૧૮૬૭માં વેસ્ટર્નમાં લોકલ ટ્રેનો શરૂ થઈ ત્યારે દિવસમાં 6 જ વાર અપ-ડાઉન સર્વિસ થતી

પશ્ચિમ રેલવે દોઢસોમા વર્ષમાં પ્રવેશી છે ત્યારે જાણીએ એની રસપ્રદ વાતોઆમ તો ઇન્ડિયામાં સૌથી પહેલી રેલવે લાઇન ૧૮૫૩ના એપ્રિલ મહિનામાં મુંબઈથી થાણે વચ્ચે શરૂ થયેલી, પણ ૧૮૬૪ની ૨૮ નવેમ્બરે મુંબઈ અને ગુજરાતને જોડતી વેસ્ટર્ન રેલવેની પહેલી ટ્રેનની શરૂઆત થયેલી. ગયા અઠવાડિયે વેસ્ટર્ન રેલવેને ૧૫૦ વર્ષમું વર્ષ બેઠું એની હલકીફુલકી ઉજવણી થઈ. એ નિમિત્તે આ દોઢસો વર્ષ દરમ્યાન કેવા-કેવા ડબ્બાઓ અને એન્જિનો આવ્યાં-ગયાં એનાં મિનિએચર મૉડલ્સનું ખાસ પ્રદર્શન ચર્ચગેટ સ્ટેશન પર થયેલું.

અત્યારે ગુજરાત જતી ટ્રેનો મુંબઈ સેન્ટ્રલથી જાય છે. જોકે દોઢ દાયકા પહેલાં પહેલી વાર ગુજરાત જતી ટ્રેનની સફર શરૂ થયેલી ગ્રાન્ટ રોડ સ્ટેશનથી. મુંબઈના ગ્રાન્ટ રોડ સ્ટેશનથી ગુજરાતના ઉત્રાણ સ્ટેશનને જોડતી રેલવે-લાઇન શરૂ થયેલી. એ બૉમ્બે, બરોડા ઍન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે (BB&CI) કંપની દ્વારા કન્સ્ટ્રક્ટ થયેલી. ઇન ફૅક્ટ, BB&CIએ ૧૮૫૫માં બૉમ્બે અને બરોડાને રેલવે-લાઇનથી જોડવાનો પ્રોજેક્ટ લૉન્ચ કરેલો. અંકલેશ્વરથી ઉત્રાણ સુધીની ૪૭ કિલોમીટરની બ્રૉડગેજ લાઇન પહેલાં બંધાઈ અને પછી ૧૮૬૪માં ઉત્રાણથી મુંબઈ સુધી રેલવે-લાઇન એક્સ્ટેન્ડ કરવામાં આવી. એ પછી પ્રોજેક્ટને આગળ વધારીને ગોધરા, રતલામ, કાગદા, કોટા, મથુરા સુધી વધારવામાં આવ્યો.

આજે જે વેસ્ટર્ન રેલવે કાર્યરત છે એ તો છેક ૧૯૫૧માં અસ્તિત્વમાં આવેલી. એ માટે BB&CI, સૌરાષ્ટ્ર રેલવે, રાજપુતાના રેલવે અને જયપુર સ્ટેટ રેલવે જેવી કેટલીક રાજ્ય સંચાલિત રેલવેઝને મર્જ કરીને બનાવવામાં આવી હતી. નૅરો ગેજ લાઇન ધરાવતી કચ્છ સ્ટેટ રેલવે પણ એ જ વખતે મર્જ થયેલી.

ટર્મિનસ

૧૮૬૪માં વેસ્ટર્ન લાઇનનું પહેલું ટર્મિનસ ગ્રાન્ટ રોડ સ્ટેશન હતું. નવ વર્ષ પછી એટલે કે ૧૮૭૩માં ગ્રાન્ટ રોડ સ્ટેશનથી કોલાબા સુધીની રેલવે-લાઇન એક્સ્ટેન્ડ કરવામાં આવી. જોકે કોલાબા એ દક્ષિણ મુંબઈનો સાવ છેવાડો હતો એટલે ૧૯૩૦માં કોલાબા સુધીની લાઇન રદ કરીને ચર્ચગેટ પર ટર્મિનસ શિફ્ટ કરવામાં આવ્યું, જે આજેય વેસ્ટર્ન લાઇનની સબર્બન ટ્રેનોનું ટર્મિનસ છે.

ઉપનગરીય ટ્રેન-સર્વિસ

મુંબઈમાં સૌથી પહેલવહેલી ઉપનગરીય ટ્રેન-સર્વિસ ૧૮૬૭ના એપ્રિલ મહિનામાં શરૂ થયેલી. સ્ટીમ એન્જિનથી ચાલતી ટ્રેનો એ વખતે દિવસમાં છ જ વાર અપ-ડાઉન કરતી હતી. ૧૯૦૦ની સાલમાં એ ફ્રીક્વન્સી વધીને ૪૫ સર્વિસ થયેલી અને વર્ષે દસ લાખ મુસાફરો એનો લાભ લેતા હતા.

ઉપનગરીય ટ્રેનસેવા કેટલાગણી વિકસી છે એનો અંદાજ પણ લગાવવો મુશ્કેલ છે, કેમ કે આજની તારીખે રોજ ૧,૩૦૫ ઉપનગરીય અપ-ડાઉન સર્વિસ ચાલે છે ને એમાં રોજના ૩૦,૦૦,૦૦ મુસાફરો સફર કરે છે.

અત્યારે ૨૪ કલાકમાં મુંબઈથી અમદાવાદ જઈને પાછા આવી જવાય એટલું જ નહીં સુપરફાસ્ટ, એક્સપ્રેસ કે લોકલ એમ જાતજાતની ટ્રેનોના વિકલ્પ પણ મળે. ૧૮૬૪માં જ્યારે શરૂઆત થયેલી ત્યારે ટ્રેનસફર એ એક અજાયબીથી કમ નહોતી.

જાણવા જેવું

પશ્ચિમ રેલવેની ઉપનગરીય ટ્રેન એક અઠવાડિયા દરમ્યાન ધરતીથી ચંદ્ર સુધીના ડિસ્ટન્સ જેટલું ટ્રાવેલ કરે છે. એટલે આખાય સપ્તાહની દરેક અપ-ડાઉન ટ્રેનના કિલોમીટર કાઉન્ટ કરીએ તો એ પૃથ્વીથી ચંદ્રના અંતર જેટલું થાય.

દેશના અન્ય ભાગોથી કપાસ પહોંચાડવા માટે મુંબઈને રેલવેથી કનેક્ટ કરવામાં આવ્યું હતું. ઓલ્ડ મુંબઈમાં ઘણી મિલો હોવાને કારણે એને કૉટન-સિટી તરીકે પણ ઓળખાવવામાં આવતું.

રેલવેની શરૂઆતમાં વહાણ દ્વારા ટ્રેનના કોચ મુંબઈ લઈ આવવામાં આવ્યા હતા.

ઈ. સ. ૧૯૪૮માં મુંબઈથી અમદાવાદ પહોંચવા માટે ૩૪ કલાક લાગતા, જેમાં સવારે ૭.૧૦ વાગ્યે ટ્રેન મુંબઈથી ઊપડતી જે સાંજે પાંચ વાગ્યે સુરત પહોંચી આખી રાત ત્યાં જ રહેતી. ત્યાર પછી દરેક ઉતારુએ સુરતથી અંકલેશ્વર સુધી સ્ટીમરમાં ટ્રાવેલ કરવું પડતું અને ફરી સવારે ૭.૧૦ વાગ્યે અંકલેશ્વરથી અમદાવાદની ટ્રેન ઊપડતી જે સાંજે પાંચ વાગ્યે ગંતવ્ય સ્થાને પહોંચતી. આ આખીયે કસરત એટલા માટે કરવી પડતી, કારણ કે એ સમયે ભરૂચ પાસે વહેતી નર્મદા નદી પર બ્રિજ નહોતો. જોકે આ બે ટ્રેન સહિત સ્ટીમરની મુસાફરીની ટિકિટ અહીંથી જ મળી જતી હતી.

પશ્ચિમ રેલવે દ્વારા પંડિત જવાહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી, અમેરિકી પ્રમુખનાં પત્ની જૅકલિન કેનેડી, ઇન્દિરા ગાંધી જેવી હસ્તીઓ મુંબઈ આવી છે.

પહેલાં લોકલ ટ્રેનમાં પંખા નહોતા. ૧૯૬૨માં ટ્રેનના ડબ્બાઓમાં આ સુવિધા પૂરી પાડવામાં આવી.

મેજર માઇલસ્ટોન્સ

૧૮૬૪

મુંબઈમાં વેસ્ટર્ન લાઇનનું સૌથી પહેલું ટર્મિનસ ગ્રાન્ટ રોડ સ્ટેશન હતું.

૧૮૭૩

વેસ્ટર્ન લાઇનના કોલાબા રેલવે-સ્ટેશનનું ઓપનિંગ થયું

૧૮૬૭

સ્ટીમ એન્જિનવાળી રેલગાડીમાં પહેલી સબર્બન ટ્રેન-સર્વિસ શરૂ થઈ

૧૯૩૦

કોલાબા રેલવે ટર્મિનસને બંધ કરીને નવું ટર્મિનસ ચર્ચગેટ સ્ટેશન બન્યું.

૧૯૫૧

આજની વેસ્ટર્ન રેલવેની સ્થાપના ૧૯૫૧ની ૫ નવેમ્બરે થઈ હતી.૧૮૬૭માં જ્યારે લોકલ ટ્રેનો શરૂ થઈ ત્યારે દિવસમાં છ જ વાર અપ-ડાઉન સર્વિસ થતી હતી.

૧૦,૦૦,૦૦૦

૧૯૦૦ની સાલમાં મુંબઈમાં રોજની ૪૫ અપડાઉન ઉપનગરીય ટ્રેન-સર્વિસ ચાલતી હતી ત્યારે વર્ષે આટલા લોકો એમાં સફર કરતા હતા.

૧,૩૦૫

અત્યારે વેસ્ટર્ન રેલવેમાં રોજની આટલી સર્વિસ દોડાવવામાં આવે છે.

૩૫,૦૦,૦૦૦

હાલમાં રોજના આટલા મુસાફરો વેસ્ટર્ન રેલવેમાં સફર કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK