નેતાઓના નાકમાં દમ કરતા સુબ્રહ્મણ્યમ સ્વામીને ઓળખો

પોતાનાં નિવેદનોને કારણે અથવા તો પોતાના આક્ષેપોને કારણે BJPના વરિષ્ઠ સંસદસભ્ય સુબ્રહ્મણ્યમ સ્વામી સતત ન્યુઝમાં ચમકતા રહે છે. થોડા સમય પહેલાં સુધી તેમણે ગાંધીપરિવારના નાકમાં દમ કરી રાખ્યો હતો, પરંતુ અચાનક તેમણે પોતાની તોપનું નાળચું ફેરવીને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર રઘુરામ રાજન પર તાક્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે રઘુરામ રાજન પૂરા ભારતીય નથી અને અમેરિકન ગ્રીન કાર્ડ ધરાવે છે, જેથી તેમને ગવર્નરપદેથી હટાવી દેવા જોઈએ. આવા બટકબોલા રાજકારણી પાછા ભારે વિચક્ષણ છે અને જાણવા જેવા માણસ છે

swamy


હાર્વર્ડ યુનિવર્સિટીમાં PhD કરતી વખતે સ્વામીની મુલાકાત ડૉક્ટરેટ સ્ટુડન્ટ પારસી રોક્સાના સાથે થઈ અને બન્ને પતિ-પત્ની બન્યાં.

સ્વામીની મોટી દીકરી ગીતાંજલિએ MITના પ્રોફેસર સાથે લગ્ન કર્યા છે, જ્યારે નાની દીકરી સુહાસિની હૈદર ટીવી-જર્નલિસ્ટ છે.

નરેન્દ્ર મોદીની જેમ ઇમર્જન્સી વખતે સુબ્રહ્મણ્યમ સ્વામીએ પણ સિખ સરદાર તરીકે વેશપલટો કરેલો.

મોરારજી દેસાઈ સાથે સુબ્રહ્મણ્યમ સ્વામી.

દોઢ ડઝન પુસ્તકોના લેખક સ્વામીના ટ્વિટર ફૉલોઅર્સની સંખ્યા પણ ૨૭ લાખ જેટલી છે.


સુબ્રહ્મણ્યમ સ્વામીનો જન્મ ૧૯૩૯માં ચેન્નઈના માયલાપોરમાં ટેમ-બ્રાહ્મ કહેવાતા તામિલ બ્રાહ્મણ પરિવારમાં થયેલો. આ જ કારણથી તેમનું ટ્વિટર-હૅન્ડલ પણ swamy39 છે. તેમના પિતા સીતારામ સુબ્રહ્મણ્યમ ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ સર્વિસના પાસઆઉટ અને સેન્ટ્રલ સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર રહી ચૂક્યા હતા. જોકે સ્વામી માત્ર છ મહિનાના હતા ત્યારે જ તેમનો પરિવાર દિલ્હી સ્થાયી થઈ ગયેલો. પિતા ઊંચા દરજ્જાના બ્યુરોક્રેટ હોવાને કારણે કે. કામરાજ, સી. રાજગોપાલાચારી જેવા અગ્રણી રાજકીય નેતાઓની તેમના ઘરે આવ-જા રહેતી.

દિલ્હીની ખ્યાતનામ હિન્દુ કૉલેજમાં તેમણે ગણિતમાં માસ્ટરની ડિગ્રી મેળવી. સમગ્ર દિલ્હી યુનિવર્સિટીમાં તે ત્રીજા નંબરે આવ્યા હતા. એ પછી કલકત્તાની ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને આંકડાશાસ્ત્રમાં ફરી પાછું માસ્ટર કર્યું. ત્યાંથી પછી પોતાનું લોકેશન ચેન્જ કરીને ૧૯૬૫માં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીની વાટ પકડી. ત્યાં તેમણે અર્થશાસ્ત્રમાં PhD કર્યું. એ વખતે તેમના ગાઇડ પણ અર્થશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક જીતી ચૂકેલા રશિયન અર્થશાસ્ત્રી સિમોન કઝેન્સ હતા. PhD થયા ત્યારે સ્વામીની ઉંમર માત્ર ૨૪ વર્ષ જ હતી. તેમનો ડૉક્ટરેટનો અભ્યાસ ચાલતો હતો એ દરમ્યાન જ સ્વામીએ ન્યુ યૉર્ક ખાતેના સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરિયેટમાં અસિસ્ટન્ટ ઇકૉનૉમિક્સ અફેર્સ ઑફિસરની ફરજ બજાવી હતી. એ પછી માત્ર ૨૭ વર્ષની ઉંમરે હાર્વર્ડ યુનિવર્સિટીમાં રેસિડન્ટ ટ્યુટર પણ બન્યા હતા.

અર્થશાસ્ત્રના સામાન્ય લોકો માટે બોરિંગ વિષયમાં ભણતાં-ભણતાં એક રસપ્રદ વાત એ થઈ કે હાર્વર્ડમાં જ સ્વામીની મુલાકાત રોક્સાના નામની ભારતીય પારસી યુવતી સાથે થઈ. રોક્સાના ત્યાં ગણિતમાં PhD કરી રહી હતી. બન્ને પ્રેમમાં પડ્યાં અને એક જ વર્ષ પછી ૧૯૬૬માં પરણી પણ ગયાં. થોડા સમય પછી રોક્સાનાએ જોકે ગણિતને અલવિદા કહીને કાયદાની વાટ પકડી લીધી અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરવા માંડી. ઓછી ચર્ચાતી વાત છે કે સુબ્રહ્મણ્યમ સ્વામીને બે દીકરીઓ છે, ગીતાંજલિ અને સુહાસિની. ગીતાંજલિએ મૅસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (MIT)ના પ્રોફેસર સંજય શર્મા સાથે લગ્ન કર્યા છે, જ્યારે નાની દીકરી સુહાસિની વ્યવસાયે ટીવી-જર્નલિસ્ટ છે અને તેણે ભારતના ભૂતપૂર્વ વિદેશસચિવ સલમાન હૈદરના દીકરા નદીમ હૈદર સાથે લગ્ન કર્યા છે.

ચાર વર્ષ એટલે કે ૧૯૬૯ સુધી હાર્વર્ડમાં નોકરી કર્યા બાદ ભવિષ્યના નોબેલ પારિતોષિક વિજેતા અમત્યર્‍ સેને સ્વામીને દિલ્હી સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં ચાઇનીઝ સ્ટડીઝની ચૅર પર કામ સ્વીકારવા આમંત્રણ આપ્યું. આ નવો હોદ્દો તેમણે સ્વીકાર્યો, પરંતુ પાછળથી ફ્રી-માર્કેટના તરફદાર એવા સ્વામીના ભારતની ત્યારની આર્થિક તથા ન્યુક્લિયર પૉલિસી વિશેના વિચારો બહાર આવ્યા એટલે વાત જામી નહીં. એ વખતે ભારત હજી નેહરુયુગમાં હતું અને સમાજવાદી વિચારોના રંગે રંગાયેલું હતું.

ત્યાં મેળ ન પડ્યો એટલે સ્વામીએ પોતાનું સુકાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી-દિલ્હી તરફ વાળ્યું અને ત્યાં મૅથેમૅટિકલ ઇકૉનૉમિક્સના ફુલટાઇમ પ્રોફેસર બની ગયા. ત્યાં તેમણે ખાસ્સા બે દાયકા ઉપરાંત એટલે કે બાવીસ વર્ષ પ્રોફેસરી કરી. જોકે આ નોકરી જૉઇન કર્યાનાં થોડાં જ વર્ષમાં ત્યાંના બોર્ડ ઑફ ગવર્નરોએ સ્વામીને હટાવવાની પેરવી કરી, પરંતુ છેક સુપ્રીમ કોર્ટ સુધી લડીને સ્વામીએ સત્તાવાર રીતે પોતાનું સ્થાન મેળવી લીધું. ઈવન પોતે પણ બોર્ડ ઑફ ડિરેક્ટરોમાં સામેલ થઈ ગયેલા. સાથોસાથ છેક હમણાં ૨૦૧૧ સુધી તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં પણ ઇકૉનૉમિક્સમાં ઉનાળુ ર્કોસમાં ભણાવવા જતા હતા. ઍકૅડેમિક્સમાં આજની તારીખે પણ તેઓ કોચીની સ્કૂલ ઑફ કમ્યુનિકેશન ઍન્ડ મૅનેજમેન્ટ સ્ટડીઝના ચૅરમૅન છે.

સિત્તેરના દાયકાની શરૂઆતમાં જ્યારે તેમને ત્ત્વ્માંથી હાંકી કાઢવામાં આવ્યા ત્યારથી જ રાજકારણમાં તેમની એન્ટ્રી થઈ ગયેલી. જનતા પાર્ટીમાં તેમણે જયપ્રકાશ નારાયણ સાથે કામ કર્યું. ‘તહલકા’ સાપ્તાહિક નોંધે છે કે સ્વામીની ઉદારવાદી આર્થિક નીતિઓ ઇન્દિરા ગાંધીને માફક ન આવી. ઇન્દિરા ગાંધીએ તો સ્વામીને અવાસ્તવિક વિચારો સાથેના સૅન્ટા ક્લૉઝ કહીને ઉતારી પાડેલા. એ પછી ઇન્દિરા ગાંધીના કટ્ટર ટીકાકાર બની ગયેલા સ્વામીએ સાંગોપાંગ રાજકારણમાં ઝંપલાવી દીધું અને તત્કાલીન જનસંઘ પાર્ટીએ ૧૯૭૪માં તેમને રાજ્યસભામાં મોકલ્યા. ૧૯૭૪થી ૧૯૯૯ સુધી કુલ પાંચ વખત ચૂંટાયા છે. એમાં બે વખત રાજ્યસભા અને ત્રણ વખત લોકસભામાં ચૂંટાયા છે. હમણાં ૨૦૧૬માં તેમણે નૉમિનેટેડ કૅટેગરીમાંથી રાજ્યસભામાં એન્ટ્રી મારી છે. ૨૦૧૩માં જનતા પાર્ટી જ્યારે BJPમાં મર્જ થઈ ત્યાં સુધી સ્વામી એના પ્રમુખ પણ રહ્યા હતા. એ પછી તેમણે સત્તાવાર રીતે BJPમાં પ્રવેશ કર્યો.

ઇન્દિરા ગાંધી પ્રેરિત ૧૯૭૫થી ૧૯૭૭ની કટોકટી વખતની સુબ્રહ્મણ્યમ સ્વામીની દાસ્તાન પણ કોઈ થ્રિલર ફિલ્મ જેવી જ છે. ઇમર્જન્સીમાં સ્વામીના નામનું ધરપકડનું વૉરન્ટ નીકળેલું, પરંતુ સ્વામી અમેરિકાના મિશિગનમાં પોતાના એક બિઝનેસમૅન મિત્રને ત્યાં જતા રહેલા. ૧૯૭૬માં ઇમર્જન્સી ચાલુ હતી ત્યારે રાજ્યસભાના સભ્ય તરીકે દિલ્હી આવ્યા અને સત્રમાં હાજરી પણ આપી. સત્ર સ્થગિત થયું અને પોતાની ધરપકડ થાય એ પહેલાં તેઓ ફરી પાછા ઊડી ગયા. એ વખતે સ્વામીને રાજ્યસભામાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હતા. ઇમર્જન્સી વખતે સ્વામીએ પણ પંજાબી સરદારનો વેશપલટો કરેલો.

૧૯૯૦-’૯૧માં કેન્દ્રમાં ચંદ્રશેખરની સરકાર હતી ત્યારે સ્વામી કૉમર્સ ઍન્ડ લૉ મિનિસ્ટર તથા પ્લાનિંગ કમિશનના ચેરમૅન પણ હતા. પોતાના એક પુસ્તકમાં સ્વામીએ દાવો કર્યો છે કે એ જ વખતે તેમણે ભારતમાં આર્થિક સુધારાનાં બીજ વાવ્યાં હતાં અને ખુદ ડૉ. મનમોહન સિંહે એનો સ્વીકાર કર્યો છે.

સુબ્રહ્મણ્યમ સ્વામીની એક ઓળખ પિટિશન સ્વામી તરીકેની પણ છે. તેમણે અસંખ્ય મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટમાં પિટિશનો કરી છે અને 2G સ્પેક્ટ્રમ કૌભાંડ જેવાં સ્કૅમ પણ પ્રકાશમાં લાવ્યાં છે. ૧૯૯૬માં તેમણે જયલલિતા સામે બેહિસાબ સંપત્તિનો કેસ માંડ્યો અને એમાં જયલલિતાને ચાર વર્ષની સજા થયેલી. રાજકારણીઓના ફોન ટૅપ કરાવવાના પ્રકરણમાં ૧૯૮૮માં તેમને લીધે રામકૃષ્ણ હેગડેએ ખુરસી છોડવી પડી હતી. ૧૯૮૭માં મેરઠના હાશિમપુરામાં પોલીસ-કસ્ટડીમાં થયેલા મુસ્લિમ યુવાનોનાં મોત સામે સ્વામી જંતરમંતર પર અઠવાડિયું ઉપવાસ પર બેઠા હતા, પરંતુ તેમનો સૌથી સનસનાટીભરેલો ખુલાસો એટલે નવેમ્બર-૨૦૦૮નો 2G સ્પેક્ટ્રમ કૌભાંડ. તેમણે તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને પાંચ પત્ર લખીને એ. રાજાની સામે એ કૌભાંડમાં કેસ ચલાવવાની માગણી કરી. એના પર કોઈ પ્રતિક્રિયા ન આવી એટલે સ્વામીએ જાતે જ સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો અને CBIની તપાસની માગણી કરી. ઈવન ત્યારના કમ્યુનિકેશન્સ મિનિસ્ટર કપિલ સિબલની સામેલગીરી વિના 2G ટેલિકૉમ સ્પેક્ટ્રમની નવેસરથી હરાજી કરાવવાની પણ માગણી કરી. એ કૌભાંડ સ્વતંત્ર ભારતનું સૌથી મોટું કૌભાંડ ગણાય છે. તેમણે તો સોનિયા ગાંધી, ગૃહપ્રધાન પી. ચિદમ્બરમ સહિત પ્રાઇમ મિનિસ્ટર ઑફિસ સામે પણ કાર્યવાહી ચલાવવાની માગણી કરેલી. સ્વામીની પિટિશનગીરીને કારણે જ એ. રાજાએ સારોએવો સમય તિહાડ જેલમાં કાઢવો પડેલો.

૧૯૯૭માં સ્વામીએ જૉઇન્ટ સેક્રેટરી કે એનાથી ઉપરના હોદ્દે રહેલા અધિકારીઓ સામે ભ્રક્ટાચારના આરોપોની તપાસ માટે CBIએ વડા પ્રધાન કાર્યાલયમાંથી પરવાનગી લેવી પડે એવી જોગવાઈ સામે પણ સુપ્રીમમાં પિટિશન ફાઇલ કરેલી, જેને પાંચ જજોની બેઠકે ગેરબંધારણીય ઠેરવેલી. ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીનમાં છેડછાડ થઈ શકે છે એવું કહીને તેમણે એની દેખરેખ માટે એક સ્વતંત્ર કમિટી નીમવાની અરજી કરેલી, જે દિલ્હી હાઈ કોર્ટે ફગાવી દીધેલી.

૨૦૧૨માં સ્વામીએ ધડાકો કર્યો કે સોનિયા અને રાહુલ ગાંધીએ પોતાની એક યંગ ઇન્ડિયા કંપની વતી ‘નૅશનલ હેરલ્ડ’ અખબાર માટે દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે જમીનો હડપીને ૨૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કરેલું. હવે સ્વામી એવો દાવો કરે છે કે તેઓ માતા-પુત્રની જોડીને જેલમાં મોકલીને જ જંપશે.

આજથી પાંચ વર્ષ પહેલાં તેમણે ઍક્શન કમિટી અગેઇન્સ્ટ કરપ્શન ઇન ઇન્ડિયાની સ્થાપના કરીને વિદેશોમાં જમા થઈ રહેલું કાળું નાણું પાછું લાવવાની કવાયતનું બ્યુગલ ફૂંકેલું. તેમણે અયોધ્યામાં બાબરી મસ્જિદના વિવાદિત સ્થળે રામ મંદિર સ્થાપવાની માગણી કરતી પિટિશન પણ કરેલી છે અને ચીન સાથે સંબંધો સામાન્ય કરીને કૈલાશ માનસરોવર યાત્રા ફરીથી શરૂ કરાવવાનું શ્રેય પણ લેવાની કોશિશ કરી છે. એ પછી શ્રીલંકાની તામિલ વ્યાઘ્રો સામેની લડાઈ હોય કે કાશ્મીરનો મુદ્દો હોય, ૨૦૧૧ના મુંબઈ બૉમ્બ-બ્લાસ્ટ હોય કે રામસેતુ પર બની રહેલી સેતુસમુદ્રમ શિપિંગ કનૅલ પ્રોજેક્ટનો વિરોધ હોય, સ્વામી સતત પોતાનાં વિવાદાસ્પદ બયાનો અને કાયદાકીય કાર્યવાહીને કારણે વિવાદમાં આવતા રહ્યા છે.

દોઢ ડઝન પુસ્તકોના લેખક સ્વામી અખબારોમાં પણ સતત લખતા રહે છે. ઈવન સોશ્યલ મીડિયા પર પણ અત્યંત સક્રિય એવા સ્વામીના ૨૭ લાખ જેટલા ફૉલોઅર્સ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK