ખાસ-વાત : આડકતરા કરવેરાના સેક્ટરમાં એક પરિપત્રે કાળો કેર વર્તાવી દીધો

અધિકારીઓના હાથમાં કરદાતાઓને પરેશાન કરવાનું એક ઘાતક શસ્ત્ર આવી ગયું છે, જેનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છેઍડ્વોકેટ શૈલેશ શેઠ

દેશભરમાં સેન્ટ્રલ એક્સાઇઝ, કસ્ટમ્સ અને સર્વિસ-ટૅક્સ જેવા આડકતરા કરવેરાનું સંચાલન કરતા સેન્ટ્રલ બોર્ડ ઑફ એક્સાઇઝ ઍન્ડ કસ્ટમ્સે (સીબીઈસી કે બોર્ડ) આ વર્ષની ૧ જાન્યુઆરીએ બહાર પાડેલા એક પરિપત્રે કરદાતાઓમાં લગભગ આતંક કહી શકાય એવા વાતાવરણનું નિર્માણ કર્યું છે. ખાતાકીય અધિકારીઓ માટે નવા વર્ષની ‘ગિફ્ટ’ જેવો આ પરિપત્ર કરદાતાઓ માટે નવા વર્ષની ‘કિક’ સાબિત થઈ રહ્યો છે.

પ્રસ્તુત પરિપત્ર અપેલેટ ઑથોરિટી  (કમિશનર (અપીલ) કે અપેલેટ ટ્રિબ્યુનલ) સમક્ષ કરદાતાની અપીલ અનિર્ણીત હોય ત્યારે કરદાતા પાસેથી ડ્યુટી કે ટૅક્સની કન્ફર્મ્ડ ડિમાન્ડની વસૂલાત કરવા સંબંધી છે. આ પરિપત્ર દ્વારા બોર્ડે ટ્રિગર-હૅપી કરવેરા-અધિકારીઓના હાથમાં કરદાતાઓને પરેશાન કરવાનું એક ઘાતક શસ્ત્ર મૂક્યું છે, જેનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે.

જ્યારે કોઈ કરદાતા સામે એક્સાઇઝ ડ્યુટી, કસ્ટમ્સ ડ્યુટી કે સર્વિસ-ટૅક્સની ડિમાન્ડ કન્ફર્મ થાય ત્યારે એ સંબંધી હુકમની વિરુદ્ધ કરદાતા નર્ધિારિત સમયમર્યાદામાં કમિશનર કે અપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરી શકે છે. સેન્ટ્રલ એક્સાઇઝ ઍક્ટ ૧૯૪૪ કે કસ્ટમ્સ ઍક્ટ ૧૯૬૨ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ મુજબ જ્યાં સુધી કરદાતા કન્ફર્મ થયેલી ડ્યુટી કે ટૅક્સની રકમ, વ્યાજ અને દંડની રકમ જમા ન કરે ત્યાં સુધી અપેલેટ ઑથોરિટી તેની અપીલની સુનાવણી કરી શકતી નથી. પરિણામે કરદાતાએ આ રકમ પણ અપીલની સુનાવણી માટે જમા કરવી આવશ્યક છે, પરંતુ કાયદામાં જ અપેલેટ ઑથોરિટીને આ

પ્રી-ડિપોઝિટની શરતને માફ કરવાનો અને એની રિકવરી સામે સ્ટે આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ માટે કરદાતાએ અપીલની સાથોસાથ સ્ટે માટેની અરજી દાખલ કરવી જરૂરી છે.

એ તો સ્વાભાવિક છે કે જ્યાં સુધી કરદાતાની સ્ટેની અરજીનો નિકાલ ન થાય ત્યાં સુધી તેની સામે કન્ફર્મ્ડ ડિમાન્ડની વસૂલાત માટેની કાર્યવાહી ન થઈ શકે કે ન થવી જોઈએ. કાયદાના આ પ્રસ્થાપિત સિદ્ધાંતને માન્ય રાખતાં કુલ ૭ પરિપત્રો બોર્ડે ૧૯૮૮થી ૨૦૦૪ વચ્ચે ઇશ્યુ કર્યા હતાં. એ અંતર્ગત કરદાતાની સ્ટેની અરજી અનિર્ણીત હોય ત્યારે ખાતાકીય અધિકારીઓને રિકવરી માટેની કાર્યવાહી ન કરવા માટેની સૂચના આપવામાં આવી હતી, પરંતુ ૧ જાન્યુઆરીએ આ પ્રસ્તુત પરિપત્ર દ્વારા બોર્ડે આ અગાઉનાં સાતેય પરિપત્રોને એકઝાટકે રદબાતલ કર્યા છે અને કરદાતાની અપીલ કે સ્ટેની અરજી અનિર્ણીત હોય ત્યારે તેની પાસેથી કન્ફર્મ્ડ ડિમાન્ડની રિકવરી માટે નવેસરથી સૂચના બહાર પાડી છે. આ પરિપત્ર દ્વારા કરદાતાએ અપીલ સાથે કે સ્વતંત્રપણે દાખલ કરેલી સ્ટેની અરજીનો અપેલેટ ઑથોરિટી દ્વારા ૩૦ દિવસમાં નિકાલ ન થાય તો ખાતાકીય અધિકારીઓને આ ૩૦ દિવસની સમાપ્તિ પછી કરદાતા સામે રિકવરી માટેની કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો અપેલેટ ટ્રિબ્યુનલ કે હાઈ કોર્ટ દ્વારા કરદાતાની અપીલ ડિસમિસ થઈ હોય અને કરદાતાએ એ નર્ણિયની વિરુદ્ધ હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ સમક્ષ રિટ પિટિશન કે અપીલ દાખલ કરી હોય તો પણ બોર્ડે ખાતાકીય અધિકારીઓને તાત્કાલિક રિકવરી માટેની કાર્યવાહી હાથ ધરવાની સૂચના આપી છે.

પ્રસ્તુત પરિપત્રની વિવિધ સૂચનાઓની વિગતમાં ઊંડાણમાં ન ઊતરતાં એટલું જ કહેવું પર્યાપ્ત છે કે સંબંધિત સૂચનાઓ કેવળ મનસ્વી જ નહીં પણ સંપૂર્ણત: ગેરકાયદે અને કાયદાકીય સિદ્ધાંતની વિરુદ્ધ છે. આ પરિપત્ર ઇશ્યુ કરવા પાછળનો આશય સ્પષ્ટ છે. એક બાજુ નિરંકુશ નાણાકીય ખાધ છે અને બીજી બાજુ સાવ મનઘડંત રીતે નિિત કરવામાં આવતા કરવેરાના અવ્યવહારુ, અતાર્કિક અને આભાસી લક્ષ્યાંકોની સરખામણીએ આડકતરા કરવેરાની આવકમાં મોટું ગાબડું પડે એવી શક્યતા છે. આવી પરિસ્થિતિમાં બોર્ડે કદાચ વિચાર્યું હશે કે પ્રેમ, યુદ્ધ અને કરવેરાની વસૂલાતમાં સઘળું ક્ષમ્ય છે અને પ્રસ્તુત પરિપત્ર કદાચ આ મનોવૃત્તિની નીપજ છે.

આ પરિપત્રે પાછલા એક મહિનામાં આડકતરા કરવેરાક્ષેત્રે કાળો કેર વર્તાવ્યો છે અને ચોમેર અંધાધૂંધી પ્રવર્તે છે. ખાતાકીય અધિકારીઓ આ પરિપત્રને આધારે કરદાતાઓ પાસેથી કન્ફર્મ્ડ ડિમાન્ડની વસૂલાત માટે આડેધડ પગલાં લઈ રહ્યા છે અને કરદાતાની સ્ટેની અરજી અનિર્ણીત હોય તો એને પણ ગણકારતા નથી. કરદાતા જો ડિમાન્ડની ચુકવણી ન કરે તો તેની પ્રૉપર્ટી જપ્ત કરવી, બૅન્કનાં ખાતાં સીલ કરવા જેવાં અંતિમ પગલાં લેવાઈ રહ્યાં છે. લાચાર અને પરેશાન કરદાતા માટે અપેલેટ ઑથોરિટી કે હાઈ કોર્ટ સમક્ષ ધા નાખવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી, પરંતુ કમિશનર કે અપેલેટ ટ્રિબ્યુનલ ખુદ ભારે સંખ્યામાં અનિર્ણીત રહેલી અપીલોના બોજ હેઠળ કામ કરી રહ્યાં છે. અપેલેટ ટ્રિબ્યુનલની કેવળ મુંબઈ બેન્ચ સમક્ષ અંદાજે ૧૮,૦૦૦થી પણ વધુ અપીલો પેન્ડિંગ છે અને બેન્ચ ૨૦૦૪ પહેલાંની અપીલો સાંભળી રહી છે. આ બાજુ નીચલા ખાતાકીય અધિકારીઓનું પ્રિન્ટિંગ પ્રેસ કરદાતાઓ સામે ડિમાન્ડ કન્ફર્મ કરતા ઑર્ડર જથ્થાબંધ ધોરણે છાપી રહ્યું છે. પરિણામે અપેલેટ ઑથોરિટી સમક્ષ નવી અપીલોનો પણ ભરાવો થઈ રહ્યો છે. આવા સંજોગોમાં અપેલેટ ઑથોરિટી ૩૦ દિવસમાં સ્ટેની અરજીનો નિકાલ કરે એવી અપેક્ષા શી રીતે રાખી શકાય? શું આ માટે કરદાતાને જવાબદાર કે ગુનેગાર ઠરાવી શકાય?

આ પરિપત્રના આધારે કરવામાં આવતી રિકવરીની કાર્યવાહી સામે દેશની વિવિધ હાઈ કોર્ટે અનેક કેસોમાં સ્ટે આપ્યો છે એ એક આશ્વાસન છે, પરંતુ આનાથી લાભ કોને થયો? સ્વાભાવિકપણે વકીલો અને કરવેરાના પ્રૅક્ટિશનર્સ આ પરિપત્રથી ખુશ છે. એક અંદાજ મુજબ બોર્ડ હાઈ કોર્ટમાં આ પરિપત્રના બચાવ માટે નીમવામાં આવતા સરકારી વકીલો પાછળ ૬૦ કરોડ રૂપિયા અને કરદાતાઓ પોતાના વકીલો પાછળ ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે. આમ આ પરિપત્રથી અંદાજે ૩૬૦ કરોડ રૂપિયાની નવી આવક વ્યાવસાયિકો માટે ઊભી થઈ હોવાની શક્યતા છે, પણ સરકારી તિજોરીમાં એક પૈસાની પણ નવી આવક નહીં થાય.

એથી એમાં કોઈ જ આશ્ચર્ય નથી કે આ દેશમાં વકીલો અને વ્યાવસાયિકો બોર્ડને ગૉડ માનીને પૂજે. ભગવદ્ગીતામાં યોગેશ્વર કૃષ્ણ કહે છે:

‘અનન્યાશ્ચિન્તયન્તો માં યે જના: પયુર્પાસતે,

તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ્’ (અધ્યાય : ૯, શ્લોક : ૨૨)

અર્થાત્ જેઓ અનન્ય ચિત્તથી મારી ઉપાસના કરે છે તે નિત્યયુક્ત ભક્તોનો યોગક્ષેમ હું ચલાવું છું.

પરંતુ વ્યાવસાયિકોને આ દેશમાં પોતાના યોગક્ષેમ માટે યોગેશ્વર કૃષ્ણની જરૂર નથી, એ માટે ‘બોર્ડ’ તૈયાર છે. માટે પોતાની રોજિંદી પ્રાર્થનામાં વ્યાવસાયિકો ગૉડને બદલે બોર્ડને પૂજવા બદલ ઈશ્વરની માફી માગી શકે છે.

દૂઝણી ગાય મરી ચૂકી હોય તો પણ એને દોહ્યે રાખવાની?

સરકારની તિજોરી ખાલી છે અને નાણાકીય ખાધને અંકુશમાં રાખવી અનિવાર્ય છે. આ ઉપરાતં દેશમાં સામાન્ય ચૂંટણીનાં નગારાં વાગી રહ્યાં છે અને નાણાપ્રધાન યુપીએ સરકાર વતી વર્તમાન શાસનકાળનું અંતિમ અંદાજપત્ર રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. ચૂંટણી પહેલાંનું આ છેલ્લું અંદાજપત્ર હોવાથી નાણાપ્રધાન દેશના વંચિત વર્ગ (વોટ-બૅન્ક)ને લહાણી કરતી દરખાસ્તો જાહેર કરવા માટે લલચાય એ સહજ છે, પરંતુ એ માટે નાણાં લાવવા ક્યાંથી? મહદંશે કાયદાનું પાલન કરતા અને કરની ચુકવણી કરતા વ્યાપાર-ઉદ્યોગ આ માટે સૉફ્ટ ટાર્ગેટ છે. આમ પણ આ દેશમાં કરવેરા ચૂકવતા વ્યાપાર-ઉદ્યોગને કરવેરા-ખાતું કે નાણામંત્રાલય એવી દૂઝણી ગાય સમજે છે જેને ગમે ત્યારે અને ગમે એટલી દોહી શકાય, પરંતુ શું આ ગાય મરી ચૂકી હોય કે મૃતપ્રાય અવસ્થામાં હોય તો પણ એને દોહ્યે રાખવાની?

અનુચિત, અન્યાયી અને ગેરકાયદે વસૂલાત રાષ્ટ્રના હિતની વિરુદ્ધ

જો સમાજના બહોળા વર્ગની સુખાકારી માટે કરવેરાની આવક વધારવી અનિવાર્ય હોય અને એ રાષ્ટ્રના હિતમાં હોય તો પણ એ યાદ રહે કે આ પ્રકારે કરવામાં આવતી કરવેરાની અનુચિત, અન્યાયી અને ગેરકાયદે વસૂલાત રાષ્ટ્રના હિતની વિરુદ્ધ છે. અસામાજિક તkવો દ્વારા ધાકધમકીથી નાણાં પડાવવાની પ્રવૃત્તિ અને કરવેરા-અધિકારીઓની આ કાર્યવાહી વચ્ચે કોઈ ફરક છે ખરો? કદાચ કરવેરા-અધિકારીઓની વસૂલાતની કાર્યવાહી વધુ ગંભીર છે, કારણ કે એ કાયદાથી અસ્તિત્વમાં આવેલા અધિકારીઓ દ્વારા અને કાયદાના નામે કરવામાં આવી રહી છે. શું નાણામંત્રાલય એમ માને છે કે કરદાતાનાં બૅન્ક-અકાઉન્ટ કે માલ-મિલકત જપ્ત કરવાથી સરકારની તિજોરી ઊભરાઈ જશે?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK