આતંકવાદીઓ સાથે મંત્રણાથી માંડીને ઝીરો ટૉલરન્સની નીતિ

૮ જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુંછ સેક્ટરમાં પાકિસ્તાની સૈનિકો ગેરકાયદે રીતે ભારતીય પ્રદેશમાં ઘૂસ્યા અને ભારતીય પૅટ્રોલ-ટીમ પર હુમલો કરીને બે ભારતીય સૈનિકોની બર્બર હત્યા કરી.


અરિંદમ ચૌધરી

આટલેથી ન અટકતાં તેમણે એક સૈનિકનો શિરચ્છેદ કરી તેનું શિર પોતાની સાથે લઈ ગયા હતા. ઠંડા કલેજે કરાયેલી આ હત્યા ન કેવળ અમાનવીય હતી, પરંતુ સશસ્ત્ર અથડામણો પરની આંતરરાષ્ટ્રીય સંધિઓની વિરુદ્ધ પણ હતી. એના થોડા દિવસ પછી પાકિસ્તાની દળોએ જમ્મુ-કાશ્મીરના મેંધાર ક્ષેત્રમાં બે ભારતીય ચોકીઓ પર હુમલા કર્યા હતા. એ પછી કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાનીઓ દ્વારા શ્રેણીબદ્ધ હુમલા કરવામાં આવ્યા હતા. બન્ને દેશોના સંરક્ષણ-અધિકારીઓ વચ્ચે ફ્લૅગ-મીટિંગ યોજાઈ હોવા છતાં પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું અને ભારતીય સીમામાં ફક્ત એક વાર નહીં, પાંચ વાર પ્રવેશ કર્યો હતો. એમ છતાં આપણા વડા પ્રધાન દ્વારા પાકિસ્તાન પ્રત્યે હળવું વલણ અપનાવવામાં આવ્યું હતું.

આઘાતજનક રીતે ભૂતકાળમાં પણ આપણા આ પાડોશી દેશ દ્વારા કરાયેલા હુમલાના દરેક સમયે ભારતીય વડા પ્રધાનો બસસર્વિસ, ટ્રેનસર્વિસ અથવા તો હૉકી કે ક્રિકેટની મૅચો રદ કરીને હુમલો કરનાર પાડોશી દેશ પ્રત્યે હળવું વલણ અપનાવતા રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ધિક્કારની આ કોઈ પહેલી ઘટના નથી અને તાજેતરની ઘટના પાકિસ્તાનની જડ પ્રકૃતિનું જ એક ઉદાહરણ છે. કોઈ પણ રીતે તાજેતરની ઘટનાને માત્ર એક યુદ્ધવિરામની ઘટના ગણાવીને અભરાઈ પર ધકેલી શકાય નહીં. માનવતા અને રાષ્ટ્રીય ગૌરવની દૃષ્ટિએ આ ઘટના આતંકવાદી હુમલાથી ઓછી આંકી શકાય નહીં. આ જ સમયગાળામાં અલ્જીરિયા પર પણ આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. લગભગ ૩૦ જેટલા આતંકવાદીઓએ અલ્જીરિયામાં ગેરકાયદે પ્રવેશ કર્યો હતો અને ૪૦ લોકોની હત્યા કરી હતી, પરંતુ ભારતના વલણથી વિપરીત અલ્જીરિયાની સરકારે આતંકવાદીઓ સાથે મંત્રણા નહીં કરવાનો નિર્ણય લઈને વળતો હુમલો કર્યો હતો જેના પગલે મોટા ભાગના આતંકવાદીઓ માર્યા ગયા હતા. આજે મોટા ભાગના દેશોએ આતંકવાદીઓ તેમને હળવાશથી ન લે એ પ્રકારની નીતિ અપનાવી છે અને તેમની સાથે કોઈ પણ પ્રકારની મંત્રણા કરતા નથી.

આતંકવાદીઓ સાથે મંત્રણાનો અર્થ એ થાય છે કે સરકાર હિંસાને પરવાનગી આપી રહી છે અને આતંકવાદીઓને તેમનાં જઘન્ય કૃત્યો માટે મૃત્યુદંડ આપવાના સ્થાને તેમને પુરસ્કૃત કરી રહી છે. દુર્ભાગ્યે મંત્રણાઓ ન કેવળ આતંકવાદીઓ અને તેમની ખંડણીખોર પદ્ધતિઓને માન્યતા આપી રહી છે, પરંતુ ચોક્કસ સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ અથવા રાજકીય બદલાવ ઇચ્છનારાઓના પ્રયાસોને પણ અવગણી રહી છે. આ પ્રકારની મંત્રણાઓમાં એક દેશની રાજકીય વ્યવસ્થા અસ્થિર કરવાની ક્ષમતા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સમિતિઓ તથા આતંકવાદ સામેની લડાઈમાં સહકાર આપતા દેશોની આકરી મહેનત પર પણ પાણી ફેરવી રહી છે.

આતંકવાદીઓ સામેના આકરા વલણ માટે ઇઝરાયલ જાણીતું છે તો અમેરિકાએ પણ રાષ્ટ્રપતિ રોનાલ્ડ રેગનના શાસનકાળમાં આતંકવાદીઓ સાથે મંત્રણા નહીં કરવાની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ તૈયાર કરી હતી. રશિયાએ પણ આતંકવાદીઓ સાથે મંત્રણા નહીં કરવાની નીતિ અપનાવી છે (બેસ્લાનની હૉસ્ટેજ કટોકટી યાદ છેને? આ ઘટનામાં એક સ્કૂલના હજારો બાળકોને બંદી બનાવનારા તમામ આતંકવાદીઓને રશિયાએ મારી નાખ્યા હતા). ભૂતકાળમાં જર્મની (રેડ આર્મી જૂથ), ઇટલી (રેડ બ્રિગેડ જૂથ) અને બ્રિટને (ઉત્તર આયર્લેન્ડ) મંત્રણા નહીં કરવાની નીતિ અપનાવીને આતંકવાદી જૂથોને સફળતાપૂર્વક નાથ્યાં હતાં. તેમણે ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકાઓમાં ગુપ્તચરોની મદદથી સર્જિકલ હુમલાઓ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી હતી. તેમના આ કડક વલણને કારણે આજે આ આતંકવાદી સંગઠનો અસ્તિત્વ ગુમાવી ચૂક્યાં છે.

એ વાતમાં કોઈ શંકા નથી કે હજી એવા સંખ્યાબંધ દેશો છે જેઓ આતંકવાદીઓ સાથે મંત્રણાઓ કરે છે, પરંતુ આપણી જેમ નહીં. મંત્રણાઓ પાછળ તેમનો ઇરાદો ફક્ત સમય પસાર કરવાનો હોય છે, જેથી આતંકવાદીઓની માગણીઓને વશ ન થવા બચાવ-કામગીરીની તૈયારી કરી શકાય; પરંતુ ફરી એક વાર આ પ્રકારની મંત્રણાઓ માટે સફળતાનું કોઈ વાજબી કારણ હોવું જોઈએ. આ માટે ઉચ્ચ કાર્યદક્ષતા ધરાવતી ગુપ્તચર ટીમના સમર્થન સાથે ચોક્કસ ક્ષેત્રમાં નિપુણતા ધરાવતા કુશળ લોકોની પણ જરૂર પડે છે. દુર્ભાગ્યે ભારત પાસે આ પ્રકારની કોઈ નિપુણતા નથી અને આવી સ્થિતિમાં મંત્રણાઓ આતંકવાદીઓની માગણીઓને શરણે જવાની ફરજ પાડે છે. પાકિસ્તાનની દગાબાજીના ઇતિહાસ પર નજર નાખીએ તો મંત્રણા નહીં કરવાની નીતિની જરૂરિયાત આજે તર્કપૂર્ણ બની રહી છે. ૧૯૯૯માં પાકિસ્તાને લાહોર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને કાશ્મીરમુદ્દાના શાંતિપૂર્ણ દ્વિપક્ષીય ઉકેલ માટે સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ એના ત્રણ જ મહિના પછી કારગિલ યુદ્ધ થયું હતું. એવી જ રીતે ૨૦૦૧ની આગ્રા સમિટના બે જ મહિના પછી ભારતની સંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બન્ને દેશો વચ્ચે મંત્રણાઓ ફરી શરૂ થઈ ત્યારે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં હુમલાની એક નવી શ્રેણી શરૂ થઈ ગઈ હતી. આટલી બધી શાંતિમંત્રણાઓ છતાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સુધારો આવ્યો નથી. એકલા ૨૦૧૨માં સરહદપારથી ગોળીબારની ૭૦ કરતાં વધુ ઘટનાઓ, પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ અને હુમલામાં છેલ્લા બે દાયકામાં ૫૦,૦૦૦થી વધુ લોકોનાં મોત અને સમગ્ર દેશમાં ૧૫૦થી વધુ આતંકવાદી જૂથોની સક્રિયતાને કેવી રીતે ઉચિત ગણાવી શકાય?

સમયની સાથે હવે આતંકવાદ પરંપરાગત બૉમ્બવિસ્ફોટો સુધી મર્યાદિત રહ્યો નથી. દેશની સરહદમાં થતી ગેરકાયદે ઘૂસણખોરીને પણ આતંકવાદી હુમલો જ ગણવો જોઈએ. ભારતને આપણી મંત્રણા નહીં કરવા અને ઝીરો ટૉલરન્સના વલણને વ્યાખ્યાયિત કરતી આતંકવાદવિરોધી નીતિની તાતી જરૂર છે. સમય આવી પહોંચ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK