પયુર્ષણ પર્વ આપણા કાનમાં માર્મિક વાત કહે છે : સાધર્મિક-સૌજન્ય નિભાવો, મોક્ષનો અનુભવ કરો!

પયુર્ષણ પર્વના દિવસો માટેનાં જે પાંચ કર્તવ્યો શાસ્ત્રોએ વર્ણવેલાં છે એમાં સાધર્મિક-વાત્સલ્ય (સાધર્મિક-ભક્તિ) પણ છે. ધર્મને સાંપ્રદાયિક વળગણોથી મુક્ત રાખીએ તો આધ્યાત્મિક ધર્મની સાથોસાથ સાંસારિક અને સામાજિક ધર્મની સુવાસ પણ આપણા સુધી પહોંચશે

(ખાસ બાત : રોહિત શાહ)

જૈન અધ્યાત્મપર્વ પયુર્ષણ આમ તો અનેક વિશેષતાઓ ધરાવે છે, પરંતુ મને એનાં પાંચ કર્તવ્યો અતિ પ્રિય છે. એમાંય સાધર્મિક-વાત્સલ્ય (સાધર્મિક-ભક્તિ) કર્તવ્ય પ્રત્યે મને વિશેષ પક્ષપાત છે.

સાધર્મિક-વાત્સલ્ય એટલે શું?

આપણા સુખમાં આપણા સહધર્મી સ્વજનનો અધિકાર છે એવી સમજ સહિત તેને સુખ પહોંચાડવું એ સાધર્મિક-વાત્સલ્ય છે. એકલા-એકલા સુખ ભોગવવું એના જેવું બીજું કોઈ પાપ નથી અને પોતાના સુખમાં બીજાને સહભાગી કરવા જેવું કોઈ પુણ્ય નથી. સાધર્મિક-વાત્સલ્ય મોક્ષ-મંઝિલનો શૉર્ટકટ કેમ ગણાય છે? તરત ગળે ઊતરે એવી સરળ વાત સાંભળો. બીજાને સુખ આપવું એ પુણ્યકાર્ય છે અને પુણ્ય તો મોક્ષનો સીધો માર્ગ છે. સીધો માર્ગ જે સૌથી ટૂંકો માર્ગ હોય છે. બે બિન્દુઓને જોડતી સીધી રેખા સૌથી ટૂંકી હોય છે એવું આપણે જ્યૉમેટ્રીમાં ભણ્યા હતા. આપણે જરાય વાંકા-ચૂંકા ગયા વગર એટલે કે વ્રત-તપ, ક્રિયાકાંડ વગેરેની ગલીઓમાં ભટક્યા વગર આપણા સહધર્મીને ડાયરેક્ટ સુખ પહોંચાડીએ તો એ સીધો-ટૂંકો માર્ગ જ થયોને! બીજી વાત એ છે કે સહધર્મીને સુખ વહેંચવાથી, તેને આપણા સુખમાં સહભાગી કરવાથી આપણી ભૌતિક આસક્તિ તૂટે છે, આપણા ભીતરના મોહ અને રાગ દ્વેષ ઓગળે છે. જે કામ કરવાથી આપણી ભૌતિક આસક્તિઓ ખરી પડતી હોય તથા મોહ અને રાગ-દ્વેષ આપણા શરણે આવી જતા હોય, એ કામ આપણને મોક્ષની નજીક ઝડપથી લઈ જાય એમાં શંકા ખરી?

મોક્ષનો શૉર્ટકટ

ધર્મનું મૂળ દયા છે- કરુણા છે, કિન્તુ પાપનું મૂળ તો અભિમાન છે. સહધર્મી સ્વજનોને આપણા સુખમાં સહભાગી બનાવતી વખતે આપણે મનમાં જો અહંકાર  લાવીએ તો પાપ રોકડું જ છે. શૉર્ટકટ જેટલો લાભકારી હોય છે એટલો જ હંમેશાં જોખમી પણ હોય છે. એ માર્ગે પળે-પળે સાવધ રહેવું પડે. સહેજ ગાફેલ રહ્યા તો અહંકાર આપણી ઉપર સવાર થઈ જ થશે. અહમને જાગૃતિપૂર્વક સખણો રાખવો અને સહધર્મી સ્વજનને લાગણીપૂર્વક સુખ વહેંચવું આ બન્ન્ો સમાંતરે ચાલવાં જોઈએ.

સાધર્મિક-વાત્સલ્ય માટે જૈન ધર્મમાં બે શબ્દો બીજા પણ મળે છે. એક છે સ્વામીવાત્સલ્ય અને બીજો છે સ્વામીભક્તિ. એમાં ‘સ્વામી’ શબ્દ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સાધર્મિક એટલે કે સહધર્મી વ્યક્તિને સ્વામીની કક્ષાએ મૂકીએ એટલે આપણી જાતને અહંકારથી બચવાનું સુરક્ષાકવચ લાગી જાય, કારણ કે અહંકાર તો ત્યારે પજવે છે, જ્યારે આપણે પોતાની જાતને ઊંચી-મહાન સમજતા હોઈએ. અહીં તો સહધર્મીને સ્વામી સમજવાનો છે અને આપણે વિનમ્રભાવે એના સેવક બનવાનું છે. સેવકપણાનો ભાવ આવ્યા પછી અહંકાર ત્યાં પણ મૂકી શકે ખરો?

ત્યાગનો સાચો મર્મ

ત્યાગની વાત હકીકતમાં તો બીજાઓને સુખ વહેંચવાની જ છે. સપોઝ, હું બસમાં પ્રવાસ કરી રહ્યો છું. મને બેસવાની સરસ જગ્યા મળી ગઈ છે, પરંતુ મારા એક અપંગ સહપ્રવાસીને જગ્યા નથી મળી. તેને બસની ભીડમાં હડસેલાં ખાતી જોઈને મને કરુણા જાગે છે અને હું તેને વિનમ્રભાવે મારી સીટ પર બેસાડવા ઇચ્છું છું. એ વખતે મારે મારી સીટનો ત્યાગ કરવો જ પડે અને તો જ હું તેને બેસવાની સગવડ આપી શકું. આવો, બીજાને સુખ આપવા માટે કરેલો ત્યાગ જ સાચો ત્યાગ છે. ત્યાગ-વૈરાગ્યનો અર્થ માત્ર છોડી દેવું કે ફૂંકી દેવું એવો નથી. સાચો ત્યાગ એટલે સંપૂર્ણ સ્વેચ્છાઓ અને સંપૂર્ણ સમજપૂર્વક આપણી પાસે રહેલી ચીજનું એવા નિષ્કામભાવે વિસર્જન કરવું, કે જેથી એ ચીજનો જરૂરિયાતવાળી વ્યક્તિ સુધી વધુમાં વધુ લાભ પહોંચે. સ્થૂળ ત્યાગ કરવાથી તો પાછા ત્યાગનો અહંકાર પ્રગટી શકે છે. વિસર્જન તો માત્ર અને માત્ર આનંદ જ પ્રગટાવે છે. સર્જન કરવું એ કલા છે, વિસર્જન કરવું એ સિદ્ધિ છે. સાધર્મિક-વાત્સલ્ય એ સમજણપૂર્વકનું વિસર્જન છે.

ધર્મને સંપ્રદાયથી ન અભડાવીએ...

ધર્મની વ્યાખ્યાને સંપ્રદાય પૂરતી સાંકડી રાખવામાં આવે તો એમાં ધર્મનું ઇન્સલ્ટ છે. સાંપ્રદાયિક ધર્મથી કશું કલ્યાણ થતું નથી. ધર્મ એ કોઈ સંપ્રદાય નથી, ધર્મ એટલે કર્તવ્ય. જૈન ધમમાં સાધર્મિક-વાત્સલ્યને એક કર્તવ્યરૂપે સ્વીકારવામાં આવ્યું છે. પયુર્ષણ પર્વના દિવસો માટેનાં જે પાંચ કર્તવ્યો શાસ્ત્રોએ વર્ણવેલાં છે, એમાં સાધર્મિક-વાત્સલ્ય (સાધર્મિક-ભક્તિ) પણ છે. ધર્મને સાંપ્રદાયિક વળગણોથી મુક્ત રાખીએ તો આધ્યાત્મિક ધર્મની સાથોસાથ સાંસારિક અને સામાજિક ધર્મની સુવાસ પણ આપણા સુધી પહોંચશે.

જો હું મારી જાતને જૈન સમજતો હોઉં તો પ્રત્યેક જૈન વ્યક્તિ મારા માટે સાધર્મિક ગણાય. જો હું મારી જાતને શિક્ષક તરીકે ઓળખાવું તો દરેક શિક્ષક મારો સાધર્મિક બની જાય. જો હું મારી જાતને ડૉક્ટર તરીકે ઓળખાવતો હોઉં તો પ્રત્યેક ડૉક્ટર મારા માટે સાધર્મિક બની જાય. આ સમીકરણનો વિસ્તાર થતો રહે છે. હવે જો હું મારી જાતને માણસ તરીકે ઓળખાવવા માગતો હોઉં તો પ્રત્યેક માણસ મારો સાધર્મિક બને છે. એથીય આગળ વધીએ જો હું મારી જાતને જીવ કે આત્મા તરીકે ઓળખાવતો હોઉં તો પ્રત્યેક જીવ અને પ્રત્યેક આત્મા મારા માટે સાધર્મિક જ ગણાય. સમજણની ઉદારતા આપણને કેવી વિશાળતા સાથે જોડી આપે છે!

અજવાળાને કાંઈ ફૂટપટ્ટીથી માપવાનું જ હોય!

સાધર્મિક-વાત્સલ્યના મૂળમાં ત્રણ બાબતો છે : સાધર્મિક-સંવેદના, સાધાર્મિક-સમજણ અને સાધર્મિક-સદ્ભાવ.

સંવેદના જાગે એટલે સમજણ ખીલે, સમજણ ખીલે એટલે સદ્ભાવનાનું આભામંડળ રચાય. આવી પુણ્ય ઘટનાને ધર્મ કહેવાય. જ્યાં ધર્મ છે, ત્યાં કર્તવ્ય છે. કર્તવ્યથી દૂર લઈ જાય એવો મર્મ આપણને શા કામનો? હું બહુ દૃઢપણે માનું છું કે મોક્ષ તરફ લઈ જનારા માર્ગને ધર્મ ન કહેવાય. તમે જ્યાં ઊભા હો ત્યાં જ સ્વર્ગ ખડું કરવાની તાકાતને ધર્મ કહેવાય. તમે જ્યારે કોઈ એક સાધર્મિક વ્યક્તિને નોકરી અપાવો છો ત્યારે તેના સમગ્ર પરિવારને રાહત મળે છે. જેની પાસે નોકરી નથી તે વ્યક્તિ માટે તો નોકરી એ જ તેનો મોક્ષ! ભૂખ્યા માણસ માટે ભોજન એ જ મોક્ષ ગણાય. જિજ્ઞાસુ માટે જ્ઞાન મોક્ષ છે. આપણેય આપણું મનગમતું મોક્ષ ખોળી લેવું હોય તો કોણ ના પાડે છે? તમે કોઈ એક ગરીબ પરિવારના વિદ્યાર્થીને ભણવા માટેની ભરપૂર સગવડ-અનુકૂળતાઓ કરી આપો છો ત્યારે તેના એકલાના જ માર્ગમાં નહીં, પણ તેને પૂરી ફૅમિલીના માર્ગમાં અજવાળું પાથરો છો. અજવાળાને ફૂટપટ્ટીથી કાંઈ થોડું માપવાનું હોય? અજવાળાનું તો હોવું જ ઇનફ છે. આપણે શ્વાસ કેટલા લીધા એનાં પલાખાં નથી માંડતા... બસ, શ્વાસ ચાલતો રહેવો જોઈએ... બીજાને શ્વાસ લેવાની અનુÊકૂળતા કરી આપવી એ ધર્મ છે.

કસોટીમાંથી પાર ઊતરીએ

આપણને આપણી જરૂરિયાત કરતાં જે કાંઈ વધારાનું સુખ મળ્યું હોય એ આપણી કસોટી કરવા માટે મળેલું છે એમ સમજવું જોઈએ. આપણે વધારાના સુખનો સંગ્રહ કરીએ તો પરિગ્રહનું પાપ આચર્યું કહેવાય અને જો એ વધારાના સુખનું વિસર્જન કરીએ તો એ પુણ્યકાર્ય ગણાય. આપણને છલોછલ સુખ મળી ગયા પછીય વધારાના સુખ માટે આપણે આપણા સહધર્મી તરફ જોવાની દરકાર કરીએ છીએ નહીં તેની પરીક્ષા પરમાત્મા કરે છે. જો આપણે સહધર્મી તરફ નજર ન કરીએ તો પરમાત્મા પણ શા માટે આપણી સામે જુએ?

રાહ થોડી જોવાની હોય?

સાધર્મિક વ્યક્તિને મદદની જરૂર છે એવી ખબર પડ્યા પછી તે આપણી પાસે મદદ માગવા આવે ત્યાં સુધી રાહ જોવાની જરૂર ખરી? જો તેણે મદદ માગવી પડે તો આપણો સાધર્મિક ધર્મ લજવાયો કહેવાય. સાધર્મિક સ્વજન સહાય માટે હાથ લંબાવે એ પહેલાં તેના હાથમાં ખાનગી રીતે સહાય પહોંચાડી દઈએ એમાં આપણી ખાનદાની છે. યાદ રહે, સાધર્મિક સહાય કરવી એ કાંઈ ભીખ આપવા જેવું કામ નથી. સહાય લેનાર ભિખારી નથી, સાધર્મિક સ્વજન છે અને આપણેય કાંઈ દાતા નથી માત્ર સાધર્મિક જ છીએ. બન્ન્ો સાધર્મિક હોય ત્યાં કોણ ભિખારી અને કોણ દાતા? સામેની વ્યક્તિને સહાય લેતાં શરમ ન ઊપજે અને આપણને સહાય આપતાં ગર્વ ન ઊપજે તો સમજવું કે આપણે ર્તીથંકર પરમાત્માના માર્ગે સાચી દિશામાં છીએ.

Comments (1)Add Comment
...
written by Dinesh Parikh, September 05, 2013
કોઈ માંગે ને આપવાનુ આંમા કોઈ બહાદુરી નથી.પરમાત્મા તમે ઘણી વસ્તુ તમે માગેલ ન હોઈ તો
પણ.......
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK