કથા-સપ્તાહ - આવારા (હૃદયના રંગ : 5)

‘બોલો બા.’

અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  ‘બોલવા જેવું મારા પૌત્રે રાખ્યું ક્યાં છે?’ દાદીનો ઊભરો ઠલવાયો, ‘તું તો જાણે છે કે આપણે જાણ્યું ત્યારની હું અત્યંજને ટટોળું છું, પણ તે જીદ છોડવા તૈયાર નથી.’

(ગોદાવરીબા પૌત્રને સાચા રાહ પર આણવા કટિબદ્ધ હતાં. લાવણ્યા પોતાની રીતે મથતી હતી. ત્યારે તેમણે પૌત્રને મનાવવા માંડ્યો:

‘અત્યંજ, આ અદિતિનું શું છે?’

અત્યંજને આ પ્રશ્ન કરીને ગોદાવરીબાએ ચોંકાવી દીધો હતો. દહાડામાં ભાગ્યે જ બે-ચાર શબ્દોની આપલે કરતાં બા મારા રૂમમાં આવી કેવો સવાલ પૂછી બેઠાં!

‘સાંભળ્યું છે તે પરણી રહી છે?’

અત્યંજે હોઠ કરડ્યો. અદિતિનાં મૅરેજના ખબર વાઇરલ થઈ ગયા કે શું?

‘મને તો એવું પણ સપનું આવ્યું કે કોઈએ તેના પર ઍસિડ ફેંક્યો.’

હેં. અત્યંજ સ્વસ્થતા ટકાવી ન શક્યો. દાદી મને રમાડે છે! જરૂર તેમણે મારી-આવારાની વાતો સાંભળી હશે. મારે પણ હૉલમાં વાત કરવા જેવી ભૂલ નહોતી કરવા જેવી... ખેર, દાદીને તો પહોંચી વળાશે. અદિતિને તસવીર મોકલ્યા ૫છી મારે ખુશખબ૨ની રાહ જાવાની ૨હે છે...

‘સમણું તમને ખોટા સમયે આવ્યું દાદી. સવારનું હોત તો સાચું પડવાનાં વધામણાં અત્યારથી જ દઈ દેત.’ તેનો કટાક્ષ મર્મવેધી હતો.

‘નહીં અત્યંજ, તું એવું કંઈ જ નહીં કરે જેનાથી પરિવારની આબરૂ ખરડાય.’ તેમણે મક્કમતા દાખવી, ‘તને રોકવાના મારી પાસે બીજા ઘણા રસ્તા છે.’

તેમનું મુત્સદ્દીપણું અત્યંજને જરા પજવી ગયું. જાણે અસલનાં દાદી ઊઘડી રહ્યાં છે, મારું હિત તેમને પ્રેરી રહ્યું છે. આનો આનંદ જ હોય, પણ એથી હું મારું વેર પાછુ વાળું? ન બને!

‘તમે તમારું ધાર્યું કરવા મુક્ત છો દાદી, હું મારું જ ધાર્યું કરીશ.’)

‘આ શબ્દો પછી મારે બોલવા જેવું શું રહ્યું!’ અત્યારે લાવણ્યાને ફોન પર કહેતાં ગોદાવરીબહેને હળવો નિ:શ્વાસ નાખ્યો, ‘કોઈ સમજાવટ અત્યંજના ગળે નથી ઊતરતી, ચેતી ગયેલો તે અતીતના સંપર્કમાં હશે તો પણ જતાવતો નથી.... પણ હું તેની દાદી છું.’ ગોદાવરીબાનો રણકો ઊમટ્યો, ‘સવારથી ગાંધીચીંધ્યા માર્ગે‍ અનશન પર તરી છું. ‘તમારું ત્રાગું નહીં ચાલે દાદી...’ કહીને અત્યંજ ઑફિસ ગયો છે, પણ અત્યાર સુધીમાં દસ ફોન આવી ગયા હશે તેના... મારો પૌત્ર મને પાછો મળી રહ્યો છે લાવણ્યા. બસ એના નિમિત્તના અનર્થને આપણે અટકાવી શકીએ!’

આમીન.

€ € €

ગાર્ડન વૅલીના પ્રવેશદ્વારે જ લાવણ્યાને અટકાવવામાં આવી, ‘સૉરી, કોઈને પણ પ્રવેશવાની મનાઈ છે.’

લાવણ્યાને પહેલાં તો ખટક્યું,

પછી ગમ્યું. તો-તો અતીત પણ ક્યાંથી આવી શકવાનો?

- પણ એમ તો અતીત કોઈ પણ પહેરાને ઓછો ગણકારે! નહીં, મારે ભીતર અદિતિની આસપાસ જ રહેવાનું હોય.

અને તેણે રંગ બદલ્યો, ‘મારે મૅનેજરને મળવું જરૂરી છે.

ઇન્કમ-ટૅક્સની રેઇડના ખબર લાવી છું. ક્વિક!’

ગાર્ડ ગૂંચવાયો. મૅનેજરને ઇન્ટરકૉમ જોડવા પોતાની કૅબિનમાં તરફ વળ્યો ને મોપેડ પડતું મૂકીને લાવણ્યા અંદર!

€ € €

અદિતિને થયું છે શું?

વિરાજ જ નહીં, સૌ સ્વજનો માટે તે પહેલીરૂપ બની ગઈ. સવારથી રૂમની બહાર નથી નીકળી. મળવા જઈએ તો દરવાજેથી ડોકિયું કરીને રવાના કરી દે. હૃષીકેશથી ખાસ તેડાવેલા પંડિતો આવી ગયા હોત તો આપણે કાલને બદલે આજે પરણી જાત એવું તે બોલી જાય છે, પણ કયા બૂરા સપનાને કારણે તે બહાર નથી આવવા માગતી એ કહેતી નથી. સંગીત પણ કૅન્સલ કરી દીધું. સ્ટ્રેન્જ.

‘તે તને દબાવવા માગે છે વિરાજ...’ માએ કહી દીધું. ‘એકના એક દીકરાનાં લગ્ન આમ જગતથી છૂપાં કરવાનાં. એમાંય વહુરાણીની મનમાની તો જુઓ.’

દીકરાને આમ બધી સ્વતંત્રતા, પણ પ્રસંગને અનુરૂપ વહેવાર-વર્તન ન હોય ત્યાં મા તો બોલે જને.

વિરાજને એની જોકે ચિંતા નહોતી. માને તો મનાવી લેવાશે, બટ

અદિતિ... અમે પ્રણયપંખી, લગ્નડોરે બંધાનારાં - મારાથી શું પડદો હોય. તે મારી સમક્ષ પણ અંતર ખોલી ન શકે એવી તે કેવી ભીતિ!

‘એક્સક્યુઝ મી...’ પૂલ આગળ આંટા મારતા વિરાજને આંતરી તેણે કહ્યું, ‘મારે થોડી વાતો કરવી છે સર... તમારા મૅડમ વિશે.’

અચ્છા! વિરાજે અચરજ દાખવ્યું.

€ € €

તેની વાતો પતે છે કે...

‘એ...ય એ....ય...’ દેકારો જેવો મચ્યો. પગદંડી પર દોડતી યુવતી પાછળ સિક્યૉરિટી ગાર્ડ્સ પડ્યા હતા. ગડથોલિયું ખાતી તે સીધી પૂલ આગળ તેની પકડે થંભી, બેઉની નજરો ટકરાઈ અને...

‘અ...તી...ત!’ લાવણ્યા સીધી થઈ.

અતીત તેનાથી ક્યાંય વધુ ચોંક્યો : લાવણ્યા તું અહીં!

વ્યક્તિ જાણીતી નીકળી એટલે વિરાજે ઇશારાથી સિક્યૉરિટીને રવાના કરી દીધી.

‘તું... તમે અહીં શું કરો છો?’ અતીતનું અચરજ શમ્યું નહોતું.

‘હું...’ લાવણ્યા થોથવાઈ. અતીત સિક્યૉરિટીના યુનિફૉર્મમાં હતો, હુમલાખોર જ ગાર્ડ બની બેઠેલો! ઘડાયેલા અતીત માટે એ બહુ મુશ્કેલ ન હોય.

‘અતીત...’ વિરાજ સેલિબ્રિટી હતો તોય તેની તરફ જોવાની ફુરસદ નહોતી લાવણ્યાને. તે પિયુનો હાથ પકડીને સહેજ દૂર ખેંચી ગઈ, ‘તમે જે કરવા અહીં આવ્યા છો એ કરો તો તમને મારી મહોબતના સોગંદ!’

ક્યારથી અંતરમાં ઘૂંટાયેલું વાક્ય કહેતાં તેની પાંપણ છલકાઈ, હોઠ

કંપી ઊઠ્યા.

અતીત માટે આ વાક્ય નહોતું, બ્રહ્માંડમાં ગુંજતો ઓમનાદ હતો. ભક્ત ભગવાનને ભાળીને અવાચક થઈ જાય એમ ડઘાઈ જવાયું : લાવણ્યા શું બોલી ગઈ? મ...હો...બ...ત...ના સોગંદ! હૈયું ઉમડઘૂમડ થયું. લાવણ્યા મને ચાહે છે!

‘પણ લાવણ્યા મારે જે કરવું હતું એ તો મેં કરી લીધું.’

‘હેં. મતલબ અદિતિ પર ઍ...સિ...ડ...’

એકાએક અતીતને સમજાયું કે લાવણ્યા શું કામ આ રીતે દોડી આવી છે. હવે વિરાજ પણ નજીક આવ્યો.

‘અત્યંજના રૂપિયામાં આટલું જોર કે તમારું ચારિત્ર્ય ખરીદી શકે?’

અત્યંજ. વિરાજના દિમાગમાં કડાકો બોલ્યો.

‘તમે આવું કરી જ કેમ શકો અતીત...’ લાવણ્યાએ તેની છાતીમાં મુક્કા વીંઝ્યા.

તેના રોષમાં છલકતા પ્રેમે અતીતની ભીતર કશુંક પુરાતું હતું - લાગણીનો શૂન્યાવકાશ. હવે આવારા માટે જગ્યા ન રહી.

‘સ્ટૉપ ઇટ.’ વિરાજે લાવણ્યાનો હાથ પકડ્યો. ‘તેણે શું કર્યું એ તો જાણો. તે તો મને ચેતવવા આવ્યો હતો. અદિતિના માથે તોળાતા જોખમની જાણ કરી તેણે મને.’

હેં. લાવણ્યા સ્થિર થઈ. અતીતને નિહાળ્યો અને પછી નિ:સંકોચપણે વળગી પડી. અતીતે આભમાં નજર ફેંકી. આજે મા દેખાઈ, એ પણ મલકાતી. અતીતનો દરેક ઘા સિવાઈ ગયો.

તેમની પ્રેમસમાધિમાં વિક્ષેપ ન પાડવો હોય એમ વિરાજ ત્યાંથી સરકી ગયો.

€ € €

‘લગ્ન હેમખેમ પતે નહીં ત્યાં સુધી મારે કહેવું નહોતું સર, પણ તમને અપસેટ ભાળીને ખેદપૂર્વક કહું છું કે મૅડમની પરેશાની પાછળ ઍસિડ-અટૅકનો ભય છે.’

વિરાજના ચિત્તમાં થોડી વાર પહેલાંના અતીતના શબ્દો પડઘાય છે. ઍસિડ-હુમલા માટે પોતાને અહીં મોકલનાર શખ્સનું તેણે નામ નહોતું આપ્યું, આપવા માગતો નહોતો; પણ તેની ગાથામાં અદિતિનો વાંક દેખીતો હતો. વધુ કંઈ ચર્ચાય એ પહેલાં આ છોકરીનું આગમન... અને તો એ નામ ખૂલ્યું.

અત્યંજ. અદિતિનો ભૂતપૂર્વ પ્રેમી. એ વાત જુદી કે તેનું પ્યાદું તેની મરજી પ્રમાણે વર્તવાનું નહોતું. કોઈ બીજું કેર ન વર્તાવે માત્ર એ કારણથી અતીતે જૉબ લેવાનો દેખાડો કર્યો‍, અત્યંજને અંધારામાં પણ રાખી જાણ્યો... એક ગુંડા આદમીએ તેની શરાફત બરાબર નિભાવી. તેને ચાહનારી લાવણ્યા ખોટી નથી, જ્યારે અદિતિ? વિરાજનાં જડબાં તંગ બન્યાં.

તેનો ડ૨ જ સત્યની ગવાહી સમાન છે. તે મને તેનો ભય કહી નથી શકતી. ના, મને ચિંતા જાગે એ માટે નહીં; તેનું પાપ ખૂલી ન જાય માટે.

અત્યંજને દેહ દીધાનું પાપ. અદિતિ મને એમ જ કહેતી રહી કે શક્કી મિજાજના અત્યંજે બ્રેકઅપ કર્યું. વાસ્તવ એ છે કે તેણે મારા કારણે અત્યંજને તરછોડ્યો. તો જ તેનામાં આટલું વેર હોય, નિ:શંક. કાલે કોઈ ત્રીજાને કારણે અદિતિ મને છોડી ન દે એની ખાતરી ખરી!

વિરાજના મગજમાં ઘમસાણ મચ્યું હતું. તે અદિતિના દરવાજે અટક્યો. દુનિયાભરની દાઝ કાઢતો હોય એમ પગની લાત ઠોકી, ‘અદિતિ, ઍસિડ-અટૅકર ઝડપાઈ ગયો.’

હેં. ઝડપથી દરવાજો ખૂલ્યો,

‘ક્યાં છે?’

‘રિલૅક્સ...’ વિરાજના હોઠ વંકાયા, ‘હવે કશું થવાનું નથી. અત્યંજ પણ ઝડપાયો છે.’

હા...શ. અદિતિ એ પણ ભૂલી ગઈ કે એક હાશકારામાં પોતે અડધી કબૂલાત કરી લીધી કહેવાય!

‘મને સમજાતું નથી અદિતિ, જેણે તને છેહ દઈ જ દીધો છે એ વ્યક્તિ તારા માટે શાનું વેર રાખે? એ પણ આટલું જલદ!’

અદિતિએ ગૂંગળામણ અનુભવી. શું હોય આનો જવાબ?

‘પૈસા, પોઝિશન ખાતર જે પ્યારને છોડી શકે તે કદી પ્યારને પામી શકે નહીં.’

તદ્દન અજાણ્યા અતીત-લાવણ્યાની લવ સ્ટો૨ીએ પોતાની કહાણીમાં આણેલા ટ્વિસ્ટે અદિતિની ગરદન

ઝૂકી ગઈ.

‘મહોબતમાં જૂઠ ન હોય અદિતિ. તેં તો આપણા સંબંધનો પાયો જ જૂઠની બુનિયાર પર રચ્યો. પછી પત્તાંનો મહેલ ખરી ન પડે તો શું થાય!’

મતલબ... અદિતિએ ધ્રાસકો અનુભવ્યો.

‘વી આર સેપરેટિંગ.’

હેં. તે ઘણું મથી, પણ વ્યર્થ!

€ € €

વિરાજે પોતાના બ્રેકિંગના ખબર સ્પીચમાં રજૂ કરી એને ફેસબુક પર અપલોડ પણ કર્યા. અત્યંજ-અતીત-લાવણ્યાના નામ વિના અને અદિતિના સ્પષ્ટ ઉલ્લેખ સાથે તમામ ઘટનાક્રમ કહીને તેણે અદિતિને ઉઘાડી પાડી દીધી. સોશ્યલ મીડિયામાં ફિટકાર વરસ્યો. પ્રતિષ્ઠાના ધોવાણે ફિલ્મોની ઑફર પાછી ખેંચાઈ. કશું જ કરવા અસમર્થ અદિતિ ડિપ્રેશનનો ભોગ બની છે. સાજી થાય ત્યારે ખરી.

‘સારું થયું મારો લાલ એમાં ન પડ્યો...’ ગોદાવરીબાએ ટલ્લા ફોડ્યા હતા.

ઍસિડના ઉપયોગ વિના આવેલા જલદ પરિણામે અત્યંજનું વેર શમ્યું હતું. દાદીના ઉપવાસ તોડવામાં તેણે દેર નહોતી કરી. નિ:સ્પૃહ બનેલાં દાદીના જીવને ફરી સંસારની જાણે માયા વળગી છે. તેમની નિશ્રામાં

નવો જ અત્યંજ ઊઘડતો ગયો.

અતીત-લાવણ્યા જોડે અત્યંજને પણ આત્મીયતાની ગાંઠ બંધાઈ છે.

‘તમે તમારા લાલ માટે ભલે મનગમતી વહુ લાવો, પણ એ પહેલાં અતીતને મારે ત્યાં રજૂ કરવામાં તમારી મધ્યસ્થીની જરૂર પડશે.’

લાવણ્યા અતીતને વારવા પાછળ ન પડી હોત તો અદિતિ અટૅકમાંથી ઊગરી જાત; પણ પછી અત્યંજનો છેડો ખુલ્લો ન થાત, એ ન બનત જે બનવું ઘટે. અતીતે પોતાની ટોળી વિખેરી નાખી હતી. બૉસ સંન્યાસી થઈ જવાનો જેવી કમેન્ટ્સ પચાવી જાણી હતી. ચારિત્ર્યની બાબતમાં જે જુવાન કાદવમાં કમળ થઈ રહ્યો તેની ભલામણ શું કામ નહીં?

- અને ખરેખર દાદી-અત્યંજે મધ્યસ્થી કરીને લાવણ્યાના પેરન્ટ્સને સમજાવ્યા, મનાવ્યા. પોતાના ગુનાઓની સજા ભોગવી શુદ્ધ થઈને અતીત બે વરસે જેલમાંથી નીકળ્યો ત્યારે સૌ તેને વધાવવા આતુર હતા અને લાવણ્યા લગ્નમંડપમાં વરમાળા લઈને તેનો ઇન્તેજાર કરતી હતી! અત્યંજ માટે પણ અનુરૂપ પાત્ર બાએ ખોળી કાઢ્યું હતું અને રંગેચંગે થનારાં લગ્નમાં વિરાજ પણ તેની પરણેતરને લઈને આવ્યો હતો... અદિતિ આજે પણ એકલી છે, એકાકી છે. સ્વભાવ ન બદલે ત્યાં સુધી એમાં બદલાવ પણ કેમ આવે?

લાવણ્યા ખુશ છે, તેને સુખી કરવા અતીત કટિબદ્ધ છે. એમાં તે સફળ થવાનો જ એ ઉમેરવાની જરૂર ખરી?

(સમાપ્ત)


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK