રફી-વિશેષ- મહાગાયક મહામાનવ

એક ખૂબ જ સારા ગાયક હોવાની સાથે મોહમ્મદ રફી વિરલ અને ઉમદા વ્યક્તિ પણ હતા એવું તેમણે કરેલાં વિધાનો, તેમની દિનચર્યા અને તેમના વિચારોમાં પ્રતીત થાય છે. તેમની સાથે કામ કરનારા દિગ્ગજ કલાકારોએ પણ કોઈ પણ જાતની મર્યાદા બાંધ્યા વિના દિલ ખોલીને તેમનાં વખાણ કયાર઼્ છે. તેમની હાજરીમાં પણ અને તેમની ગેરહાજરી પછી પણ. મોહમ્મદ રફી વિશેની કેટલીક અલપઝલપ વાતો જાણીએ

rafi mahanayakમોહમ્મદ રફી ખુદ અપની ઝુબાની


હું એક સીધોસાદો મુસલમાન છું. અલ્લાહ પર પુષ્કળ યકીન રાખું છું. શરાબ નથી પીતો, સિગારેટ નથી પીતો. પાન સુધ્ધાં ખાતો નથી. મારો સમાજ એ મારું ઘર છે. હું પીતો નથી અને પીવડાવવાનું પણ પસંદ કરતો નથી. મારા મઝહબ સાથે મને બેહદ પ્રેમ છે. રોઝા અને પાંચેય નમાઝના સમય સાચવીને એનું પાલન કરું છું. હું અનુભવું છું કે અલ્લાહનો મારા પર ખાસ ઉપકાર છે, કારણ કે હું તો એક અત્યંત મામૂલી માણસ છું છતાં અલ્લાહે મને ઘણુંબધું આપ્યું છે.

મોહમ્મદ રફીનું શેડ્યુઅલ શું રહેતું?

રફીસાહેબ રોજનો અડધો કલાક રિયાઝ કરતા હતા. ખાવાપીવામાં કોઈ ખાસ પરહેઝ નહોતા કરતા. બરફનું ઠંડું પાણી પણ પી લેતા અને દિવસમાં બે-ત્રણ વાર ઠંડી લસ્સી પણ પી લેતા. અતિશય ઠંડીની સીઝનમાં પણ ક્યારેય ઠંડા પાણીથી દૂર રહેવાનું તેમને મંજૂર નહોતું. ઍર-કન્ડિશન્ડ રૂમની અતિશય ઠંડક પણ તેમના અવાજને કોઈ અસર પહોંચાડી શકી નહોતી. સારું અને સ્વાદિષ્ટ ખાવાના તેઓ શોખીન હતા. જ્યારે તેમને કોઈ ખાવાપીવા માટે સલાહ આપતું ત્યારે તેઓ કહેતા કે અવાજ તો ઉપરવાળાની દેન છે, એને જ્યારે જોઈશે ત્યારે એ મારી પાસેથી પાછો લઈ લેશે.

મોહમ્મદ રફીના વિચારો


મને અત્યાર સુધી એ નથી સમજાયું કે માણસ પાસે શું હોય ત્યારે એ સંતુષ્ટ બને છે. મારી પાસે પૈસા, નામ અને પ્રસિદ્ધિ એ બધું જ છે છતાં પણ કોણ જાણે કેમ મન કરે છે કે હું એક ગુમનામ માણસ બની જાઉં અને એક સાવ સામાન્ય માણસની જેમ સ્વતંત્રાથી હરું-ફરું, કારણ કે કોઈક વાર આ શોહરત માણસની રૂહ સુધી પહોંચીને તેને નુકસાન પહોંચાડે છે. એક વાર મને મન થયું હતું કે દિલ્હી ગેટની બહાર બેસીને ચણા ખાઉં, પણ મારી એ ઇચ્છા આજ સુધી પૂરી નથી થઈ શકી. એવી તો અનેક ઇચ્છાઓ છે જે શોહરતવાળો માણસ પૂરી નથી કરી શકતો. જ્યારે એક સામાન્ય માણસ જે ઇચ્છે એ કરી શકે છે, જે ચાહે એ ખાઈ શકે છે.

મોહમ્મદ રફીનો જિંદગીનો છેલ્લો દિવસ કેવો હતો?

૧૯૮૦ની ૩૧ જુલાઈના રોજ નવ વાગ્યે નાસ્તો પતાવીને મોહમ્મદ રફી એક બંગાળી ગીતનું રિહર્સલ કરી રહ્યા હતાં. દેવી મા પર આધારિત એક ડિવોશનલ ગીતમાં શ્યામલી મિત્રા નામનાં બંગાળી મ્યુઝિક-ડાયરેક્ટર તેમની સાથે હતાં. એક કલાક રિહર્સલ પતાવ્યા પછી લગભગ ૧૦ વાગ્યે તેમણે તેમના સાળાને પોતાને છાતીમાં દુખાવો થઈ રહ્યો છે એ વાત કહી. એ વખતે તેમના સાળાએ તેમને એક સોડા મિન્ટની ગોળી આપી. જોકે તેમને એનાથી ફરક ન પડ્યો એટલે તેઓ ડૉક્ટર પાસે દોડ્યા હતા. ફૅમિલી-ડૉક્ટરે તાત્કાલિક હૉસ્પિટલમાં જવા કહ્યું. અને તેઓ બાંદરાના રફી મેન્શનથી સીધા માહિમમાં આવેલી નૅશનલ હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. હૉસ્પિટલમાં પોતાની રીતે ચાલીને તેઓ પહોંચ્યા હતા. હૉસ્પિટલમાં ખબર પડી કે તેમને હાર્ટ-અટૅક આવ્યો છે. જોકે નૅશનલ હૉસ્પિટલમાં અપૂરતાં મશીનોને કારણે તેમને બૉમ્બે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જોકે ત્યાં ગયા પછી પણ ત્યાંનાં કેટલાંક મશીનો ટેક્નિકલ ખામીને કારણે બંધ પડ્યાં હતાં, જેને કારણે તેમની ટ્રીટમેન્ટ વિલંબાઈ ગઈ. મશીન આવે ત્યાં સુધી તેમને એમ જ હૉસ્પિટલમાં કેટલીક પ્રાથમિક સારવાર પ્રમાણે રાખવામાં આવ્યા. છેક ૧૧ કલાકના અંતરાળ પછી મશીનની વ્યવસ્થા થઈ. જોકે જ્યારે ડૉક્ટરે તેમને તપાસ્યા ત્યારે તેમને ખબર પડી ગઈ હતી કે આ વ્યક્તિ હવે લાંબું નહીં ખેંચી શકે અને રાત્રે લગભગ ૧૦.૧૦ મિનિટે તેમનો જીવ જતો રહ્યો. બીજે દિવસે બપોરે સાડાબાર વાગ્યે તેમના ઘરેથી તેમના પાર્થિવ દેહને બાંદરાની જામા મસ્જિદ તરફ લઈ જવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં જનમેદની ભેગી થઈ હતી. એટલા લોકો એકત્રિત થયા હતા કે છેક છ વાગ્યે તેઓ જામા મસ્જિદ પહોંચી શક્યા હતા. અને સાડાછ વાગ્યે તેઓ કબરમાં પહોંચી શક્યા હતા. તેમની અંતિમવિધિમાં રાજ કપૂર, સંજીવકુમાર, અમજદ  ખાન, અમિતાભ બચ્ચન, મનમોહન દેસાઈ, શશી કપૂર, કલ્યાણજી-આણંદજી જેવા અનેક દિગ્ગજ કલાકારો સામેલ થયા હતા. રફીસાહેબનો દેહાંત થયો ત્યારે બહાર પણ જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. જ્યારે તેમને કબરમાં ઉતારવામાં આવ્યા એ પછી થોડી વારે વરસાદ શાંત પડ્યો હતો. તેમના ચાહોકોએ ત્યારે કહ્યું હતું કે આ મહાન કલાકારની વિદાયથી આકાશ પણ રોઈ પડ્યું હતું, જે હવે ધીમે-ધીમે શાંત થઈ રહ્યું છે.

ત્રણ દિગ્ગજોના મનોભાવ

કિશોરકુમાર : રફીસાહેબ મહાન ગાયક હતા એ અનુભવ મેં પોતે પણ કર્યા છે. ગાવામાં ભલે અમારો સાથ ઓછો રહ્યો, પરંતુ આપસી સંબંધો ખૂબ સારા હતા. દિલચસ્પ વાત એ હતી કે હું પોતે પણ એક ગાયક છું. પણ મારા માટે પણ તેમણે પ્લેબૅક સિન્ગિંગ કર્યું છે. ફિલ્મ ‘રંગોલી’, ‘શરારત’, ‘હાથી મેરે સાથી’ જેવી ઘણી ફિલ્મોમાં તેમણે ગીતો ગાયાં છે. ‘હાથી મેરે સાથી’ના બધાં ગીતો મેં ગાયા હતાં, પરંતુ ‘નફરત કી દુનિયા કો છોડ કે પ્યાર કી દુનિયા મેં...’ ગીત ઘણા પ્રયત્નો પછી પણ હું પ્રૉપર રીતે ન ગાઈ શક્યો. એ વખતે છેલ્લે મને થયું કે આ ગીતને શ્રેષ્ઠ ન્યાય રફીસાહેબ જ આપી શકશે. આ તેમની મોટાઈ જ હતી કે તેઓ તરત જ આ ગીત ગાવા માટે રાજી થઈ ગયા. આટલા મોટા ગાયક હોવા છતાં આ ગીત તેમને પહેલાં જ કેમ ઑફર ન કરાયું એ બાબતનો રંજ રાખ્યા વિના ત્વરિત તેઓ આના માટે રાજી થઈ ગયા હતા.

ઓ. પી. નૈયર : મારો અને રફીસાહેબનો બહુ જ ગહેરો નાતો રહ્યો છે. મારી પહેલી ફિલ્મનું ગીત તેમણે જ ગાયું હતું. ‘સીઆઇડી’માં અમારો સાથ વધુ ગહેરો બનતો ગયો. પછી તો અમે એકબીજાની જરૂરિયાત બનતા ગયા. મારા મોટા ભાગનાં ગીતો હાઈ પિચનાં હોય છે એટલે રફી સિવાય બીજું કોઈ ગાઈ પણ ન શકે.

આર. ડી. બર્મન : મારા પિતા એસ.ડી. બર્મન રફીસાહેબને પસંદ કરતા હતા. હું મારા પિતાજીને અસિસ્ટ કરતો ત્યારે રફીસાહેબને મળવાની તક મળતી હતી. ‘છોટે નવાબ’માં મેં જ્યારે સ્વતંત્ર રીતે મ્યુઝિક કમ્પોઝ કર્યું ત્યારે રફીસાહેબે એમાં ગીત ગાયું હતું. મને સફળતા મળી ત્યાં સુધી જમાનો બદલાઈ ગયો હતો. ત્યારે બીજા સિંગરો પણ લેવા પડતા હતા. એટલે હું બહુ વધારે રફીસાહેબને પ્રાધાન્ય ન આપી શક્યો જેનો અફસોસ મને જીવનભર રહેશે. જોકે રફીસાહેબ ખરેખર એક નિદોર્ષ માણસ હતા. તેમની શખ્સિયત સાદગીસંપન્ન હતી. બહુ જ ભોળપણથી તેઓ ના પણ પાડી શકતા હતા. તેમના મૃત્યુના થોડા દિવસ પહેલાં તેમની સાથે મેં એક ગીત રેકૉર્ડ કર્યું હતું. અમે બન્ને સાથે ગાઈ રહ્યા હતા. ગીત હતું ‘યમા યમા, યમા યમા, યે ખૂબસૂરત સમા...’ એ વખતે મારાથી તેમને કહેવાઈ ગયું હતું કે તમે તો આટલા મોટા ગાયક છો, તમારા અવાજ સાથે હું મારો અવાજ કેવી રીતે મળાવી શકીશ. તો તેમણે ખૂબ જ સહજ રીતે કહ્યું હતું કે એમ ન બોલો, એમ કહો કે હું તમારા અવાજને કઈ રીતે મારા અવાજમાં ન્યાય આપી શકીશ. એ ગીત અમે જુગલબંધીમાં ખૂબ સરસ રીતે ગાયું હતું. જ્યારે પણ ગીતનું રેકૉર્ડિંગ હોય તેઓ ભીંડીબજારમાંથી હલવો લઈને આવતા અને અમે બધા ભેગા બેસીને ખાતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK