કથા-સપ્તાહ : ડંખ (ઓછાયાની છાયા : 2)

‘મારી ફરિયાદ નોંધો સાહેબ...’અન્ય ભાગ વાંચો

1  |  2  3  |


ઇન્સ્પેક્ટરની વર્દીમાં અત્યંત કામણગારો એવો જ પ્રભાવશાળી જણાતો અતીત થાણામાં દાખલ થયો એવો જ સ્ટાફ અદબમાં આવી ગયો. અતીતનું વ્યક્તિત્વ જ એવું હતું કે અજાણ્યો તો તેને ઉપરી જ ધારી લે... તીક્ષ્ણ બુદ્ધિમત્તા, ચિત્તા જેવી ચપળતા અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા તેને નિરાળો બનાવતી. લાંચ જેવાં દૂષણોથી મુક્ત અધિકારીને પીઠ પાછળ વેદિયો કહેનારા લોકોએ પણ અટપટા કેસમાં તેની સલાહ લેવી પડે એવી અતીતની મહત્તા હતી.

તેની હાજરીને કારણે બાજુના ટેબલ પર ત્રીસેક વરસની મહિલાની ફરિયાદ નોંધતો

સબ-ઇન્સ્પેક્ટર વિવેક જોશી પણ અલર્ટ થઈ ગયો.

‘તમારી ફરિયાદ ચોરીની છે મિસિસ કામ્યા. ગઈ કાલે રવિવારે તમારી ફૅમિલી સવારના દસેક વાગ્યાથી મૅરેજમાં વિરારથી મુંબઈ સેન્ટ્રલ ગઈ હતી. આખા દિવસની તમારી ગેરહાજરીમાં ઘરે માત્ર આયા હાજર હતી.’

આયા. પોતાની બેઠકે ગોઠવાતો અતીત ચમક્યો.

‘તમે, તમારા હસબન્ડ મકરંદ અને ત્રણ વરસનો તમારો દીકરો રાત્રે નવેક વાગ્યે પાછા આવ્યાં ત્યારે પણ આયા મીઠી ઘરે જ હતી; પણ કબાટની તિજોરીમાં રહેલા ત્રીસ હજાર રૂપિયા ગાયબ હતા.’

‘જી...’

‘તમારી ગેરહાજરીમાં ઘરે કોઈ આવ્યું પણ નથી.’

‘જી. આવવામાં તો એક રાંધનારી તાનિયા હોય, પણ કાલે અમારે મૅરેજમાં જવાનું હોવાથી સવારે મારી હાજરીમાં જ તે આવી ત્યારે જ મીઠી પૂરતી સાંજની રસોઈ પણ બનાવડાવી દીધેલી એટલે ફરી તેણે પણ આવવાનું રહ્યું નહીં. ’

‘તો આમાં ગૂંચવણ શું છે? સીધી વાત છે કે આયાએ જ પૈસા તફડાવ્યા હોય.’

‘નહીં... નહીં...’ કામ્યાએ મક્કમ ઇનકાર જતાવ્યો, ‘મીઠી અમારે ત્યાં દસેક વરસથી કામ કરે છે. આનાથીયે વધુ મતા તેના ભરોસે છોડીને અમે ઘણી વાર ગયા છીએ. અગાઉ કદી આવું બન્યું નથી. મારા પિયરની વરસો જૂની નોકરાણી વિશ્વાસઘાત કરે એ મારા ગળે

ઊતરતું નથી.’

કામ્યાએ વાત માંડી, ‘મારા-મકરંદનાં લવમૅરેજ છે. અમારી કાપડની દુકાન છે. જોકે ઘર-બિઝનેસ બધું મારા પપ્પાનું છે. મારા પેરન્ટ્સ હયાત નથી એટલે દુકાન મકરંદ સંભાળે છે, પણ રૂપિયા-પૈસાનો વહેવાર મારા હસ્તક રહે છે.’

‘બટ નૅચરલ...’ જોશીએ અમથું

જ કહ્યું.

‘હં તો...’ કામ્યાએ ટટ્ટાર ગરદને ઉમેર્યું, ‘ગઈ કાલે અમારા આવ્યા બાદ મીઠી તેના ઘરે જવા નીકળી. તેના વર્તનમાં, તેના ચહેરા પર વરસોની વફાદારીને લૂણ લગાવ્યાની લકીર સુધ્ધાં નહોતી. બીજી સવારે મારે હસબન્ડને થડા માટે વીસેક હજારની હાર્ડ કૅશ દેવાની હતી. સૂતા પહેલાં મેં કૅશ કાઢવા કબાટ ખોલ્યું, અંદર રહેલી તિજોરી ખોલી; પણ હાય રે. કૅશ ગાયબ હતી! કબાટ-તિજોરીની ચાવી મારી પાસે હતી. એ તોડાયાં કે તૂટ્યાં નથી અર્થાત ચાવીથી જ ઊઘડ્યાં હોય...’

‘શક્ય છે કે તમારી નોકરાણીએ ડુપ્લિકેટ ચાવી બનાવી રાખી હોય.’

‘પણ કૅશ સાથે દોઢ-બે લાખની મારી જ્વેલરી જોકે અકબંધ હતી સ૨. મીઠીએ હાથ સાફ કરવો જ હોય તો ઘરેણાં શું કામ છોડે?’

‘તમારી દલીલમાં તથ્ય છે મિસિસ કામ્યા...’ હવે અતીતે ઝંપલાવ્યું, ‘પરંતુ પોલીસને ઊંધા રવાડે ચડાવવા ચોરો આવું ગતકડું કરતા હોય છે.’ તેનાં જડબાં તંગ થયાં, ‘બાકી કામવાળી જૂની હોય અને વિશ્વાસુ હોય એટલે ધોકો ન જ દે એવો કોઈ નિયમ નથી અને મને તો આનો સૌથી વસમો અનુભવ છે.’

કોઈથી પુછાયું નહીં કે કેવો અનુભવ?

‘જોશી...’ અતીતે ચપટી વગાડી, ‘મીઠીને પકડી મગાવી સોનાક્ષીને સોંપી દો.’

સોનાક્ષી ગુપ્તા મારફાડ લેડી ઑફિસર હતી. તેની એક ફેંટથી ભલભલા ગુનેગારોની ફેં ફાટી જતી...

‘મીઠીને પણ કબૂલાત કરતાં બીજી સેકન્ડ નહીં લાગે.’

કામ્યા સહેમી ઊઠી. તેણે કહેવું હતું કે આમ થર્ડ ડિગ્રી અજમાવીને તમે નિર્દોષને દોષી કરાર દઈ ન શકો ઑફિસર... પણ અતીતનો રુઆબ જ એવો હતો કે જીભ ઝલાઈ ગઈ.

‘તમારી ફરિયાદ નોંધાઈ ચૂકી છે કામ્યાદેવી...’ અતીતનો રણકો એવો જ રહ્યો, ‘હવે ગુનેગારને કેમ ઝડપવો એ અમારા પર છોડી દો.’

‘જી...’ કામ્યા બીજું કહી પણ શું શકે?

€ € €

વરસો જૂની નોકરાણી. વિશ્વાસુ નોકરાણી.

ફરિયાદ નોંધાવીને કામ્યાને થાણા છોડ્યાને કલાક થવાનો, પણ અતીતના દિમાગમાં ફૂંકાતો ઝંઝાવાત શમ્યો નથી.

પણ એનો અણસાર કોઈને અપાય એમ પણ નથી. કેમ કહેવું કોઈને કે મારી માના સુખ પર, સુહાગ પર છાપો મારનારી પણ અમારી વરસો જૂની વિશ્વાસુ કામવાળી જ હતી!

ધમધમાટી બોલી ગઈ. એકસાથે બે નામનું ચક્કર ઘૂમવા લાગ્યું : ધીરજ અને હંસા. હંસા અને ધીરજ.

આમાંનો પુરુષ તો ગુપ્ત રોગમાં હોમાઈને મરણને શરણ થયો, પણ સ્ત્રી ક્યાં? ગુમનામ થયેલી સ્ત્રી જીવતી હોય અને મળી આવે તો...

અતીતે ઊંડો શ્વાસ લીધો.

€ € €

‘મકરંદ, તમને તો જાણે ચોરીમાં રસ

જ નથી.’

કિચનમાં બટાટાવડાંનો ઘાણ ઉતારતી તાનિયા પડખેના ડાઇનિંગ હૉલમાં ગોઠવાઈને પતિ સાથે મોબાઇલ પર ચૅટ કરતી કામ્યા શેઠાણીનો બળાપો સાંભળી રહી.

તાનિયાના શેડ્યુલમાં કોઈ રજાનો દિવસ નહોતો. હા, રવિની સાંજે મોટા ભાગના લોકો હવે હોટેલ-પાર્ટીમાં જતા હોય એટલે સાંજની વેળા રસોડાં ઓછાં થાય ખરાં.

વિ૨ા૨ની કામ્યા ત્રણ બેડરૂમના લક્ઝુરિયસ ફ્લૅટમાં શેઠાણીની જેમ રહેતી. બ્યુટી-પાર્લર અને કીટી પાર્ટીઓ તેની મુખ્ય ઍક્ટિવિટીઝ. મકરંદ સાથે લવમૅરેજ હોવા છતાં પિતાની દોલતનો મુખત્યાર છોડ્યો નથી, અમીરી પોતાના પિતાને કારણે છે એ મકરંદને પણ જતાવવાનું ચૂકતી નથી. કેટલીક સ્ત્રીઓ આને પતિને કાબૂમાં રાખવાની ગુરુચાવી માનતી હોય છે. કામ્યા એમાંની એક. ચાલીસેકની નોકરાણી મીઠી વરસો જૂની, વિશ્વાસુ છે એટલે ત્રણ વરસના દીકરા રાજુનેય ક્યારેક તેના ભરોસે મૂકીને નીકળી પડતી હોય છે... છએક મહિનાથી પોતે તેનું કામ બાંધ્યું છે, પણ હરામ બરાબર જો પોતાની હાજરીમાં તેણે કદી રસોડામાં પગ મૂક્યો હોય!

રસોઈ કરતી તાનિયાને ગૃહિણીનો, તેની ગૃહસ્થીનો સાચો અંદાજ મળી રહેતો. જોકે કાને અફળાતી વાતોને પચાવીને મમળાવાનો તેનો સ્વભાવ નહોતો.

પેણીમાં નવો ઘાણ નાખતી તાનિયાએ દમ ભીડ્યો:

ગઈ કાલના રવિવારે કામ્યા શેઠાણીને ત્યાં કશો ચોરીનો મામલો બન્યાનું કળાય છે. કામ્યા હજી થોડી વાર પહેલાં જ થાણામાં ફરિયાદ નોંધાવીને ઘરે આવી છે. ત્યાંના ઇન્સ્પેક્ટરે મીઠી પર આંગળી ચીંધી હોવાનું કામ્યાના ગળે નથી ઊતરતું. તે બિચારી મીઠી માટે પરેશાન છે, પણ ધંધે બેઠેલા મકરંદને આ બધી પંચાતનો અત્યારે સમય નહીં હોય અને તેનો ઠંડો રિસ્પૉન્સ કામ્યાને અકળાવે છે.

‘જાણું છું કે ત્રીસ હજાર કંઈ એવી જાજરમાન રકમ ન ગણાય, પણ એથી એના ચોરાયાની ફરિયાદ પણ ન નોંધાવવાની તમારી આળસ સાથે હું સંમત નહોતી એટલે એકલા પોલીસ-સ્ટેશન જઈને મેં ફરિયાદ લખાવી એ પણ તમને ગમ્યું લાગતું નથી.’

તાનિયાના હોઠ સહેજ મરકી ગયા. નૅચરલી, આપણે ત્યાં કાયદાની, પોલીસની હેલ્પ લેવી એટલી કડાકૂટભર્યું કામ છે કે નાનાઅમથા નુકસાન માટે સામાન્ય માણસ એ રસ્તે જવા પણ ન માગે... મકરંદે પણ આવું જ કંઈક વિચારીને માંડવાળ રાખ્યું હશે! કદાચ એવું પણ કહ્યું હોય કે તારા બાપના પૈસાનું તું જાણે! પત્નીનો કન્ટ્રોલ પતિને નહીં જ પજવતો હોય એવું શું કામ માનવું, ભલે એ દૃશ્યમાન ન હોય!

‘મકરંદ, મીઠીએ કદી રાજુને નુકસાન નથી પહોંચાડ્યું. તે ભલી ઔરત ચોરીના આરોપમાં ઝડપાય એ તો તેના અપમાન બરાબર છે.’

‘માન કે અપમાનનું તારે પહેલાં વિચારવું હતું. દોઢડાહી થઈને ફરિયાદ નોંધાવવાની થઈ તો હવે ભોગવ.’

મકરંદના શબ્દો તો તાનિયાને સંભળાયા નહીં, પણ મોબાઇલ બંધ કરતી કામ્યાની નિરાશા તે અનુભવી શકી.

ક્યાંક તેની હતાશામાં તાનિયાને સચ્ચાઈ જણાઈ. મીઠી વરસોથી અહીં કામ કરે છે. તેનામાં કપટ, લુચ્ચાઈ નથી. મૅડમ મને ભલે વર્કરની જેમ ટ્રીટ કરે, મીઠી પર તો તેમના ચાર હાથ છે. આખા ઘરનાં કચરાપોતાંથી માંડીને દરેક પરચૂરણ કામ કરતી આખા દિવસની આયાની તેમને ગરજ પણ છે. આવા ચોખ્ખા નોકર-ચાકર આજે મળે છે ક્યાં?

આવામાં ત્રીસ હજારની ચોરીનો બનાવ. સારું છે કે પોતે કાલે સાંજે આવવાનું ન થયું, નહીંતર ધેટ ઇન્સ્પેક્ટર મનેય સસ્પેક્ટ તરીકે પકડત તો બિચારી માની શું હાલત થાત!

પણ એમ તો વિના કારણ મીઠીની ધરપકડ પણ કેમ થવા દેવાય? એય બિચારી આજે આવ્યા બાદ ચોરીનું, ફરિયાદનું સાંભળીને ટૂંટિયું વાળીને રોવા બેઠી છે : મેં કંઈ નથી કર્યું શેઠાણી, રૂપિયા-પૈસાની મને નથી ખબર!

ઘરમાં બધાંનાં મન ઊંચાં છે ને છતાં હું બટાટાવડાં તળું છું એય સંસારની કેવી વક્રતા! છેલ્લો ઘાણ કાઢીને તાનિયાએ ગૅસ બંધ કર્યો‍. નીકળતાં પહેલાં ચોકડી આગળ બેઠેલી મીઠીને મળી : ‘ચિંતા ન કરશો મીઠીબહેન, તમારા રહેતાં ચોરી થઈ એ તો સાચુંને.’

મીઠીએ હીબકાં ભર્યાં, ‘ચોરી મેં નથી કરી તો કોણે કરી?’

પ્રશ્ન તાનિયાના અંતરમાં કોતરાઈ ગયો અને પછી જવાબના ઝબકારાએ તેને થીજવી દીધી!

€ € €

‘મને તો કંઈ સમજાતું નથી.’

જમવા ટાણે વૃંદાબહેને સ્નેહા-વાસંતીની વાત છેડી. પતિ-પત્નીને ભાણે બેસાડીને તાનિયા ગરમાગરમ ફૂલકા ઉતારીને પીરસતી હતી.

‘સ્નેહા બિચારી તને તેડવા આવી હતી તાનિયા, પણ પાછળ આવેલી વાસંતી એવા તેવરમાં હતી જાણે શેઠાણી તે પોતે હોય!’

તાનિયાને થયું કે આજે ઘટનાઓનો દિવસ છે. કામ્યા મૅડમને ત્યાં ચોરીનો કિસ્સો, અહીં શેઠાણી-કૅરટેકર વચ્ચેનો પલટભાવ...

હું અહીં વરસેકથી આવું છું. સ્નેહાબહેનના પતિનું એ અગાઉ ડેથ થઈ ચૂકેલું. ઓછાબોલાં સ્નેહાબહેનને અલપઝલપ જોયાં છે. વૃંદામા કહે છે એમ થોડા મહિનાથી ભાગ્યે જ તે ઘરબહાર દેખાયાં છે. વાસંતી ક્વચિત ભટકાઈ જાય તો હસી લે ખરી. હાલ ટેન્થમાં ભણતા અર્ણવને સમર વેકેશનમાં આવેલો ત્યારે જોયેલો... હસમુખો, મિલનસાર અને તરવરિયો છોકરો.

આમાં હવે નવો ફણગો. તાનિયા એકાગ્ર બની.

‘મને તો સ્નેહા ડિપ્રેશનમાં લાગી : દીકરો દૂર, પતિ સ્વર્ગવાસી. મનોમન હિજરાતી હોય, પાછી એકલપેટી અને રાજા નબળો પડે ત્યાં સેનાપતિને સત્તાપલટો કરતાં વાર નથી લાગતી.’

વૃંદામા સૂઝવાળાં છે. તેમના નિરીક્ષણમાં કહેવાપણું ન હોય.

‘વાસંતી પાંચેક વરસથી અહીં છે. બાઈ વિધવા અને એકલપંડી છે એટલી જાણ. તેના વિશે વધુ જાણવાની આપણને જરૂરે શી હોય! બાકી તેના ભરોસે નરેન્દ્ર-સ્નેહા ઘર છોડતાં એ તો મારા સ્મરણમાં છે. બાઈ તેમની વિશ્વાસુ તો ખરી જ. નરેન્દ્રના દેહાંત પછી સ્નેહાનો સૌથી મજબૂત સહારો બની ગઈ. સ્નેહાને સંસારમાં દીકરા સિવાય બીજું છે પણ કોણ? જોકે વાસંતી એથી મર્યાદા ચૂકે એ ન ચાલે. તે અર્ણવ માટે નાસ્તા બનાવવાની માની હોંશને પડકારે; અરે, પૈસાના બગાડ તરીકે વર્ણવે એ ચલેવી જ કેમ લેવાય?’

‘જે સાંભળતાં આપણું લોહી ઊકળી આવે એ સ્નેહાબહેને ચૂપચાપ સાંભળી લીધું?’

‘મને ડઘાયેલી જોઈને વાસંતીએ જ પછી તો હું મજાક કરું છું કરી વાત વાળી લીધી અને સ્નેહા પણ ખોટું-ખોટું હસીને તેની સાથે રવાના થઈ... મેં પૂ્છ્યું કે તાનિયા આવે તો તારે ત્યાં મોકલુંને? જવાબમાં તેણે કહ્યું કે હું તમને પછી ફોન કરીશ... તેનો ફોન હજી આવ્યો નથી એ શું સૂચવે છે?’

તેમના પ્રશ્નમાં જ જવાબ હતો.

‘હું તો કહું છું મહાદેવ કે અર્ણવ આવે ત્યારે, દિવાળીના ગૅધરિંગમાં આપણે બે-ચાર જણે આગેવાની લઈ સ્નેહાની સ્થિતિ જાણી, ડિપ્રેશન જેવું હોય તો તેની સારવાર કરાવવી જોઈએ.’

પાડોશીધર્મ તરીકે પણ આટલું તો થવું ઘટે... પછી વાતનું વહેણ બદલાયું.

‘આજે મને ઘરે પહોંચતાં થોડું મોડું થવાનું... ’ તાનિયાએ કહ્યું, ‘કેમ કે પોલીસ-સ્ટેશન થઈને જવાનું છે.’

હેં. વૃંદામા, મહાદેવભાઈ સરખાં ચોંક્યાં.

‘વાત એમ છે કે...’ ચોરીનો કિસ્સો અને એનું પોતાનું વિfલેષણ કહીને તાનિયાએ ઉમેર્યું, ‘મને એટલું થાય છે કે મારો તર્ક મારે ઇન્સ્પેક્ટરને કહેવો તો જોઈએ.’

આમાં ઇનકાર શું કામ હોય? જાગરૂક નાગરિક તરીકે આપણે આપણી ફરજમાં ચૂકવું ન જોઈએ.

પોતાનું પગલું જીવનમાં કયો રંગ ભરશે એની તો તાનિયાને પણ ક્યાં ખબર હતી?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK