાગી ત્યારે થયું કે જીવનની ઊગતી સંધ્યાને ઠેકાણું સાંપડ્યું. ચાર આંકડાનો પગાર, આઉટ-હાઉસમાં રહેવાનું, બંગલે ખાવા-પીવાનું. તેણે સ્નેહા-નરેન્દ્રનો વિfવાસ જીતી લીધેલો. અર્ણવને તે લાડ લડાવતી. બંગલાની દેખરેખ એવી રાખતી કે સ્નેહાએ કશું જોવાનું ન રહે. આ ઉંમરે બીજું શું જોઈએ!

નરેન્દ્રની અણધારી વિદાયે તેણે સ્નેહાને સંભાળી. આઘાતના એ દિવસો પણ વીત્યા. જીવન પૂવર્વતત થયું. અર્ણવ દૂન ગયો. બંગલામાં શેઠાણી-નોકરાણી એકલાં રહ્યાં. અને એક દિવસ...

€ € €

આહ!

તનબદનમાં ઊઠતી ચળ સ્નેહાને જંપવા દેતી નથી. નરેન્દ્રની વિદાય પછી બીજું તો બધું બરાબર છે, પણ સૂની પથારી ડંખી જાય છે. નરેન્દ્રની એ જ તો ખાસિયત હતી. એક રાત તે કોરી જવા દેતો નહીં...

એવાં-એવાં કરતબ દાખવે કે - એ યાદો સ્નેહાને હંફાવી જતી, તેનું એકાંત ભડકે બળતું. અર્ણવને ખાતર પણ બીજાં લગ્ન કરવાં નહોતાં, એસ્ર્કોટ તેડાવવામાં સંસ્કાર આડા આવતા.

સેલ્ફ-સૅટિસ્ફૅક્શનમાં કોઈ પોતાને કચડે, મસળે એવું તો સંભવ ન જ બનેને. આનો શું ઉપાય?

ઉકેલ અણધાર્યો‍, અણચિંતવ્યો મળ્યો.

છ-આઠ મહિના અગાઉની એ સાંજ. સવારથી સ્નેહાનું બદન તૂટતું હતું.

‘ચાલો શેઠાણી, તમને માલિશ કરી દઉં.’

નરેન્દ્ર હતા ત્યારે બે-ચાર વાર વાસંતીએ માલિશ કરી આપેલી એ યાદે સ્નેહાએ વિના આનાકાની નિર્વસ્ત્ર થઈને બેડરૂમની ફર્શ પર લંબાવ્યું, પણ પીઠ પર જેમ-જેમ વાસંતીનાં આંગળાં દબાણ દઈ મસાજ કરતાં ગયાં એમ જુદી જ ઝણઝણાટી વર્તાવા લાગી. એકાએક ચત્તી થઈને તેણે વાસંતીનો હાથ પકડી લીધો, બેઉની નજરો મળી. શેઠાણી શું ઇચ્છે છે એ સમજાતાં વાસંતી પહેલાં તો હેબતાઈ.

‘એક્સ્ટ્રા મસાજના એક્સ્ટ્રા ચૂકવી દઈશ વાસંતી, પણ કંઈક કર!’

પૈસા. ફરી એક વાર વાસંતીની ભીતર કંઈક ઊછળ્યું. વરસો અગાઉ એક પુરુષને રીઝવીને પોતે છત્ર-સ્થિરતા મેળવવાનું સમણું પંપાળેલું. આજે એક ઔરતને રાજી કરીને એથીયે વધુ શ્રીમંતાઈ રળી શકું એમ છું હું!

આ વિચાર જ એટલો ઉન્માદપ્રેરક હતો કે જૂના અનુભવની નિષ્ફળતા પણ તેને રોકી ન શકી. શેઠાણીની ચળ ભાંગતાં વરસોથી સુષુપ્ત રહેતી તેની કામના પણ ઝંકૃત થતી ગઈ અને પછી તો

માલકિન-નોકરાણી વચ્ચે જુદા જ સંબંધની ધરી રચાતી ગઈ...

શરૂ-શરૂમાં તો બહુ આનંદપ્રેરક લાગ્યું સ્નેહાને. વાસંતી વિfવાસુ હતી, તેનીયે ભૂખ સંતોષાતી હતી. જોકે ધીરે-ધીરે ભેદ સ્પષ્ટ થવા લાગ્યો.

પ્રણયક્રીડામાં ડૉમિનેટિંગ રહેતી વાસંતી હવે રોજિંદા વહેવારમાં પણ જાણે સત્તાધીશ બનવા લાગી. આનો પ્રથમ પરચો નરેન્દ્રની પુણ્યતિથિના દિવસે મળ્યો. અનાથ બાળકો માટેના આશ્રમને નરેન્દ્રની સ્મૃતિભેટરૂપે લાખ રૂપિયાનું ડોનેશન મોકલવાનું જાણીને વાસંતી ભડકી, ‘પૈસા ઉડાવવા માટે છે? હજી નરેન્દ્રનો મોહ તને છૂટતો નથી?’

સ્નેહા સ્તબ્ધ. વાસંતીનાં આ શું તેવર!

‘એક પૈસાનું ડોનેશન નથી કરવાનું. બલ્કે એની ફિક્સ મારા નામે કરાવ. હું જ નરેન્દ્ર. શું સમજી?’

ડારો દઈને વાસંતીએ ઉમેર્યું, ‘કહેતી હોય તો દુનિયાને સમજાવી દઉં.’

તેની ગર્ભિત ધમકી સ્નેહાને કંપાવી ગઈ. નોકરાણી સાથેના મારા શારીરિક સંબંધો જાહેર થાય તો-તો... પસીને રેબઝેબ બનેલી સ્નેહા એ એક જ વારથી હંમેશ માટે વાસંતીના શરણમાં આવી ગઈ.

એથી તો વાસંતીને ફાવતું મળ્યું. અન્ય નોકરવર્ગને તે ચોંપમાં રાખતી. સત્તાનો મુગટ તેના શિરે હતો. વિવશ સ્નેહા કોચલામાં પુરાતી ગઈ, બહાર નીકળવાનું નહીંવત થઈ ગયું. રખેને વાસંતી કોઈ વાતે તમાશો બનાવી દે!

આવામાં સ્નેહા અર્ણવ માટે નાસ્તો બનાવવા તાનિયાને તેડવા ગઈ એ અસહ્ય ગુસ્તાખી હતી વાસંતી માટે : મને પૂછ્યા વિના તે ગઈ જ કેમ? અર્ણવ માટે રૂપિયાનો ધુમાડો શું કામ?

વૃંદાબહેન જેવાં પણ વાસંતીની વર્તણૂકે આઘાત પામ્યાં. તેમને દેખાડવા હસીને વાત વાળી લેવાઈ, પણ એ બનાવ પછી સ્નેહા વધુ ઉદાસ રહેવા લાગી : મને આટલો પણ હક નહીં? રાત્રે નજીક આવતી વાસંતીને તે તરછોડતી તો પેલી વધુ આક્રમક બનતી...

હું શેઠાણી નોકરાણીની ગુલામ થઈને રહી ગઈ! સ્નેહા શોષવાતી. ડિપ્રેશન ગહેરું થતું જતું હતું.

વાસંતીને એની પરવા નહોતી. બીજી વારની બાજી નકામી નહોતી થવા દેવી. તેણે એકાદ વકીલ પાસે સ્નેહાનું વિલ તૈયાર કરાવ્યું, જે પ્રમાણે સ્નેહાના દેહાંત બાદ બધી મિલકત વાસંતીના નામે થાય એવી કલમ મુખ્ય હતી.

સહી કર્યા વિના સ્નેહાનો છૂટકો નહોતો અને દીકરાનો હક બાઈને સોંપીને જીવાવાનું નહોતું. અર્ણવના આવવાના બે દિવસ અગાઉ તેમણે વાંદા મારવાની દવા ગળી... છેવટે મોંમાં ફીણ સાથે વાસંતીએ તેમને ઢળી પડતાં જોયાં ને ધ્રસકાભેર તે પાડોશમાં દોડી હતી...

જ્યાં ભૂતકાળ ભટકાણો. બધું જાણે ધૂળધાણી થવાનું હતું... ફરી વાર!

€ € €

વાસંતી ઉર્ફે હંસા ધબ દઈને બેસી પડી. કોઈને તેના પ્રત્યે સહાનુભૂતિ નહોતી.

‘ધીરજ હોય કે સ્નેહા, શરીરના રસ્તે તેં અમીરી પામવા ઇચ્છી એ બદનીયતનો આવો જ અંજામ હોય... તેં થોડા દિવસ અગાઉ નવી વસિયત બનાવડાવી, સ્નેહાના મૃત્યુ પછી બધી મિલકત તને મળે એમ લખાવ્યું ને એના ગણતરીના દિવસો પછી સ્નેહા ખુદકુશી પણ કરે તો પોલીસ એક વાર તો એમ જ માનવાની કે તેં જ તેમનું ખૂન કેમ ન કર્યું હોય! તને એટલી સમજ છે હંસા અને એટલે જ તું દોડી આવી...’

વાસંતી ઉર્ફે હંસા ધ્રૂજી ઊઠી.

‘ધીરજનો સંસાર ભંગાવ્યો, સ્નેહાને ધાકમાં રાખીને એ કૃત્યો કયાર઼્ જે કોઈ રીતે જસ્ટિફાઇડ થઈ શકે નહીં. સ્નેહાના મેન્ટલ હૅરૅસમેન્ટનો તારો ગુનો કમ નહીં થાય. હું યશોદાનો દીકરો છું...’ અતીતના સ્વરમાં સુસવાટ હતો. ‘કાયદાની જાળમાં તને એવી ફસાવીશ કે આગલા-પાછલા બધા ડંખોનો હિસાબ ચૂકતે થઈ જાય.’

વાસંતી ઢળી પડી.

€ € €

‘શી ઇઝ આઉટ ઑફ ડેન્જર.’ ત્રીજા દહાડે ડૉક્ટરોએ સ્નેહાને ભયમુક્ત જાહેર કરી. તેને વસમું તો ઘણું લાગ્યું.

પોતે ઝેરી દવા ગળતાં અગાઉ અંતિમ ચિઠ્ઠીમાં આખી આપવીતી લખતી ગયેલી. એ હિસાબે મારી એબ દીકરાથી પણ અજાણ રહી નહીં હોય... હાય રે. હું જીવી જઈશ એવી ખબર હોત તો-તો લખત જ શું કામ? લોકો - અરે, મારો પંડનો દીકરો - શું ધારતો હશે મારા માટે! ઈfવરે મને કેમ બચાવી?

‘એક ઉદાહરણ બનવા માટે.’ વૃંદાબહેને હેતથી સમજાવ્યું. ‘તારા પગલામાં માત્ર ગંદી વાસના નહોતી સ્નેહા. દીકરાના ભાવિ માટે ફરી ન પરણવાનું બલિદાન હતું, નરેન્દ્રનું સ્થાન કોઈને ન દેવાની પતિ પરાયણતા હતી - એ અર્ણવ પણ સમજ્યો છે.’

સ્નેહાની પાંપણ ભીની થઈ.

‘સાથે એ પણ ખરું કે તારી ભલમનસાઈનો ગેરલાભ લેવા માગતી વાસંતી જેવાને બક્ષવાની ન હોય. તેનું બ્લૅકમેઇલિંગ, વિલની કરતૂત જેવી બીના નજરઅંદાજ કરી ન શકાય; બલ્કે વાસંતી અસલમાં હંસા છે એ તું જાણે છે?’

સ્નેહાની કીકીમાં અચંબો અંજાયો.

‘હું તૈયાર છું દીદી.’ હંસાની કરમકથા જાણી, પોતાને સમયસર હૉસ્પિટલ પહોંચાડી જીવ બચાવવામાં

અતીત-તાનિયાની ભૂમિકા સાંભળીને સ્નેહાએ નિર્ધાર કર્યો‍, ‘વાસંતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી છે.’

આમાં કદાચ પોતે પણ ચારિhયની બદનામી વહોરવાની આવે, કેસ દરમ્યાન તેની કૂથલી પણ થાય; પરંતુ મેં જે વેઠ્યું છે એની સજા વાસંતીને મળવી જ જોઈએ એમાં મને બેમત નથી...

સ્નેહાની ફરિયાદે સમાજમાં ધીરજનો કિસ્સો ફરી ગાજ્યો, પણ છેવટે તો દીકરાનો અજંપો ઓસર્યો એ યશોદાબહેન માટે મહત્વનું. ભાંગી પડેલી હંસા તેમની સાથે કોર્ટમાં નજર પણ મિલાવી શકી નહોતી. તેની લાલચ, તેનાં કરમો તેને ક્યાં લઈ ગયાં! હવે જેલ જ તેનો અંતિમ મુકામ.

હંસાને ઘટતી સજા થઈ અને એ દિવસે અતીતને લાગ્યું કે પોતે સાવ ડંખમુક્ત બન્યો.

દરમ્યાન અતીત-તાનિયાનાં લગ્ન લેવાયાં. લગ્ન પછી તાનિયાએ રાંધવા જવાનું રહ્યું નહીં. કામ્યા-મકરંદ આજે પણ તેમનો ગણ માને છે. વૃંદામા જેવાં તાનિયાની ખુશીમાં ખુશ છે.

‘કામ્યાના કિસ્સાએ તમને મેળવ્યા ને તો અતીતનો હંસા સાથેનો છેડો સંધાયો ને છેવટે તેનો ડંખ ઊતર્યો...’ પાર ઊતર્યાની લાગણી અનુભવતાં યશોદાબહેને વહુરાણીને પોંખી, ‘આ તારાં પગલાંનો જ પ્રતા૫ તાનિયા!’

તેમણે મંદિરે દીવો કર્યો‍ ને અતીત-તાનિયા એ જ્યોતને નતમસ્ત થઈ રહ્યાં.

 (સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK