કથા-સપ્તાહ - અંશ (અંતરનાં સુખદુખ : 5)

બ્રાહ્મમુરતનો સમય છે.

અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4  |  5 


ચાણોદના કાંઠે નર્મદામૈયાનાં નીર પુરજોશમાં વહી રહ્યાં છે. ચોપાસ ડરામણી નિર્જનતા છે.

‘તારો બ્રાહ્મણ તો દેખાતો નથી, દેવધર!’

ધર્મશાળાથી ભાડે રાખેલી મોટરમાં કાંઠે ઊતરતાં વિનયકુમારે નજર દોડાવીને ડ્રાઇવિંગ-સીટ પર બેઠેલા સાળાને કહ્યું.

‘તેને હજી વાર છે.’ ટાઢકથી દેવધરે સંભળાવ્યું, ‘પહેલાં આપણે સ્નાન કરી પવિત્ર થવાનું છે.’

વિનયકુમારને ઇનકાર શું કામ હોય? પત્ની ચંદ્રાની વિધિ માટે આવ્યા છીએ એ માટે જે કરવું ઘટે એ કરવાનું... સાળાસાહેબે બધી વ્યવસ્થા કરી રાખી છે. તેમણે કહ્યું તો કથોરા સમયે કાંઠે આવી પણ પહોંચ્યાને...

તે બિચારાને શું ખબર કે સાળો દુશ્મન બની બેઠો છે!

ના, દેવધરને અમીરીની ઝંખના ખરી, પણ એથી બહેનના સુહાગનો શિકાર કરવાની કદી મનસા નહોતી. મોટી બહેનનું સાસરું ખતમીધર હોવાની ખુશી હતી તેને. બનેવી પણ કેવા ઉદાર હતા. તેમને સંતાન નહોતું, પણ જુલીને અઢળક લાડ લડાવતા. 

પણ સાળા-બનેવીને જોડતી કડી જેવી બહેન જ ન રહી પછી બધું બદલાયું. દેવધરના શૅરના કામકાજમાં કસ નહોતો. આઘાતમાં સરી પડેલા બનેવીનો બિઝનેસ સંભાળતાં તેમની અસ્કયામતોનો ખ્યાલ આવતો ગયો. વફાદારીથી તેમણે કામકાજ વિસ્તાર્યું પણ ખરું. બનેવી કહેતા પણ : તમે છો એટલે મને નિરાંત. થોડો વખત જવા દો, આપણી ભાગીદારીનું વિચારીશું.

આનો ઇન્તેજાર હતો ત્યાં વિનયકુમારનાં બીજાં લગ્નની વાત ચગી. ખુદ દેવધરની પત્નીનું આને સમર્થન હતું. દેવધર સમસમી ગયેલો.

વિનયકુમાર પરણી જાય તો આગલી પત્નીનાં પિયરિયાંનું શું મોલ રહે? નવી આવનારી કંઈ મને ભાગીદાર ન બનાવવા દે... આટલી મહેનત, આટલી વફાદારી તો શું તેણે જવા દેવી? ન બને!

અને આ ન થવા દેવું હોય તો એક જ રીતે શક્ય લાગ્યું : ખુદ વિનયકુમાર જ ન રહે તો નોંધારી થનારી સંપત્તિના અમે જ વારસ ગણાઈએ!

વિચાર પંપાળ્યો, ઘૂંટ્યો. એના અમલીકરણનો પ્લાન બનાવીને બહેન પાછળની વિધિના બહાને બનેવીને કાંઠા સુધી તાણી લાવ્યો છું. હવે...

અને નહાવા માટે કપડાં કાઢવા જતાં વિનયકુમાર ચમક્યા. અરે, આ શું કરે...

ચોંકેલા સ્વરનો એ આખરી પ્રશ્ન પૂરો પણ થવા ન પામ્યો. ઝાટકો આપી તેમને પછાડીને છાતી પર ચડી બેસતા દેવધરે નાક-મોં પર દબાણથી બુકાની બાંધી તેમના હાથપગ દોરડાથી બાંધ્યા. પછી કમર વરાણા પાણીમાં લઈ જઈને ડૂબકી ખવડાવી. બુડબુડિયા નીકળતા બંધ થયા ત્યારે પકડ ઢીલી કરતાં મૃતદેહ ઉપર તરી આવ્યો... બંધન છોડીને દેવધરે બનેવીલાલની લાશ પાણીમાં વહી જવા દીધી.... સમયસર ખેલ પૂરો થયો. હવે વસ્તીમાં જઈને બનેવી નદીમાં સરકી પડ્યાની બુમરાણ મચાવવાની હતી ત્યાં...

‘આ તમે શું કર્યું અં...ક...લ!’

ધ્રુજારીભર્યા પ્રશ્ને દેવધરને થથરાવી દીધા. અજવાળું હજી ઊઘડ્યું નહોતું. અવાજની દિશામાં નજર દોડાવતાં કાળજે ચીરો પડ્યો : આ...ત્મ...ન... તું!

(બોરીવલી સ્ટેશને સ્કૂલ-બૅગ છોડીને આત્મને અમદાવાદ જતી સુપરફાસ્ટ ટ્રેન પકડી હતી. ભરૂચ ઊતરી ચાણોદની બસ પકડી. મોડી સાંજે બસમથકે ઊતર્યો, થોડું કંઈક ખાધું-પીધું. પહેલી વાર ઘરની બહાર નીકળેલો છોકરો વારે-વારે સહેમી જતો. મા યાદ આવતી. તેની સોડમાં ભરાવાનું મન થતું અને પિતા સાંભરતા. જાત પર જુલમ કરીને તે આગળ વધતો રહ્યો. બજારમાં વિનય-દેવધર અંકલ નજરે ચડ્યા. હાશકારો જેવો થયો. તેમની ધર્મશાળાના સામેના ઓટલે જ બેઠો-સૂતો. મળસકે તેમને નીકળતા જોઈને પાછળ દોડ્યો. તેમની કા૨ કાંઠા તરફ વળી અને પછી જે જોયું એ દસ વરસના બાળકને હેબતાવી દેવા પૂરતું હતું! ઘણા સમયે તેનો સ્વર ફૂટ્યો અને...)

આત્મનને ભાળીને દેવધરે દોટ

મૂકી, તેને ઝાલ્યો, ‘તું ન જોવાનું જોઈ ગયો છોકરા!’ તેનો કાંઠલો દબાવ્યો, ‘એકલો જ આવ્યો છે?’

‘હા, ઘરેથી ભા...ગી...ને...’ આત્મનથી માંડ બોલાયું. એ સમયે મોબાઇલ નહોતા. આત્મનના ઘર છોડ્યાના ખબર ચાણોદ પહોંચ્યા નહોતા.

પરંતુ છોકરાની જુબાની દેવધરને ફાયદેમંદ લાગી. ઘરેથી ભાગેલા છોકરા સાથે ગમે તે, ગમે ત્યાં બની શકે! હત્યાના ચશ્મદીદ ગવાહને જીવતો શું કામ છોડવો?

તેણે આત્મનને બેહોશ કર્યો‍. કા૨માં નાખી, વસ્ત્રો સુધ્ધાંની નિશાની રાખ્યા વિના નજીકના રેલવે-ટ્રૅક પર ફંગોળી સગી આંખે ટ્રેન નીચે કચડાતા જોયો છે. કયા જોરે, કઈ હામે પોતે આ કર્યું? કદાચ માણસ શયતાન બને ત્યારે વધુ જોરાવર થઈ જતો હશે...

પાછા આવીને બનેવીલાલ ડૂબ્યાની હોહા મચાવી. કોઈને કશું ગંધાયું નહીં એ નસીબની બલિહારીને. એક હત્યાનું પાપ છુપાવવા બીજી હત્યા કરવી પડી એનો રંજ કદી હૈયે રાખ્યો નથી... વિનય પાછળ શોક સેવ્યો, આત્મનના ગાયબ થયાની દિલસોજી પાઠવી, સરળપણે મુંબઈ વસ્યા.

એક દીકરી દૂર થતી ગઈ એ સિવાય કોઈ દુ:ખ નહોતું. જુલી ક્યારેક એવું કંઈ બોલી જતી કે પાપ ઉજાગર થઈ જવાની બીક લાગે... લાચાર બનીને જોયા કરવા સિવાય કશું જ કરી ન શક્યા પોતે. એમાં ને એમાં જૂલી હાથમાં નીકળતી ગઈ. એ બાબતમાં જોકે મન મનાવી લીધેલું. ત્યાં હવે આત્મનનો પ્રવેશ...

જેને મેં ધસમસતી ટ્રેન નીચે કચડાતો જોયો છે તે આત્મન જીવિત હોવાનું તો સંભવ જ નથી. જરૂર આ કોઈ બહુરૂપિયો હોવો જોઈએ.

પણ આત્મન-અર્ણવ, ફૉર ધૅટ

મૅટર-નું રૂપ લેવાની તેને શી જરૂર? વિશાખા પાસે ક્યાં એવી દોલત છે કે આવો કશો ખેલ રચવો પડે.

દેવધરભાઈ મૂંઝાયા. ત્યાં બત્તી થઈ : જુલી!

વિશાખા પાસે દોલત નથી, પણ જુલી મારી તમામ મિલકતની એકમાત્ર વારસદાર છે. આત્મન તરીકે તેને ફોસલાવીને બંદો મારો જમાઈ બનવાની ફિરાકમાં હોય એ કંઈક ગળે ઊતરે એમ છે!

પોતાની ગણતરીએ સમસમી ગયા દેવધરભાઈ. નહીં, ધોકાથી હણેલી સંપત્તિ હું ધોકો ખાઈને તો જવા ન જ દઉં! કોઈ પણ હિસાબે મારે આત્મનની અસલિયત ઉઘાડી કરવી પડે. તો જ જુલી માનશે.

બટ હાઉ?

આત્મન બનીને આવેલા જુવાને યાદદાસ્ત ધૂંધળી હોવાનો સહારો લીધો છે - અહીં રહ્યો છું એવું ઝાંખું-ઝાંખું યાદ છે. ઘર છોડી ચાણોદ ગયેલો - પછી શું થયું ખાસ સાંભરતું નથી. રાજસ્થાનમાં વધુ રહ્યો છું. સંસારમાં એકલો છું. પ્રાઇવેટ સિક્યૉરિટીમાં કામ કરું છું. એ સિલસિલામાં મુંબઈ આવવાનું થયું ને જાણે સ્મૃતિના તાર ઝણઝણી ઊઠ્યા. અવશપણે અહીં દોરાયો. ઝાંપો ખૂલતા જ મને મા દેખાઈ... હું દોડીને તેને વળગી પડ્યો!

કેટલી ફિલ્મી કહાણી. વિશાખાને જોકે કોઈ પૂછપરછમાં રસ નહોતો. દીકરાના ઇન્તેજારમાં જીવતી માને જાણે શ્વાસોનું એક્સ્ટેન્શન મળ્યું. પતિની પ્રતિકૃતિ જેવા દીકરાને ભાળીને કઈ માને પૂછપરછના હોશ રહે? જુલી પણ એના જ ઉન્માદમાં છે અને આ બધું મને ખતરાની ઘંટી જેવું લાગે છે... મારે જલદી જ કશું કરવું રહ્યું.

દેવધરભાઈ યોજના ગૂંથવામાં પડ્યા. ત્યાં સુધીમાં ઓમ-જુલી બીજા ચાલ ચાલી ચૂક્યાં.

€ € €

‘અર્ણવ, આપણો દીકરો ઘરે આવ્યો, તમારો અંશ ઘરે આવ્યો. હવે મોત આવે તો પણ વાંધો નહીં. ’

દીકરો આવ્યાના આ ચાર દિવસમાં વિશાખાની જાણે કાયાપલટ થઈ છે. દીકરાની માફી માગી હતી, પિતાને ક્ષમા કરવાનું સૂચવીને તેણે ‘આત્મન’ને ઠપકાર્યો પણ હતો : ફરી આમ ન નાસતો!

‘કદી નહીં...’ ઓમે જેવી ઝંખી હતી, કલ્પી હતી એવી જ માને હાજરાહજૂર ભાળીને ગદ્ગદ થઈ જવાતું. દેવધરનું પાપ પ્રગટે નહીં ત્યાં સુધી તો આત્મન બની રહેવાનું હતું, પણ મા આવી હોય તો જીવન આખું આત્મન બની રહેવામાં મને કોઈ સંકોચ નહીં નડે - ઓમ કહેતો ને જુલીની સંવેદના રણઝણી ઊઠતી.

વિશાખાને ફોસલાવીને તેણે સાંવરી બાબત જાણી લીધેલું. ઓમ માનો સાવકો દીકરો હોવા વિશે સંશય ન રહ્યો, તો જન્મદાત્રીના ધંધાની ઓમને શરમ ન ઊપજી- દેહવ્યવસાયને સ્વાભાવિક માનવાનો રિવાજ મારા લોહીમાં એટલે જ ઊતર્યો‍ હોવો જોઈએ... શરીરનો સોદો કરનારીની પ્રીત તો વફાદારીભરી હતી, ગર્વ એનો હોય. તારી સૂરત તો જોવા ન પામ્યો મા, પણ તારી મમતાને મારાં વંદન.

‘મારી મા (સાંવરી) પિતા માટે વિશાખા બની શકે તો હું કેમ વિશાખામા માટે આત્મન ન બની શકું?’

ઓમ કહેતો અને કરી દેખાડતો. તેના વર્તાવમાં ક્યાંય આયાસ નહોતો, વિશાખાને વહેમ આવવાની ગુંજાઇશ નહોતી.

અને ગૂંચવાયેલા, મૂંઝાયેલા દેવધરને કંઈ કરવાનું સૂઝે એ પહેલાંનો પલટવાર આ રહ્યો...

€ € €

‘જુલી બહુ ખૂબસૂરત છે... કપડાં વિના પણ.’

ઓમ ખંધું હસ્યો. દેવધરભાઈનું લોહી ધગી ગયું. જુલી સવારના પહોરમાં વિશાખાને લઈને મંદિરે ગઈ છે ત્યાં મને કાલો થવા આવેલા જુવાને કેવો રંગ બદલ્યો. આ જ તક છે દેવધર, જાણી લે કહેવાતા આત્મનની અસલિયત!

‘તેની સાથે પરણીને જલસા જ છે...’ ઓમે ઉશ્કેરણી વધારી, ‘મદભર્યું જોબન ને કરોડોની મિલકત...’ પછી ખંધું હસ્યો. ‘દીકરીની કન્યાવિદાય પછી બાપનો રસ્તો કરતાં કેટલી વાર!’

દેવધરભાઈની આંખો ઝીણી થઈ. ત્યાં ઓમે ખભે હાથ મૂક્યો, દબાવ્યો, ‘ચાણોદ યાદ છે?’

તીખી નજર, રહસ્યભરી મુસ્કુરાહટ, એક પ્રશ્ન. દેવધરની ભીતર ખળભળાટ સર્જા‍ઈ ગયો. બુદ્ધિ બહેર મારી ગઈ.

‘તમારી બેહદ કોશિશ છતાં હું મર્યો નહીં.’ ઓમના બોલમાં લુચ્ચાઈ ભળી. ‘હવે તમે જ ઝડપેલી દોલત પર તમારી દીકરીને પરણીને એશ કરીશ, કેમ કે પોલીસને મારો એક જ ફોન ને તમે સીધા ફાંસીએ!’

‘નહીં, નહીં!’ થથરાવતી કલ્પનાએ દેવધરભાઈની સૂઝ પણ હરી લીધી. આવેશમાં તેમણે ઓમનો કાંઠલો ઝાલ્યો. ‘બે ખૂન કરનારને ત્રીજી હત્યાની દરકાર ન હોય. તું ગમે તે હો, આત્મન તો નથી જ; કેમ કે તેને મેં મારા હાથે માર્યો‍ છે - હવે તને પ...ણ...’

તે થોથવાયા. આંખો ફાટી ગઈ. બીજી રૂમમાંથી દીકરી પોલીસ-ઇન્સ્પેક્ટર સાથે બહાર આવતી દેખાઈ : ટ્રૅપ!

તેમને તમ્મર આવ્યાં : ખલાસ. ઇટ્સ ઑલ ઓવર!

€ € €

‘બધી કુદરતની લીલા છે.’ વિશાખાએ ડાબે-જમણે ઊભેલાં

ઓમ-જુલીને બાથમાં લીધાં, પતિ-પુત્રની તસવીર પર નજર ટેકવી, ‘મારા આત્મનના ગુનેગારને ઝડપાવવા જ અર્ણવનો અંશ સાંવરીમાં રોપવાનો યોગ સર્જાયો હશે. સાંવરી મને કદી સૌતન નથી લાગી, તેનો દીકરો કેમ સાવકો લાગે? પાછો જ્યારે તે મારો આત્મન બનીને આવ્યો હોય!’

ઓમની પાંપણ ભીની થઈ.

દેવધરની ગિરફતારી સાથે આત્મનની હત્યા, ઓમની અસલિયત બધું ઉઘાડું થઈ ગયું. અર્ણવસિંહ, સાંવરી, આત્મન, વંદના - સ્વજનોના સુખદુ:ખની સંતાકૂકડી ક્યાં જાણવા પામ્યાં? આને જ જીવન કહેતા હશે!

જુલીને ફડક હતી કે જિંદગીભર દીકરાની રાહ જોતાં રહેલાં વિશાખામા એનો અંજામ બરદાસ્ત નહીં કરી શકે!

પણ તે જીરવી ગયાં. કહો કે ઓમે તેમને જાળવી લીધાં, ‘તમે દીકરા વિના રહ્યાં મા, એનાથી ક્યાંય વધુ વરસો હું મા વિના રહ્યો છું. પોતપોતાના દુ:ખને રોવાને બદલે આપણે એકબીજાને સુખી ન કરી શકીએ?’

આ તર્ક એવો જચ્યો કે માજી નરવાં થઈ ગયાં.

બીજી બાજુ પોતાને ફસાવવામાં દીકરી ખુદ સામેલ છે એ જાણીને દેવધર બઘવાયેલા, ‘જુલી તું?’

‘ગુનેગારની છાયામાંથી મારા પિતાને મુક્ત કરવા આટલું કર્યું છે પપ્પા. બાકીનું તમારા પર છે.’

ત્યારે દેવધરભાઈ સમક્ષ જુલીના સંદર્ભ ઊઘડ્યા. હાથકડીવાળા હાથ દીકરીના માથે મૂકીને એટલું જ બોલી શકાયું : ‘જીવતી રહે દીકરી!’

પછી દેવધરભાઈએ નિ:સંકોચપણે ગુનો કબૂલી લીધો, સજાની માગણી કરી અને કોર્ટરૂમમાં બેઠેલી જુલીને વરસો પછી એ શખ્સમાં પિતાનાં દર્શન થયાં!

‘કાયદો જે સજા કરે એ, મારા અંશસમી દીકરીની સજામાંથી હું

મુક્ત થયો એનો સંતોષ છે!’ કોર્ટમાંથી ફરી જેલમાં જતાં તેમણે જુલીને કહી ઓમને ભલામણ કરી હતી, ‘મારી જુલીને જાળવજો..’

‘જુલીએ જાત પર વેઠેલો જુલમ હવે સમજાય છે...’ એનો જ પડઘો પાડતા હોય એમ અત્યારે વિશાખામાએ પહેલ કરી ‘ઓમ, તેનો સાથ ન છોડીશ.’

જુલીનો હાથ તેમણે ઓમના

હાથમાં મૂક્યો. જુવાન હૈયાંની ઊર્મિ તેમનાથી અજાણી નહોતી. ફુઆની મિલકતની ચૅરિટી થવાની હતી. જુલીના નિર્ણયમાં ઓમનો ટેકો હતો. સંવેદનાઓથી સંધાયેલાં હૈયાંનું ઐક્ય પણ અતૂટ જ હોવાનું.

કંઈકેટલું સહ્યા પછી તેમને સુખનો સાથ સાંપડ્યો છે એ હવે શાfવત રહેવાનો.

(સમાપ્ત)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK