મોદી ને રાહુલની લડાઈ મને ધીરુભાઈ અને નસલી વાડિયા વચ્ચેના યુદ્ધની યાદ અપાવે છે

મારા મતે તો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે ચાલી રહેલી લડાઈ જેમ-જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ-તેમ એક સર્કસ જેવી લાગી રહી છે અને આ સર્કસમાં કૉન્ગ્રેસ અને ભાજપના સંખ્યાબંધ પ્રવક્તાઓ તેમ જ ઘણા પત્રકારો જૉકર જેવા લાગી રહ્યા છે.અરિંદમ ચૌધરી

તેમાંના ઘણા અમેરિકાની જેમ પ્રમુખપદ જેવી ચૂંટણીની કલ્પનાઓ કરી રહ્યા છે, પરંતુ ખરેખર તેમ નથી. જોકે જેમ-જેમ આ ચર્ચા આક્રમક અને માથાના દુખાવા સમાન બની રહી છે તેમ-તેમ ઘણા લોકો તેના પર ધ્યાન આપી રહ્યા છે. હું તો ફક્ત એટલું જ કહી શકું કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પૂરી નહીં થાય ત્યાં સુધી આપણને આ સર્કસમાંથી છુટકારો મળવાનો નથી. ટેલિવિઝન ચૅનલોએ પણ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતાં ભાષણોનું જીવંત પ્રસારણ કરવાનો પ્રારંભ કરી દીધો છે.

હિન્દી ફિલ્મોમાં બનતું આવ્યું છે તેમ આ ગમી જાય તેવો યુવાન કિસ્મતના બળિયા તરીકે જન્મ્યો છે. તે એક રાજવી અને વિશેષાધિકાર ધરાવતા પરિવારનો વારસ છે અને તેની પાસે અમાપ સત્તાઓ છે. તેની સામે જ્ઞાતિના વાડાઓના અવરોધો પાર કરીને એક નીચલી જાતિમાંથી આવેલી એક વ્યક્તિ પડી છે. તેની પાસે આ પ્રકારનો કોઈ વિશેષાધિકાર નહોતો. તેની પાસે આજે જે કંઈ સિદ્ધિઓ છે એ પ્રાપ્ત કરવા માટે તેણે ડગલે અને પગલે અવરોધોનો સામનો કરતાં સંઘર્ષ કરવો પડ્યો છે અને હા તેની આસપાસ ટીકાકારો અને વિરોધીઓની કોઈ અછત નથી તથા તેને ‘મૌત કા સૌદાગર’ અને ‘યમરાજ’ જેવાં નકારાત્મક વિશેષણોથી નવાજવામાં આવી રહ્યો છે.

છેલ્લાં કેટલાંક વર્ષોથી કૉન્ગ્રેસ અને યુપીએ સરકારે દેશની પ્રતિષ્ઠાને તળિયે બેસાડી દીધી છે. એમ લાગી રહ્યું છે જાણે કે ભારત માટે કોઈ જ આશા હવે બચી નથી, કારણ કે ભાજપના નેતૃત્વમાં વિપક્ષો એટલા નિ:સહાય રીતે નબળા અને વિભાજિત છે કે ભારત દેશ પર ફરી એક વાર યુપીએનો ભયાનક શાસનકાળ આવી શકે છે, પરંતુ આ બધી વાતોની મધ્યે હું એ બાબત સ્વીકારીશ કે નરેન્દ્ર મોદી એક એવી વ્યક્તિ છે જે ભારતીય રાજકારણમાં ક્યારેય જોવા મળી નથી. દિલ્હીના સ્થાપિતો દાયકાઓથી તેમનાં હિતો સાચવવા માટે જે સંબંધો પર ટકેલા હતા તેનો જ નશો કરવા તેઓ ઉત્સુક છે.

મૅનેજમેન્ટની પશ્ચાદભૂમાંથી આવતો હોવાથી જ્યારે પણ હું આ બે મહાનુભાવોની સરખામણીનો વિચાર કરું છું ત્યારે મારા મનમાં પહેલો વિચાર એ આવે છે કે શું મોદી ધીરુભાઈ અંબાણી અને રાહુલ ગાંધી નસલી વાડિયા જેવા નથી? ખરેખર તો આ એક લલચાવનારી સરખામણી છે. નસલી વાડિયા વિશેષાધિકારો ધરાવતું સંતાન હતા, એક એવી વ્યક્તિ જે કોઈ પણ સમયે પોતાના વારસાગત વિશેષાધિકારોનો દાવો કરી શકતા હતા. તેમને વારસામાં અખૂટ સંપત્તિ અને વ્યાપાર સામ્રાજ્યમાં પ્રાપ્ત થયાં હતાં, જેમાં પ્રસિદ્ધ બૉમ્બે ડાઇંગ બ્રાન્ડના કાપડ ઉદ્યોગનો પણ સમાવેશ થતો હતો. મને યાદ છે કે મારા પરિવારજનો બૉમ્બે ડાઇંગની ચાદરો અને ટુવાલો ખરીદવા પર ભાર મૂકતા હતા અને ત્યાર બાદ ધીરુભાઈ અંબાણી નામના એક વ્યક્તિનો ઉદય થયો, જેઓ ગુજરાતથી મુંબઈ પોતાનાં સ્વપ્નો સાકાર કરવા માટે આવ્યા હતા. મને વાસ્તવિક કહાણીની પૂરતી જાણકારી તો નથી, પરંતુ મારા કેટલાક સહયોગીઓ મને કહેતા કે કેટલાક સામાજિક સમારંભોમાં નસલી વાડિયા ધીરુભાઈને કથિત રીતે અપમાનિત કરતા હતા. એ સમયે ધીરુભાઈ એક નાના વેપારી હતા, જે પૉલિયેસ્ટર યાર્નની આયાત કરી નફો કમાતા હતા. આપણે બધા જાણીએ છીએ કે ધીરુભાઈ પાસે યાર્નની આયાત ઉપરાંત પણ એક વિઝન હતું. એ યુગમાં દરેક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ માટે લાઇસન્સ મેળવવા સંઘર્ષ કરવો પડતો હતો. અંબાણી પણ જાણી ચૂક્યા હતા કે મુંબઈમાં નડતી સમસ્યાઓના સમાધાન માટે તેમને દિલ્હીનો માર્ગ પકડવો પડશે.

એ સમયે મુંબઈ સ્ટૉક એક્સચેન્જમાં મહત્વનો હિસ્સો હોવા છતાં બૉમ્બે ડાઇંગના શૅરો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શૅરો સામેની લડાઈમાં પરાજિત થયા હતા અને રિલાયન્સના શૅરો રોકાણકારો માટે હૉટ ફેવરિટ બની રહ્યા હતા. ત્યાર બાદ તો બૉમ્બે ડાઇંગ શૅરબજારમાંથી જાણે કે અસ્તિત્વ જ ગુમાવી બેઠી હતી, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી શૅરબજારનું બેરોમીટર બની રહી હતી. તેના સંદર્ભમાં વાત કરું તો આજે કોઈ નસલી વાડિયા વિશે વાત કરતું નથી કે વાડિયા ગ્રુપ વૈશ્વિક સ્તરે કેવી પ્રગતિ કરશે તેની પણ ચર્ચા કરતું નથી, પરંતુ સ્વ. ધીરુભાઈ અંબાણી આજે પણ ઉદ્યોગ સાહસિકતાના પ્રતીક તરીકે ગણનાપાત્ર બની રહ્યા છે. એક સમયે બૉમ્બેમાં પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા જેમની અવહેલના કરાતી હતી તે જ માનવી એટલો બધો સફળ થયો કે આજે તેમના વારસો પણ કેટલીક વાર એવો દાવો કરી ચૂક્યા છે કે તેઓ છે કે તેઓ દિલ્હીની કેન્દ્ર સરકારના નિર્ણય પર પણ પ્રભાવ પાડી શકે છે.

જોકે હું અંબાણી અને વાડિયા વચ્ચે સરખામણી તો કરી રહ્યો છું, પરંતુ મને એમ લાગે છે કે દરેક કહાણીનો એકસમાન અંત હોતો નથી. એ વાતમાં કોઈ શંકા નતી કે મોટા ભાગના ઉદ્યોગપતિઓ માટે ધીરુભાઈ પ્રેરણામૂર્તિ સમાન છે, પરંતુ શું દરેક ઉદ્યોગપતિનાં સાહસો સફળ થાય છે ખરાં? શું આ કહાણી પણ અંબાણી અને વાડિયા વચ્ચેની લડાઈની જેમ જ ઇતિહાસ સર્જશે? શું આપણે એક નવા ભારત દેશને ઊભરતો જોઈ શકીશું? મોદી વિરુદ્ધ રાહુલની લડાઈમાં હજી આપણે ઘણાં પ્રકરણો જોવાનાં બાકી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK