કથા-સપ્તાહ - દેશ-વિદેશ (નારી તું નારાયણી - 3)

જીવન કી બગિયા મહેકેગી...


 


અન્ય ભાગ વાંચો

1  |  2  |  3  |  4


 

લંડન શહેરની મધ્યમાં આવેલી વિલા ફરતેની એકરોની જમીન પર પથરાયેલી હરિયાળી જોતાં આજે વરસો જૂનું ગીત ક્યાં સ્મરી ગયું!


બેડરૂમ સાથેની અટેચ્ડ ટેરેસમાં ઊભા અજિતરાયે ઊંડો શ્વાસ લઈને પરોઢની તાજી હવા શ્વાસમાં ભરી.


આવી ખુશનુમા સવાર પોતે ક્યારે માણેલી? કુમળા ઘાસ પર મેં છેલ્લે ક્યારે પગલાં પાડ્યાં હશે? હૉલ, ડાઇનિંગરૂમ, લાઇબ્રેરી અને બેડરૂમ સિવાયના વિલાના બાર રૂમમાં ડોકિયું કર્યે કેટલો સમય થયો હશે! 


 જીવનની બાસઠમી વસંતે એવું કેમ લાગે છે કે જિંદગીને થોડો ઠહેરાવ આપીને જીવવી જોઈતી તી? આ બ્રહ્મજ્ઞાન જીવનના અંત સમયે જ બધાને લાધતું હશે?


 ‘વી આર સૉરી. વી કુડન્ટ સેવ હર.


આઠેક વરસ અગાઉ પત્ની ઉર્વશીને હૃદયરોગનો તીવþ હુમલો થતાં લંડનની મોંઘામાં મોંઘી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાઈ. પૈસો પાણીની જેમ વહાવવાની પોતાની હેસિયત-તૈયારી બેય હતી, પણ કિસ્મતે એની જરૂર ન પડવા દીધી. દાખલ થયાના કલાકમાં તો ઉર્વશીનું પ્રાણપંખેરું ઊડી ગયું!


 શું કામની આવી દૌલત? ઉર્વશીના ફ્યુનરલમાં અડધું લંડન મોજૂદ હતું, પણ જેના ખભે માથું ઢાળીને પોતે હળવા થઈ શકે એવું એમાં કોઈ નહોતું!

 

વેલ, એ સમયે તો પોતાને એવી જરૂર પણ ક્યાં હતી? ત્રીજા દિવસથી તો પોતે ર્કોટ રિઝ્યુમ કરી દીધીતી...

 

કામ, કામ અને સખત કામ!

 

મામાના દીકરાના પગલે પોતે લંડન ભણવા આવ્યા એ વીરેન સેટ ન થઈ શકતાં ફરી દેશ જતો ૨હેલો, પણ પોતે અહીં જ સ્થાયી થયા પછી સખત મહેનતને આગવું લક્ષણ બનાવી દીધું... કે પછી એ કોઈને ભૂલવાની તરકીબ હતી?

 

જાત સાથે વાત કરવાની આજે ફુરસદ સાંપડી હોય એમ અજિતરાય હીંચકે ગોઠવાયા. કેટલા વખતે પોતે આમ ઝૂલ્યા એ વિચાર પડતો મૂકીને ગતખંડનું સંધાણ જોડવાની ઉતાવળ જોર કરી ગઈ.

 

હા, ઉષા દેશ છોડવા ન જ માની એનું દુ:ખ હતું. એમાં વળી નાટકમાં ફંટાઈને તે બા-બાપુજીની અળખામણી ઠરી. ભગ્નહૃદયે પોતે લંડન પરત થયા.

 

બેશક, પોતે ઉષાનો વાંક નથી જોતા. તેની પ્રીતનો તાંતણો કાચો નહોતો. ઊલટું તે મૂલ્યોમાં, દેશદાઝમાં અડગ રહી. તેણે પ્રીત કરતાં દેશને વધુ મહkવ આપ્યું એમ કહેવાની પણ મારી લાયકાત નથી, કેમ કે મેં પણ પ્રીત કરતાં વિદેશને મહkવ ક્યાં નહોતું આપ્યું?

 

ખેર, જવાનીની પ્રથમ પ્રીત પજવે નહીં એ માટે પોતે કામમાં ડૂબી ગયા. લંડનમાં વસવું-ટકવું સરળ નહોતું... સખત મહેનત રંગ લાવી. સડસડાટ પોતે પ્રગતિનાં પગથિયાં ચડતા ગયા. ચોથા વરસે બા-બાપુજીને તેડાવીને આખું યુરોપ ફેરવ્યાં ત્યારે કેવો ગવર્‍ મહેસૂસ થયેલો.

 

આ બધું ઠીક, હવે તું વહુ લાવ કે અમે ગંગા નાહ્યા.

 

વહુ. ના, મહેનતના સાટામાં મળતી સમૃદ્ધિના કેફમાં પ્રથમ પ્રીત પજવે એવું નહોતું રહ્યું. ઉષા ભૂતકાળ હતી ને પોતાની નજર ભાવિ પર રહેતી. લાઇફ-સ્ટાઇલ બદલાણી હતી. ક્લબમાં ઉર્વશીનો ભેટો થયો. બ્રિટનના ગુજરાતી સેનેટેરની તે એકની એક દીકરી. રૂપાળી, હોશિયાર, સ્માર્ટ, મૉડર્ન. તેનો મોભો, તેની તેજસ્વિતા આકર્ષી ગઈ. તે મારી ઇન્ટેલિજન્સીથી પ્રભાવિત બની. મારા ઉજ્જ્વળ ભાવિ બાબત શંકા કરવા જેવું ક્યાં હતું? અમને એકમેકની કંપની ગમવા લાગી. પરણ્યા એમાં બેઉના વડીલો રાજીના રેડ.

 

ઉર્વશીનું પગલું શુકનવંતું નીવડ્યું હોય એમ મારી પ્રગતિનો ગ્રાફ સડસડાટ વધતો રહ્યો. દીકરી રિયા જન્મી. હું વધુ ને વધુ વ્યસ્ત બનતો ગયો. માબાપ જોકે અનેક વિનવણી છતાં લંડન ન જ વસ્યાં - અમને અમારું ગામ-ઘર રૂડું! તેમની વૃદ્ધાવસ્થામાં મેઇડની વ્યવસ્થા કરીને સંતોષ માણવો પડ્યો. ના, ઉર્વશીએ ક્યારેય ફરિયાદનો મોકો નહોતો આપ્યો. એ અર્થમાં પણ બા-બાપુજીએ ક્યારેય ઉષાને સાંભરવાનું બન્યું નહોતું. ઉષા ક્યાંય હતી જ નહીં.

 

હા, તેના લેજન્ડરી સ્ટેટસનો ખ્યાલ હતો. તેના આદર્શોની, વ્યક્તિત્વની ધાર એની એ જ હતી એનાં અચરજ-આનંદ થતાં, વિશેષ કંઈ જ નહીં.

 

ઉર્વશીથી પોતે ઉષાનું પ્રકરણ છુપાવ્યું નહોતું. એની અસુરક્ષા કે કડવાશ ઉર્વશીએ ક્યારેય રાખી નહોતી. સંસારમાં તેણે તો મને સુખી જ કર્યો, મેં પણ પત્ની-પુત્રીને એ તમામ સુખો આપ્યાં જેની કોઈને પણ ઝંખના હોય... બસ, સમય ન આપી શક્યો.

 

ના, ઉર્વશી કે પછી રિયાએ ક્યારેય એની ફરિયાદ નહોતી કરી. તેમને મારી જરૂર નહીં હોય એવું નહોતું. બસ, જીવનની ઘરેડ જ એવી થઈ ગયેલી.

 

ઉર્વશીના અણધાર્યા મૃત્યુએ આપેલા ધક્કાએ પોતે વધુ વ્યસ્ત બનતા ગયા ત્યારે પંદર વર્ષની રિયા મેચ્યોર્ડ હતી, પોતાની સંભાળ ખુદ રાખી શકતી. વળી કૉલેજ માટે તે સ્કૉટલૅન્ડ જતાં અમે બાપ-દીકરી પોતપોતાની લાઇફમાં મશગૂલ થઈ ગયાં...

 

બે મહિના અગાઉ એમાં ભૂકંપ આવ્યો. તબિયત થોડી અસ્વસ્થ રહેતી હતી. ચેક-અપના નિદાને કંપાવી મૂક્યા : તમને ટયુમર છે... બીમારીને મેડિકલ લૅન્ગ્વેજમાં વર્ણવીને એક્સપર્ટ ડૉક્ટરે ફોડ પાડ્યો હતો - આનો કોઈ ઇલાજ નથી. આ ગાંઠ શરીરમાં લોહી સાથે ફરતી રહે છે. જ્યાં સુધી એ હૃદયમાં ફસાય નહીં ત્યાં સુધી તમે જીવિત છો... આમાં બે દિવસ પણ લાગે ને શક્ય છે તમે બે દાયકા પણ જીવી જાઓ!

 

આ કેવો રોગ, આ કેવી અનિિતતા!

 

જીવન તો આમ પણ અનિિત જ હોય છેને! કોના શ્વાસ ક્યારે અટકશે કોણ કહી શકે?’

 

ડૉક્ટરની ફિલોસૉફી પચી નહોતી. પોતે વલ્ર્ડના બેસ્ટ ડૉક્ટર્સને કન્સલ્ટ કરી ચૂક્યા, પણ છેવટે તો પરિસ્થિતિ સ્વીકારવા વિના છૂટકો ન રહ્યો!

 

એ જ અરસામાં દીકરી કૉલેજ પતાવી લંડન પાછી ફરી એથી પોતે હરખાયા, પણ તેનું આગમન ઊલટું આઘાતજનક નીવડ્યું!

 

કારણ કે એક બાજુ મારી જિંદગીનું હવે ઠેકાણું નથી અને મારી રિયા...

 

હળવો નિ:શ્વાસ જ નાખી શક્યા અજિતરાય!

 

€ € €

 

ગુડ મૉર્નિંગ ડૅડી!

 

ટહુકો નાખતી દીકરીને ટકોરવાનું મન થયું કે બપોરે બે વાગ્યે મૉર્નિંગ ન હોય!

 

પણ રાત્રે મોડે સુધી જાગવાની ટેવવાળી દીકરી એવું પણ કહી દે કે જાગ્યા ત્યારથી સવાર!

 

લો, આજે ગુજરાતી કહેવત ક્યાં સાંભરી ગઈ! રિયાને તો આમેય ગુજરાતી સાથે લેણું નથી રહ્યું. ઉર્વશી પોતે જ ખપપૂરતું ગુજરાતી બોલી શકતી. રિયા પણ અહીં હતી ત્યાં સુધી થોડુંઘણું બોલી લેતી. કૉલેજ બહાર ભણ્યા પછી તો એય ગયું. અને દીકરીને શું દોષ દેવો. માતૃભાષાની માયા તો મેંય ક્યાં રાખી છે!

 

તમે તો વતનનીયે માયા નહોતી રાખી અજિત...

 

ઉષા હોત તો આવું કહેત.

 

તેને કેમ કહેવું કે સંસ્કાર-સંસ્કૃતિનાં મૂલ્યો મને હવે સમજાય છે! લંડને મને ઘણું આપ્યું. ગામ-વતન-દેશ છોડવાનો અફસોસ ન થાય એનાથીયે ક્યાંય અધિક આપ્યું... ઇન્ડિયા રહ્યો હોત તો ચોક્કસપણે આટલો ગ્રોથ ન હોત. જ્યાં ભણતરથી જ રિઝર્વેશન રખાતું હોય ત્યાં તકની વિપુલતા સંભવી પણ કેમ શકે!

 

ઉર્વશીના મૃત્યુએ કે પછી મારી બીમારીમાં દોલત કામ ન આવ્યાની કસક થયેલી, પણ એમાં દેશ છોડવાના નિર્ણયનું દુ:ખ થવાનો પ્રશ્ન નહોતો...

 

એનો ઝંઝાવાત ઊઠ્યો રિયાનું સત્ય જાણીને! ઉર્વશીના દેહાંત બાદ વરસ-બે વરસમાં કૉલેજ માટે મૂવ થયેલી દીકરી સાથે વર્ચ્યુઅલ સંપર્ક બરાબર રહ્યો. સવાર-સાંજ ગુડ મૉર્નિંગ, ગુડ નાઇટના મેસેજિસ નિયમિત થતા.

 

શરૂ-શરૂમાં વાતો પણ થતી, પણ પછી એમાં અંતર પડતું ગયું. આટ્્ર્સ ભણતી રિયા ખુશ છે, પોતાનું ધ્યાન રાખી શકે એટલી ઇન્ડિપેન્ડન્ટ છે એટલું પૂરતું હતું. વેકેશન્સમાં તે ફ્રેન્ડ્સ સાથે ઘૂમતી રહે એનોય વાંધો નહોતો, કેમ કે બધાં છોકરા-છોકરી ઉમરાવ, ખાનદાન ઘરનાં હતાં...

 

ટ્યુમરના વારે હું ધરતી પર પટકાયો. બીજી બાજુ ભણીને ઘરે પરત થયેલી રિયાની મનસા જાણીને પગ તળે જમીન સરકી ગઈ હતી... ઉર્વશી હોત તો આવું ન બનત. ઘણું સમજાવી તેને, પણ વ્યર્થ!

 

શું વાત છે ડૅડ...

 

રિયાના સાદે અજિતરાય ઝબક્યા, વર્તમાનમાં આવ્યા.

 

આજકાલ કામ ઓછું કરી નાખ્યું છે? આટલી ફુરસદમાં તમને અગાઉ જોયા નહોતા.

 

ના, આ ફરિયાદ નહોતી. રિયાને કે અન્ય કોઈને હજી પોતે બીમારીની જાણ નથી કરી. પોતે ટ્યુમર સાથે પણ લાંબું જીવશે એવી આશા શું કામ છોડવી?

 

બાય ધ વે, એક ઇન્વિટેશન આવ્યું છે - તમે જોયું?’

 

રિયાએ કાર્ડ ધરતાં અજિતરાયે ડોક ધુણાવી. ઓહ, સ્વાતંhય-દિનની ઉજવણીનું આમંત્રણપત્ર!

 

લંડન કે કોઈ પણ વિદેશી પ્રાંતમાં NRI એકજૂટ થઈને રહેતા હોય છે. ઉર્વશી હતી ત્યારે ભારતીય સમાજના કાર્યક્રમોમાં નિયમિતપણે અમે જતા. વચમાં એક વાર ઉર્વશી સમાજની મંત્રી પણ બની હતી... તેના ગયા બાદ પોતે સોશ્યલી સાવ કટઑફ જેવા થઈ ગયા. મંડળના ઇન્ચાર્જ જીવણભાઈ ઇન્વિટેશન મોકલી દે ખરા... આ વરસે પણ પંદર ઑગસ્ટે રૅલીનો કાર્યક્રમ હશે એની પત્રિકા હોવી જોઈએ!

 

વિદેશમાં રહીને ભારતનો રાષ્ટ્રીય તહેવાર ઊજવવાનું બહુ અજીબ લાગતું. દેશભાવના આટલી જ પ્રબળ હોય તો સ્વદેશ મૂવ થઈ જવું જોઈએ. બાકી પરદેશની ભૂમિ પર દેશની વાહ-વાહ કરવી એ એના અવગુણ પર ઢાંકપિછોડો કરવા જેવું લાગતું. બલકે પોતે લંડનવાસી હોવાનું ગૌરવ અનુભવતા. પણ રિયાએ....

 

અજિતરાયે વિચારબારી બંધ કરીને કાર્ડ પર નજર ફેરવી.

 

અરે, ઉજવણીની મુખ્ય મહેમાન તરીકે ઉષા આવી રહી છે!

 

હૈયું ગદગદ થયું. ઉષા નાટકના શોઝ લઈને અગાઉ લંડન આવી ગઈ છે. એક વાર તો ઉર્વશી હતી ત્યારે આવેલી. ઉર્વશીએ ધ્યાન દોરેલું, તેને મળવાની ઇચ્છા જતાવેલી; પણ પોતાને ત્યારે ફુરસદ નહોતી, તાલાવેલી પણ નહીં. મે બી, ઉષા નથી પરણી ને પોતે સુખેથી સંસાર માણે છે એ દર્શાવીને ઉષાનો જીવ દુભાવવા જેટલા ક્રૂર પણ થવું નહોતું.

 

પણ આજે હું એ અજિત નથી રહ્યો ત્યારે તેને મળવાની ઇચ્છા જાગી છે. કદાચ એ જ એક એવી વ્યક્તિ છે જેની સમક્ષ હું હૈયું હળવું કરી શકું.

 

અજિતરાયે ઇરાદો ઘૂંટ્યો. દીકરીને પૂછ્યું, ‘બેટા, તું ધ્વજવંદનના કાર્યક્રમમાં આવીશ? સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ઇન્ડિયાથી લેજન્ડરી ઍક્ટ્રેસ ઉષા મહેતા આવે છે.

 

રિયાએ ખભા ઉલાળ્યા : સો! આઇ ડોન્ટ નો ઍનીબડી ધેર.

 

અજિતરાયને થયું કે પોતે કહી દે કે આ ઉષા એટલે તારા પપ્પાનો પહેલો પ્રેમ!

 

પણ આ ઓળખનો અર્થ નહોતો. દીકરી એના પરથીયે જુદો જ ધડો લે એવી ભીતિ પણ થઈ.

 

ડૅડ, પછી તમે શું વિચાર્યું?’

 

કઈ બાબતમાં? એવું પૂછવાનું નહોતું. આ વિષયમાં લાડથી માંડીને ઉગ્ર દલીલો થઈ ચૂકી છે બાપ-દીકરીમાં... એનો ઉષા પાસે કોઈ ઇલાજ હશે? હોય પણ ખરો. ઉષાની સૂઝ, શુદ્ધિ આમેય અસાધારણ રહી છે.

 

૧૫ ઑગસ્ટનું ફંક્શન થઈ જવા દે, પછી વાત.

 

ઇન્ડિયાના ફ્રીડમ ફેસ્ટિવલ સાથે મારા ડિસિઝનને શું લાગેવળગે! રિયાને સમજાયું નહીં. બટ ઍનીવે, એટલી મુદતથી મારો નિર્ણય બદલાવાનો પણ નથી.

 

ઍઝ યુ સે.

 

અજિતરાયે ગાંઠ વાળી : આ વખતે ઉષાને મળવું છે. તે મને મહેણાં મારશે તો હું ખમી લઈશ, પણ હૈયાભાર ઠાલવીને તેની મદદ માગી જોવી છે!

 

(ક્રમશ:)

 

 


 

 


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK