ડ્રગ્સની દુનિયાના બેતાજ બાદશાહની દિલધડક દાસ્તાન

ચાર દિવસ પહેલાં સમાચાર આવીને આપણાં અખબારોનાં આંતરરાષ્ટ્રીય પાનાંમાં સમાઈ ગયા કે વિશ્વનો સૌથી મોટો ડ્રગ્સ-સ્મગલર એલ ચાપો પકડાઈ ગયો છે. લાદેનની હત્યા પછી અમેરિકન ખુફિયા એજન્સીઓ તથા ‘ફૉબ્ર્સ’ મૅગેઝિને બહાર પાડેલી યાદી પ્રમાણે એલ ચાપો વિશ્વનો નંબર વન મોસ્ટ વૉન્ટેડ અપરાધી છે. કોણ છે આ એલ ચાપો અને કેવી છે તેની સેક્સ, પૈસા, ડ્રગ્સ અને લોહીથી ખરડાયેલી દુનિયા?

el chapo


જે દિવસે એલ ચાપો પકડાયો એના બીજા જ દિવસે બહાર પડેલા પ્રખ્યાત એન્ટરટેઇનમેન્ટ મૅગેઝિન ‘રોલિંગ સ્ટોન’માં હૉલીવુડના સુપરસ્ટાર ઍક્ટર શૉન પેને પહેલા પુરુષ એકવચનમાં લખેલો લાંબો ઇન્ટરવ્યુ છપાયો. આ ઇન્ટરવ્યુ હતો વિશ્વના સૌથી મોટા ડ્રગ લૉર્ડ એલ ચાપોનો. પેને લખ્યું છે કે તેને પહેલાં કારમાં ચાપોનો દીકરો એક અજાણ્યા સ્થળે લઈ ગયો, ત્યાંથી પછી નાનકડા પ્લેનમાં શૉન પેનને લઈ જવામાં આવ્યો. એ પ્લેનમાં ચાપો પર નજર રાખી રહેલી સિક્યૉરિટી એજન્સીઓનાં રડારને ચકમો આપે એવી ડિવાઇસો પણ ફિટ કરેલી હતી. ઈવન એમાં કોઈ પણ હુમલાને ખાળવા માટેનાં હથિયારો પણ હતાં. કહે છે કે ચાપોને પોતાના જીવન પરથી એક હૉલીવુડ ફિલ્મ બનાવડાવવાની ઇચ્છા હતી અને એક મેક્સિકન અભિનેત્રીની મદદથી શૉન પેન આ મામલે જ તેને મળ્યો હતો. પેન ચાપોને મળ્યો એ વાત લીક થયા પછી સિક્યૉરિટી એજન્સીઓએ એ સ્થળે હુમલા કર્યા, પરંતુ ચાપો ત્યાંથી ચંપત થઈ ગયેલો. તોય તેણે પોતાનો ઇન્ટરવ્યુ બ્લૅકબેરી મેસેન્જરથી ચાલુ રાખેલો અને તેના જવાબોનો વિડિયો ત્યાર પછી કુરિયર કરી દેવામાં આવેલો.

એલ ચાપો પરથી અત્યાર સુધીમાં કોઈ ફિલ્મ ભલે ન બની હોય, પરંતુ તેની લાઇફ-સ્ટોરી કોઈ થ્રિલિંગ ફિલ્મથી જરાય કમ નથી. મેક્સિકોના લા ટુનામાં એક ગરીબ પરિવારમાં ચાપો જન્મેલો. તેની જન્મતારીખ વિશે જાણકારોમાં બે અભિપ્રાય છે, એ પ્રમાણે તે અત્યારે ૫૮ વર્ષનો અથવા તો ૬૧ વર્ષનો હોઈ શકે છે. એલ ચાપો વાસ્તવમાં તે મોટો થયા પછી તેને મળેલું ઉપનામ છે. તેનું સાચું નામ જોકિન આર્કિવાલ્ડો ગઝમૅન લોએરા છે. પરંતુ મોટો થયા પછી તેની હાઇટ જોઈએ એટલી વધી નહીં અને પાંચ ફીટ ૬ ઇંચ પર અટકી ગઈ. એટલે તેને એલ ચાપો નામ મળી ગયું. મેક્સિકન ભાષામાં એલ ચાપો એટલે બાંઠિયો. હવે તે અલ ચેપો ગઝમૅન તરીકે ઓળખાય છે.

ગઝમૅનના પિતા ગરીબ ખેડૂત હતા, પરંતુ તેની લાઇફ-સ્ટોરીનો અભ્યાસ કરનારા કહે છે કે એ લોકો અફીણની ખેતી કરતા. બે નાની બહેનો અને ચાર નાના ભાઈઓમાં સૌથી મોટા ગઝમૅનના ત્રણ મોટા ભાઈ પણ હતા, પરંતુ તે કોઈક ભેદી બીમારીને કારણે નાનપણમાં જ મૃત્યુ પામેલા. માથાભારે પિતા છાશવારે સંતાનોને મેલાં કપડાંની જેમ કૂટતા રહેતા. પરંતુ એવો જ માથાભારે ગઝમૅન પિતાની સામે નાનાં ભાઈ-બહેનોની ઢાલ બનીને ઊભો રહેતો. આ માથાકૂટથી ત્રાસીને તે કેટલીયે વાર દાદા-દાદીને ત્યાં ભાગી જતો. ગઝમૅન ત્રીજા ધોરણથી જ સ્કૂલ છોડી દઈને નારંગી વેચવાથી લઈને પિતાની ખેતીમાં જોતરાઈ ગયેલો. ટીનેજર થયો એટલે પિતાએ લાત મારીને તેને ઘરમાંથી કાઢી મૂક્યો અને ગઝમૅન ફાઇનલી દાદા-દાદીને ત્યાં જ જતો રહ્યો.


સિત્તેરના દાયકામાં જુવાનીના ઉંબરે પગ મૂક્યો કે તરત જ ગઝમૅને કોઈ પણ ઊગતા ગૅન્ગસ્ટરની જેમ ડ્રગ્સના કારોબારમાં ઝંપલાવી દીધું. મેક્સિકોમાંથી ડ્રગ્સને અમેરિકામાં ઘુસાડતી ગૅન્ગમાં તે સામેલ થઈ ગયો અને અમેરિકન-મેક્સિકન બૉર્ડર પર થતા સ્મગલિંગ પર તે પ્લેન વગેરેથી નજર રાખતો. તે ઉપરીઓને પણ સતત વધુ ને વધુ સ્મગલિંગ કરવા માટે ઉશ્કેરતો રહેતો. મેક્સિકોથી મસાલાના ડબ્બાઓમાં કોકેન ભરાઈને ટ્રેનોમાં અમેરિકામાં ઘુસાડાતું અને અમેરિકાથી સૂટકેસોમાં પૈસા ભરાઈને વિમાનો મારફતે મેક્સિકો આવતા.

નાનપણમાં તેના પર પિતાએ કરેલા અત્યાચારોનો પ્રભાવ હોય કે ગમે તે, પણ ચાપો અત્યંત ક્રૂર ગુનેગાર રહ્યો છે. ડ્રગ્સ સમયસર ડિલિવર ન થાય તોય તે પોતાની ટોળકીના સ્મગલરને પણ માથામાં ગોળી મારીને ખતમ કરી નાખતો. તેની આવી ખતરનાક અગ્રેસિવ પદ્ધતિ જોઈને ત્યારની સૌથી મોટી ડ્રગ કાર્ટેલ ગ્વાદાલાજરાએ ગઝમૅનને પોતાનામાં ભેળવી દીધો અને ગઝમૅન ત્યારના નંબર વન સ્મગલર એલ પાદ્રિનો (ધ ગૉડફાધર)નો ખાસ માણસ બની ગયો. પહેલાં એલ પાદ્રિનોનો ડ્રાઇવર અને ત્યાર બાદ લૉજિસ્ટિક્સની દેખરેખ રાખવા માંડેલા ગઝમૅને કોલંબિયાથી ડ્રગ્સ લાવીને મેક્સિકો થઈને અમેરિકામાં ઘુસાડવામાં મહારત હાંસલ કરી લીધી.

આ ડ્રગ્સના સ્મગલિંગને નાથવા માટે અમેરિકાએ ડ્રગ એન્ર્ફોસમેન્ટ ઍડ્મિનિસ્ટ્રેશનની સ્થાપના કરીને મેક્સિકોમાં જાસૂસોની જાળ પાથરી દીધી. આવો એક જાસૂસ એનરિક કામારેના તેની અને બીજા કેટલાય ડ્રગ-માફિયાઓની નજીક પહોંચી ગયો અને જ્યારે ચાપોને તેની અસલિયત ખબર પડી એટલે તેણે કામારેનાને અત્યંત ક્રૂર રીતે રિબાવીને મારી નાખ્યો.

ચાપો અને તેની હરીફ ડ્રગ્સ કાર્ટેલ વચ્ચેની લોહિયાળ હરીફાઈમાં કેવી ઘટનાઓ બનતી રહી છે એ જાણીને જ ધ્રૂજી જવાય. ચાપો પોતાના વિશ્વાસુ માણસને હરીફને ત્યાં વાટાઘાટો માટે મોકલે તો હરીફ તે માણસને જ નહીં, તેના પૂરા પરિવારને મરાવી નાખે. ચાપોનો સાથીદાર પાલ્મા જેલમાં હતો ત્યારે હરીફ એવી ફેલિક્સ બ્રધર્સ નામની ટોળકીએ પોતાનો માણસ મોકલીને પાલ્માની પત્નીને ભોળવીને બૅન્કમાંથી પચાસ કરોડ રૂપિયા ઊપડાવ્યા. એ પછી પત્નીનું માથું કાપીને ચાપોને ભેટ તરીકે મોકલી આપ્યું. પછી એ માફિયાનાં ચાર અને પાંચ વર્ષનાં

દીકરા-દીકરીને વેનેઝુએલાના પુલ પરથી ફેંકીને મારી નાખ્યાં. તો ગુસ્સે ભરાયેલા પાલ્માએ જેલમાંથી જ ફેલિક્સ બ્રધર્સને મરાવવા માટે માણસો છુટ્ટા મૂકી દીધા. આ બધી ઘટનાઓથી ત્રાસેલા ચાપો અને પાલ્માએ હરીફોને સાફ કરવા માટે ૧૯૯૨માં મેક્સિકોમાં એક પ્રચંડ શૂટઆઉટ ખેલ્યો, જેમાં એક પાદરી પણ મરાયો. આથી પ્રેશરમાં આવેલી મેક્સિકન સરકારે ગઝમૅનને પકડવા માટેની ગતિવિધિ તેજ કરી અને ૩૩ કરોડ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું. ગઝમૅન અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો અને પોતાને કંઈ થાય તો મદદ માટે પરિવારને ૧૩ અબજ રૂપિયા આપી દીધા.

આખરે ૧૯૯૩માં ગ્વાટેમાલા-મેક્સિકન બૉર્ડર પરથી ગઝમૅન પહેલી વાર પકડાયો અને તેને મેક્સિકોના હવાલે કરી દેવાયો. અહીં તેને વીસ વર્ષ નવ મહિના કેદની સજા થઈ. અહીં તે લગભગ સાત વર્ષ જેલમાં રહ્યો, પરંતુ બહાર ગઝમૅનને અમેરિકાને હવાલે કરવાની હિલચાલ શરૂ થઈ એટલે તેણે ત્યાંથી રફુચક્કર થવાનો પ્લાન બનાવી દીધો. જેલમાં પણ તેણે લગભગ તમામ અધિકારીઓને જાણે પોતાની નોકરી પર રાખ્યા હતા. તે મહેલની જેમ જલસાથી રહેતો. આખરે તે ૧૭ કરોડ રૂપિયાની લાંચ વેરીને એક લૉન્ડ્રી કાર્ટમાં સંતાઈને જેલમાંથી નાસી છૂટ્યો. બહાર નીકળવા માટે તેણે જેલમાં ૭૮ જણાને ફોડ્યા હતા. બહાર તેના ભાઈઓ તેનું ડ્રગ્સનું સામ્રાજ્ય ચલાવી રહ્યા હતા.

લગભગ દોઢ દાયકા સુધી એલ ચાપો સંતાતો ફરતો રહ્યો અને તેની પાછળ અમેરિકન-મેક્સિકન ખુફિયા સૈનિકો ફરતા રહ્યા. કહે છે કે તેણે પોતાની સુરક્ષા માટે સર્ફેસ ટુ ઍર મિસાઇલો પણ તહેનાત રાખ્યાં હતાં. આખરે ૨૦૧૪ની બાવીસ ફેબ્રુઆરીએ અમેરિકન-મેક્સિકન જૉઇન્ટ ઑપરેશનમાં એલ ચાપોને સિએરા માદ્રે પર્વતમાળામાં બનાવાયેલા એક મકાનના ચોથા માળેથી પકડી પાડ્યો. એ વખતે તે પોતાની લેટેસ્ટ વાઇફ ૨૬ વર્ષની અમેરિકન બ્યુટીક્વિન એમા કોરોનેલ સાથે પથારીમાં હતો. એ પછી ચાપોને મેક્સિકોની સૌથી સુરક્ષિત જેલમાં ધકેલી દેવાયો. અહીં તેને બારી વિનાની કોટડીમાં રખાયો, જ્યાં CCTV કૅમેરા ઉપરાંત ચોવીસે કલાક ગાડ્ર્સ પહેરો રાખતા હતા. ચાપો સાથે કોઈને વાત કરવાની પણ છૂટ નહોતી.

દોઢ વર્ષ બાદ ૧૧ જુલાઈ, ૨૦૧૫ના દિવસે CCTV કૅમેરાની નજરથી દૂર રાત્રે નવ વાગ્યે તે નહાવા ગયો અને પોણો કલાક સુધી બહાર જ ન આવ્યો. તપાસ કરતાં ખબર પડી કે ચાપો નાસી છૂટ્યો છે. બાથરૂમમાંથી બહાર તરફ લઈ જતી ૩૩ ફીટ ઊંડી અને દોઢ કિલોમીટર લાંબી ટનલ બનાવાઈ હતી, જેમાંથી એક મોટરસાઇકલ પણ મળી આવી. આ કિસ્સો મેક્સિકન સરકાર માટે ભયંકર નીચાજોણો હતો. એ પછી મેક્સિકન સરકારે ચાપોની ભાળ માટેનું ઇનામ વધારીને ૪ અબજ રૂપિયા કરી નાખેલું. આખરે ચાર દિવસ પહેલાં લોહિયાળ ગોળીબાર પછી મેક્સિકોના જ લોસ મોચિસ શહેરમાંથી તે પકડાયો.

અત્યાર સુધીમાં એલ ચાપોની પાંચ પત્નીઓ અને ૧૧ સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકન સરકારે પણ તેની ભાળ આપનાર માટે ૩૩ કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું હતું. તેણે પોતે જ કબૂલ્યા પ્રમાણે અત્યાર સુધીમાં માત્ર અમેરિકામાં જ તે પાંચસો ટનથી વધુ તો એકલું કોકેન જ ઘુસાડી ચૂક્યો છે. એ ઉપરાંત ગાંજો, મેથામ્ફેટામાઇન, હેરોઇન, એક્સટસી જેવાં ડ્રગ્સ અમેરિકા અને યુરોપના દેશોમાં ઘુસાડવાનાં કારસ્તાન તો અલગ. સતત ત્રણ વર્ષ તે ‘ફૉબ્સર્‍’ મૅગેઝિનની વિશ્વની સૌથી પાવરફુલ વ્યક્તિઓમાં સ્થાન પામતો રહ્યો છે અને મેક્સિકોનો તો એ કાર્લોસ સ્લિમ પછીનો સૌથી પાવરફુલ માણસ ગણાય છે. ૬૭ અબજ રૂપિયાની કહેવાતી સંપત્તિ સાથે તે મેક્સિકોનો ૧૦મા ક્રમનો સૌથી ધનાઢ્ય માણસ પણ છે. એલ ચાપોના નામની દંતકથાઓ અને ગીતો પણ ફરતાં થઈ ગયાં છે. તેની પાસે અત્યારે સંખ્યાબંધ સબમરીનો, વહાણો, વિમાનો, ટ્રક અને ગાડીઓનો કાફલો છે. આવી લાઇફ-સ્ટોરી ધરાવનારા માણસ પર ફિલ્મ ન બને તો જ નવાઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK