કથા-સપ્તાહ : ચાંદની - (ક્વીન ઑફ સિલ્વર સ્ક્રીન - 4)

ઍક્સિડેન્ટલ ડ્રાઉનિંગ. આત્મીય વાગોળી રહ્યો.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


માધુરીને સૂતા પહેલાં બાથ લેવાની ટેવ હતી. થોડો નશો કરાવીને તેને બાથટબમાં ડુબાડી દેવાની યોજના આત્મીયને ફૂલપ્રૂફ જણાઈ હતી.

માધુરીમાંય એવો બદલાવ નહોતો કે નિર્ણય બદલવાનું મન થાય! આર્થિક સંકટમાં ફસાયેલા પતિને પાનો ચડાવવાને બદલે મહેણાંથી વીંધીને પોતે અળખામણી ઠરી રહી છે એની ભનક પણ નહોતી માધુરીને. આત્મીયને લાગતું કે પત્નીનો કંકાસ જ મારી પડતીનું કારણ છે!

યુ હૅવ ટુ ગો માધુરી!

- અને એ રાત આવી પહોંચી.

આમ તો માધુરી આલ્કોહૉલ ખાસ લેતી નહીં, પણ એ રાત્રે આત્મીયએ બહુ પ્રેમથી ત્રણેક પેગ પીવડાવ્યા. એ હાલતમાંય તેનાં વ્યંગબાણ ખમી ખાધાં. તેની પાછળ બાથરૂમમાં ગયો ત્યારે માધુરીએ જુદું જ વિચાર્યું - યુ નૉટી બૉય! બાથરૂમમાં શીદ આવ્યો?

‘તને પોઢાવવા.’

માધુરીને સમજાય એ પહેલાં ગરદને ચૉપ મારીને આત્મીયએ તેને બેભાન કરી, બાથટબના પાણીમાં એ રીતે ડુબાડી કે બૅલૅન્સ ગુમાવતાં પાણી ભરેલા બાથટમબાં પડીને માધુરી ડૂબી મર્યાનું જ પુરવાર થયું.

મારું દેવું-સંસારનું દેખાતું સુખ મોઘમ રહ્યું છે એથી પણ કોઈને ખૂની ખેલ ગંધાવાનો નહીં. એવું જ થયું. મીડિયામાં નમાયા બનેલા આવિષ્કારને આગળ કરીને આત્મીયએ જનતાની સહાનુભૂતિ મેળવી. નાની વયે અકસ્માત મૃત્યુને કારણે પોલીસતપાસ થયેલી, પણ નિવેડો તો ફેવરમાં જ આવ્યો. ઇન્શ્યૉરન્સવાળાએ પણ ક્લેમ મંજૂર રાખવો પડ્યો અને આર્થિક ગાડી ફરી પાટે ચડી ગઈ... આવિષ્કારનું મુખ તેના નમાયા બન્યાનું દદર્‍ યાદ અપાવ્યા કરે એના કરતાં તેને બોર્ડિંગમાં મૂકીને અપરાધભાવમાંથી મુક્ત થવાનું ફાવી ગયું આત્મીયને.

જિંદગી ફરી ધબકતી થઈ, પછી ચાંદનીનો પ્રવેશ...

ચાંદનીને આત્મીયએ ‘નાગિન’ માટે કાસ્ટ કરેલી એની પાછળ સફળતાની અપેક્ષા જ મહત્વની હતી. કશુંક હતું ચાંદનીમાં જે તેને નોખી બનાવતું. સેટ પર સાવ નિસ્તેજપણે બેઠેલી ચાંદની ‘ઍક્શન’ના સાદ સાથે વીજળીનો ચમકારો દાખવતી ને આત્મીય મંત્રમુગ્ધ બનતો. પોતાને ગમતી હિરોઇન લકી નીવડી એથી માંહ્યલો વધુ બંધાયો... જોકે ચોથી મૂવી માટે ઇનકાર જતાવ્યો, પંદર-સોળ વર્ષ અગાઉ ફૅશન-ડિઝાઇનરની પાર્ટીમાં મળ્યાં ત્યારે માધુરી રહી નહોતી, ચાંદનીનાં હિરોઇન તરીકે વળતાં પાણી હતાં.. છતાં પોતાના માટે તો તે એટલી જ આકર્ષક હતી. કદાચ એ જ અસરમાં તેના ઇનકારની ચોટ ભૂલીને પરણવાનો પ્રસ્તાવ મૂકી બેઠો. મૂવી માટેના ઇનકાર પાછળ જોકે માધુરીની ઍસિડ-ધમકી હતી એ જાણ્યા પછી પ્રેમ ઊલટો વધ્યો હતો. ના, માધુરીએ આવું કર્યું હોઈ શકે એમાં શંકા નહોતી. લગ્ન પછી પતિની મૃત પત્ની માટે જૂઠું બોલવાનું ચાંદની પાસે કારણ નહોતું.

આત્મીયને તેની દરેક શરત મંજૂર હતી. ધામધૂમથી પરણ્યાં. સુહાગરાતે કદી એકાંત ભડકાવી જતી હુશ્નપરીને મન ભરીને માણી હતી.

સૌંદર્ય બાબત તેની સભાનતાનો અંદેશો લગ્ન પછી આવ્યો. ઑફ-સ્ક્રીન પણ સુપરસ્ટારની જેમ જીવવા માગતી ચાંદનીના ઓરતા પૂરા કરવામાં આત્મીયએ પાછીપાની નથી કરી.

પણ પાછલાં બે-એક વરસથી ફરી નબળાઈનો દોર ચાલ્યો છે. બીજી બાજુ ચિરયૌવના રહેવાની ચાંદનીની ઘેલછા ગજવાને ડંખે છે..

પત્નીના સંસ્કાર પતિના દુ:ખમાં પરખાતા હોય છે. દેવાંમાં ડૂબેલા આત્મીયથી ખુદની લક્ઝરી છોડાતી નહોતી. ચાંદની-આવિને તકલીફમાં મૂકવા માગતો નહોતો, પણ પત્નીનો બ્યુટી-ટ્રીટમેન્ટ પાછળનો ખર્ચ બિનજરૂરી લાગતો. ખાસ કરીને કપરા સમયમાં તો ચાંદનીએ સમજવું જોઈએ, પણ તે તો કહે છે કે મન મારવાનું જ હોય તો મોટા નિર્માતાને પરણવાનો ફાયદો શું?

પત્ની જો ફાયદો જોતી હોય તો મારે પણ મારો ફાયદો કેમ ન જોવો!

લાગે છે કે બીજી પત્નીનો વીમો પકાવી નાખવાનો સમય આવી ગયો!

પાછલા બે-ચાર મહિનાથી ચિત્તમાં ઘૂમરાતો વિચાર હવે પરિપક્વ થઈને પ્લાનિંગનો તબક્કો પણ વટાવી ચૂક્યો છે.

ના, ચાંદનીને બાથટબમાં નથી મારવી. સામાન્ય માણસને પણ એ જોગાનુજોગ ગળે નહીં ઊતરે...

મૉરિશ્યસનો દરિયો ચાંદનીને ગમતો. ભલેને આખરી દિવસો ત્યાં વિતાવતી! તેના માટે શનિ-રવિનું ક્રૂઝનું સરપ્રાઇઝ પ્લાનિંગ કર્યું છે. પોતે ક્રૂઝના આગલા દહાડે જ પહોંચવું હતું. છેવટના સહેવાસમાં મારો નિર્ણય ફસકી જાય એવું ન થવું જોઈએ! ક્રૂઝમાં તેના એસ્ર્કોટ્સ નહીં હોય. માધુરીની જેમ બેહોશ કરીને ચાંદનીને દરિયામાં ફંગોળી દઉં પછી સીધી પેટાળમાં!

શનિની રાત્રે હિન્દી ફિલ્મોની સુપરસ્ટાર જળસમાધિ લેવાની છે એની ત્રીજા કોઈને ક્યાં ખબર છે?

આત્મીયએ ઊંડો શ્વાસ લીધો.

€ € €

મારી આ કાયા! ગુરુની સવારે આયનામાં પોતાના રૂપને નિહાળતી ચાંદનીની કીકીમાં અકથ્ય ભાવ ઊપસ્યો.

ગઈ કાલે પોતે સ્પામાં ગઈ, શૉપિંગ કર્યું તોય દિમાગમાં તો આગલી રાતની ડૉ. સ્મિથસન સાથેની ચર્ચા ઘૂમરાતી હતી.

પોતાની સ્ત્ભ્ ક્લાયન્ટ સાથે વિડિયોચૅટ યોજીને ડૉક્ટરે સમસ્યા સમજી હતી, બે-ચાર ટેસ્ટ તાત્કાલિક કરાવવા કહી. એ પોતે કાલે જ કરાવી લીધી. જોકે એના પરથી નિદાન તારવવાની અહીં કોઈની લાયકાત નહોતી. રિપોર્ટ્સ આવ્યા પછી સ્મિથસન સાથે બે વાર લાંબી વાતો થઈ. એમાં અંતિમ નિદાન એવું આવ્યું કે...

અને ઇન્ટરકૉમની ઘંટડી રણકી.

મળસકેના સ્મિથસનના છેલ્લા ફોન પછી છવાયેલી સ્તબ્ધતાનું આવરણ જાણે તૂટ્યું. ત્રીજી વારની રિંગે રિસીવર ઊંચકવું પડ્યું.

‘સૉરી ટુ ડિસ્ટર્બ યુ મૅડમ...’ રિસેપ્શનિસ્ટે અદબ દાખવી, ‘બટ યુ હૅવ અ વિઝિટર...’

વિઝિટર! જરૂર કોઈ ફૅન કે પ્રેસવાળો હશે... પણ અત્યારે હું કોઈને મળવાના મૂડમાં નથી. ચાંદની ઇનકાર જતાવે એ પહેલાં...

‘મૅમ, ધીસ ઇઝ ઇન્સ્પેક્ટર અક્ષત શાહ ફ્રૉમ મુંબઈ પોલીસ. મારે તમારી સાથે એક સીક્રેટ શૅર કરવું છે મૅમ, તમારા પતિ બાબત.’

હેં. હવે ચાંદની અલિપ્ત ન રહી શકી. રિસેપ્શનિસ્ટ સમજી ન શકે એ માટે આ વાક્ય અક્ષત હિન્દીમાં બોલ્યો એ સમજાય એવું છે. તેની આ ચેષ્ટા જ સૂચવે છે કે તે મારા હિતેચ્છુ તરીકે મળવા માગે છે... તેના સ્વરની ગંભીરતા સૂચક છે.

‘ઠીક છે.’

તેની સંમતિએ બીજી છેડે અક્ષતે રાહત અનુભવી.

જ્વાલાસિંહની કબૂલાત પછી પોતે દોઢેક દાયકા જૂના કેસની ફાઇલ ફંફોસી, ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશનમાં કોઈ મુદ્દો અછૂતો રહ્યાનું લાગ્યું નહીં. નૅચરલી પોલીસે એમ જ ક્લીન ચિટ નહીં જ આપી હોય... એમ જ્વાલાસિંહે આત્મીય બાબત જૂઠ બોલવાનું કોઈ કારણ નહોતું. પત્નીની હત્યાનો વિચાર આત્મીયને આવેલો. જે માણસ કૉન્ટ્રૅક્ટ કિલરને હાય૨ કરવા સુધી જાય તે છ-સાત મહિના પછી જાતે જ ખૂન કેમ ન કરે?

જરૂર છે મોટિવની. પતિ-પત્ની વચ્ચેનો અણબનાવ ક્યાંય ગંધાયો નથી. તેમનો સંસાર સુખી ગણાતો... આત્મીયએ માધુરીને મારવાની જરૂર કેમ પડે?

આડો સંબંધ? માધુરીના ‘અકસ્માત’ મૃત્યુના થોડા સમયમાં તે ચાંદનીને ધામધૂમથી પરણ્યો હતો. શક્ય છ બેઉનું અફેર રહ્યું હોય ને માર્ગના કાંટા જેવી પત્નીને આ રીતે દૂર કરવી આત્મીયને વધુ અનુકૂળ લાગ્યું હોય... ડિવૉર્સ મોંઘા પણ પડે ને બાળકની કસ્ટડીનો પણ ઇશ્યુ થાત. સવાલ એ છે કે આમાં ચાંદની સામેલ હોય શકે ખરી?

અક્ષતને ફિલ્મોમાં ખાસ દિલચસ્પી નહોતી. ચાંદનીના લેજન્ડરી સ્ટેટસ બાબત તેને દ્વિધા નહોતી, પણ એથી તે કાયદાથી પરેહ હોય એવુંય તે માનતો નહીં.

છતાં આ શક્યતા ધૂંધળી લાગી. તેની ફિલ્મોનો ટ્રૅક-રેકૉર્ડ તપાસતાં તારવી શકાયું કે તેણે ખરેખર તો મહેતા બૅનર્સની ત્રણ ફિલ્મો પછી આત્મીય જોડે કામ કર્યું જ નથી. ખાસ્સા લાંબા ગાળે બેઉ પરણ્યાં. ટોચની હિરોઇનનું પ્રેમપ્રકરણ મીડિયાથી આટલો સમય ખાનગી ન જ રહ્યું હોય. મતલબ માધુરીની વિદાય બાદ બેઉ નિકટ આવ્યાં હોય એ વધુ સંભવ લાગ્યું અક્ષતને.

આડા સંબંધની બાદબાકી કરો તો કયું કારણ રહે છે? આર્થિક?

એ દિશામાં તપાસ કરતાં માલૂમ પડ્યું કે માધુરીની બહુ મોટી ઇન્શ્યૉરન્સ પૉલિસી હતી, જે અવસાન બાદ આત્મીયને મળી છે. એ સમયે આત્મીય નુકસાનીમાં હોય ને વીમાની રકમનો ફાયદો મેળવવા પત્નીને પતાવી દીધી હોય!

આ સંભાવના એ સમયે પણ ચકાસાઈ જ હશે, પરંતુ હવે જ્વાલાસિંહના બયાન પછી સંદર્ભો બદલાઈ જાય છે.

એમ તો આત્મીયએ ચાંદનીની પણ ૭૫ કરોડની પૉલિસી ઉતરાવી છે! હમણાંની તેની આર્થિક હાલત કથળેલી છે એ પોતે તો બે દિવસમાં પામી શક્યો છે... તો શું ચાંદની જોખમમાં છે? સંભવત: વીમાને કારણે એક પત્નીને પતાવનારો ફરી એ જ હેતુથી બીજું ખૂન ન કરે એની ખાતરી ખરી!

અલબત્ત, પોતાની પાસે નક્કર પુરાવા નહોતા એમ જ્વાલાસિંહનું સચ ચાંદનીને સચેત કરવા પૂરતું હતું.

- અને તે મૉરિશ્યસ હોવાની જાણ થતાં એટલે જ ઉપરીને વિશ્વાસમાં લઈ પોતે મૉરિશ્યસની ફ્લાઇટ પકડી હતી.

આત્મીય આવે એ પહેલાં ચાંદનીને ચેતવી દેવી ઘટે!

અત્યારે તેણે પોતાને મળવાની તૈયારી દાખવી એમાં શુભ સંકેત જ જણાયો અક્ષતને.

€ € €

અને કલાક પછી અક્ષત ચાંદનીનિ રૂમમાંથી નીકળ્યો. ચાંદનીને લાગતું હતું કે તે સ્તબ્ધતા બમણી કરી ગયો.

તેણે આયના સામે દૃષ્ટિપાત કર્યો‍ : ઇટ્સ ઑલ ઓવર... રિયલી... ઇટ્સ ઑલ ઓવર!

€ € €

‘જાન, તને ખબર છે કે મૉરિશ્યસમાં તારા આગમન પહેલાંના દિવસો મેં બહુ આળસાઈમાં વિતાવ્યા... કેવા ગાંડાઘેલા વિચારો કરતી રહી. જેમ કે...’ ચાંદનીએ ચપટી વગાડી, ‘મેં ‘શોલે’ બનાવ્યું હોત તો ગબ્બરસિંહનું નામ જ્વાલાસિંહ રાખ્યું હોત!’

હસી નાખતા આત્મીયની કમરમાં સટાકો બોલ્યો - જ્વાલાસિંહ!

ગુરુની રાત્રે પોતે આવ્યો ને શનિની આજની સાંજ સુધીમાં ચાંદની મને બદલાયેલી કેમ લાગે છે?

ના, તે મને ભેટીને ઉમળકાથી પણ બોલી’તી કેવું - પંચોતેર કરોડની તમારી પત્ની તમારું ભાવભીનું સ્વાગત કરે છે!

૭૫ કરોડ? આત્મીયની કીકીમાં પ્રશ્નાર્થ ઝળક્યો. જવાબમાં તે હસી, ‘ધારો કે હું મરી જાઉં તો મારા વીમાના તમને ૭૫ કરોડ મળેને!’

આત્મીય મલકી નહોતો શક્યો. ના, હું ચાંદનીને મારીને તેનો વીમો પકવવા માગું છું એવું તો તેને સ્વપ્ને પણ કેમ ગંધાય?

‘માધુરીનો વીમો કેટલાનો હતો?’

આત્મીય ધૂંધવાયેલો. ચાંદની વીમા પાછળ કેમ પડી છે?

‘જવા દો. મર્યા પછી પણ પત્ની પતિના કામમાં આવે એટલે જ તેને ગૃહલક્ષ્મી કહેતા હશે.’

ત્યારે તો વાત વળી ગઈ, પણ પછી મારી સાથે તે પણ ડ્રિન્ક લેવા બેઠી. બીજી સવારથી તેણે જે રીતે ફ્રાઇડ ચીઝથી ભરપૂર હાઈ કૅલેરી ફૂડ ખાવા માંડ્યું ધૅટ વૉઝ વેરી અનયુઝઅલ. અત્યંત સ્ટ્રિક્ટ ડાયટમાં માનતી ચાંદનીને આમ ખીતી-પીતી તમે કલ્પની ન શકો!

‘જિંદગી કેવળ શિસ્તપાલન માટે નથી હોતી એ મને મોડું-મોડું સમજાયું છે...’ ક્યાંક ખોવાતી તે મલકી પડે, ‘મોત અણધાર્યું ત્રાટકીને જીવનકથાનો ધી એન્ડ આણી દે ત્યારે અફસોસ ન રહેવો જોઈએ.’

મોત! આત્મીય પ્રસ્વેદ લૂંછતો, હસવાનો પ્રયત્ન કરતાં ‘આ શું મોતની વાતો લઈ બેઠી.’

‘શું કરું, તારી કંપનીમાં એવા જ વિચારો વધુ આવે છે.’

આત્મીય સમસમી જતો. ચાંદની તેને પંપાળી લેતી, તેરી બાંહોં મેં મર જાએ હમ...’

નહીં, આ કેવળ રોમૅન્સિઝમ નહોતું. કંઈક તો ઘૂંટાય છે ચાંદનીના ચિત્તમાં. ક્રૂઝ પર જવાની સરપ્રાઇઝ પણ તેને ગમી નહીં. નો, હું આ રૂમ છોડીને હવે ક્યાંય જવાની નહીં!

ત્યારે તો આત્મીય જરા ભડકી ગયેલો - જ્યાં મારે તેનું ખૂન કરવાનું છે ત્યાં જ જવાનો ચાંદની ઇનકાર કરે એ કેવું! નહીં, તેણે મરવાનું તો છે જ. તો શું તેનો અંત રૂમમાં લખ્યો હશે? નશો કરાવી-કરાવીને અંતે બાલ્કનીમાંથી ફંગોળી હોય તો...

‘જાન...’ ગઈ રાતના સહશયનમાં તેણે ગજબ કર્યું. મિલનની નાજુક ક્ષણે આંખમાં આખ પરોવીને પૂછી બેઠી, ‘માધુરીને બાથટબમાં તમે ડુબાડી હતી?’

હેં! ઉત્તેજના નિચોવાઈ ગઈ. ધૂંધવાતી નજરે તેને નિહાળીને પોતે ચહેરો ફેરવી લીધેલો : શું બકે છે! મારી આ જ કિંમત? હું હત્યા કરું, એ પણ માધુરીની? કહીને ગળગળા થઈને પોતે (બનાવટી) રડીયે લીધેલું!

‘અરે, તમને તો માઠું લાગી ગયું!’ ચાંદની ખડખડાટ હસતી રહી. ‘મેં તો અમસ્તુ જ પૂછ્યું...’

ચાંદની તીક્ષ્ણ નજરે પોતાને નિહાળી રહી હોવાનો અણસાર હતો આત્મીયને. એથી તો ભૂમિકામાં કસર નહોતી છોડવી પોતે.

(જોકે તે જાણતો નથી કે તેની એ ચેષ્ટાએ ચાંદનીમાં શકની ગુંજાઇશ રાખી નથી : તમે નિર્માતા ખરા આત્મીય, અચ્છા અભિનેતા ક્યારેય નહોતા. તમારા અભિનયમાં રહેલી બનાવટ સત્યનો પુરાવો છે! પોતે જેનું પડખું સેવ્યું તે આદમી ખૂની નીકળ્યાનો ધક્કો પચાવીને ચાંદની ખડખડાટ હસી હતી.)

નહીં, આમાંની કોઈ ચેષ્ટા અમસ્તી નહોતી... ચાંદની અત્યારે જ્વાલાસિંહને ઉલ્લેખે છે એમાં પણ મને બૂ આવે છે - મારું પાપ તેને પરખાયાની બૂ. બટ હાઉ?

- અને હવે?

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK