કથા-સપ્તાહ - અંશ (અંતરનાં સુખદુખ : 2)

‘આજે દેવદિવાળી.’અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |


પાંચ વરસથી ઉપરનાં બાળકોને પ્રાંગણમાં બેસાડીને ક્લાસ લેતા વિદ્યાધન જોઈ રહ્યા : ઝાંપો ખોલીને એક સ્ત્રી ભીતર આવી હતી. તેની નજર કેવી ફરી રહી છે - જાણે કશું ખોળતી હોય.

વિદ્યાધન સમજી ગયા કે જરૂર કોઈ દુખિયારી મા હોવી જોઈએ. સંજોગોની મારી મા સંતાનને અનાથાશ્રમમાં છોડે ખરી, પણ મમતા ત્યજી નથી શકતી એટલે અજાણી બની આમ આવી ચડી વહાલ વરસાવીને પાછી પોતાની દુનિયામાં જતી રહે... તેની નજર જ કહે છે કે તે તેના અંશને ખોળે છે!

‘બોલ બહેન...’ વિદ્યાધને સાદ પાડતાં સહેજ સંકોચભેર તે તેમની સમક્ષ આવી ઊભી, ‘પ્રણામ સાહેબ. આજે મારા દીકરાની પ્રથમ વર્ષગાંઠ છે. આશ્રમનાં બાળકો માટે ચૉકલેટ્સ લાવી છું.’

‘તો વહેંચી દો.’

‘હા, પણ...’ તે ખંચકાઈ. ‘તમારે ત્યાં વરસેક જેટલું કોઈ બાળક નથી? હોય તો બે જોડી કપડાં પણ લાવી છું.’

‘ભલે બહેન...’ વિદ્યાધન સમજી ગયા. વધુ પૂછપરછ કરીને બાઈની ધીરજ તાણવામાં ક્રૂરતા હતી.

‘શ્રીધરભાઈ...’ તેમણે કૅરટેકરને બૂમ પાડી, ‘બેનને આપણાં ટાબરિયાં દેખાડો તો...’

આટલું જ જોઈતું હોય એમ તે સ્ત્રી અંદર દોડી. તે સાંવરી હતી.

€ € €

‘સાહેબ, જરા જુઓ તો ખરા...’

થોડી વારે શ્રીધરના સાદે

વિદ્યાધને ડોક ઘુમાવી. હોઠ મરકી ગયા. બાઈ ઓમને તેડીને ઊભી હતી. પણ કેવો ઓમ?

નવાં કફની-પાયજામામાં વધુ સુંદર લાગતા ઓમના કપાળે તિલક પણ છે! પણ તેથી વધુ નોંધનીય સ્ત્રીના અસ્તિત્વમાં ફેલાયેલો હરખ છે!

તેમના ચિત્તમાં શબ્દ ફૂટ્યો : મા. પછી તો દર દેવદિવાળીએ તે સ્ત્રી દેખાતી.

‘બહેન, તું આવે એનો વાંધો નહીં...’ પાંચમા વરસે વિદ્યાધને કહેવું પડ્યું, ‘પણ ઓમ હવે સમજદાર થયો છે. પ્રશ્નો પૂછે છે.’

સાંવરી થથરી. સાહેબે મને-ઓમને કેવાં સાંકળી લીધાં! તેમનાથી પડદો ન હોય.

‘હું શું કરું સાહેબ...’ તેનાં અશ્રુ તગતગ્યાં. ‘આખું વરસ મને આ એક દિવસનો ઇન્તેજાર હોય છે. મમતાને એટલો પણ હક નહીં?’

‘મમતાને પિતાનો ટેકો હોય ત્યારે જ એને સમાજના હક મળતા હોય છે બહેન.’

‘સત્ય વિધાન.’ સાંવરીએ અશ્રુ લુછ્યાં, ‘પણ એથી ઓમના પિતા વિશે ગલત ન ધારશો... દેશના સૈનિકનો અંશ છે ઓમ, મારા પ્રણયની નિશાની છે. બસ, સ્વીકારના સંજોગો નથી એટલે ઓમ અહીં છે. તમારી નિશ્રાની મને નિરાંત છે અને તમે સાચું કહો છો, મારું આગમન ઓમમાં પ્રશ્નો જગાવે એ ઠીક નહીં.’

જતા પહેલાં તેણે ઓમને ચૂમીઓથી ભીંજવી દીધો. માતાનો એ અંતિમ સ્પર્શ હતો!

€ € €

ત્યાર પછીની ચાર દેવદિવાળી સુધી ઓમ માટે પાર્સલ આવતું રહ્યું. ઓમ તો એવું જ સમજતો કે બાબુજી (વિદ્યાધન) મારી વર્ષગાંઠ દેવદિવાળીએ ઊજવે છે અને તેઓ જ મને નવાં વસ્ત્રોની ભેટ આપે છે!

‘હવે ઓમ માટે ખરે જ આપણે ગિફ્ટ લાવવી પડશે શ્રીધર...’ દિવાળી પહેલાંના ચોમાસામાં એક સાંજે હળવો નિ:શ્વાસ નાખીને વિદ્યાધને કહ્યું, ‘જો છાપામાં અંદરના પાને ન્યુઝ છે : ટ્રકની ટક્કર લાગવાથી મજદૂર બાઈનું મૃત્યુ!

ઇન્સેટમાં છપાયેલી તસવીર ઓમની માની છે - સાંવરીની.’

અરેરેરે.

પોતાના આવા અંજામની કલ્પના ખુદ સાંવરીને નહીં હોય. દીકરાને ચિત્તોડના આશ્રમમાં મૂકીને તે દૂર જતી રહેલી. એક જ શહેરમાં રહેવાથી મમતા વશમાં રહે એમ નહોતું. મિલમાં નોકરી કરતી, વસ્તીના ઝૂંપડે રહેતી. એક સાંજે કામથી છૂટીને તે વસ્તીની ગલી પકડવા રસ્તો ઓળંગતી હતી કે પૂરપાટ આવતી ટ્રકની અડફેટ એવી લાગી કે સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું. અંત સમયે તેના હોઠ પર ઓમ હતો ને હૈયે અર્ણવ!

ત્યાર પછીની ઓમની દસમી વર્ષગાંઠ વિદ્યાધને તો જોકે રાબેતા મુજબના ઉમંગથી જ ઊજવી.

€ € €

‘ડરપોક!’ ગલીના છોકરા સળગતા તનકતારા લઈને આત્મનની પાછળ પડ્યા ને ફટાફડાથી ગભરાતો બર્થ-ડે બૉય ઝાંપામાં દાખલ થઈને દોડતો માની સોડમાં ભરાઈ ગયો.

‘તારાં લાડપ્યારે આત્મનને સાવ પોચટ બનાવી દીધો છે.’ તૈયાર થઈને રૂમમાંથી નીકળતા અર્ણવસિંહના વાક્યે તે સહેમી ઊઠી, અર્ણવસિંહે દીકરા પર ઉપહાસભરી નજર ફેંકી, ‘કોઈ કહે કે આ રિટાયર્ડ સૈનિકનો દીકરો છે?’

‘આમ કહી તમે તમારા લોહીનું અને મારા ચારિત્ર્યનું અપમાન કરો છો અર્ણવ.’

પત્નીના તેજે અર્ણવસિંહ કૂણો પડ્યો. છતાં વિશાખાની ખિન્નતા ઓસરી નહીં, ‘આપણે ગામ હતાં ત્યાં સુધી બધું બરાબર હતું. મુંબઈ આવ્યા ત્યારથી જાણે કમ્બખ્તી બેઠી છે.’

સાચે જ, આત્મનનો જન્મ થયો એનાં આ દસ વરસોમાં કેટલું બધું બદલાઈ ગયું! અર્ણવસિંહે વાગોYયું.

વિશાખામાં આદર્શ પત્નીના તમામ ગુણ હતા. બેઉ એકમેકને અપાર ચાહતાં. ત્યાં સુધી કે ફરજ દરમ્યાન પોતે સાંવરી જોડે શય્યાસુખ માણતો એય વિના સંકોચ અર્ણવસિંહ જણાવી શકતો અને વિશાખાને એનું માઠું પણ ન લાગતું, કેમ કે તે જાણતી કે અર્ણવના હૈયે તો એકમાત્ર હું જ હોવાની! દીકરાના આગમને પોતાને વધુ જવાબદાર બનાવ્યો હોય એમ અર્ણવને ફરજ દરમ્યાન પરસ્ત્રીગમનની ઇચ્છા જ ન થતી. ક્યારેક સાંવરીને સાંભરી લેતો, બસ.

એકના એક દીકરાને વિશાખા અછોવાનાં કરીને રાખતી. માની સોડ જેવી હૂંફ ક્યાંય મળતી નહીં ને આત્મન અસુરક્ષા મહેસૂસ કરતો. શેરીનું કૂતરુંય ભસે તો માના પાલવમાં છુપાઈ જાય. ગાયના શિંગડાની બીક લાગે. બહાર રમવા જાય તો રડતો જ પાછો આવે - પેલાએ મને માર્યું... વિશાખા દીકરાને છાવરે - તું ન રો, હું છુંને. તે તો છે જ ગુંડા જેવા, આપણે તેમના જેવું ન થવું!

આત્મનને સાંત્વન સાંપડતું. છુટ્ટીમાં આવતા અર્ણવને આનો અણસાર હતો, પણ એ સમયે બોલવા જેવું ન લાગતું. એક તો પોતે થોડા દિવસ માટે આવ્યો હોય ને આત્મન હજી તો નાનો. વળી દેખાવમાં સાવ મારા જેવો. નાનો હતો ત્યારે હું આવો જ દેખાતો, પણ હું તો ત્યારથી લડાકુ હતો - અર્ણવ પત્નીને કહેતો. વિશાખા હસતી - ત્યારે તો તે બહાદુર પણ તમારા જેવો થવાનો...

આત્મન પાંચેક વર્ષનો થયો કે નોકરીમાં રિટાયરમેન્ટ આવી ગયું. આર્મીની જૉબ આમેય ઓછી મુદતની હોય છે. પેન્શન શરૂ થઈ ગયેલું, પણ કશી પ્રવૃત્તિ પણ જોઈએને! જૂના કેટલાક સાહેબોની ઓળખાણ હતી. એમાંના એક એવા શ્રીવાસ્તવસાહેબે મુંબઈ આવી જવા કહ્યું : તને શોભે, ગમે એવું કામ છે. મોટું ફૅક્ટરી કૉમ્પ્લેક્સ ધરાવતા શેઠ બ્રિજનાથને ત્યાં સિક્યૉરિટી હેડની જગ્યા ખાલી પડી છે... ’ મુંબઈમાં સિક્યૉરિટી પ્રોવાઇડ કરતી ખાનગી એજન્સી ચલાવતા એક્સ-આર્મીમૅને ઉમેરેલું પણ, ‘આમ કંપનીની નોકરી અને રહેવાનું શેઠના જુહુ ખાતેના બંગલાના આઉટહાઉસમાં...’

ઑફર કસદાર હતી, કામ ગમે એવું હતું. અર્ણવસિંહ પત્ની-પુત્રને લઈને મુંબઈ શિફ્ટ થઈ ગયો.

પચાસેક વરસના શેઠજીનો કારોબાર મોટો હતો. બે પુત્રો લંડનમાં ભણતા હતા. શ્યામા શેઠાણી સમાજની અનેકવિધ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતાં. એકંદરે અહીં કોઈ અગવડ નહોતી. આઉટહાઉસ મોકળાશવાળું હતું. શેઠ-શેઠાણી પણ ઉદારદિલ હતાં. સવારે શેઠજી સાથે જ કારમાં જવા નીકળતો અર્ણવસિંહ રાતે તેમની સાથે જ પરત થાય...

અહીં અર્ણવસિંહે વિશાખાના બચાવકાર્યનો વાંધો ઉઠાવવા માંડ્યો : આમ ક્યાં સુધી આત્મનને છાવરતી રહીશ? મરદનો બચ્ચો થઈને ડરતો રહેશે એ કેમ ચાલે! કાલથી વહેલો ઊઠીને મારી સાથે કસરત કરવા માંડ!

જોકે પપ્પાના નિયમ પુત્રને ફાવ્યા નહીં ને માએ દરમ્યાનગીરી કરવી પડી : દીકરા પર જોરજુલમ ન કરો અર્ણવ, સ્કૂલમાં તે કસરત કરતો જ હોય છે...

આ એક મુદ્દે પતિ-પત્નીનાં મંતવ્યો એટલાં જુદાં પડતાં કે ધીરે-ધીરે તેમની વચ્ચે તૂતૂ-મૈંમૈં થવા માંડી. આત્મનનો જીવ દુભાતો. પપ્પાને હું નથી ગમતો? માન્યું હું બહાદુર નથી; પણ એથી માને તો ફરક નથી પડતો, પપ્પાને કેમ પડે છે?

‘હું તો તેને સમજાવું જ છું. તમેય તેને સમજાવો અર્ણવ કે તું બૉય છે; ભલે તું મોટો થઈને સૈનિક ન બને, પણ મોટા થઈને તારે દુનિયા સાથે બાખડવાનું છે માટે સ્ટ્રૉન્ગ બનવાનું છે. બાકી આમ તો એ તમારાથી છેટો જ રહેવાનો...’

વિશાખા કહેતી, અર્ણવસિંહ સમજતો; પણ ધીરજથી સમજાવવાનું તેના આર્મી નેચરને ફાવતું નહીં. હવે તો ક્યારેક એનો હાથ પર ઊપડી જાય છે આત્મન પર. પછી તે પસ્તાય પણ ખરો.

- આજે વરસગાંઠના દિવસે પણ પોતાના કારણે પપ્પા-મમ્મી વચ્ચે ટપાટપી થતી જોઈને આત્મને નક્કી કરી લીધું કે બહુ થયું, પપ્પાને મારું ડરપોક હોવું જચતું નથી, મારા કારણે માએ સાંભળવું પડે છે, બધા સાથે ઝઘડવું પડે છે - એના કરતાં હું મરી જ જાઉં તો!

ના, ના... મરી જાઉં તો-તો મમ્મી બહુ રડે. એના કરતાં ઘરેથી ભાગી જાઉં તો!

દસ વર્ષના છોકરાએ ઘરેથી નાસવાનું નક્કી કર્યું ત્યારે જાણ નહોતી કે પોતાનું મોત પોકારી રહ્યું છે!

આત્મને ઘર છોડવાની ચિઠ્ઠી લખી. એ જ વખતે બાજુના બંગલામાંથી તેની સખી જેવી જુલી આવી ચડી.

€ € €

‘આવ બેટા.’ જુલીને નિહાળીને વિશાખા હરખાઈ ઊઠી. અર્ણવસિંહે પણ મૂડ ઠીક કરીને તેના ગાલે ટપલી મારી, ‘હજી સ્કૂલ શરૂ નથી થઈ? વલસાડ ક્યારે જવાની?’

અર્ણવસિંહના માલિકશેઠ બ્રિજનાથના ઘરની જમણેનો બંગલો વિનય શાહનો હતો. વયમાં લગભગ અર્ણવસિંહ જેવડા વિનયભાઈનાં વાઇફ ચંદ્રાગૌરી વરસેક અગાઉ માંદગીમાં ઉકલી ગયાં. સંતાન હતું નહીં. એટલે આમ જુઓ તો કપડાંનો કારોબાર ધરાવતા વિનયભાઈ સંસારમાં એકલા રહ્યા.

જુલીના તે ફુઆ થાય. ચંદ્રાગૌરીનું પિયર વલસાડ. મોટી બહેનની અણધારી વિદાય પછી શૅરબજારનું કામકાજ સમેટીને જુલીના પિતા દેવધરભાઈ મોટા ભાગે બનેવીની સંભાળમાં મુંબઈ રહેતા. હમણાં દિવાળી વેકેશન હતું એટલે મમ્મી વંદનાબહેન સાથે જુલી પણ ફુઆને ત્યાં આવી હતી. ફોઈ હતાં ત્યારે તો તે માબાપ વિના એકલી પણ રહેતી. બાજુમાં આત્મન સાથે તેને ગોઠી ગયેલું. આખો દહાડો બેઉ ઘર-ઘર રમતાં હોય. નમણી, રૂપાળી જુલી સ્માર્ટ લાગતી. આત્મનને જુલી સરખી સખી છે એ અર્ણવસિંહને પણ ગમતીલી બીના હતી.

‘હું અને મમ્મી કાલે જઈએ છીએ અંકલ. ડૅડી ત્રણેક દિવસ પછી ફુઆ સાથે નીકળવાના છે - ફોઈની પુણ્યતિથિ આવે છે એટલે ચાણોદ જઈને વલસાડ આવશે.’ જુલીના જવાબમાં ભારોભાર ઠાવકાઈ હતી. પછી પૂછ્યું, ‘બર્થ-ડે બૉય ક્યાં?’

‘બૉય કે ગર્લ?’ અર્ણવસિંહ હસ્યો. વિશાખાનાં ભવાં તંગ થયાં.

‘શું અંકલ તમે પણ...’ છણકો જતાવી જુલી આત્મનને સાદ પાડતી અંદરની રૂમમાં ભાગી.

‘ખરે જ અર્ણવ, તમે ક્યારેક હદ કરો છો. આત્મન પ્રત્યે તમને જરાય માયા-મમતા નથી?’

અર્ણવસિંહે પત્નીના ખભે હાથ મૂક્યો, ‘આત્મનને મારા જેટલું તું ચાહી શકે વિશાખા અને તારા જેટલું હું. ફરક એટલો છે કે તું માની જગ્યાએ છે, હું પિતાની જગ્યાએ છું.’

‘આ બધું આત્મનને કેમ દેખાડતા, સમજાવતા નથી!’ અર્ણવસિંહની છાતીમાં હળવો મુક્કો વીંઝીને વિશાખાએ ફફડાટ જતાવ્યો, ‘ડરું છું અર્ણવ, આ બધાની આત્મનના મન પર શું અસર થતી હશે.’

‘સૌર સારાં વાનાં થશે. ક્યારેક તો આત્મનને મારો ઍન્ગલ સમજાશે. અત્યારે તો બર્થ-ડે બૉયને તેની ગર્લફ્રેન્ડ સાથેની પળો માણવા દે.’

બેઉ હસી પડ્યાં. એ સ્મિત, એ ધ્વનિ આત્મન સુધી પહોંચત તો તેને સમજાત કે સંસારમાં માબાપ વચ્ચે પણ મતભેદ સહજ છે એટલે પોતે ઘર છોડવા જેવું કદમ ઉઠાવવાની જરૂર નથી... પણ તે તો ઘર છોડવાની ચિઠ્ઠી લખી માથું ઢાળીને બેઠો છે.

‘ભઉ!’ જુલીએ પાછળથી અવાજ કર્યો‍ ને આત્મન ચીખી ઊઠ્યો. પણ પછી જુલીને ભાળીને તે ઝૂમી ઊઠ્યો.

‘આ શું છે?’ જુલીની નજર ચિઠ્ઠી પર ગઈ.

‘કંઈ નથી.’ આત્મને ઝડપથી એને કબાટમાં મૂકી. પછી વધુ સવાલ થાય એ પહેલાં વાસણનો સેટ કાઢ્યો, ‘ચાલ, ઘર-ઘર રમીએ.’

€ € €

‘તમારા આત્મનને કારણે ફોઈના ગયા બાદ પણ જુલીને મુંબઈમાં ગોઠે છે.’ બપોરના ભોજનટાણે દીકરીને તેડવા આવેલાં વંદનાબહેને વિશાખા સાથે વાત છેડી, ‘એ હિસાબે વિચારો કે એકલા પડેલા પુરુષને કેવું લાગતું હશે! હું તો કહું છું કે વિનયકુમારે પાછા પરણી જવું જોઈએ. હવે તો જોકે તેમણેય તૈયારી બતાવી છે. ચાણોદ ચંદ્રાબહેનનું સરાવીને આવે પછી પાત્ર જોવા તેઓ મુક્ત

ગણાય, ખરુંને?’

‘વિનયભાઈનું મન હોય તો તેમણે જરૂર ફરી પરણવું જોઈએ... જોકે નવી પરણેતર આવ્યા પછી તેનાં પિયરિયાં આવશે - તમારું આવવાનું ઓછું થઈ જશે...’ વિશાખાએ પોતાની કન્સર્ન જતાવી, ‘જુલી નહીં આવે એ આત્મનને નહીં ગમે. લઈ-દઈને તે એક જ તો મિત્ર છે તેની!’

ત્યારે ક્યાં ખબર હતી કે આખો પરિવાર બાજુના બંગલે શિફ્ટ થઈ જાય એવા સંજોગ ઘડાવાના છે!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK