મધર ટેરેસા : ઈશ્વર થવાને હવે વેંત છેટું

વૅટિકન સિટીમાં બિરાજતા પોપ ફ્રાન્સિસે મધર ટેરેસાના બીજા ચમત્કારને માન્યતા આપીને તેમને સંતની ઉપાધિ આપવાની જાહેરાત કરી દીધી છે. હવે આગામી સમયમાં તેમની કૅનનાઇઝેશન તરીકે ઓળખાતી વિધિ થશે. દયાની મૂર્તિ ગણાતાં મધરને ઈશ્વરની સમકક્ષ મૂકી દેતા એ બે ચમત્કારો કયા છે? અને આ જાહેરાતથી અમુક લોકોના પેટમાં તેલ શા માટે રેડાયું છે?

mother Teresa


મને ગર્ભાશયમાં ગાંઠ થયેલી અને દરદ વકરતું જ જતું હતું. દવાઓ તો ખૂબ કરેલી, પરંતુ ઝાઝો કશો ફેર પડતો દેખાતો નહોતો. મધરનું અવસાન થયું એના એક વર્ષ પછીની એટલે કે ૧૯૯૮ની વાત છે. મને બરાબર યાદ છે કે એ પાંચ સપ્ટેમ્બરની રાત હતી. મેં પ્રાર્થના કરવા માટે મધરની તસવીરની સામે જોયું ત્યારે તેમની આંખોમાંથી મને સફેદ પ્રકાશનાં કિરણો બહાર આવતાં દેખાયાં. એ પછી હું બેહોશ થઈ ગઈ. બીજી સવારે હું ઊઠી ત્યારે મારા શરીરમાં રહેલી એ ગાંઠ ગાયબ થઈ ગયેલી. ત્યારથી આજ સુધી હું એકદમ તંદુરસ્ત અને સુખી જીવન જીવી રહી છું.

આ શબ્દો છે કલકત્તાથી ૪૦૦ કિલોમીટરના અંતરે આવેલા નાકોર નામના ગામડામાં રહેતી મોનિકા બસરા નામની પચાસ વર્ષની સ્ત્રીના. ઈ. સ. ૧૯૯૭માં મધર ટેરેસાનું ૮૭ વર્ષની વયે અવસાન થયું એના એક વર્ષ પછી મોનિકા બસરાએ મધરના ચમત્કારથી સાજી થઈ ગઈ હોવાનો દાવો કર્યો. મોનિકાએ મધરની તસવીરવાળું લૉકેટ પણ ગળામાં પહેરી રાખેલું. તેના આ દાવાએ જ ૨૦૦૩માં મધરને સંતત્વના પહેલા પગથિયે મૂકી આપ્યાં. આ ઘટનાને રોમન કૅથલિક ધર્મના વડા મથક વૅટિકન સિટી દ્વારા મધરના પહેલા ચમત્કાર તરીકે માન્યતા આપવામાં આવી. ૨૦૦૩ના વર્ષમાં મધરની બિએટિફિકેશન વિધિ કરવામાં આવી. આ વિધિ સાથે બ્લેસ્ડની ઉપાધિ મળે છે અને એવું માની લેવામાં આવે છે કે સદ્ગત વ્યક્તિ સ્વર્ગમાં પહોંચી ગઈ છે.

જ્યારે હવે જે બીજા કિસ્સાને મધર ટેરેસાના દૈવી ચમત્કાર તરીકે ગણાવીને તેમને સંતની ઉપાધિ આપવાની જાહેરાત થઈ છે એ કિસ્સો છે બ્રાઝિલનો. બ્રાઝિલના સેન્ટોસ શહેરના એક એન્જિનિયરને (તેની ઓળખ છતી કરવામાં આવી નથી) મગજમાં એકથી વધુ ગાંઠ હોવાનું નિદાન થયું. તેના ન્યુરોસર્જ્યન હોઝે ઑગસ્ટો નાસેરના જણાવ્યા પ્રમાણે એ દરદી ૨૦૦૮માં તેમને ત્યાં દાખલ થયો હતો અને એ વખતે તેના મગજમાં આઠ ગાંઠ હતી. અત્યંત ગંભીર સ્થિતિમાં રહેલા એ દરદીને મગજની અત્યંત જટિલ સર્જરીમાંથી પસાર થવાનું હતું. તેની પત્ની કલકત્તાનાં મધર ટેરેસાની અત્યંત ચુસ્ત ભક્ત હતી અને તે સતત તેમની પ્રાર્થનામાં મગ્ન રહેતી. ખુદ એ ન્યુરોસર્જ્યનના જણાવ્યા પ્રમાણે સર્જરીમાં ગયા પહેલાં જ તે દરદી સાજો થઈ ગયો. હૉસ્પિટલમાં તે કોમામાં જતો રહેલો, પરંતુ તે કોમામાંથી બહાર આવી ગયો એટલું જ નહીં; તેને ફટાફટ રિકવરી પણ આવી ગઈ. આ કોઈ ચમત્કારથી કમ નથી. ૧૭ ડિસેમ્બરે પોપ ફ્રાન્સિસે મધર ટેરેસાના ૯૭મા જન્મદિવસે તેમને સંતની ઉપાધિ આપવાની જાહેરાત કરી. હવે તેમની કૅનનાઇઝેશન વિધિ થશે. એ પછી મધર ટેરેસા સેન્ટ ટેરેસા તરીકે પ્રસ્થાપિત થશે.

અત્યારના મેસેડોનિયામાં એગ્નેસ ગોન્હા બોહાખ્યૂ તરીકે જન્મેલાં મધર ટેરેસાએ કલકત્તામાં લગભગ પાંચ દાયકા સુધી એઇડ્સ, કુષ્ઠરોગ, ટીબી જેવી બીમારીઓમાં પીડાતા દરદીઓની સેવામાં જીવન ખર્ચી નાખ્યું એ હકીકત છે. તેમણે સ્થાપેલી મિશનરીઝ ઑફ ચૅરિટી સંસ્થા આજે આ દરદીઓની સેવા કરવા ઉપરાંત ગરીબ બાળકોને ભણાવવાનું, ગરીબોને નિ:શુલ્ક જમાડવાનું, અનાથાશ્રમો ચલાવવાનું, ફરતાં દવાખાનાં ચલાવવા જેવાં અનેક કાર્યો કરે છે. તેમની આ સંસ્થા આજે વિશ્વના ૧૩૩ દેશોમાં કાર્યરત છે અને એમાં ૪૫૦૦ સિસ્ટર દિવસ-રાત સેવાકાર્યોમાં લાગેલી છે.

 ભારત રત્ન અને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત મધર ટેરેસા સમગ્ર વિશ્વમાં ચૅરિટેબલ કાર્યોનો ચહેરો બની ગયાં છે. વિશ્વમાં તેમના ચાહકોનો કોઈ પાર નથી. ઈવન તેમને સંતની ઉપાધિ અપાવવામાં નિમિત્ત બનેલી મોનિકા બસરા તો આ સમાચારની જાહેરાત પછી સતત હર્ષાશ્રુ વહાવી રહી છે. પરંતુ મધરના ચમત્કારોનો છેદ ઉડાડનારાઓ અને તેમની ટીકા કરનારાઓની પણ કોઈ જ કમી નથી. ખુદ મોનિકા બસરાનો ઇલાજ કરનારા ડૉક્ટર રંજન મુસ્તફીએ ન્યુ યૉર્ક ટાઇમ્સને કહેલું કે મોનિકાને થયેલી ગાંઠ કૅન્સરની નહીં બલકે ટીબીને કારણે થઈ હતી અને એને મટાડવા માટે તેમણે પોતે જ મોનિકાને નવ મહિનાથી એક વર્ષ સુધી દવાઓ પણ આપેલી. ટાઇમ મૅગેઝિનમાં પણ છપાઈ ચૂકેલા આ અહેવાલમાં મોનિકાના પતિને પણ એવું કહેતો ટાંકવામાં આવ્યો છે કે તેની પત્નીને ચમત્કારે નહીં, પણ ડૉક્ટરોએ સાજી કરી છે.

ક્રિસ્ટોફર હિચન્સ નામનો લેખક મધર ટેરેસાનો પ્રખર ટીકાકાર હતો. તેણે ઈ. સ. ૧૯૯૫માં ધ મિશનરી પૉઝિશન : મધર ટેરેસા ઇન થિયરી ઍન્ડ પ્રૅક્ટિસ નામનું તોફાની ટાઇટલ ધરાવતું પુસ્તક લખેલું. એમાં તેણે મધરને ટાંકીને લખ્યું છે કે મધરે જ મને કહેલું કે હું ગરીબી દૂર કરવા માટે નહીં બલકે કૅથલિકોની સંખ્યા વધારવા માટે કામ કરું છું. હું કોઈ સમાજસેવી નથી. હું આ બધું ઈસુ ખ્રિસ્ત માટે, ચર્ચ માટે કરું છું. હિચન્સે લખ્યું છે કે મધરે તેમની સંસ્થામાં દાન આપતા લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. આ જ ક્રિસ્ટોફર હિચન્સને ૨૦૦૩માં મધરની બિએટિફિકેશનની વિધિ વખતે પરંપરા પ્રમાણે ડેવિલ્સ ઍડ્વોકેટ બનાવવામાં આવેલા. ભારતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી લઈને બ્રિટિશ-પાકિસ્તાની પત્રકાર તારિક અલી સુધીના લોકોએ પણ આ જ મુદ્દે મધરનો વિરોધ કરેલો. ઈ.સ. ૧૯૯૪માં ક્રિસ્ટોફર હિચન્સે મધરની ટીકા કરતી હેલ્સ એન્જલ નામની ડૉક્યુમેન્ટરી ફિલ્મ પણ બનાવેલી. એ ડૉક્યુમેન્ટરીમાં મૅરી લુડોં નામની લેખિકા અને ભૂતપૂર્વ વૉલન્ટિયરે મિશનરીઝ ઑફ ચૅરિટી દ્વારા ચલાવાતા ‘નિર્મલ હૃદય’નું વર્ણન કરેલું. ‘નિર્મલ હૃદય’ જીવનની છેલ્લી ઘડીઓ ગણી રહેલા ગરીબ-બીમાર લોકોનું ઘર છે. મૅરીના કહેવા પ્રમાણે તેણે ત્યાં સેંકડો લોકોને અત્યંત ગંદકીવાળી પરિસ્થિતિમાં કોઈ પણ જાતની પેઇનકિલર કે દવાઓ વિના સબડતા જોયા. તેમનાં માથાં મૂંડી નાખવામાં આવેલાં. ઈવન સંસ્થાની સ્વયંસેવિકાઓને એક દરદીને ચડાવેલી સોય-ઇન્જેક્શનોનો ઉપયોગ સ્ટરિલાઇઝેશન વિના બીજા દરદીઓ પર કરતી જોઈ.

મધર ટેરેસાની સાથે કામ કરી ચૂકેલા ભારતીય મૂળના બ્રિટિશ પત્રકાર અરૂપ ચૅટરજીએ મધર ટેરેસાના એક ચૅરિટેબલ હોમમાં કામ પણ કર્યું હતું. એ પછી તેમણે મધરની સામેની ટીકાઓનું આખું કૅટલૉગ બનાવેલું. તેમણે પણ મિશનરીઝ ઑફ ચૅરિટીમાં દરદીઓની સ્થિતિ વિશે સવાલ ઉઠાવ્યા હતા.

બ્રિટનના અગ્રણી અખબાર ‘ધ ગાર્ડિયન’માં તાજેતરમાં જ પ્રકાશિત થયેલો એક અહેવાલ વૅટિકન સિટી દ્વારા સંત જાહેર કરવાની પ્રક્રિયા વિશે અમુક રસપ્રદ માહિતી આપે છે. એ પ્રમાણે સેન્ટ ટેરેસા ઑફ ઍવિલા અને સેન્ટ ટેરેસા દ લોસ એન્ડિસ નામે બે સેન્ટ ટેરેસા જાહેર થઈ ચૂક્યાં છે. એ ઉપરાંત વૅટિકન સિટીએ અત્યાર સુધીમાં કુલ ૧૦ હજાર જેટલી વ્યક્તિઓને સંતત્વનું બિરુદ આપ્યું છે. હાર્વર્ડ યુનિવર્સિટીના રૉબર્ટ જે. બેરોએ ઈ. સ. ૧૫૯૦થી ૨૦૦૯ સુધીમાં થઈ ગયેલા સંતોના ડેટાનો અભ્યાસ કરીને તારણ કાઢ્યું છે કે છેલ્લા બે સૈકામાં સંતની ઉપાધિ આપવાનું પ્રમાણ વધી ગયું છે. ઈ. સ. ૧૨૩૪માં નક્કી થયું કે સંતની ઉપાધિ આપવા માટે પોપની મંજૂરી જરૂરી છે. એ પહેલાં પ્રોફેસર રૉબર્ટે વાપરેલા શબ્દો પ્રમાણે સંતોનું માર્કેટ અત્યંત અનરેગ્યુલેટેડ હતું. આ સ્ટડી કહે છે કે વ્યક્તિને સંત તરીકે જાહેર કરવાનું પ્રમાણ વધવામાં નિયમોમાં અપાયેલી છૂટછાટ પણ કારણભૂત છે. કોઈ પણ વ્યક્તિને સંત જાહેર કરવા માટે સૌપ્રથમ કૅથલિક ચર્ચ જે-તે વ્યક્તિને લગતા દસ્તાવેજો એકઠા કરે છે, તેની સાથે સંકળાયેલા લોકોના ઇન્ટરવ્યુ કરે છે અને એ તમામ દસ્તાવેજોને પોપને મોકલી આપે છે. ઈ. સ. ૧૯૮૩ સુધી બિએટિફિકેશનની પ્રક્રિયા માટે વ્યક્તિએ બે કે એથી વધારે ચમત્કારો કરેલા હોવા જરૂરી ગણાતા હતા, જે હવે ઘટાડીને એક જ કરી દેવાયો છે. હવે બિએટિફિકેશનની પ્રક્રિયા વિશ્વમાં કોઈ પણ ઠેકાણે થઈ શકે છે અને એમાં પૉપની રૂબરૂ ઉપસ્થિતિની પણ જરૂર રહેતી નથી.

અગાઉ વ્યક્તિના અવસાન અને તેને સંત તરીકે જાહેર કરવાની વચ્ચે સરેરાશ ૧૮૧ વર્ષ લાગતાં હતાં. ઈવન વ્યક્તિના બિએટિફિકેશન અને કૅનનાઇઝેશનની વચ્ચે પણ ૪૯ વર્ષ લાગતાં હતાં. ઈવન ઈ. સ. ૧૯૧૭માં એક નિયમ બનેલો કે બિએટિફિકેશન તથા કૅનનાઇઝેશનની વચ્ચે મિનિમમ પચાસ વર્ષનો ગાળો હોવો જોઈએ, જેથી કોઈ ઓછી પાત્રતા ધરાવતી કે લેભાગુ વ્યક્તિ સંત ન બની જાય અને સંતત્વની જાહેરાત લોકપ્રિયતાના આધારે ન થાય. સ્વાભાવિક રીતે જ મધર ટેરેસાના ૧૯૯૭માં અવસાન પછી તેમને મોટે ભાગે ૨૦૧૬ના સપ્ટેમ્બરમાં સંત જાહેર કરી દેવાશે એટલે તેમના કિસ્સામાં આ નિયમનું પાલન થયું નથી.

છેલ્લા દાયકામાં સંત જાહેર થયેલી વ્યક્તિઓમાં લગભગ ૪૦ ટકા જેટલી સ્ત્રીઓ હતી. આની સામે સત્તરમી સદીમાં માત્ર વીસ ટકા સ્ત્રીઓને જ સંતની ઉપાધિ અપાતી હતી. પ્રોફેસર રૉબર્ટ બેરોના ‘ગાર્ડિયન’માં ટાંકવામાં આવેલા સ્ટડીમાં એક સવાલનો જવાબ એ મળે છે કે સંતત્વની ઉપાધિ આપવાનું પ્રમાણ વધી ગયું છે એનું કારણ છે સ્પર્ધા. અગાઉના પોપ જૉન પૉલ બીજા વખતે કૅથલિકની સામે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની સ્પર્ધા હતી. ત્યાર પછી બેનેડિક્ટની સામે યુરોપના અને અન્ય દેશોના સેક્યુલરિઝમની સામે સ્પર્ધા હતી.

મધર ટેરેસા અને તેમની સંસ્થા સામેની ટીકાઓ જે કંઈ પણ કહેતી હોય, પરંતુ ભારતમાં આ જાહેરાતને ક્રિસમસ ગિફ્ટ તરીકે જોવામાં આવી રહી છે. ઈવન શાંતિ અને કરુણાનાં તેઓ શાશ્વત બ્રૅન્ડ-ઍમ્બૅસેડર છે એ વાતનો કોઈ ઇનકાર કરી શકે એમ નથી. ઉપરથી અત્યારે જગતમાં વધેલા ત્રાસવાદ અને હિંસાની સામે મધર ટેરેસાએ કંડારેલા પ્રેમ, કરુણા અને સેવાના માર્ગની અત્યારે વિશ્વને તાતી જરૂર છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK