શહેરીજનો તો પરત ફર્યા, પણ સ્થાનિક લોકો અને ગરીબ યાત્રાળુઓનું શું?

તીર્થોમાં ધર્મ અને કુદરતના આયામોની ઉપરવટ જઈને મનુષ્યે ત્યાંની સાત્વિકતા ને નૈસર્ગિકતાનો દાટ વાળ્યો છે
(ખાસ બાત - અલ્પા નિર્મલ)

ગત અઠવાડિયાથી ઉત્તરાખંડમાં કુદરત કોપાયમાન થઈ છે. ભારે વરસાદ, નદીઓમાં પૂર અને ભેખડો ધસી પડવાની ઘટનાએ હિન્દુઓના પવિત્ર ર્તીથધામને તહસનહસ કરી નાખ્યું છે. યાત્રા માટે આવેલા હજારો યાત્રાળુઓમાંના કેટલાક ત્યાં ને ત્યાં મરણને શરણ થયા છે તો કેટલાક યેનકેન પ્રકારે પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. વેલ, આ બધા જ સમાચારો અને માહિતીઓ આપણને વિવિધ મિડિયા દ્વારા જાણવા મળે છે. ટેલિવિઝન ઉપરાંત અખબારોમાં ફોટો અને રર્પિોટ દ્વારા ઉત્તરાખંડમાં થયેલા વિનાશનો અંદાજ મળે છે, સાથે ત્યાંથી પરત ફરેલા લોકોની વાતોથી તેમણે ભોગવેલી યાતનાઓનો ચિતાર મળે છે અને સેના,  ઍરફોર્સ ITBP (ઇન્ડો-તિબેટન બૉર્ડર પોલીસ)એ કરેલી મદદ અને સત્તાવાળાઓ અને સ્થાનિક લોકોની દાદાગીરી અને બેપરવાહીની વાતો પણ સાંભળવા મળે છે.

ખેર, હેલિકૉપ્ટર કે પ્લેન દ્વારા હેમખેમ આવેલા યાત્રાળુઓને જોઈને બચાવ-કામગીરી સરસ રીતે થઈ છે એ વાતનો સંતોષ ચોક્કસ થાય, પણ સાથે એક સવાલ પણ ઊઠે છે કે જેઓ પાછા આવ્યા છે તેઓ સુખી અને સક્ષમ શહેરીજનો છે ત્યારે આખા હિન્દુસ્તાનમાંથી યાત્રા કરવા આવનાર ગરીબ યાત્રાળુ જે પાઈ-પાઈ જોડી, કેટલાંય વર્ષોની મહેનત બાદ જાત્રાએ જઈ શક્યા છે તે યાત્રાળુના પરત ફર્યાના સમાચાર કેમ નથી? ઉત્તરાખંડના અસરગ્રસ્ત જિલ્લાઓનાં નાનાં ગામોમાં રહેતા સ્થાનિક લોકોને બચાવ્યાના વાવડ કેમ નથી? આના જવાબમાં અલ્મોડા ખાતે રહેતો અને ઉત્તરાંચલમાં ટ્રેકિંગનાં આયોજનો કરતો સંજય પઢિયાર ‘મિડ-ડે’ને ફોન પર કહે છે, ‘હું અને ટ્રેકિંગના ટીમ-લીડર તરીકે જતા ૨૦ યુવાનોની ટીમ બદરીનાથ પાસે આવેલા ગુપ્તકાશીમાં આપત્તિગ્રસ્તોની મદદે છીએ. અહીં પણ હજારો માણસો ફસાયા હતા જેમાં સ્થાનિક લોકોની સાથે ભાવિકો પણ હતા. વધુ વિપદા કેદારનાથમાં આવી છે જેથી ત્યાં વધુ સહાય પહોંચી છે, જ્યારે અહીંની આપત્તિની જાણ ચાર દિવસ પછી થતાં અહીં સહાયની કુમક મોડી પહોંચી હતી અને પ્રમાણમાં ઓછી હતી. જોકે અહીં કેદારનાથ જેવો વિનાશ પણ નથી છતાં નદીના ધસમસતા જળે ભારે તબાહી મચાવી છે. મકાનો તૂટ્યાં છે, રસ્તાઓ લુપ્ત થઈ ગયા છે તો પૂરમાં માણસો પણ તણાયાં છે.’

જે પરત ફરી રહ્યા છે તેમાં કોઈ સ્થાનિક લોકો કે ગરીબ યાત્રાળુ કેમ નથી દેખાતા? એના જવાબમાં ખિન્ન સ્વરે સંજય કહે છે, ‘બીજાનું ભલે કાંઈ પણ થાય, મારું પહેલાં ભલું થાય એ માનવીય વૃત્તિ અને પૈસાના જોરે આ લોકો વહેલા પરત ફરે છે જ્યારે ભોળા ગ્રામ્યજનો કે ગરીબ યાત્રાળુઓને કોઈ કાવાદાવા ન આવડતાં હોવાથી તેઓ એક બાજુ ચૂપ થઈને બેસી રહે છે.’

સંજય પઢિયાર અને તેના મિત્રો ITBPની રાહબરી હેઠળ અસરગ્રસ્તોને ખાવાની સામગ્રી પહોંચાડવામાં મદદ કરે છે, મેડિકલ હેલ્પ અને યાત્રાળુઓના પરિવહનમાં મદદ કરે છે. સંજય કહે છે, ‘આ કાર્ય દરમ્યાન અમને માણસોના એવા વરવા અનુભવ થાય છે જેનું બયાન કરવું અશક્ય છે. જેમને રહેવા રૂમ મળી તેમને રૂમમાં ગરમ પાણીની બાલદી જોઈએ. જેને પૂરી-શાક ખાવા મળે છે તેમને પૂરું જમણ જોઈએ છે. ઝિપ લાઇન ક્રૉસિંગ વખતે દોરડાથી એક બાજુથી બીજી બાજુ પહોંચાડી રહ્યા હતા અને વેધર ખરાબ થવાના અણસાર આવતાં થોડા સમયમાં વધુ ને વધુ માણસોને સામે પાર સલામત પહોંચાડવાના હોવા છતાં બીજા માણસો આવે કે ન આવે પોતાનો સામાન આવે એની જીદમાં એક ફૅમિલીએ જીભાજોડી કરતાં અમારે તેમનું માનવું પડ્યું હતું. સ્વાભાવિક છે આવાં કામો અમીરો અને સ્માર્ટ શહેરીજનોનાં જ હોય જેની સામે સરળ માનવીઓનું કશું જ ચાલવાનું નથી. વળી સરકાર પણ આ બાબતે ઉદાસીન છે, કારણ કે જો સરકાર સ્થાનિક લોકોને તેમનાં ગામ-ઘરોમાંથી બહાર કાઢે તો તેમને હંગામી ધોરણે પણ આશરો આપવો પડે જેમાં ખાવા-પીવા અને રહેવાની સુવિધા સાથે ફરીથી વસવાટ થાય એ માટેની સુગમતા કરી આપવી પડે એટલે જ સહાયકાર્યોમાં ગરીબો અને સ્થાનિક લોકોનું કોઈ ધણીધોરી નથી. આ લખાય છે ત્યાં સુધી હજી સેંકડો યાત્રાળુઓ પૈસાના અભાવે પણ પ્રભુ પરની અસીમ શ્રદ્ધાને કારણે ચાલીને કે અન્ય વાહનોમાં લિફ્ટ લઈ એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. બે જોડી કપડાં, ધાબળïો, વરસાદથી બચવાની વસ્તુ અને બે વાસણોની ગઠરી બાંધી નીકળી પડતાં આ લોકો રસ્તાની કોરે જ રાતવાસો કરે છે અને ત્યાં જ ખાણું પકવી લે છે. તેઓ ક્યાંક-ક્યાંક પહાડોમાં ફસાયા છે. તેમની પાસે નથી મોબાઇલ કે નથી મદદ, નથી શું કરવું એનો સૂઝકો કે નથી કોઈ સંદેશો.’

રહી વાત સ્થાનિક વેપારીઓની દાદાગીરીની. પાંચ રૂપિયાનું બિસ્કિટનું પૅકેટ ૧૦૦ રૂપિયામાં વેચાય છે કે પતરાંના શેડ નીચે ઊભા રહેવાના પૈસા માગવામાં આવે છે એવા રર્પિોટના જવાબમાં સંજય કહે છે, ‘ચોક્કસ આવું થયું હશે. સ્થાનિક વેપારીઓ, ટૂર-ઑપરેટરો જે ટૂરિસ્ટના ટચમાં વધુ હોય તેમણે આવું કર્યું હશે, પણ એ ત્યારે જ્યારે કોઈ પ્રવાસીએ જ તે દુકાનદારને પાંચ રૂપિયાના બિસ્કિટના પૅકેટના ૧૦૦ રૂપિયા આપવાની ઑફર કરી હશે. અહીં ગામડાનો વેપારી સહેલાણીઓને લાલચુ અને બદમાશ જરૂર લાગે, પણ તે પ્રવાસીઓની સ્વભાવગત ખૂબી અને ખામીઓમાંથી આ વૃત્તિ શીખ્યા છે.’

આ વાતે સંજય સાથે સહમત ચોક્કસ થઈ શકાય, કારણ કે દેવભૂમિનો માનવ ખરેખર સરળ હૃદયનો અને ભોળો છે જેનો આ લખનારને નજીકથી અનુભવ છે. ઉત્તરાંચલના વિવિધ વિસ્તારોમાં ટ્રેકિંગ દરમ્યાન મળેલા સ્થાનિક નાના-મોટા માણસો મદદરૂપ, આનંદી અને સંતોષી સાથે સખત મહેનતુ છે અને રહ્યાં ર્તીથસ્થળો કે પ્રસિદ્ધ સહેલાણી સ્થળમાં વસતા લોકો, વેપારીઓ અને સર્વિસ પ્રોવાઇડરો. તો તેઓ માટે એટલું ચોક્કસ કહી શકાય કે જો તેઓ બદમાશી કરે છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે જવાબદાર છીએ. બુદ્ધિશાળી અને સ્માર્ટ માનવીની નબળા માનવની શોષણ કરવાની વૃત્તિએ તેમને ભ્રષ્ટ કરી નાખ્યા છે.

ર્તીથાટન અને ટૂરિઝમ ભિન્ન છે એનો ફરક કરી જાણો

છેલ્લાં થોડાં વર્ષોથી ફરવા જવાની અને જાત્રા કરવાની પ્રવૃત્તિને માણસે સંલગ્ન કરી નાખી છે. પવિત્ર તીર્થોનાં દર્શન કરી પુણ્યનું ભાથું બાંધવું અને ત્યાં રજવાડી ઠાઠમાઠથી આવવું-જવું, રહેવું, ખાવું-પીવું અને જલસા કરવાનો ટ્રેન્ડ વ્યાપક બનતો જાય છે અને માનવજાતની આ માગણીએ ર્તીથક્ષેત્રોની સાત્વિકતા અને નૈસર્ગિકતાનો દાટ વાળ્યો છે જેનું તાજું ઉદાહરણ છે ઉત્તરાખંડ પર ઊતરેલી આફત. ના, આ કહેવાનો આશય બિલકુલ એ નથી કે અહીં થતા પાપાચારના ફળસ્વરૂપે ભગવાને સજા કરી છે, પણ એટલી વાત ચોક્કસ છે કે કુદરતે આપણને એક સંકેત જરૂર કર્યો છે કે આ ઈશ્વરનાં પવિત્ર ધામ છે. અહીં અનાચાર બિલકુલ નહીં ચાલે. ફક્ત ચારધામ નહીં, ભારતનાં બધાં જ તીર્થોની આ હાલત છે. મનુષ્યમાત્રને નિયમો તોડીને જીવવામાં મજા આવે છે એટલે જ તીર્થોમાં કુદરત અને ધર્મના આયામોની ઉપરવટ જવામાં તેને અભિમાન થાય છે. કેદારનાથનો જ દાખલો લઈએ તો સમુદ્રની સપાટીથી ૧૧,૭૪૬ ફૂટ ઊંચે આવેલું આ ર્તીથ વર્ષના છ મહિના બરફાચ્છાદિત હોવાને કારણે બંધ જ હોય છે અને અન્ય છ મહિના સ્વાભાવિકપણે ઠંડુંગાર હોય છે ત્યારે આરામપરસ્ત માનવીની માગણીને લીધે અહીં સેન્ટ્રલી હીટેડ હોટેલ બની છે જેમાં ૨૪ કલાક હીટર ચાલુ રહે છે. જોકે અહીં ઇલેક્ટિÿસિટીના બહુ ધાંધિયા છે એથી જનરેટરનો ઉપયોગ વધુ થાય છે, પણ એય મોંઘું પડવાથી અહીં દરેક રૂમમાં ફાયરપ્લેસ બનાવવામાં આવી છે જેમાં લાકડાં બાળીને ગરમી ઉત્પન્ન કરવામાં આવે છે. એ લાકડાં માટે કપાય છે નજીકનાં જંગલ (કોના બાપની દિવાળી). એ જ રીતે પ્રાઇવેટ ટૂર-ઑપરેટર સાથે આવતા લોકોની ખાવા-પીવાની માગણી પણ એટલી ઊંચી હોય છે કે વાત ન પૂછો.

સંજય પઢિયાર કહે છે, ‘આ જ સીઝનમાં મે મહિનામાં યાત્રાએ આવેલા જાત્રાળુઓના એક ગ્રુપને કેદારનાથમાં કેરીનો રસ અને સમોસાં ખાવાં હતાં. તેમની માગણી સંતોષવા અમે બધો સામાન નીચે હૃષીકેશથી મગાવી આ જમણ પીરસ્યું.’

યાત્રાળુઓની આ ડિમાન્ડ માટે કેટલા રૂપિયાનું ઈંધણ, કેટલા માનવકલાકો બગડે છે એનો આ કહેવાતા ભાવિકોને આછેરો પણ ખ્યાલ નથી હોતો?

બદરી ભગવાનના ગામે (બદરીનાથ)માં તો એનાથીયે ખરાબ હાલત છે. ઠેર-ઠેર ચાઇનીઝ ફૂડની લારીઓ અને રેસ્ટોરાંમાં ઢોસા મળતા થઈ ગયા છે. એક ગ્રાહકે એક હોટેલમાં ઢોસો મગાવ્યો. ઢોસો એકદમ જાડો અને રબર જેવો. કસ્ટમરે તરત ફરિયાદ કરી. એક તો ૧૦૦ રૂપિયા લે છે અને આવો ઢોસો આપે છે? ૨૦૦ રૂપિયા લે પણ સારો ઢોસો આપ. હવે તે જીભના ચટાકાને સર્વસ્વ માનનારને કોણ સમજાવે કે આ ઠંડા પ્રદેશમાં ઢોસાના ખીરામાં આથો જ ન આવે તો ૨૦૦ નહીં ૫૦૦ રૂપિયામાં પણ ખાવાલાયક ઢોસો ન મળી શકે. ખેર, છતાંય રસનાની લોલુપતાએ આ વિસ્તારમાં ઠેર-ઠેર તૈયાર નાસ્તા, વેફરનાં પૅકેટ પહોંચાડી દીધાં છે અને જાત્રા કરવા આવનાર શોખીનોને દારૂ અને નૉન-વેજ ડિશની સવલત પણ મળી રહે છે. આ ઉપરાંત મંદિરમાં લાંબી લાઇનો ખાળવા પહેલાંથી પૈસા આપી એજન્ટ થૂ બુક કરાવવામાં આવતી ટિકિટ, લાંબી વાહનોની કતારમાં પૈસાના બળે છેક મંદિરના પ્રાંગણ સુધી પહોંચતી પ્રાઇવેટ ગાડીઓ, રૂપિયા ખર્ચી મળતી કોઈ પણ સર્વિસ જેવાં પરિબળોએ ર્તીથયાત્રાનું પ્રયોજન જ બદલી નાખ્યું છે.

આ વાંચી ઇન્ટેલિજન્ટ માનવીને પહેલો વિચાર એ આવશે કે ર્તીથસ્થળોમાં આ બધું મળે છે તો ભોગવીએ છીએને! ત્યાંના લોકોએ એ સર્વિસ પ્રોવાઇડ કરવી જ ન જોઈએ. એના જવાબમાં એટલું કહી શકાય કે સ્થાનિક લોકો માટે છ મહિના યાત્રાળુઓનું આવાગમન જ આવક છે. વળી દુનિયાનો નિયમ છે કે જે વસ્તુની ડિમાન્ડ ઊભી થાય એ ન પૂરી પાડવામાં આવે તો એમાં બીજો ફાવી જાય. એટલે સ્થાનિક લોકો યાત્રાળુઓની સગવડ ન સાચવે તો યાત્રિકો આવવાના ઓછા થઈ જાય અથવા બહારના વેપારીઓ તેમની જરૂરિયાતો પૂરી પાડે અને બુદ્ધિશાળી મનુષ્યને બીજો વિચાર એ આવે કે શું જાત્રામાં કષ્ટ વેઠવું જરૂરી છે? આરામથી જાત્રા કરીએ તો ગુનો થઈ જાય? એના ઉત્તરમાં આ જાણવું જરૂરી છે કે કષ્ટ વેઠવું જરૂરી નથી પણ દરેક વસ્તુમાં સંયમ તો રાખી શકાયને, ઉપભોગ કરવાની લિમિટ તો બાંધી શકાયને. પર્યટન પર જ જવું હોય તો કાશ્મીર કે બૅન્ગકૉક જાઓ. બદરીબાબાએ કે કેદારનાથે તમને કસમ આપીને તો અહીં નથી બોલાવ્યાને?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK