એક દંતકથા રજનીકાન્ત

રજનીકાન્તની નવી ફિલ્મ કબાલી આજે રિલીઝ થઈ રહી છે. અપેક્ષા પ્રમાણે જ આ ફિલ્મે જબરદસ્ત હાઇપ ઊભો કર્યો છે. સુપરસ્ટાર રજનીકાન્તના ફૅન પોતાના ભગવાનની આ નવી ફિલ્મ જોવા માટે તલપાપડ બન્યા છે ત્યારે રજનીકાન્તના દંતકથારૂપ સ્ટારડમની ચર્ચા ફરી એક વાર છેડાઈ ચૂકી છે

rajnikant


સફેદ દાઢી અને આંખો પર ડાર્ક ગૉગલ્સ ધરાવતો રજનીકાન્તની નવી ફિલ્મ ‘કબાલી’નો ફસ્ર્ટ લુક રિલીઝ થયો ત્યારથી જ આ ફિલ્મ ચર્ચાના સાતમા આસમાને પહોંચી ગયેલી. હવે ફાઇનલી આ શુક્રવારે આ ફિલ્મ થિયેટરોમાં આવી રહી છે. રજનીકાન્તના ચાહકોએ ઑલરેડી તેમની આ ફિલ્મને હાઉસફુલનાં પાટિયાં મરાવી દીધાં છે. આ ફિલ્મ બાબતે લોકોનો ક્રેઝ કેવો છે એનો અંદાજ એ વાત પરથી જ આવી જાય છે કે ચેન્નઈનાં કેટલાંક થિયેટરોએ ‘કબાલી’ની ટિકિટોનું ઑનલાઇન બુકિંગ શરૂ કર્યું એની ગણતરીની મિનિટોમાં જ બધા શો હાઉસફુલ થઈ ગયા. એ પણ માત્ર શુક્રવારના જ નહીં, બલકે આખા પહેલા અઠવાડિયાના શોની મોટા ભાગની ટિકિટો વેચાઈ ચૂકી છે. આ ક્રેઝ જોઈને કેટલાંય મલ્ટિપ્લેક્સોમાં ટિકિટ-બુકિંગ શરૂ જ નથી કરવામાં આવ્યું.

મોટા ભાગના લોકોને પહેલા દિવસે અથવા તો શક્ય એટલી વહેલી આ ફિલ્મ જોઈ નાખવી છે. લોકોના આ ક્રેઝને જોઈને અમુક નાનાં થિયેટરોએ તો સવારે ૪ વાગ્યાના અને ત્યાર પછી સવારે ૭ વાગ્યાના શો પણ રાખ્યા છે. વળી એ શો પણ ક્યારનાયે હાઉસફુલ થઈ ચૂક્યા છે. ચેન્નઈના એક મલ્ટિપ્લેક્સે સોમવારે રાત્રે ૧ વાગ્યે ‘કબાલી’નું બુકિંગ શરૂ કર્યું, તો એ પણ થોડી વારમાં જ હાઉસફુલની લાલ બત્તી બતાવવા માંડ્યું. એનું એક કારણ એ પણ છે કે પાર વિનાના લોકો બ્લૉક-બુકિંગ કરાવી રહ્યા છે. મતલબ કે એકસાથે સંખ્યાબંધ ટિકિટો ખરીદી રહ્યા છે. ફિલ્મોની ટિકિટો બુક કરી આપતી વેબસાઇટો પર પણ જબરદસ્ત ધસારો જોવા મળી રહ્યો છે.

કંપનીઓના માલિકોને પણ રજનીકાન્તના આ ક્રેઝની ખબર છે એટલે જ તેમણે રિલીઝના દિવસે એટલે કે શુક્રવારે કંપનીમાં સત્તાવાર રીતે રજા જાહેર કરી દીધી છે. આ રીતે રજાનું એલાન કરતા પરિપત્રની તસવીરો સોશ્યલ મીડિયામાં ઑલરેડી વાઇરલ થઈ ચૂકી છે. ટૂંકમાં કહીએ તો, શુક્રવારનો દિવસ ચેન્નઈ સહિત સમગ્ર તામિલનાડુમાં બિનસત્તાવાર રીતે રજનીકાન્તવાર કે થલઈવાવાર હશે.


શિવાજીરાવ ગાયકવાડ જેવું ઓરિજિનલ નામ ધરાવતો ૬૫ વર્ષનો આ ઍક્ટર માત્ર વ્યક્તિ નથી, હવે તે એક ઘટના, એક દંતકથા બની ચૂક્યો છે. જન્મે મરાઠી અને જન્મસ્થળ બૅન્ગલોર (કર્ણાટક) હોવા છતાં તે હવે નખશિખ તામિલ ગણાય છે. હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર અદેખાઈથી બળી મરે અને વિરાટ પહાડ સામે કીડી જેવા વામન લાગવા માંડે એવી પ્રચંડ લોકપ્રિયતા રજનીકાન્ત ભોગવી રહ્યા છે. તેમનો ક્રેઝ કેવો છે એ સમજવા માટે કોઈ પણ શબ્દ કાફી નથી. એ માટે તેમની રિલીઝ વખતે તેમના જ હાર્ટલૅન્ડ એવા ચેન્નઈના કોઈ સિંગલ સ્ક્રીન થિયેટરમાં જઈને જોવું પડે. ફિલ્મનું સેન્સરબોર્ડ આવે ત્યારથી જ તેમના ચાહકો થિયેટરની અંદર નાચવાનું શરૂ કરી દે. તેમનું નામ ફિલ્મના પડદે આખી સ્ક્રીન રોકી લે એવા મોટા અક્ષરોમાં લખાયેલું આવે. તેમના નામ પહેલાં સુપરસ્ટાર એવો પ્રત્યય અવશ્ય લાગેલો હોય. તેમનું નામ ડિસ્પ્લે થાય એ વખતે પૈસાનો-સીટીઓનો-ચિચિયારીઓનો વરસાદ થાય એ બધું હવે રૂટીન બની ગયું છે. થિયેટરોની બહાર તેમનાં જાયન્ટ સાઇઝનાં કટઆઉટ્સ મૂકવામાં આવે, એને હારતોરા કરવામાં આવે, તેમનાં પોસ્ટર-કટઆઉટ્સને દૂધથી નવડાવવામાં આવે એ વિધિ પણ હવે તેમની દરેક ફિલ્મની રિલીઝ પહેલાં અનિવાર્ય ગણવામાં આવે છે.

૨૦૦૭માં રજનીકાન્તની ફિલ્મ ‘શિવાજી’ રિલીઝ થયેલી. ફિલ્મ તો જાણે સુપરહિટ ગયેલી. એ ફિલ્મમાં રજનીકાન્તના પાત્રને સૉફ્ટવેર એન્જિનિયર બતાવવામાં આવ્યું છે. ‘શિવાજી’ની સફળતા પછી એક ટ્રેન્ડ એ જોવા મળ્યો કે તામિલનાડુના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓને રાતોરાત સૉફ્ટવેર એન્જિનિયરિંગના અભ્યાસમાં રસ પડવા લાગ્યો હતો. કમ્પ્યુટર સૉફ્ટવેરના ર્કોસમાં ઍડ્મિશન લેનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. આ ઘટનાક્રમને ઑબ્ઝર્વ કરનારા જૉયજિત પાલ નામના કમ્પ્યુટર-એક્સપર્ટને રજનીકાન્તના ચાહકોની લાઇફ પર એક ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. આખરે જૉયજિત પાલે એ ડૉક્યુમેન્ટરી પ્રોડ્યુસ કરી અને રિન્કુ કાલ્સી નામની ભારતીય-ડચ ફિલ્મમેકરે ગયા વર્ષે ‘ફૉર ધ લવ ઑફ અ મૅન’ નામની ૮૨ મિનિટની ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી. આ દસ્તાવેજી ફિલ્મમાં રજનીકાન્તના ચાહકોના વિશ્વમાં ડોકિયું કરવામાં આવ્યું છે. આ ફિલ્મ વેનિસ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.

પૈસાદાર બિઝનેસમૅનથી લઈને ગૅસના બાટલા ઘરે-ઘરે પહોંચાડતા શ્રમિક વર્ગના લોકો સુધી રજનીકાન્તના ચાહકો વિસ્તરેલા છે, પરંતુ માત્ર ચાહક હોવું અને રજનીકાન્તના ચાહક હોવું એ બન્નેમાં આસમાન-જમીનનો ફરક છે. તામિલનાડુના ખૂણેખૂણાનાં ગામડાંઓમાં રજનીકાન્તની સત્તાવાર-બિનસત્તાવાર ફૅન ક્લબો ધમધમે છે. એ ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં કહ્યા પ્રમાણે એન. રવિ નામનો તેમનો ચાહક રજનીસરની દરેક ફિલ્મની રિલીઝ પહેલાં તામિલનાડુના વેલ્લુર જિલ્લામાં આવેલા શોલિંગુર લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરે ફિલ્મની સફળતાની પ્રાર્થના કરવા જાય છે. જો એ વાતમાં કશું આશ્ચર્ય ન લાગતું હોય તો જસ્ટ જાણ માટે કે શોલિંગુર મંદિર ઊંચી ટેકરીની ટોચ પર આવેલું છે, જ્યાં સુધી પહોંચવા માટે ૧૩૦૦ પગથિયાં ચડવાં પડે છે. નાની ઉંમરે માતાપિતા ગુમાવી દેનારા એન. રવિ અને તેના ભાઈએ રજનીકાન્તને પોતાનાં માબાપ માન્યા છે એટલે દર વર્ષે હજારો રૂપિયા ખર્ચીને રજનીકાન્તનો જન્મદિવસ ઊજવે છે એટલું જ નહીં, ૨૦૧૧માં જ્યારે રજનીકાન્તની તબિયત અચાનક બગડેલી અને તેમને સિંગાપોરમાં આવેલી માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં ખસેડવા પડેલા એ વખતે આ એન. રવિ પણ ડિપ્રેશનમાં સરી પડેલો. તે ઊંઘમાં પણ રજનીકાન્ત વિશે બબડતો રહેતો. આખરે જ્યારે તે પોતે રજનીકાન્તને જ્યાં દાખલ કરેલા એ માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલ જઈ આવ્યો ત્યારે જ તેની તબિયત પણ સુધારા પર આવી હતી. આજે પણ એ તબક્કાની વાત કરતાં-કરતાં એન. રવિ રડી પડે છે.

દુનિયાદારીના લૉજિકથી વિચારીએ તો રજનીકાન્તના ફૅન્સની આવી વર્તણૂક વધુ પડતી ઇમોશનલ લાગે, પરંતુ સામાન્ય સંજોગોમાં મજૂરી કરીને ખાતા હોય છતાં પોતાનું ઘર વેચીને રજનીકાન્ત ફૅન ક્લબ માટે હજારો રૂપિયા વાપરી નાખતા લોકોની પણ કોઈ કમી નથી. રજનીસરના ફૅનમાં કોઈ માણસ દિવસે પ્લમ્બર તરીકે કામ કરતા હોય, પરંતુ રાત્રે કે તહેવારોમાં-મેળામાં રજનીકાન્તની મિમિક્રી કરીને સ્થાનિક સ્તરે સેલિબ્રિટીનો દરજ્જો ભોગવતા હોય એવા લોકો પણ પુષ્કળ છે. રજનીકાન્તની અસર હેઠળ ગૅન્ગસ્ટરમાંથી ગુનાખોરીની દુનિયા છોડીને મગફળી વેચવા જેવું મહેનતનું પરંતુ પ્રામાણિકતાનું કામ કરનારા લોકોનો પણ સમાવેશ છે. આજે ‘કબાલી’નું ટિકિટ-બુકિંગ શરૂ થાય અને ગણતરીની મિનિટોમાં જ બધી ટિકિટો બુક થઈ જાય એનું એક કારણ આ ફૅન ક્લબો પણ છે. આ ફૅન ક્લબના સભ્યો સાથે મળીને પોતાના ભગવાનની ફિલ્મ જોવા જાય છે એટલે જ તેમના બ્લૉક-બુકિંગને લીધે શો ફુલ થઈ જાય છે. અલબત્ત, દક્ષિણનાં રાજ્યોમાં અને એમાંય ખાસ કરીને તામિલનાડુમાં રજનીકાન્તના ચાહકોની દીવાનગી કંઈ પહેલવહેલી નથી. પેરિયાર, એમ. જી. રામચંદ્રન, એન. ટી. રામારાવ, ચિરંજીવી, કમલ હાસન, વિજયકાન્ત વગેરે તમામ કલાકારો આ સ્ટારડમ ભોગવી ચૂક્યા છે; પરંતુ રજનીકાન્તનો ક્રેઝ અત્યંત લાંબા ગાળાનો પુરવાર થયો છે એટલું જ નહીં, નવી સદીમાં ફેસબુક જેવા સોશ્યલ મીડિયામાં પણ રજનીકાન્તના નવા ફૅન અને નવી વચ્યુર્‍અલ ફૅન ક્લબો ઊભી થઈ છે. એટલે જ આજે તેમની ફૅન ક્લબો તામિલનાડુના ભૌગોલિક સીમાડા વળોટીને દેશ-વિદેશમાં પણ અસ્તિત્વ ધરાવવા લાગી છે. ૨૦૧૪માં જ્યારે રજનીકાન્તે પોતાનું પહેલું ઑફિશ્યલ ટ્વિટર-અકાઉન્ટ ખોલ્યું ત્યારે પહેલા ૨૪ કલાકમાં જ તેમના ફૉલોઅર્સની સંખ્યા ૨.૧૦ લાખને વટાવી ગયેલી.

સોશ્યલ મીડિયા રિસર્ચ કંપનીઓના કહેવા પ્રમાણે કોઈ પણ ભારતીય સેલિબ્રિટી માટે આ એક રેકૉર્ડ હતો. જ્યારે આ સ્પીડમાં રજનીકાન્તને વિશ્વની ટૉપ-ટેન સેલિબ્રિટીઓમાં મૂકી આપેલા.

બૅન્ગલોરમાં આવેલી આચાર્ય પાઠશાળા પબ્લિક સ્કૂલમાં છઠ્ઠા ધોરણથી હાઈ સ્કૂલ સુધીનો અભ્યાસ કરનારા રજનીકાન્તે એ વખતે સ્કૂલમાં ભજવાતાં સંખ્યાબંધ નાટકોમાં કામ કરેલું, પરંતુ સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ બૅન્ગલોર અને (એ વખતે) મદ્રાસમાં કૂલી અને સુથાર જેવાં અનેક નાનાંમોટાં કામ કરનારા શિવાજીરાવ ગાયકવાડને બૅન્ગલોર ટ્રાન્સપોર્ટ સર્વિસમાં બસ-કન્ડક્ટરની નોકરી મળી ગઈ. એ વખતે ત્યાંનાં સ્થાનિક નાટકોમાં રજનીકાન્તે ઍક્ટિંગ કરવાનું ચાલુ રાખ્યું. ઈવન તેમણે ઘરના લોકોની ઇચ્છા વિરુદ્ધ પણ મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ જૉઇન કરી હતી. ત્યાં અભ્યાસ કરતી વખતે એક સ્ટેજ-પ્લેમાં પર્ફોર્મ કરતા શિવાજીરાવને જોઈને ઑડિયન્સમાં બેઠેલા તામિલ ફિલ્મ-ડિરેક્ટર કે. બાલાચંદર પ્રભવિત થઈ ગયા હતા. આ એ જ કે. બાલાચંદર છે જેમણે પછીથી કમલ હાસન-રતિ અગ્નિહોત્રી સ્ટારર હિન્દી સુપરહિટ ફિલ્મ ‘એક દૂજે કે લિએ’ બનાવી હતી એટલું જ નહીં, એમ. જી. રામચંદ્રનને પહેલો બ્રેક આપનારા કે. બાલાચંદરે જ કમલ હાસન, ચિરંજીવી, જયા પ્રદા, નાસિર, પ્રકાશ રાજ જેવાં કલાકારોની કારકિર્દી ઘડી હતી. એ જ ડિરેક્ટરે રજનીકાન્તને પોતાની ૧૯૭૫માં આવનારી ફિલ્મ ‘અપૂર્વ રાગંગલ’માં રજનીકાન્તને પત્નીની મારઝૂડ કરતા પતિનો નાનકડો રોલ આપ્યો. આ રોલ નાનકડો હતો, પરંતુ એનાથી એક સુપરસ્ટાર નામે રજનીકાન્તનો જન્મ થયો અને ત્યાર પછી જેકંઈ થયું એ તામિલ સિનેમાનું ગ્લૉરિયસ ચૅપ્ટર છે. એક બસ-કન્ડક્ટરથી શરૂ કરીને સુપરસ્ટારની સંઘર્ષ અને સફળતાની દાસ્તાન કહેતું પ્રકરણ ‘ફ્રૉમ બસ-કન્ડક્ટર ટુ સુપરસ્ટાર’ સેન્ટ્રલ બોર્ડ ફૉર સેકન્ડરી એજ્યુકેશનમાં લેવામાં આવ્યું હતું. આ બહુમાન મેળવનારા રજનીકાન્ત એકમાત્ર ભારતીય ઍક્ટર છે.

દક્ષિણ ભારતના રાજકારણમાં લગભગ તમામ સુપરસ્ટારોએ પોતાના જબ્બર ફૅનબેઝને પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂરી કરવામાં ઉપયોગ કર્યો છે. એમાં રજનીકાન્ત પણ બાકાત નથી. ૧૯૯૫માં તત્કાલીન વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવને મળ્યા પછી રજનીકાન્તે કૉન્ગ્રેસ પાર્ટીને સપોર્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એ વખતે માત્ર રજનીકાન્તના ચાહકોના જોરે જ કૉન્ગ્રેસ પાર્ટી તામિલનાડુમાં ૧૩૦થી વધુ સીટો જીતી શકે છે એવી આગાહીઓ કરવામાં આવી હતી, પરંતુ ત્યાર પછીના વર્ષે કૉન્ગ્રેસે ત્યાંના મોટા પક્ષ ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝગમને પોતાનો ટેકો જાહેર કર્યો અને ત્યારથી રજનીકાન્તે પણ પોતાનો સપોર્ટ બદલીને તેની હરીફ પાર્ટી દ્રવિડ મુન્નેત્ર કઝગમને તથા એના જોડાણમાં રહેલી તામિલ મનિલા કૉન્ગ્રેસને સમર્થન જાહેર કરી દીધું હતું. એ વખતે ચૂંટણીમાં તામિલ મનિલા કૉન્ગ્રેસનું ચૂંટણીચિહ્ન સાઇકલ હતું. ત્યારે રજનીકાન્તનો અન્નામલાઈ ફિલ્મનો સાઇકલ ચલાવતા પોઝનો ચૂંટણીની તસવીરોમાં ભરપૂર ઉપયોગ થયો હતો. રજનીકાન્તના સ્ટારડમનો પ્રચાર કહો કે ગમે તે, પરંતુ એ વખતે આ જોડાણને જ્વલંત જીત મળી હતી. ૨૦૦૪માં રજનીકાન્તે પોતાની વફાદારી ફરીથી બદલી અને ભારતીય જનતા પાર્ટીને પોતાનો ટેકો જાહેર કર્યો. જોકે તેમણે એ સિવાય ખાસ કશો સક્રિય રસ લીધો નહોતો. એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બદલે કૉન્ગ્રેસ શાઇનિંગ થઈ અને દેશમાં તથા તામિલનાડુ બન્ને ઠેકાણે ભારતીય જનતા પાર્ટીનો રકાસ થયો.

અન્ય સ્ટાર્સની જેમ રજનીકાન્ત પણ સક્રિય રાજકારણમાં આવશે અને મુખ્ય પ્રધાનપદની ચૂંટણીમાં ઝંપલાવશે એવી સતત અટકળો થતી આવી છે, પરંતુ રજનીકાન્તે ક્યારેય એ વિશે ખોંખારીને કહ્યું નહોતું. જોકે ૨૦૦૮માં કોઇમ્બતુરથી તેમના ચાહકોએ મળીને દેસીય દ્રાવદાર મક્કલ મુન્નેત્ર કઝગમ (DDMK) નામની પાર્ટી સ્થાપી દીધી. પોતાના નામે અને પોતાના પર રાજકારણમાં આવવાનું દબાણ લાવવાના હેતુસર શરૂ થયેલી આ પાર્ટી સાથે પોતાને કશી લેવાદેવા નથી અને પોતે ફિલ્મો છોડીને રાજકારણમાં નથી આવવાના એવી એક ખુલ્લો પત્ર લખીને સત્તાવાર જાહેરાત કરી દીધી. રજનીકાન્તે પોતાના ચાહકોને આવી કોઈ હરકત ન કરવા તથા એ પાર્ટી સંકેલી લેવાનો પણ આગ્રહ કર્યો. સાથોસાથ એવી ધમકી પણ આપી કે જો આવું નહીં થાય તો હું કાયદેસરનાં પગલાં લઈશ. જોકે એ વખતે તેમણે એવું કહીને દૂધ-દહીંમાં પગ રાખ્યો હતો કે કોઈ તેમને રાજકારણમાં આવવા માટે દબાણ કરી શકે નહીં. સાથોસાથ જ્યારે તેમને રાજકારણમાં પ્રવેશવું હશે ત્યારે કોઈ તેમને એમ કરતાં રોકી પણ શકશે નહીં.

રજનીકાન્તની સ્ક્રીન-ઇમેજ લાર્જર ધેન લાઇફ છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ પોતાના વાળ વિનાના અને મેકઅપ વગરના ચહેરા સાથે અત્યંત સાદાઈથી દેખા દે છે છતાં તેમના ચાહકોના મનમાં તેમની ઇમેજમાં એક ટકાનો પણ ઘટાડો આવ્યો નથી. ૨૦૦૭માં ‘શિવાજી’ ફિલ્મ માટે ૨૬ કરોડ રૂપિયાની ફી લીધી એ વખતે રજનીકાન્ત જૅકી ચૅન પછી સૌથી વધુ ફી વસૂલતા એશિયન સ્ટાર બની ગયેલા. ૨૦૦૦માં પદ્મભૂષણ તથા ૨૦૧૬માં પદ્મવિભૂષણથી સન્માનિત રજનીકાન્તે ૧૯૮૮માં આવેલી અશોક અમૃતરાજની હૉલીવુડ ઍડ્વેન્ચર ફિલ્મ ‘બ્લડસ્ટોન’માં પણ કામ કર્યું છે. અત્યારે તેમની ફિલ્મ ‘કબાલી’ની રિલીઝ વખતે ઍરલાઇન ઍર એશિયાએ પોતાનું એક આખું વિમાન ‘કબાલી’ના રજનીકાન્તથી રંગી નાખ્યું છે. એને કબાલી ઍરક્રાફ્ટ નામ અપાયું છે. ઍરટેલ કંપનીએ કબાલી રીચાર્જ પૅક રિલીઝ કર્યું છે, જેમાં ‘કબાલી’ની રિંગટોન ફ્રી મળશે અને ચાહકો રજનીકાન્તને શુભેચ્છા પાઠવી શકશે. ટેક્સ્ટ-મેસેજ સ્વરૂપે રહેલી એ શુભેચ્છાઓનું સંકલન કરીને એક કૉફી ટેબલ બુક પણ બહાર પડશે. ચૉકલેટ બનાવતી કૅડબરી કંપનીએ સુપરસ્ટાર કા ફાઇવ સ્ટાર નામની સ્પેશ્યલ ફાઇવસ્ટાર ચૉકલેટ બહાર પાડી છે. ઈ-કૉમર્સ જાયન્ટ કંપની ઍમેઝૉન પણ કબાલી સ્પેશ્યલ કીચેઇન, વૅક્સ સ્ટૅચ્યુ, પોસ્ટર, ફોટોગ્રાફ તથા અન્ય કબાલી મર્ચન્ડાઇઝ લઈને આવી છે. રજનીકાન્તની આ ફિલ્મ દક્ષિણની અને હિન્દી ઉપરાંત ચાઇનીઝ, થાઈ, જૅપનીઝ તથા મલય જેવી ભાષાઓમાં પણ ડબ થઈને રિલીઝ થઈ રહી છે. આ જબરદસ્ત હાઇપ સામે એ પણ યાદ રાખવું જરૂરી છે કે રજનીકાન્તની છેલ્લે રિલીઝ થયેલી બન્ને ફિલ્મો ‘કોચડયાન’ અને ‘લિંગા’ બૉક્સ-ઑફિસ પર ચપ્પટ બેસી ગઈ હતી. એક સમયે પોતાની ‘બાબા’ અને ‘બાશા’ જેવી ફિલ્મો નિષ્ફળ ગઈ ત્યારે ડિસ્ટ્રિબ્યુટરોને ગયેલી ખોટના પૈસા પાછા આપી દેનારા આ સ્ટારની નવી ફિલ્મ આવી છે ત્યારે ફરી પાછો અભૂતપૂર્વ હાઇપ ઊભો થયો છે, જેના પરથી એ હિટ જશે જ એવી આગાહી ટ્રેડ-ઍનલિસ્ટો છાતી ઠોકીને કરી રહ્યા છે. આખરે એ રજનીકાન્ત છે, ગમે તે કરી શકે એમ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK