કથા-સપ્તાહ : ચાંદની - (ક્વીન ઑફ સિલ્વર સ્ક્રીન - 3)

વળી દરિયાને તાકતી ચાંદની ગતખંડની કડી સાંધી બેઠી.


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |

લગભગ પંદર વર્ષ અગાઉ

ફૅશન-ડિઝાઇનરની પાર્ટીમાં આત્મીયને પોતે ખરખરો કર્યો હતો, ‘આઇ ઍમ સૉરી, મોડું-મોડું તમને આશ્વાસન દઉં છું.’

આત્મીય પઝલ્ડ. ચાંદનીએ કહેવું પડ્યું, ‘માધુરીના અકસ્માત મૃત્યુ બદલ.’

‘ઓ...હ...’ આત્મીયે ડોક ધુણાવી.

‘મને તો આવિષ્કારનું લાગી આવે છે. બિચારો છોકરો નમાયો થઈ ગયો.’ ચાંદનીને ઇમોશનલ ડાયલૉગ્સ બોલવાની ફાવટ હતી. બાકી તેને આવિષ્કારની શું પરવા હોય! પરંતુ ઇન્ડસ્ટ્રીમાં દંભ જ ચાલતો હોય છેને!

‘આવિષ્કારને મેં દૂનની બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધો છે. જુહુ મૂવ થયો છું. કહો કે ગોઝારી ઘટના વિસારીને અમે બેઉ જીવનમાં આગળ વધી ગયા છીએ. વૉટ અબાઉટ યુ? આજકાલ તારી કોઈ ફિલ્મ ફ્લોર પર નથી?’

આત્મીયના તુંકારમાં મીઠાશ હતી, ઇન્ડસ્ટ્રીની ગતિવિધિથી પણ તે વાકેફ હોવાનો જ.

‘કોઈ સ્ક્રિપ્ટમાં જ દમ નથી હોતો.’ મોટા ભાગના સ્ટાર્સ સમય ઓસરી ગયા પછી જેવું કહેતા હોય એવા શબ્દો ચાંદનીએ પણ વાપર્યા. એ સમજાતું હોય એમ આત્મીય મલક્યો, ‘પરણીને ઠરીઠામ થવાનું વિચારતી હોય તો કહેજે.’

ચાંદની થોડી ડઘાઈ. હું આત્મીયની બૈરીનો ખરખરો કરું છું ને તે મને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે!

પછી થયું, વૉટ્સ રૉન્ગ? હું કોઈનું ઘર નથી ભાંગતી. વિના પૈસે સ્ટારનો ઠઠારો ક્યાં સુધી જાળવી શકીશ? રૂપને અખંડ રાખવા પણ મને ફાઇનૅન્સની જરૂર રહેવાની. આ ઉંમરે ઘરભંગ થયેલો બીજવર શું ખાટો, જો તે આત્મીય મહેતા જેવો હોય!

બેઉ મળતાં રહ્યાં. વિશ્વાસ બંધાયો. ચાંદનીની આર્થિક સ્થિતિ વિશે જાણીને આત્મીય ડઘાયેલો, પણ પછી ખભા ઉલાળેલા, ‘આઇ ડોન્ટ વૉન્ટ યૉર પેની. હું તને રાણી બનાવીને રાખીશ એટલું યકીન જાણજે.’

ત્યારે ચાંદનીને તેના સ્ટેટસની શંકા ન રહી. તેણે મનમાં ઘોળાતી બીજી શરતો પણ મૂકી દીધી, ‘આવિષ્કારને અનકમ્ફર્ટ ન લાગે એની હું ટ્રાય કરીશ, બાકી ટિપિકલ મધર મારાથી નહીં બનાય. હું પોતે કદી મા નહીં બનું. આઇ વોન્ટ ટુ મેઇન્ટેઇન માય ફિગર!’

‘નો ઇશ્યુ બેબી.’ આત્મીયને વાંધો નહોતો, ‘મને એક વારસ પૂરતો છે.’

બસ, પછી ચાંદનીને દ્વિધા ન રહી. બેઉ પરણ્યા ત્યારે સાવકો દીકરો આવિષ્કાર માંડ પાંચ વરસનો હતો, આજે તે વીસ વરસનો છે...

કેવું રહ્યું દોઢ દાયકાનું લગ્નજીવન? મૉરિશ્યસનો દરિયો નિહાળતી ચાંદનીએ આખરી પડાવ વાગાળ્યો:

ધામધૂમથી અમે પરણ્યાં હતાં. લતાજીથી માંડીને અદના આર્ટિસ્ટ સુધીનાને ઇન્વાઇટ હતું, પણ મેં મારી બહેનોને જોકે તેડાવી નહોતી. શરૂનાં બે-પાંચ વરસ તો જાણે હનીમૂન પિરિયડ રહ્યો. કોઈ હીરો કરતાંય આત્મીય વધુ અટ્રૅક્ટિવ હતો. મને રાણીની જેમ રાખતો. મારી બ્યુટી-ટ્રીટમેન્ટ પાછળ થતા ખર્ચ હસીને ઉઠાવતો. બદલામાં મને પથારીમાં મન ભરી ભોગવતો, પણ એનોય આનંદ જ હતોને!

હા, વેકેશન્સમાં આવિષ્કાર આવે ત્યારે તે તેના પર પૂરતું ધ્યાન આપે. બાપ-દીકરાનું બૉન્ડિંગ તૂટે નહીં એની તકેદારી હું પણ રાખતી. એ જ અમારા ત્રિકોણનો કમ્ફર્ટ ઝોન. આવિષ્કાર મારી અદબ જાળવતો, મને રિસ્પેક્ટ આપતો. બેઉ પક્ષ માટે આટલું પૂરતું હતું ને આત્મીયને એનો સંતોષ હતો.

દરમ્યાન મલ્ટિપ્લેક્સના આગમન સાથે ફિલ્મોનો ઢાંચો બદલાયો. હું અમારા બૅનરની ફિલ્મોમાં ક્રીએટિવ ઇનપુટ્સ આપતી, નાનકડી ભૂમિકા ભજવી લેતી એમ વરસો પછી મુખ્ય ભૂમિકાવાળી સ્મૉલ બજેટ ફિલ્મ કરી જે સફળ રહી. એમાં મારી ભૂમિકા મધરની હતી, પરંતુ એ ફિલ્મી લુક મને વાસ્તવ જીવનમાં ક્યાં કબૂલ હતો?

મીડિયા મારા રૂપથી અંજાતું, મને એજલેસ બ્યુટી તરીકે વર્ણવતું... ચાંદનીના રૂપમાં ખોટ ન હોવી જોઈએ, બસ એ એક ઝનૂન હતું. જોકે ઉંમરે પણ એની રફતાર પકડી હતી. મેકઅપ વગરનો ચહેરો ફિક્કો લાગતો. વરસોની સ્ટિÿક્ટ ડાયટે પાચનતંત્ર ખોરવી નાખ્યું હતું. બોટેક્સની ટ્રીટમેન્ટ હવે સમયાંતરે લેવી પડતી. મને એનો કોઈ વાંધો નહોતો.

‘પણ મને છે ચાંદ...’ છેવટે આત્મીય ઊકળી ઊઠ્યા. વરસ અગાઉની વાત.

‘રૂપને જવાન રાખવાની તારી ઘેલછા રોગ બનતી જાય છે. વય વધવી કુદરતી પ્રક્રિયા છે. એનો સ્વીકાર કર. તારી જીદ અકુદરતી છે.’

‘એમાં તમને શાનું પેટમાં દુ:ખે છે? મારા રૂપને માણો તો તમે જ છોને?’

‘મને પેટમાં નહીં, મારા ગજવાને દુ:ખે છે!’

આત્મીયની ચીડનું કારણ પકડાયું. હા, પાછલી બે-એક ફિલ્મો પછડાતાં આત્મીયને વસમું લાગતું હશે, પણ ઉતાર-ચડાવ તો પ્રોડ્યુસરની લાઇફમાં આવતા રહે. હું મારી બ્યુટી મેઇન્ટેઇન ન રાખી શકું તો મોટા ગજાના નિર્માતાને પરણવાનો ફાયદો શું?

‘તું મને માત્ર પૈસાને કારણે પરણી?’ આત્મીયએ આઘાત અનુભવ્યો.

‘માત્ર પૈસાને કારણે નહીં, પરંતુ પૈસો પણ કારણભૂત ખરો.’ મેં પણ કહી દીધું. ત્યારે કંઈક તે કૂણા પડ્યા. ફરી કદી ટ્રીટમેન્ટ બાબત મને ટોકી નથી!

અને હવે મૉરિશ્યસનું વીકલી વેકેશન.

ગયા અઠવાડિયે મને સરપ્રાઇઝ દેતાં આત્મીય કેટલા ખુશ હતા, ‘ઘણા વખતથી આપણે વેકેશન નથી માણ્યું... સો વી આર ગોઇંગ મૉરિશ્યસ. તને ત્યાંનો દરિયો પસંદ છેને!’ તેમણે ટિકિટ થમાવતાં રોમાંચ ફરી વળ્યો હતો. બેશક, ફૉરેન આઉટિંગની નવાઈ નહોતી. છતાં આવી સરપ્રાઇઝ કોઈ પણ પત્નીને ગમે!

‘મારે થોડું કામ છે એટલે હું ગુરુવારે આવીશ. ત્યાં સુધી યુ એન્જૉય યૉરસેલ્ફ. મારા આવ્યા પછી બેડરૂમમાંથી બહાર નહીં જવા દઉં હું!’

અઠ્ઠાવને પહોંચેલા પુરુષમાં આવો થનગનાટ ૪૮ની ઉંમરે પણ માંડ ત્રીસની લાગતી મારા કાયાના પ્રતાપે જને!

ગુરૂર છવાયું. એ સાથે જ ચાંદનીના દાંત તડતડી ઊઠ્યા. જડબાંની હલચલને પરાણે વશમાં લેવી પડી.

કપાળે કરચલી ઊપસી. આજકાલ આમ કેમ થાય છે? જોની સર્જરી કરાવ્યાને દોઢ-બે વરસ થવાનાં... એની કોઈ સાઇડ-ઇફેક્ટ હશે?

નહીં, આમાં દેરી ન ચાલે. આઇ

મસ્ટ કન્ફર્મ.

અને તેણે આઇપૉડ દ્વારા કૅલિફૉર્નિયાના કૉસ્મેટિક સર્જ્યન ડૉ. સ્મિથસનનો સંપર્ક કર્યો.

€ € €

‘કહો જ્વાલાસિંહ, મારું શું કામ પડ્યું?’

એ જ રાત્રે સેન્ટ્રલ જેલમાં ફાંસીના કેદીને મળનારા ઇન્સ્પેક્ટર અક્ષતના પ્રશ્નમાં ઉત્સુકતા વધુ હતી.

મહિના પછી જેને ફાંસી આપવાની છે એ કેદીને એકદમ ઇન્સ્પેક્ટરને મળવાની ઘૂમરી કેમ ચડી એ જાણવાનું કુતૂહલ જેલર સહિત સૌને હતું. અક્ષત મુલાકાતખંડમાં ગોઠવાયો અને ચોથી ઘડીએ બેડીઓનો રણકાર સંભળાયો. વળતી પળે તેણે દેખા દીધી - આ જ્વાલાસિંહ!

બે વરસ અગાઉ નવ હત્યાના આરોપસર જેની ધરપકડ કરી હતી એ તંદુરસ્ત આધેડ કેદીના પોશાકમાં દૂબળો-પાતળો જણાયો. ચહેરાની માસૂમિયત એવી જ હતી. તેને જોઈને કોઈ માને નહીં કે આ શખ્સ સોપારી લઈને હત્યા કરતો હશે! દસમી હત્યા પહેલાં રંગેહાથ પોતે તેને ઝડપ્યો છતાં મારા પ્રત્યે ગિન્નાવાને બદલે તેણે હંમેશાં તારીફ દાખવેલી - તારા જેવા શાતિર ઇન્સ્પેક્ટર જૂજ હોય છે!

એ હિસાબે તેને મારામાં વિશ્વાસ હોય એમ બને... ૪૪ વરસના આદમીએ નવ સિવાયની કોઈ હત્યાની કબૂલાત કરવી હશે? તેની કબૂલાતે કંઈકેટલાય મુખવટા ચિરાયા હતા, ભ્રમ ભાંગ્યા હતા. આ વખતે એવું જ કંઈક બનશે?

‘નહીં.’ અક્ષતનું અનુમાન સાંભળીને તે મંદ મલક્યો. ‘મારે કબૂલાત કરવી છે એ સાચું; પણ હત્યાની નહીં, હત્યાના પ્રસ્તાવની.’

સાંભળીને અક્ષતની આંખો ઝીણી થઈ, ‘મતલબ કોઈએ તને હત્યાની સોપારી આપી, પણ તેં એ હત્યા કરી નહીં.’

‘તમે આવું કહી શકો.’ જ્વાલાસિંહે ખભા ઉલાળ્યા, ‘સર્કલમાં મારાં નામકામ જાણીતાં. આવી જ એક ઑફર મને વરસો અગાઉ થઈ હતી. કોઈ કારણસર સોદો પાર પડ્યો નહીં, પણ બોલીવુડના એ પ્રોડ્યુસરની પત્નીનું મોત રહસ્યમય સંજોગોમાં થયેલું એ હકીકત છે.’

બૉલીવુડ. અક્ષત ટટ્ટાર થયો.

‘બૈરી બાથરૂમમાં ડૂબવાથી મરી ગઈ એ ઘટના અકસ્માત મૃત્યુ જ ગણાવાઈ... એ સાચું હોય તો ભગવાનમાં માનવું પડે કે ધણીની ઇચ્છા થઈ ને પત્નીને તેમણે ટપકાવી દીધી!’

અક્ષતના કમ્પ્યુટર દિમાગને આટલી ક્લુ પૂરતી હતી.

‘મતલબ, પ્રોડ્યુસર આત્મીય મહેતા પત્ની માધુરીને મારવા ઇચ્છતા હતા, તેણે તને સોપારી આપવા ચાહી.. સમહાઉ ડીલ ન થઈ અને છતાં માધુરી અકસ્માત મૃત્યુમાં ઉકલી ગયાં.’

‘કરેક્ટ. ત્યારે મારી કારર્કિદીની શરૂઆત હતી. મારાથી ભેદ ખૂલે એમ નહોતો... વરસોના વહેણમાં હું ભૂલીયે ગયેલો. જોકે હમણાં રોજ મારા ગુનાઓ યાદ કરીને ઈશ્વરની માફી માગતો હોઉં છું એમાં આ અધૂરો રહેલો પ્રસ્તાવ ઝબકી ગયો. થયું કે તમને તો જાણ કરવી જ જોઈએ. કદાચ માધુરીના મૃત્યુમાં ખૂન છૂપું હોય તો તમે જ એ ખોલી શકો...’

- અથવા તો બીજી હત્યા અટકાવી શકું!

અજાણતાં જ અક્ષતના ચિત્તમાં પડઘો પડ્યો. આત્મીય ફરી પરણ્ોલોે. એય નન અધર ધેન ચાંદનીને!

દોઢેક દાયકા જેટલી જૂની ઘટનામાંથી સત્ય તારવવું નહીંવત્ સંભવ ગણાય, પણ આત્મીયની બીજી વારની પત્ની સાથે પહેલી વાર જેવું નહીં થવા જેટલું તો કરી જ શકાય!

€ € €

આઇ ઍમ સૉરી માધુરી... જુહુના ઘરના ખૂણે લટકતી માધુરીની હાર ચડાવેલી તસવીર નિહાળીને આત્મીયના હોઠ વંકાયા. પછી એવી જ નજર ચાંદનીની ફોટોફ્રેમ પર ફેંકી : સુંદર, અલૌકિક ચાંદની.

‘જાણે તેનામાં એવું શું છે!’ માધુરી ટલ્લા ફોડતી. આત્મીય વાગોળી રહ્યો...

ડૂબેલી કંપનીને બેઠી કરવાનું આત્મીયને અભિમાન હતું. ઇન્ડસ્ટ્રીમાં તેનો રુત્બો હતો. ઘણા કહેતા કે તું ખુદ આટલો હૅન્ડસમ છે તો હીરો બની જાને... પણ આત્મીયને એવા અભરખા નહોતા. એને બદલે બડે-બડે હીરો લોગ નિર્માતા તરીકે મારી શેહ-શરમ રાખે એ વધુ નશાપ્રેરક છે! આત્મીયને વૈભવ માણવો ગમતો. તેની લાઇફ-સ્ટાઇલ લૅવિસ હતી. હિરોઇનના મોહમાં ખુવાર થનારા પ્રોડ્યુસર્સના દાખલા જોઈને પરણ્યો પણ નૉન-ફિલ્મી બૅકગ્રાઉન્ડ ધરાવતી માધુરીને. તે પણ કમ ખૂબસૂરત નહોતી. બેઉની જોડી સોહમણી લાગતી. ઘર-ફિલ્મનાં ખાતાં આત્મીયએ અળગાં રાખ્યાં હતાં. પતિની ફિતરત જાણી-સમજી ચૂકેલી માધુરીને નટીઓની અસલામતી કનડતી નહીં.

આમાં અપવાદ સરજ્યો ચાંદનીએ.

નંબર વનની રેસમાં ત્યારે અિગ્રમ ગણાતી ચાંદનીને આત્મીયએ ‘નાગિન’ માટે કાસ્ટ કરી એની પાછળ સફળતાની અપેક્ષા જ મહત્વની હતી. જોકે એ દરમ્યાન ચાંદનીને રૂબરૂ મળવાનું થતું ગયું, સહવાસ વધતો ગયો એમ તેની ભૂરકી છવાતી ગઈ. જોકે ત્યારે ત્રણ-ત્રણ બ્રેકઅપ પછી ચાંદનીને લફરામાં રસ રહ્યો નહોતો. ‘નાગિન’ની સફળતા ૫છી ચાંદનીને ‘મહેતા ફિલ્મ્સ’ની અગામી પેશકશ માટે રિપીટ કરવી નૅચરલ હતી, પણ ધીરે-ધીરે પતિની દીવાનગી માધુરીને માઝા મૂકતી લાગી. સહશયન દરમ્યાન આત્મીય પૂછી બેસતો : ચાંદની પણ આવી જ રૂપાળી હશે? માધુરીની છઠ્ઠી ઇન્દ્રિય જાગી. તે ચાંદનીને મળવા ગયેલી એ તો જોકે લગ્ન પછી ચાંદનીએ કહેલું ત્યારે જાણ્યું હતું.

આત્મીયએ યાદદાસ્તને ધક્કો માર્યો...

ચાંદનીએ ચોથી મૂવી માટે ઇનકાર જતાવ્યો, તે મારાથી અંતર રાખતી થઈ એ ખટકતું.

‘કેમ, તમારી ચાંદનીએ તમને ના પાડી?’ માધુરીનો વ્યંગ ઝાળ જેવો લાગતો.

આત્મીયનો અહમ્ ઊઠચો હતો, ઘવાયો. નવી નટીઓને ચાંદનીથી બહેતરપણે રજૂ કરવાનાં હવાતિયાંમાં ઊલટું બૅનરની ફિલ્મો પીટાવા માંડી. માથે દેવું થયું. માધુરીની ડિલિવરી સ્વિટ્ઝરલૅન્ડમાં કરાવીને આત્મીયએ દેવાંની અફવા પર લગામ તાણી, પણ એમાંય માધુરીને શક ગંધાયો હતો : મારી પાછળ તારે કોઈને ઘ૨માં નથી ઘાલવીને!

માધુરીમાં આવેલા બદલાવની આ નિશાની હતી. ના, ચાંદની તરફથી તે ઍસિડ-બૉમ્બની ધમકી ફંગોળ્યા પછી નિશ્ચિંત હતી, પણ કોઈ બીજું તેની જગ્યા ન લે એ માટે ડિલિવરી ૫છીયે તે આકરી થઈને આત્મીય પર નજર રાખતી,

તરેહ-તરેહના સવાલો કરતી.

જેની ચાહ હતી તે ચાંદની ભાવ નથી દેતી, જેને ચાહું છું તેને કદર નથી - આત્મીય અકળાતો. એમાં દેવાંનું ટેન્શન. બધું વેચીસાટીને નાદારી જાહેર કરવાની આત્મીયની તૈયારી નહોતી. આના કરતાં કચકચ કરતી પત્નીને દૂર કરી વીમો પકવીને તાણમુક્ત કેમ ન થવું!

શયતાની વિચારને પહેલાં તો આત્મીયએ વાર્યો, પણ માધુરીમાંય એવો બદલાવ નહોતો કે નિર્ણય બદલવાનું મન થાય!

પહેલાં વિચાર્યું કે આ કામ કૉન્ટ્રૅક્ટ કિલરને સોંપવું જોઈએ... આ માટે વાયા-વાયા થઈને પોતે એકાદ ભાડૂતી ખૂની જ્વાલાસિંહનો સંપર્ક કર્યો, પણ પછી એમાં બ્લૅકમેઇલિંગની જટિલ ધાસ્તી વર્તાઈ. ડીલ સાથે થોડો સમય પૂરતો એ વિચાર જ પડતો મૂક્યો. છ-આઠ મહિના જવા દીધા. ત્યાં સુધીમાં જ્વાલાસિંહ પણ ડીલ બાબત ભૂલી ચૂક્યો હશે! પરંતુ પોતે નહોતો ભૂલ્યો, એક દિવસ માટે પણ નહીં...

પછી પોતે જ તેને હટાવી. જિંદગી ફરી ધબકતી થઈ. પછી ચાંદનીનો પ્રવેશ...

- અને હવે...

આત્મીયએ ચાંદનીની ફોટોફ્રેમ નિહાળી - સૉરી ટુ યુ ઍઝ વેલ!

પછી ચાંદનીની ૭૫ કરોડની લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસી જાળવીને લૉકરમાં મૂકી.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK