કથા-સપ્તાહ - આરાધના (જીવનધારા : 5)

આટલું જોતાં જ શ્રોતાગણ ટટ્ટાર થઈ ગયો. અરે, આ તો પપ્પા!

અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


અને રવિની સાંજે છમાં પાંચે નટરાજના વિશાળ સભાગૃહની પહેલી હરોળમાં નિસર્ગ-મિતાલી, નિનાદ-અનુષ્કા તેમ જ તેમનાં સંતાનો અંશ-અક્ષ ગોઠવાઈ ગયાં. ‘આરાધના’ નામના આ એકાંકીની કથાવસ્તુ શું છે એ ભજવનાર સિવાય કોઈ જાણતું નથી. નાટકનું રિહર્સલ પણ

આરવ-તાનિયાએ ત્રીજા કોઈની મોજૂદગીમાં કર્યું નથી, લાઇટ-સાઉન્ડ પણ પ્રોગ્રામ્ડ છે.

અને...

(સંતૂરના રણકાર સાથે પડદો ખૂલતાં સ્ટેજ ઉજાગર થયું. ડાબી તરફ દીવાલ પર પ્રોજેક્ટરની મદદથી દૃશ્યમાન થતો નટરાજનો પરિસર. સવારનો સંકેત દેતું પક્ષીઓના કલરવવાળું સંગીત. એ સાથે જ જમણી બાજુથી વ્હીલચૅરમાં આરવનો પ્રવેશ. વય આશરે ૭૪. fવેત કફની-પાયજામાનો પહેરવેશ. જમણા અંગે પક્ષાઘાત થયો હોય એવો દેખાવ. સ્પૉટલાઇટ માત્ર આરવ પર.)

(અને આરવના મૂક અભિનય સાથે હૂબહ અમરનાથની જ લાક્ષણિકતામાં આરવનો અવાજ સ્પીકરમાં ગૂંજ્યો.)

આરવ : નમસ્કાર. રંગદેવતાને અમરનાથના શત-શત નમન. જોકે આજે હું બે હાથ જોડીને પ્રણામ કરવા જેટલો સક્ષમ નથી રહ્યો... અંતરમાં ઉમળકો પણ ક્યાં છે જીવવાનો! શ્વાસ લઉં છું એટલે જીવતો કહેવાઉં છું. ના, મને બીમારીની પરવશતા નથી. દીકરા-વહુઓ મારી પૂરતી કાળજી લે છે. સુખ છે, સંપત્તિ છે. બસ, તે નથી જેનો હું છું - મારી વિશાખા!

(એ સાથે જ લતાના આલાપની ગુંજ. ડાબી તરફથી દુપટ્ટો લહેરાવતાં પ્રવેશીને તાનિયા જમણી એક્ઝિટથી બહાર નીકળે. સ્પૉટલાઇટ ફરી આરવ પર.)

આરવ : કેવી મારી વિશાખા. ખળખળ વહેતા ઝરણા જેવી ચંચળ, ઊછળતી નદી જેવી અલ્લડ, પારેવા જેવી માસૂમ અને મહાત્માની સાદગી સમાન સુંદર... અમારી પહેલી મુલાકાત કેમ ભુલાય!

(ગતખંડમાં લઈ જતું સંગીત... સ્ટેજ પર અંધકાર. આરવ ફટાફટ સફેદ વિગ કાઢી વ્હીલચૅર સહિત ડાબી એક્ઝિટથી સરકાવી દે. ભજવણી દરમ્યાન આવું બનતું રહે.)

(સમાંતરે ‘મુગલ-એ-આઝમ’ના ‘પ્યાર કિયા તો ડરના ક્યા...’ના ગીતની સંગાથે આરવનો સ્વર ગૂંજે છે : આ છે જાણીતી વાડિયા કંપનીની ઑફિસ-કમ-રિહર્સલ રૂમ. તેમની આગામી પેશકમ ‘અનારકલી’નાં રિહર્સલ થઈ રહ્યાં છે.)

(એ સાથે દીવાલ પર હવે નટરાજના સ્થાને રુસ્તમજીની ઑફિસની તસવીર) 

(આરવનો સ્વર : તમને કદાચ થશે કે મુંબઈની ખમતીધર પેઢીનો વારસનાટક કંપનીમાં શું કરે છે! પણ ખરું પૂછો તો અભિનય સિવાય તેને કશું કરવાનું ગમતું નથી. સદ્ભાગ્યે માતા-પિતાનો રાજીપો એટલે અમર મનગમતા કામમાં ઘડાતો જાય છે. ‘અનારકલી’માં તેની મુખ્ય ભૂમિકા છે...)

(સ્ટેજ પર ફુલ લાઇટ)

(હાથમાં કાગળિયાં પકડીને આરવ સલીમના ડાયલૉગ્સ બોલે છે અને તેને જોતી તાનિયા દાંતમાં દુપટ્ટો દબાવીને હળવું મલકે છે.)

€ € €

શ્રોતાસમૂહ મુગ્ધપણે સડસડાટ વહેતું નાટક નિહાળી રહ્યો છે. અમરનાથ-વિશાખાની પ્રીત-પરિણયથી નટરાજના સમણાથી વિશાખાની વિદાય સુધીનાં દૃશ્યો અંતરને સ્પર્શી ગયાં. ચુસ્ત દૃશ્ય-શ્રાવ્ય સંયોજનને કારણે બે જ કલાકારોની મર્યાદા ક્યાંય વર્તાણી નહીં. પપ્પા-મમ્મીની કહાણી કોઈનાથી અજાણી ન જ હોય, પણ એનો સાક્ષાત્કાર જાણે આજે થયો. સ્ટેજ પર ભલે આરવ-તાનિયા ઍક્ટ કરતાં હતાં, પણ નિસર્ગ-નિનાદને તો એમાં પોતાનાં પપ્પા-મમ્મી જ દેખાતાં હતાં.

અને કદાચ એટલે જ માની વિદાયના દૃશ્યે નિસર્ગ-નિનાદનાં અશ્રુ વહી રહ્યાંા. મિતાલી-અનુષ્કાની આંખો પણ ક્યાં કોરી હતી?

હવે?

€ € €

(તખ્તા પર અંધકાર છે. આરવનો સ્વર ગુંજે છે. આરવ ફરી વૃદ્ધ અમરનાથ બની વ્હીલચૅર પર ગોઠવાઈ જાય છે.)

આરવનો સ્વર : વિશાખાના અંતિમ શ્વાસ સાથે મારી શ્વાસ-ડોર ન તૂટી એ મારું દુર્ભાગ્ય. હું ઉદાસ છું, એકાકી છું. વિશુના શબ્દો પડઘાય છે - મારો એક અંશ તારામાં હશે અને બીજો નટરાજમાં!

મારામાં રહેલા અંશને તો હું કાઢી શકું એમ નથી, એટલે મારી આંખ નટરાજ પર પથરાયેલી રહે છે....)

(અજવાળું) (સ્પૉટલાઇટ વ્હીલચૅર પર બેઠેલા આરવ પર. દીવાલે ફરી નટરાજનું દૃશ્ય) (આરવનો સ્વર ગૂંજે છે)

આરવનો સ્વર : હું પૂછું છું - ક્યાં છે વિશુ તું? તારે તો નટરાજની હવામાં ઓગળી જવું હતુંને, અહીંની માટીમાં ભળી જવું હતુંને... માત્ર બણગાં? નહીં વિશુ; એ કેવળ વાતો નહોતી, તારો વાયદો હતો - જો વાદા કિયા વો નિભાના પડેગા.’

(એ સાથે લતાનો સ્વર ગૂંજે - યે માના હમેં જાં સે જાના પડેગા... કડી  ગાતી તાનિયાનો જમણી તરફથી પ્રવેશ. નટરાજને સ્પર્શી મૂક બનીને ઊભી રહે છે.)

(આરવ ધીમે-ધીમે ખુરસી પરથી ઊભો થવાની ચેષ્ટા આદરે.) 

આરવ : વિ...શુ... મારી વિશુ! હું તને જોઈ શકું છું... વિશુ (તાનિયાનો એવો અભિનય) નટરાજના પ્રાંગણમાં લહેરાતી, ફૂલોના ક્યારાને પાણી પાતી, નાટ્યકારોના ઉલ્લાસને માણતી, નટરાજની મૂરતને પૂજતી... તું મને દેખાય છે વિશુ. ઓહ, તું છે વિશુ. મારી હાજરાહજૂર. આજે પણ મારકણું સ્મિત વેરીને તું મને શરમાવી દે છે! વિશુ! ઊભી રહે, હું નિસર્ગને બોલાવું, નિનાદને તેડાવું - દુનિયામાં ઢંઢેરો પીટી દઉં...

(તાનિયા વિહ્વળ. ઇનકાર જતાવે)

તાનિયા : નહીં, અમર નહીં... હું તમારા સિવાય કોઈને નહીં દેખાઉં. લોકો તમારી મજાક ઉડાવશે અમર. એના કરતાં હું જતી રહું એ જ બહેતર.’

આરવ : (હળવેથી ખુરસીમાં ફસડાઈ ૫ડતાં) ના, ના, તું ન જતી. હું કોઈને નહીં કહું બસ!

તાનિયા : બસ. તમે આંખોથી કહેજો, હુ નજરોથી સાંભળીશ. આપણને બેને શબ્દોની જરૂર ક્યાં છે?

આરવ : હા, સાચું કહ્યું તેં વિશુ. હૈયાનો ટહુકાર શબ્દોના

સાથિયામાંથી નહીં, નજરોના માધ્યમથી પડઘાતો હોય છે. આપણને તો એની જ નિસબતને.

(ધીમે-ધીમે ફેલાતો અંધકાર. જાણે અમર-વિશુ ઇશારામાં વાતો કરતાં રહેતાં, હસતાં હોય એવા હાવભાવ છેવટે સંપૂર્ણ અંધારું.)

€ € €

ઑડિયન્સ સ્તબ્ધ. પપ્પાનો મહત્તમ સમય હૉલની બારી આગળથી નટરાજને જોતાં-જોતાં વીતતો. થતું પણ કે આવી શું માયા! આજે સમજાય છે કે તેઓ નટરાજને નહીં, નટરાજમાં ભળી ગયેલા માના અસ્તિત્વને નિહાળતા! નટરાજ પહોંચતાં જ વદન પર સુરખી જેવી છવાતી એનું કારણ કેવળ એક ભ્રમણા હતી એવું કહેવાને બદલે એમ કહેવું જોઈએ કે પ્રણયના ઉચ્ચતમ રૂપને તેઓ પામ્યા.

ધન્ય પપ્પા! ધન્ય મમ્મી.

હવે આગળ શું?

€ € €

(સ્પૉટલાઇટ વ્હીલચૅરમાં બેઠેલા વૃદ્ધ આરવ પર. કરુણ સંગીત)

(આરવનો સ્વર ગુંજે, નટરાજનું ચિત્ર, પરિસરમાં મહાલતી હોવાનો અભિનય કરતી તાનિયા યથાવત્)

આરવ : અને હવે મૃત્યુનો ઇન્તેજાર... મારા પક્ષાઘાતે મેં મારી વિશુને વિહ્વળ થતી જોઈ છે. ના, તે નટરાજથી ઘરનું અંતર કાપી શકતી નથી. એ તેની મર્યાદા છે. તેનું અસ્તિત્વ નટરાજને વીંટળાયું છે. તેનો અંશ નટરાજમાં ભYયો છે. (ઊંડો શ્વાસ) હવે તો બસ, મારે પણ દેહ ત્યજીને વિશુ સંગ થઈ જવું છે...

(સ્પીકર પર આરવનો સ્વર : આજની તાજા ખબર! નટરાજ વેચાય છે. ત્યાં ટાઉનશિપનું પ્લાનિંગ!)

(પાછળ વાદળ-વીજળીનો ગડગડાટ)

આરવ : નહીં! (સ્પીકર પર અવાજ ગુંજે, આરવ પક્ષાઘાતની અસરમાં અનુરૂપ વિવશતા દાખવતો જાય) અમારું સહિયારું સમણું, અમારી આરાધના - અમારું નટરાજ વે...ચાઈ જશે? અસંભવ! આર્થિક રીતે ન પરવડતું હોય તો પ્રવૃત્તિ બંધ કરી દો. શું કલાકાર કે શું તખ્તો, કોઈના જવાથી કલા નોંધારી નથી બનતી. એને એનો વાહક, ચાહક મળી જ રહે છે; પણ મારી વિશુનું શું? થિયેટર, ત્યાંનો તખ્તો જેમનો તેમ રહેવા દો... હવે તો મારી વિશુનું એ નિવાસસ્થાન, આશ્રયસ્થાન! એ જ ન રહ્યું તો વિશુ ક્યાં જશે? નટરાજ હવે ફક્ત નાટ્યગૃહ નથી, મારી મુમતાઝનો તાજમહલ છે. અમારાં સંતાનો માને જ બેઘર કરશે? નાદાનો, યાદ રાખજો; નટરાજને તોડવા પડનારો પ્રથમ ઘા તમારી માના હૃદયમાં પડશે જ્યાં આજેય તમારા હેતનું ઝરણું વહે છે.’

‘બસ આરવ, બસ!’

ચીસ નાખતા ઊભા થઈ ગયા નિસર્ગભાઈ. તેમની આંખામેાં અશ્રુ હતાં અને આંખમાં કરુણા.

તાનિયાએ દોડીને મ્યુઝિક બંધ કર્યું. લાઇટો ઝળાહળા કરી દીધી. નાટકનો અહીં અંત આવતો હતો.

‘મને માત્ર એટલું કહી દે, આ નાટકનો અંત શું રાખ્યો છે?’

તાનિયા સામે જોઈ લઈને આરવે ડોક ધુણાવી, ‘આ મારા છેલ્લા સંવાદ હતા નિસર્ગભાઈ, નાટકનો અંત તો તમારા હાથમાં છે. ’

તેનું મોઘમ સમજાય એવું હતું. નિસર્ગની નજર પરિવારજનો સાથે મળી અને છૂટી પડી ત્યારે દ્વિધા નહોતી.

‘તો પછી અંત માટે પાંચ મિનિટ રાહ જુઓ’

આમ કહીને ધમધમાટભેર નીકળી ગયેલા નિસર્ગભાઈ ચોથી મિનિટે પાછા ફર્યા ત્યાં સુધી હૉલમાં સાયલન્સ રહી.

‘તમારા નાટકનો અંત આ જ હોઈ શકે’ નિસર્ગભાઈએ રૂમના લૉકરમાંથી લાવેલો દસ્તાવેજ ફાડ્યો.

આવતી કાલે જેના પર વેચાણના હસ્તાક્ષર થવાના હતા એના લીરેલીરા ઊડતા જોઈને તાનિયાની આંખો વરસી પડી. એવું લાગ્યું જાણે અમરનાથ-વિશાખા પ્રસન્ન થઈ આર્શીવાદ વરસાવી રહ્યાં છે!

€ € €

‘...સરને આપેલું વચન પાળી શકી એનાથી વિશેષ કૃતાર્થતા શું હોય?

તાનિયાની જુબાનીએ પરિવારજનો અવાક હતા. તાનિયા કે આરવને અમે કદી બહારનાં ગણ્યાં જ નથી, પરંતુ તેઓ પપ્પાની આટલી નિકટ હતાં એ હવે સમજાયું! તમે તો અમને સંતાનધર્મમાંથી ચૂકતા બચાવ્યા.

‘બીજું કોઈ હોત તાનિયા તો એવો વિચારે થાત કે ભટનાગર સાથેનો સોદો ભાંગવા કોઈએ તમને હાથો બનાવીને અમને ઇમોશનલી બ્લૅકમેઇલ કે બ્રેઇનવૉશ કરવા પ્ર્રેયા...’ નિનાદે કહ્યું, ‘પણ તારા-આરવ માટે એ સંભવ જ નથી. તમે લીધેલી જહેમત જ સાક્ષી પૂરે છે કે તમારો ઇરાદો માત્ર ને માત્ર પપ્પાની આખરી ઇચ્છા અમારા સુધી પહોંચાડવાનો હતો. સીધા શબ્દોમાં એની અસર ન હોત, નાટકની રજૂઆત ચોટદાર રહી...’

‘માને નિહાળવાની પપ્પાની મૂક ભાવના તને પરખાઈ તાનિયા...’ નિસર્ગભાઈ ગદ્ગદ બન્યા, ‘ભલે એ પપ્પાએ જીવનને સહેવા માટે સર્જેલું બહાનું હોય, પણ અમારા માટે તો હવે આ જગ્યા પૂજનીય બની ગઈ છે.’ તેમણે સાદ ખંખેર્યો. ‘કાયમ કશું રહેતું નથી સાચું, પણ જ્યાં સુધી જે છે એને જાળવી તો શકીએ જને. નટરાજ નહીં વેચાય, ધ્વસ્ત નહીં થાય એ નિર્ણય મારો; પણ નાટ્યગૃહને પપ્પા-મમ્મીની જેમ જ સંભાળવાની જવાબદારી તમારી.’ 

આનો ઇનકાર હોય જ નહીંને!

€ € €

બીજી સવારે મીડિયામાં ટાઉનશિપની ડીલ કૅન્સલ થયાના હેવાલ ચગ્યા, શમ્યા; પણ નટરાજ આજેય અડીખમ છે, કલાકારોનો વિસામો છે.

એકાએક શું બન્યું એ તો ભટનાગર પણ જાણી ન શક્યા. અમરનાથનું નાટક અંગત હતું. એ લાગણીઓને જાહેર કેમ કરવી? ફરી એનો શો થયો નહીં. હા, નટરાજમાં પ્રવૃત્તિઓ ધમધમતી રહી. 

આરવ-તાનિયા પરણી ચૂક્યાં છે. તાનિયા પોતાના સંસારમાં, નટરાજની પ્રવૃત્તિઓમાં ખુશ છે. આરવ કારકર્દિીમાં હરણફાળ ફળી શક્યો એનો આનંદ પણ છે. નિસર્ગ-નિનાદને ત્યાં પણ સર્વ કંઈ કુશળ છે.

આમાં અમરનાથ-વિશાખાના પણ આશિષ ખરાને!

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK