રાહુલ ગાંધી આગળ આવવાનું ટાળતા હતા, નીતિન ગડકરી ધરાર જવા તૈયાર નહોતા થતા

જોકે હવે બન્ને રાષ્ટ્રીય પક્ષના નેતાઓ અને કાર્યકરો એકના આગમનથી અને બીજાની વિદાયથી ખુશ છે

રમેશ ઓઝા

રવિવારે કૉન્ગ્રેસ માટે અને મંગળવારે બીજેપી માટે રાહતરૂપ ઘટના બની છે. કૉન્ગ્રેસીઓ કાગડોળે રાહુલ ગાંધીના આગમનની રાહ જોતા હતા અને રાહુલ ગાંધી કૉન્ગ્રેસની ધુરા સંભાળવા માટે આગળ આવવાનું ટાળતા હતા. બીજેપીમાં આનાથી જુદી સ્થિતિ હતી. બીજેપીના કાર્યકરો અને નેતાઓની ઇચ્છાની વિરુદ્ધ પક્ષપ્રમુખ નીતિન ગડકરી ધરાર જવા માગતા નહોતા. રાહુલ આવવા સામે આનાકાની કરતા હતા તો ગડકરી જવા સામે આનાકાની કરતા હતા. છેવટે રવિવારે જયપુરમાં મળેલી કૉન્ગ્રેસની ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી જવાબદારી સ્વીકારવા આગળ આવ્યા હતા. મંગળવારે નીતિન ગડકરીએ બીજેપીના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતું અને બીજી મુદત માટે પ્રમુખપદની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. બન્ને રાષ્ટ્રીય પક્ષના નેતાઓ અને કાર્યકરો એકના આગમનથી અને બીજાની વિદાયથી ખુશ છે. રાહુલ ગાંધીને કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જ્યારે નીતિન ગડકરીની જગ્યાએ બીજેપીએ રાજનાથ સિંહને ફરી એક વાર પક્ષનું અધ્યક્ષપદ આપ્યું છે.

રાહુલ ગાંધીના આગમનને કારણે કૉન્ગ્રેસની સ્થિતિમાં ફરક પડશે ખરો? મને એમ લાગે છે કે રાહુલનું આગમન જો સાચકલું હશે અને તેમણે નવી જવાબદારી સ્વીકાર્યા પછી કહેલી વાતોને વળગી રહેશે તો કૉન્ગ્રેસની સ્થિતિમાં ઘણો ફરક પડી શકે.

જવાબદારીથી દૂર ભાગ્યા છે


રાહુલનું આગમન સાચકલું છે કે કેમ એ વિશે શંકા ઉઠાવવા પાછળ કારણ છે. રાહુલ ગાંધી છેલ્લાં નવ વર્ષથી કૉન્ગ્રેસની અંદર નંબર ટૂનું સ્થાન ધરાવે છે એટલે તેમના ઉપાધ્યક્ષ બનવાથી કોઈ ફરક નથી પડતો. પ્રશ્ન તેમના સ્વભાવનો છે. કોઈ ને કોઈ કારણે રાહુલ ગાંધી જવાબદારીથી દૂર ભાગતા રહ્યા છે. માત્ર જવાબદારીથી નહીં, સંકટના સમયે પણ તેઓ આગળ આવવાનું ટાળે છે. જેમ કે ગયા વર્ષે અણ્ણા હઝારેના આંદોલન વખતે સરકાર પ્રચંડ દબાવ હેઠળ હતી ત્યારે રાહુલ ગાંધી ક્યાંય નજરે નહોતા પડ્યા. તેમનું એ સમયે લોકસભામાં કરેલું પ્રવચન પણ ખાસ વખાણવાલાયક નહોતું. વાસ્તવમાં રાહુલ ગાંધીએ ક્યારેય વિવિધ બાબતોએ નીતિ-વક્તવ્ય આપ્યું જ નથી. બીજી બાજુ ઉત્તર પ્રદેશ અને બિહાર વિધાનસભાની અઘરી ચૂંટણીનો એકલે હાથે પડકાર ઝીલવાની હિંમત પણ તેઓ બતાવી શકે છે. રાહુલ ગાંધી આમ કેમ વર્તે છે એ એક કોયડો છે.

સાચકલું આત્મનિરીક્ષણ


અચાનક રવિવારે રાહુલના પંડમાં જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીએ જાણે કે એકસાથે પ્રવેશ કર્યો હતો. નેહરુની માફક તેમણે પક્ષની, રાજકારણની અને સત્તાની ઉપયોગિતા અને મર્યાદા બતાવી આપી હતી અને ઇન્દિરા ગાંધીની માફક કૃતનિયતા પ્રગટ કરી હતી. ખાસ નોંધવાલાયક અને કૉન્ગ્રેસ માટે આશાજનક વાત એ છે કે રાહુલ ગાંધી કૉન્ગ્રેસની અંદર પરિવર્તનના પ્રતિનિધિ બનીને આગળ આવ્યા છે. તેમણે કૉન્ગ્રેસની સ્થિતિનો અને સરકારની નિષ્ફળતાનો બચાવ નહોતો કર્યો. તેમના વક્તવ્યમાં સાચકલું આત્મનિરીક્ષણ જોવા મળતું હતું અને પરિવર્તન માટેનો આગ્રહ તથા પ્રતિબદ્ધતા જોવા મળ્યાં હતાં. રાહુલ ગાંધીનો આ મૂડ અને ઇરાદો જળવાઈ રહેશે તો પક્ષનું ભવિષ્ય ઉજ્જવળ હશે. નાના-મોટા મુદ્દે લોકો હજારો અને લાખોની સંખ્યામાં રસ્તા પર ઊતરી આવે છે એનું કારણ એ છે કે દેશની પ્રજાને આજે પરિવર્તન જોઈએ છે. રાહુલ ગાંધી જો પરિવર્તનના પ્રતિનિધિ બનવાનું વલણ જાળવી રાખશે તો કૉન્ગ્રેસ સામેના ઍન્ટિ-ઇન્કમબન્સી મૂડને ખાળી શકે છે. રાહુલનું આગમન કેટલું નક્કર છે એની આવતા દિવસોમાં જાણ થઈ જશે.

ગડકરીના રાજીનામા પાછળ રાહુલ ઇફેક્ટ

રવિવારે જયપુરમાં રાહુલે કૉન્ગ્રેસજનોનાં પાપોની કબૂલાત કરીને હવે પછી કૉન્ગ્રેસને ‘આદર્શ કૉન્ગ્રેસ’ બનાવવાની વાત કરી એ પછી બીજેપી નીતિન ગડકરીનો પક્ષ બની રહે એ વિસંગત હતું. ગડકરીના રાજીનામામાં એક રીતે રાહુલ ઇફેક્ટે પણ ભાગ ભજવ્યો છે. ગડકરી સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ છે. કૉન્ગ્રેસમાં રાહુલ પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરતા હોય અને બીજેપીના પ્રમુખ પક્ષમાં સ્થાપિત હિતોનું પ્રતિનિધિત્વ કરતા હોય એ ન પરવડી શકે. પક્ષના નેતાઓએ નીતિન ગડકરીને બીજી મુદત આપીને ભૂંડા નહીં દેખાવાનો અને જોખમ નહીં ઉઠાવવાનો નિર્ણય લઈ લીધો હતો.

કૉન્ગ્રેસને તક આપવી નહોતી

તેમના માર્ગમાં વિઘ્ન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હતો. સંઘ ગડકરીને બીજી મુદત મળે એ માટે આગ્રહ રાખતો હતો. લાલકૃષ્ણ અડવાણીએ દરેકને સ્વીકાર્ય ગણાતાં સુષમા સ્વરાજનો વિકલ્પ આગળ કર્યો હતો જેનો પણ સંઘે અસ્વીકાર કર્યો હતો. નીતિન ગડકરીને સંઘના આગ્રહને કારણે બીજી મુદત મળશે એ મંગળવાર સાંજ સુધી નક્કી હતું. ગડકરીની પૂર્તિ ગ્રુપની કંપનીઓ પર મંગળવારે દરોડા પડ્યા એનો નિષેધ કરતા બીજેપીના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર દરોડા પડાવીને બીજેપીના પ્રમુખની પુન: ચૂંટણીમાં વિઘ્નો પેદા કરી રહી છે. બીજી બાજુ વિરોધીઓ તક ગુમાવવા નહોતા માગતા અને સામાન્ય ચૂંટણી માથે છે ત્યારે કૉન્ગ્રેસને તક આપવા પણ નહોતા માગતા. તેમણે યશવંત સિંહાને ચૂંટણી લડવા તૈયાર કર્યા હતા. યશવંત સિંહાએ પક્ષના કાર્યાલયમાંથી ઉમેદવારીનું ફૉર્મ મગાવ્યું એ પછી ચક્રો ઊંધાં ફરવા લાગ્યાં હતાં. સંઘના નૉમિનીને કોઈ પડકારે અને તેણે ચૂંટણી લડવી પડે એમાં સંઘનું અપમાન હતું અને વળી ન કરે નારાયણ ને યશવંત સિંહા ચૂંટાઈ આવે તો પક્ષમાં સંઘની આણ સમાપ્ત થઈ જાય. સંઘે ગડકરીને રાજીનામું આપી દેવાનો અને ચૂંટણીના મેદાનમાંથી ખસી જવાનો આદેશ આપી દીધો હતો. નીતિન ગડકરીએ બે મહિના પહેલાં જ્યારે તેમની સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપ થયા ત્યારે રાજીનામું આપી દીધું હોત તો તેમની, પક્ષની અને સંઘની આબરૂ જળવાઈ હોત. બુંદ સે ગયી વો હોજ સે વાપિસ નહીં આતી એવી કહેવત છે.

રાજનાથ સિંહનું ભાષણ ફિક્કું

ખેર, રાજનાથ સિંહને ફરી એક વાર બિનહરીફ ચૂંટીને પ્રમુખ બનાવવામાં આવ્યા છે. નીતિન ગડકરી પહેલાં રાજનાથ સિંહ પ્રમુખપદની એક નિષ્ફળ મુદત ભોગવી ચૂક્યા છે. તેમને ૨૦૦૯માં લોકસભાની ચૂંટણીમાં બીજી વાર બીજેપીનો પરાજય થતાં બીજી મુદત આપવામાં નહોતી આવી. તેમના સમયમાં પક્ષમાં જૂથબંધી વકરી હતી અને રાજનાથ સિંહ તથા અરુણ જેટલીને ઊભા રહેય બનતું નહોતું. રાજનાથ સિંહ બીજી વાર અધ્યક્ષ બનવાને કારણે પક્ષમાં પ્રાણ રેડાશે એવી કોઈ શક્યતા નથી. અધ્યક્ષપદે ચૂંટાયા પછીનું તેમનું ભાષણ રાહુલ ગાંધીની તુલનામાં સાવ નિરાશાજનક હતું.

બન્ને પક્ષની હાલત નાદુરસ્ત

કૉન્ગ્રેસ અને બીજેપી દેશના બે સૌથી મોટા રાષ્ટ્રીય પક્ષો છે. બન્ને પક્ષની હાલત નાદુરસ્ત છે. બીજી બાજુ પ્રજાનો રાજકીય પક્ષો પરનો વિશ્વાસ ઘટતો જાય છે અને એ પરિવર્તન ઇચ્છે છે. જે પક્ષ અને જે નેતા પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરશે એ ૨૦૧૪ નહીં તો એ પછીનાં આવનારાં વર્ષોમાં બાજી મારી જશે. બીજેપીએ જો એ સુવર્ણ તક ઝડપવી હોય તો સૌથી પહેલાં એણે સંઘની બેડીથી મુક્ત થવું પડશે. બીજેપી માટે અત્યારે રાહત એટલી જ છે કે હવે પછી કોઈ આંગળી નહીં ચીંધે કે તમારા પક્ષનો પ્રમુખ ભ્રષ્ટ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK