કથા-સપ્તાહ : ડંખ (ઓછાયાની છાયા : 3)

ધીરજ-હંસા. હંસા-ધીરજ.


અન્ય ભાગ વાંચો

1  |  2  3  |  4  |


લંચઅવર પછી પણ અતીતનું ચિત્ત આ જ બે નામોમાં ગોથાં ખાય છે.

બાકી પોતે પાંચ વરસનો થયો ત્યાં સુધીમાં સુખ જ સુખ હતું સંસારમાં... ત્યારે અમે બોરીવલી રહેતા. હું, પપ્પા અને મમ્મી...

અતીતે વાગોળ્યું.

ત્રણ જણનું નાનું કુટુંબ, સુખી કુટુંબ હતું. પિતા ધીરજભાઈની LICમાં સરકારી નોકરી હતી. આર્થિક સ્થિતિ સધ્ધર. માતા યશોદાબહેન ધારે તો

 બે-ત્રણ બાઈ રાખી શકે, પણ તેમણે તો નામ પૂરતી દિવસભરની એક આયા રાખી હતી. નામ તેનું હંસા.

‘હંસા પણ આપણી જેમ સૌરાષ્ટ્રની છે. પરણીને મુંબઈ આવી, પણ લફરાંબાજ ધણી લાખન જોડે લાંબું નભ્યું નહીં એટલે ફારગતી લઈને છૂટી થઈ છે. આપણે ત્યાં નોકરી કરીને પેટિયું રળે છે.’

દુખિયારી બાઈની આંતરડી ઠારવામાં યશોદાબહેને પુણ્ય જોયું. ત્યારે ક્યાં ખબર હતી કે પોતે સુખને પોતાના હાથે જ આગ ચાંપી છે!

(ખરેખર તો પેટની બળેલી હંસાને યશોદાનું દામ્પત્યસુખ કનડતું. ઈર્ષાથી તે બળી મરતી. આવામાં યશોદાને બૅકપેઇન નીકળતાં છ મહિનાનો કમ્પ્લીટ બેડરેસ્ટ આસ્યો. પોતાની ભીડ સાચવવા તેમણે હંસાને ચોવીસે કલાક ઘરે રહેવા મનાવી લીધી અને તેના રહેવા-સૂવા માટે ગેસ્ટરૂમ ફાળવી આપ્યો...

હંસાને તો જાણે માગ્યું મળ્યું. યશોદાનાં બધાં કામ તેણે ઉપાડી લીધાં. નાનકડા અતીતને તૈયાર કરીને સ્કૂલમાં મોકલવો, ધીરજનાં કપડાં-રૂમાલ રેડી રાખવાં, બ્રેકફાસ્ટ-લંચ-ડિનરનું પ્રિપરેશન. યશોદાનો તમામ કારભાર તેણે અતિકુશળપણે સંભાળી લીધો.

‘કહેવું પડે હંસાનું...’ પત્નીની હાજરીમાં ધીરજભાઈ હંસાને વખાણી લેતા, ‘તારી કમી અમને વર્તાવા દેતી નથી.’

સિવાય એક બાબત - કામ!

પથારીમાં પડેલાં યશોદા શેઠાણી માલિક માટે અસ્પૃશ્ય બન્યાં ગણાય... ત્રીસીમાં પ્રવેશેલો પુરુષ કંઈ ‘કામ’કાજથી નિવૃત્ત થયેલો ન હોય. તેની ક્ષુધા સંતોષવાનું સાધન હું બની જાઉં તો શેઠાણીને દૂધમાંથી માખીની જેમ કાઢતાં કેટલી વાર. ધીરજમાં લાખન જેવા ઐયાશીના ગુણ નહોતા. એક વાર એ મારા પાલવડે બંધાય પછી ફરી બીજે ક્યાંય ભટકવા નહીં દઉં હું.

હકીકત તો એ હતી કે કામ હંસાનેય ચટકા ભરતો હતો. પતિ મરદમાં ખપે એવો જોરાવર હતો. માર્કેટમાં તેની એટલી ડિમાન્ડ હતી કે ચોમાસાનાં અમુક છાંટણાં જ હંસાને તો નસીબ થતાં. તેનાં લફરાંથી કંટાળીને પોતે છૂટી ભલે થઈ, એથી કામનાનો મૂળભૂત તરફડાટ શાંત થવાનો નહોતો...

આવામાં હવે યશોદાની બીમારી અને પુરુષને, તેના સંસારને પોતાનો કરવા મળેલી તક.

હંસાએ એને આબાદ ઝડપી. પહેલાં તો તેણે ધીરજને પીરસતી વેળા સાડીનો છેડો સરકાવવા જેવાં કૃત્યોથી પુરુષની વાસનાને પંપાળી, રમાડી, રણઝણાવી. પછી જે બનવું ઘટે એ બન્યું...

શનિની એક રાત્રે અતીતને પોતાની રૂમમાં સુવાડીને તેણે તેની જગ્યાએ નિર્વસ્ત્ર થઈને માસ્ટર બેડરૂમના બેડ પર લંબાવી માથે ઓઢી લીધું. બીજી રૂમમાં પત્નીને સુવાડીને ધીરજ પોતાની રૂમમાં આવ્યા, દીકરાનું ઓઢવાનું સરખું કરતાં ચમકી જવાયું : હંસા તું!

હંસાને પણ જાણે હમણાં જ ધ્યાન પહોંચ્યું હોય એમ જાગ્રત થઈ : તમે આવી ગયા! તેણે ચારસો હટાવ્યો અને તેના ઉન્નત ઉરજો ઉઘાડા થઈ ગયા.

પત્યું. પુરુષને વધુ ઇજન ન હોય. કામનાનાં બે કેન્દ્રબિંદુઓ એક થયાં.

પછી પુરુષથી કોરા, આઘેરા રહેવાય એવું રહ્યું નહીં. પત્ની-પુત્રથી છાનો એ બાઈ સાથે હમબિસ્તાર થતો ગયો - એક લેત જેવી વળગી.

હંસાને આનો ખુમાર રહેવા લાગ્યો. ઘરનો માલિક જેની મુઠ્ઠીમાં હોય તે કામવાળી નહીં, માલિકન જ ગણાય... આનો પડઘો તેના વર્તનમાં પડઘાવા લાગ્યો. અતીત પ્રત્યે તેની બેદરકારી વધી. યશોદાને કશું કામ હોય તો તોછડાઈથી કહી દે : પલંગમાં પડી-પડી મારો જીવ ન ખા... પણ જેવો ધીરજ ઑફિસથી આવે કે મધમીઠી થઈને તેની આગતા-સ્વાગતા કરે, તેની ક્ષુધા રીઝવી (બનાવટી) અશ્રુ પણ સારે : તમારી બૈરીથી તો તોબા... મને એવી તો હેરાન કરે છે!

પરિણામે પછી ધીરજ પત્નીના કમરામાં જાય, યશોદા હંસાના પલટાતા તેવરની વાત કાઢે એટલે ઊકળી ઊઠે : તારો સ્વભાવ જરા સુધાર યશોદા. હંસા બિચારી આટલું કરે છે એનો ગણ તને દેખાતો નથી!

પતિના રોષે યશોદાની જીભ ઝલાઈ જાય. બારણા પાછળ ઊભી હંસા એથી હરખાઈ લે. વાસનાપૂર્તિને પ્રણયનું નામ દઈને પુરુષને પલોટ્યો છે. હવે બસ, ધીરજને ડિવૉર્સ માટે સમજાવવાનો હતો... લગ્ન પછી અતીતને બોર્ડિંગમાં મૂકી દેવાનો, સાવકા છોકરાની માયા મારે લગાડવી નથી. એ વિશે ધીરજને

ધીરે-ધીરે પટાવાશે, પહેલું કામ છૂટાછેડાનું.

પણ હાય રે. એ પગલું લેવાય એ પહેલાં પતિ-આયાનું સહશયન યશોદાની આંખે ચડી ગયું!

ખરેખર તો યશોદાને હંસાનો, પતિનો બદલાવ સમજાતો નહોતો. તેની પત્નીસહજ ઇન્દ્રિય જાગી હતી અને રવિની એ રાત્રે પરાણે ઊઠીને તેણે માસ્ટર બેડરૂમમાં ડોકિયું કરતાં ચીખી જવાયું : ધી...ર...જ!

વાસનામાં રત બનેલા બેઉ ભડક્યા, ફટાફટ વસ્ત્રો ચડાવીને ધીરજ પત્ની તરફ દોડ્યો, ‘યશોદા, થયું એવું કે...’

ધીરજ બહાનાં ઊપજાવે, પત્નીને મનાવે એ હંસાથી સહ્યું ન ગયું. ‘આમ પાપ કર્યું હોય એમ હેબતાઓ છો શાના ધીરજ. કહી દો યશોદાને કે મારું દિલ હંસામાં લાગ્યું છે. તારા માટે મારા હૃદયમાં, સંસારમાં કોઈ સ્થાન નથી.’

વીજળી જેવી પડી. ઘોંઘાટથી જાગીને અતીત પણ આંખ ચોળતો હૉલમાં આવી ઊભો. કેટલું અસંબદ્ધ દૃશ્ય હતું એ! 

અત્યારે પણ અતીત સાંભરી રહ્યો : એ ઉંમરે તો એટલું જ સમજાયું હતું કે માએ પપ્પા-હંસાબહેનને કશુંક ખોટું કરતાં પકડ્યાં હતાં અને વાત માના ઘર છોડવા સુધી પહોંચી હતી. ડઘાયેલો હું માને વળગી પડ્યો હતો : હું તને નહીં જવા દઉં મા...

માએ ઘૂંટણિયે ગોઠવાઈને પહેલાં મારાં અને પછી પોતાનાં અશ્રુ લૂછ્યાં હતાં, ‘જેને પરમેશ્વર માનીને પૂજ્યો તે પામર નીકળ્યો. મારું મંદિર ધ્વસ્ત થયું, મારો દેવતા ભ્રષ્ટ થયો. મારી અયોધ્યા લંકા બની ગઈ છે અતીત. એમાં ન હું રહું, ન તને રહેવા દઉં.’

માનો વલોપાત પપ્પાના હૈયે દાઝ્યો કે શું, તે બોલી ઊઠ્યા, ‘તમારે બેએ ક્યાંય જવાની જરૂર નથી... હંસાને લઈને હું જ નીકળી જાઉં છું... જાણું છું યશોદા કે તારા સ્વમાનને આ નહીં રુચે, પણ અતીતના ભવિષ્ય ખાતર મારું આટલું વેણ રાખ.’

ત્યારે મા કૂણી પડી. હંસા હાકાબાકા જેવી થઈ. ઘર છોડવાનું તેને રુચ્યું નહીં, પણ પપ્પાના તેવર જ એવા હતા કે દલીલથી વાત બગડવાનો સંભવ વધુ હતો. તેણે કદાચ એવું પણ માન્યું હોય કે પુરુષ પડખે હોય તો બીજું ઘર કરતાં કેટલી વાર!

‘ચાલો ધીરજ, તમારી સાથે હું ફુટપાથ પર પણ રહી લઈશ.’

મહાન ત્યાગનો દેખાવ કરીને તે પિતાનો હાથ થામીને નીકળી તો ખરી, પણ બે જ વરસમાં તેના કહેવાતા પ્રણયનો પરપોટો ફૂટી ગયો...

પપ્પાએ વિધિવત છૂટાછેડા સાથે ઘર, મિલકત બધું મારા નામે કરી આપ્યું. જોકે જે ઘરમાં સંસાર માંડ્યો અને પછીથી જ્યાં પતિએ પરસ્ત્રી સાથે રાગ માણ્યો ત્યાં તો રહેવાય એમ હતું જ નહીં એટલે બધું વેચી-સાટીને અમે મા-દીકરો વિરાર શિફ્ટ થયાં... ઈશ્વરની આરાધના અને મારી કાળજી માના જીવનનું કેન્દ્ર બની ગઈ. માના ઘા મારથી સાવ અજાણ્યા નહોતા.

ડિવૉર્સ પછી ધીરજ હંસા જોડે ભાયખલાની ભાડાની ખોલીમાં રહેતા હોવા જેટલી માહિતી હતી. એથી વિશેષ ખેરખબર રાખવી પણ કેમ?

ખબર સામેથી આવી હતી... માથી છૂટા થયાનાં બે વરસ પછી પપ્પાએ ફોન રણકાવ્યો હતો, ‘યશોદા, મારા જીવનનો ઓવારો આવી ગયો... સરકારી હૉસ્પિટલમાં ગુપ્ત રોગનો માર્યો‍ મરી રહ્યો છું... બચવાની ઉમ્મીદ નથી, જિજીવિષા પણ કેમ હોય? નર્સ પણ જેનાથી મોં ફેરવી લે છે એવા આ દરદીને તું મળવા આવી શકે તો હૃદયપૂર્વક તારી માફી માગવાની જ એક અંતિમ ઇચ્છા રહી છે.’

ધીરજના સ્વરમાં પારાવાર પસ્તાવો હતો. મા માટે એ ધર્મસંકટ સમાન હતું. ધીરજની વાતોમાં હંસાનો ક્યાંય ઉલ્લેખ નહોતો. હું જઉં ને બાઈ બધાની વચ્ચે મારા પર તૂટી પડે તો!

પણ એમ તો મૃત્યુના આરે ઊભેલા આદમીની અંતિમ ઇચ્છાનો અનાદર પણ કેમ કરવો? ગમે તેમ તોય તે મારા પતિ, મારા બાળકના પિતા... તેમનો જીવ મારી માફી માટે ટક્યો હોય તો તેમની મુક્તિ માટે પણ મારે જવું જોઈએ!

અને મા ગઈ... કેવી હતી એ મુલાકાત? અતીત સમક્ષ દૃશ્ય ઊપસ્યું.

€ € €

ભાયખલાની સરકારી હૉસ્પિટલના પેશન્ટ્સથી ખદબદતા જનરલ વૉર્ડમાં ધીરજની ભાળ કાઢતાં યશોદા હાયકારો નાખી ગઈ.

તદ્દન કૃશ કાયા, માથાના ઊતરી ગયેલા વાળ, શરીર પર ફૂટેલાં ગૂમડાંઓ પર બણબણતી માખ...

‘આ શું હાલત કરી તમે ધીરજ!’ યશોદાની પાંપણ ભીની થઈ. આ પળે ધીરજની બેવફાઈનો ડંખ રહ્યો નહીં, ધિક્કાર સળવળ્યો નહીં.

‘મારી નજીક ન આવીશ યશોદા. હું ચેપ ફેલાવતું મશીન બની ગયો છું.’ ધીરજની આંખો પણ કોરી ન રહી, ‘મારા ગુનાની સજા મળી ગઈ મને...’

‘એ બધું મનમાં ન રાખો ધીરજ.’ યશોદા કોરાધાકોર થઈ ગયાં, ‘મારા મનમાં એની રંજિશ નથી, રોષ નથી, ફરિયાદ નથી.’

‘તું દેવી છે યશોદા...’ ધીરજે નિ:fવાસ નાખ્યો, ‘હંસા ડાકણ નીકળી...’

મહાન ઠરવાની લાયમાં હંસા ધીરજ સાથે ચાલી તો નીકળી, પણ બધું જ યશોદાને દેવાનું ધીરજનું પગલું રુચ્યું નહીં.

‘ભાડાની ખોલીમાં જન્મારો કાઢવા મેં તમને નહોતા લપસાવ્યા...’

મિલકત યશોદાની ન થવા દેવા તે ઝઘડો માંડતી, અનાપસનાપ બોલતી એમાં મનનું ક૫ટ પણ ઉલેચાઈ ગયું. અમારી વચ્ચેનો પહેલો સમાગમ આકસ્મિક નહોતો. હંસાએ યોજનાબદ્ધ રીતે મને ચલિત કર્યાનું સમજાતાં ધીરજના પગ હેઠળથી જમીન સરકી ગઈ...

‘પણ એથી હું ચેત્યોય ખરો હં. તેને પરણ્યો નથી એટલે મારા પેન્શન પર અતીતનો જ હક રહેશે... હંસાને મારી દરકાર પણ નથી. છ માસ અગાઉ મને ગુપ્ત વ્યાધિ વળગ્યો એ જાણી ભડકીને એવી ભાગી કે ક્યાં હશે એ રામ જાણે.’

બિચારી હંસા. થાળે પડવા સીધી રીતે કોઈ પુરુષને પરણી હોત તો સુખી હોત, પણ બીજાના સુખ પર નજર બગાડનાર કદી સુખી થતો નથી એ સત્ય તેને અનુભવે જ સમજાવાનું હશે! છેવટે તો ખોટું કરનારે પસ્તાવાનું જ રહે છે.

‘રામમાંથી રાવણ બન્યાની સજા મને પણ મળી ગઈ યશોદા... તું માફી દે તો વૈકુંઠ સિધાઉં. ’

યશોદા આંખો મીંચી ગઈ, ‘સિધાવો ધીરજ, મારા તરફથી તમે મુક્ત છો.’

€ € €

અને બીજી બપોરે ધીરજે દેહ છાડ્યો... એને આજકાલ કરતાં વીસ વરસનાં વહાણાં વાયાં. ત્યારે ત્રીસની હંસા જો જીવતી હોય તો પચાસની થઈ હશે.

સમજ કેળવાયા પછી માએ કશું છુપાવ્યું નહોતું. તે તો નિ:સ્પૃહ થઈ ચૂકી, પણ મારાથી ડંખ ભુલાતો નથી. ધીરજને મેં પિતાનો હક આપ્યો નથી. ન તેના અગ્નિસંસ્કાર કર્યા, ન કદી શ્રાદ્ધ કરવા દીધું. માનો એવો આગ્રહ પણ નહોતો. તેની તસવીર પણ રાખી નથી. મારા નામ પાછળ મારા નાનાનું નામ લાગે છે. માના ડિવૉર્સ પછી પિતાના નામની જરૂર પણ શી?

વર્તમાનની કડી સાંધતાં અતીતે પાંપણ લૂછી.

પુરુષ તો તેની સજા ભોગવીને ઊકલી ગયો, પણ હંસાનું શું? માના સુખમાં પલીતો ચાંપનારીને દીકરા તરીકે હું બક્ષી કેમ શકું?

ઇન્સ્પેક્ટર બન્યા પછી ઘણી વાર તેની ભાળ કાઢવાની કોશિશ કરી છે, પણ હજી સફળતા મળી નથી. એક વાર તેનો ભેટો થાય, જનમભરનો ધિક્કાર ભેગો કરીને હું તેના મોં પર થૂંકું; બસ, એટલું જ કરવું છે.

€ € €

‘ઇન્સ્પેક્ટર અતીત?’

મીઠા સ્વરે અતીત ઝબક્યો. ભૂતકાળની ભૂતાવળમાંથી સ્વસ્થ થતાં સહેજ વાર લાગી. સામે ઊભેલી રૂપસુંદરીને તે પળ પૂરતો એમ જ નિહાળી રહ્યો.

‘મારું નામ તાનિયા.’

‘ઓહ, બેસોને...’ ખુરસી ચીંધતાં અતીતની અલર્ટનેસ જાગી : તાનિયા નામ ક્યાંક સાંભળ્યું છે.

‘હું મિસિસ કામ્યા બક્ષીની કુક.’

ઓહ!

€ € €

ત્યારે સ્નેહલતાના બંગલે...

‘આ લે...’ કહીને પેન-દસ્તાવેજ ધરતી વાસંતીએ હુકમ દેવાની ઢબે કહ્યું, ‘તારી સહી કર શેઠાણી. ’

‘પણ આ છે શું?’ સ્નેહાબહેન મૂંઝાણાં.

‘તારું વિલ.’

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK