બરાક ઓબામાના હાથે અવૉર્ડ મેળવી ચૂકેલો આ ગુજરાતી તો પ્રેરણાની ખાણ છે

અમદાવાદ અને સુરતમાં અભ્યાસ કર્યા પછી ૨૮ વર્ષથી અમેરિકામાં સેટલ થયેલા પરિમલ મહેતા ઉર્ફે પેરી મહેતાની કંપની યુનાઇટેડ સ્ટેટ્સમાં ડિફેન્સ સિક્યૉરિટીમાં નંબર વન ગણાય છે. એક સમયે પચાસ સેન્ટની કૉફી પીવાનાં પણ ફાંફાં હતાં એમાંથી ૧૦૦ મિલ્યન ડૉલરની કંપની ઊભી કરવા સુધીની રોમાંચક સફર ખેડનારા પેરી મહેતા અમેરિકન ગ્રીન કાર્ડ વિશે જાણકારી આપતા એક સેમિનાર માટે આવતી કાલે મુંબઈમાં છે


parimal mehtaખાસ બાત

બાળપણમાં અમદાવાદની લોકલ બસમાં વાંચેલું એક ક્વોટેશન કોઈ વ્યક્તિ માટે લાઇફ-ચેન્જર બની શકે? મક્કમતા અને નિષ્ઠા હોય તો ચોક્કસ. ‘કઠોર પરિશ્રમનો વિકલ્પ નથી’ - માત્ર આ એક વાક્યે પરિમલ મહેતા ઉર્ફે‍ પેરી મહેતાની લાઇફ બદલી નાખી એમ કહીએ તો ચાલે. અમદાવાદમાં જન્મેલા અને ઊછરેલા ૫૧ વર્ષના પેરી મહેતા છેલ્લાં ૨૮ વર્ષથી અમેરિકામાં રહે છે. ખુલ્લી આંખોમાં સપનાંઓ સાથે અને કઠોર પરિશ્રમનો કોઈ પર્યાય નથી એ ગુરુમંત્રને ગાંઠે બાંધીને ૧૯૮૮માં અમદાવાદથી અમેરિકા ભણવા ગયેલા પેરી મહેતા અત્યારે ૧૦૦ મિલ્યન ડૉલર કરતાં વધુ રેવન્યુ ધરાવતી અને અમેરિકાની નંબર વન ડિફેન્સ-કંપની ફ્યુચરનેટ ગ્રુપના માલિક છે. અમેરિકામાં તેમની પાંચ જુદી-જુદી ઑફિસ છે. અમદાવાદ અને કતારમાં તેમનાં બે મોટાં ઑપરેશન-હાઉસ છે.

ડિફેન્સમાં ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા અને ચારેય બાજુની સુરક્ષા કરવા માટે જે બૅરિયર્સ અને પ્રોટેક્શન-ટૂલ બનાવવાનાં હોય એ પેરી મહેતાની કંપની ડિઝાઇન કરે, મૅન્યુફૅક્ચર કરે, ઇન્સ્ટૉલ કરે અને મેઇન્ટેઇન પણ કરે. વર્લ્ડમાં આ એક જ કંપની છે જે કહી શકે કે ૫૦૦ મિલિટરી-બેઝને અમે પ્રોટેક્ટ કરીએ છીએ. સિક્યોરિટી-ટૂલ અને ટેક્નૉલૉજીની આ કંપની પાસે ૫૦ જેટલી પેટન્ટ છે. અમેરિકન મિલિટરીએ તેમની બધી જ પ્રોડક્ટ્સને સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ્સ બનાવી છે. ટૂંકમાં, અમેરિકન ડિફેન્સ ખાતાંઓની સુરક્ષા, અમેરિકાની રક્ષા કરતા પેન્ટાગૉનની સિક્યૉરિટી, અમેરિકાની રાજધાનીની સિક્યૉરિટી અને નાસા જેવી કેટલીક ફેડરલ સંસ્થાઓની સિક્યૉરિટી અને સાથે જ ઍપલ, ગૂગલ, બૅન્ક ઑફ અમેરિકા જેવાં અમેરિકાનાં અગ્રણી અને મોટા ગજાનાં પ્રાઇવેટ એમ્પાયરોનું રક્ષાકવચ પેરી મહેતાની કંપનીએ તૈયાર કર્યું છે. ૧૦૦ મિલ્યન ડૉલરની કંપની બનાવવાનો ૧૦ વર્ષનો ટાર્ગેટ સાત વર્ષમાં જ પૂરો કર્યા પછી હવે તેમની કંપનીએ આવનારાં ૧૦ વર્ષમાં એક બિલ્યન ડૉલરની કંપની બનાવવાનો નિશ્ચય કર્યો છે. એના માટે અમેરિકા ઉપરાંત ભારત, મિડલ ઈસ્ટ અને આફ્રિકા જેવા દેશોમાં પણ તેમની ડિફેન્સ સિક્યૉરિટીની ટેક્નૉલૉજીનો વ્યાપ વધે એવા પ્રયત્નો શરૂ કરી દીધા છે.

ખૂબ ઓછા સમયમાં મહેનત, નિષ્ઠા અને પ્રામાણિકતાથી સફળતાની ટોચ પર પહોંચનારા પેરી મહેતાના જીવનનાં પ્રારંભિક વષોર્ કંઈ સીધાં નહોતાં. સંઘર્ષ અને અગવડતાઓના એ દિવસોને હડસેલીને કઈ રીતે તેમણે પોતાની મંઝિલ મેળવી એ વાત પણ એટલી જ રસપ્રદ છે.

અમેરિકા તરફ પ્રયાણ

આગળ કહ્યું એમ પેરી મહેતા મૂળ અમદાવાદના જ. અભ્યાસ પણ અમદાવાદમાં જ કર્યો. જોકે સિવિલ એન્જિનિયરિંગ કરવા માટે ૧૯૮૦માં તેઓ સુરત ગયા. ત્યાં ભણ્યા અને નોકરી પણ કરી. એ પછી તેમને થયું કે મારાં સપનાંઓ અને વિઝન પ્રમાણે ગુજરાત ગવર્નમેન્ટની જૉબમાં હું કંઈ ખાસ આગળ નહીં વધી શકું અને તેમણે વાટ પકડી અમેરિકાની. ફ્લૅશબૅકના એ દિવસો યાદ કરીને પેરી મહેતા કહે છે, ‘સિવિલ એન્જિનિયર બન્યા પછી ત્રણ વર્ષ ગવર્નમેન્ટ ઑફ ગુજરાતમાં વૉટર સપ્લાય અને સ્યુએજ બોર્ડમાં કામ કર્યું હતું. દુનિયામાં કંઈક વધારે કરી દેખાડવાની મનસા અમેરિકા તરફ ખેંચી ગઈ. મધ્યમવર્ગીય સામાન્ય પરિવારમાંથી આવતો હતો એટલે પૈસા તો એવા કંઈ હતા નહીં. થોડા પપ્પા પાસેથી, થોડા મેં બચાવેલા અને થોડા મિત્રો પાસેથી પૈસા ઉઘરાવીને પહેલી સેમેસ્ટરની ફી લઈને બહુ પ્રચલિત નહીં એવા એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ કરવા હું અમેરિકાની કનેક્ટિકટ યુનિવર્સિટીમાં ગયો.’

પડકારો પારાવાર

ફી માટે તેમણે કૉલેજની કૅન્ટીનમાં વેઇટરથી લઈને બીજાં અનેક નાનાં-મોટાં કામ કર્યા. એ દરમ્યાન વાઇફને કૉલેજ કરાવડાવીને તેને પણ એ રીતે તૈયાર કરી કે ભવિષ્યમાં આગળ બન્ને સાથે ખભાથી ખભા મિલાવીને દોડી શકે. ડિફિકલ્ટીમાં વધારાની ડિફિકલ્ટી ઍડ કરી જેથી ભવિષ્ય વધારે ઉજ્જવળ થાય. જોકે એન્જિનિયર બન્યા પછી પણ સંઘર્ષ અટકતો નહોતો. એ દિવસોને યાદ કરતાં ભારે અવાજે પેરી મહેતા ઉમેરે છે, ‘હું ગ્રૅજ્યુએટ થઈને બહાર નીકળ્યો ત્યારે ફસ્ર્ટ ગલ્ફ વૉર શરૂ થઈ હતી. ત્યારે ૧૯૯૦માં ઇકૉનૉમી એટલી ખરાબ થઈ ગઈ હતી કે મને જૉબ મેળવવા માટે ત્રણ મહિના લાગી ગયા હતા. મોટા ભાગે અમેરિકામાં એન્જિનિયરને જૉબ મેળવવામાં તકલીફ નહોતી પડતી, પરંતુ આ સંજોગોને કારણે ખૂબ તકલીફ પડી હતી. વગર જૉબે સર્વાઇવ થવામાં મિત્રો ઘણા હેલ્પફુલ રહ્યા. રહેવાનો ખર્ચ બચાવવા મિત્રના અપાર્ટમેન્ટમાં જૉઇન થઈ જતા. ઑડ જૉબ કરીને ગુજરાન ચાલતું હતું. રેસ્ટોરાંમાં કામ કરતા તો ત્યાં એમ્પ્લૉઈને એક ટાઇમનું ખાવાનું ફ્રી મળે તો લંચ અને ડિનર ભેગું કરીને એક ટાઇમ ત્યાં ખાઈ લેતા હતા. જ્યારે હું ગયો ત્યારે લગભગ ૧૩ રૂપિયા ડૉલરનો ભાવ હતો, પણ એ જમાનામાં પચાસ સેન્ટની કૉફી પીવાનું પણ બહુ જ મુશ્કેલ લાગતું હતું. મિત્રોનાં વિન્ટરનાં ક્લોથ્સ અને શૂઝ મળે એનાથી ૧૨ ઇંચના સ્નોમાં કામ પર જવાનું. મને યાદ છે કે શરૂઆતના સમયમાં એક વાર છેલ્લી બસ હું મિસ કરી ગયો હતો અને ઘરે જવા ટૅક્સીના પૈસા નહોતા તો માઇનસ ડિગ્રી ટેમ્પરેચરમાં ૧૦ ઇંચના બરફમાં છ કલાક ચાલીને હું ઘરે પહોંચ્યો હતો.’

એન્જિનિયર બન્યા પછી એન્જિનિયર તરીકે જૉબ મેળવવા માટે પેરી મહેતાએ પોતાની રીતે પ્રયત્નો કર્યા હતા. એમાં તેમની મહેનત સફળ રહી. તેઓ કહે છે, ‘વૉર ચાલી રહી હતી ત્યારે જુદી-જુદી લાઇબ્રેરીમાં જઈને મેં અમેરિકાની ઇન્ડિયન કંપનીઓનો અને જેના ઓનર ઇન્ડિયન હોય એવી કંપનીઓનો ડેટા ભેગો કર્યો હતો. બધાનાં ઍડ્રેસ શોધી-શોધીને હું મારો બાયોડેટા ફિઝિકલી મેઇલ કરવા જતો હતો. એ વખતે ટાઇપરાઇટર ખરીદી નહોતો શકતો એટલે ત્યાંની સિસ્ટમ પ્રમાણે ૩૦ દિવસ ભાડા પર ટાઇપરાઇટર રાખું. એમાં જેટલા રેઝ્યુમે ટાઇપ થઈ શકે એટલા ટાઇપ કરું. એ પ્રયાસનું ફળ ત્રણ મહિને મળ્યું. એમાં એક કંપનીના ઓનર ડૉક્ટર મલ્હોત્રાનો મને ફોન આવ્યો. મને તેમના વિશે ખબર કેમ પડી એ તેમનો પહેલો પ્રશ્ન હતો. મારી આખી પ્રોસેસ જાણ્યા પછી તેમણે મારો ઇન્ટરવ્યુ લીધો. ત્યાં જ જૉબ મળી ગઈ. અહીં ફરી એક વાર મારે કહેવું પડશે કે પરિશ્રમનો કોઈ પર્યાય નથી. મેં આ મહેનત કરી હતી એને કારણે જૉબ મળી.’

પાવરફુલ પ્રગતિ

સાત વર્ષ નોકરી કર્યા પછી તેમના જ એક ફ્રેન્ડની કંપનીમાં તેઓ પાર્ટનર તરીકે જોડાયા. તેઓ કહે છે, ‘એક મિત્રની કંપનીમાં જૉઇન કરીને નાની કંપનીને ચાર વર્ષમાં ઘણી મોટી કરી આપી. આ ગાળામાં ગ્રોથનો અનુભવ મેં પણ કર્યો હતો. હું લોકોને સફળ બનાવી શકું તો આગળનાં વષોર્ મારે મારા માટે અને મારી ફૅમિલી માટે કાઢવાં છે એવો નિશ્ચય કરીને ૨૦૦૩થી ફ્યુચરનેટની શરૂઆત કરી. હું, મારી વાઇફ અને બીજા બે એમ્પ્લૉઈ એમ ચાર જણે મળીને એક કંપની શરૂ કરી. ત્યારે મેં અને મારી વાઇફે નક્કી કર્યું કે નેક્સ્ટ ત્રણ વર્ષ આપણે કમર કસીને રહીશું.  હું મારા એમ્પ્લૉઈને ૫૦,૦૦૦થી ૬૦,૦૦૦ ડૉલરની વાર્ષિક સૅલેરી આપતો હતો, પણ હું ઘરે ખાલી ૩૦,૦૦૦ ડૉલર લઈ જતો હતો. એ દરમ્યાન અમે દર વર્ષે સો ટકા રેવન્યુ જનરેટ કરતા હતા. મેં પહેલેથી જ ઇન્ડિયાની કંપનીમાં કામ કર્યું અને પછી મારા ફ્રેન્ડને ત્યાં કામ કર્યું જેનાથી અમેરિકન ગવર્નમેન્ટમાં કામ કેવી રીતે થાય, પ્રોજેક્ટ કેવી રીતે લેવાય એનો અનુભવ સારો થઈ ગયો હતો. મેં મારી કંપની શરૂ કરી ત્યારે જ નક્કી કર્યું હતું કે મારી કંપની અમેરિકાની ગવર્નમેન્ટ માટે કામ કરશે. સાથે એ પણ નક્કી હતું કે આટલું બધું ભણ્યા પછી અન્ય ગુજરાતીની જેમ મોટેલ ખોલીને નહીં બેસી જાઉ. ધંધાદારી તો થઈશ જ, પણ ભણતર સાથેના બિઝનેસમાં આગળ વધીશ.’

૨૦૦૬માં હાફ મિલ્યન ડૉલરની કંપનીને ૧૦૦ મિલ્યન ડૉલરની કંપની બનાવવાનું વિઝન તેમણે બનાવી દીધું હતું. તેમની કંપનીની ઑફિસમાં બધી જગ્યાએ પોતાના અક્ષરમાં આ વિઝન તેમણે લખી દીધું હતું અને તેમણે પોતાનું વિઝન ત્રણ વર્ષ વહેલું એટલે કે સાત વર્ષમાં અચીવ કર્યું. ચાર માણસોથી શરૂ થયેલી કંપનીમાં અત્યારે ૩૦૦ લોકો કામ કરે છે. અહીં બીજી એક મજાની વાત એ હતી કે પેરી મહેતાની કંપની એટલી ઝડપથી ગ્રો થઈ રહી હતી અને તેમણે પોતાની સુપરટીમ બિલ્ડઅપ કરવાનું શરૂ કર્યું હતું જેમાં તેમણે જેના હાથ નીચે કામ કર્યું હતું એ પોતાના બૉસને હાયર કરેલા છે.

ફાઇનલ ડેસ્ટિનેશન

એક ડ્રીમ પૂરું થયા પછી હવે શું? હવે તેમણે નક્કી કર્યું છે કે ૨૦૨૫માં બિલ્યન ડૉલર કૉર્પોરેશન થઈશું. એના માટે હવે આંતરાષ્ટ્રીય ક્ષિતિજોને સર કરવા તરફ તેઓ ધ્યાન આપી રહ્યા છે. એમાં ભારત, મિડલ ઈસ્ટ અને આફ્રિકાના દેશોમાં તેમની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની ડિફેન્સ સિક્યૉરિટી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરાવવા માટે તેઓ મથી રહ્યા છે. એ અંતર્ગત તેમણે ગયા વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતમાં ૧૫૦ મિલ્યન ડૉલરના MoU સાઇન કર્યા છે. તેઓ કહે છે, ‘મારી ઇચ્છા એવી છે કે આ જે ટેક્નૉલૉજી દ્વારા હું અમેરિકન મિલિટરીને પ્રોટેક્ટ કરાવી શકું છું એ જ ટેક્નૉલૉજીને અહીં થોડી મૉડિફાય કરીને ઇન્ડિયન માર્કેટ માટે બનાવીએ અને એનું મૅન્યુફૅક્ચરિંગ ઇન્ડિયામાં થાય. વિશ્વમાં પ્રીમિયર ગ્લોબલ સિક્યૉરિટી કંપની બનવું છે.’

અનેક ઉપલબ્ધિ

પોતાની કંપનીને ગ્રાસરૂટ લેવલથી ઊંચાઈનાં નવાં શિખરો સુધી લઈ જનારા પેરી મહેતાને અનેક અવૉર્ડ્સથી નવાજવામાં આવ્યા છે. વાઇટ હાઉસમાં બરાક ઓબામાના હાથે બિઝનેસમૅન ઑફ ધ યરનો અવૉર્ડ તેમને મળ્યો છે. આ ઉપરાંત અર્નેસ્ટ ઍન્ડ યંગ ઑન્ટ્રપ્રનર અવૉર્ડ, ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ બિઝનેસ બદલ ‘ફૉચ્યુર્ન’ મૅગેઝિન દ્વારા અને હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા અવૉર્ડ, ફાઇનૅન્શિયલ મન્થ્લી લંડન દ્વારા વર્લ્ડ CEOનો ખિતાબ, અમેરિકન સોસાયટી ઑફ એન્જિનિયરિંગ દ્વારા લાઇફટાઇમ અચીવમેન્ટ અવૉર્ડ અને ગુજરાત ગ્લૉરિયસ અવૉર્ડ જેવા ઘણાબધા અવૉર્ડ્સ તેમને વિશ્વની જાણીતી હસ્તીઓના હાથે એનાયત કરવામાં આવ્યા છે.

તમારે અમેરિકાનું ગ્રીન કાર્ડ જોઈએ છે?

છેલ્લાં પચીસ વર્ષથી અમેરિકામાં પ્રોગ્રામ ચાલે છે EB5 (એડ્વર્ડ બૉય ફાઇવ) વીઝાનો. એના નિયમ મુજબ અમેરિકામાં હાફ મિલ્યન ડૉલર (અંદાજે ત્રણ કરોડ રૂપિયા) ઇન્વેસ્ટ કરે એ વ્યક્તિને, તેના જીવનસાથીને, પેરન્ટ્સને અને ૨૧ વર્ષની ઉંમર સુધીનાં અનમૅરિડ સંતાનોને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળે છે. પચીસ વર્ષથી આ પ્રોગ્રામ ચાલે છે, પણ મોટા ભાગના ઇન્ડિયન્સને ખબર જ નથી. આ પ્રોગ્રામનો ૯૦ ટકા લાભ ચાઇનીઝોએ લીધો છે. પેરી મહેતા કહે છે, ‘મેં મારી કંપનીના એક્સ્પાન્શનનો પ્લાન હાથ ધર્યો છે જેમાં મને પૈસાની જરૂર છે. મને અમેરિકન ગવર્નમેન્ટ પાસેથી ૫૦ ફૅમિલીને સ્પૉન્સર કરવાની પરમિશન મળી છે. આ પ્રોગ્રામ અંતર્ગત હું પચીસ મિલ્યન ડૉલર ઊભા કરીશ. એ મારા મૅન્યુફૅક્ચરિંગ પ્લાન્ટમાં વપરાશે. એમાં લગભગ ૪૦૦ જેટલી નવી જૉબ-ઑપોચ્યુર્નિટી ઉત્પન્ન થશે. ભારતીયોને આ વિશે ખબર નથી એટલે અમે સેમિનાર લઈ રહ્યા છીએ જેથી આ પ્રોગ્રામની ખાસિયતો વિશે ભારતીયોને ગાઇડ કરી શકીએ અને કન્વિન્સ કરી શકીએ. અમદાવાદ, સુરત અને રાજકોટમાં સેમિનાર લઈ લીધા છે અને હવે મુંબઈમાં સેમિનાર છે.’

EB5 વીઝાની માહિતી માટેનો સેમિનાર મુંબઈમાં આવતી કાલે

સમય : સાંજે સાડાછ વાગ્યે

સ્થળ : ધ એમ્પરર હૉલ, ધ નૅશનલ સ્પોટ્ર્‍સ ક્લબ ઑફ ઇન્ડિયા, વરલી

રજિસ્ટ્રેશન માટે સંપર્ક : ૭૯૨૯૭ ૦૦૪૦૦ અથવા ૭૫૭૫૮ ૦૪૩૩૮

આ સેમિનાર વિશે વધુ માહિતી જોઈતી હોય તો હિતેન્દ્ર નાણાવટીને ૦૯૮૨૫૧ ૧૮૨૫૦ નંબર પર ફોન કરી શકો છો

- રુચિતા શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK