"કુદરતનું રૂપ જોવા ગયો હતો ને કુદરતે પોતાનાં ત્રણેય રૂપ દેખાડી દીધાં"

ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર સનત વ્યાસ પણ ઉત્તરાખંડથી મોતને માત આપીને પાછા ફર્યા છે, ઉત્તરાખંડ જવાનો સનત વ્યાસનો હેતુ જાત્રા કરવા કરતાંય મુંબઈના સિમેન્ટના જંગલમાંથી નીકળીને કુદરતનું સાંનિધ્ય માણવાનો વધુ હતો. તેઓ કુદરતનું રૂપ જોવા માગતા હતા. ભગવાન શંકરે પણ જાણે કે તેમને પોતાનાં બધાં રૂપ દેખાડવા માગતા હોય એમ સૌમ્ય, ખૂબસૂરત અને રૌદ્ર એમ ત્રણેય રૂપનાં દર્શન કરાવી દીધાં. વાંચો સનત વ્યાસનો અનુભવ તેમના પોતાના જ શબ્દોમાં...


મારી વાઇફ મીના માટે આ જાત્રા ચારધામની જાત્રા હતી, પણ મારા માટે અમારી આ જાત્રા વધુ તો કુદરતના સાંનિધ્યમાં રહેવા માટેનો સમય હતો. મુંબઈમાં રહેતા હોઈએ એટલે સ્વાભાવિક રીતે ચોવીસ કલાક વાહનના અવાજો સાંભળ્યાં હોય અને એનો ધુમાડો ફેફસાંમાં ભર્યો હોય, આંખોને સિમેન્ટનું જંગલ જ દેખાતું હોય અને જ્યાં જુઓ ત્યાં ગંદકી અને ગરદી જ દેખાય હોય. આવા સમયે કુદરતના રૂપની નજીક જવા મળતું હોય તો એ સૌંદર્ય માણવાની સહેજે ઇચ્છા થઈ જાય.

અમારો પ્રવાસ છઠ્ઠી જૂનથી શરૂ થવાનો હતો અને વીસમી જૂને પૂરો થવાનો હતો. પછી મારે મારા નાટકની તૈયારીમાં લાગવાનું હતું. સ્વાભાવિક રીતે મેં મારા આ નાનકડા વેકેશનનો લાભ લેવાનું નક્કી કરી લીધું અને છઠ્ઠી જૂને અમે ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદરીનાથ એમ ચાર ધાર્મિક સ્થળોએ જવા માટે રવાના થયાં. હરિદ્વારથી આ યાત્રા શરૂ થાય છે. ગંગોત્રી અને યમનોત્રીનાં દર્શન કર્યા પછી અમે સીતાપુર નામના ગામે આવ્યાં. અહીંથી અમારે ૧૪ તારીખે હેલિકૉપ્ટરમાં ઉપર એટલે કે કેદારનાથનાં દર્શન કરવા માટે જવાનું હતું, પણ અમારી યાત્રામાં પહેલું વિઘ્ન અહીં આવ્યું.

હડતાળનો પ્રારંભ

સીતાપુરથી હેલિકૉપ્ટરમાં કેદારનાથ જવાની સર્વિસ હવે ઘણી કંપનીઓ આપી રહી છે. હેલિકૉપ્ટરને કારણે સ્થાનિક લોકોની ખચ્ચરસર્વિસ અને ડોળીસર્વિસનો ઉપયોગ ઘટતો જતો હોવાથી લોકો એનો વિરોધ પણ પુષ્કળ કરે છે. ૧૪ તારીખે ખચ્ચર અને ડોળીવાળાઓએ હેલિકૉપ્ટરનું હેલિપૅડ કંઈક પોતાના કબજામાં લઈ લીધું હતું અને એના કારણે આ સર્વિસ અટકાવી દેવી પડી હતી. ટૂરમાં અમે ત્રણ દિવસ એક્સ્ટ્રા ફાળવ્યા હતા એટલે સર્વિસનો લાભ નહીં મળ્યો એનો અફસોસ નહોતો પણ એ દિવસ અમારે સીતાપુરમાં જ રહેવું પડ્યું. બહુ સરસ જગ્યા છે આ. કુદરતનું સરસ મજાનું સાંનિધ્ય માણવા મળ્યું. ખૂબબધું ફર્યા. અમે જ્યાં ઊતર્યા હતા એ જે. પી. ગૌરી રિસૉર્ટ અલકનંદા નદીમાંથી છૂટી પાડવામાં આવેલી એક નહેરના કિનારે હતો. ૧૪મીએ આ નહેરમાં નામપૂરતું પાણી હતું, પણ વાતાવરણ આહ્લાદક હતું. ઝાડનાં પત્તાંનો અવાજ, મંદ-મંદ લહેરાતી હવાનો ધ્વનિ અને વાતાવરણની ઠંડક. સ્વર્ગની આછીસરખી ઝલક જેવું જ હતું એ બધું.

હેલિકૉપ્ટર સર્વિસ બંધ હતી એટલે બીજા દિવસે એટલે કે પંદરમીની સવારે અમે ગૌરીકુંડથી સાડાપાંચ વાગ્યે ડોળી કરીને કેદારનાથ તરફ આગળ વધ્યાં. ગૌરીકુંડથી કેદારનાથ અંદાજે ૧૪ કિલોમીટર જેટલો રૂટ છે. એ દિવસે સવારથી જ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. સુકાઈ ગયેલાં ઝરણાં પણ નીકળવા માંડ્યાં હતાં. આહ્લાદક વાતાવરણ ધીમે-ધીમે પ્રણયમય બનતું જતું હોય એવું લાગતું હતું. ડોળીવાળા સાથે વાતો કરતો હતો એટલે ખબર પડી કે આ સીઝનમાં જનરલી વરસાદ ત્યાં નથી પડતો, પણ આ વર્ષે જ પડ્યો છે. હું એ સમયે મજાકમાં બોલ્યો પણ હતો કે ભોળાનાથે મને વરસાદી વાતાવરણનું ઉત્તરાખંડ દેખાડવા માટે જ વરસાદ મોકલ્યો છે.

થોડી વાર વરસાદ આવે, ફરી પાછો તડકો દેખાય. પાછું અંધારું થાય અને ફરી વરસાદ શરૂ થાય. લગભગ સાડાઅગિયાર વાગ્યે તો મેં પર્વતોની પાછળ એક મેઘધનુષ પણ જોયું. સાચું કહું તો હું એ વાતાવરણ જોઈને ભારોભાર ખુશ હતો. મુંબઈમાં બેઠા હોઈએ તો આવા દૃશ્યની કલ્પના કરવી પણ અઘરી હતી. પાબ્લો પિકાસોએ જાણે કે પેઇન્ટિંગ કર્યું હોય એવું વાતાવરણ હતું એ. પર્વત, એના પર ઊડાઊડ કરતાં પક્ષીઓ, નાના છોડ, મોટાં વૃક્ષ, પતંગિયાં અને પાન પર પડેલાં વરસાદનાં ટીપાંમાં દેખાતું આસપાસનું પ્રતિબિંબ. કુદરતના આ સૌંદર્યને માણતી વખતે મને ખબર નહોતી આગળ ભગવાન મને પોતાનું નવું રૂપ પણ દેખાડવાનો છે.

પહોંચ્યા કેદારનાથ

બપોરે એક-દોઢ વાગ્યે કેદારનાથનાં દર્શન કરીને અમે આજુબાજુનો માહોલ જોવામાં રત થયાં. હું કુદરતની કમાલની કારીગરી જોતો હતો. દરેક દૃશ્ય જોઈને મારા મોંમાંથી ‘વાહ’ નીકળી જતું હતું. કેદારનાથ મંદિરની સામેના ભાગમાં નાનકડું માર્કેટ છે. આ માર્કેટમાં થોડું ટહેલ્યા પણ એ દરમ્યાન મંદિરના એક પૂજારી અમને મળ્યાં, જેણે અમને કહ્યું કે આપ લોગ જલદી નીચે જાઓ, મૌસમ ઠીક નહીં લગ રહા.

પૂજારીના એ શબ્દોની ગંભીરતા તો અમને એ સમયે નહોતી ખબર. હું તો એવું ધારતો હતો કે મુંબઈનો વરસાદ જોયો હોય તેને વળી બીજા કોઈ શહેરના વરસાદની અસર ન થાય, પણ ડોળીવાળાએ પણ નીચે ઊતરવાની જીદ કરી એટલે અમે લોકો ફરીથી ડોળીમાં ગોઠવાયા અને નીચેની દિશામાં પ્રયાણ કર્યું. નીચે આવતાં સાંજના સાડાછ વાગી ગયા હતા. ઉપર જતી વખતે જે ઝરમર વરસાદ અમે જોયો હતો એ હવે સહેજ તેજ થયો હતો. અમારા સદ્નસીબે મોટું ઝાપટું આવીને પાછો વરસાદ રહી જતો હતો એટલે ડોળીવાળાને ચાલવામાં ખાસ તકલીફ નહોતી પડી. નીચે આવ્યા ત્યારે ગૌરીકુંડના ચોકમાં અમે હજારો ભાવિકો જોયા, જાણે કે કીડિયારું ઊભરાયું હોય. તે બધા કેદારનાથનાં દર્શન કરવા જવાની તૈયારી કરી રહ્યા હતા. મને એ સમયે વિચાર આવ્યો હતો કે આ ભાવિકોને દર્શન માટે સમય ક્યાંથી મળી રહેતો હશે.

ગૌરીકુંડથી સીતાપુર આવતી વખતે પણ એવો જ ટ્રાફિક મળ્યો. ગૌરીકુંડથી સીતાપુર વચ્ચેનું અંતર માંડ ત્રણ કિલોમીટરનું છે પણ અમને એ પૂરું કરતાં પાંચ કલાક લાગ્યા હતા. સીતાપુર આવીને અમે રિસૉર્ટના રૂમમાં પહોંચ્યાં ત્યારે પંદરમી જૂનની રાત પૂરી થઈ ગઈ હતી અને કયામતની ઘડીઓ શરૂ થવાને કલાકો ગણાતા હતા.

કયામતની રાત

અમારા રિસૉર્ટની સામે એક નહેર હતી, જે મેં આગળ કહ્યું. સવારે અમે નીકળ્યાં ત્યારે આ નહેરમાં નામપૂરતું પાણી હતું પણ રાતના સમયે એમાં પાણી ભરાઈ ગયું હતું. અમારી રૂમ આ નદી સામે જ હતી. વાતાવરણમાં રોનક ઉમેરાતી જતી હતી. ખળખળ અવાજે વહેતા પાણીએ બધો થાક ઉતારી દીધો હતો. એકાદ કલાક જેટલો સમય વાતો કરી અને એ પછી વીસેક મિનિટ એ નદીને જોવાનું કામ કર્યું. અફસોસ થતો હતો કે કુદરતના આ સાંનિધ્યમાં રહેવાની તક કેમ નથી મળતી. આ અફસોસ સાથે જ હું સૂઈ ગયો. રવિવારનો આખો દિવસ અમે સીતાપુરમાં રહ્યા. કહોને રહેવું પડ્યું, કારણ કે એ દિવસ આખો સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. અમારા રિસૉર્ટની સામે જે નદીમાં મંદ ગતિએ લહેરાતું પાણી વહેતું હતું એ જ પાણી હવે ધીમે-ધીમે આક્રમક બનવા લાગ્યું હતું. અમારે અહીંથી આગળ બદરીનાથ જવાનું હતું પણ આ વરસાદમાં સ્વાભાવિક રીતે જોખમ લેવાય એમ નહોતું. અમારી પાસે હજી એક્સ્ટ્રા દિવસ હતા એટલે અમે આખો દિવસ સીતાપુરમાં જ રહ્યા. રાતે પણ વરસાદ ચાલુ હતો. મોડી રાતે અમે સૂવા માટે ગયા અને રાતે બે-અઢી વાગ્યે રિસૉર્ટમાં દેકારો બોલી ગયો. અમે લોકો જાગી ગયા. બન્યું એવું હતું કે અમારા રિસૉર્ટ પાસેની નદી હવે ખોફનાક થઈ ગઈ હતી. એ નદી રીતસર દરિયાની જેમ મોજાં ઉછાળતી હતી અને દરિયાનાં મોજાં જેમ ઘુઘવાટ કરે એમ એ ઘુઘવાટા મારતી હતી. નદીનું પાણી એકદમ કાળુંડિબાંગ થઈ ગયું હતું. એમાં કોઈ ને કોઈ ચીજવસ્તુ તણાતી પણ અમને દેખાતી. અમારી સામેના નદીનો તટ ખાલી કરી નાખવામાં આવ્યો હતો. અમે બધાએ પણ અમારો જે કોઈ સામાન હતો એ હાથવગો કરી લીધો અને પછી શાંતિથી બેસી રહ્યા. બહાર વરસાદ હજી પણ ચાલુ જ હતો. અમને જગાડવાનું કામ રિસૉર્ટના મૅનેજરે કર્યું હતું. પાંચેક વાગ્યા સુધી બેઠા પછી તેમણે જ અમને કહ્યું કે હવે અમારે રૂમમાં જવું હોય તો જઈ શકીએ, પણ તેણે સૂવાની ના પાડી.

‘આપ લોગ આરામ કરો, મગર સોના મત... ઝરૂરત પડી તો નિકલ જાએંગે હમ.’

સૌ પોતપોતાના રૂમમાં ગયા અને બેઠાં-બેઠાં ઝોકાં ખાવા લાગ્યા. હું પણ ઝોકાં ખાતો હતો એવામાં અચાનક જ રિસૉર્ટમાં ફરીથી દેકારો શરૂ થયો અને હું સફાળો જાગી ગયો. તમે માનશો નહીં પણ એ સમયે સાવરના સાત વાગ્યા હતા પણ અંધારું મોડી રાત જેવું જ હતું. અતિશય વરસાદ હતો અને અમારી સામેની નદીનાં પાણી તોફાની દરિયાની જેમ ઊછળી રહ્યાં હતાં. રિસૉર્ટ નદીના કિનારે હતો, ગમે ત્યારે નદીનાં પાણી અમારા રિસૉર્ટને તાણી લે એવી સંભાવનાથી અમને તાત્કાલિક રિસૉર્ટ ખાલી કરવાનું કહેવામાં આવ્યું અને અમે ભાગતાં એક પર્વત પર ચડવા માંડ્યા. હજી તો થોડું ચડ્યા હોઈશું ત્યાં તો એક સ્થાનિક માણસે અમને અટકાવ્યા અને કહ્યું કે એ આખો પર્વત ખવાઈ ગયો છે અને એમાંથી ભેખડ પડવી શરૂ થઈ ગઈ છે. નીચે નદી અને ઉપર પર્વત, એવો પર્વત જે ગમે ત્યારે તૂટવો શરૂ થઈ જશે. બધા હેબતાઈ ગયા હતા. દિશા મળી ત્યાં, જગ્યા દેખાઈ ત્યાં ભાગ્યા સૌ. એ પંદર મિનિટમાં અમે આંખ સામે મોત જોઈ લીધું હતું. જો લપસીએ તો સીધા નદીમાં જઈને ખાબકીએ. વરસાદને કારણે જમીન પણ ચીકણી થઈ ગઈ હતી એટલે એમ પણ લપસવાની બીક લાગતી હતી. વાતાવરણમાં ખાલી પાણીનો જ અવાજ આવતો હતો... વરસતા વરસાદનો અને નદીના વહેતા પાણીનો. હવે કુદરતે મને એનું રૌદ્ર રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું હતું. અચાનક અમારામાંથી કોઈને સૂઝ્યું કે બસમાં ચાલ્યા જઈએ. બધા બસની દિશામાં ભાગ્યા. મહામુશ્કેલીએ બસમાં ચડ્યા અને પછી ત્યાં જ રહ્યા. આ બસમાંથી જોયેલાં દૃશ્યો ક્યારેય વીસરી નહીં શકાય. ચારેતરફ પાણી હતું અને આંખ અમારી સાવ કોરી હતી. ચોવીસ કલાક પહેલાં જે બજારમાં અમે ફરતા હતા એ બજાર તહસનહસ થઈ ગઈ હતી. અમારા ગ્રુપની છ બસ હતી, એ છમાંથી એક બસ અને એનો ડ્રાઇવર બસ સાથે તણાઈ ગયાં હતાં. ડ્રાઇવરને રૂમ આપવામાં આવી હતી પણ તે પોતાની બસ છોડવા તૈયાર નહોતો એમાં તેણે પણ જીવ ગુમાવવો પડ્યો. એક સમયે જે પાણી શાંત અને સૌમ્ય લાગતું હતું એ જ પાણી હજાર કિલોની બસને પત્તાની જેમ પોતાની સાથે ઢસડી જતું હતું. આગળથી તણાઈ આવતાં મોટાં ઝાડ અને શિલાઓ પણ પાણીના એ વહેણમાં દેખાતાં હતાં. સીતાપુરનાં વૃક્ષો પણ અમારી આંખ સામે પડતાં હતાં. પાંચસો અને હજાર કિલોની મોટી શિલા ઉલ્કાપાત થતો હોય એમ પર્વત પરથી સીધી નદીમાં ખાબકતી હતી. વાતાવરણમાં એક અજબ પ્રકારની બદબૂ ફેલાઇ ગઈ હતી. એ બદબૂ ડુંગર અને પર્વતની શિલાની માટી પાણીમાં ભળવાથી અને ભીના થઈ ગયેલા ઝાડના થડમાંથી વછૂટતી હશે એવું મારું માનવું છે.

બસમાં બેઠો હું આ બધું જોયા કરતો હતો. મારી જેમ જ બીજા લોકો પણ જોયા કરતા હતા. તેમના કોઈનામાં બોલવાના હોશ રહ્યા નહોતા. મને પાક્કું યાદ છે કે બસમાં પસાર કરેલા એ ચારથી છ કલાક દરમ્યાન ભાગ્યે જ અમારા લોકો વચ્ચે દસ વાક્યોની વાત થઈ હશે. એકાદ વાગ્યાની આસપાસ વાતાવરણ થોડું શાંત થયું એટલે અમે લોકો બધા પાછા રિસૉર્ટ તરફ આવ્યા અને પછી રિસૉર્ટમાં જ બુધવાર એટલે કે ૧૯ જૂન સુધી બેસી રહ્યા. આ સમય દરમ્યાન અમારી સામેની નદીના પાણીએ ફરીથી રંગ બદલવાનું શરૂ કર્યું અને મંગળવાર સાંજ સુધીમાં એ ચોખ્ખુંચણક થઈ ગયું. થોડે દૂર એક મોટું મેદાન હતું એ મેદાન આ હોનારત પછી ઓછામાં ઓછું સો ફૂટ ઊંચું થઈ ગયું હતું, આટલો કાંપ અને શિલાઓ આ મેદાનમાં ભેગા થઈ ગયાં હતાં.

મુકામ મુંબઈ

ગુરુવારે અમે સીતાપુરથી રવાના થયા. નક્કી કર્યું હતું કે રામવાડી નામના ગામે સૌ ચા પીવા માટે ઊભા રહીશું. હરિદ્વારથી આવતા હતા ત્યારે આ રામવાડી ગામે જ અમે ચા પીધી હતી. ડ્રાઇવર બસ ચલાવતો રહ્યો, પણ રામવાડી ક્યાંય દેખાયું નહીં. અમે બધા મૂંઝાયા. પછી એક જગ્યાએ પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે એ આખું ગામ પાણીના વહેણમાં તણાઈ ગયું છે. આવું જ બીજાં ગામોનું થયું છે. બસની એ હરિદ્વાર સુધીની સફરમાં તારાજીનાં દૃશ્યો જોવા મળતાં હતાં. આર્મીના જવાનો કામ પર લાગી ગયા હતા. અગાઉ જે હરિદ્વારથી સીતાપુર પહોંચવામાં અમને સાડાછ કલાક લાગ્યા હતા એ જ સીતાપુરથી હરિદ્વાર પહોંચતાં અમને ૪૨ કલાક લાગ્યા હતા, જે ટ્રાફિક જૅમ અને રસ્તાઓમાં થયેલી નુકસાનીને આભારી હતા. બસના એ ૪૨ કલાક દરમ્યાન મારા મનમાં એક જ વિચાર ચાલતો હતો કે જ્યારે હું આ પ્રદેશમાં દાખલ થયો ત્યારે આહ્લાદક હતો, બે જ દિવસમાં આખા પ્રદેશને કુદરતે સૌંદર્યવાન બનાવી દીધો અને એ પછી કુદરતના રૌદ્ર રૂપ સાથે એ જ પ્રદેશનું ધનોતપનોત પણ નીકળી ગયું.

આ કુદરતની તાકાત છે, આ કુદરતની શક્તિ છે અને સાચું કહું તો આ કુદરતનો કોઈ સંકેત પણ છે. કયો સંકેત અને કેવો સંકેત એ તો એ જ જાણે.

- રજૂઆત : રશ્મિન શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK