કથા-સપ્તાહ - આરાધના (જીવનધારા : 2)

તાનિયા વાગોળી રહી : ‘અનારકલી’ના રિહર્સલ દરમ્યાન અમરનાથ-વિશાખાની સ્નેહગાંઠ બંધાણી....અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


‘હી હૅઝ સમ કાઇન્ડ ઑફ ઇરરેઝિસ્ટેબલ ચાર્મ...’ વિશાખાએ એકાદ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘એને શબ્દોમાં વર્ણવવો અશક્ય છે. તેમને જોતી ને જાણે જાદુ થતો. લવ ઍટ ફર્સ્ટ સાઇટ કદાચ આને જ કહેતા હશે...’

‘મારી નજરે જોઉં છું તો વિશાખા મને દુનિયાની સૌથી ખૂબસૂરત સ્ત્રી દેખાય છે. ત્યારે પણ, આજે પણ.’ વિશાખાના દેહાંતના વરસેક અગાઉ ફિલ્મ-મૅગેઝિન માટે પતિ-પત્નીનો યાદગાર જૉઇન્ટ ઇન્ટરવ્યુ લેનાર પ્રશ્નકર્તાને અમરે કહેલું, ‘એ સમયે મને સ્પર્શેલો બીજો ભાવ હતો પોતીકાપણાનો. મને સોહામણો કહેનારી છોકરીની મને આદત થઈ ગયેલી. તેણે પીઠ ફેરવી ને થયું કે મારું જગ ખાલી થઈ રહ્યું છે - આજ મહોબત સાહેબ, પછી એના એકરારમાં દેર શું કામ!’

૧૯૬૪ના એ દિવસે તો વિશાખા ‘હાય રામ’ કહેતી સરકી ગયેલી, પણ કિસ્મત તેમને છોડવાની નહોતી.

જોગાનુજોગ એ થયો કે અરુણાને ઍપેન્ડિક્સનો દુખાવો નીકળતાં તેમણે સામે ચાલીને પોતાનું નામ વિધડ્રૉ કર્યું અને ખાલી પડેલી જગ્યામાં અમરે રુસ્તમજીને મનાવીને વિશાખાનો મેળ ગોઠવી દીધો!

વિશાખાને અભિનયની લગની હતી. તેના પિતા હરેન્દ્રભાઈ મધ્યમવર્ગીય છતાં થોડા સુધારાવાદી એટલે દીકરીનું મન પારખીને મિત્ર રુસ્તમને ત્યાં રિહર્સલ જોવા મોકલતા. એમાંથી નાટકની ઑફર મળી એનેય વધાવી. નાની બહેન સ્વાતિ ગણગણતી - અચ્છા, પેલા સોહામણા છોકરાની તું અનારકલી બનવાની!

વિશાખાનું હૈયું ધડકી જતું. અભિનય કરતાં પહેલાં પોતે પ્રેમમાં પડી જશે એવું ધાર્યું નહોતું, અમરની પણ મરજી જાણ્યા પછી તેના સહેવાસ માત્રથી મીઠું કંપન પ્રસરી જતું. શો ઓપન થયા પછી ઑડિયન્સ પણ સલીમ-અનારકલીની કેમિસ્ટ્રી પર ફિદા થઈ ઊઠ્યું.

‘ફ્રૅન્ક્લી સ્પીકિંગ...’ પેલા ઇન્ટરવ્યુમાં અમરે કહેલું, ‘વિશાખા ટુક ધ શો.’

અમરમાં ચાર્મ ખરો, પણ વિશાખાની અભિનયપટુતા એટલી જબરદસ્ત કે તખ્તા પર તે હોય ત્યારે તમે કોઈ બીજા પર નજર પણ નાખી ન શકો, ભલે એ રૂપકડો સલીમ કેમ ન હોય! એ સમયે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં નાટકના રિવ્યુમાં લખાયું

હતું - દાસી નહીં, તખ્તાની મહારાણી વિશાખા ઝવેરી!

તેના આ પોટેન્શ્યલનો રુસ્તમજી જેવાનેય અંદાજ નહોતો. અરુણાએ ખેલદિલીપૂર્વક કહેલું : મારું ઍપેન્ડિક્સ તને ફળ્યું. આઇ ઍમ હૅપી કે તખ્તાને એના પ્રમાણની નાયિકા મળી... વિશાખા સાથે કામ કરવાનો અનુભવ અમર માટે અનન્ય નીવડ્યો. મહોબતમાં આદર, અહોભાવ ભળ્યા. પાત્રની ઝીણી-ઝીણી ડીટેલ્સ કંઠસ્થ રાખવી, તમને સૂઝે પણ નહીં એવા ઇમ્પþોવાઇઝેશન દર બીજા શોમાં દાખવવા... બધું નૈસર્ગિક, અત્યંત સાહજિક. તેનામાં જાણે આતશ હતો. પોતાનું કૌવત વિશાખાને પણ અચરજ પમાડતું.

‘મને ફરી મહોબત થઈ છે અમર...’ તે કહેતી, ‘તખ્તાની...’

શો પત્યા પછીની નીરવ શાંતિમાં તે સ્ટેજની સામે, અમરના ખભે માથું ઢાળીને બેઠી હોય ત્યારે તખ્તાને તાકી રહેવાનું પણ તેને ગમતું. તખ્તાની લગની તો અમરને ક્યાં નહોતી? પણ વિશાખા તો જાણે એના વિના fવસી ન શકે.

‘અને મને ઈર્ષા આવે છે...’ અમર તેના વાળની લટ સમારતો, ‘તખ્તાની’.

અમરની પહોળી છાતીમાં મીઠો મુક્કો વીંઝતી તે કહેતી, ‘તું ઈર્ષા ન કરે એ માટે તો તારો ક્રમ પ્રથમ રાખ્યો છે.’

‘તો ઠીક.’ અમર ગળું ફુલાવતો. એવો તો મીઠડો લાગતો કે વિશાખા તેના ગાલ પર ચુંબન દઈ દેતી. અમર તરત બીજો ગાલ ધરતો.

‘ગાંધીજીના ચેલા છો?’ વિશાખાની સેન્સ ઑફ હ્યુમર, ટાઇમિંગ ગજબનાં હતાં.

‘અહં. બાપુએ તો એવું કહેલું કે કોઈ એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરવો... અમે એવું માનીએ છીએ કે કોઈ એક ગાલ પર કિસ કરે તો બીજો ગાલ જ નહીં, હોઠ પણ ધરવા.’

‘સાવ બેશરમ છો...’ રાતીચોળ થતી વિશાખા નાસી છૂટે. તેના ગયા બાદ પણ અમર તેના જ સમણાંમાં ખોવાયેલો રહે.

‘તારું ધ્યાન ક્યાં હોય છે હમણાંનું!’ મા પ્રેમથી ટકોરતી.

માંડ વીસમે વરસે દીકરાને મળેલી સફળતાનો મા-બાપને ગર્વ હતો. તેઓ નાટક-સિનેમા જોવા ખાસ જતાં નહીં; પણ ‘અનારકલી’ તો ત્રણેક વાર નિહાળ્યું, એટલું ગમ્યું. સ્ટેજ પર દીકરો જુદો જ લાગ્યો. તેની જોડીદાર વિશાખા તો અદ્ભુત. વિનયી પણ કેટલી. અમે ગયાં હોઈએ તો સામેથી મળવા આવે, પાયલાગણ કરે... બેઉ સાથે ઊભાં હોય તો રામ-સીતાની જોડી જ લાગે!

‘હું તેને પ્રેમ કરું છું, તે મને.’

નેવું દિવસમાં સો શો કરીને ‘અનારકલી’એ ઇતિહાસ રચ્યો હતો. આની ઉજાણી પછી પોતપોતાના ઘરે અમર-વિશાખાએ ધડાકો કરી દીધો. વિશાખાને ત્યાં વાંધો નહોતો, પણ હંમેશાં દીકરાને સપોર્ટ કરવામાં માનતાં મા-બાપ ખચકાયાં.

એક અભિનેત્રી અમારા ખાનદાનની વહુ બનશે? સમાજ તો ઠીક, આનો તો અમને જ વાંધો. ગૃહિણીએ ઘરસંસાર સંભાળવાનો હોય, ગૃહસ્થી પ્રત્યે તેની કશી ફરજ ખરી કે નહીં! વળી હરહંમેશ કંઈ તું જ તેનો હીરો ન રહી શકે, ઘરની વહુ પરાયા મરદો જોડે પત્ની કે પ્રેયસીના પાઠ ભજવતી કેવી લાગે? રામ-રામ!

અમર સમજાવીને થાક્યો, પણ પરિણામ શૂન્ય. માવતરની સંમતિ વિના આગળ વધવું નહોતું અને તેઓ રાજી થાય એમ લાગતું નહોતું. જોકે નાટકના ત્રણ કલાક સિવાય અમર ઉદાસ રહેતો હોય એ પણ માબાપથી કેમ ખમ્યું જાય! એટલે તેમણે જ વચગાળા જેવો માર્ગ શોધ્યો, ‘એક શરતે તમારાં લગ્નની મંજૂરી આપીએ. લગ્ન પછી વિશાખા નાટક નહીં કરે.’

‘અસંભવ...’ અમરે ત્વરિત ઇનકાર ફરમાવેલો. ‘એક મહોબતને પામવા વિશાખા બીજી મહોબત ત્યજે એ ન બને.’

‘વાહ...’ પિતાજીને ખોટું લાગી આવ્યું, ‘વિશાખાની લગનીની આટલી કદર; અમારા સિદ્ધાંત, રિવાજના કોઈ મોલ નહીં?’

અમરે ગૂંગળામણ અનુભવી. બહુ આકરા એ દિવસો હતા.

‘આકરા તમે બનાવ્યા છે અમર.’ વિશાખા ઠપકાભેર કહેતી, ‘હું તખ્તાને તિલાંજલિ આપવા રાજી છું. માબાપની આજ્ઞાથી મહોબત મોટી ન હોય; તમારી પણ નહીં, તખ્તાની પણ નહીં.’

તેના સંસ્કાર, તેની સમજ અમરને અભિભૂત કરી જતાં; પણ તખ્તા વિનાની વિશાખા કલ્પવી હવે તેના માટે અશક્ય હતી.

નાટકને બદલે બેઉ ફિલ્મોમાં હોત તો અત્યાર સુધીમાં પ્રેમપ્રકરણ છાપે ચડી ચૂક્યું હોત. માબાપને પણ એટલું તો અનુભવાતું કે બન્ને સાથે કામ કરી રહ્યાં તો વિમુખ થઈ રહ્યાં. તેમણે અમરને ‘અનારકલી’ છોડવા કહ્યું. અમરે એ પણ કર્યું.

નાટક ટીમમાં એકમાત્ર રુસ્તમજી સચ્ચાઈ જાણતા. તેમના અમર-વિશાખાને આર્શીવાદ હતા, પણ અમરના પેરન્ટ્સને મનાવવામાં તેઓ પણ નાકામ રહ્યા. છેવટે અમરની ગેરહાજરી સ્વીકારીને પણ નાટકના શો ચાલુ રાખવા પડ્યા.

સત્યજિત નામના નીવડેલા કલાકારને સલીમ તરીકે લીધો. વિશાખા માટે એ કષ્ટદાયક ફેરફાર હતો. મારો સલીમ કોઈ બીજું હોઈ જ કેમ શકે?

‘સલીમ અનારકલીનો. વિશાખાનો તો અમર.’

આ સૂક્ષ્મભેદ અમરે તારવ્યો ને ફરી ક્યારેય આ દ્વિધા વિશાખાને સ્પર્શી નહીં. અમર પછીથી ફિલ્મોમાં એકથી એક ચડિયાતી હિરોઇનો સાથે રોમૅન્સ કરતો ત્યારે પણ નહીં!

શો મસ્ટ ગો ઑનની જેમ નાટક ચાલતું રહ્યું, સમાંતરે અમરને કાશ્મીરની વાદીમાં ફિલ્માનારી મ્યુઝિકલ રોમૅન્ટિક ફિલ્મની ઑફર થઈ. ફિલ્મના દિગ્દર્શકે તેને સલીમ તરીકે નિહાળ્યો હતો. તેમની ઇચ્છા તો વિશાખાને જ હિરોઇન તરીકે લેવાની હતી, પણ વિશાખાને અધરવાઇઝ પણ રસ નહોતો : મારે તો બસ તખ્તાને સમર્પિત રહેવું છે!

હવે તેમનું મળવાનું થતું નહીં. રુસ્તમજી બેઉના સંદેશવાહક બનતા. તેમના દ્વારા વિશાખાએ કહેવડાવ્યું : નવી તક, નવી દિશાને વધાવી લો!

અમરે ફિલ્મ માટે હામી ભણી. લગાતાર ચાર મહિના તે કેશ્મીર રહ્યો. નવીનચંદ્ર-કલાવતીબહેને માન્યું કે ફિલ્મોમાં પડ્યા પછી દીકરો નાટકની હિરોઇનને ભૂલી જવાનો.

પણ ના, ઊલટું બર્ફીલી વાદીઓમાં પ્રિયપાત્રની ઉત્કટપણે યાદ આવતી. શૂટિંગ પછીના સમયમાં ઉદાસી ગહેરી બનતી. કદાચ એટલે પણ મુંબઈ આવ્યા પછી અમર બીમાર પડ્યો. હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવો પડ્યો. તાવના ઘેન વચ્ચે પણ હોઠો પર એક જ નામ - વિશાખા.

આ સંજોગોમાં કયાં માબાપ ધીરજ ધરી શકે? નવીનચંદ્ર ખુદ પહોંચ્યા વિશાખાને ત્યાં. રુસ્તમજી પાસેથી અમરની બીમારીનું જાણીને વિશાખા પણ બેહાલ હતી. એવામાં તેના પિતાને ભાળીને સડક થઈ જવાયું.

‘મારી વહુને લેવા આવ્યો છું.’ તેઓ આટલું જ બોલ્યા ને વિશાખા ચંપલ પણ પર્હેયા વિના દોડીને તેમની કારમાં ગોઠવાઈ ગઈ હતી!

તેના પગલે અમરનો તાવ તો ઊતર્યો‍ જ, લગ્નના છ મહિના પછી રિલીઝ થયેલી તેની પ્રથમ ફિલ્મ ‘ફૂલ ખિલે ગુલશન ગુલશન’ સુપરડુપર હિટ નીવડી. એનાં લતા-રફીનાં ગીતો આજે પણ એવરગ્રીન ગણાય છે.

પહેલી ફિલ્મે ઇન્ડસ્ટ્રીમાં અમરનાથનો સિક્કો જમાવી આપ્યો. પછીની સફરમાં તેમણે અનેક યાદગાર ફિલ્મો આપી. તેમનો પોતાનો ચાહક વર્ગ હતો અને સ્વાભાવિકપણે એમાં મહિલાઓનું પ્રમાણ વિશેષ હતું.

‘મને કદી એથી અસલામતી નથી અનુભવાઈ.’ વિશાખાએ ઇન્ટરવ્યુમાં કહેલું, ‘તેમના લગભગ દરેક કો-આર્ટિસ્ટ સાથે અમારે ફૅમિલી-રિલેશન જેવું. અમર એ મામલે બહુ ઉદાર. અમર પાર્ટીઓમાં બહુ જાય નહીં, પણ ઘરે કોઈ આવે તો જલસો કરાવી દે. એથી હું ક્યારેક ખિજાઉં - રસોડું ક્યારે બંધ કરવું એની તો મને છૂટ હોવી જોઈએને! આ મામલે હું ટિપિકલ હાઉસવાઇફ છું.’

ફિલ્મોમાં પ્રવેશ બાદ અમરને નાટક માટે સમય મળતો નહીં, પરંતુ પત્નીનું નાટક જોવાનું ચૂકતા નહીં. ૨વિવારે ઠાઠથી રજા ભોગવતા અને એ દિવસ માત્ર ફૅમિલીનો. લગ્નના પ્રથમ દાયકામાં બે પ્રણયપુષ્પો તેમના સંસારમાં મહેક્યાં : નિસર્ગ અને નિનાદ.

ઘર હંમેશાં વિશાખાની પ્રાથમિકતા રહ્યું. ફુરસદનો અવકાશ દેખાય તો અને ત્યારે જ તે નાટકો કરતી. સંતાનોના ઉછેર કે

સાસુ-સસરાની સેવામાં તે ક્યાંય ન ચૂકી. અંત ઘડીએ અમરનાં માપિતા સંતુષ્ટ હતા, એથી વિશેષ શું જોઈએ?

૧૯૭૫માં અમરના પેરન્ટ્સનો દેહાંત થયો ત્યારે અમરનો સૂરજ મધ્યાહ્ને હતો. નિસર્ગ સાત વરસનો જ્યારે નિનાદ માંડ ત્રણનો. સાસુ-સસરા હતાં ત્યાં સુધી બાળકોને તેમની ઓથમાં મૂકીને વિશાખાથી નીકળી શકાતું. હવે આયાના ભરોસે છોડવા તે રાજી ન થતી. બે-ત્રણ ઉમદા નાટક તેણે રિજેક્ટ કરવાં પડ્યાં ત્યારે અમરે સમસ્યાનું સમાધાન ખોળી કાઢ્યું : તારાથી અન્યત્ર નાટક કરવા ન જવાય, પણ થિયેટર જ તારી પાસે આવી જાય તો?

વિશાખાની કીકી ચમકી ઊઠી અને બસ, નટરાજનો પાયો પાકો થઈ ગયો! બીજા છ માસમાં નટરાજની બ્લુપ્રિન્ટ તૈયાર થઈ ગઈ. જગ્યાનો પ્રશ્ન નહોતો. વિલાની આસપાસ નજર જાય ત્યાં સુધીની જમીન તેમની હતી. બજેટની પણ ક્યાં ચિંતા હતી?

‘આપણું ઑડિટોરિયમ ઇન્ટરનૅશનલ લેવલનું હોવું જોઈએ.’ વિશાખા કેટલી ઉમંગમાં હતી. નિતનવા આઇડિયાઝ તેને સૂઝતા. એમાં તેનો વિઝનરી નેચર ઉજાગર થતો. નટરાજનું સ્ટેજ, અહીંની સાઉન્ડ-સિસ્ટમ આજે પણ અલ્ટિમેટ ગણાય છે.

અમરનાથ-વિશાખા બન્ને કલાકાર જીવ, ભાવનાવાદી. નાટ્યગૃહનું નટરાજ નામ સ્વાભાવિક હતું અને શરૂથી એવી નેમ કે આપણું થિયેટર પ્રૉફિટ-મેકિંગ સેન્ટર નહીં હોય... બલ્કે ઊગતી પ્રતિભાઓને મોકળું મેદાન મળે, નાટ્યપ્રવૃત્તિ ફળેફૂલે એ જ નટરાજનું માહાત્મ્ય.

બે વરસ પછી ૧૯૭૭માં નટરાજ તૈયાર હતું. બહુ રંગેચંગે નટરાજનું ઓપનિંગ થયું હતું. એ પણ નનઅધર ધેન લતાજીના હસ્તે. ‘આજે હું ગાયિકા તરીકે નહીં, નાટ્યકર્મી પિતાની પુત્રી તરીકે આવું છું...’ તેમના આ શબ્દો બીજા દિવસે સમાચારપત્રોની હેડલાઇન બની ગયા હતા. પરણીને અમેરિકા સેટ થયેલી વિશાખાની નાની બહેન સ્વાતિ પતિ-બાળકો સાથે ખાસ પધારી હતી. રુસ્તમજી, વાડિયા કંપનીના જૂના કર્મીઓ, અભિનેત્રી અરુણા સહિતનાને વિશાખાએ પર્સનલી નિમંત્રણ પાઠવ્યું હતું. બધા આવ્યા, જાણે એ યુગ તાજો થઈ ગયો. હા, બન્નેના પેરન્ટ્સની ગેરહાજરી સાલી.

‘આ તમારું સમણું અમર...’ સમારોહ પત્યા પછીની મોડી રાત્રે પતિ-પત્ની ફરી નાટ્યગૃહમાં ગયાં હતાં. પહેલી રોમાં ગોઠવાઈને વિશાખાએ અમરનાથના ખભે માથું ઢાળ્યું હતું, ‘તમે મારા માટે જોયેલું સમણું. હું ધન્ય થઈ અમર.’

અમરનાથે તેની પેશાની ચૂમેલી.

‘જાણો છો અમર, આ પળે મને શું ઇચ્છા થાય છે?’ વિશાખાએ ઊંડો શ્વાસ લીધો, ‘આ તખ્તો... આ પડદો... આ પ્રેક્ષાગાર... મારે અહીં ભળી જવું છે. આપણામાં દફન થવાનો રિવાજ હોત તો કહેત કે મૃત્યુ પછી મને અહીં જ દફનાવજો!’

મ્લાન મલકીને તેણે વધુ હૂંફ મેળવી, ‘બાકી હું નહીં હોઉં ત્યારે મારા બે દીકરાની જેમ એક અંશ તમારા હૃદયમાં અને બીજો નટરાજમાં રહેશે એ ચોક્કસ જાણજો.’

અમરનાથ છંછેડાઈ ગયા, ‘મરવાની વાતો ન કર. તારાથી વરસ પહેલાં દુનિયામાં હું આવ્યો એટલે જઈશ પણ હું જ...’

‘નહીં અમર. હું તો સૌભાગ્યવતી

જ જવાની.’

‘ખરા છો તમે બેઉ!’ અચાનક સ્વાતિએ ટપકીને ચમકાવી દીધેલાં, ‘લગ્નનાં આટલાં વરસેય રોમૅન્સ માટે ખૂણો શોધો છો!’

સ્વાતિ તેમના પ્રેમની સાક્ષી રહી છે. અમરનાથનીયે તે એટલી જ લાડલી.

‘ત્યાં તમારાં ટાબરિયાંઓએ મમ્મી-પપ્પા ક્યાં ગયાંની રડારોળ મચાવી છે.’

- માતા-પિતાના સહિયારા સમણાને આજે એ જ પુત્રો વેચી રહ્યા છે એ આઘાત અમરથાન સર જીરવી પણ શકશે ખરા?

તાનિયાએ નિ:શ્વાસ નાખ્યો.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK