કથા-સપ્તાહ - અંશ (અંતરનાં સુખદુખ : ૧)

આ...હ!

ansh

અન્ય ભાગ વાંચો

1  |  2  |


- સમીત (પૂર્વેશ) શ્રોફ

તે ચિત્કારી ઊઠી. એમાં જોકે પીડાથી વધુ આનંદ હતો, રાધર પીડાનો આનંદ હતો. ઘાટ-ઘાટનાં પાણી પી ચૂકેલી રૂપજીવિનીને ચિત્કાર કરાવી દે એવો મરદ તો કો’ક વીરલો જ હોય... અને મારા સિપાઈ બલમાની જવાંમર્દીનો તો દાખલો દેવાતો હોય છે!

પોતાના પર પૂરી બળકટતાથી છવાયેલા પ્રીતમની પીઠમાં નખ ખૂંપાડતી સાંવરીએ વાગોળ્યું:

રાજસ્થાનની સરહદે અમારું ગામ છે અને પહેરેદાર સૈનિકો અમારા ગ્રાહક!

દૂર-દૂર સુધી ફેલાયેલું રણ, માથે ધગધગતો તાપ અને સાત ભવના દુશ્મન જેવા પાકિસ્તાનને ઘૂસણખોરીમાં ફાવવા ન દેવા સતત રાખવી પડતી બાજનજર... સૈનિકની ડ્યુટી સહેલી નથી. એમાં મહિનાઓ ઘરથી, ઘરવાળીથી દૂર રહેવાનું.

બીજી બાજુ અમારે પણ રોજીરોટીનું ખાસ કોઈ સાધન નહીં. એટલે ક્યારથી ધારો પડ્યો એ તો કોણ જાણે; પણ રાત્રે ફરજ પર ન હોય એવા સૈનિકો ગામમાં લટાર મારે, અમે છોકરીઓ સજીધજીને ઘરના આંગણે ઊભી હોઈએ, જે ગમે તેનો હાથ પકડીને પુરુષ ઘરમાં લઈ જાય અને ક્ષુધા સંતોષી, ગાંધીછાપ નોટ મૂકીને જતો રહે એ શિરસ્તો દાયકાઓથી અમલી છે. મારી માએ પણ આ જ કરેલું, હું પણ એ જ કરી રહી છું. ગામમાં છૂટાંછવાયાં ૬૦થી ૭૦ ખોરડાં હશે... દરેક ઘરની આ કહાણી. રાત્રે ગામનો પુરુષવર્ગ ચોતરે ભેગો થઈને ચલમ ફૂંકતો રહે. ખાણી-પીણીની વ્યવસ્થા કરી આપી નિરાંતે ઘર કહો કે ઝૂંપડાની પાછળ ખાટલો ઢાળીને પોઢીયે જાય. કોઈ શરમ નહીં, સંકોચ નહીં. પ્રથા તરીકે અમે આ રીતરસમ નિભાવીએે છીએ.

સૈનિકો માટે તો આ સ્વર્ગસમી વ્યવસ્થા હતી. સમજો કે રોજ પંદરથી પચીસ સૈનિકોની ટોળકી ગામમાં ઊતરી આવતી. નામ, પદ, કદ-કાઠી બધું અલગ; પણ મકસદ એક : કાયાનો ભોગવટો. અલબત્ત, કદી આ રસ્તે ન આવનારા સૈનિકો પણ ખરા, પરંતુ એ તો અપવાદરૂપ. અર્ણવસિંહ પણ શરૂમાં કેટલું સંકોચાતો! વળી હળવું ચિત્કારતી સાંવરી વાગોળી રહી...

આખા કસબામાં મારા જેટલું રૂપાળું કોઈ નહીં એટલે સૌની પહેલી પસંદ હું જ હોઉં. અર્ણવને તેના સાથીઓએ મારા ખોરડે ધકેલ્યો હતો : અમારા

આ બંધુને તું જ વટલાવી શકે એમ છે સાંવરી!

મારા માટે તો એ મારો ધર્મ હતો. અર્ણવનો હાથ પકડીને હું ભીતર લઈ ગઈ, ઢોલિયે બેસાડ્યા. મા દારૂ-મુર્ગી મૂકી ગઈ.

‘જુઓ, હું પરણેલો છું...’ શર્ટનાં બટન ખોલવા લાગી કે તેણે કહેલું, ‘મારી પત્ની વિશાખાને પ્રેમ કરું છું.’

મારાથી હસી જવાયેલું, ‘માની લો કે તમે અહીં છો ત્યાં સુધી દરેક ઘરે તમારી વિશાખા છે...’

હસીને મેં આંખોમાં આંખો પરોવી, હોઠ પર હોઠ મૂક્યા... પુરુષ હરકતમાં આવ્યો અને ઓહ... જાણે એક હિમાલય ઊઘડ્યો, વાવાઝોડું ત્રાટક્યું, જ્વાળામુખી ફાટ્યો.

બાવીસીની થતાં સુધીમાં મેં ભાતભાતના પુરુષો જોયા-માણ્યા હતા, પણ અર્ણવ એ તમામથી ક્યાંય નિરાળો હતો. અત્યંત સોહામણા જુવાનનો ઉઘાડ પણ આકર્ષક એટલો જ હંફાવી દેનારો હતો. તેની ખડતલ કાયાનું જોશ તહસનહસ કરી મૂકનારું હતું.

સંકોચ છૂટ્યા પછી અર્ણવ પણ નિયમિતપણે ગામમાં આવતો થયો. શરીરની ભૂખને પત્નીના પ્રેમ સાથે સંબંધ નથી એવું સમજાયું હશે, પણ તેને ભાળીને બીજી છોકરીઓને ફાળ પડતી : અર્ણવનો એક વારનો અનુભવ તોબા પોકારાવનારો હતો. તેં એને ઝેલ્યો કેમનો!

‘હું તો આજેય એને ઝેલવા તૈયાર છું...’ હું નફ્ફટની જેમ કહેતી. અર્ણવ દેખાય તો સામેથી તેનો હાથ ઝાલી ઝૂંપડે દોરતી.

‘મારું કષ્ટ તું જ સહી શકે છે...’ ધીરે-ધીરે અર્ણવને પણ ખ્યાલ આવ્યો.

‘કેમ કે હું તમારી વિશાખા છું.’

અમારી નજરો એક થતી, પત્નીના નામે તેની આંખોમાં પ્રીતનો મહાસાગર છલકાતો. હું એ પૂરમાં તણાવા લાગી. જાણવા છતાં કે એ પ્યાર મારા માટે નહોતો. થકવી નાખતી કામક્રીડાના સુખનું સરનામું ભલે હું હોઉં, એની માલિકી વિશાખાની હતી.

અને છતાં... છતાં હું હૈયું હારી.

અર્ણવસિંહ કંઈ ઊંચી પાયરીનો અધિકારી નહોતો. આર્થિક સ્થિતિ સાધારણ અને છતાં કંઈક હતું તેનામાં... અદ્ભુત શરીરથી વિશેષ.

પ્યારભર્યું હૈયું. અન્ય સાથે સૂઈને પણ તે વિશાખાને બેવફા નહોતો. મારી સાથે હોય ત્યારે પણ તે વિશાખામય વધુ હોય. કદી ન જોયેલી સ્ત્રી મને બડભાગી લાગતી. હું અર્ણવ-વિશાખાની જોડીની સલામતીની પ્રાર્થના કરતી. આ ઘેલાપણું પ્યાર નહીં તો બીજું શું!

અર્ણવ છુટ્ટીઓમાં ગુજરાતના વતન જતા ને મારી રાત્રિ વેરણ બની જતી. ના, વિશાખા સુખની હેલીમાં નહાઈ રહી હશેની ઈર્ષા કે જલન નહોતી. પિયુની ચિરપ્રતીક્ષા રહેતી, બસ. ગ્રાહક આવતો, કામ પતાવીને નીકળતો; હું પૂતળા જેવી રહેતી.

‘મઝા નહીં આયા...’ કોઈ વળી માને ફરિયાદ કરતું.

તેના ગયા બાદ મને ઝંઝોડતી માને હું સંભળાવી દેતી, ‘હું અર્ણવની પૂજારણ છું મા, બીજા કોઈ માટે મને ઊર્મિ નહીં પ્રગટે. ’

મા હસેલી, ખડખડાટ. ‘ઘેલી ન બન સાંવરી. અર્ણવ તારા માટે જે કંઈ હોય, અર્ણવ માટે તું શું છે?’

‘વિશાખા, તેની પત્ની.’

ઊંડાણથી આવેલો જવાબ માને હેબતાવી ગયેલો. કમાઉ દીકરી પર જોર-જબરદસ્તી થવાની નહોતી.

ધીરે-ધીરે સ્વીકારી લેવાયું કે હું અર્ણવ સિવાય કોઈ સાથે નહીં સૂઉં. વસ્તીમાં આનો વ્યંગ થતો, સૈનિકો ભદ્દી મશ્કરી માંડતા. મને કોઈ ફરક નહોતો પડતો. અર્ણવ મૂંઝાતો, ‘આવું કેમ?’ સંકોચાતો, ‘મારાથી વધુ રૂપિયા નહીં દેવાય.’

રે મારા ભોળા દેવ! હું તેની વાળની લટ સમારતી, ‘મને રૂપિયા જોઈતા પણ નથી... અર્ણવ, સ્ત્રીના હૃદયને તમે પુરુષો ક્યારેય સમજી નહીં શકો.’

‘સાચું કહ્યું તેં...’ તે ક્યાંક ખોવાતો, ‘મારી વિશાખાનું હૃદય પણ કેવું વિશાળ. જાણે છે, હું અહીં આવું છું એની તેને જાણ છે. પત્નીથી શું છુપાવવું! - તોય તેને ફરિયાદ નથી...’

ફરિયાદ તો મને પણ ક્યાં છે! આવું કહેવાને બદલે હું અર્ણવ માટે સ્વર્ગ રચી દેતી. અર્ણવ સાથેની પહેલી રાત્રિને આજે તો બે વરસ થવાના, પણ જરાય જો એનું આકર્ષણ ઘટ્યું હોય!

અત્યારે પણ પિયુના તાલમાં તાલ મિલાવતી સાંવરી સ્પર્શસુખની પરકાષ્ઠા માણી રહી.

€ € €

‘હવે ખબર નહીં આપણો મેળાપ કેટલો ટકશે!’ વહેલી સવારે વસ્ત્રો પહેરતા અર્ણવસિંહે કહ્યું, ‘થોડા વખતમાં બદલીના ઑર્ડર આવશે એવું લાગે છે.’

હેં. અર્ણવસિંહ નીકળી ગયો ને સાંવરી પલંગની ધાર આગળ ફસડાઈ પડી.

€ € €

‘હં! ક્યારેક તો આ દિવસ આવવાનો જ હતો મારી લાડો...’

અઠવાડિયા પછીની એક બપોરે રોટલા ટીપતી લાજો દીકરીને સંભળાવી રહી છે. ‘સરહદના સિપાઈડા તો પરદેશી પંખી જેવા. મોસમ વીતે કે

ઊડી જાય. અર્ણવસિંહ પણ જશે. ક્યાંક તેને કોઈ બીજી સાંવરી સાંપડશે. તને કોઈ બીજો...’

‘નહીં મા...’ સાંવરી તાડૂકી,

‘મારા અર્ણવની જગ્યા બીજું કોઈ લઈ નહીં શકે.’

ત્યાં નજર ખુલ્લા દરવાજામાંથી બહાર ગઈ ને વ૨દીમાં થનગનાટભેર આવતા સૈનિકને ભાળીને સાંવરી આંગણામાં દોડી ગઈ, ‘અર્ણવસિંહ તમે! આ સમયે!’

‘હા સાંવરી. ખુશખબર છે.’ તેણે મીઠાઈનું બૉક્સ ધર્યું, ‘ઘરેથી સમાચાર છે કે વિશાખા મા બનવાની.’

સાંવરીએ પોતાના પેટમાં ફરફરાટ અનુભવ્યો.

‘અને બીજા ન્યુઝ એ કે મારી ટ્રાન્સફરનો ઑર્ડર આવી ગયો... રાજસ્થાનના રણમાંથી કચ્છની સરહદે.’

સાંવરીની પાંપણે બુંદ જામી.

‘આજે જ નીકળવાનું છે સાંવરી.’ તેણે હળવેથી એ બૂંદ લૂછી, ‘સૈનિકને હસીને વિદાય અપાય. મારી વિશાખા આવું જ કરે.’

સાંવરીએ ફટાફટ અશ્રુ લૂછી નાખ્યાં. સ્મિત ફરકાવ્યું, ‘સિધાવો’

પળવાર તેને નિહાળીને અર્ણવસિંહે ચાલવા માંડ્યું. ઝાંપે રોકાયો, ઊલટો ફર્યો‍, ‘પિતા બનવાના ખબર સૌપ્રથમ મેં તારી સાથે વહેંચ્યા છે સાંવરી.’

આટલું તો મારા માટે ઘણું, મારા દેવ!

અર્ણવસિંહ ગયો. તેનાં જતાં પગલાની છાપને સાંવરી અનિમેષ નેત્રે નિહાળી રહી. ત્યાં જોરથી હવા આવી અને પગલાંની છાપને ઉડાવી ગઈ. હવે કોઈ નિશાન ન રહ્યાં... ફરી અર્ણવસિંહ ક્યારેય નહીં આવે. આ જિંદગીમાં હું કદી તેમનું મોં જોવા નહીં પામું!

અલવિદા અર્ણવ! પિયુનાં ચરણોને સ્પર્શેલી ધૂળ સાંવરીએ માથે ચડાવી એવો જ ઊલટીનો ઊબકો આવ્યો.

ફાટી આંખે લાજો વાડામાં દોડી જઈને ઊલટી કરતી દીકરીને નિહાળી રહી.

€ € €

‘છોકરી મા બનવાની છે...’ સાંજે લાજોએ પતિ સાથે કાનાફૂસી કરી, ‘ધનુભા પાસેથી ઓસડિયાં લઈ આવો તો આજે રાતે જ તેનો ભાર હળવો

કરી દઈએ.’

ઘરડો ધનુભા ગામનો વૈદ ગણાતો. ખાસ કરીને છોકરી વણજોઈતી ગર્ભવતી થાય ત્યારે તેનાં પડીકાં બહુ કામનાં નીવડતાં.

લાજો તેની યોજનામાં સફળ થઈ પણ હોત, પરંતુ તેની જાણબહાર તેમની ગુફ્તેગો સાંભળી ગયેલી સાંવરીએ મોકો જ ન આપ્યો.

બાપ ધનજીને ત્યાંથી પડીકી લાવ્યો ત્યારે સાંવરી ઘરમાં જ નહીં, ગામમાં પણ નહોતી!

€ € €

નવ મહિના પછી...

‘વધાઈ હો...’ અર્ણવે પ્રસૂતિના થાકથી નિચોવાઈ ગયેલી પત્નીને ખબર આપ્યા, ‘દીકરો અવતર્યો...’

લગભગ એ જ સમયે ચિત્તોડના સરકારી દવાખાનામાં સાંવરીએ પણ દીકરાને જન્મ આપ્યો.

૧૯૮૭ની દેવદિવાળીની સવારે જુદા-જુદા સ્થળે જન્મેલા એક જ પિતાના અંશ જેવાં બે બાળકોનાં મુખ, રંગરૂપ, કદકાઠીમાં જોડિયા ભાઈઓ જેવી સમાનતા હતી; પણ તકદીરમાં શું લખ્યું હતું એની કોને ખબર હતી?

€ € €

આઠ મહિનાના સંતાનનું મુખ સાંવરીએ વહાલથી ચૂમ્યું : મારા કાળજાના કટકા, આજે હું તને મારાથી હંમેશ માટે દૂર કરી રહી છું... તને મારી બદનામીનું કલંક ન ચોંટે એ માટે જુદાઈનો વિષ-ઘૂંટ હું પી રહી છું!

સાંવરીની પાંપણ ભીની થઈ.

અર્ણવસિંહનો અંશ મારામાં રોપાયો છે એની જાણ તેમના ગયા બાદ થઈ, પણ મા એ નિશાનીને મિટાવે એ પહેલાં ચેતેલી હું ભાગી.

ના, અર્ણવ પાસે જઈને તેમના સુખી સંસારમાં આગ ચાંપવા જેવું કરવું નહોતું. અરે, તેમને હું ગર્ભવતી હોવાના ખબર પણ દેવાનું મને મંજૂર નહોતું. દેવતાના વરદાનનો ઢંઢેરો ન હોય, એને તો નતમસ્તક થઈ સ્વીકારવાનું હોય. ગામથી નીકળેલી હું ચિત્તોડમાં થાળે પડી. ઠામવાસણની મજૂરી કરીને ગર્ભમાં શિશુને ઉછેર્યું, સરકારી દવાખાનામાં પ્રસૂતિ થઈ. માના દૂધની જરૂર હતી ત્યાં સુધી મેં મારા બાળને પોષ્યો પણ હવે...

હૉસ્પિટલમાં નર્સે બાળકના પિતાનું નામ પૂછ્યું ત્યારે પહેલી વાર ધક્કો જેવો લાગેલો. હું અર્ણવનું નામ દઈ પણ દઉં તો એનો પુરાવો શું? કાલે ઊઠીને મારો દીકરો પૂછશે કે અર્ણવ કોણ છે? ક્યાં છે? તો મારે શું જવાબ આપવા! તે ખુદને નાજાયઝ માનવા માંડે એ કેમ બરદાસ્ત થશે? કહેવાથી એ ગામની રૂઢિ સ્વીકારી શકશે? મારી પ્રીત સમજી શકશે? ક્યાંક તે અર્ણવસિંહને મળવા દોડી ગયો તો...

આવો દરેક અનર્થ ટાળવાનો એક જ ઉપાય સૂઝ્યો છે મને : મારા લાલને અનાથાશ્રમમાં મૂકી દેવો! પોતાનાં માબાપ નથી એ હકીકત અહીં પણ તેને કોરી ખાશે, મૂળ કુળની અજ્ઞાનતા અહીં પણ તેને પજવશે; પણ એનું આયુષ્ય લાંબું નહીં હોય. આશ્રમનાં બીજાં તમામ બાળકોને આ દુ:ખ છે જાણીને હૈયે વેદનાનો ભાર નહીં રહે... તારા જ સુખ ખાતર તને છોડી રહી છું મારા બાળ; તને નામનીયે ઓળખ આપ્યા વિના, કોઈ નિશાની દીધા વિના!

અને ઊગતા પ્રભાતમાં દીકરાને ગમતી લતાની લોરી ગાતા, ધ્રૂજતા હાથે તેણે દીકરાને આશ્રમના પ્રાંગણમાં મૂકેલા ઘોડિયામાં મૂક્યો, બાજુમાં રહેતો બેલ રણકાવ્યો અને ધ્રુસકું દબાવતી દોડી ગઈ... બીજી પળે બાળકના રુદનથી આશ્રમનું વાતાવરણ ખળભળી ઊઠ્યું.

€ € €

‘વધુ એક બાળક!’ રડતા શિશુનો હવાલો લેતાં વિદ્યાધને હરખ જતાવ્યો, ‘આશ્રમની વસ્તી વધી રહી છે, જેવી મારા હરિની મરજી!’

ચિત્તોડના રાજપરિવારની સખાવતથી સ્થપાયેલા અને ચાલતા આશ્રમના મુખ્ય કર્તાહર્તા આધેડ વયના વિદ્યાધન હતા. એકલપંડા આદમીનું જીવનધન જ બાળકોમાં સંસ્કાર સિંચનનું હતું.

સાંવરી દ્વારા ત્યજાયેલો બાળ પણ બહુ જલદી તેમનો હેવાયો થઈ ગયો. નામ મળ્યું : ઓમ!

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK