સ્વિટ્ઝરલૅન્ડની ફાઇવ-સ્ટાર હોટેલના શેફ બનવાને બદલે ગરીબોને જમાડવાનું પસંદ કરતો યુવાન

મદુરાઈનો નારાયણન ક્રિષ્નન છેલ્લાં ૧૨ વર્ષથી રોજ ઘરબાર વગરના સવાચારસો લોકોને જાતે બનાવેલું સાદું ફૂડ જમાડે છે


સેજલ પટેલ

તામિલનાડુના મદુરાઈમાં રહેતા ૩૪ વર્ષના માસ્ટર શેફ નારાયણન ક્રિષ્નને બચપણથી ફાઇવ-સ્ટાર હોટેલમાં શેફ બનવાનું સપનું સેવેલું. ૨૨ વર્ષની ઉંમરે તેનું આ શમણું લગભગ સાકાર થવા આવ્યું. કૉલેજમાંથી અવૉર્ડ-વિનિંગ શેફ બન્યા પછી પહેલી જ નોકરી વર્ષે સાત આંકડાના પગારવાળી મળી. બૅન્ગલોરની તાજ હોટેલમાં તેને કામ મળેલું એટલું જ નહીં, એક જ વર્ષની અંદર તેણે સ્વિટ્ઝરલૅન્ડની એક ફાઇવ-સ્ટાર હોટેલમાં જૉબ મેળવી લીધી. મનગમતી કરીઅર અને વિદેશમાં પોસ્ટિંગ મળ્યું એની ખુશી વહેંચવા માટે નારાયણન બૅન્ગલોરથી મદુરાઈ પેરન્ટ્સને મળવા આવ્યો. મનમાં હતું કે વિદેશ જતાં પહેલાં થોડાક દિવસ પેરન્ટ્સ સાથે રહેવું.

કહેવાય છે કે એક નાનકડી હૃદયસ્પર્શી ઘટના જીવનની દિશા અને દશા બદલી નાખવા પૂરતી હોય છે. એવું જ કંઈક નારાયણન સાથે બન્યું. તે બપોરના બળબળતા તાપમાં મિત્રને મળવા જતો હતો ત્યારે રસ્તામાં એક વૃદ્ધ અને સાવ જ અશક્ત માણસ ફૂટપાથની કિનારીએ બેઠેલો જોયો. ભૂખ અને અશક્તિને કારણે ધ્રુજતા હાથે આ વૃદ્ધ માણસ નજીકમાં પડેલા સુકાઈ ગયેલા મળને ફંફોસીને એમાંથી ખાવાનું શોધી રહ્યો હતો. આ દૃશ્ય જોઈને નારાયણન હચમચી ગયો. માણસને ભૂખ સંતોષવા મળને ફંફોસવું પડે! તરત જ તેણે બાજુની એક રેંકડી પરથી છ ઇડલી લીધી અને પેલા વૃદ્ધને ધરી. કેળના પાનમાં ઇડલીનો ઢગલો જોઈને પેલો ભૂખ્યોડાંસ સીધો ખાવા પર તૂટી પડ્યો. બધી ઇડલી પૂરી થઈ એ પછી પેલા માણસે પહેલી વાર નારાયણન સામે જોયું અને તેની આંખમાંથી આંસુ સરી રહ્યાં હતાં. આ આંસુ શાતા અને આર્શીવાદનાં હતાં. નારાયણન કહે છે, ‘મેં ક્યારેય કોઈ માણસને આટલી ઝડપે ખાતાં જોયો નહોતો. એમાંય છેલ્લે જ્યારે ખાધા પછી તે માણસ રડી પડ્યો એ દૃશ્યે મને હચમચાવી મૂક્યો. હું ત્યાંથી ઊઠીને ઘરે ભાગી આવ્યો. ક્યાંય સુધી વિચારશૂન્ય થઈને બેસી રહ્યો. નજર સામે એકનાં એક દૃશ્યો તરવરી રહ્યાં હતાં. કોઈ માણસ પેટ ઠારવા મળ ફંફોસે? આટલી ઝડપે ખાય? ખરી ભૂખ સંતોષાય ત્યારે માણસ હર્ષ અને કૃતજ્ઞતાથી રડી પડે? એ દિવસે હું એક કોળિયો પણ મોંમાં નહોતો મૂકી શક્યો. મેં વિચાર્યું કે ફાઇવ-સ્ટાર હોટેલમાં મારા બનાવેલા ફ્રાઇડ રાઇસની એક ડિશ ૫૦૦ રૂપિયામાં વેચાય છે, શું એ ખાનારા લોકોએ કદી આટલો સંતોષ અનુભવ્યો હશે? આટલી મોંઘી ડિશમાંથી થોડુંક ખાઈને અડધોઅડધ છાંડી જનારાઓ માટે હું રસોઈ બનાવવા થનગનું છું જ્યારે મારા જ શહેરમાં એવા લોકો છે જેને પેટનો ખાડો પૂરવા પૂરતુંય ભોજન મળતું નથી?’

બીજા દિવસે નારાયણન એ જ જગ્યા પર ઘરેથી જાતે બનાવેલું ખાવાનું લઈને ગયો અને પેલા અશક્ત વૃદ્ધને પોતાના હાથેથી ખાવાનું ખવડાવ્યું. એક અઠવાડિયા સુધી આ ક્રમ ચાલ્યો અને રજા પૂરી થઈ એટલે તે ફરીથી બૅન્ગલોરની તાજ હોટેલમાં પોતાની જૉબ પર જોડાયો. નારાયણન કહે છે, ‘પહેલાં હું જાતજાતની ડિશ બનાવવાનું એન્જૉય કરતો હતો, પણ ખબર નહીં કેમ હું આ વખતે મારું ચિત્ત કામમાં પરોવી શક્યો જ નહીં. બસ, વારેઘડીએ પેલાં દૃશ્યો નજર સામે આવી જતાં અને આંખમાં ઝળઝળિયાં આવી જતાં. થોડા જ દિવસમાં હું થાકી ગયો અને મનમાં જાણે ચમકારો થયો કે હું આવી હાઇ-ફાઇ વાનગીઓ બનાવવા માટે નહીં, લોકોની ભૂખ ભાંગે એવું બનાવવા માટે સર્જાયો છું.’

મનમાં થયેલા ચમકારાના ઇશારે નારાયણન નોકરી છોડીને મદુરાઈ આવી ગયો અને સ્વિટ્ઝરલૅન્ડનું પોસ્ટિંગ પણ કૅન્સલ કરાવી દીધું. તેણે રોજ પોતાના ઘરે જ સાંભાર-રાઇસ કે ઇડલી બનાવીને ભૂખ્યા ફરતા ઘરબાર વિનાના માણસોને ખવડાવવાનું શરૂ કરી દીધું. અલબત્ત, આ પરિવર્તનથી તેના પેરન્ટ્સ ખૂબ જ નારાજ હતા. જે દીકરાને આટલી મહેનત અને પૈસો ખર્ચીને ભણાવ્યો તે આમ બેસ્ટ જૉબ છોડીને નવરા લોકોનું કામ કરવા બેસી જાય એ કેમ સ્વીકારાય? પેરન્ટ્સને મનમાં હતું કે વિરોધ કરીશું અને કમાયેલું પૂરું થશે એટલે કામ કરવા તો જવું જ પડશેને? પણ નવયુવાન નારાયણને પોતે મુશ્કેલીમાં મુકાય એ પહેલાં જ અક્ષય ટ્રસ્ટ નામે ચૅરિટેબલ સંસ્થા ખોલીને લોકો પાસેથી પૈસા, કપડાં કે અનાજનું દાન લઈને તેણે ઘરબાર વિનાના લોકોને ખવડાવવાનું ચાલુ કરી દીધું.  

થોડાક દિવસો પછી નારાયણને વાળ કાપનારા નાઈને ત્યાં પાર્ટટાઇમ કામ કરવાનું શરૂ કયુંર્. શરૂઆતમાં તો કોઈને સમજાયું નહીં કે આટલુંબધું ભણેલોગણેલો બ્રાહ્મણ કુળનો છોકરો દાઢી-વાળ કાપવાનું કામ કેમ કરે છે? જોકે તેનો ઇરાદો કંઈક જુદો હતો. નાઈનું કામ શીખી ગયા પછી તેણે રાઇસના તપેલાની સાથે શેવિંગ કિટ પણ રાખવી શરૂ કરી અને રસ્તા પર રહેતા ગંદાગોબરા લોકોને સાફસૂથરા રાખવાનું શરૂ કરી દીધું.

નવાઈ કહેવી કે દુ:ખ, પણ બીજા બધા જ લોકો જ્યારે તેના કામની સરાહના કરતા હતા ત્યારે તેની મમ્મીને દીકરાનું આ કામ ગમતું નહોતું. તેઓ ગુસ્સામાં કહેતાંય ખરાં કે ગરીબોની મદદ કરવી ઠીક છે, પણ આમ જુવાની તેમની પાછળ ઘસી નાખીશ તો બુઢાપામાં તેમની જેમ જ રસ્તા પર આવી જઈશ. નારાયણ કહે છે, ‘મને મૉમ-ડૅડની પીડા સમજાતી હતી. તેમણે મને મોટો માણસ બનાવવા માટે જાતે કરકસર કરીને મારી પાછળ ખૂબ ખર્ચ કયોર્ હતો. મેં તેને કહેલું કે એક દિવસ તમે મારી સાથે ચાલો, એ પછી જો તમે ના કહેશો તો હું આ કામ સદા માટે છોડી દઈશ. આ શરતે પરાણે મૉમ મારી સાથે આવ્યાં. ગરીબોની હાલત અને ખાધા પછીનો સંતોષ તેમણે નજરે જોયાં. આસપાસના વિસ્તારમાં છ કલાક ફરીને ઘરે આવ્યા પછી તેમણે સામેથી કહ્યું કે તું જીવનભર લોકોને ખવડાવવાનું કામ કરજે, તને હું ખવડાવીશ.’

બસ, એ પછી અક્ષય ટ્રસ્ટના કામમાં કદી ઓટ આવી નથી. આ સિલસિલો છેલ્લાં બાર વર્ષથી ચાલુ છે. હવે તો અક્ષય ટ્રસ્ટને દેશ-વિદેશથી સહાય મળવા લાગી છે અને ઘરબાર વિનાના લોકોને રાખી શકાય એવું મકાન પણ બાંધી દીધું છે. હાલમાં રોજ ઘરબાર વિનાના ૪૨૫ ગરીબો તેમ જ એકલા રહેતા વૃદ્ધોના ઘરે જઈને દિવસમાં ત્રણ વાર ભોજન આ ટ્રસ્ટ દ્વારા પૂરું પડે છે. રોજ સવારે ચાર વાગ્યે ઊઠીને નારાયણન ક્રિષ્નન જાતે ખાવાનું બનાવે છે.

ખરેખર સલામ કરવાનું મન થાય એવા આ વીરલાને જેને ૨૦૧૦ની સાલમાં એક ટીવી-ચૅનલ દ્વારા રિયલ હીરોનો અવૉર્ડ પણ મળ્યો હતો.

આ અવૉર્ડ પછી તેના જીવન પરથી પ્રેરિત ‘ઉસ્તાદ હોટેલ’ નામની મલયાલમ ફિલ્મ બનેલી. આ સુપરહિટ ફિલ્મને ત્રણ નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સ મળ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK