કથા-સપ્તાહ – નાગિન (શ્વાસ-વિશ્વાસ – 1)

‘કહી દે તેમને કે અમારું હનીમૂન સાત જન્મો સુધી ચાલવાનું છે!’ આશ્રય કહે ને હું તેમને વેલની જેમ વીંટળાઈ જાઉં... કેમ કે આ કેવળ શબ્દો ન હોય, હનીમૂનનો અર્થ શારીરિક ક્રીડા પૂરતો સીમિત ન હોય... અર્થાવલિથી પરેહ એવો પ્રણય હોય, સમજણની સુવાસ હોય, સમર્પણનો નાદ હોય... આવા પિયુ પર કોણ ઓળઘોળ ન થાય!


NAGIN

અન્ય ભાગ વાંચો

                                       1  |  2


સમીત (પૂર્વેશ) શ્રોફ

યે ઝિંદગી ઉસી કી હૈ...
દૂર ક્યાંક ગૂંજતા લતાના અવિસ્મરણીય ગીતે તે આંખો મીંચી ગઈ. એક તો પોતે પ્રણયમાં ગળાડૂબ હતી. એમાં વ્યક્તિત્વને મધુરતાથી છલકાવી દેતું આ ગીત!

આમ તો અમારાં અરેન્જ્ડ મૅરેજને આઠ મહિના થવાના, પણ લોકોને લાગે છે જાણે હજીયે અમે હનીમૂન પીરિયડમાંથી બહાર નથી આવ્યાં!

‘કહી દે તેમને કે અમારું હનીમૂન સાત જન્મો સુધી ચાલવાનું છે!’ આશ્રય કહે ને હું તેમને વેલની જેમ વીંટળાઈ જાઉં... કેમ કે આ કેવળ શબ્દો ન હોય, હનીમૂનનો અર્થ શારીરિક ક્રીડા પૂરતો સીમિત ન હોય... અર્થાવલિથી પરેહ એવો પ્રણય હોય, સમજણની સુવાસ હોય, સમર્પણનો નાદ હોય... આવા પિયુ પર કોણ ઓળઘોળ ન થાય!

લગ્નના ત્રણેક મહિના અગાઉ આશ્રયનું કહેણ આવ્યું ત્યારે ઘરના બહુ ઉત્સાહી નહોતા... નિરાલીએ વાગોળ્યુ. બે સંતાનમાં મોટા દીકરા ધર્મિષ્ઠનાં લગ્ન લીધાંના ત્રીજા વરસે તેનાથી નાની નિરાલી ભણી રહી એટલે સૂર્યકાંતાબહેને મુરતિયા ખોળવા માંડેલા. પિતા દામોદરભાઈ એલઆઈસીમાં બ્રાન્ચ મેનેજર, ભાઈની મલ્ટિનૅશનલમાં જૉબ એટલે આર્થિક સ્થિતિ સધ્ધર. ગ્રાન્ટ રોડના ઘરમાં વહાલનીયે ઊણપ નહોતી.

નણંદ-ભોજાઈને પણ સારું બનતું. એમ તો સૂર્યકાંતાબહેન પણ સૂઝવાળાં. તે પોતે નડિયાદનાં, દામોદરભાઈનું વતન મહેમદાબાદ એટલે વહુ ઉષ્મા આણંદની પસંદ કરી. જોકે દીકરીને એટલે દૂર મોકલવાનો વિચાર નહોતો. છોકરો મુંબઈનો હોય ત્યાં સુધી બહેતર, છોકરી નજર સામે તો રહે!

એ હિસાબે તેમણે મુંબઈના મૅરેજ-બ્યુરોમાં નામ નોંધાવ્યું એમ પિયર-સાસરીનાં સગાંમાં પણ કહી વળેલાં : મારી નિરાલી માટે લાયક પાત્ર હોય તો કહેજો. ખબરદાર એવાં કે ગામ બાજુ સોશ્યલ ફંક્શન નીકળે તો નિરાલીને લઈને જતાં, જેથી ગુણવંતી દીકરી લોકોના ધ્યાનમાં આવે!

એ બાજુથી પ્રસ્તાવ આવતા રહેતા, પણ મોટા ભાગના તો તેઓ જ રિજેક્ટ કરી દેતા. મુરતિયો ઠીકઠાક જણાય તો નિરાલી સુધી વાત મૂકતાં પહેલાં સઘળી જાંચ-પડતાલ કરાવી લે. એમાં વાંધાજનક જણાય તો તેમને ઇનકાર ફરમાવી દે. તેમની ચાળણીમાંથી પસાર થતો છોકરો જ નિરાલી સુધી પહોંચે...

રૂપાળી, યૌવનસભર નિરાલી ઘરકામમાં કેળવાયેલી એટલી સ્માર્ટ, બુદ્ધિશાળી પણ ખરી. છોકરો મુંબઈનો જ જોઈએ, સ્વતંત્ર હોવો જોઈએ, ફલાણી રકમનું પૅકેજ રળતો હોવો જોઈએ એવી કોઈ જ અપેક્ષા તેને નહીં. કેવળ એટલું જ તે જોતી કે જુવાન પાણીદાર હોવો જોઈએ, દામ્પત્યનાં મૂલ્યોમાં તેને વિશ્વાસ હોવો ઘટે...

બે-ચાર છોકરા તેણે જોયા, પણ વાત જામી નહીં. એમાં આવ્યો આશ્રયનો પ્રસ્તાવ.‘તારા નરેન્દ્ર ફુઆએ ખેડાથી વધુ એક કહેણ મોકલ્યું છે. આમ તો બધું બરાબર, પણ છોકરો નોકરીઅર્થે મુંબઈમાં એકલો રહે છે ને માબાપ ગામડે. મને એ થોડું રિસ્કી લાગે છે. માબાપ જોડે હોય તો જરા ચોંપ રહે.’ સૂર્યકાંતાબહેન.પણ પછી ફુઆ પાસેથી છોકરાનાં એટલાં વખાણ સાંભળ્યા કે મીટિંગ કરવા પૂરતું મન મનાવ્યું અને આશ્રયને જોયા-મળ્યા પછી નાની હા થતાં સમય નહોતો લાગ્યો!

આશ્રય-નિરાલી તો એકમેકને ગમ્યાં જ, આશ્રયના પેરન્ટ્સને પણ છોકરી ગમી ગઈ : આવી રૂપાળી-સંસ્કારી કન્યા તો ગામડેય હવે જોવા નથી મળતી!

વેવિશાળથી લગ્ન સુધીનો ગાળો ઝાઝો નહોતો. છતાં બે-ત્રણ વાર સાસરીના વઘઈ ગામે જઈને તેણે નવનીતભાઈ-માયાબહેનનાં મન જીતી લીધેલાં. વઘઈ રળિયામણું ગામ લાગ્યું. ચારે તરફ હરિયાળી, પાકા રસ્તા. પાદરે આવેલું વિશાળ સુખસાગર તળાવ ઊંડું છે અને એના કાંઠે આવેલા શિવમંદિરના પરિસરમાં બેસો તો ચિત્ત પ્રસન્ન થયા વિના ન રહે. મુખ્યત્વે ખેતી ૫ર નભતી સાત-આઠ હજારની વસ્તી ઠીક-ઠીક સધ્ધર ગણાય. આશ્રયના વડવાઓની પણ થોડીઘણી જમીન ખરી. ખેતર સંભાળતા fવશુરજી ભગવાનનું માણસ. લાંબું-પહોળું ઘર સાધન-સગવડભર્યું હતું. નિરાલી જાય ત્યારે માયાબહેન અડધાં-અડધાં થઈ જતાં. મંદિરે આવતાં-જતાં જે મળે તેને હરખભેર ઓળખાણ આપતાં - આ મારી વહુ નિરાલી! સામી વ્યક્તિ વયસ્ક હોય તો નિરાલી આશિષ લેવા ઝૂકી જતી. વહુના ગુણે સાસુમા પોરસાઈ ઊઠતાં.

‘આશ્રય મુંબઈમાં એકલો રહે એની બહુ ચિંતા રહેતી મને. હવે નિરાંત. તું છેને તેને જાળવનારી.’

મનમેળના આવા વાતાવરણ વચ્ચે લગ્ન મુંબઈમાં થયાં, જાન વિદાય લઈને વઘઈ પહોંચી. વરઘોડિયાને હરખભેર આવકારતાં માયાબહેને દીકરા-વહુની નજર ઉતારી. મલ્ટિનૅશનલમાં કામ કરતો આંકડાશાસ્ત્રી મેડી પર જાણે કવિ બની ગયો. આશ્રયની વાણીમાં, તેના સ્પર્શમાં નિરાલી ખોવાતી ગઈ, ઓગળતી ગઈ... સોળે કળાએ ખીલેલા સંવનનનું ઐક્ય અનેરું હતું, અનન્ય હતું.

‘તમે ગમે એ કહો, વહુનું પગલું સારું ન નીકળ્યુ.’
બીજી સવારે માના આદેશથી પતિ-પત્ની હવેલીએ દર્શન કરીને ઘરે આવ્યાં ત્યારે ગામનાં ચાર-છ બૈ૨ાનેણે ખાટલો ઢાળીને મા જોડે બેઠાં ભાળ્યાગેવાન જેવાં શકુંતલાબહેન મોટા અવાજે કહેતાં સંભળાયાં.

શકુંતલા શેઠાણી એટલે ગામના સૌથી મોટા જમીનદાર ભદ્રનાથનાં વિધવા. વયમાં લગભગ માયામા જેવડાં જ, પચાસ-પંચાવનનાં હશે. આશ્રયથી વરસેક મોટો એકનો એક દીકરો અંશ બધાં લક્ષણે પૂરો એટલે હજીયે કુંવારો છે. જોકે શહેરમાં તેણે એક બાઈ રાખી હોવાની કાનાફૂસી થતી હોય છે. દીકરાની એબ સામે સિફતથી આંખ આડા કાન કરી રાખતાં શકુંતલાબહેન ઠકરાણાનો રુઆબ ભોગવતાં. ખેતીવાડી પર તેમની બાજનજર રહેતી. હિસાબમાં ખબરદાર. ગામની સૌથી સ્થિતિપાત્ર વ્યક્તિ એટલે સ્વાભાવિકપણે તેમના બોલનું વજન પડે. ગઈ કાલે ગામ આખું નવી વહુને ગુણવંતી કહેતું હતું ત્યારે શકુ શેઠાણીનો સ્વર જુદો જ પડેલો - એ તો નીવડ્યે વખાણ!

- તે અમારે ત્યાં આ કેવી પંચાયત લઈને બેઠાં!
‘ગઈ કાલે તમારી વહુએ ગામમાં પગ મૂક્યો ને સવારે બાજુના મહોલ્લામાં મૈયત પડી. આપણે તો હજી સુધરેલા ગણાઈએ, પણ ગામના ઘરડાઓએ તો લખી વાળ્યુ વહુ બૂંદિયાળ નીકળી, નાગણની જેમ ઘેલી ડોશીને ડંખી ગઈ! નિરાલી અને નાગણ - રાશિમેળ પણ કેવો બેસે છે!’

ધારણા બહારનું સાંભળીને નિરાલી સ્તબ્ધ હતી, આશ્રય સમસમી ગયો. શકુ શેઠાણીના વંઠેલ છોકરાને કોઈ કન્યા દેતું નથી એટલે ગામની વહુમાં ખોટ કાઢવાની?

‘શકુમાસી...’ આવેશથી કંઈક બોલવા જતા આશ્રયનો હાથ પકડીને નિરાલીએ વાર્યો. તેને આંખોથી ધરપત પાઠવીને આશ્રય આંગણામાં આવ્યો, ‘હવેલીથી આવતાં મેં પણ ઘેલી ડોશી વિશે જાણ્યું... બિચારાં અઢી વરસથી ખાટલામાં રિબાતાં હતાં. નિરાલીના પગલે તો તેમને મોક્ષ મYયો. લીલી વાડી મૂકી ગયાં છે ઘેલીબા. તેમની તો વાજતેગાજતે સ્મશાનયાત્રા નીકળવાની. એ હિસાબે નિરાલી નાગણ નહીં પણ નૂરની બૂંદ કહેવાય - કહો, આ રાશિમેળ કેવો રહ્યો?’

‘રાશિમેળનું તો ખબર નહીં દીકરા...’ જમાનાનાં ખાધેલ જાજરમાન શકુ શેઠાણી ગાંજ્યાં જાય એમ નહોતાં, ‘પણ તારો વહુ સાથેનો મેળ દેખાઈ આવ્યો. સંભાળજે માયા.’

‘શકુ શેઠાણી, પહેલાં તો તમે તમારું ઘર સંભાળો. કુટેવે ચડેલા અંશની ફિકર કરો.’
શકુ શેઠાણી સમસમી ગયાં. અંશનાં અપલક્ષણો વિશે પીઠ પાછળ કૂથલી થતી હોય, પણ આમ બેધડક મને સંભળાવનારો આશ્રય પહેલો નીકળ્યો! તેની આ ઝુર્રત? શકુ શેઠાણી તીખી નજરોથી આશ્રયને જાણે માપી રહ્યાં, ‘મારા અંશની ફિકર તારે કરવાની જરૂર નથી...’ પછી માયાબહેન તરફ ફર્યા, ‘એને બદલે તારો વહુઘેલો દીકરો બુઢાપો ન રઝળાવે એની ખબરદારી રાખજે માયા!’ કહેતાં તે ઊભાં થયાં. તેમના ઇશારે બીજાં બૈરાંય તેમને અનુસર્યા બારસાખે ઊભેલી વહુરાણી તરફ જોઈ ન સમજાય એવું મલકીને શકુબહેન નીકળ્યા. પાછળ બાકીનો સંઘ.
‘આ શું છે મા?’ તેમના જતાં આશ્રયનો આવેશ ઊછળ્યો, ‘કાલે હજી આંગણે ડોલી ઊતરી ને આજે બૈરાંઓને તેં આમ બોલવા જ કેમ દીધાં?’

‘આશ્રય, પ્લીઝ. આવેલા સૌ ન્યાતીલા હતા અને હવેલી નજીક રહેતાં શકુ શેઠાણીનો મોભો હુંય જાણું છું...’ શકુબહેનની નજરની અસર ખંખેરી દોડી આવી નિરાલીએ આશ્રયનો ખભો દબાવી આવેશને અંકુશમાં રાખવા સૂચવ્યું, ‘એ બધા સામેથી આવે તો કેમ ઇનકાર થાય! અને શકુબહેન બે શબ્દ બોલ્યાં એનો મમ્મી જવાબ વાળે એ પહેલાં તમે કૂદી પડ્યા...’

‘જોયું, તારા કરતાં મારી વહુ સમજદાર છે.’ માયાબહેનના સ્વરમાં હળવો ઠપકો વર્તાણો. ‘હું રસોઈમાં પરોવાઈ હતી ત્યાં ગામનું મહિલામંડળ આવી ચડ્યું. પહેલાં તો મને થયું કે લગ્ન સુખરૂપ પત્યાનો હરખ જતાવવા આવ્યા હશે...’

‘શકુ શેઠાણી એટલી ઓળઘોળ થાય એવી નથી...’ ‘જો પાછો.’ સહેજ હાંફી ગયાં માયાબહેન, ‘લગનના હરખને બદલે ઘેલી ડોશીના ખરખરાથી તેમણે શરૂઆત માંડતાં હુંય હચમચી ઊઠી હતી. શકુ વહુને બદનામ કરવા આવી એ સુપેરે સમજાણું. આજે તેનો માનમરતબો ભૂલીને એવું કંઈક સંભળાવી દેત કે ફરી આપણા આંગણે આવવાનું ભૂલી જાત, પણ ત્યાં તમે આવી ચડ્યા ને તું વરસીયે પડ્યો! બાકી કોઈ મારી વહુ વિશે એલફેલ બોલે એ હું સાંખી લઉં એમ નથી.’ તેમના રણકામાં સચ્ચાઈની દૃઢતા હતી, ‘અને એમ કોઈના કહેવાથી નિરાલી નાગણ બની જવાની હતી! પણ હું બોલું ને તું બોલે એમાં ફરક પડે દીકરા. આમેય તું ગામમાં સુધારાવાદી પ્રવૃત્તિઓ કરતો એ તેને બહુ ગમતું નહીં. ડંખીલી બાઈ તને વહુઘેલો તરીકે વગોવી જશે... આ તારું મુંબઈ શહેર નથી આશ્રય, અહીં દહાડામાં દસ વાર એના એ જ લોકોનાં મોઢાં જોવાનાં હોય, ક્યાંય સુધી લોકો આ ભૂલશે નહીં ને મને ભૂલવા દેશે નહીં!’

સહેજ ખટકાભેર ભીતર ગયેલાં માને નિરાલીએ મનાવ્યાં હતાં : તમે આશ્રયથી જ નારાજ ન થતાં મા. પુરુષનું લોહી ગરમ હોય, બે વાત બોલી નાખે તો મન પર ન લઈએ...‘બસ મારી સાસુ, બસ!’ માયાબહેન મલકી પડ્યાં, ‘નથી તારા વરથી હું રિસાણી.’ પછી સહેજ ગંભીર બન્યાં, ‘તું અમને એક તાંતણે બાંધી રાખવા માગે છે નિરાલી એ આમાં કળાઈ ગયું. જીવતી રહે ને જલદી મને દાદી બનવાના ખુશખબર દે!’- એ વાક્યે અત્યારે પણ મહોરી ઊઠી નિરાલી.
શિમલાના એક્ઝૉટિક હનીમૂન પછી મુંબઈમાં સંસારની ગાડી પૂરપાટ ચાલી. અમે એકમેકમાં ખોવાયેલા રહીએ એવી સૌની ફરિયાદ ભલે સાચી, અમને તો એવું આયાસ વિનાનું ગુલતાન રહેવું ગમે છે!

- અને ફોન રણક્યો. ઝબકતી નિરાલીએ રિસીવર ઊંચક્યું. સામા છેડે માયામા હતાં.‘વહુ, આવતા અઠવાડિયાથી શ્રાવણ શરૂ થાય છે. સમજને એટલે તહેવારિયા શરૂ. લગ્ન પછી તારો પહેલો શ્રાવણ છે એટલે મારી ઇચ્છા એવી કે એક વાર તું તહેવારોના રીતરિવાજ જાણી લે તો મને નિરાંત.’

‘જરૂર મા.’

‘જાણું છું કે તને અહીં મોકલવામાં દીકરો અડધો થઈ જશે ને તું પૂરી ઓગળી જઈશ એટલે શું કહું છું, અઠવાડિયું-દસ દહાડા આવી જા. અને સાંભળ, તારા વરને જ કહેજે કે તને મૂકી જાય.’

‘મારો વર તમારું પહેલાં સાંભળશે મા.’

‘વાહ રે. ત્યારે તો ગામ આખું ને ખાસ તો તમારી શકુમાસી મારા લાલને વહુઘેલો કહે એ ખોટું?’

‘સદંતર ખોટું મા. હા, તમારી વહુ વરઘેલી છે એ સાચું!’

નિરાલી હસી, સામા છેડે માયાબહેન હસ્યાં ને મધુરતા પ્રસરી ગઈ.
€ € €
‘દ...સ દહાડા!’ રાત્રે બેડરૂમના એકાંતમાં નિરાલીએ આશ્રયને માના ફોન બાબત કહેતાં તે ભડક્યો, ‘મા પણ ખરી છે. શ્રાવણના તહેવારો મુંબઈમાં કોણ પાળે છે! મારાં કપડાં, મારું જમવાનું - બધું કેમ થશે?’

નિરાલીને ૨મૂજ થઈ. ઠાવકાઈથી બોલી, ‘કપડાં હું મહિનાભરનાં ઇસ્ત્રી કરાવીને મૂકી દઈશ. ભાભી જોડે વાત થઈ ગઈ છે. તમારા સાસરેથી ગરમાગરમ ટિફિન આવી જશે. બસ, આટલું જને?’
એવી જ આશ્રયે તરાપ મારીને તેને ખેંચી, પથારીમાં પટકી, દબાવી, ‘મને સતાવવામાં બહુ મજા આવે છે કાં? તું શ્રાવણમાં ઉપવાસ કરાવવાની હોય તો...’

આશ્રય હરકતમાં આવ્યો. નિરાલીને આનો ઇનકાર ક્યાં હતો! તહેવારના દિવસોમાં શું થવાનું હતું એની કોને ખબર હતી?
(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK