કથા-સપ્તાહ - આવારા (હૃદયના રંગ : ૧)

ચિયર્સ!


ranbir

અન્ય ભાગ વાંચો

1  |  2  |


- સમીત (પૂર્વેશ) શ્રોફ

જામના ટકરાવનો સુરીલો રણકાર પ્રસરી ગયો.

‘જલસા કરો!’ બૉસની અદાથી તેણે જાણે આદેશ આપ્યો ને તેના દસેક સાગરીતોનું ટોળું ગટગટાગટ શરાબ ઢીંચવા માંડ્યું. સાથે ખુશ્બૂદાર વેજ-નૉનવેજ ડિશોનું સ્ટાર્ટર. નાતાલનું સેલિબ્રેશન ધમાકેદાર જ હોયને.

‘આપણને તો ગ્લાસથી નહીં ફાવે. દારૂ શું માપીને પીવાતો હશે!’ દુર્યોધને સીધી બૉટલ મોંએ માંડી. નામ તો તેનું દુષ્યન્ત હતું, પણ આપણા ધંધામાં વિલન જેવાં નામ વધુ ચાલે એમ કહીને પોતે જ ફોઈબા બની બિચારાને દુર્યોધન બનાવી દીધો એ સાંભરતાં આવારાના હોઠ મલકી પડ્યા.

પોતાનો ગ્લાસ લઈને તે ભીડમાંથી સહેજ દૂર સર્યો‍. નામ તો પોતાનું પણ ક્યાં આવારા હતું? ઘરનું નામ તો હતું અતીત!

‘જેવો રૂપાળો તું, એવું રૂપાળું તારું નામ.’ મા કહેતી.

મા.

ભંગારના ગોડાઉનમાં જામેલી પાર્ટીથી અલિપ્ત થઈ ગયો હોય એમ અતીત ગોડાઉનના વિશાળ પ્રવેશદ્વારના ઉંબરે ઊભો રહીને આભમાં દૃષ્ટિ દોડાવે છે. મધરાતના આકાશમાં, તારાઓની ભાતમાં એક ચહેરો શોધવા મથે છે.

મમતાથી છલકતો, હેતથી નીતરતો ચહેરો - માનો ચહેરો.

‘મા-મા...’

એક બપોરે ખભે દફ્તર લટકાવીને સ્કૂલથી પાછો આવતો દસેક વરસનો છોકરો ધડાધડ ચાલીનાં લાકડાવાળાં પગથિયાં ચડીને પોતાની રૂમમાં દાખલ થાય છે અને ફરસ પરની ગાદી પર સૂતેલી માને હલબલાવીને પૂછે છે, ‘બહાર ટીનુ (શેરીમિત્ર) કહેતો હતો કે તું ભગવાનના ઘરે જવાની.’ કહેતાં તે માને બાઝ્યો, ‘હું નહીં જવા દઉં.’

‘મારો આરો આવી ગયો દીકરા...’ ખાંસી ખાળીને વિદ્યાગૌરીએ હેતથી એકના એક દીકરાના માથે હાથ ફેરવ્યો, ‘મને જવા દે. બાકી મારા આશિષ હંમેશાં તારી સાથે રહેવાના... અને હું દૂર ક્યાં જવાની! રાત્રે આકાશના તારામાં હું તને દેખાઈશ...’

આની તો કેટલી ટાઢક હતી દીકરાને. બીજે દહાડે મા ગુજરી ગઈ. તેને ઘરેથી લઈ ગયા ત્યારે બહુ રડ્યો તે. ન ખાધું, ન પીધું. પછી રાત થઈ ને કશુંક સાંભર્યું હોય એમ તે ચાલીના ખુલ્લા ચોગાનમાં દોડી ગયો. આભમાં ટમટમતા તારલા  નિહાળવા લાગ્યો.

હું આજે પણ એ તારાઓમાં શોધું છું મા, પણ તું કદાચ એમનીયે પારના પ્રદેશમાં ગઈ છે એટલે મને નથી દેખાતી. તારલા મારા પર હસે છે મા, આજે પણ.

અતીતે ઊંડો શ્વાસ લીધો.

તારલા ત્યારે પણ હસતા મા અને સાવકી મા ધીબેડતી : એમ આકાશમાં તાકવાથી તારી મા ટપકવાની નથી અક્કર્મી! ઊઠ, રસોડું સાફ કર, જા!

વિદ્યામાના દેહાંતના છ મહિનામાં બાપે બીજાં લગ્ન કર્યાં હતાં. નવી પરણેલી સુધાને સાવકો દીકરો કણાની જેમ ખૂંચતો. પતિને વશમાં કરી લઈને સાવકા પુત્ર પર એટલી હદે ટૉર્ચર કરતી કે એક રાત્રે તેરના થયેલા અતીતની સહનશક્તિ જવાબ દઈ ગઈ. રસોડું સાફ કરવાને બદલે ઊંચા અવાજનો ડારો આપતી બાઈના માથામાં સાણસી ફટકારીને તે ઘરેથી નાસી છૂટ્યો! 

ફુટપાથ પર વીતેલાં થોડાં વરસોએ સમજાવી દીધું કે અહીં મારે એની તલવાર છે, જંગલમાં જીવવું હોય તો સિંહ બનવું રહ્યું.

અને બસ, તેને ડણક મારતાં આવડી ગઈ. ગલી-મહોલ્લાથી શરૂ થયેલા વર્ચસનો વિસ્તાર વિસ્તરતો ગયો એમાં માનો માસૂમ અતીત બેદર્દ આવારા બની ગયો!

‘ગુરુ, તુમ ઉધર ક્યા કર રહે હો...’ ટોળામાંથી બૂમ પડી. બીજાએ એમાં ઉમેરો કર્યો‍, ‘કોઈ હુશ્નપરી હૈ ક્યા બાહર?’

હુશ્નપરી. શબ્દ સાથે અદૃશ્યમાં એક મૂરત ઊભરી:

લાવણ્યા. સંગેમરમરમાંથી નિપુણ મૂર્તિકારે તરાશ્યું હોય એવું રૂપ, એવો જ ઝળહળતો આત્મવિશ્વાસ, ભાતીગળ સંસ્કારનું તેજ...

અતીત અંજાયો, થોડું શરમાયો. ઓહ, તેનું સ્મરણ પણ મને અવાક કરી દે છે! મારું હૈયું તેના માટે ધડકે છે એની ગંધ તો મેં હજી તેને પણ આવવા નથી દીધી, ત્રણ વરસથી તેના પાડોશમાં રહું છું છતાં!

જંગલના રાજા બન્યા પછી અતીતને ઘરબારની વિડંબના નહોતી, રૂપિયા-પૈસાની દરકાર નહોતી. ફુટપાથ પરથી ભાયખલાની ચાલીમાંથી બાવીસની ઉંમરે તો તેણે ચર્ની રોડ પર આલીશાન ફ્લૅટ લઈ લીધો. ચાર વિંગની આનંદ સોસાયટીના ઝૂમખામાં ઠીક-ઠીક શ્રીમંત ગણાય એવા લોકો રહેતા. લાવણ્યાની ફૅમિલી એમાંની એક. અતીતના ઘરની બાલ્કનીની સામે લાવણ્યાના ફ્લૅટની બાલ્કની પડે.

નવા ઘરની એ પહેલી સવાર આજેય એવી તાજી છે. મોડી રાત સુધી રખડવાવાળા અતીતને વહેલી સવારે ઊઠવાની આદત નહોતી, પણ કદાચ નવી જગ્યાને કારણે પરોઢિયે આંખ ખૂલી ગઈ. બિઅરનું ટિન લઈ તેણે બાલ્કનીમાં ડગ મૂક્યો એવો જ સ્થિર થઈ ગયો.

સામી બાલ્કનીમાં તાજી નાહીને નીકળેલી રૂપસુંદરી તેના ભીના લાંબા કાળા કેશ ઝાટકી રહી હતી. પરોઢનાં રતાશવર્ણી કિરણોમાં ઓપતી જળબુંદોની ઈર્ષા થઈ આવી અતીતને, વાળમાંથી સરકીને તેના ગાલો પર જો રમતી હતી! લતાનું કોઈ ગીત ગણગણતી યુવતીનો રણકો પણ કેવો મધુર લાગ્યો.

ના, અનેક આડાંતેડાં કામ કરીને ઘડાયેલા અતીતમાં ચારિત્ર્યની એબ નહોતી. કોઠા-ક્લબમાં જવાનું તો દૂર, રસ્તે ચાલતી કન્યાને તિરછી નજરે જોવા જેટલી પણ બદનીયત નહીં. છોકરીઓને હેરાન કરવાનું કામ કોઈ ચીંધે તો ઊલટો તેને દંડે. તેની ટોળકીને પણ ખબર કે આપણો બૉસ છોકરીજાતની ઇજ્જત કરે છે, એમાં ચૂક્યા તો ખલાસ! અતીતનો એવો ધાક હતો.

પણ એનો અર્થ એવો પણ નહીં કે અતીતમાં વયસહજ અરમાનો નહોતાં... બરડ થઈ ગયેલા વ્યક્તિત્વને વળોટવાનું એમનું ગજું નહોતું એટલું જ. નવા ઘરની પહેલી સવારે ધરતીમાંથી વાંસ ફૂટે એમ અરમાનોના અંકુર ફૂટી નીકળ્યા. ઘડીભરમાં તો હૈયે મઘમઘતી ફૂલવાડી સર્જાઈ ગઈ. અતીત બઘવાયો, મૂંઝાયો.

અને તે ટટ્ટાર થઈ. વાળને ઝાટકો આપીને ગરદન પાછળ લેતાં નજર ઊંચકાઈ, સીધી અતીત સાથે ટકરાઈ. 

અત્યંત સોહામણા અતીતના દેખાવમાં મર્દાનગીપણું લચકતું. કોઈનું પણ હૈયું ધડકાવી દે એવા ખૂબસૂરત જુવાનને નિહાળીને પળવાર તો તે યુવતી પણ મુગ્ધ થઈ. પછી જાણે શું થયું કે ત્વરિત નજર વાળીને ઘરમાં જતી રહી અને બાલ્કનીનું દ્વાર બંધ કરીને કર્ટન પણ સરકાવી દીધો!

અતીતની સમાધિ તૂટી. યુવતીને અચાનક શું થયું? તેણે ખભા ઉલાળ્યા એવું ધ્યાન ગયું - બિઅર!

સવાર-સવારમાં બિઅરનું ટિન લઈને ઊઠતા જુવાન માટે જાણે શું-શું ધારી લીધું હશે તેણે! કોઈ પણ શરીફ યુવતી મારા જેવાને સાંખી ન શકે... અને એમ અજાણી યુવતીથી મોહિત થવામાં ફાયદો? તે પરણેલી છે કે કુંવારી એ પણ ક્યાં જાણ્યું? શક્ય છે કે પરણી ન હોય તો કોઈના પ્રેમમાં હોય, એન્ગેજ્ડ હોય... એવી પર નજર નાખવામાં પણ પાપ છે!

એ વાત જુદી કે આખી સોસાયટીમાં સૌપ્રથમ તેણે એ છોકરીની ભાળ કાઢી હતી અને તે કુંવારી હોવાનું જાણીને ખુદ પરનો રહ્યોસહ્યો અંકુશ ઓસરી ગયો હતો!

છોકરીનું નામ લાવણ્યા.

ફૅશન-ડિઝાઇનિંગના ફસ્ર્ટ યરમાં ભણતી ૧૯ વરસની લાવણ્યા તેના પેરન્ટ્સનું એકમાત્ર સંતાન છે. પિતા સુબોધભાઈ અને માતા માલિનીબહેન બેઉની બૅન્કની સરકારી નોકરી છે. આર્થિક સ્થિતિ સંપન્ન. દીકરી તેમનો શ્વાસપ્રાણ.

અને દીકરી પણ જાણે ગુણનો ભંડાર. ભણવામાં હોશિયાર, રસોઈમાં પારંગત, મૂલ્યોમાં માનનારી, નજીકની ગૌશાળામાં નિયમિત સેવા આપવા જાય એટલી કર્તવ્યનિષ્ઠ પણ ખરી.

લાવણ્યાને જોતો ગયો, જાણતો ગયો એમ હૃદયની કોરી પાટી પર તેના નામના અક્ષર ઘૂંટાવા લાગ્યા.

અતીત આટલાથી ખુશ હતો. અતીતમાંથી આવારા બનેલાને ઘરસંસાર નભે નહીં એવી સમજ હતી. પરિણામે લાવણ્યાની પાછળ પડીને તેને પોતાની કરવાનો ઉત્પાત તેને સ્ર્પશ્યો નથી. બસ, લાવણ્યા મને ગમે છે, હું તેને ચાહું છું એટલું પૂરતું હતું અતીત માટે.

સોસાયટીમાં નવા આવેલા જુવાનને પાડોશીના નાતે સુબોધભાઈએ બે-ચાર વાર ચાનું નિમંત્રણ આપ્યું, પરંતુ અતીત ટાળી જતો. પછીથી તો જોકે સુબોધભાઈ પણ અંતર રાખતા થયા. અતીતને એનું અચરજ નહોતું.

અતીતના કામધંધા વિશે ખબર પ્રસરતી ગઈ એમ સોસાયટીમાં ભાગ્યે જ કોઈ તેની સાથે ઘરવટ રાખવા માગતું. જે વગર લાઇસન્સની રિવૉલ્વર રાખતો હોય, બજારમાં માથાફરેલની છાપ હોય, આઠ-દસ માણસોની ટોળી ધરાવે, ખંડણી વસૂલ કરે અને પૈસા લઈને તમે કહો એ કામ કરી આપે એવા ‘આડી લાઇન’ના ગણાતા જુવાનથી દૂરી સારી!

સભ્ય સમાજના અભિગમની અતીતને નવાઈ નહોતી. સાચું પૂછો તો તેને પરવા પણ નહોતી. પોતે દેશદ્રોહનું કોઈ કામ નથી કરતો, બહેન-દીકરીની હેરાનગતિ નથી થવા દેતો એ મતલબના ખુલાસા કરવાનું પણ જરૂરી ન લાગતું. હા, પોતાના આદમીઓની અવરજવરથી કોઈ બબડાટ કરવાનું થાય તો એવી ત્રાડ નાખે કે બોલનારો બિચારો ઘરના વૉશરૂમમાં છુપાઈ જાય. એક-બે આવા અનુભવો પછી સોસાયટીવાળાએ મને-કમને ન્યુસન્સને સ્વીકારી લીધેલું.

આવામાં લાવણ્યા કે તેની ફૅમિલી તરફથી વિશેષ અપેક્ષા રાખવી પણ શું કામ? અતીત નિર્દોષપણે લાવણ્યાનાં દર્શનનું સુખ માણતો રહેતો. ક્યારેક લાવણ્યા તેની નજરને જકડી લેતી ને અતીત મૂંઝાઈને ચહેરો ફેરવી લેતો.

દરમ્યાન એક નાનકડી ઘટના બની. ત્રીજી વિંગમાં રહેતી કાવેરીને એક મજનૂનો ત્રાસ હતો. કૉલેજ આવતાં-જતાં તે તેની પાછળ પડતો, સોસાયટીના ગેટ સુધી આવીને ટૉર્ચર જેવું કરતો.

‘વી વિશ કે તમે તેને ખોખરો કરો.’

અતીતને આવું કહેનાર હતી સ્વયં લાવણ્યા! કાવેરી સાથે તેને બહેનપણાં હતાં. ત્રાસેલી સખીના આશિકને સીધોદોર કરવા પાડોશીની મદદ લેવાનો આઇડિયા પણ તેનો જ હતો. એ માટે તે કાવેરીને લઈને અતીતના ઘરે પહોંચી હતી.

પોતાના દ્વારે, ઘરમાં તેને જોઈને અતીતને કંઈ-કંઈ થઈ ગયેલું. તેના કામનો તો ઇનકાર હોય જ નહીંને!

એ જ સાંજે અતીતના આદમીઓે ધૅટ મજનૂને આંતરીને અતીતના ઘરે લઈ આવ્યા. બિચારો એવો તો ધ્રૂજતો હતો. અતીતે તેની રીતે ઠમર્ઠોયા ૫છી હોશ રહ્યા નહોતા, પણ એથીયે વસમું પછી બન્યું.

અતીતે કાવેરીને તેડાવીને આશિકના કાંડે રાખડી બંધાવી, બહેનની રક્ષા કરવાની પ્રતિજ્ઞા પણ મજનૂ પાસે લેવડાવી.

એ ઘડીને આજનો દિવસ. બિચારો ફરી ફરક્યો નથી કાવેરીની આસપાસ.

લાવણ્યાને એનો આનંદ... જોકે પછીથી તેને પૂછવાનું સૂઝેલું, ‘તમારી ફી?’

અતીતથી બોલી જવાયું, ‘ફીમાં એટલું કરજો કે તમે મને કદી રાખડી નહીં બાંધો.’

લાવણ્યા ચમકી. નજરોના તાર મળ્યા અને અતીતે હસી નાખ્યું, ‘જસ્ટ જોકિંગ. આવા કામના પૈસા ન હોય...’

લાવણ્યાને એ ગમ્યું, ‘બધા ભલે તમને આવારા કહે, હું અતીત સંબોધીશ.’

બસ, આટલા આ બનાવ પછી નજર મળે ત્યારે સ્મિત છલકાવવાનું થાય, પણ પછી અતીતે એમાં પણ સ્વયંશિસ્ત આણી. મારું હૈયું જાણીને છોકરી બહેકે એ ઠીક નહીં. ન અતીત કે ન આવારા, બેમાંથી કોઈ તેને લાયક ગણાય એમ નથી!

સંસારમાં મારું કોઈ નથી. સાવકી માને ફટકારીને નીકળ્યા પછી ઘરની દિશામાં જોયું નથી, જોવું પણ નથી. હું પ્રણયબદ્ધ છું, પરંતુ પ્રિયતમાને મારી કરવી નથી... આજે મોટાં-મોટાં બિઝનેસ-હાઉસિસ, નેતાલોગ પોતાનું કામ કઢાવવા મને હાયર કરે છે એ જ મારું સ્ટેટ્સ, એ જ મારી જિંદગી. ચિયર્સ ટુ ઇટ!

- અને આંખે ઝળઝળિયાં બાઝે એવી લાગણી ખંખેરીને અતીતે એક ઘૂંટમાં જામ ખાલી કરી નાખ્યો.

€ € €

‘મેરી ક્રિસમસ.’

આવારા તેની ટોળી સાથે ગોડાઉનમાં નાતાલની પાર્ટી ઊજવી રહ્યો છે ત્યારે જુહુના આલીશાન ફ્લૅટમાં તહેવારનું અભિવાદન કરીને અદિતિ-વિરાજ એકમેકના હોઠ ચૂમવા લાગ્યાં. બૉલીવુડની જાણીતી અભિનેત્રી અને દેશની હૉકી ટીમના સ્ટાર ખેલાડી વિરાજમાંથી કોઈ ખ્રિસ્તી નહોતું, પરંતુ તહેવારને માત્ર ઉલ્લાસ ખપે છે અને ચુંબનનો કોઈ મજહબ નથી હોતો.

‘શેલ વી ગો ટુ બેડ?’ વિરાજે હાંફતા સ્વરે પૂછ્યું.

અદિતિએ તેના બાવડે મીઠી ટપલી મારી, ‘નો વે. વી આર મૅરિંગ નેક્સ્ટ વીક. સુહાગરાત જેટલી તો ધીરજ રાખ!’

બેમાંથી કોઈ વર્જિન નહોતું, છતાં સુહાગરાત!

પણ સમાજમાં હવે સેક્સ બિફૉર મૅરેજની નવાઈ નથી રહી. એમાં આ તો સેલિબ્રિટીઝ.

૨૮ની થયેલી અદિતિ બૉલીવુડની ટોચની ઍક્ટ્રેસ ગણાય છે. નવેક વર્ષની ફિલ્મ-કારર્કિદીમાં ત્રણેય ખાન જોડે કામ કરી બ્લૉક-બ્લસ્ટર્સ ફિલ્મો આપી ચૂકી છે. યુથમાં પૉપ્યુલર છે. મૂળ દિલ્હીની અદિતિ જુહુના આ ફ્લૅટમાં એકલી રહે છે, સ્વતંત્ર છે, કરોડોની આસામી છે. એમાં પાછું રૂપ અને સ્ટેટસ! સ્વભાવે મહત્વાકાંક્ષી અદિતિના અત્યાર સુધીમાં ત્રણ બ્રેક-અપ થઈ ચૂક્યાં છે. એમાં છેલ્લે ગુજરાતી વેપારી સાથેના રિલેશન તો ખાસ્સા સિરિયસ હતા. વયમાં પોતાનાથી વરસેક નાના અત્યંજ શાહ પર તેણે બરાબરની ભૂરકી છાંટી હતી.

બટ નાઓ, મૅરિંગ ટુ વિરાજ! ગોવાનું લોકેશન, વરસના છેલ્લા દિવસ ૩૧ ડિસેમ્બરનું મુરત.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK