કથા-સપ્તાહ - મા (સ્નેહ-સંબંધ - ૧)

તે હાંફી રહ્યો.

katha\

અન્ય ભાગ વાંચો

1  |  2  |

સમીત (પૂર્વેશ) શ્રોફ

‘સવાર-સવારમાં દંડ પીલવાનો તને ખરો અભરખો થાય છે! પસીનાથી તરબતર થઈ જાય છે મારો લાલ...’ અગસ્ત્યના કપાળેથી પ્રસ્વેદ લૂછતાં મમતાબહેને ટકોર કરી લીધી, ‘આવી ફેફસાફાડ કસરતનું આપણે કંઈ કામ! પહેલાં તો તું આવો નહોતો.’

બાકીનું મનમાં બોલ્યા : હજી તો સગાઈ થતાંમાં આ હાલત છે, જાણે લગ્ન પછી મારી થનારી વહુ મૌનવી તેની માના ઇશારે મારા એકના એક દીકરાને કેવો પલોટી નાખશે!

જીવ ચચર્યો. ના, દીકરાની ખુશીમાં, તેના સુખથી જીવ બાળે એવાં તો મમતાબહેન નહોતાં જ... બલ્કે તેમને તો અગસ્ત્યનાં લગ્નની કેટલી હોંશ હતી!

નાની ઉંમરે પતિના દેહાંત બાદ દીકરો તેમના જીવનનો આધાર હતો. ખાનદાની ખોરડે આર્થિક નિશ્ચિંતતા હતી એમ અગસ્ત્યને પિતાની ખોટ ન વર્તાય એ માટે પણ મમતાબહેન ખબરદાર રહેલાં. અને દીકરો પણ કેવો ઠરેલ-ઠાવકો. ભણવામાં હોશિયાર, રમતગમતમાં અવ્વલ, તનથી રૂડો ને અંતરથી ઊજળો!

માના જીવનનું સારસર્વસ્વ એકમાત્ર પોતે છે એની અગસ્ત્યને સુપેરે જાણ. ભણીને મલ્ટિનૅશનલમાં નોકરીએ લાગ્યા પછી માએ લગ્ન માટેનાં કહેણ તરાસવા માંડ્યાં ત્યારે એક મુદ્દે અગસ્ત્ય બહુ સ્પષ્ટ હતો : મને માનું મન અને માન જાળવનારી જ પત્ની જોઈએ!

અગસ્ત્યને અપેક્ષિત હકારનો રાજપૂતી રણકો મૌનવીમાં પડઘાયો હતો, ‘એક વાર હું માનું હૈયું જીતી લઉં પછી તેમનું મન અને માન જાળવવા માટે બહુ મથવું નહીં પડે અને માનું હૈયું એટલે તમે.’

વાહ કેવી તેની સૂઝ! અગસ્ત્ય પ્રભાવિત બન્યો.

ના, મૌનવી મુંબઈયા ગર્લ નહોતી... સુરતના બૅન્કર પિતા અમૂલખ જરીવાળા અને ગૃહિણી માતા નિર્મળાબહેનની એકની એક દીકરી મૌનવી ગ્રૅજ્યુએટ હતી. સૌંદર્યમઢી, આત્મવિfવાસુ. પોતાની જેમ તે પણ મૂલ્યોમાં માનનારી લાગી. લતાનાં ગીતોથી ફિક્શન-બુક્સ સુધીની અમારી પસંદ પણ મેળ ખાતી હતી. મમતાબહેનને પણ કન્યા એક નજરમાં ગમી ગયેલી.

‘મારી દીકરીને મેં બધી વાતે કેળવી છે.’

છોકરીવાળા પહેલી મુલાકાત માટે વરલીના ઘરે આવ્યા ત્યારે દૌર માનવીનાં મમ્મી નિર્મળાબહેને જ હાથમાં રાખેલો. તેના પિતા ભાગ્યે જ કશું બોલી શક્યા. એ હિસાબે ઘરનાં સૂત્રો પણ નિર્મળાબહેનના હસ્તક જ હોય એ દેખીતું હતું. નિર્મળાબહેનમાં બોલવાની આવડત પણ ખરી, ‘સાસરે આવીને તેણે કંઈ શીખવાનું ન રહે. બાકી તો નવી પરણેતર કુમળા છોડ જેવી હોય છે, વાળો એમ વળશે.’

આડકતરી રીતે તેમણે કહી દીધું કહેવાય કે જેવી તમે મારી દીકરીને રાખશો એવી તે તમને રાખશે!

અગસ્ત્યએ તો આમાં સારપ જ જોઈ - મતલબ, અમે તેને સુખી રાખીશું તો તો મૌનવી પણ અમને સુખી કરવાની! બીજું શું જોઈએ? સામા પક્ષનો હકાર જાણીને સગપણ લેવાયું. બે હૈયે પ્રીત ઘૂંટાવા લાગી.

મૌનવી મોટા ભાગે શનિ-રવિ મુંબઈ આવી જાય. મમતાબહેન તેને લાડ લડાવવાની તક ચૂકે નહીં. તેને ભાવતાં ભોજન જમાડે, શૉપિંગમાં લઈ જાય. ફિલ્મોય જોવાની. મા કેવળ હવેલીએ જ જતાં હોય એ ભ્રમ ભાંગી નાખ્યો. ઊલટું મા તો બૅન્કનાં કામ પતાવે, શૅરબજારના ભાવતાલનીયે તેમને ખબર હોય! અને આમાં ક્યાંય પુરુષસમોવડિયણ બન્યાની કે નાની વયે વંધ્યત્વ આવતાં જવાબદારીનું ભારણ વેંઢાર્યાની બડાઈ નહીં...

‘સુરતમાં વેવાઈનો બંગલો જોઈને તેં દીકરાને વળાવ્યો એવું તો ન જ હોય...’

વેવિશાળના અઢી મહિના બાદ, આજથી પખવાડિયા અગાઉ, સુરત રહેતાં સાસરી પક્ષે દૂરના સંબંધી થતાં ગોદાવરીબહેન મળવા આવ્યાં. જોગાનુજોગ એ વીક-એન્ડ અગસ્ત્ય સુરત ગયેલો. અગસ્ત્યનું વેવિશાળ સુરત કર્યુંથી શરૂઆત માંડીને ગોદાવરીબહેન વાત પર વળ ચડાવતાં ગયેલાં, ‘તારે અમારો અભિપ્રાય તો લેવો હતો! પણ તનેય બધું જાતે કરવાની ટેવ પડી છે.’

વડીલને નાતે તુંકારો કરી અપાતો ઠપકો મમતાબહેને નતમસ્તક થઈને સાંભળી લીધો. પોતે નાની વયે વિધવા થયાં, પણ સદ્્ગત પતિની રોકાણસૂઝ અને ભગવાનની કૃપાથી કોઈ સમક્ષ હાથ ફેલાવવાનો વખત ન આવ્યો. જોકે ઘણી વાર તમે વિપરીત સંજોગોમાંય આબરૂભેર રહો એ પણ સગાંસંબંધીઓને ખટકતું હોય છે. જેવી જેની મતિ. આપણે બહુ મન પર ન લેવું. વળી મૌનવી બાબત પોતે પૂરતી તપાસ કરાવી હતી અને છોકરીનું પોત તો મેં ખુદ અનુભવ્યું છે. કેવળ પોતાને મોટાભા ન બનાવ્યાં એની દાઝમાં ગોદાવરીબહેન જેવાં ભલેને આગ ઓકતાં, એથી હું દાઝતી હોઈશ!

‘કન્યાને તો તેં તારા સ્વભાવ મુજબ તોલીમાપી હશે, પણ તેની માનું પોત તરાસ્યું હતું?’

મર્મભર્યું મલકી લઈને ગોદાવરીબહેને જાણભેદુની આભા સર્જી દીધી. મમતાબહેન તોય ન હચમચ્યાં : છોકરીના સંસ્કાર પરથી માબાપની કેળવણી પરખાઈ જાય અને મારી મૌનવીમાં કહેવાપણું ન હોય એનું શ્રેય અમૂલખભાઈ-નિર્મળાબહેનની પરવરિશને જ મળે. હા, વેવાઈ થોડા ઠંડા, સંસારસૂત્ર વેવાણના હસ્તક; પણ એથી કોઈ તેમના વિશે એલફેલ બોલવાનું થાય એ ખમી ન લેવાય!

‘તમારા વેવાઈ હાલ ભલે સુરત રહેતા હોય, મૂળ સુરતના નથી. એ તો જાણે છેને?’

ત્યારે મમતાબહેને કહેવું પડ્યું, ‘જી, સુરત નજીકનું કિમ ગામ તેમનું વતન.’

‘હં...’ સોફા પર બેઠેલાં ગોદાવરીબહેને પલાંઠી ચડાવી, ‘ગામની જ બૅન્કમાં અમૂલખની નોકરી હતી. તેય તારા અગસ્ત્યની જેમ વિધવા માનો એકનો એક દીકરો.’

અગસ્ત્ય સાથેની આવી સરખામણી થોડી પજવી ગઈ મમતાબહેનને.

‘બિચારાં દેવકો૨બા. બહુ હોંશથી દીકરાને સુરતના મોટા ઘરની દીકરી જોડે પરણાવ્યો, પણ વહુ ગામડાના સાસરે સમાઈ ન શકી. લગ્નના છઠ્ઠા મહિને તો અમૂલખને લઈને સુરત આવી ગયેલી નિર્મળા.’

અમૂલખભાઈ કિમથી સુરત શિફ્ટ થયાની જાણ હતી. બેટર પ્રોસ્પેક્ટ્સ માટે માણસ મોટા શહેર ભણી જાય એમાં આમ જુઓ તો ખોટું શું છે? બાકી વેવાણ તેમને તાણી ગયાં એનો ઘટસ્ફોટ તો અત્યારે થાય છે!

‘આની પાછળ ભેજું હતું નિર્મળાનાં માતુશ્રી વીરમતીબહેનનું... માની છાયામાં ઊછરેલી નિર્મળાએ સાસરામાં કદી ફવડાવ્યું જ નહીં. દર બીજે દહાડે રડતી-કકળતી પોતાની માને ત્યાં આવે, પાછળ તેને મનાવવા અમૂલખ દોડે. એમાં ગામલોકોને જોણું થાય. તારા જેવા સ્વભાવવાળાં દેવકોરબા બિચારાં વહુ વિરુદ્ધ એલફેલ બોલી ન શકે એટલે લોકો એવુંય માનવા પ્રેરાય કે સાસુ કેટલું ટોકતી હશે બિચારી નિર્મળાને!’

મમતાબહેન હં-હા કર્યા વિના સાંભળી રહેલાં.

‘દરમ્યાન વીરમતીબહેને જમાઈ માટે સુરતની બૅન્કમાં જગ્યા ખોળી કાઢી... પછી તો નિર્મળાએ ત્રાગું જ કર્યું - બ્રાઇટ ફ્યુચર માટે સુરતની જ નોકરી લેવાય. બાકી તમારા ભેગું મારાથી ગંધાતા ગામડે ન રહેવાય! ક્યાં ગામ છોડો ક્યાં મને.’

મમતાબહેન સમક્ષ દૃશ્યો ઊઘડતાં હતાં.

‘ત્યારે અમૂલખે નમતું જોખવું પડ્યું : ભલે, હું માને લઈને સુરત આવી જાઉં... નિર્મળાને એનોય વાંધો. તમે અહીંની નોકરીમાં સેટલ થાઓ પછી સુરતમાં ઘર લઈશું. ત્યાં સુધી મારા પપ્પાના બંગલે રહેવાનું હોય તો મા જોડે આવે એ સારું ઓછું લાગે! આ બહાને પતિને સમજાવીને સુરત લઈ આવી. પછી પણ જોકે મા તો કદી દીકરાભેગી થઈ જ ન શકી.

વીરમતી-નિર્મળાની જોડીએ થવા ન દીધી એની ગાથા આજેય કિમમાં મશહૂર છે. મારી મોટી દીકરીને કિમમાં પરણાવી છે એટલે હું જાણું...’ કહીને તે મુદ્દે આવ્યાં, ‘વીરમતી કે દેવકોરબા તો હયાત નથી, પણ માના પ્રભાવમાં રહેલી નિર્મળા પોતાના જમાઈને પણ આમ જ ખેંચી જશે તો તારે દેવકોરબાની જેમ...’

ગોદાવરીબહેનનો અધ્યાહાર ડંખી ગયો.

ના, ના. ગોદાવરીબહેનના નીકળ્યા પછી ક્યાંય સુધી મમતાબહેન જાતને સમજાવતાં રહ્યાં : અમૂલખભાઈ માટે તો ગામથી શહેર જવાનું કારણ હતું. મુંબઈ તો અલ્ટિમેટ ગણાય. અહીંથી સુરત શિફ્ટ થવાનું કોઈ વિચારે પણ કેમ!

છતાં અણખટ રહી એટલે વહેમ નિમૂર્ળહ કરવા કિમમાં સઘન તપાસ કરાવી. એમાં ગોદાવરીના તથ્યની પુષ્ટિ નીકળતાં સચેત બની ગયાં મમતાબહેન. આ તપાસમાં હું પહેલાં કેમ ચૂકી? અમૂલખભાઈના સાયલન્ટ થવામાં નિર્મળાબહેન શરૂથી ડૉમિનેટિંગ નેચર કારણભૂત હોય એ હવે સ્પષ્ટ છે! મૌનવીને આ દેખાતું-સમજાતું નહીં હોય! કે પછી મૌનવી જેવી દેખાય છે એ કેવળ નિર્મળાબહેને પહેરાવેલું મહોરું છે? વખત જતાં એ ઉતારીને મૌનવી માના કહેવાથી મારા દીકરાને તાણી જાય તો... તો શું મારી દશા પણ દેવકોરબા જેવી થશે?

આ ધ્રાસકો સ્ફુર્યાથી આજની ઘડી સુધી મમતાબહેન વિચારધારામાંથી મુક્ત થઈ શક્યાં નથી. ત્યાં સુધી કે લગ્ન અગાઉ બૉડી હૉટ-ફિટ રાખવા અગસ્ત્યે સ્વાભાવિકપણે કસરત શરૂ કરી એમાંય તેમનો જીવ ચચરતો : માના પગલે આ બધી મૌનવીની જ સલાહ હોય, મારો દીકરો કેવો બદલાઈ રહ્યો છે! લગ્ન પછી તો જાણે શું થશે!

નહીં - અત્યારે પણ તેમણે જુસ્સો ઘૂંટ્યો : મારા દીકરાને એમ તો હું સરકવા નહીં દઉં!

મમતાબહેને નિર્ધાર કર્યો એમાં તે સાવ ખોટાં નહોતાં... કેમ કે નિર્મળાબહેનનો મનસૂબો તો કંઈક એવો જ હતો - લગ્ન પછી મારી દીકરી મારાથી વધુ દૂર નહીં રહે... જમાઈને હું બહુ જલદી ઘરજમાઈ બનાવી દેવાની!

€ € €

‘મારે દીકરી-જમાઈ માટે એક બંગલો લેવો છે. આપણા તરફથી તેમને લગ્નમાં એટલું તો હોયને....’ નિર્મળાબહેન રણકાભેર પતિ અમૂલખભાઈને કહી રહ્યાં છે. પત્નીની દેખીતી હોંશ પાછળની ગણતરી લગ્નના ૨૩ વરસે પતિથી ઓછી છૂપી હોય!

શરૂથી જ નિર્મળા જેના પ્રભાવમાં રહી એ તેનાં મધર વીરમતીબહેનનું વ્યક્તિત્વ ધારદાર. વાણીનાં મીઠાં, એવાં તડજોડમાં ઉસ્તાદ. પતિનો પૈસો સારો એટલે સોશ્યલ કામોમાં જોડાઈને વટ પાડતાં પણ આવડી ગયેલું. વ્યાપારમાં વ્યસ્ત પિતાને બીજી ફુરસદ ન હોય એટલે પણ નિર્મળા ઇન મીન ને તીનના સંસારમાં માના શરણમાં સલામતી અનુભવતી. નિર્મળા માના જ ઢાંચામાં ઢળતી ગઈ. મા જે કરે, કહે એ શ્રેષ્ઠતમ જ હોય એવી ધારણા કહો કે ભ્રમણા બંધાઈ ગયેલી. ત્યાં સુધી કે લગ્ન માટે મુરતિયો જોયા પછી મને પૂછતી : મા, તને ગમ્યો?

અમૂલખ બાબત મા ઉત્સાહી જણાઈ. નિર્મળાનું મન પાછું પડતું હતું : એક તો તે અંતમુર્ખીૂ માણસ. બોલે ઓછું. વળી સામાન્ય બૅન્કર. રહે ગામડે. તેને નકારવાનાં અનેક કારણો છતાં મા તેને જ પસંદ કરવા કહે છે - શું કામ?

ત્યારે વીરમતીબહેને ફોડ પાડવો પડેલો, ‘પૈસાની તને ખોટ નથી, અમારો વારસો તને જ મળવાનો. એટલે પણ તારાથી ઓછી હેસિયતનાને પરણીશ તો તારો હાથ ઉપર રહેશે. વળી અમૂલખ જતું કરવાની મિડલ ક્લાસ મેન્ટાલિટીવાળો છે એટલે સંસારમાં તારો જ સિક્કો ચાલવાનો.’

સહજીવનમાં સ્નેહ, સમર્પણના પાઠ વીરમતીબહેને દીકરીને ક્યારેય પઢાવ્યા નહીં. તેમણે તો એવી જ સમજ આપી કે સંસારમાં શાનથી રહેવું હોય તો ઘરની, વરની સત્તા તમારા કબજામાં રહેવી જોઈએ! અને તારે ગામ પણ શું કામ રહેવું, માને ગામડાના ઘરે મૂકીને અમૂલખ જ અહીં મૂવ થઈ જાય એવું ગોઠવીશું આપણે...

અને ખરેખર માએ આખો ખેલ સુપેરે પાર પાડ્યો હતો!

અમૂલખ મારા તેજથી ભરમાયા. પોતે શરૂમાં રહી જ ભોળી, નાદાન. લગ્ન પછી માની સલાહ મુજબ રંગ બદલતી ગઈ. જોણું થવાની બીકે સાસુમા બિચારાં ચૂપ રહે એથી તો ફાવતું મળ્યું... અમૂલખ ઘરે આવે ત્યારે રાવ-ફરિયાદોનાં પોટલાં ખોલતી નિર્મળાની પેટી પણ તૈયાર હોય - આના કરતાં મારું પિયર સારું!

મા વહુ પાછળ દીકરાને દોડાવે.

‘અમે તો થાક્યા આ રોજના ઝઘડાથી...’ મા-દીકરી પાછાં ઘરના મોભી દિવાકરભાઈનેય અડધુંપડધું સમજાવતાં. દીકરી આમ આવતી રહે એ તેમનેય ખટકતું, પણ ઊંડા ઊતરવાનો સમય નહોતો. જમાઈને તેઓ આકરા થઈને બોલી જતા, ‘ન ફાવતું હોય તો છૂટું કરી નાખો.’

અમૂલખની લાગણીશીલતા ઘવાતી.

મૂળે અમૂલખ સંતુષ્ટ જીવ. મૅચમેકિંગમાં પસંદ પડેલી નિર્મળા સાથે સંસાર માંડીને ગામમાં આદર્શ જીવન વિતાવવાની ઇચ્છા હતી.

‘મોટા ઘરની દીકરી આપણે ત્યાં સમાઈ શકશે ખરી?’ દેવકોરબા તો વેવિશાળના સમયથી અવઢવ જતાવતાં, પણ ત્યારે અમૂલખ નિર્મળાનાં વાણી-સદ્ગુણથી અંજાયેલા, ‘મને શ્રદ્ધા છે મા, નિમુ ગ્રામલક્ષ્મી નીવડશે.’

કેટલો ભયાનક ભ્રમ હતો એ! તેણે તો ઘર તોડવું છે...

‘શું તમે પણ દિવાકર, એક ભવમાં બે ભવ કરાતા હશે!’ વીરમતીબહેન વાતને ધાર્યો વળાંક આપતાં, ‘પેરન્ટ્સે સૉલ્યુશન લાદવાનું હોય. જમાઈરાજ, ગમે એ કારણે નિમુને ગામ નહીં ફાવતું હોય તો તમે અહીં રહેવા આવી જાઓ. મેં તો બૅન્કમાં નોકરીયે ખોળી રાખી છે.’

નિર્મળા અડી બેઠી. છુટકારો ક્યાં હતો જો લગ્નજીવન ટકાવવું હોય! માની તો એ આજ્ઞા હતી, ‘તું વહુથી છૂટો ન થઈશ... સંસાર નિભાવી જાણજે મારા લાલ. હું તો એમાં જ રાજી.’ ક્યાં મારી માનું તેજ ને ક્યાં નિર્મળાનો સમજ અંધાપો!

અમૂલખ સુરત મૂવ થઈ ગયો, સાસુએ ગોઠવેલી વ્યવસ્થામાં ગોઠવાઈ ગયો. નિર્મળાનો સ્વભાવ, સંસાર પર સાસુની પકડ બધું અમૂલખને સ્વયંસ્પષ્ટ હતું. સુરત મૂવ થયા બાદ નિર્મળાએ પ્રેગ્નન્સી ધારણ કરવામાં દેર ન કરી એથી પણ અમૂલખ પૂરેપૂરા બંધાઈ ગયા. હા, દીકરી જન્મી ત્યારે એટલી ગાંઠ વાળેલી કે તેને તો તેની મા જેવી નહીં જ થવા દઉં હું!

- હવે આજે દીકરીનાં લગ્નટાણે, મૌનવીની ગેરહાજરીમાં નિર્મળાએ ઘરની વાત ઉખેળતાં અમુલખભાઈના કપાળે કરચલી ઊપસી.

અગસ્ત્યના રૂપમાં નિર્મળા બીજો અમૂલખ સર્જવા માગે છે?

(ક્રમશ:)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK