ખાસ બાત - હવે લોકોને પોતાના રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ નથી અનુભવાતું એ જોઈને દુ:ખ થાય છે

આઝાદ ભારતના બર્થ-ડેની સાથે-સાથે જ આજે ગુજરાતી સુગમ સંગીતના બેતાજ બાદશાહ પુરુષોત્તમ ઉપાધ્યાયનો પણ જન્મદિવસ છે. ૮૩મા વર્ષમાં પ્રવેશેલા પુરુષોત્તમભાઈ સાથે કરીએ પ્રાસંગિક વાતો

purushottamઅત્યાર સુધી સુગમ સંગીતના વિશ્વભરમાં દસ હજાર કરતાં વધુ કાર્યક્રમો આપી ચૂકેલા અને સંગીતવિશ્વમાં લગભગ બધા ખેરખાંઓ સાથે કામ કરી ચૂકેલા સૂરોમાં ઉત્તમ એવા પુરુષોત્તમ ઉપાધ્યાયે આજે પોતાના આયખાનાં ૮૨ વર્ષ પૂરાં કરીને ૮૩મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ૧૫ ઑગસ્ટે જન્મેલા પુરુષોત્તમભાઈ માટે આજનો દિવસ ડબલ સેલિબ્રેશનનો છે અને વષોર્થી તેઓ ભરપૂર ઉત્સાહ સાથે એની ઉજવણી કરતા રહ્યા છે. તેઓ કહે છે, ‘હું જન્મ્યો ત્યારે દેશને આઝાદી મળી નહોતી એટલે એ સમયે તો આ દિવસ ઊજવાતો નહોતો. બેશક, ૧૯૪૭માં જ્યારથી દેશને આઝાદી આપવા માટે ૧૫ ઑગસ્ટની પસંદગી થઈ એને કારણે હું ખૂબ ગર્વ અનુભવતો હતો. હવે તો જન્મદિવસે ઘણાબધા શિષ્યો અને પરિચિતો ઘરે જ શુભેચ્છા આપવા આવે છે અને દુનિયાભરમાંથી સવારે સાડાપાંચ વાગ્યાથી જ રિલેટિવ્સ તેમ જ પરિચિતોના ફોન આવવા શરૂ થઈ જાય છે. ૩૩ વર્ષથી અમે કિન્નરી ગ્રુપ નામનું એક ગ્રુપ ચલાવીએ છીએ એના સભ્યો પણ ઘરે આવી જતા હોય છે. આ દિવસ મારી સાથે બધા માટે જ ડબલ સેલિબ્રેશનનો દિવસ બની જાય છે.’

છ વર્ષની ઉંમરે અમદાવાદમાં પહેલી વાર નાટકોમાં અનાયાસ ગાવાનું શરૂ કરનારા અને એ પછી મુંબઈમાં આવીને ગુજરાતી ફિલ્મોમાં ગાઈને પોતાની કારકર્દિીની શરૂઆત કરનારા પુરુષોત્તમભાઈએ જીવનને પૂર્ણપણે માણ્યું છે. સંઘર્ષની મીઠાશ અને સફળતાના ગળપણનો અનુભવ કર્યા પછી તેમ જ અત્યાર સુધીમાં ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને સંગીતની તાલીમ આપીને પોતાની આગળની પેઢી તૈયાર કરી દેવાનું કાર્ય પણ તેઓ સહજ કરી ચૂક્યા છે. અનુભવોની એ વાતોમાં તેઓ કહે છે, ‘હું નડિયાદમાં જન્મ્યો છું. આપણા પ્રખર સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા મહારથીઓની એ ભૂમિ છે. સાક્ષરોની ભૂમિમાં જન્મ થયા પછી લગભગ ત્રણ વર્ષની ઉંમરે જ મેં ગાવાનું શરૂ કરી દીધું હતું. પહેલાં તો મને એ વાતનો વિશ્વાસ નહોતો થતો, પરંતુ મારી પોતાની દીકરીઓને ત્રણ વર્ષની ઉંમરે ગાતી જોઈ ત્યારે લાગ્યું કે એ શક્ય છે. એ પછી અવિરત સંગીત સાથેનો એ નાતો બંધાયેલો રહ્યો છે. નાનપણમાં છોકરી જેવા અવાજને કારણે છોકરીઓની લાઇન ગાતો. કુદરતી રીતે જ એ સમયના મહાન કલાકાર માસ્ટર અશરફ ખાન સાથે કામ કરવા મળ્યું. ખૂબ નાના સ્તરેથી ઊંચા સ્તર પર પહોંચાયું છે. સંઘર્ષની આકરી કેડીથી લઈને સફળતાની સોહામણી કેડીમાં ક્યાંય તકલીફનો અનુભવ નથી થયો, કારણ કે સંગીત પ્રત્યેનાં મારાં પ્રેમ અને નિષ્ઠા મારી સાથે હતાં.’

લતા મંગેશકર પાસે પહેલું ગુજરાતી ગીત પુરુષોત્તમભાઈએ ગવડાવ્યું હતું. મોહમ્મદ રફીને ગુજરાતી ગઝલ ગવડાનારા પુરુષોત્તમભાઈ હતા. સુગમ સંગીતનો સુવર્ણકાળ હવે પૂરો થયો એ વાતથી તેઓ જરાય સહમત નથી. તેમનું માનવું છે કે ગુજરાતી ગીતો આજે પણ ગવાય છે અને સંભળાય છે. પુષ્કળ કાર્યક્રમો યોજાય છે. દેશની આઝાદી વિશે તેઓ કહે છે, ‘પહેલાંની જેમ હવે દેશના લોકોને પોતાના રાષ્ટ્ર પ્રત્યે ગૌરવ નથી અનુભવાતું એ જાણીને દુખ થાય છે. રાષ્ટ્ર પ્રત્યેનું મમત્વ લોકોમાં ઘટ્યું છે એટલે જ લોકો પહેલાંની જેમ ભાવપૂર્વક સ્વતંત્રતાદિવસની ઉજવણી કરતા નથી જોવા મળતા.’

અંગત-સંગત

પુરુષોત્તમભાઈના સંગીતના વારસાનું તેમની બન્ને દીકરી વિરાજ અને બીજલ અદ્ભુત રીતે જતન કરી રહી છે. બન્નેનાં લગ્ન થઈ ગયાં છે અને તેમને ત્યાં પણ બાળકો છે. તેમનાં પત્ની ચેલનાબહેન ક્લાસિકલ ડાન્સર છે. ૮૨ વર્ષની ઉંમરે પણ પુરુષોત્તમભાઈની તંદુરસ્તી અને યાદશક્તિ યુવાનોને શરમાવે એવી છે. અઠવાડિયાના ત્રણ દિવસ ગાર્ડનમાં વૉક કરવા જવાનો અને ત્રણ દિવસ જિમમાં જઈને એક્સરસાઇઝ કરવાનો નિયમ તેમણે વષોર્થી જાળવી રાખ્યો છે. તેમના દિવસનો મોટો ભાગ આજે પણ તેઓ સંગીત શીખવવામાં અને રિયાઝમાં વિતાવે છે.

- રુચિતા શાહ

- તસવીર : અતુલ કાંબળે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK