કથા-સપ્તાહ : અનુસંધાન (ઘટનાક્રમ – ૨)

રાતના દોઢ.અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


કલકત્તાથી મુંબઈની અડધી મજલ કાપી ચૂકેલી દુરૉન્તો ધડધડાટ આગળ વધી રહી છે. આખા કમ્પાર્ટમેન્ટમાં સૂનકારો છે, લાઇટો બંધ છે, યાત્રીઓ ગહેરી નીંદમાં ડૂબ્યા છે.

રેવાએ પણ હેડફોન હટાવી, મોબાઇલ બંધ કરીને આળસ મરડી. સૂતા પહેલાં વૉશરૂમ જઈ આવવાના ઇરાદે તે ઊઠી. સ્લિપર્સ પહેર્યા. સહયાત્રીઓને સહેજે ખલેલ ન પહોંચે એ માટે દબાતા પગલે આગળ વધતી રેવાએ પ્રકાશ માટે મોબાઇલ લઈ રાખેલો, પણ ચાલુ કરવાની જરૂર ન વર્તાઈ. કમ્પાર્ટમેન્ટની AC કૅબિનના દરવાજાની બહારનો લૅમ્પ ચાલુ હતો. એના દુધિયા પ્રકાશનું નહીંવત્ અજવાળું પર્યાપ્ત હતું.

- અને તે ચમકી.

ડાબી બાજુ, નીચલી બર્થ પર ચાદર ઓઢીને સૂતેલી સ્ત્રીના પડખે, ફર્શ પર ઘૂંટણિયે થઈને એક આદમી તેને કશુંક ઘોંચી રહ્યો હતો! તેની પીઠ રેવા તરફ હતી એટલે પણ તેને રેવાના આગમનનો અણસાર નહોતો...

સૂતેલી સ્ત્રીએ હળવો હકારો ભર્યો માત્ર.

મે બી, આ રોજનું હશે. કદાચ શુગ૨નું ઇન્જેક્શન લેવાનું રહી ગયું હોય એ યાદ આવતાં કવેળા પતિ ઊઠ્યો હોય એ ખરેખર તો કાળજીનું જ પ્રતીક ગણાય!

હોઠ મલકાવીને રેવા આગળ વધી ગઈ.

વૉશરૂમથી પાછા ફરતાં જોયું તો સ્ત્રીની સામી બર્થ પર એ જ આદમી આંખો મીંચીને પડખાભેર સૂતો હતો...

ત્રીસેકની લાગતી જોડી પતિ-પત્નીની જ હોય એવું રેવાએ ધારી લીધું.

આમ જુઓ તો તેની ધારણા ખોટી પણ ક્યાં હતી?

‘યુ આર વેરી લકી!’ સ્ત્રીને મનોમન કહીને રેવા આગળ વધી ગઈ.

૦ ૦ ૦

‘ખરું થયું બિચારીનું. મુંબઈ પહેલાં પોતે સ્વર્ગમાં પહોંચી જશે એવું બાઈએ ધાર્યું પણ નહીં હોય!’

કાંડાઘડિયાળના અલાર્મે રેવાને જગાડી. રાતે સૂવાનું મોડું થયું એટલે પોતે નવ વાગ્યાનું અલાર્મ ગોઠવેલું, જેથી ટ્રેન સવાદસે છત્રપતિ શિવાજી ટર્મિનસના મુકામે પહોંચતાં સુધીમાં ફ્રેશ થઈ જવાય.

એ હિસાબે પોતે આંખો ખોલી, પણ ઊંઘ સાચા અર્થમાં ઊડી બર્થ-ઝૂમખામાં ચાલતી કાનાફૂસીએ.

‘શું થયું?’ બગાસું ખાળીને તેણે બેઠા થતાં પ્રશ્ન મૂક્યો.

‘અરે મારી બાઈ, તું તો ઘોડા વેચીને સૂતી’તી...’ સાઇડ બર્થવાળાં માજીએ ટકોરી લઈને સમાચાર આપ્યા, ‘આ આપણાથી સાતેક બર્થ દૂર એક કપલ હતું. એમાં વાઇફનું હાર્ટફેઇલ થઈ ગયું!’

હેં!

‘જુવાનજોધ બાઈ બિચારી રાત્રે સૂતી તે સવારે ઊઠી જ નહીં!’

અરેરેરે.

‘સાતેક વાગ્યે પહેલાં પોતે ફ્રેશ થઈને ધણીએ પત્નીને જગાડવા માંડી, પણ ખોળિયામાં પ્રાણ હોય તો તે ઊઠેને! બિચારાએ રડારોળ મચાવી. ટ્રેનના સ્ટાફમાંથી ફસ્ર્ટ એઇડર દોડી આવ્યો. તેણે બાઈને મૃત જાહેર કરતાં ટ્રેનને નજીકના સ્ટેશને થોભાવી તેમને ઉતારાયા, ડેડ-બૉડીનો હવાલો રેલવે-હૉસ્પિટલને સોંપાયાનું સાંભળ્યું છે...’

રેવાને હવે ધ્યાનમાં આવ્યું કે ટ્રેન અડધો કલાક જેટલી મોડી ચાલી રહી છે. આ જ વિધિને કારણે. આટઆટલું બની ગયું ને હું સાવ ઘોરતી રહી! ખેર, જેવી તે સ્ત્રીની કિસ્મત. બીજું શું!

ઓઢવાનું સમેટીને રેવા ટૂથબ્રશ-પેસ્ટની મૉર્નિંગ કિટ લઈને વૉશરૂમ તરફ વધી કે...

સાતમી બર્થે અચાનક તેના પગ થંભી ગયા. અરે, અહીંનું કપલ ક્યાં?

‘બાઈ મરી ગઈ.’ રેવાનો પ્રશ્નભાવ સમજાતો હોય એમ સાઇડ બર્થ પર બેઠેલી બે બહેનોમાંથી એક બોલી.

રેવાએ ધક્કો અનુભવ્યો. આ બાઈ! અરે, હજી અડધી રાત્રે તો..

બાઈના બાવડે ઇન્જેક્શન ઘોંચતા આદમીનું દૃશ્ય મનોચક્ષુ સમક્ષ ઝબકારા મારતાં રેવાની છાતી હાંફવા માંડી.

શું મેં માન્યું’તું એમ પતિદેવે આપેલું ઇન્જેક્શન રૂટીનનું, શુગરનું હતું કે પછી...

રેવાનું દિમાગ દોડવા લાગ્યું.

પતિ રાતના કથોરા સમયે પત્નીને ઊંઘમાં જ ઇન્જેક્શન મૂકે ને પત્ની સવારે મૃત જોવા મળે તો આ ઘટનાનો બીજો અર્થ કેમ ન નીકળે? નૅચરલ ડેથ ખરેખર તો હત્યા હોઈ શકે એવું કેમ ન માનવું?

૦ ૦ ૦

‘આપણા માનવા - ન માનવાથી શું ફેર પડે છે!’

ઘરે રાતના ડિનર ટાણે પણ રેવાના ચિત્તમાં ટ્રેનનો ઘટનાક્રમ ઘૂમરાતો હતો. ટ્રેનના મુસાફરો સાથે પોતાનાં શક-શક્યતાને વહેંચવાનો મતલબ નહોતો. પોતાને રિસીવ કરવા આવેલા ભાઈને પણ તેણે તરત તો કંઈ ન કહ્યું. સાંજે પપ્પાના આગમન બાદ તેણે હળવેથી વાત મૂકીને ઉમેરેલું : મને લાગે છે કે મારે આની જાણ પોલીસને તો કરવી જ જોઈએ.

પિતા-ભાઈને આમાં તથ્ય લાગ્યું, પણ માનો મત જુદો પડ્યો. પુત્રી પોલીસ-કોર્ટકચેરીના લફરામાં પડે એ કોને ગમે! જોકે દીકરીની ફિતરત પોતે જાણતાં હતાં એટલે તર્કબદ્ધ દલીલ મૂકવાની હતી. રાતનું ખાણું પીરસાતાં તેમણે ધીરજથી પોતાનો દૃષ્ટિકોણ મૂક્યો, ‘બાઈ જુવાનજોધ છે, પાછું ચાલુ પ્રવાસે મૃત્યુ થયું છે એટલે રેલવે પર પાછળથી કોઈ જાતનો ક્લેમ ન થાય એ માટે પણ તેનું પોસ્ટમૉર્ટમ થવાનું... બાઈના ધણીએ ખરેખર ઝેર આપ્યું હશે તો છૂપું આમેય નહીં રહે!’

‘અહં...’ થોડું વિચારીને રેવાએ છીંડું શોધી કાઢ્યું. ‘ટ્રેનમાં હત્યાની સાઝિશ રચનારને પોસ્ટમૉર્ટમના તબક્કાની જાણ હોવાની જ. તે એવું જ ૨સાયણ વા૫૨વાનો જે મોત આ૫ે પણ પોસ્ટમૉર્ટમમાં એનાં નિશાન પકડાય નહીં!’

આ દલીલ સાથે સંમત થયા વિના છૂટકો નહોતો. કોઈ પણ શાણો આદમી આમ જ કરે. પોતે ઝડપાવા જેવી મૂર્ખાઈ કાતિલ શું કામ કરે?

છેવટે માએ પણ સંમતિ આપવી પડી. રેવાએ પોલીસ-સ્ટેશનનો નંબર ઘુમાવ્યો.

- અને સાચે જ રેવાની ગવાહી દિશાચિહ્નરૂપ નીવડી. અરુણના મર્ડરપ્લાનનો પર્દાફાશ થયો એથી ફરજ બજાવ્યાનો સંતોષ વાગોળતી રેવાને કિસ્સાના અનુસંધાનની ક્યાં ખબર હતી?

૦૦૦

સાડાચાર વરસ ૫છી...

‘વેલકમ ટુ દાર્જીલિંગ.’

અંબુજા સ્ટીલના ણ્ય્ મૅનેજર સુજોય ઘોષે અદબભેર ટ્રેઇનરને આવકાર્યા, ‘હવાઈયાત્રા સગવડભરી રહીને મૅડમ?’

‘જી.’ રેવાએ સ્મિત ફરમાવ્યું. ‘ઘોષબાબુ, હું હવે થોડો આરામ કરીશ...’

‘શ્યૉર. મારો નંબર તમારી પાસે છે. કંઈ પણ કામ હોય તો કહેજો. સાંજે ક્યાંક આઉટિંગ માટે જવું હોય તો કૅબની અરેન્જમેન્ટ થઈ જશે.’

‘નો થૅન્ક્સ. દાર્જીલિંગ મારાથી અજાણ્યું નથી. સાંજે મૂડ હશે તો માર્કેટમાં આંટો મારી લઈશ, અહીંથી વૉકિંગ ડિસ્ટન્ટ જ છેને.’

૦૦૦

કાંચનજંઘા!

બપોરે આરામ કરી, ફ્રેશ થઈને રેવા હોટેલની રૂમની બારીમાંથી દૂર દેખાતા પર્વતશિખરને નિહાળી રહી. હિમાલયની ભવ્યતા રોમેરોમમાં ફરી વળી. પોતે ગૅન્ગટૉકમાં ભણતી ત્યારે ઘણી વાર દાર્જીલિંગની પિકનિકનો પ્રોગ્ામ બનતો. કેટલી મજા આવતી.

બે વરસ અગાઉ પોતે માસ્ટર્સ કમ્પ્લીટ કર્યું. એ દરમ્યાન ટ્રેઇનર તરીકેની હથોટી કેળવાઈ ચૂકેલી, રસ પણ હતો એટલે સર્ટિફાઇડ ટ્રેઇનરનો કોર્સ કરીને મુંબઈની ફર્મમાં જૉબ સ્વીકારી લીધો. મા લગ્નની ઉતાવળ કરતી, પણ રેવાને કામ ગમવા લાગ્યું હતું એટલે ટાળતી રહેતી : પહેલાં ભાઈને પરણાવ, હું તો નાની છું!

કૉલેજના ટ્રેઇનિંગ પ્રોગ્રામ્સથી કૉર્પોરેટ વર્લ્ડનું કલ્ચર સાવ ભિન્ન હતું. બૅચમાં તરવરિયા જુવાનોથી માંડીને નિવૃત્તિના આરે પહોંચેલા વૃદ્ધોની હાજરી હોય અને મોટા ભાગના ટ્રેઇનિંગનો ટાર્ગેટ પૂરો કરવાના આશયે આવ્યા હોય! રેવાને એમાં પડકાર લાગતો. પોતાના સેશનને તે ક્યારેય બોરિંગ થવા ન દેતી. વિડિયો-પ્રેઝન્ટેશન, રમતગમતની ઍક્ટિવિટીથી માહોલ જીવંત રાખતી. ભારેખમ વિષયને સરળપણે સમજાવવાની તેનામાં હથોટી હતી. પૉઝિટિવિટી, વૅલ્યુઝ, ડિસિઝન-મેકિંગના તેના ટ્રેઇનિંગ પ્રોગ્રામ્સ ખૂબ વખણાતા. એનું જોકે રેવાને અભિમાન નહોતું. તે પોતાનું કામ એન્જૉય કરતી. ફર્મનું કામકાજ ગુજરાત, દિલ્હી, કલકત્તાનાં ક્ષેત્રોમાં વિશેષપણે હતું એટલે મહિનામાં વીસ દહાડા તો તે મુંબઈની બહા૨ રહેતી હોય. એમાં ટ્રાવેલિંગનો શોખ પોષાતો. ખાસ તો કલકત્તાનું અસાઇનમેન્ટ તે ન ચૂકતી, બલ્કે સામેથી ઝડપી લેતી. સિક્કિમની કૉલેજને કારણે કલકત્તાની ગલીઓથી પણ ચિરપરિચિત થઈ ગયેલી. આમ જુઓ તો સિક્કિમનું એ પ્રવેશદ્વાર!

એમાં હવે દાર્જીલિંગમાં ટ્રેઇનિંગનો યોગ ગોઠવાયો હતો.

સ્ટીલ-ઇન્ડસ્ટ્રીમાં અંબુજા સ્ટીલ અગ્રણી ગણાય છે. કલકત્તા-બેઝ કંપનીએ એના ત્રણ હજાર જેટલા કર્મચારીઓ માટે કંપનીની કોર વૅલ્યુઝની ટ્રેઇનિંગ પ્લાન કરી છે. ત્રીસ-ત્રીસના બૅચમાં ત્રણ વરસમાં તમામ કર્મચારીઓને આવરી લેવાના કૉન્ટ્રૅક્ટમાં રસપ્રદ બીના એ છે કે ટ્રેઇનિંગ પ્રોડક્શન-સાઇટથી દૂર, કંપનીના દાર્જીલિંગ ખાતેના રિસૉર્ટમાં આપવાની છે. શુક્ર-શનિના ટ્રેઇનિંગ પ્રોગ્રામ માટે કર્મચારીઓના ટ્રાન્સપોર્ટ ઉપરાંત ઉતારાની વ્યવસ્થા પણ કંપનીએ ફ્રીમાં કરી છે. સવારે સાતથી સાંજે ચારના ટ્રેઇનિંગ-સેશન પછી સ્વખર્ચે દાર્જીલિંગની સેર કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. જાયન્ટ કૉર્પોરેટ્સ આવી સવલતના ખર્ચ સામે કર્મચારીનું કંપની સાથે, સહકર્મચારી સાથે બૉન્ડિંગ વધે એનો ફાયદો વિશેષ જોતી હોય છે.

ફર્મ તરફથી રેવાને ટ્રેઇનિંગની જવાબદારી સોંપાઈ જેને તેણે આવકારી. એ બહાને કંઈકેટલીયે વાર દાર્જીલિંગ આવવાનું થશે, મને ગમતા પ્રદેશનું સાંનિધ્ય પામવાનું બનશે! તેણે જોકે અંબુજાના ટ્રેઇનિંગ કો-ઑર્ડિનેટર સુજોય સાથે ટાઇમટેબલ ઘડતી વેળા જ

ચોખવટ કરેલી કે હું કંપનીના રિસૉર્ટમાં નહીં રહું, મને એવી હોટેલમાં રૂમ જોઈએ જ્યાંથી કાંચનજંઘાનાં દર્શન કરી શકું!

અલબત્ત, રેવા જાણતી કે દાર્જીલિંગનું હવામાન ઘડી તડકો ઘડી છાંય જેવું હોય છે. અહીં એપ્રિલ મહિનામાં પણ બરફનો વરસાદ પડે. એટલે તો માએ યાદ કરીને મારા લગેજમાં છત્રી મૂકેલી. તેનું ચાલત તો રેઇનકોટ પણ મૂકત! સારું છે કે વિમાનમાં લગેજના વજનની મર્યાદા હોય છે. ટ્રેનમાં આવવાનું થયું હોત તો...

ટ્રેન.

રેવાને સાડાચાર વરસ અગાઉની, દુરૉન્તોની રેલયાત્રા સાંભરી ગઈ.

 (ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy