કથા-સપ્તાહ : ચાંદની - (ક્વીન ઑફ સિલ્વર સ્ક્રીન - 5)

નહીં, ચાંદની બદલાઈ છે.

અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5


ચાંદની અત્યારે જ્વાલાસિંહને ઉલ્લેખે છે એમાં પણ મને બૂ આવે છે - મારું પાપ તેને પરખાયાની બૂ.

બટ હાઉ? બેશક, તેને તાજેતરમાં જ જાણ થઈ હોય... મૉરિશ્યસના વસવાટમાં એવું શું બન્યું?

ચાંદની સાથે કંઈ પણ કરતાં પહેલાં આની થોડી તપાસ કરી લેવી ઘટે...

‘ડાર્લિંગ, યુ ગો ફ્રેશ. હું સાંજનું કૅન્ડલ લાઇટ ડિનર પ્લાન કરીને આવ્યો - ફૉર માય બિલવ્ડ ક્વીન!’

આત્મીયએ ગાલે ટપલી મારી. ચાંદનીના દાંત તડતડી ઊઠ્યા, તે થથરી, ‘લાગે છે કે ખ્ઘ્ ફુલ છે.’ કહીને તે આત્મીયની નજીક આવીને તેને વળગી, ‘થોડો ગરમાવો લેવા દે.’

તેની પ્રણયચેષ્ટા એટલી ઉત્કૃષ્ટ હતી કે આત્મીયના શર્ટનું ઉ૫લું બટન પણ તૂટી ગયું!

‘બાકીનું કામ ડિનર પછી...’ તેણે આત્મીયને બહાર ધકેલ્યો. તેના ગયા બાદ મુઠ્ઠીમાં તેના શર્ટનું બટન રમાડતી ચાંદની રહસ્યમય મલકી રહી. વળતી પળે તેનું સ્મિત સુકાયું. નાઓ ઇટ્ટાઇમ. આત્મીય આવે એ પહેલાંલ સમેટી લેવો છે... મૃત્યુનો ખેલ! ફિલ્મોમાં પોતે ચાર-છ વાર મરી ચૂકી છે, વાસ્તવમાં એનો અનુભવ કહેવા કોણ જીવતું રહ્યું છે.

ના, આત્મહત્યાનો વિચાર પંપાળતી ચાંદનીમાં સહેજે નર્વસનેસ નહોતી. મોતને ભેટવાની ઉતાવળ હોય એમ તો બાથટબમાં પાણી ભરવા માંડ્યું. દરમ્યાન છેલ્લી ઘડીએ હામ ફસકી ન જાય એ માટે બે પેગ પણ ઢીંચ્યા.

€ € €

ઇન્સ્પેક્ટર અક્ષત!

ગુરુની સવારે મુંબઈનો ઇન્સ્પેક્ટર ચાંદનીને મળવા આવ્યો હોવાનું રિસેપ્શન પરથી જાણીને આત્મીયના પગ પાણી-પાણી થવા લાગ્યા : શું પોલીસે માધુરી મૃત્યુકેસ ફરી ઉખેળ્યો છે? જ્વાલાસિંહ... જે કૉન્ટ્રૅક્ટ કિલરને હું મળેલો તેણે ક્લુ આપી હશે? તો જ ચાંદની તેનો આડકતરો ઉલ્લેખ કરેને!

ચાંદનીના સંદર્ભે હવે સમજાય છે... તેણે મને ગુનેગાર ધારી લીધો હોય તો જ આમ આડેધડ વર્તે.

શું તે પોલીસ સાથે ભળી ગઈ હશે? અક્ષતની અમારા પર ચોકી હશે? આ સંજોગોમાં ચાંદનીની હત્યા કરવી હિતાવહ ગણાય?

પ્રશ્નો જ પ્રશ્નો. નર્વસનેસ પજવતી હોય એમ તે બારરૂમમાં પીવા બેઠો.

ત્યારે હોટેલની રૂમમાં...

€ € €

પાણી ભરાયેલા ટબને ચાંદની નશાભરી આંખે નિહાળી રહી : મારું મૃત્યુ અહીં લખ્યું છે! મરવા માટે કોણ જાણે કેમ માધુરીની જેમ જ ડૂબવાનું મન થયું. આત્મીયની એ કાર્યપદ્ધતિ ગણાઈ જાય એટલે પણ કદાચ આમ મરવું હોય!

બેશક, આત્મીયના કૃત્યનો આઘાત હતો, વીમો પકવવા તે પોતાને પણ મારી શકે એવી ધૅટ અક્ષતની ચેતવણીમાં શંકા ન ૨હી; પરંતુ એનો પ્રત્યાઘાત કંઈ આત્મહત્યા ન હોય! મારા મૃત્યુનું કારણ જુદું જ છે....ચાંદનીએ ફુલસાઇઝ મિરરમાં ખુદને નિહાળી.

‘સૉરી ટુ સે મિસિસ મહેતા...’

ડૉ. સ્મિથસનનું નિદાન પડઘાયું, ‘તમારા રિપોર્ટ્સ સૂચવે છે કે તમને પાર્કિન્સન્સ થયો છે.’

પાર્કિન્સન્સ! શરીરના હલનચલન પર મનનો કાબૂ ન રહે એવો રોગ મારી સુંદરતા ભરખી જવાનો! મુખડું ભલે રૂપાળું હોય, એ હાલ્યા જ કરતું હોય તો ભૂત જેવું ભયંકર જ લાગે. મારે એવી કુરૂપતા નથી જોઈતી. લોકો મારી બ્યુટી નંદવાયાની દયા ખાઈ એ પહેલાં હું એક્ઝિટ લઈ લઈશ! આપઘાતનો વિચાર તો એ જ ઘડીએ ફાઇનલ થઈ ગયો હતો, એમાં અક્ષતે આત્મીયના ખૂની હોવાની સંભાવના જતાવી

ત્યારે રહ્યોસહ્યો મોહ પણ ઉતરડાઈ ગયો - ઇટ્સ ઑલ ઓવર!

‘ડોન્ટ વરી મૅડમ. હું તમારી બાજુની હોટેલમાં જ રાકાણો છું, કંઈ પણ ભય જેવું લાગે તો મારા મોબાઇલ પર સંપર્ક કરજો. મને થોડો સમય આપો, આત્મીયનું સચ હું ઉજાગર કરીને રહીશ. ત્યાં સુધી તમારે સાવચેત રહેવાનું છે.’

ફરજપરસ્ત ઇન્સ્પેક્ટરમાં ગુનેગારને પાતાળમાંથી ઝડપવાની ક્ષમતા જણાઈ હતી... તે હવે આત્મીયને નહીં છોડે!

ચાંદનીએ હથેળીમાં રહેલું આત્મીયના શર્ટનું બટન રમાડ્યું : મારી લાશની મુઠ્ઠીમાંથી નીકળેલું બટન

જરૂર એવું સૂચવવાનું કે આત્મીયએ મને બાથટબમાં ધક્કો માર્યો‍ ને ઝપાઝપીમાં મારા હાથમાં તેના શર્ટનું બટન આવી ગયું!

રેસ્ટ આઇ લીવ ટુ અક્ષત. પછી જેવું તમારું નસીબ. બચી શકો તો મારા વીમાના પૈસે એશ કરજો, બીજું શું! આમ તો મારાથી પૉલિસી ટર્મિનેટ થઈ શકે, પણ એમ કરીને હત્યાનો મોટિવ માઇનસ શું કામ કરવો?

તમારા ગુનાની સજાનો બંદોબસ્ત કરીને જાઉં છું આત્મીય, કેમ કે ક્યારેક એવું મારી સાથે પણ થઈ શકત એમ માનવામાં મને દ્વિધા નથી. આની સજા તમારે ઓઢવી રહી! હા, આવિષ્કાર માટે આ બધું દુ:ખદ રહેશે, પણ ઠાવકો છોકરો જાતને જાળવી જાણશે.

નાઓ નો મોર થિન્કિંગ. મારા રિપોર્ટ્સ સહિત હું રોગની તમામ ક્લુ મિટાવી ચૂકી છું. પેશન્ટની હિસ્ટરી ન કહેવાના સોગંદથી ડૉ. સ્મિથસન બંધાયેલા છે એટલે મારા રોગ વિશે કોઈને ક્યારેય જાણ નહીં થવાની.

બાકી મારું મૃત્યુ ખૂન ગણાય, આત્મહત્યા પુરવાર થાય કે પછી આકસ્મિક નિધન ઠરાવાય એ જોવા હું જીવતી નથી રહેવાની...

ગુડ બાય, જિંદગી. આઇ ઍમ કમિંગ ડિયર ડેથ - વેલકમ ધ મોસ્ટ બ્યુટિફુલ લેડી ઑફ ઇન્ડિયન સિનેમા...

અને ચાંદની બાથટબમાં સરકી, આંખ મીંચી છેવટનો ચહેરો પણ ડુબાડ્યો... થોડી ક્ષણો પછી ત્યાં કેવળ દેહ રહ્યો. એની ચાંદની દૂર દેશમાં પ્રયાણ કરી ચૂકી હતી!

€ € €

બા૨રૂમમાં બે-ત્રણ પેગ પધરાવીને આત્મીય પોતે હવે શું કરવુંની અવઢવમાં રૂમ પર આવ્યો. સ્વીટનું ઇલેક્ટિÿક કાર્ડ પોતાની પાસે હતું એટલે બેલ મારવાની જરૂર નહોતી. જોકે ચાંદની રૂમમાં નહોતી. છેવટે બાથરૂમમાં જોયું તો બાથટબમાં ચાંદનીને નિેતન પડેલી ભાળીને હૃદય ફાટી જવાની હદે ધડકી રહ્યું. ટબમાંથી તેનો દેહ કાઢીને ફર્શ પર મૂક્યો. ના, જીવંતતાનો કોઈ ધબકારો એમાં નહોતો.

ચાંદની મૃત્યુ પામી... માધુરીની જેમ જ!

ના, ફરક છે. માધુરીને તો મેં મારેલી. ચાંદની તો એની મેળે મરી છે! અ રિયલ ઍક્સિડેન્ટલ ડ્રાઉનિંગ.

(નૅચરલી, થોડી વાર પહેલાં પોતાની સાથે રોમૅન્ટિક થનારી, ડિનર માટે થનગનતી પત્ની સુસાઇડ કરે એવું તો મનાય જ કેમ?)

મારી બીજી પત્ની આ રીતે મૃત્યુ પામી એટલે ઇન્વેસ્ટિગેશન થવાનું, પણ જ્યાં સાચું ખૂન નથી પકડાયું ત્યાં ખરે જ અકસ્માત મૃત્યુમાં પોલીસ ક્યાં કશું પકડી શકવાની! અર્થાત ૭૫ કરોડનો વીમો પાકી ગયો! લાગે છે આ વખતે પણ કુદરત મારી ફેવરમાં છે!

અલબત્ત, શોક કે રઘવાટ દેખાડવામાં આત્મીય ક્યાંય ન ચૂક્યો.

રૂમની બહાર દોડીને તેણે મદદના પોકાર પાડીને ટોળું ભેગું કરી દીધું. ચાંદનીને હૉસ્પિટલ લઈ જવાઈ જ્યાં તેને મૃત ઘોષિત કરાઈ.

€ € €

‘યુ મર્ડર્ડ યૉર વાઇફ. તમને પત્નીઓને બાથટબમાં ડુબાડવાની ટેવ છે. અગાઉ તમે માધુરીની હત્યા કરી ચૂક્યા છો. કૉન્ટ્રૅક્ટ કિલર જ્વાલાસિંહની જુબાની અમે નોંધી છે.’

અક્ષતના આક્ષેપે આત્મીયના કાળજે ચીરો પડ્યો. મધરાતથી આ ઇન્સ્પેક્ટર પાછળ પડ્યો છે... અત્યારે ચાંદનીનું પોસ્ટમૉર્ટમ થઈ રહ્યું છે ત્યારે કેવું કહે છે - તમે તમારી પત્નીને મારી છે!

ખરેખર તો અક્ષત માટે પણ ચાંદનીના મૃત્યુના ખબર ધક્કારૂપ હતા. માંડ કલાકની એકમાત્ર મુલાકાતમાં ચાંદની બહુ ડિગ્નિફાઇડ લાગી હતી. ધીરજથી મારી વાતો સાંભળી, પણ પોતે શું માને છે એ દર્શાવવું ટાળ્યું. દરમ્યાન આત્મીયના આગમનને કારણે પોતે નજીક રોકાવું મુનાસિબ માન્યું. પણ છેવટે તો કાતિલ ફાવ્યો!

નૅચરલી, અક્ષત આને અકસ્માત નહોતો ધારતો એમ આપઘાત માનવાનું તો સૂઝે પણ કેમ! તેને ખૂન ગંધાતું હતું અને પુરાવો મોજૂદ હતો.

‘જૂનો કેસ તો અમે ઉખેળીશું, પણ નવામાં વધુ મહેનત કરવાની રહેતી નથી... જાણો છો આ તમારા શર્ટનું ઉપલું બટન ક્યાં છે મિસ્ટર મહેતા? તમારી મૃત પત્નીની મુઠ્ઠીમાં!’

હેં. આત્મીયને હવે બટનનું ધ્યાન ગયું.

‘શું થયું હવે એ બહુ સ્પષ્ટ છે. તમે તમારી પત્નીને બાથટબમાં ડુબાડવા ચાહી, પણ મૅમને ખ્યાલ આવી જતાં તેમણે પ્રતિકાર કર્યો એમાં આ બટન તેમના કબજામાં આવી ગયું!’

અક્ષતે તારવેલા અર્થે આત્મીયની બુદ્ધિ બહેર મારી ગઈ. પ્રણયચેષ્ટા દરમ્યાન તૂટેલું બટન ચાંદની નહાતી વેળા મુઠ્ઠીમાં શું કામ રાખે?

સિવાય કે તેને જાણ હોય કે પોતે મરવાની છે અને બટન મારી વિરુદ્ધ સબૂત બની શકે એમ છે!

મતલબ ચાંદનીએ આ...પ...ઘા...ત કર્યો? વાય!

પોતાની મુઠ્ઠી બંધ રાખીને ચાંદની મારી બાંધી મુઠ્ઠી ખોલી ગઈ એ બહુ વસમું લાગ્યું આત્મીયને.

‘આટલો પુરાવો હાલ તમારી ધરપકડ માટે પૂરતો છે.’

આત્મીય અક્ષતને નિહાળી રહ્યો. પછી હસ્યો, ખડખડાટ. જે ખૂન મેં કર્યું એની સજા નથી અને જે નથી કર્યું એમાં ધરપકડ થાય છે!

ધન્ય ચાંદની!

€ € €

‘સુપર ઍક્ટ્રેસ ચાંદનીનું મૃત્યુ. અકસ્માત કે હત્યા?’

ચાંદનીની અણધારી એક્ઝિટે દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું. ભેગા તેના પતિ આત્મીયની ધરપકડના ખબરે વમળો સરજ્યાં.

ચાંદનીની બહેનોએ રિવાજ પૂરતાં અશ્રુ સાર્યાં. આવિષ્કાર માટે ખબર બેવડા આઘાતના રહ્યા. એમાં પોતાની માના સંભવિત ખૂનનું જાણીને આત્મીય પ્રત્યેનો લાગણીપ્રવાહ જ સુકાઈ ગયો.

દરમ્યાન ચાંદનીના પાર્થિવ શરીરને મુંબઈ લવાયું. બહુ ભવ્ય વિદાય આપી જનતાએ પોતાની ચહિતી અભિનેત્રીને. આવિષ્કારે અગ્નિદાહ દીધો. આત્મીયને એટલા પૂરતીયે છૂટ નહોતી મળી. માનીતી ઍક્ટ્રેસના હત્યારા તરીકે પ્રજામાં આત્મીય પ્રત્યે ધગધગતો રોષ હતો. નાહક સ્મશાનયાત્રામાં ધાંધલ થઈ તો કાયદો-વ્યવસ્થા જાળવવી અઘરી પડી જાય!

‘તારે તો હવે ફાંસી ન મળી તો સજા ભોગવીને જ મુક્ત થવાનું છે.’ અક્ષતે કહ્યું.

€ € €

અને એવું જ થયું.

બગડેલી આર્થિક સ્થિતિ, ચાંદનીનો વીમો, પૂવર્પુત્નીનું આ જ મુજબનું મોત, એ સમયની જ્વાલાસિંહની જુબાની, ચાંદનીની હથેળીમાંનું બટન, ‘પત્નીને ડુબાડી’ બારરૂમમાં દારૂ પીવાની ચેષ્ટા... માધુરી તો નહીં પણ આત્મીયને ચાંદનીનો ‘હત્યારો’ ઠેરવવા આટલા પુરાવા કાફી હતા. બિચારો બહુ ઝઝૂમ્યો, ચાંદનીએ આપઘાત કર્યાનું કહેતો રહ્યો; પણ કોણ માને. ચાંદનીએ મ૨વાનું કા૨ણ જ ક્યાં હતું? છેવટે કોર્ટે તેને જન્મટીપની સજા સંભળાવી ત્યારે તે ખડખડાટ હસતો જ રહ્યો.

‘એક સજા મારે પણ સંભળાવવાની રહે છે.’

આવિષ્કારે નજીક આવીને કહેતાં આત્મીયનું હાસ્ય થંભી ગયું. નજરમાં વિહ્વળતા ઊપસી આવી. પત્નીઓ માટે ગમે એ ઉતાર-ચડાવ અનુભવ્યા હોય, દીકરાને તે નિતાંત ચાહતો. ચાંદનીના કેસ દરમ્યાન દીકરાએ ક્યારેય પોતાને મળવાની દરકાર નથી દાખવી. આજે આવ્યો તો સજા સંભળાવવા? માધુરીનો શક્કી સ્વભાવ, ચાંદનીની રૂપઘેલછા - બધું કોઈને દેખાતું નથી, તને પણ નહીં આવિ?

‘તો પણ તેમનો જીવ લેવાનો તમને કોઈ હક નહોતો. કાયદો મારી માતાનું ખૂન તો પુરવાર ન કરી શક્યો, પણ ચાંદનીમાનું ખૂન કરનારા તમે મારી માને પણ મારી જ હોય એમાં મને શંકા નથી... મારી માનો હત્યારો મારો પિતા ન હોઈ શકે. આજથી હું મને તમારાથી જુદો કરું છું. મારા નામ પાછળ મારી માનું જ નામ રહેશે માત્ર. મારી માના આત્માને આજે શાંતિ સાંપડશે.’

આવિષ્કાર આત્મીય પર થૂંકીને નીકળી ગયો. ના, આત્મીય હસી ન શક્યો. તેની આંખો વરસી પડી. અદાલતથી વસમી સજા દીકરો ફટકારી ગયો!

€ € €

અક્ષતે ચુકાદાથી સંતોષ અનુભવ્યો. ઑલરેડી ફાંસી ચડી ચૂકેલા જ્વાલાસિંહને સ્મરી લીધો : વી વિન!

અલબત્ત, ચાંદનીને બચાવી શક્યાની ખુશી કોઈ ઑર હોત, પણ તેનો ગુનેગાર ઝડપાયો એ કમ છે!

€ € €

છેવટે ગુનેગારને લઈને પોલીસની જીપ કોર્ટથી જેલમાં જવા નીકળી ત્યારે આભમાં સૂરજ ડૂબી ચૂક્યો હતો અને ખીલતી ચાંદની જાણે મીઠું મલકી રહી હતી.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK