કથા-સપ્તાહ - આરાધના (જીવનધારા : ૧)

લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું.

aradhana

અન્ય ભાગ વાંચો

1  |  2  |

- સમીત (પૂર્વેશ) શ્રોફ

લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય થઈ ગયું. રિમોટથી વ્હીલચૅર ઘુમાવીને અમરનાથ રૂમની બારી આગળ ઊભા રહ્યા. આભમાં પ્રભાત ફૂટી રહ્યું હતું. નજર નીચે નાખો તો સામે જ દેખાય - પોતાના માનસ સંતાન સમું નટરાજ થિયેટર! ઊગતા સૂરજનાં કુમળાં કિરણોથી ચમકતી થિયેટરના મથાળે મૂકેલી નટરાજની વિશાળ મૂર્તિ કેવી દેદીપ્યમાન લાગી રહી છે!

‘બિલ્ડિંગ પર આટલી મોટી મૂર્તિ?’

આજથી ચાલીસેક વર્ષ અગાઉ બાંદરાના આ ઘરના પડખેના ખાલી પ્લૉટમાં રંગમંચ સ્થાપવાનો અમે

પતિ-પત્નીએ સહિયારો નિર્ણય લીધો ત્યારે વિશાખાના નટરાજની મૂર્તિ મૂકવાના સૂચનના વિરોધમાં પોતે કરેલી દલીલ પણ અમરનાથને સાંભરી ગઈ:

‘મૂર્તિ મૂકવી જ હોય તો પ્રાંગણમાં મૂકીએ - એનું પૂજન પણ થઈ શકે...’

જવાબમાં આજીવન રંગકર્મી રહેલી વિશાખાએ એટલી જ મક્કમતાથી ઇફૂકાર જતાવેલો - અહi, મૂર્તિ તો ઉપર જ મૂકવાની... એવી વિશાળ કે માઇલો દૂરથી એ નજરે ચડે ને લોકોને પ્રતીતિ થાય કે અહીં કલાનું નિવાસસ્થાન છે!

કેટલી વિઝનરી હતી મારી વિશાખા! અમરનાથની કીકીમાં મુગ્ધતા ઘૂંટાઈ.

થોડે દૂરથી તાનિયા તેમને નિહાળી રહી. શરૂ-શરૂમાં થતું કે અમરસાહેબ સવાર-બપોર-સાંજ બારીમાંથી થિયેટરને તાકતા મુગ્ધ બની જાય છે, જાણે શું નિહાળતા હશે! પોતે પૂછતી, પણ સાહેબ શરમાઈને જવાબ ટાળી જતા,

પણ આજે વરસેકથી તેમની સારવારમાં રહ્યા બાદ મને લાગે છે કે નહીં મળેલો જવાબ હું જાણું છું...

તાનિયાના હોઠ મલકી પડ્યા.

‘કૉર્નફ્લેક્સ તૈયાર છે!’ હળવો ધક્કો મારીને તે ટ્રૉલીને અમરનાથની વ્હીલચૅર તરફ લઈ ગઈ.

અહીં સવાર આમ જ ઊગતી. છેલ્લાં બે વરસથી અમરનાથના જમણા અંગમાં પૅરેલિસિસની અસર હતી. જાતે હરી-ફરી શકાય નહીં. તોય તેમની દિનચર્યા એવી જ નિયમિત. સવારે પાંચ-સાડાપાંચ વાગ્યા સુધીમાં વિના અલાર્મ ઊઠી જાય, મેઇડ તેમની પ્રાત:ક્રિયા નિપટાવી વ્હીલચૅરમાં ગોઠવી દે પછી તેમને ફેરવવા ન પડે. રિમોટવાળી આરામદાયક વ્હીલચૅર તેમને ફાવી ગઈ હતી. રૂમ-હૉલનું ફર્નિચર પણ એ રીતે ડિઝાઇન થયું હતું કે વ્હીલચૅરની મૂવમેન્ટમાં ક્યાંય અડચણ ન આવે.

તૈયાર થઈ હૉલમાં પ્રવેશી અમરનાથ હોમ થિયેટર સિસ્ટમમાં ગણેશવંદના મૂકે. પછી બારી પાસે ગોઠવાઈ બાજુના થિયેટરને નિહાળતા રહે. લોકેશન એટલું પર્ફેક્ટ હતું કે નટરાજનું આખું સંકુલ અહીંથી નજરે પડે.

દરમ્યાન તાનિયા પણ નાહી-ધોઈ કિચનમાં દૂધ-બ્રેડ-બટર કે કૉર્નફ્લેક્સ તૈયાર કરી, સવારનાં પેપર્સ ગોઠવી

સર્વિંગ-ટ્રૉલી સરકાવતી ત્યાં આવી પહોંચે. ડાબા હાથે અમરનાથ સિરિયલને ન્યાય આપે, સાથે તાનિયા દ્વારા વંચાતું અખબાર ધ્યાનથી સાંભળતા રહે.

તાનિયાના પિતા બાળપણમાં ગુજરી ગયેલા. માનો સહારો પણ છીનવાતાં હજી ૨૧ની થયેલી તાનિયા એકાકી પડી. આર્થિક સ્થિતિ સાવ સાધારણ. ચાલીમાં રહેતા પાડોશી અમરનાથની મોટી વહુ મિતાલીના પિયરમાં કામ કરે. તેમના થકી જાણ્યું કે અમરનાથ માટે તેમને ફુલ ટાઇમ બાઈ જોઈએ છે જે તેમને કંપની પણ આપે અને જતન પણ કરે. નહાવા-ધોવડાવવાના કામ માટે પુરુષ મેઇડ ખરા. ખરેખર તો આ માંદા સ્વજનની ચાકરીનું કામ છે.

તાનિયાએ આમાં પડકાર જોયો. અત્યંત રૂપાળી તાનિયા આત્મવિશ્વાસુ એવી હ્રદયની ઋજુ પણ ખરી. વધુમાં તેને નાટક-સિનેમામાં રસ. નટરાજ,

વિશાખાનું એમાં યોગદાન, ચાર્મિંગ અમરનાથ - એનાથી ખાસ અજાણ્યા નહોતા એટલે પણ જૉબનું આકર્ષણ થયું અને તે ઘરમાં સૌને પસંદ પણ આવી. ત્યારની પોતે અહીં શિફ્ટ થઈ એ થઈ! બહુ જલદી અમરનાથ સાથે ગોઠી ગયું. તે અઢળક વાતો કરતી - નાટકની, વિશાખાની.

‘વિશાખાને દીકરીની ઘણી ચાહ હતી. તું તેના ગયા પછી આવી...’ આવું અમરનાથ કહી જાય. તાનિયા એની કૃતાર્થતા અનુભવતી. તેમને લાડ લડાવતી એમ મીઠું ઠપકારી પણ દે - દવામાં આળસ ન ચલાવી લે. પાછલા છએક માસથી અમરનાથથી સરખું બોલી પણ નથી શકાતું, પરંતુ અનુભવે તાનિયા તેમના ગૂંચળા વળતા શબ્દો સરળતાથી પારખી શકતી. અરે, તેમની આંખોના ભાવથી તાનિયા સમજી જતી કે તેઓ શું કહેવા માગે છે!

તાનિયાની વળતી તારીફમાં અમરનાથ અચૂક કહે, ‘તું જ જરા વધુ ચતુર છે. બાકી હું કંઈ એવો ગ્રેટ ઍક્ટર નથી કે આંખોથી અભિનય કરી શકું.’

અમરનાથ અશોકુમાર કે દિલીપકુમાર જેવા અદ્ભુત અભિનેતા ભલે ન ગણાય, ભારતીય સિનેમાના ઇતિહાસનું તેઓ એક સુવર્ણ પત્તું છે એનો ઇનકાર ન થઈ શકે...

અત્યારે, તેમને એપ્રન પહેરાવીને કૉર્નફ્લેક્સનો બોલ ધરતી તાનિયાએ વાગોળ્યું.

અમરનાથની બૉડી આજે ૭૪ વરસેય સિમેટ્રિક છે, પણ જુવાનીના દિવસોમાં તેમની આભા જ નિરાળી. મોસ્ટ અટ્રૅક્ટિવ ઍક્ટરની ઉપમા કોઈને આપવી હોય તો એ તાજના હકદાર અમરનાથ જ હોય!

૧૯૬૦-’૭૦ના દાયકાઓમાં તેમની ફિલ્મો બૉક્સ-ઑફિસ છલકાવતી હતી. એ જમાનામાં જિમ કે સિક્સ-પૅકનું ચલણ નહોતું. હીરો રૂપાળો દેખાય એ પૂરતું ગણાતું. જોકે અમરનાથ તો ત્યારેય

ચુસ્ત-સ્ફૂર્ત જણાતા. તેમનું સપ્રમાણ શરીર રોજિંદા કસરતદાવથી કસાયેલું હતું. આકર્ષક મુખાકૃતિમાંય છોકરીઓના દિલ પર વાર કરી જતી મારકણી આંખો અને સોહામણા સ્મિતમાં છતી થતી દંતપંક્તિમાં એક-બે સહેજ ત્રાંસા દેખાતા દાંતને કારણે પોતે હતા એના કરતાંય વધુ હૅન્ડસમ દેખાતા એવું ખુદ અમરનાથે તેમના સ્ટારડમના સમયના એકાદ ઇન્ટરવ્યુમાં કહ્યું છે...

જોકે તેમણે ફિલ્મોમાં ક્યાં જવું હતું? અમરનાથનો પ્રથમ પ્રેમ તો નાટક હતો...

ગર્ભશ્રીમંત શાહ પરિવારમાં ઐfવર્યની ખોટ નહોતી. આઝાદીનાં ત્રણ વર્ષ અગાઉ જન્મેલો એકનો એક દીકરો મા-બાપને અતિ વહાલો. સ્કૂલમાં નાની વયે નાટકમાં ભાગ લીધો ત્યારથી તખ્તાનો મોહ વળગ્યો.

‘લાગે છે દીકરો બાપની પેઢી નહીં સંભાળે.’

કિશોરાવસ્થામાં અમરની નાટ્યપ્રવૃત્તિ કહો કે શોખ વિસ્તારવા માંડ્યો. એમાં માતા કલાવતી કે પિતા નવીનચંદ્રની રોકટોક નહોતી, પણ સગાંસંબંધીમાં ટીકા-ટકોર થવા માંડેલાં. એ ગાળામાં નાટકચેટકની પ્રવૃત્તિને જરા સૂગથી જોવાતી, ખાસ કરીને ભદ્રલોકમાં. એમાં શાહ પરિવારનું તો કેટલું નામ. યુનિવર્સિટીના કૅમ્પસ જેવડી તો બાંદરામાં તેમની જગ્યા. નાટકના રવાડે ચડેલો છોકરો બધું ડુબાડી ન દે!

‘અમને અમારા સંસ્કારમાં શ્રદ્ધા છે.’ પિતાનો ગર્વ રણકતો, ‘મને પેઢીની ચિંતા નથી. દીકરો તેનું ગમતું કરે એનો આનંદ.’

તેમના આવા અભિગમે અમરનો માર્ગ સરળ કરી નાખ્યો... ઇન્ટર પાસ કર્યા પછી તેણે વિધિવત અંગ્રેજી નાટકો કરતી વાડિયા કંપની જૉઇન કરી. સ્કૂલથી સીધા ચર્ની રોડની ઑફિસે ચાલતાં રિહર્સલ્સમાં.

વાડિયા કંપનીના માલિક રુસ્તમજી રમૂજી એટલા જ નીતિમત્તા, શિસ્તના આગ્રહી. તે કહેતા - નાટ્યકલાકારે પડદાની ઇજ્જત રાખવી રહી. પડદો ઊઠે કે તમારાં સુખદુ:ખ ભૂલીને પાત્રનાં સુખદુ:ખ અપનાવી લેવાનાં અને પડદો પડે કે તમારામાં પાછી આવી જવાનું...

અમરને એનો રોમાંચ થતો. તે આમેય રુસ્તમજીનો લાડકો. અમરનું નાટક પ્રત્યેનું વળગણ તેમને ગમતું. અમરમાં પણ અમીરીનો આડંબર નહીં. નાટકમાં નાની-મોટી ભૂમિકા ભજવતો અમર બૅકસ્ટેજના કામદારો સાથેય ભળી જતો.

‘આ છોકરો કોણ છે? બહુ સોહામણો છે!’

સાલ ૧૯૬૪. વીસ વરસનો અમર રુસ્તમજીના નવા ઇંગ્લિશ પ્લે ‘અનારકલી’ના રિહર્સલમાં વ્યસ્ત હતો. એ સમયે નવી-નવી આવેલી બે કન્યાઓ પોતાને જોઈ ગુસપુસ કરતી રહેતી હોવાનું તેના ધ્યાનમાં આવ્યું. તેમના શબ્દો કાને પડતા ને તેના કાનની બૂટ લાલ થઈ જતી.

એક તો ફુલલેન્ગ્થ રોલમાં તેનું આ પ્રથમ નાટક હતું. રાજકુમાર સલીમનો લીડ રોલ તેના ફાળે આવ્યો હતો અને સલીમ એટલે દિલીપકુમાર એવી સજ્જડ છાપ ચાર વર્ષ અગાઉની ‘મુગલ-એ-આઝમ’ થકી દૃઢ હતી. અમર એવી જ ચાલ, એવો જ ભાવ લાવવાની કોશિશ કરતો; પણ જામતું નહોતું.

નાટક બહુ મોટા પાયે રિલીઝ થવાનું હતું. અનારકલીના મુખ્ય કિરદારમાં સ્ટેજની જાણીતી અભિનેત્રી અરુણાને કાસ્ટ કરાઈ હતી. આખી કાસ્ટ ડ્રામાની રિધમમાં ગોઠવાઈ ચૂકી હતી, અમરને થતું કે આમાં પોતે જ મિસફિટ છે.

‘તમે કોઈ બીજાને લઈ લો...’ ચાર-છ રિહર્સલ પછી અમરે સામેથી રુસ્તમજીને કહ્યું ત્યારે બેમાંથી એક યુવતી, જે પોતાને સોહામણો કહેતી, તે પણ ત્યાં જ હતી. હવે અમરને એટલું માલૂમ હતું કે બન્ને છોકરીઓ રુસ્તમજીના મિત્રની દીકરીઓ છે. મોટીને નાટકનો શોખ છે એટલે નાની બહેનને લઈને ડ્રામાનાં રિહર્સલ્સ જોવા આવે છે.

‘તું નાહક નર્વસ થાય છે...’ રુસ્તમજીએ અમરની હિંમત બંધાવી, ‘મારા નાટકનો સલીમ તો તું જ બનશે.’ કહીને રુસ્તમજી આઘાપાછા થયા કે યુવતી બોલી ઊઠી, ‘હું જો અનારકલી હોઉં તો તમે જેવા છો એવા પ્રેમમાં પડવા માટે પૂરતા છો.’

અમરનાં નેત્રો સહેજ પહોળાં થયાં. યુવતીના ગાલે રતાશ છવાઈ. ચોખવટ કરતી હોય એમ ઉમેર્યું, ‘મતલબ, તમારે દિલીપસાબ બનવાની મહેનત કરવાની જરૂર જ નથી.’

અહા, ધૅટ્્સ ધ ક્લુ. પોતે દિલીપકુમારની નકલ કરવા મથે છે, એ લેવલે પહોંચાતું નથી અને એની અધૂરપ પજવતી રહે છે. એના કરતાં એક વાર મારી રીતે સલીમ બનીને જાઉં તો?

અને બીજા દિવસના રિહર્સલમાં જુદો જ સલીમ ઊઘડ્યો. અરુણા પણ દંગ થઈ ગઈ, ‘છોકરા, તું દિલીપકુમારને ભુલાવી દેવાનો. ’

સ્ટેજની નીવડેલી અભિનેત્રીના શબ્દો પુરસ્કારથી કમ નહોતા.

‘આનો યશ તમને.’ હરખથી છલકાતો અમર યુવતીને મળવાનું ન ભૂલ્યો.

‘થૅન્ક્સ ઍન્ડ ગુડ બાય.’ તે મ્લાન મલકી, ‘હું કાલથી રિહર્સલ્સમાં નહીં આવું.’

‘કેમ-કેમ...’ અમર કેવો વ્યાકુળ થઈ ઊઠ્યો. સ્ટેજથી ઘણે દૂર ખૂણામાં બેસી રહેલી છોકરીની જાણે આદત થઈ ગઈ હતી. તે હવે નહીં આવે? કેમ!

‘કેમ કે આવીશ તો મને મહોબત થઈ જશે... એ સલીમ સાથે જે મારો નહીં અનારકલીનો છે.’

નજર ઝુકાવીને તેણે વિદાય લીધી. અમરને કંઈ-કંઈ થઈ ગયું.

‘અરે, જરા તો ઊભાં રહો...’ તે પાછળ દોડ્યો, ‘તમારું નામ તો કહેતાં જાઓ.’

તે અટકી અને ઊલટી ફરીને અચરજભેર પૂછ્યું, ‘કેમ?’

સહેજ હાંફતા, નજરો મેળવીને અમર બોલ્યો, ‘અનારકલીનું સલીમ જાણે, મને તો ખબર પડે કે મને કોની સાથે મહોબત થઈ છે!’

તેના શબ્દોનો મર્મ પકડાતાં ‘હાય રામ’ બોલતી યુવતીએ હથેળીમાં મોં છુપાવ્યુ., પછી હળવેથી ‘વિશાખા‘ બોલીને ભાગી છૂટી!

વિશાખા.

આ એક નામ અમરનાથના હ્રદયમાં એવું ઘૂંટાયું કે આજે, તેમની વિદાયનાં પંદર વરસે પણ એના પર ધૂળ નથી જામી! તાનિયા અહોભાવથી લેજન્ડરી ઍક્ટરને નિહાળી રહી. ૫છી તેમની નજરોની દિશામાં જોયું. આરવ નટરાજનું પૂજન કરતો હતો, પરંતુ અમરનાથ શું નિહાળી રહ્યા હશે એ તેને તો બરાબ૨ ૫૨ખાતું હતું.

‘તમે શું જુઓ છો, હું જાણું છું.’ તાનિયાના શબ્દે અમરનાથ ચમક્યા. તાનિયાના ચહેરાનું સ્મિત બોલકું લાગ્યું.

તાનિયા તેમના તરફ ઝૂકી. તેના પછીના શબ્દો અમરનાથને હળવું કંપાવી ગયા. ઝડપથી બોલી પડ્યા. ગૂંચવાતા શબ્દો તેમના હાવભાવ પરથી બરાબર પકડાયા - તું કોઈને કહેતી નહીં, તારા આરવને પણ નહીં!

તારો આરવ. શબ્દો ગલીપચી કરી ગયા.

‘નહીં તો લોકોને લાગશે કે બુઢ્ઢો પાગલ થઈ ગયો!’

તાનિયા મલકી ન શકી : લાગણીમાં ઘેલા બનેલાને પાગલ ગણવા જેવી નિષ્ઠુરતા કઈ?

ત્યાં તેમણે ઇશારાથી પૂછ્યું : આજે પેપર નથી વાંચી સંભળાવ્યું?

‘યા...’ તાનિયાએ ઇંગ્લિશ ડેઇલી ઉઠાવ્યું.

અમરનાથના પેપરવાંચનની શરૂઆત નાટક-ફિલ્મને લગતા મનોરંજનના સમાચારોથી થતી. તાનિયાએ છઠ્ઠéં પાનું ખોલ્યું ને બૉક્સ-આઇટમના સમાચાર ભોંકાયા : ઐતિહાસિક નટરા’ થિયેટરની વિદાય નિિત!

હે. તાનિયા એકશ્વાસે મનમાં વાંચી ગઈ.

મથાળા હેઠળ ખબરપત્રી લખે છે કે આજના યુગમાં નટરાજ જેવું અદ્યતન થિયેટર ઓનર્સ માટે ખર્ચાના ખાડા સમાન બની ગયું છે અને એટલે જ જાણીતા અભિનેતા અમરનાથના સુપુત્રોએ એને વેચી નાખવાનો નિર્ણય લઈ લીધો હોવાનું ખાનગીમાં ચર્ચાય છે. હજી એને સત્તાવાર સમર્થન સાંપડ્યું નથી! 

હે રામ. આજે અખબારમાં આવ્યું છે, કાલે મીડિયામાં ચર્ચાતું થઈ જશે... સારું છે કે પોતાના કોચલામાં કેદ અમરનાથ એ બધાથી અલિપ્ત છે. નહીંતર તો... તાનિયા સહેજ કંપી ગઈ.

નહીં, આ ખબર અમરસરના કાને ન પડે એ જ હિતાવહ છે!

અને તેણે હળવેથી પાનું પલટી કાઢ્યું. આડાતેડા સમાચાર-લેખ વાંચી સંભળાવીને તાનિયાએ જોયું તો અમરનાથ વળી નટરાજને તાકતા જુદી જ દુનિયામાં જાણે પહોંચી ગયા છે.

આવા ખબર આપીને તેમનો સમાધિભંગ શું કામ કરીએ? એને બદલે તેમની રોમૅન્સગાથા વાગોળી હોય તો!

તાનિયા વાગોળી રહી.

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK