કરન્ટ-ટૉપિક : ફૂલેકાબાજ વિજય માલ્યા વિશેષ

માલ્યા તો ચાલ્યા ગયા, પરંતુ બૅન્કો ને સરકારને બહુ મોટો પાઠ શીખવતા ગયા

vijay malya


જયેશ ચિતલિયા

મારા દાદા તો પહેલેથી કહેતા હતા કે આલ્યા-માલ્યાને ક્યારેય પૈસા ન અપાય.

ઇટ ઇઝ નાઇધર ઇન માય પ્રિન્સિપલ ટુ પે ઇન્ટરેસ્ટ, નૉર ઇટ ઇઝ ઇન માય ઇન્ટરેસ્ટ ટુ પે પ્રિન્સિપાલ.

સુના થા બરબાદ કર દેતી હૈ શરાબ હર પીને વાલે કો, પહલી બાર બેચનેવાલા દિવાલિયા હુઆ હૈ.

આવા તો અનેકવિધ ટુચકા, કટાક્ષ અને જોક્સ વૉટ્સઍપ પર ફરી રહ્યા છે. વિજય માલ્યા ભલે દેશની બૅન્કોને ૯૦૦૦ કરોડ રૂપિયામાં નવડાવીને દેશમાંથી હાલ નૌ દો ગ્યારહ થઈ ગયા હોય, પરંતુ અત્યારે દેશમાં સૌથી વધુ છવાયેલા વિજય માલ્યા જ છે. આમ પણ આ માણસને શો-બિઝનેસનો જબરો શોખ હતો. આ માલ્યાભાઈ તો ચાલ્યા ગયા. છૂટા હાથે અઢળક લોન આપનારી બૅન્કો અને સરકારી તપાસ-એજન્સીઓએ માલ્યાને વિલફુલ ડિફૉલ્ટર જાહેર કરીને ઍક્શન લેવાની હજી તો શરૂઆત કરી ત્યાં તો ભાઈ અદૃશ્ય. સીધા દેશની બહાર. એને લીધે અત્યારે તો ED, સર્વિસ-ટેક્સ વિભાગ, CBI જેવી સરકારી સંસ્થાઓ જોતી રહી ગઈ છે. ધિરાણનાં નાણાં પાછાં કરવાની પોતાની ક્ષમતા હોવા છતાં જે પાછાં ન કરે તેને બૅન્કો વિલફુલ ડિફૉલ્ટર જાહેર કરતી હોય છે, અર્થાત્ ઇરાદાપૂવર્‍કનો ડિફૉલ્ટર. પોતાની મરજી-ઇચ્છા મુજબ તે નાણાં ન ચૂકવીને પોતાને ડિફૉલ્ટર જાહેર થવા દે છે એવી હસ્તી.

વિલફુલ વિક્ટિમ બૅન્કો?

આ વિલફુલ ડિફૉલ્ટરની વ્યાખ્યા મુજબ માલ્યા સહિત આપણા દેશમાં વિલફુલ ડિફૉલ્ટરોની યાદી ઘણી લાંબી છે, પરંતુ આ યાદીમાંનાં નામો જોઈને સવાલ થાય કે આ લોકોને વરસો સુધી છૂટે હાથે અને વધુપડતા ઉદાર ભાવ સાથે ધિરાણ આપતી રહેલી બૅન્કો અને એના ઉચ્ચ અધિકારીઓ વિલફુલ વિક્ટિમ ન કહેવાય? જેમને ખબર પડતી જાય છે કે આ માણસ કેટલાય સમયથી બૅન્કોને નાણાં પરત કરી રહ્યો નથી, તેના બિઝનેસની હાલત કફોડી છે, આ માણસ નાણાં ઉડાવી-વેડફી રહ્યો છે, એનો દુરુપયોગ કરી રહ્યો છે, એ નાણાંથી ઐયાશી કરી રહ્યો છે એમ છતાં તેની સામે આકરાં પગલાં લેવાને બદલે તેને નાણાં આપતી રહેલી બૅન્કો પણ જવાબદાર ન ગણાય? એ પણ માત્ર એક બૅન્ક જ નહીં, સંંખ્યાબંધ (આશરે ૧૭) બૅન્કો તેને નાણાં આપતી રહી હતી. વિજય માલ્યાના નામે બૅન્કોનું ૯૦૦૦ કરોડ રૂપિયાનું ઉઠમણું બોલાય છે. આ ઉપરાંત તેણે પોતાના કર્મચારીઓને પગાર ન ચૂકવ્યો એ રકમ અને અન્ય સોદા કર્યા હશે એ જુદા.

ઍક્શનમાં વિલંબનો લાભ

બૅન્કોએ વિજય માલ્યા સામે ઍક્શન લેવામાં મોડું કર્યું, તેને વિલફુલ ડિફૉલ્ટર જાહેર કરવામાં પણ ખાસ્સો વિલંબ થઈ ગયો એનો લાભ પણ આ માણસ લેતો રહ્યો. વિલફુલ ડિફૉલ્ટર જાહેર થયા બાદ એ હસ્તી માટે અન્ય બૅન્કો કે નાણાસંસ્થા પાસેથી લોન લેવાનું કપરું બની જાય. રિઝર્વ બૅન્કે આવા ડિફૉલ્ટરોની યાદી જાહેર કરવાની જોગવાઈ કરી છે. એ યાદી ફાઇનૅન્શિયલ માર્કેટના તમામ લાગતાવળગતા લોકો સુધી પહોંચી જાય એવું કરાઈ રહ્યું છે. અત્યાર સુધી આવી વ્યવસ્થા નહોતી કે આવું કો-ઑર્ડિનેશન પણ નહોતું જે હવે પછી નક્કર સ્વરૂપે તૈયાર થઈ રહ્યું છે. આ બાબત હકીકત બનીને નક્કર અમલમાં આવે એ પહેલાં તો માલ્યાભાઈ ચાલ્યા ગયા.

  • મોદી સરકારે વિજય માલ્યાને દેશમાં લાવીને અને ઍક્શન લઈને પાઠ શીખવવો જોઈએ, અન્યથા નવા આલ્યા-માલ્યા આવતા રહેશે અને જતા પણ રહેશે : બૅન્ક-લોનના નાણાં પરત ન કરનાર વિલફુલ ડિફૉલ્ટર ગણાય તો આવા લોકોને નાણાં આપતી રહેતી બૅન્કો વિલફુલ વિક્ટિમ ન ગણાય? જોકે બન્ને મામલે ભોગ તો પ્રજા જ બને છે : માલ્યા એકેક ભારતીયના ૩૦૦૦ રૂપિયા લઈ ગયા


બૅન્કોનાં નાણાં તો પોતાના પિતાશ્રી વારસામાં મૂકી ગયા છે એટલે ઉપાડો અને વાપરો એવા ઇરાદા સાથે કેટલાય વેપારીઓ અને ઉદ્યોગપતિઓ બૅન્ક-લોન લઈને બેસી જાય છે અને એને પાછી આપતી વખતે કોને આપ્યા ને તમે રહી ગયા એવો અભિગમ ધરાવે છે. આમ કરવામાં ઘણી વાર બૅન્કોના ઉચ્ચ અધિકારીઓ અને રાજકારણીઓ તેમને મદદ કરતા હોય છે. આમાં વચેટિયાઓની ભૂમિકા પણ મહત્વની હોય છે. ક્યાંક કમિશન, કટકી, કરપ્શન પુરજોશમાં કામ કરતાં હોય છે. દેશની પ્રજાનાં નાણાં છે, લૂંટાવો બિન્દાસ એ પ્રકારની મનોવૃત્તિ સાથે કામ વરસોથી થતું રહ્યું છે. હજી થોડાં વરસ પહેલાં જ રિઝર્વ બૅન્ક આ મામલે ગંભીર બની હતી અને એણે ચોક્કસ જોગવાઈઓ કરવા માંડી. એમાં ભવિષ્યમાં આવાં સ્થાપિત હિતોનાં કારનામાં બંધ થઈ જાય એમ છે. અલબત, આ સાથે સરકારે વિલફુલ ડિફૉલ્ટરોને સાથ આપતા અંદર-બહારના વર્ગને પણ સકંજામાં લેવાની કડક જોગવાઈ કરવી પડશે. અત્યારના સંજોગોમાં તો આવા ડિફૉલ્ટરો સામે બૅન્કને ઍક્શન લેતાં જ વરસો નીકળી જાય છે. એ પછી કોર્ટમાં તેમની સામેના કેસો ચલાવવામાં બીજાં વરસો નીકળી જાય છે. રિકવરીની નોબત આવે ત્યાં સુધીમાં તો એ હસ્તી પાસે ભાગ્યે જ કંઈ બચે છે.

નવા માલ્યાઓને રોકવા પડશે

દેશના-પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા આવા ડિફૉલ્ટરોને ડામી દેવાનો સમય ક્યારનો પાકી ગયો હતો, પરંતુ કમસે કમ આવો સમય હવે આવ્યો એ પણ ઘણું છે. આ કાર્ય પૉલિટિકલ-સરકારી વિલિંગનેસથી જ થઈ શકે એમ છે. રિઝર્વ બૅન્કે આ ગંભીર સમસ્યાનો ઉપાય હાથ ધરીને કમસે કમ ભાવિ માટે તો અગમચેતી ઊભી કરી છે ત્યારે માલ્યાનો આ કિસ્સો દેશની તમામ બૅન્કો-બૅન્કિંગ સિસ્ટમ અને સરકાર માટે પણ મોટા અને ગંભીર બોધપાઠ સમાન બની રહેશે. ઇન શૉર્ટ, માલ્યાને લીધે હવે નવા આલ્યાના જન્મ થતા અટકશે કે ઓછા થશે એવું ચોક્કસ માની શકાય. આમ પણ રિઝર્વ બૅન્ક અને સરકાર આ દિશામાં સક્રિય બની જ ગઈ છે.

વિલફુલ ડિફૉલ્ટ સામે સેબીની પણ લગામ

રિઝર્વ બૅન્કે બૅન્ક-લોનના ડિફૉલ્ટરો સામે આદું ખાઈને પડી જવાનો નિર્ધાર કરી લીધો છે. ખાસ કરીને વિલફુલ ડિફૉલ્ટરો સામે. આ માટે સરકાર તરફથી તો રિઝર્વ બૅન્કને સપોર્ટ મળે જ છે અને હજી મળતો રહેશે, પરંતુ મૂડીબજારનું નિયમનતંત્ર સેબી પણ આ લડતમાં મજબૂત સાથી તરીકે જોડાઈ રહ્યું છે એટલું જ નહીં, આ સહયોગ આપવામાં સેબી મૂડીબજારનું હિત જાળવવાનો અને રોકાણકારોની રક્ષા કરવાનો પોતાનો પાયાનો ઉદ્દેશ પણ બર કરી શકશે. સેબી આ વિષયમાં નવી જ માર્ગરેખા લાવવાનું વિચારે છે, જેમાં એવી જોગવાઈ હશે કે મૂડીબજારમાં કોઈ પણ સાધન કે માર્ગ મારફત કોઈ પણ હસ્તી ભંડોળ ઊભું કરવા આવે ત્યારે તેના માથે વિલફુલ ડિફૉલ્ટરનું લેબલ નહીં હોય તો જ તે આમ કરી શકશે.

મોદી સરકારે આ કામ કરવું જ જોઈએ

આ બધું આજે કે બે-ચાર વરસમાં બન્યું નથી. વિજય માલ્યાનાં આ પરાક્રમો અગાઉ સૌથી વધુ સત્તા પર રહેનાર સરકારે જોયાં છે, પાળીને-પોષીને મોટાં પણ કર્યા છે. મજાની વાત એ છે કે માલ્યા રાજ્યસભાના સભ્ય પણ છે. હવે અમુક લોકો તો આમાં પણ મોદી સરકારના નામના રાસડા લેશે. જોકે ભારતની પ્રજાના બહુ મોટા વર્ગમાં આશા-ઉમ્મીદ છે કે મોદી આ માણસને ભારત પાછો લાવશે. જોકે લોકો આવી આશા ન રાખે તો પણ મોદી સરકારે આ કામ કરવું જોઈએ. પ્રજાનો વિશ્વાસ જીતવા, આવા ડિફૉલ્ટર વર્ગ સામે દાખલો બેસાડવા અને કાયદાના હાથ ખરા અર્થમાં લાંબા છે એ સાબિત કરવા માટે પણ આ કામ થવું જોઈએ. મોદી સરકારને આમ કરવાની તક મળી છે.

માલ્યાની નાદારીના કારનામાની ઝલક

બૅન્કોએ માલ્યાની કિંગફિશર ઍરલાઇન્સને ૯૦૦૦ કરોડ રૂપિયાની લોન આપી હતી. ૨૦૧૦માં આ ઍરલાઇન્સને ફરી મોકો અપાયો. ૨૦૧૨માં આ લોન નૉન-પર્ફોર્મિંગ ઍસેટ્સ બની ગઈ. ત્યાર બાદ બૅન્કોએ કંપની અને એના ગ્રુપ પર દબાણ લાવવાનું શરૂ કર્યું, એના શૅરના વેચાણની ફરજ પાડી. હવે આગામી સપ્તાહમાં કિંગફિશર હાઉસ વેચવાનું પણ નક્કી થયું છે.

માલ્યા સામેના આક્ષેપો

બૅન્કોની લોન પરત ન કરવી, પ્રોવિડન્ટ ફન્ડ ડિફૉલ્ટ, સર્વિસ-ટૅક્સ ડિફૉલ્ટ, કરપ્શન ઍક્ટનો ભંગ, બૅન્કોનાં નાણાં સાથે ચેડાં, મની લૉન્ડરિંગ (કાળાં નાણાંને ધોળાં કરવાં).

કોની-કોની તપાસ?

ED, બૅન્કો, સર્વિસ-ટૅક્સ વિભાગ, CBI.

હવે શું થઈ શકે?

બૅન્કો માલ્યા અને તેની કંપનીઓ સામે કોર્ટમાંથી રિકવરી ઍક્શન માટે મંજૂરી મેળવશે. બૅન્કો બ્રિટનની કોર્ટમાં ધા નાખી શકે, કેમ કે માલ્યાની અહીં ભરપૂર સંપત્તિ હોવાનો સંભવ છે. કોર્ટ માલ્યાને ભારત લાવવા માટે અરેસ્ટ વૉરન્ટ બહાર પાડી શકે, પરંતુ એક્સ્ટ્રડિશન મુશ્કેલ જણાય છે. માલ્યા NRI સ્ટેટસ ધરાવે છે એટલે તે લલિત મોદીની જેમ વિદેશમાં રહેવાનું પસંદ કરે એમ બની શકે. હવે પછી કેટલીક બૅન્કોના અધિકારીઓ સામે વધુ તપાસ અને કાર્યવાહી થશે. માલ્યાએ ૩૦ માર્ચે કોર્ટ સમક્ષ હાજર થવાનું છે. તેની સામે લુકઆઉટ નોટિસ બહાર પડી હતી, પરંતુ તે છેતરીને નાસી ગયો હોવાનો આક્ષેપ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK