કથા-સપ્તાહ : ચાંદની - (ક્વીન ઑફ સિલ્વર સ્ક્રીન - 2)

મૉરિશ્યસ!અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


નાનકડા ટાપુના દરિયાકિનારે મોસ્ટ એક્સપેન્સિવ હોટેલના મોસ્ટ લક્ઝુરિયસ સ્વીટમાં ઊતરેલી ફિલ્મ-અભિનેત્રી ચાંદની નિરાંતના આરામ પછી મંગળની સાંજે બાલ્કનીમાં બેઠી નર્યા ભૂરા સમંદરને નિહાળતી ગતખંડની કડી સાંધી બેઠી.

સફળતા તો મેં જોઈ હતી... હિન્દી ફિલ્મોની કારર્કિદીના પ્રથમ દાયકામાં ધમાકેદાર સફળતા.

‘આ નામ, શોહરત કાયમી નહીં હોય દીકરી.’ પિતા અરુણકુમારની કાળવાણી થથરાવી જતી.

‘નહીં, મારું સુખ કદી નહીં વિખરાય!’ ચાંદની અક્કડ બનતી, ‘લગ્ન, બચ્ચાં મારું રૂપ બગાડી મૂકશે; મને એ નહીં પરવડે!’

પણ છેવટે તો ઉંમર ઉંમરનું કામ કરે જ છે. કૉસ્મેટિક્સ તમને પાંચ-દસ વરસ નાના કરી દેખાડે, પણ ઑડિયન્સ તો જાણેને કે તમે દોઢ દાયકાથી પડદે ચમકી રહ્યા છો! તેમને વિકલ્પો પણ ક્યાં નથી!

પહેલાં પિતા અને પછી માની વિદાયે ચાંદની એકલી પડી. ત્રણેક ફિલ્મો સુપરફ્લૉપ થતાં દરેક આર્ટિસ્ટને જેનો ભય હોય એ વળાંક જાણે આવી પહોંચ્યો - પીછેહઠનો!

ઊગતા સૂરજને પૂજનારી ઇન્ડસ્ટ્રીની અવગણના ચાંદનીને આકરી લાગતી. એકાકીપણું ડંખતું. બહેનો તેમના સંસારમાં વ્યસ્ત. આ તબક્કે મને પપ્પા-મમ્મીની વિશેષ જરૂર છે ત્યારે તેઓ પણ નથી! નશાનો આશરો લઈને ગમ તલબ

કરવા મન લલચાતું. છતાં તેનાથી દારૂનો નશો થતો નહીં. મારું રૂપ ખોરવાય એ ન ચાલે!

‘વિજયા-સુંદરા...’

છેવટે CAએ ધ્યાન દોરતાં ચાંદનીએ બેઉ બહેનોને ઘરે તેડાવી હતી, ‘મને હવે માલૂમ પડે છે કે મારી આવક મા ટૅક્સ બચાવવા તમારા અને પછી તમારા પતિઓના નામ પર ચડાવતી. એ બધું હવે મારા નામ પર થઈ જવું જોઈએ.’

ચાંદનીને હતું કે બેઉ બહેનો તરત રાજી થઈને મને મારો હક ધરી દેશે, પણ...

‘તારી કમાણીનું તું જાણે બહેન, અમને કશી જાણ નથી. અમારી અમીરી અમારા પતિદેવોની દેણ છે.’

હેં! ચાંદની હચમચી ગઈ. પૈસો માણસને આટલો સ્વાર્થી, નીચ બનાવી શકતો હશે? ઘરમાં કમાનાર હું એકલી હતી. માએ મારી કમાણી બીજી બે દીકરીઓના નામે કરતાં ક્યાંક તો એની લખાણપટ્ટી થઈ હશે, બહેનોની સહી લેવાઈ હશે. વિજયા-સુંદરાથી એ બધું અજાણ્યું ઓછું હોય! નાની દીકરીઓ બદલાઈ જશે એવું માએ પણ ધાર્યું નહીં હોય! મારી અબજોની કમાણી પર બહેનોના પતિદેવોએ ભેગા મળીને ચાર ફૅક્ટરી નાખી. દુનિયા તો એમ જ જાણે કે બધું લોન પર થયું છે! હકીકતમાં એ મારો પૈસો છે એની બહેન-બનેવીને તો જાણ ખરી જને. તોય જુઓ તો કેવાં ફરી બેઠાં છે! આજ તેમનો સ્નેહ? આ જ સંબંધ?

‘હું તમારી મોટી બહેન છું, કુટુંબના ભરણપોષણ માટે થઈને બાળપણથી...’

‘બસ દીદી...’ પૂરું સાંભળ્યા વિના બેઉ જણ ઊભી થઈ ગયેલી, ‘એમ કહે કે અમારા પ્રતાપે તને સુપરસ્ટાર ઍક્ટ્રેસ બનવાનો મોકો મળ્યો! તારી મહાનતા ગાવામાં અમને રસ નથી...’

‘તમે સાચું કહેતા’તા પપ્પા... મારે ચેતવાનું હતું.’ બેડરૂમમાં લટકાવેલી મા-પિતાની તસવીર પર માથું ઢાળીને તે ખૂબ રડી હતી. સદા અક્કડ રહેનારી, બેબીની મધર તરીકે ઇન્ડસ્ટ્રીમાં ધાક જમાવનારી મા ગરીબડી બનીને માફી માગતી જણાઈ, પણ એથી શું? સ્વજનોના છેહનો ખટકો તો રહી જ ગયોને. બહેનો તરછોડી ગઈ એથી વધુ કમાયેલું ધન લઈને ગઈ એનો વસવસો વધુ લાગ્યો ચાંદનીને. ગુજરબસરની ચિંતા થાય એવુંય નથી. છતાં ૩૩ની ઉંમરે તદ્દન કપરાં ચડાણ હતાં. આ સંજોગોમાં કૉસ્મેટિક સર્જરી પરવડે પણ કેમ! ચાંદનીને ભય હતો કે એ વિના હું રૂપાળી નહીં રહું!

ઈશ્વર મને કુરૂપ બનાવી દેવા માગતો હશે? ચાંદની ધ્રૂજી જતી. જાતને અંધારામાં ડુબાડી દેતી... આ તેનું અંગત વિશ્વ હતું. બહાર તો એ ઝાકઝમાળ જ દેખાતી. સ્ટાફને પણ તેનું અંતરમન કળવા ન દેતી.

‘હેય બ્યુટીફુલ...’

અને છેવટે એ વળાંક પણ આવી પહોંચ્યો...

ચાંદનીને બરાબર યાદ છે. દોઢ દાયકા અગાઉની એ રાત.

પોતાના ખાસ ફૅશન-ડિઝાઇનર જિતેન મુખરજીના ન્યુ કલેક્શનની લૉન્ચિંગ સેરેમનીની ભવ્ય ઉજાવણી ઑબેરૉય’ ખાતે હતી. પોતાનાથી દાયકો નાનો જિતેન બૉલીવુડ સેલિબ્રિટીઝનો માનીતો કૉસ્ચ્યુમ-ડિઝાઇનર હતો. તેની કરીઅર બિલ્ટઅપમાં ચાંદનીનો ફાળો મહત્તમ હતો.

એ રાત્રે પણ તેની પાર્ટીમાં બૉલીવુડનું હુઝહુ મોજૂદ હતું. નવી-નવી નટીઓ પ્રત્યે પોતાની ઈર્ષા ઝબકી ન જાય એની તકેદારી જાળવતી ચાંદની મુખ પર (બનાવટી) સ્મિત ફરકાવી ફરતી હતી ત્યાં બ્યુટીફુલના સંબોધને ધ્યાન ખેંચ્યું. રેડ ગાઉનમાં ચાંદની સાચે જ શ્વાસ થંભાવી દે એવી ખૂબસૂરત લાગતી હતી. છતાં પળવાર તો એવું લાગ્યું કે જાણે બોલનારે મશ્કરીમાં તો મને નથી કહ્યુંને! વધતી વયને નાથવા પોતે કૉસ્મેટિક સાયન્સનો સહારો લેતી હોવાની કાનાફૂસી થતી હોય છે, ભલે ગમે એટલું છાનું રાખો. કદાચ એટલે પણ કોઈ ‘બ્યુટીફુલ’નો કટાક્ષ વેરતું હોય!

ત્યારે નજર નિશાને વળી. ઓહ... આ તો ‘નાગિન’નો પ્રોડ્યુસ૨ આત્મીય મહેતા!

ના, તેની પ્રશસ્તિમાં બનાવટ ન હોય... હું જાણું છું કે ક્યારેક તે મારાથી એટલો પ્રભાવિત હતો કે તેની પત્નીને અણખટ થઈ હતી, અસલામતી

વર્તાઈ હતી!

ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળમાં આત્મીયના પિતાએ સ્થાપેલી મહેતા ફિલ્મ કંપની થકી નસીબ આડેનું પાંદડું જાણે હટ્યું ને શ્રીકાંતભાઈ ખૂબ જાહોજલાલી રળ્યા. પછી જોકે ગુજરાતી ફિલ્મોની ચમકદમક ન રહી, હિન્દીમાં એકાદી ફિલ્મ બનાવીને દાઝ્યા પણ ખરા; પણ પછી તેમના એકના એક દીકરા આત્મીયએ લીડ લીધી, કહો કે બૅનરને પુન:જીવિત કર્યું. હિન્દીમાં મધ્યમ બજેટની મૂવી બનાવી જે હિટ જતાં નવો પ્રોજેક્ટ હાથ પર લીધો ત્યારે હિતેચ્છુઓએ ટકોર્યો પણ હતો : માંડ તમારી ગાડી પાટે ચડી છે, એને ડુબાડવા જેવું ન કર. આજના જમાનામાં ઇચ્છાધારી નાગ-નાગણની ફિલ્મ ચાલતી હશે!

પરંતુ આત્મીયને સ્ક્રિપ્ટમાં વિશ્વાસ હતો. તે ધરાર ન માન્યો. બજેટ સમતોલ રાખવા ડિરેક્ટર-હીરો સાધારણ રાખ્યા, પરંતુ હિરોઇન તરીકે ચાંદનીને કાસ્ટ કરીને તેણે બાજી મારી લીધી! કેન્દ્રવર્તી ભૂમિકામાં ચાંદનીએ પ્રાણ રેડ્યા.

બૉક્સ-ઑેફિસના જ્વલંત કલેક્શને તેને બિનવિવાદીપણે હેમા માલિની ૫છીની બીજી લેડી સુપરસ્ટાર બનાવી દીધી.

‘યુ પ્રૂવ્ડ લકી ફૉર અસ...’ ફિલ્મના ડાયમન્ડ જ્યુબિલી સેલિબ્રેટ ફંક્શનમાં આત્મીયએ ઑન ધ રેકૉર્ડ કહ્યું હતું.

વયમાં પોતાનાથી આઠ-દસ વરસ મોટો આત્મીય અત્યંત સોહામણો હતો. શ્રીમંતાઈ તેની રગરગમાં ટપકતી. ભારોભાર ઍટિટ્યુડવાળો આદમી જોકે ‘નાગિન’ પહેલાંનો પરણી ચૂકેલો. હાઉસવાઇફ માધુરી સાથે તેનું લગ્નજીવન સ્ટેબલ મનાતું.

‘મારા પતિ તને બહુ વખાણતા હોય છે.’

‘નાગિન’ પછી પણ ચાંદનીએ આત્મીયના બૅનર હેઠળની બે-એક ફિલ્મો કરી, જે ઠીક-ઠીક સફળ રહી.

એ દરમ્યાન માધુરી ઘણી વાર સેટ પર આવતી એ ચાંદનીએ નોંધ્યું. ‘નાગિન’ વખતે આવું નહોતું. ત્યારે માધુરી કદી સેટ પર ફરકી નહોતી.

વેલ, પ્રોડ્યુસરની પત્ની તરીકે તે શૂટિંગ જોવા આવે, બેસે એનો ચાંદનીને વાંધો નહોતો; પણ પછી તે ગપ્પાં મારવાના બહાને કશુંક એવું બોલી જાય કે સમસમી જવાતું.

‘મારા પતિ તને બહુ વખાણતા હોય છે, બેડરૂમમાં અમારું સહશયન ચાલુ હોય ત્યારે પણ...’

ચાંદની ડઘાતી. બેશક, હિરોઇનના મોહમાં ભાન ભૂલીને ઘરસંસાર ભાંગનારાઓની કમી નથી

ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં. મારાં જ અગાઉનાં લવ-લફરાંમાં પત્નીઓ ક્યાં હેરાન નથી થઈ! પણ આત્મીય સાથે મારે કોઈ લફરું નથી. હું તેને ગમું છું, મારું આકર્ષણ તેની આંખોમાં વાંચી શકું છું; પણ એથી કદી તેણે આગળ વધવાની કોશિશ નથી કરી, લિમિટ ક્રૉસ કરવી તો દૂરની વાત છે! તો પછી આમ કેમ?

‘સ્ત્રી બધું સહન કરી શકે ચાંદની, પતિ પરસ્ત્રી સાથે સરખાવે એ સહી

ન શકે.’

‘આઇ ઍમ સૉરી, પણ તમે ધારો છો એવું અમારી વચ્ચે કંઈ જ નથી.’

‘આજે નથી એ કાલે નહીં થાય એની ગૅરન્ટી ખરી?’

ત્યારે સમજાયું કે માધુરી મૅડમ પાણી પહેલાં પાળ બાંધવાના ઇરાદેા આવ્યાં છે. પતિની નીયત ડોલમડોલ થતી હોય ત્યારે જ પત્ની આવું કદમ ઉઠાવે.

‘નચિંત રહેજો. આ તબક્કે મને કારર્કિદી સિવાય કશામાં રસ નથી, તમારા પતિમાં તો નહીં જ.’

ચાંદનીનો રણકો માધુરીને રાહત આપતો. છતાં તેણે કહેવાજોગ કહી દીધું, ‘મારો પતિ મારું સવર્સ્વા છે. અમીરીની ખોટ મને પિયરમાંય નથી ચાંદની. મહત્વનું છે કે હું આત્મીયને ચાહું છું. મારો સંસાર તિતરબિતર નહીં થવા દઉં.’ માધુરીના સ્વરમાં સખ્તાઈ ભળી. ‘હું તારા જેટલી રૂપાળી તો નથી ચાંદની, પરંતુ તેં મારા સુખ પર નજર બગાડી તો ઍસિડ-અટૅકથી તારું રૂપ નંદાવીને મારાથી વધુ બદસૂ૨ત બનાવતાં ખચકાઈશ નહીં હું.’

માધુરીના રણકામા બોલેલું પાળી બતાવવાનો જુસ્સો હતો.

ઍસિડ-અટૅક. તેના ગયા પછી પણ ચાંદની કંપી રહેલી.

‘શું કહી ગઈ તે?’ અરુણકુમાર રહ્યા નહોતા, પણ શુભલક્ષ્મી ત્યારે હજી હયાત. માને વળગીને દીકરીએ ધ્રાસકો ઠાલવતાં જમાનાની ખાધેલ બાઈ પણ ઘીસ ખાઈ ગઈ - ત્યારે તો આવાથી આઘેરા સારા!

એ પછી ચાંદનીએ આત્મીય સાથે અંતર જાળવ્યું. એટલું જ નહીં, તેની સાથે વધુ ફિલ્મો ન કરવાનો નિર્ણય પણ લીધો ને પાળ્યોય ખરો! ચોથી ફિલ્મ માટે આત્મીય ઘણું મથ્યો હતો, પણ ડેટ્સનું બહાનું ધરીને ચાંદની ટાળી ગયેલી.

ચાંદની વગરની બે ફિલ્મો સુપરફ્લૉપ નીવડતાં આત્મીયની આબરૂ પર ઘસરકો લાગ્યો હતો. તેને દેવું હોવાની પણ ખાનગી ચર્ચા હતી. જોકે તેની અફલાતૂન લાઇફ-સ્ટાઇલ, ઍટિટ્યુડમાં ક્યાંય કશો ફરક નહોતો. બલ્કે માધુરીની પ્રથમ ડિલિવરી તેણે સ્વિટ્ઝરલૅન્ન્ડમાં કરાવી હતી!

દીકરા આવિષ્કારનું પગલું શુકનવંતું હોય એમ આત્મીયની નવી ફિલ્મ હિટ નીવડી. ફરી તેનો દબદબો છવાયો.

આ તરફ ચાંદનીનાં વળતાં પાણી શરૂ થઈ ચૂક્યાં હતાં. માની વિદાય પછી તે સાવ એકાકી થઈ. બહેનોના ફરેબના આઘાત વચ્ચે માધુરીના દેહાંતના ખબર તેણે ખાસ ધ્યાન પર લીધા પણ નહોતા.

- ફૅશન-ડિઝાઇનર જિતેનની પાર્ટીમાં આત્મીયને જોઈને યાદ આવી ગયું કે હજી છ મહિના અગાઉ ચાર વર્ષના દીકરાને મૂકીને માધુરી સ્વર્ગે સિધાવી છે...

ઍક્સિડેન્ટલ ડ્રાઉનિંગ.

વરલી ખાતેના વૈભવી બંગલાના માસ્ટર બેડરૂમના વિશાળ બાથટબમાં નહાવાની ટેવ ધરાવતી માધુરી એ રાત્રે સૂતાં પહેલાંનું બાથ લેવા ટબમાં ૫ગ મૂકે છે કે લપસી જવાયું. માથામાં ચોટ આવતાં તે બેહોશ બનીને પાણીમાં ડૂબી મૃત્યુ પામી!

પત્ની ખાસ્સી વારે બહાર ન આવતાં આત્મીયએ બાથરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે જોકે ઘણું મોડું થઈ ચૂક્યું હતું! તે મારમાર કરતો પત્નીને નજીકના દવાખાને લઈ ગયો, જ્યાં માધુરીને મૃત ઘોષિત કરાઈ હતી.

દીકરાને તેડીને પત્નીને અશ્રુભીની વિદાય આપતા આત્મીયની તસવીર પોતે અખબારમાં નિહાળી હોવાનું પણ યાદ આવી ગયું ચાંદનીને.

પોતે જોકે ખરખરે નહોતી જઈ શકી. આત્મીય પણ ઘણા વખતે પાર્ટીમાં જોવા મળ્યો એ સાંભરતાં ચાંદનીએ નિકટ આવતા આત્મીયને ગંભીર ભાવે કહ્યું, ‘આઇ ઍમ સૉરી, મોડું-મોડું તમને આશ્વાસન દઉં છું.’

આત્મીય પઝલ્ડ. ચાંદનીએ કહેવું પડ્યું, ‘માધુરીના અકસ્માત મૃત્યુ બદલ.’

- મને ધમકી દેનારી બિચારીને મોત આંબી ગયું એ કેવી કરુણતા!

અત્યારે, બાથટબમાં ડૂબતી માધુરીનું કદી નહીં જોયેલું દૃશ્ય તાદૃશ થતું હોય એમ હાંફી ગઈ ચાંદની. એકાએક સમંદરની લહેરો ભયાનક ગર્જના કરવા માંડી. ચાંદનીના દાંત તડતડી રહ્યા.

€ € €

મુંબઈમાં...

‘ઇન્સ્પેક્ટર અક્ષત, જ્વાલાસિંહ તમને મળવા માગે છે.’ મંગળની બપોરે જેલખાતામાંથી સંદેશો મળતાં અક્ષતના કપાળે કરચલી ઊપસી.

જુવાનજોધ ઇન્સ્પેક્ટર અક્ષત શાહ દેખાવડો એટલો જ કાર્યશીલ હતો. બુદ્ધિચાતુર્ય કે શારીરિક ચાપલ્યમાં તેનો જોટો નહોતો. તેના નામથી ગુનેગારો ફફડતા અને ભ્રષ્ટાચારીઓ પણ દૂર રહેવાનું પસંદ કરતા. માબાપના દેહાંત પછી સંસારમાં એકલા પડેલા અક્ષતને કોઈની સાડાબારી નહોતી.

બે વર્ષ અગાઉ કૉન્ટ્રૅક્ટ કિલર જ્વાલાસિંહને અક્ષતે જ ઝબ્બે કર્યો‍ હતો. નવ હત્યા કરનારને કાયદાએ ફાંસીની સજા આપી છે. એના અમલને જોકે હજી વાર છે. તેણે એકદમ મને સાંભરવાનું શું કામ? છતાં ફાંસીના કેદીનો બુલાવો છે એટલે જવું તો જોઈએ જ...

કલાક પછી અક્ષત સેન્ટ્રલ જેલ જવા નીકળ્યો ત્યારે જાણ નહોતી કે આ સફર પોતાને મૉરિશ્યસ સુધી દોરી જવાની છે!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK