કથા-સપ્તાહ - આવારા (હૃદયના રંગ : 4)

ગોદાવરીબાની કથા લાવણ્યાથી છૂપી નહોતી...અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5  


પતિ અને દીકરા-વહુની વિદાય બાદ પૌત્ર પોતાની દેખરેખ નથી રાખતો એવું તે માનતાં નહીં, પણ તેની સ્વતંત્રતામાં પ્રવેશેલા અવગુણની પીડા અવશ્ય હતી. અદિતિ સાથેની સંગત જરાય રુચિ નહોતી. અદિતિ ભાગ્યે જ મુખ્ય ઘરે આવતી અને દાદીને મળવાનું કષ્ટ તો ભાગ્યે જ લેતી. તેમની વચ્ચે શું-કેમ થયું એની દાદીને જાણ નહોતી, પણ પૌત્ર તેનાથી છૂટો થયો એ તો ગમ્યું હતું તેમને.

‘મારું ચાલે તો હું તારા જેવી વહુ લાવું જે મારા ઘરને, પૌત્રના સંસારને સ્વર્ગ બનાવી દે... પરંતુ એ પહેલ અત્યંજ તરફથી થવી જોઈએ.’

કેટલી સ્પષ્ટ સમજ. હવે જુવાન છોકરાઓ વડીલોની મરજીમાં નથી માનતા એનો આડકતરો સ્વીકાર હતો આમાં.

લાવણ્યા અદિતિની ગતિવિધિથી સ્વાભાવિકપણે મીડિયા દ્વારા અપડેટ રહેતી. જોકે લાવણ્યાને તો તે અભિનેત્રી તરીકે પણ બહુ ગમતી નહીં. તેનું નામ પાછું હૉકીપ્લેયર વિરાજ સાથે પણ ક્યાં નથી ચગતું! લાવણ્યાને એમાં રસ નહોતો.

ખેર, ખાસ્સા ત્રણેક મહિનાથી બા ગૌશાળામાં દેખાયાં નહીં એટલે આજે લાવણ્યા કૉલેજથી સીધી તેમને મળવા આવી હતી. અગાઉ પણ એકાદ-બે વાર પોતે આવી ગઈ છે એટલે સ્ટાફ પણ ઓળખે છે. હા, અત્યંજને કદી રૂબરૂ મળવાનું નથી બન્યું... એની જરૂર પણ શી?

‘તું આવી એ ગમ્યું. ઠંડીમાં હું નીકળવાની નથી, પણ તું આવશે તો ગમશે.’

આજે પણ બાને મળી, ચા-નાસ્તો કરીને વિદાય લીધી. તે રૂમમાંથી નીકળી હૉલમાં પહોંચી કે અટકી જવાયું.

હૉલમાં ફોન જોડીને રઘવાટમાં આંટા મારતા અત્યંજના દેખાવથી વિશેષ લાવણ્યા તેના શબ્દોથી ચોંકી...

‘કોણ, આવારા?’

લાવણ્યા દીવાલસરસી થઈ ગઈ. અત્યંજનું હજી તેના પર ધ્યાન નહોતું.

‘તારું કામ પડ્યું છે. કાલ સવારે મને વહેલો આવીને ઘરે મળ.’

આનો ધક્કો એવો હતો કે બીજી સવારે અતીતના આગમન પહેલાં ઘરે પહોંચીને લાવણ્યા બાના કમરામાં ગોઠવાઈ ગઈ.

€ € €

અત્યંજને અતીતનું શું કામ પડ્યું હશે? છેાકરી પાછી અતીતને ચાહતી લાગે છે!

જમાનાના ખાધેલ માજીએ લાવણ્યા પાસેથી આવારા વિશે જાણીને અડધી તારવણી તો સાચી કાઢી, પણ

અત્યંજને તેનું શું કામ હોઈ શકે એ સમજાણું નહીં!

પણ એ માટે વધુ વાટ પણ ક્યાં જોવાની છે? આ આવ્યો અતીત.

માજી ટટ્ટાર થયાં, લાવણ્યા વળી હૉલની દીવાલસરસી થઈ ગઈ.

€ € €

વૉટ. વિરાજ-અદિતિનાં લગ્ન. એમાં ભંગાણ હું પાડું!

અતીત સ્બ્ધ બન્યો. સેલિબ્રિટીના લવ-લફરામાં પડવામાં તે માનતો નહીં. વિરાજ યા અદિતિ જોડે તેને કશી લેવાદેવા નહોતી, પણ કોઈનાં

લગ્નમાં ભંગાણ જેવું હલકું કામ થઈ જ કેમ શકે?

‘અદિતિની હમદર્દી ન સેવતો. મને મહોબતમાં પરવશ કરીને તે પ્યારનું નાટક કરતી રહી. વિરાજ મળતાં મને છોડ્યો... પણ હું તેને નહીં છોડું!’ અત્યંજ ઘાયલ સિંહની જેમ ગાથા કહીને ચિત્કારે છે, ‘દોઢ કરોડનું વેડિંગ ગાઉન બનાવનારી લગ્નના ઉલ્લાસે મહાલતી હશે, પણ તેના સુખને હું સાકાર થવા નહીં દઉં. મંઝિલના આખરી કદમ પર એવો ઘા કરીશ કે ફરી તે કોઈને પરણવાલાયક નહીં રહે!’

અત્યંજના સ્વરમાં સુસવાટ હતો. અતીત આંખો ઝીણી કરીને તેનો આવેશ માપી રહ્યો.

‘તેણે મારી પીઠમાં ખંજર ઘોંપ્યું છે, હું તેના ચહેરા પર ઍસિડ છંટાવવાનો.’

અદિતિની બરબાદી માટે આનાથી વરવો વાર સૂઝતો નથી.

લાવણ્યા સહેમી ગઈ. કોઈ પણ યુવતી પ્રત્યે ગમે એટલી દુશ્મની હોય, તેના પર ઍસિડ ફેંકવા જેટલી ભીષણતા બીજી શું હોય? અતીત આવાં કામ પણ કરે છે? લાગ્યું કે હૃદયમાં જડેલી તસવીરમાં તિરાડ પડતી જાય છે. બહુ વેદના થઈ.

‘તારે જોઈએ તો બે-પાંચ લાખમાં કામ કર કે બે-પાંચ કરોડ લે, પણ ફિલ્મનટીનો ચહેરો એવો કરી દે કે બળેલા રૂપથી તે ખુદ છળી મરે.’

કેટલો ધિક્કાર! અતીતે ઊંડો

fવાસ લીધો. 

‘ડેસ્ટિનેશન ગોવા. ગાર્ડન વૅલી રિસૉર્ટ. ૨૯થી પહેલીનો પ્રોગ્રામ છે.’ કહીને તેણે અતીતને પૂછ્યું, ‘ડીલ?’

અતીતે ડોક ધુણાવી, ‘ડીલ.’

લાવણ્યાના કાળજે જાણે કટારી વાગી.

€ € €

‘રડી લે બેટા, રડી લે.’ ગોદાવરીબાએ પોતાના ખોળામાં માથું મૂકીના ધ્રુસકું નાખતી લાવણ્યાના માથે હાથ ફેરવ્યો. તેમનાથી લાવણ્યાના હૈયાની લાગણી છૂપી ન રહી. લાવણ્યા સરખી છોકરી રૂપિયા-પૈસા લઈને ઘાતકી કામ કરતા જુવાનના પ્રેમમાં ભોળવાય એ પણ કેવી વક્રતા.

બોજ તો તેમના હૈયે પણ હતો. અતીત-અત્યંજના સોદાનો સાર લાવણ્યા પાસેથી જાણીને જીવને સંતાપ થતો હતો. અમારા કુળદીપકની આ દુર્ગતિ કે તે કોઈ છોકરી પર આવો ઘાતકી હુમલો કરવાનું વિચારે! અદિતિની ભૂલ કબૂલ, પણ બદલો લેવાના શાહ પરિવારના સંસ્કાર નથી. અદિતિ સાથે તેને મહોબત સાચી હશે, માન્યું; પણ જો એ મહોબત જ હોય તો સામા પાત્રનો વિનાશ ઝંખે ખરી? આજની પેઢીને એનીયે પરખ નથી રહી!

પેઢીને દોષ દઈને બેસી રહેવાનું વડીલને પણ ન શોભે. પોતાના જ મનોવિહારથી ગોદાવરીબહેને

ચમકારો અનુભવ્યો:

વાત તો સાચી. દીકરા-વહુ ગુમાવેલી ગુમસૂમ બનેલી દાદીની કાળજી પૌત્ર લે એવું સૌએ ઇચ્છ્યું; પરંતુ પૌત્રને સંયમમાંથી ચળતો જોઈને પણ મને કેમ તેની કાળજી લેવાનું, તેનો કાન આમળવાનું ન સૂઝ્યું? હું મારી ફરજમાંથી ચૂકી ન હોત તો કદાચ અત્યંજનો આવો વિનિપાત ન હોત, અમે દાદી-પૌત્ર એકમેકની વધુ નજીક હોત. જાતને સાદગીમાં ડુબાડવાને બદલે મેં પૌત્રમાં ડુબાડી હોત તો કદાચ ઘરને સંસ્કારલક્ષ્મીનું સુખ હોત, હું પ્રપૌત્ર રમાડતી હોત...

તેમની પાંપણ ભીની બની. ખેર, દેર આએ દુરસ્ત આએ. મનના નિર્ધારમાં મક્કમતા ઘૂંટીને તેમણે લાવણ્યાને બેઠી કરી, તેનાં અશ્રુ લૂછ્યાં, ‘તું ચિંતા ન કર. હું અત્યંજની દાદી બેઠી છુંને. મારા પૌત્રને આટલો ન પડવા ન દઉં. તે જ સોદો ફોક કરે તો અતીતે ક્યાં કશું કરવાનું થવાનું?’

‘અતીતના ગુણ મેં અનુભવ્યા છે બા. આજના કૃત્યનો તેની સાથે મેળ નથી બેસતો.’ લાવણ્યાએ ડૂસકાં ખાYયાં. ‘મારે તો તેમને આ પથથી વાળવા હતા, પણ અત્યારનું તેમનું રૂપ જોઈને મારી હામ ભાંગી પડી. બા, તમે અત્યંજને વાળશો. અતીત કોઈ બીજા માટે આવું નહીં કરે એની શી ખાતરી?’

‘તું આટલું સમજે છે બેટી તો હું એટલી જ સલાહ આપીશ - પ્યારની પહેલી ઠોકરને ભૂલીને જીવનમાં આગળ વધી જા.’

ક્યાંય સુધી ગોદાવરીબાના શબ્દો લાવણ્યાના ચિત્તમાં ઘૂમરાતા રહ્યા.

હેતાળ વડીલ જેવાં બાની સલાહ સો ટચની હતી. શાણપણ એની ગવાહી દેતું હતું, પણ હૈયું?

લલચાતું હતું. એક વાર અતીતને હું મનાવી જોઉં, મારા પ્યારની કસમ લઈને સાચો રાહ લેવા વિનવું... શક્ય છે કે અતીતનું હૃદયપરિવર્તન થવાના એ જ સંજોગ હોય!

આશા બંધાણી. બધું સમુંસૂતરું પાર પાડવાની પ્રાર્થના કરતી તે ઘરે પરત થઈ; પણ હાય રે, સામા ઘરે અતીતનો પત્તો નહોતો.

મોડી રાત્રે તે આવ્યો ત્યારે વાત કરવાનો મેળ પડે એમ નહોતો અને સવારે જોયું તો ફ્લૅટ બંધ હતો. બપોરે કૉલેજથી પાછી આવી કે કમ્પાઉન્ડમાં તેના સાગરીત દુર્યોધનને ભાળીને પૂછતાં જાણ્યું : અતીત સવારે ગોવા જવા નીકળી ગયા...

લાવણ્યા નિરાશ ન થઈ. હું ગોવા જઈને તેમને મનાવી ન શકું?

લાવણ્યા જાણે જીવ પર આવી. અત્યારે પપ્પા-મમ્મીને સત્ય

જણાવવાનો અવકાશ નહોતો એટલે કૉલેજના સેમિનારનું કહીને તેણે શુક્રની સવારે ગોવાની ફ્લાઇટ પકડી. હું

પહોંચું ત્યાં સુધી અદિતિને હેમખેમ રાખજો ભગવાન!

€ € €

ફાઇનલી, ઇટ્સ હૅપનિંગ.

શુક્રની એ જ સાંજે વાસ્કોના રિસૉર્ટમાં અદિતિ જાણે સુખના હિંડોળે ઝૂલે છે. થોડી વાર પહેલાં જ મેંદીની વિધિ પતી. કાલે સંગીત, પરમ દહાડે લગ્ન.

વિરાજ-અદિતિને ભાળીને રિસૉર્ટવાળા પણ સ્તબ્ધ થયેલા. ખરેખર તો વિરાજનો સ્ટાફમેમ્બર નહીં ખુદ વિરાજ અદિતિને પરણી રહ્યો છે એ જાણીને રિસૉર્ટવાળાએ પ્રાઇવસી વધારી દીધી હતી. અદિતિનો અંગત સિક્યૉરિટી સ્ટાફ તો ખરો જ... ગાર્ડન વૅલી આખા રિસૉર્ટમાં અમારા સિવાય બીજું કોઈ રહ્યું નથી. મેંદી હેમખેમ પત્યા પછી અદિતિની હામ વધી છે. રિસૉર્ટના બહુમાળી મકાનમાં ટોચનો છઠ્ઠો ફ્લોર તેણે પોતાના માટે રાખ્યો છે, નીચે વિરાજ અને પછીના માળ ફૅમિલી પ્રમાણે વહેંચીને સૌ થાળે પડ્યા છે. અત્યંજનો ભય ન હોત તો લગ્ન ગોવાને બદલે દુનિયાની સૌથી રોમૅન્ટિક જગ્યામાં ગોઠવ્યાં હોત...

પોતાની રૂમમાં અંગડાઈ લેતી અદિતિના સેલફોનની બઝર વાગી.

જોયું તો...

અત્યંજનો મેસેજ!

હૈયું ધડકી ગયું. ટેક્સ્ટ-મેસેજમાં લખ્યું હતું : અદિતિ આજે. પછી બીડેલી તસવીર ડાઉનલોડ થતાં ઊઘડી. વાઉ, વરસેક જૂની તસવીરમાં કેવી અલ્લડ લાગું છું હું!

વળી બઝર. નવી ટેક્સ્ટ : અદિતિ આવતી કાલે.

એને સંલગ્ન તસવીર છતી થતાં જ અદિતિ કંપી. હળવું ચીખી પડી. મોબાઇલ વચકી ગયો : મૉર્ફ કરેલી એ તસવીરમાં પોતાનો ચહેરો બળી ચૂકેલો દર્શાવાયો હતો.

અદિતિ આવતી કાલે...

હે રામ. અત્યંજ આવતી કાલે મારા પર ઍસિડ-અટૅક કરાવી શકે ખરો! બીજો કોઈ મામૂલી જણ હોત તો અદિતિએ કાયદાનો સહારો લઈને હોહા મચાવી પાઠ ભણાવ્યો હોત, પણ અત્યંજ કદાચ પોતાનાથી વધુ વગધારી હતો. તેની સામે પડવામાં જાંઘ ખુલ્લી કરવા જેવું થાય!

અદિતિને ધરતી ગોળ-ગોળ ઘૂમતી લાગી.

€ € €

‘અદિતિ, ઓપન ધ ડોર.’

શનિની સવારે વિરાજની ધીરજ ખૂટી. ગઈ કાલે મેંદીની રસમ પૂરી થયા સુધી બધું બરાબર હતું, પણ પછી અદિતિમાં વિચિત્રસો બદલાવ જોવા મળ્યો. ન જમવા આવી, ન મારા પેરન્ટ્સને ગુડનાઇટ કહેવાનોય વિવેક દાખવ્યો... હવે બ્રેકફાસ્ટમાં પણ જોડાવા નથી માગતી એ કેમ ચાલે?

વિરાજની કડપે અદિતિએ હળવી માત્રામાં દરવાજો ખોલ્યો. આગંતુક પાસે ઍસિડ-બૉટલ નથી એવી ચકાસણી કરીને બારણું પૂરું ખોલ્યું.

કેવી તેની ચેષ્ટા. પાછી કેટલી ગભરાયેલી.

‘કોઈ બૂરું સપનું જોયું અદિતિ?’

‘હેં. હા-હા...’ અદિતિ વિરાજને વળગી, ‘મને સ્વસ્થ થવાનો સમય આપો વિરાજ. પ્લીઝ, લગ્ન સુધી જાળવી લો.’

તેની હાલત જ એવી હતી કે વિરાજથી ઇનકાર ન થયો. તેના જતાં જ દરવાજો બંધ કરીને અદિતિ ફસડાઈ પડી.

€ € €

અતીત ક્યાં?

શુક્રની સવારે મુંબઈથી ફ્લાઇટ પકડનારી લાવણ્યા ગોવા બે-એક વાર આવી ગયેલી એટલે શહેર સાવ અજાણ્યું નહોતું. પણજીની હોટેલમાં થાળે પડીને તેણે અતીતને શોધવા ઍક્ટિવા ભાડે લઈને ગોવામાં ફરવા માંડ્યું હતુ. અતીત મામૂલી ગેસ્ટ-હાઉસથી મોંઘી હોટેલ સુધીમાં ગમે ત્યાં ઊતર્યો‍ હોઈ શકે... જાણે અતીતે ઍક્ટ્રેસ પર ઍસિડ રેડવા શું પ્લાન બનાવ્યો હશે? અતીતનો મોબાઇલ-નંબર પણ લઈ રાખ્યો હોત તો સારું થાત... અતીત તેના કામને અંજામ આપે એ પહેલાં અમારું મળવું જરૂરી છે!

લાવણ્યાને અધીરાઈ હતી, પણ છેવટે તો જે જ્યારે બનવાનું હોય છે ત્યારે જ બને છે.

શનિની સંધ્યાકાળે થાકીને લાવણ્યા ડોના પૌલા બીચની પાળીએ બેઠી ત્યારે સમંદરનાં મોજાં જેવો ઉછાળો અનુભવ્યો:

અદિતિ! મારે અદિતિની આસપાસ રહેવું રહ્યું. આખરે વાર કરવા અતીતે શિકાર સુધી આવવું રહ્યું! બસ, ત્યારે હું તેમને વારી શકું...

અને તેણે ગાર્ડન વૅલીની વાટ પકડી એ જ વખતે ગોદાવરીબહેને ફોન રણકાવ્યો. લાવણ્યાને થયું ક્યાંક બૂરા ખબર ન હોય!

‘બોલો બા...’ કહેતાં લાવણ્યાનો સ્વ૨ ધ્રૂજી ગયો.

(આવતી કાલે સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK