કથા-સપ્તાહ - ભાઈ- બહેન ( રક્ષાનું બંધન - 4)

આનંદની આંખે ફૂટતા રાતા દોરાએ અનન્યાને સહેમાવી દીધી. સાળાને સમજવા-સમજાવવાનું કહેનારા આજે કેવા બદલાઈ બેઠા! આની પાછળની ઋચાની ગણતરી તેમને કેમ સમજાતી નથી?


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5

‘મામલો ગંભીર છે અને આરોપ સંગીન.’

સાંજે આનંદના ઘરે કુટુંબ-અદાલત બેઠી છે. જેમની નિગરાનીમાં બે પક્ષ આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે એ માતાઓનાં હૈયાં ફફડે છે. વાત વણસી રહી છે ને એને વાળવાનો કોઈ ઉકેલ જડતો નથી!

દીવાનખંડની વચ્ચોવચ ખુરસી પર બિરાજેલાં ચંદનબહેન-શારદાબહેનની એક તરફ અનન્યા-અસીમ છે, બીજી બાજુ આનંદ-ઋચા.

કૉલેજથી સીધી ઑફિસ પહોંચેલી ઋચાએ રડતાં-રડતાં કહેલી કેફિયતે આનંદ-અનન્યાને ખળભળાવી મૂક્યાં. ખરેખર તો બેઉ લંચ લઈ રહ્યાં હતાં, પણ પછી રાંધ્યું અન્ન રઝળી પડ્યું. ઋચા ત્રસ્ત હતી, વારે-વારે ધ્રૂજી જતી એમાં બનાવટ નહોતી એટલું તો અનન્યાને પણ પરખાયું. પરંતુ એથી તે મારા છોટુને બૂરો ચીતરે એ કેમ ખમાય!

આ મામલે ત્યાં જ આનંદ સાથે ચકમક ઝરી ગઈ હતી. પછી થયું કે ઑફિસમાં તમાશો કરવાનો અર્થ નથી. ત્રણે ઘરે આવવા નીકળ્યાં. અનન્યાએ માને અને અસીમને ફોન કરીને આનંદને ત્યાં તેડાવી લીધેલાં.

દીકરીએ તાકીદે તેડાવતાં શારદાબહેનનો જીવ ફફડી ગયેલો. ઘરેથી વાલકેશ્વરની ટૅક્સી જ કરી લીધી. અસીમ કૉલેજથી સીધો આવી પહોંચ્યો.

આ બાજુ દીકરા-વહુ અને દીકરીને સાથે ઘરે આવેલાં ભાળીને હરખાયેલાં ચંદનબહેનની ખુશી ઘટના જાણીને વરાળ થઈ ગઈ હતી. દીકરી કરતાં પહેલાં પહોંચેલાં શારદાબહેન ડઘાયાં, અસીમે અનુભવેલા આંચકામાં અનન્યાને બનાવટ નહોતી લાગી..

‘તમે જ સચ-જૂઠનો ફેંસલો કરો...’ આનંદ-અનન્યાએ ચંદનબહેન-શારદાબહેનને સહિયારા નિર્ણયની જવાબદારી સોંપી ત્યારથી દીવાનખંડ જાણે અદાલતખંડમાં ફેરવાઈ ચૂક્યો છે.

‘અસીમને મેં આવો નહોતો ધાર્યો...’ રડમસ ઋચાએ ઘટના દહોરાવી અફસોસ જતાવ્યો, ‘મને હતું કે અમારી ફ્રેન્ડશિપ જામશે, બટ...’

‘અસીમ...’ અત્યારે અનન્યાએ નાના ભાઈને નીહાળ્યો, ‘મામલો ગંભીર છે અને આરોપ સંગીન. હું તને એમ નહીં પૂછું કે તેં આમ કર્યું છે કે નહીં. હું જાણું છું કે તું આવું કરી જ ન શકે.’

‘મતલબ, મારી બહેન જૂઠી?’ આનંદ ખળભળી ઉઠ્યો. ‘એક સ્ત્રી થઈને તું ઋચાને થયેલી હૅરૅસમેન્ટ ઇગ્નૉર કેમ કરી શકે? ઍસિડ-અટૅક. માય ગૉડ. અસીમને હું છોડીશ નહીં, ભલે તે તારો ભાઈ કેમ ન હોય.’

આનંદની આંખે ફૂટતા રાતા દોરાએ અનન્યાને સહેમાવી દીધી. સાળાને સમજવા-સમજાવવાનું કહેનારા આજે કેવા બદલાઈ બેઠા! આની પાછળની ઋચાની ગણતરી તેમને કેમ સમજાતી નથી?

‘ઋચાની ગણતરી?’ આનંદની આંખો ઝીણી થઈ.

‘જી. તમારી જાણ ખાતર કહી દઉં કે તમારી પ્રિન્સેસને મેં રાજારજવાડાં ન રહ્યાં એ બાબતનું કહેતાં મૅડમને થોડું દાઝ્યું હતું. આઇ ડાઉટ, તે દિલથી મને પસંદ કરતી હોય. ન ગમતી ભાભીને ભાઈથી દૂર કરવા મારા ભાઈને હાથો બનાવીને તે રમત રમી રહી છે આનંદ, હજીયે ન સમજાયું?’

ત્યારે આનંદ-ચંદનબહેનની નજરો મળી, છૂટી પડી. પોતાના બાબતની ઋચાની શરૂની અણખટ અનન્યાએ આબાદ પકડી, પણ પછીથી અનન્યાના સ્વીકારમાં ઋચા ક્યાંય ચૂકી નથી.

‘ખોટ ઋચામાં નથી, તારા ભાઈમાં છે. એ માટે તારે હેતની પટ્ટી ઉતારીને જોવું પડશે.’

‘મને તો આ બધાનું ધડમાથું નથી સમજાતું...’ અસીમ હતપ્રભ જણાયો, ‘ઋચા, મેં ક્યારે આ બધું કર્યું! શા માટે જૂઠું બોલી રહી છે? હું તારી કૉલેજમાં આવ્યો નથી, બે દિવસથી તને મળ્યો નથી. ઇન ફૅક્ટ, તું કહે છે એ સમયે તો હું મારા ક્લાસમાં હતો...’

‘ધેટ્સ ઇટ. મારો ભાઈ કદી ક્લાસ બન્ક નથી કરતો.’

દીદીનો રણકો અસીમને ક્યાંક હચમચાવી ગયો. કેટલો અટલ વિશ્વાસ છે દીને મારા પર?

‘યસ જીજુ, તમે અટેન્ડન્સનું રજિસ્ટર ચેક કરાવી લો.’

આનંદ ધૂંધવાયો. એલિબી! પોતે ગુનામાં ન સપડાય એ માટે છોકરાએ બચાવની આગોતરી તૈયારી કરી રાખેલી. આનંદને શક ન રહ્યો.

‘અસીમ, કૉલેજ અમે પણ કરી છે. ક્લાસ બન્ક કરીએ ત્યારે હાજરી બીજા દોસ્તો પુરાવી દે એ બહુ જૂની ટ્રિક છે. એથી તારો અપરાધ નહીં ઢંકાય.’

‘તમે અસીમને ગુનેગાર માની લીધો છે આનંદ, પટ્ટી તમારે નથી ઉતારવી?’

‘અને હું કહીશ કે તને ઋચામાં વિશ્વાસ નથી, મતલબ મારામાં વિશ્વાસ નથી - તો?’

તો! અનન્યા આંખો મીંચી ગઈ. ખૂલી ત્યારે દ્વિધા નહોતી.

‘તમે સાચું કહ્યું આનંદ. પરસ્પરનો વિશ્વાસ કસોટીની એરણે ચડ્યો હોય ત્યાં સુધી સગાઈની અંગૂઠી પહેરવાનો મતલબ નથી.’

અનન્યાએ રિંગ કાઢીને આનંદ તરફ લંબાવતાં બાકીના એકસરખા ડઘાયા. આનંદની લાગણી ઘવાઈ.

‘ઠીક છે અનન્યા, તું તારા ભાઈ ખાતર મને ઠુકરાવતી હોય તો મારી બહેન ખાતર તને ઠુકરાવવામાં મને સંકોચ નહીં થાય.’

આનંદે પણ વીંટી કાઢી દેતાં બન્ને માતા ખળભળી ઊઠી.

‘અસીમ...’ શારદાબહેન દીકરા તરફ ધસી ગયા, બે-ચાર તમાચા વીંઝતાં આવેશમાં કહેતાં ગયાં, ‘તારા પાપે તારી બહેનનું ઘર વસતાં પહેલાં ઊજડી રહ્યું છે. પાપ કર્યા પછી કબૂલાતું નથી?’

જ્યારે ચંદનબહેને ઋચાને હચમચાવી, ‘તું તો બનાવટ નથી આદરતીને છોકરી! મોડું થાય એ પહેલાં વાત વાળી લે, માફી માગી લે...’

‘મમ્મી, તું ઋચાને કંઈ ન કહે...’ આનંદ બહેનના બચાવમાં દોડ્યો.

‘આમાં છોટુનો કોઈ વાંક નથી.’ અનન્યાએ પોતાની માને વારી.

‘આજે તું નથી માનતી અનન્યા, ધારો કે કાલે અસીમનો જ વાંક પુરવાર થયો તો?’

તો! આનંદનો પડકાર ઝીલતી હોય એમ અનન્યાએ ભાઈનો જમણો હાથ પકડ્યો, ‘અસીમ ગુનેગાર સાબિત થયો આનંદ તો મારું વચન છે તમને કે તેના કાંડે જિંદગીભર રાખડી નહીં બાંધું!’

હેં!

દીના સંકલ્પે લકવો લાગ્યો હોય એમ અસીમનો હાથ લબડી પડ્યો.

‘ઠીક છે, તો મારું પણ વચન છે અનન્યા; ઋચા કસૂરવાર ઠરી તો તેના હાથે હું ફરી ક્યારેય રાખી નહીં બંધાવું!’

ઋચા હેબતાઈ. રાખડી તો ભાઈનો પ્રિય તહેવાર. મને ગિફ્ટની ચાવ હોય; પરંતુ ભાઈ તો આસ્થાપૂર્વક રક્ષા બંધાવે, મારા ઓવારણાં લે... પણ હું ક્યાં જૂઠ બોલી છું?

- ત્યારે તો ભરોસો ભાભીનો જ તૂટવાનો...

‘આઇ વિશ કે અઠવાડિયા પછીની બળેવ સુધીમાં તમારાં ચક્ષુ ખૂલી જાય ભાભી.’

ક્યાંય સુધી તેના શબ્દો દીવાનખંડમાં પડઘાતા રહ્યા.

અને અનન્યાના ચિત્તમાં પણ!

€ € €

આ શું થઈ ગયું! અસીમ ગોથાં ખાય છે.

ખરેખર તો દીનો પોતાના પ્રત્યેનો વિશ્વાસ નિહાળીને દંગ થઈ જવાય છે. દીએ મને એક વાર પૂછ્યું નથી કે અસીમ, ઋચા જે કહે એ સાચું છે? અરે, એને બદલે દીએ પોતાનું સુખ હોડમાં મૂકી દીધું!

સામે મેં શું કર્યું? હું કેવળ દીનાં રિસ્ટિÿક્શન્સ જ જોતો રહ્યો. મારી નજર તેમની બંદિશો પર જ રહી. ખરેખર તો એને દીએ મારાં રખોપાં કયાર઼્ કહેવાય અને તો આજે દી મારા માટે અડગ, નિશ્ચલ રહી શકી છે.

અસીમને હવે રાત્રે પૉર્ન જોવાની જરૂર નથી લાગતી. કોઈ છોકરીની પાછળ પડવાથી જ કૉલેજમાં ભણ્યું સાર્થક ગણાય એ માન્યતા કડડડભૂસ થઈ ચૂકી છે.

દી, મારામાં વિશ્વાસ મૂકીને તમે મને ગૌરવ બક્ષ્યું છે, એને હું એળે નહીં જવા દઉં!

અસીમ સંકલ્પ ઘૂંટે છે. બાકી તો આ મહિના દહાડામાં કંઈકેટલું બદલાઈ ગયું.

બળેવ ફિક્કી રહી. જીજુએ મારી વિરુદ્ધ પોલીસમાં યા કૉલેજમાં ફરિયાદ ન નોંધાવી, પણ રાતોરાત ઋચાની કૉલેજ જરૂર બદલી કાઢી. આ બાજુ દીદીએ પણ ‘વિરાટ’ માટેની પ્રમોશન-ટૂર્સ સ્થગિત કરાવી દીધી. આનંદ-અનન્યા છૂટાં પડ્યાના ખબર સર્કલમાં સાવ છૂપા નથી. એની પાછળના કારણની અલબત્ત કોઈને જાણ નથી, નૅચરલી. જે બન્યું એ બે ઘરની છ સિવાયની સાતમી વ્યક્તિ જાણતી નથી.

બેશક, જીજુથી છૂટા પડવાનું દીદીનું દુ:ખ દેખીતું છે. દી વિના જીજુ પણ ઉદાસ જ હોવાના.

જાણે તેમના વિરહનો અંત ક્યારે આવશે? ઓહ ઋચા, ઋચા... તેં આ શું કર્યું!

€ € €

હાઉ કૅન યુ આસ્ક મી ધૅટ, અસીમ?

ઘણા વખતે ટ્વિટર પર અસીમની કમેન્ટ ભાળીને ઋચા આવેશમાં આવી. મને ઍસિડ-બૉમ્બથી ડરાવનારો પૂછે છે કે તેં આ શું કર્યું?

જે કંઈ કર્યું તેં કર્યું અસીમ. તારા પાપે મારા ભાઈનું સ્મિત મૂરઝાયું. પહેલી વાર રક્ષાબંધને ઘરમાં રોનક નહોતી. મારા માન ખાતર ભાઈ ભાભીથી છૂટા પડ્યા, પણ એનો હરખ અનુભવાય એવી સ્થિતિ નથી.

જાણું છું, વાંક ભાભીનો પણ નથી. તેમને તારા પર આંધળો વિશ્વાસ છે અસીમ. તેં એનો ગેરલાભ ઉઠાવ્યો. તેં કદાચ માન્યું હશે કે ભાઈ-ભાભીનો સંબંધ જોતાં હું કોઈને કંઈ નહીં કહું, તારી અઘટિત માગણીને વશ થઈ જઈશ. તારા પાસા ઊલટા પડતાં દરેકે દુ:ખી થવાનું જ આવ્યુંને? વાસનામાં તું એવું ભાન ભૂલ્યો અસીમ કે બહેનનું ઘર ઊજડવા દીધું? મેં તને કેવો ધાયોર્ હતો ને તું કેવો નીકળ્યો. શેમ ઑન યુ.

ઋચાએ પોતાનું અકાઉન્ટ જ બ્લૉક કરી દીધું.

€ € €

‘તને ગમે એવું એક નવું કામ છે...’ વિશ્વજિતે કહ્યું.

અનન્યા બેધ્યાનસી રહી. ‘વિરાટ’ના અસાઇનમેન્ટ પોસ્ર્ટપોન કર્યા પછી કોચિંગ ક્લાસ સિવાય મૉડલિંગમાં નવું કામ લીધું નહોતું, પણ ઘણી વાર તે શાશ્વતની ઑફિસે આવીને બેસતી. અહીંની ટીમ સાથે મન મળી ગયેલું. આનંદ સાથે છેડો છૂટ્યાનું અહીં સૌ જાણતા, કારણની પૃચ્છા થતી; પણ અનન્યા જવાબ ટાળી જતી.

જૂના મિત્રોમાં ભળવાથી બેચેની, ઉદાસી ઓછી થતી. બાકી આનંદની યાદ તીવþપણે રહેતી. આનંદે મારા ભાઈમાં વિશ્વાસ ન રાખ્યાનો ધોકો બેમતલબ હતો, કેમ કે પોતેય ક્યાં ઋચાને ટ્રસ્ટ કરી શકી! આ તો અમારા સુખને જ કોઈની નજર લાગી ગઈ!

‘જિંદગીમાં આગળ તો વધવું પડશે જ.’

વિશ્વજિતના સાદે અનન્યા ઝબકી. ટીમમાં વિશ્વજિત પોતાની વિશેષ કાળજી રાખતો. બંગાળીબાબુ આમેય સંવેદનશીલ હોય.

‘કોઈકનો હાથ પણ હાથમાં લેવો પડશેને અનન્યા.’

કહેતાં વિશ્વજિતે હળવેથી પોતાનો હાથ હાથમાં લેતાં હળવી કંપારી પ્રસરી ગઈ. કામની વાતોમાંથી વિશ્વજિત ક્યાં ફંટાઈ રહ્યો છે! ‘બિલીવ મી, બધા કંઈ આનંદ જેવા નથી હોતા કે બહેનનું સાંભળીને વાગદત્તાને છોડી દે.’

અનન્યા સંકોચાઈ. એમ તો મેં પણ અસીમને જ કારણે આનંદને તરછોડ્યાને!

‘છોડો વિશ્વજિત એ બોઝિલ વાતો. તમે નવી તકનું કહેતા હતા...’

‘તું જાણે છે કે મને નાટકનો પણ શોખ રહ્યો છે. મારો ફ્રેન્ડ નવું નાટક લાવી રહ્યો છે : ચહેરા-મહોરા! હિન્દી ડ્રામામાં રસ હોય તો તને ત્યાં ગોઠવી આપું.’

ચહેરા-મહોરા. અનન્યાના ચિત્તમાં નામ ઝબૂકવા માંડ્યું અને તે ઝળહળી ઊઠી, ‘ઓહ, થૅન્ક્સ વિશ્વજિત, થૅન્ક યુ સો મચ!’ ખુશહાલ ભાવે આભાર માનીને અણધારી નીકળી ગયેલી અનન્યાની દિશામાં વિશ્વજિત જોતો જ રહી ગયો. એકાએક આને શું થયું?

વિશ્વજિતને ન સમજાયેલું અનન્યાને બરાબર સમજાયું હતું. આગળ શું ક૨વું એની પણ ખબર હતી!

€ € €

... અને બીજા અઠવાડિયે...

‘નહીં, નહીં. લીવ મી વિશ્વજિત!’

પોતાના પ૨ શારીરિક આક્રમણ કરતા વિશ્વજિતને ખાળતી અનન્યાનો શ્વાસ રૂંધાવા લાગ્યો. તેના નિરર્થક ધમપછાડાને કાબૂમાં લાવવા મથતો વિશ્વજિત વધુ ભુરાટો બન્યો. તેના બીભત્સ આક્રમણ વચ્ચે ડોરબેલનો રણકાર ઊપસ્યો.

ઉપરાઉપરી રણકારે ભડકેલો તે બારીના રસ્તે વંજો માપી ગયો. ફસડાઈ પડતી અનન્યા હથેળીમાં મોં છુપાવીને રડી પડી. અને...

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK