આ ચિત્ર નથી પણ કાગળમાં કરેલું કોતરકામ છે, માનવામાં આવે છે?

પહેલી નજરે જોતાં જ પ્રેમમાં પડી જવાય એવી અદ્ભુત રચનાઓ મૂળ હૈદરાબાદનાં જયશ્રી પંકજ શાહ છેલ્લાં ૫૦ વર્ષથી બનાવી રહ્યાં છે. વૈષ્ણવ સંપ્રદાયમાં સાંઝી તરીકે પ્રચલિત પેપરકટિંગની આર્ટને તેમણે પોતાની આગવી રીતે ડેવલપ કરી છે

jayshree


કેટલાક લોકો કેટલીક બાબતો શીખ્યા વિના પણ એટલી બેહતરીન રીતે કરતા હોય છે કે જાણે ઈશ્વર પાસેથી એ કરતબ તેમને ભેટમાં મળ્યું હોય, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ પોતાને મળેલી ગૉડ-ગિફ્ટને મહેનત અને લગનથી વધુ નિખારતા હોય છે. હૈદરાબાદમાં જન્મેલાં અને ઊછરેલાં જયશ્રી પંકજ શાહ તેમાંના એક છે. આઠ વર્ષની ઉંમરે તેમણે પોતાના દાદાને ઠાકોરજીની હવેલીમાં કેળના પાનને ડિઝાઇનમાં કટ કરીને સજાવતા જોયા હતા. કોઈ પણ જાતની ફૉર્મલ ટ્રેઇનિંગ વિના જોઈ-જોઈને તેમણે આ શીખી લીધું અને નાનકડી વયમાં હાથમાં કાતર અને પેપર લઈને પેપરકટિંગની એ કળામાં હથોટી મેળવી. વૈષ્ણવોમાં સાંઝી તરીકે આ કળા ૫૦૦ કરતાં વધુ વર્ષથી પ્રચલિત છે. શ્રીનાથજીમાં અને તિરુપતિમાં સાંઝીથી ડેકોરેશન કરવાની પરંપરા ખૂબ જૂની છે. છેલ્લાં ૫૦ વર્ષથી અવિરતપણે જયશ્રીબહેને સાંઝીની કળા અંતર્ગત અનેક બેનમૂન કલાકૃતિઓ બનાવી છે જેનું અત્યાર સુધીમાં મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદ, દિલ્હી, બૅન્ગલોર જેવાં દેશનાં ઘણાં રાજ્યોમાં એક્ઝિબિશન યોજાઈ ચૂક્યાં છે.

શું છે ખાસ?

wooden door

ઝરૂખા, રાધા-કૃષ્ણની રાસલીલા, હાથીઅંબાડી પર સવાર કૃષ્ણમહારાજા, કળા કરતો મોરલો, ઉદયપુરનું મયૂરાસન, તિરુપતિ બાલાજી, ઠાકોરજીના નિતનવાં રૂપો જેવી અઢળક અને એક-એકથી ચડિયાતી રચનાઓએ દેશભરના કલાપ્રેમીઓને ઝુમાવ્યા છે. ઝરૂખા અને મોરલા એ તેમની સ્પેશ્યલિટી ગણવામાં આવે છે. તેઓ કહે છે, ‘નાનપણમાં દાદાજી બાળકિશનદાસને મેં કેળાના પાન પર કામ કરતા જોયા છે. ક્યારેક તેઓ કાગળ કટ કરીને એના પરથી રંગોળીના રંગો ભરતા અને ઠાકોરજીની હવેલીને સજાવતા. હું ૧૦ વર્ષની હતી ત્યારે જ તેમનું નિધન થઈ ગયું એ પછી મેં જાતે જ કાતરથી પેપર પર મોર, પોપટ જેવા શેપમાં કાગળને કટ કરીને સાંઝી બનાવવાના પ્રયત્નો કર્યા. હું તો એમ જ કહીશ કે શ્રીજીબાવાની મારા પર કૃપા હતી કે હું જેમ-જેમ કરતી ગઈ એમ એમાં વધુ ને વધુ બહેતર બનતી ગઈ. ધીમે-ધીમે મને પોતાને જ સૂઝતું અને મોટાં ચિત્રોને પણ માત્ર કટ કરેલા રંગીન કાગળોથી એક્સપ્રેસ કરવાના પ્રયત્નો કરતી. રાજસ્થાન, ગુજરાત અને કચ્છમાં ખૂબ ફરી છું અને ત્યાં જોયેલાં કોતરણીયુક્ત સ્થાપત્યોની બહુ ઊંડી અસર મારા પર પડી હતી જે પણ ધીમે-ધીમે મારી અંદર પેપરકટિંગ દ્વારા ચિત્રરૂપે ઊભરાવા માંડ્યાં. કોઈ ધર્મગ્રંથમાં જોયેલી તસવીર, કોઈ આર્ટ-ગૅલરીમાં જોયેલાં ચિત્રો કે પછી ક્યાંક અચાનક મારી આસપાસ જોવા મળેલી કોઈ ઘટનાને મેં મારી કલ્પનાથી મૂલવી હોય તો એ. આવું બધું જ મારા મનમાંથી કાતર અને પેપર વડે ચિત્રરૂપે બહાર આવવા માંડ્યું અને મને કોઈ ગજબનાક આત્મસંતોષ મહેસૂસ થવા માંડ્યો. મારા માટે એક જાતનું ધ્યાન છે જેમાં હું જાતને ભૂલીને ઈશ્વર સાથે એકાકાર થઈ શકું છું. ક્યારેક લાગે છે કે જાણે આ મારા માટે વ્યસન બની ગયું છે. જેવો સમય મળે એવો હું આ કામમાં લાગી જાઉં છું. દિવસ-રાત, થાક, ઊંઘ, ભૂખ એમ બધું જ આ કાર્ય કરતી હોઉં ત્યારે ભુલાઈ જાય છે.’

પરિવારનો સપોર્ટ

જયશ્રીબહેનને તેમના આ ઉદાત્ત કાર્યમાં તેમનાં હસબન્ડ, સાસુ-સસરા અને બાળકોએ ભરપૂર સપોર્ટ કર્યો છે. લગ્ન પછી કલાકો સુધી હું આ કામમાં લાગી પડતી હતી ત્યારે મારાં સાસુ મારાં બાળકો સંભાળવાથી લઈને ક્યારેક ઘરનાં કામોમાં પણ મદદ કરતાં હતાં એમ જણાવીને સાંઝી આર્ટ પીસ બનાવવાનું પહેલું પગથિયું શું હોય છે એની વાત કરતાં તેઓ કહે છે, ‘કોઈ પણ સાંઝીનો કલાત્મક પીસ બનાવવા માટે સૌથી પહેલાં તો હું શું બનાવવું છે એની સ્પષ્ટતા કરતી અને એ પછી એના માટેના રંગીન કલરનાં પેપર્સ અને કાતર આટલું લઈને બેસી જતી. ખૂબ જ શાંતિથી અને ધીરજથી કામ કરવું પડતું. કલાકો ને કલાકો સુધી હાથમાં કાતર રાખીને ઝીણા-ઝીણા આકારો કટ કરવા પડતા હોવાથી બહુ થાક પણ લાગતો. આંગળીઓ દુખતી, પણ એમાંય મને તો આનંદ જ આવે છે. પંખો ચાલુ રાખીને ક્યારેય બેસી નહોતી શકતી, કારણ કે ઉનાળામાં અઢળક વાર પંખાની હવાને કારણે મેં કટ કરેલા નાના નાના વિવિધ આકારના કાગળના ટુકડાઓ ઊડી ગયા હોય અને મારી મહેનત માથે પડી હોય એવું પણ બન્યું છે. પેન્સિલ કે ફુટપટ્ટીનો ઉપયોગ હું નહીંવત્ કરું છું. કટ કરેલા કાગળને ચોંટાડવા માટે ગમ અને બેઝ માટે જુદાં-જુદાં કાર્ડબોર્ડ વગેરે વાપરું છું.’

ધીરજ માગી લેતું કામ

જયશ્રીબહેન છેલ્લાં ૫૦ વર્ષથી આ કાર્ય કરી રહ્યાં છે એ પછી પણ તેમણે અત્યાર સુધી માંડ ૨૦૦ જેટલા જ સાંઝી આર્ટ પીસ બનાવ્યા છે. કોઈ પીસ બનાવવામાં તો છ મહિના કરતાં પણ વધુ સમય જતો રહે. પેન્સિલ કે રંગોની પીંછીનો ઉપયોગ કર્યા વિના અદ્દલ દોરેલા ચિત્ર જેવા લાગતા તેમનાં બેનમૂન આર્ટપીસ એટલે જ અજૂબા જેવાં વધુ લાગે છે. તેમની આ કળા સાંઝી કરતાં થોડી જુદી પણ એટલે જ પડે છે. જોકે તેમના પછી તેમણે પોતે ડેવલપ કરેલી આ કળાને કોણ સાચવશે એની ૬૬ વર્ષના આ કલાકારને ભારે ચિંતા થઈ રહી છે. તેઓ કહે છે, ‘હું પણ ખૂબ જ ધીરજ અને આસ્થાથી આ કાર્ય કરી રહી છું. મેં કેટલાક લોકોને એ શીખવવાના પ્રયત્નો કર્યા છે, પરંતુ તેઓ પણ એને લાંબું ખેંચી શક્યા નથી. એમાં થાક પણ પુષ્કળ લાગે. આશા છે કે મારી પૌત્રીઓ આને શીખે અને બહેતર રીતે આ વારસાને આગળ વધારે.’

મહેનત અને શ્રદ્ધાના અજબ સંયોજનને કારણે જ જયશ્રીબહેનનાં ચિત્રો જોતાં પૂજ્યભાવ ઉત્પન્ન થયા વિના નથી રહેતો. આર્ટ-એક્ઝિબિશનમાં પાંચ*પાંચ અને આઠ*આઠ જેવી કેટલીક સાઇઝનાં ૨૫,૦૦૦થી પાંચ લાખ રૂપિયા સુધીનાં ચિત્રો વેચાય છે. એ બધી જ આવક તેઓ છોકરીઓના શિક્ષણ માટે ડોનેશનમાં આપી દે છે. તેઓ અંતમાં ઉમેરે છે, ‘શ્રીજીબાપાની દયાથી અમને ઈશ્વરે અઢળક આપ્યું છે. મને પૈસાની જરૂર નથી. હું જે કાર્ય કરું છું એમાં પણ મને ભરપૂર આત્મસંતોષ મળે છે. એટલે જે એમાંથી મળે એ પણ કોઈકના લાભ માટે વપરાય એમાં હું વધુ ખુશ થઈશ.’

તેમની કલાકૃતિ જોવી છે?


દક્ષિણ મુંબઈમાં બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ પાસે આવેલી સિમરોઝા ગૅલરીમાં જયશ્રી પંકજ શાહનાં સાંઝી આર્ટ ચિત્રોનું એક્ઝિબિશન ચાલી રહ્યું છે. આજે છેલ્લો દિવસ છે. સાંજે સાત વાગ્યા સુધીમાં આ એક્ઝિબિશનમાં એક આંટો મારવા જેવો ખરો.

- રુચિતા શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK