રફી-વિશેષ - રફી સાહેબના અવાજ પર કેટલાયના ઘર ચાલે છે

મોહમ્મદ રફીના જાદુઈ અવાજનો પ્રભાવ આજે પણ એટલો વ્યાપક છે કે અનેક કલાકારો તેમના જેવા અવાજમાં તેમનાં લોકપ્રિય ગીતો ગાઈને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેમના અવાજ પર એક આખી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ છે. રફીસાહેબના ચાહકોએ પણ આ બધા ગાયકોને મન મૂકીને વધાવી લીધા છે


mohammad rafiરુચિતા શાહ

જાદુઈ અવાજના અધિપતિ મોહમ્મદ રફીનાં અવાજમાં જેટલી દિવ્યતા હતી એટલી જ ભવ્યતા તેમના જીવનમાં હતી. ગ્રેટ વૉઇસ મેળવ્યા પછી પણ કોઈ પણ જાતના ઈગો વિના સાદગીપૂર્વક રહેવું, લોકોને મદદ કરવી, જરૂરિયાતમંદ લોકોના પડખે ઊભા રહેવું જેવી બાબતો તેમના જીવનનો હિસ્સો હતી. તેમના ગયા પછી પણ તેમના અવાજને કારણે સત્કાર્યનું એ ઝરણું વહેતું રહ્યું છે. મોહમ્મદ રફીનાં યાદગાર ગીતોને તેમના અવાજમાં ગાવાના પ્રયત્નો કરીને કેટલાય લોકો પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે આ અવાજે એક અલાયદી ઇન્ડસ્ટ્રીને જન્મ આપ્યો છે. શાન-એ-રફી, રફી કે યાદગાર ગાને જેવા અસંખ્ય કાર્યક્રમો દેશભરમાં નિયમિત ધોરણે યોજાય છે. અફ કોર્સ, રફીસાહેબના અલૌકિક અને મોસ્ટ વર્સેટાઇલ વૉઇસની તુલના હોઈ જ ન શકે. છતાં પ્રયત્નપૂર્વક તેમણે અવાજ સાથે, તેમની સ્ટાઇલ સાથે તાલમેલ બેસાડવાના પ્રયત્નો કરનારા સિંગરો પણ લાજવાબ રીતે તેમણે ગાયેલાં ગીતોને ન્યાય આપી રહ્યા છે. તો મળીએ કેટલાક એવા કલાકારોને જેઓ વૉઇસ ઑફ રફી છે. તેમના જીવનમાં મોહમ્મદ રફી કયા સ્થાને છે અને કઈ રીતે તેમના જીવનમાં મોહમ્મદ રફી આવ્યા છે એ જાણીએ તેમની પાસેથી.

૧૨ કલાક રફીસાહેબનાં ગીતો ગાઈને લિમ્કા બુકમાં નામ નોંધાવ્યું : શ્રીકાંત નારાયણ

મુંબઈમાં જ જન્મેલા અને ઊછરેલા શ્રીકાંત નારાયણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે સિંગર બનશે અને એ પણ બહેતરીન અવાજના મહારથી મોહમ્મદ રફીનાં ગીતો ગાશે અને શ્રોતાઓ પાસેથી આટલોબધો પ્રેમ પણ પામશે. મૂળ કેરળના શ્રીકાંત કહે છે, ‘બાળપણથી ગાવાનો શોખ હતો. જોકે પ્રોફેશનલી સિgન્ગગ કરીશ એવું ક્યારેય નહોતું લાગ્યું. ઇન ફૅક્ટ મારે તો ક્રિકેટર બનવું હતું. ખૂબ સિરિયસ્લી હું ક્રિકેટ રમતો હતો. ગાવાનો શોખ હતો. ક્યારેક અંતાક્ષરી રમતી વખતે કે કોઈ એવી સ્પર્ધામાં ભાગ લેતો ત્યારે લોકો તરફથી ખૂબ સારો રિસ્પૉન્સ મળતો. અનેક પ્રાઇઝ પણ મળ્યાં છે એમાં. એક વાર એક ઇન્ટર-કૉલેજ કૉમ્પિટિશનમાં મોહમ્મદ રફીનું ‘તેરે મેરે સપને અબ એક રંગ હૈં’ ગીત ગાયું અને લોકોએ ખૂબ વધાવ્યો. એમાં જ મને એક મરાઠી ગીત ગાવાની ઓફર મળી. ક્યારેય કોઈ ટ્રેઇનિંગ લીધી નહોતી કે સંગીતક્ષેત્રે આગળ વધવાની ઇચ્છા પણ નહોતી. શરૂઆતમાં ના પાડી, પરંતુ સામેવાળાએ ખૂબ આગ્રહ કર્યો એટલે તેમના રિસ્ક પર મેં એ ઑફર સ્વીકારી લીધી. મારો અવાજ નવો હતો, પરંતુ લોકોને એમાં રફીસાહેબના અવાજની છાંટ લાગતી હતી. મરાઠીમાં બે ગીતો રેકૉર્ડ થયાં અને હિટ ગયાં. એ પછી તો ઑફરો આવવા લાગી. ત્યારે પહેલી વાર વિચાર આવ્યો કે ક્રિકેટનાં ખ્વાબ છોડીને સંગીત તરફ જ ધ્યાન કેન્દ્રિત કરું તો? સંગીતની તાલીમ લીધી થોડો સમય. એ પછી તો સ્ટેજ-પ્રોગ્રામ પણ કર્યા. તેમનાં ગીતોને ખૂબ સાંભળતો અને તેમની સ્ટાઇલ, ગીતમાં તેઓ જે ફીલિંગ ઉમેરતા એ, તેમની અદા અને લહેકો એ બધું શીખતો ગયો અને એમાં ઉમેરતો ગયો. જોકે એ વાત હકીકત છે કે રફીસાહેબનો અવાજ ડિવાઇન છે. એને કૉપી ન કરી શકાય. એમાં જે સહજતા અને નિદોર્ષતા છે એની નકલ કરવી શક્ય જ નથી. ઓ.પી. નૈયર રફીસાહેબ માટે કહેતા કે કાંચ કે કંકર કભી જોહર નહીં બન સકતે, વૈસે હી જિસે જો બનના હૈ વો બને મોહમ્મદ રફી નહીં બન સકતે... હું પોતે પણ માનું છું કે રફીસાહેબના અવાજ સુધી પહોંચવું મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ...’

અત્યાર સુધીમાં દેશ-વિદેશમાં ૧૦૦૦થી વધુ કાર્યક્રમો આપી ચૂકેલા શ્રીકાંતે સતત ૧૨ કલાક સુધી સેંકડો શ્રોતાઓની વચ્ચે મોહમ્મદ રફીના દરેક મૂડનાં, દરેક સ્ટાઇલનાં ૧૦૧ ગીતો રંગશારદા ઑડિટોરિયમમાં ગાયાં હતાં. એના માટે લિમ્કા બુક ઑફ રેકૉર્ડ્સમાં તેમનું નામ પણ નોંધવામાં આવ્યું છે.

તેમના અવાજે મને જીવતો રાખ્યો છે ને તેમનાં ગીતો ગાવાં એ મારું સદ્ભાગ્ય છે: બંકિમ પાઠક

અમદાવાદના મણિનગરમાં રહેતા બંકિમ પાઠક છેલ્લાં ૪૫ વર્ષથી મોહમ્મદ રફીનાં ગીતોનો કાર્યક્રમ કરે છે. પાંચ મિનિટ માટે મોહમ્મદ રફીને રૂબરૂ મળવાનો અવસર તેમને પ્રાપ્ત થયો છે. એ વાત તેમના માટે આર્શીવાદ સમાન છે. તેઓ કહે છે, ‘હું ખરેખર મારી જાતને નસીબદાર માનું છું. સ્કૂલમાં ભણતો હતો ત્યારથી રફીસાહેબનાં ગીતો ગાતો હતો. રફીસાહેબનાં ગીતો મને પ્રેરણા આપતાં હતાં. કૉલેજની એક સ્પર્ધામાં ‘દીવાના મુઝસા નહીં ઇસ અંબર કે નીચે’ ગીત ગાયું ત્યારે બધા જ ફ્રેન્ડ્સ અને ટીચર્સે મને તાળીઓથી વધાવી લીધો હતો. એવી જ રીતે ચિત્રલોક સિને સર્કલમાં નવોદિત ગાયકોની એક સ્પર્ધામાં આખા શહેરમાં હું વિજેતા થયો હતો. એમાં મેં ‘યે મેરા પ્રેમ પત્ર પઢકર’ ગીત ગાયું હતું. એ પછી વિસરાતાં ગીતો નામના એક સ્ટેજ-કાર્યક્રમમાં મને અપૉઇન્ટ કરવામાં આવ્યો એમાં પણ હું રફીસાહેબનાં ગીતો ગાતો. એ પછી એક ઑર્કેસ્ટ્રા જૉઇન કર્યું એમાં પણ મને રફીસાહેબનાં ગીતો ગાવા માટેનું જ કહેવામાં આવ્યું. ૧૯૮૦માં જ્યારે રફીસાહેબ એક્સપાયર થયા ત્યારે કેટલાક લોકોએ મને પોતાનું ગ્રુપ શરૂ કરવાનું કહ્યું અને ત્યારે ‘એક યાદ રફી કે બાદ’ નામનો કાર્યક્રમ શરૂ કર્યો જેમાં રફીસાહેબનાં જ ગીતો ગવાતાં હતાં. આજ સુધી આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે.’

અહીં ઉલ્લેખનીય છે કે બંકિમભાઈ શારીરિક રીતે અક્ષમ છે અને તેઓ કૅલિપર્સ લઈને ચાલે છે. છતાં વિશ્વભરમાં ૪૫૦૦થી વધુ પ્રોગ્રામ તેઓ આપી ચૂક્યા છે.

રફીસાહેબ મારા અન્નદાતા છે એવું કહેવામાં મને કોઈ સંકોચ નથી : અનિલ બાજપેયી

મૂળ ગ્વાલિયરના અનિલ બાજપેયી છેલ્લાં ૧૫ વર્ષથી મુંબઈમાં મોહમ્મદ રફીના કાર્યક્રમો આપે છે. પહેલી વાર તેમણે ‘ઓ દુનિયા કે રખવાલે’ ગીત ગાયું હતું. રફીસાહેબ સાથેના કનેક્શન વિશે જણાવીને અનિલ કહે છે, ‘મને ગાવાની ઇચ્છા જ નાનપણમાં રેડિયો પર રફીસાહેબનાં ગીતો સાંભળીને થઈ હતી. પહેલી વાર રફીસાહેબને સાંભળ્યા એટલે મને સંગીત માટે પ્રેમ જાગ્યો. ઘરમાં એવો કોઈ સંગીતનો માહોલ નહોતો. અભ્યાસ કરતો હતો. એ વખતે સ્કૂલમાં અને કૉલેજમાં થતી સ્પર્ધાઓમાં રફીસાહેબનાં ગીતો ગાતો હતો. મેકૅનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યો હતો. જોકે એ પહેલાંથી જ ગ્વાલિયરમાં મારી પાસે લોકો મોહમ્મદ રફીનાં ગીતો ગવડાવતા. તેમના અવાજ સાથે મારો અવાજ મળતો આવે છે એવી કમેન્ટ મારા માટે ઑસ્કર અવૉર્ડ મળ્યાની લાગણી જન્માવતી હતી. એ પછી મુંબઈ આવ્યો. લોકો પાસે કામ લેવા માટે જવા લાગ્યો. મારે સિgન્ગગમાં જ આગળ વધવું હતું. શરૂઆતના દિવસોમાં ખૂબ સંઘર્ષ વેઠ્યો છે. જોકે મારા તારણહાર રફીસાહેબ જ છે. ઈશ્વરની કૃપા અને રફીસાહેબના અવાજમાં ગાવાના પ્રયત્નોને કારણે પછી તો અનેક કાર્યક્રમોમાં ગાવા માટેની મને ઑફર મળી અને ગાડી પાટે ચડી ગઈ. અત્યારે રફીસાહેબ પરોક્ષ રીતે મારા અન્નદાતા છે એવું કહેવામાં મને કોઈ સંકોચ નથી.’

અમે ‘વૉઇસ ઑફ રફી’ નથી, બસ તેમના જેવું ગાવાના પ્રયત્ન કરીએ છીએ : રાજેન્દ્ર ગઢવી

છેલ્લાં ૪૫ વર્ષથી મોહમ્મદ રફીનાં ગીતોનો કાર્યક્રમ રાજેન્દ્ર ગઢવી કરી રહ્યા છે. ૧૯૭૦માં મેટ્રો પાસે આવેલા રંગભવન નામના ઓપન થિયેટરમાં હજારોની મેદની વચ્ચે પહેલવહેલી વાર તેમણે સ્ટેજ-શો કર્યો હતો. સંગીત-જગતના દિગ્ગજો આ કાર્યક્રમમાં સામેલ થયા હતા, જેમાં તેમણે ‘ટૂટે હુએ ખ્વાબોં ને’ ગીત ગાઈને કાર્યક્રમની શરૂઆત કરી હતી અને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ત્યારથી શરૂ થયેલો સિલસિલો આજ દિન સુધી અવિરતપણે ચાલી રહ્યો છે. કોઈ પણના અવાજમાં ગાઈ શકવાની ક્ષમતા ધરાવતા રાજેન્દ્રભાઈ મોહમ્મદ રફીની વાત આવે છે ત્યારે નમþતાપૂર્વક કહે છે, ‘રફી લેજન્ડ હતા. તેમના અવાજની ખાસિયતને ક્યારેય કૉપી કરી જ ન શકાય. હું મારા કાર્યક્રમના પ્રારંભમાં હંમેશાં કહેતો હોઉં છું કે વૉઇસ ઑફ રફી હું નથી. બની પણ ન શકું. હું જ શું, રફીસાહેબ જેવી શખ્સિયત અને રફીસાહેબ જેવી અવાજની દૌલતને કૉપી ન કરી શકાય. પરંતુ રફીસાહેબ જેવું ગાવાના પ્રયત્નો કરી શકાય. એ હું કરી રહ્યો છું. શ્રોતાઓએ એમાં મને ખૂબ આવકાર્યો છે એ મારા માટે અહોભાગ્યની વાત છે કે આટલા મોટા દિગ્ગજ કલાકારના અવાજને હું ક્યાંક થોડોક પણ ન્યાય આપી શક્યો છું. રફીસાહેબની એ મહાનતા છે કે વિશ્વભરમાં તેમના જન્મદિને અને સ્વર્ગવાસના દિવસે પ્રોગ્રામો થાય છે. તેમના અવાજની અને વ્યક્તિત્વની એ કાબેલિયત જ છે કે વર્ષો પછી પણ તેઓ ભુલાયા નથી અને આવનારાં કેટલાંય વર્ષો સુધી તેમની ખ્યાતિ અકબંધ રહેવાની છે.’

સુરતમાં સ્કૂલમાં હતા ત્યારથી જ ગીતો ગાવાના શોખીન રાજેન્દ્ર ગઢવી ૧૯૮૯ સુધી પ્લાસ્ટિકની ફૅક્ટરીમાં કામ કરતા હતા. એ દરમ્યાન પણ તેઓ સાઇડમાં સ્ટેજ-પર્ફોર્મન્સ આપતા હતા. જોકે ૧૯૯૦માં તેમણે ફુલ ટાઇમ પોતાનું ગ્રુપ શરૂ કરીને રફીસાહેબનાં ગીતોનો કાર્યક્રમ આપવાનું શરૂ કરી દીધું.

મારા માટે મોહમ્મદ રફી મારી રોજીરોટી છે એમાં શંકાને સ્થાન નથી : સર્વેશ મિશ્રા

મૂળ યુપીનો સર્વેશ મિશ્રા ગાવાનો શોખીન હતો. અયોધ્યાની પાસે આવેલા તેના ગામમાં તે ગલી-નુક્કડ પર ગાતો હતો. મોહમ્મદ રફીને નાનપણથી સાંભળ્યા છે. તે કહે છે, ‘રફીસાહેબને સાંભળતાં જ જાણે હું તેમના પ્રેમમાં પડી ગયો હતો. તમે એમ પણ કહી શકો કે એકલવ્યે જેમ ગુરુ દ્રોણને પોતાના ગુરુ માન્યા હતા એમ મેં પણ મનોમન રફીસાહેબને મારા ગુરુ માની લીધા હતા. એ દરમ્યાન હું જ્યારે પણ મારી કૉલેજમાં કે ગલીઓમાં ફ્રેન્ડ્સની ફરમાઇશ પ્રમાણે ગાતો તો લોકો મને કહેતા કે ગુરુનો રંગ તારા પર ચડ્યો છે. મારાં લગ્ન થયાં એ પછી કમાવા માટે મુંબઈ આવ્યો હતો. ત્યાં સુધી કલ્પના પણ નહોતી કરી કે હું સંગીતક્ષેત્રે આગળ વધીશ. હું મારા મોટા ભાઈ સાથે ઇમિટેશન જ્વેલરીનું કામ કરતો હતો. સાથે સાઇડમાં જ્યારે પણ ક્યાંક ગાવાની તક મળે તો ગાઈ પણ લેતો હતો. એવામાં મારા મિત્રના મારફત કેટલીક ફિલ્મોમાં ડબિંગ માટે બોલાવવામાં આવ્યો. કોરસમાં ગાવાની તક મળી. વીનસ નામની મ્યુઝિક-આલ્ાબમ બનાવતી કંપની માટે કેટલાંક ગીત રેકૉર્ડ કર્યાં. જોકે ત્યારે પણ મારી મરજીથી ગીત ગાવાનું હોય તો રફીસાહેબનું ગીત પહેલાં પસંદ કરતો. મારુ માનવું છે કે મોહમ્મદ રફી પોતે જ એક આખેઆખી યુનિવર્સિટી જેવા છે. તેમના દરેક ગીતમાં રિયાઝની શક્યતાઓ છે. તેમને સાંભળી-સાંભળીને હું ગાતાં શીખ્યો છું. તેમનું એક ગીત પણ જો તમે બરાબરથી ગાઓ તો તમારો રિયાઝ થઈ જાય છે.’

સર્વેશે ૨૦૦૯ના અંતથી સ્ટેજ-શો આપવાનું શરૂ કર્યું હતું. રફીસાહેબ જેવા અવાજ ઉપરાંત તેનું વ્યક્તિત્વ પણ રફીસાહેબ જેવું સિમ્પલ અને સાદગીભર્યું છે. વિશ્વભરમાં સર્વેશે શો કર્યા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK