ખાસ – બાત : આમ આદમીની લાગણી તો રોજ દુભાય છે બોલો, તમારી લાગણી ક્યારેય દુભાઈ છે?

ન કોર્ટમાં કેસ થઈ શકે, ન મોરચો નીકળે, ન આંદોલનો થાય, ન વિવાદ સર્જાય એટલે દેશના આમ આદમીની દુભાતી લાગણીને કોઈ કઈ રીતે ધ્યાનમાં લે ભલા?


જયેશ ચિતલિયા

આપણા દેશમાં લોકો બહુ સેન્સિટિવ થઈ ગયા હોય એવું લાગે છે. કેવાં-કેવાં કારણસર લોકોની લાગણી દુભાઈ જાય છે એની યાદી બનાવવી હોય તો આ યાદી ખાસ્સી લાંબી થઈ શકે અને કદાચ આ યાદી ટૂંકી બને તો પણ ઘણાની લાગણી દુભાઈ જાય એમ બની શકે. તાજેતરમાં કમલ હાસનની ફિલ્મ ‘વિશ્વરૂપમ’ને મામલે ચોક્કસ લોકોની લાગણી દુભાઈ રહી હોવાને લીધે આ ફિલ્મ ગંભીર વિવાદમાંથી પસાર થઈને તામિલનાડુમાં કટ સાથે રિલીઝ થવાની છે. ભાત-ભાત કે લોગ સમાવતા આપણા મહાન દેશમાં ક્યારે કઈ વ્યક્તિ કે કયા જૂથની લાગણી દુભાઈ જાય અને એને લીધે વિવાદો સર્જાઈ જાય, શોરબકોર થઈ જાય, તોફાન થઈ જાય એ વિશે કોઈ પણ આગાહી કરવી કઠિન છે; કારણ કે આવી આગાહીથી પણ ચોક્કસ વર્ગની લાગણી દુભાઈ જાય. હા દોસ્તો, કેમ કે આ લાગણી દુભાઈ જવાની બીમારીથી પીડાતા પણ ચોક્કસ વર્ગના લોકો જ હોય છે. ચાલો જવા દો, નહીંતર આ બાબત તેમના માટે જ લખી છે એમ જણાવી આ લખવા બદલ પણ તેમની લાગણી દુભાઈ જશે એવું કહેશે.

ખેર, મારે તો અહીં કોઈની લાગણી શું કામ દુભાઈ કે કયા કારણસર દુભાઈ, ક્યારે દુભાઈ વગેરે વિશે ચર્ચા કરવી નથી. બલ્કે, હવે તો મારે મારી દુભાતી લાગણી વિશે વાતો કરવી છે. શા માટે મારા જેવા આમ આદમીની લાગણી રોજરોજ દુભાવવામાં આવે છે? કેમ કોઈ વિરોધ કે વિવાદ થતા નથી? અરે, કોઈ મારી લાગણી દુભાવવા વિશે ચર્ચા પણ કરતું નથી. તેથી હું સામે ચાલીને એકલો સૌને જાહેરમાં કહું છું કે મારી લાગણી તો આ દેશમાં રોજરોજ, ડગલે ને પગલે દુભાયા કરે છે એનો ઉપાય ક્યારે થશે? કોણ કરશે? લો જોઈ લો મારી દુભાતી લાગણીઓની ઝલક.

ભ્રષ્ટાચારથી ત્રસ્ત લાગણી

જગતમાં મારા દેશનું નામ ભ્રષ્ટાચાર-કરપ્શનમાં મોખરે છે અને મારા દેશમાં ટૉપથી બૉટમ સુધી એ ફેલાયેલો હોવાથી મારી લાગણી ભરપૂર દુભાય છે. રાજકારણમાં રાજરમત હોય એ સમજી શકાય છે; પરંતુ મારા દેશમાં રાજકારણ એટલી હદે ગંદું, ભ્રષ્ટ, દૂષિત, બેશરમ, બેરહેમ, બદમાશ, બદઇરાદાભર્યું થઈ ગયું છે કે મારી લાગણીને હવે દુભાતાં પણ શરમ આવે છે, એમ છતાં રોજેરોજ ભ્રષ્ટ નેતાઓનાં કારસ્તાન જોઈ-વાંચી-જાણી તે દુભાયા કરે છે.

સ્ત્રીની દુર્દશામાં ઘૂંટાતી લાગણી

વર્ષોથી ચાલી રહેલી સ્ત્રીની દુર્દશા જોઈ, સાંભળી, વાંચી હવે ટેવાઈ ગયા છીએ એવું નથી. હજી સંવેદનાઓ મરી પરવારી નથી. પરંતુ હવે નાની બાળકીથી માંડી યુવાનીના ઉંબરે થનગનતી સ્ત્રીના જાત-જાતના થઈ રહેલા શોષણ સામે લાગણી બમણા વેગથી દુભાઈ જાય છે અને એની સામે કાયદાઓની નબળાઈ કહો કે લાચારી જોઈ વધુ પીડા થાય છે. કેટલીયે દેવીઓને પૂજતા આ દેશમાં સ્ત્રી પર થતા અત્યાચાર જોઈ-સાંભળી જેનું હૃદય ખળભળે નહીં તે નામર્દ કે નપુંસક જ કહેવાય. ભારતમાતા કી જય બોલતા આ દેશની માતાની કેવી દશા છે?

ધર્મના નામે ધતિંગો-દંગાઓ

ઘણી વાર મારા દેશમાં ધર્મના-ભગવાનના નામે ધતિંગો ચાલ્યા કરે છે, અંધશ્રદ્ધા ફેલાવીને લોકોની લૂંટ થાય છે, છેતરપિંડીઓ થાય છે, કાળાં-ધોળાં કરાય છે. કહેવાતા સ્વામીઓ-સાધુઓ-પંડિતો-મહારાજો વગેરે જે રીતે પ્રજાને છેતરે છે, શોષે છે, ગેરમાર્ગે દોરે છે એ બધું જોઈને પણ મારી લાગણી ઢોલનગારાં સાથે દુભાય છે. પરંતુ કયાં કોઈને કંઈ થાય છે? અરે, વધુ અવાજ ઉઠાવો તો આવા સાધુઓના શિષ્યો, ચેલાઓ, અનુયાયીઓ સુધ્ધાં છરી, ચાકુ અને બંદૂક લઈને આવી જાય છે. ક્યારેક તો આ લોકો અંડરવર્લ્ડ કરતાં પણ વધુ જોખમી અને ભયજનક હોય છે. અંધશ્રદ્ધા તો ઠીક; ધર્મના નામે, ભગવાન-અલ્લાહના નામે મારા દેશમાં વર્ષોથી કેટલાય દંગાઓ થતા રહ્યા છે. દરેક વખતે મારી લાગણી દુભાઈ છે, પરંતુ રાજકારણીઓ અને સ્થાપિત હિતોને તો ડિવાઇડ ઍન્ડ રૂલમાં જ રસ છે તેથી બધું સમયાંતરે ચાલ્યા કરે છે. તેમ છતાં આવા લોકોના હાથા બની જતાં લોકોને જોઈ મારી દુભાતી લાગણી સવાલ ઉઠાવે છે કે આટલાં વર્ષો પછી પણ આ સત્ય કેમ સમજાતું નથી?

મોંઘવારીમાં પિસાતી લાગણી


એક સાંધો ને તેર તૂટે એવી કારમી મોંઘવારી જોઈ-અનુભવી મારી લાગણી રોજ જ નહીં પણ કલાકે-કલાકે દુભાય છે, પણ હકીકત ક્યાં કોઈને સમજાય છે? મારી સામે બસ મોંઘવારીનાં કારણો મૂકી ચૂપ કરી દેવાય છે. એને દૂર કરવાના ક્યાં કોઈ નક્કર પ્રયાસ થાય છે? અને આ ખપ્પરમાં કાયમ ગરીબ - આમ આદમી જ કુટાય છે. આ બધાની લાગણી દુભાય તેનાથી ક્યાં કોઈને કંઈ થાય છે? ઉપરથી મારા દેશમાં ભરપૂર કાળાં બજાર થયા કરે છે, સંગ્રહખોરી થયા કરે છે. સ્થાપિત હિતોનું કામ સરળતાથી ચાલ્યા કરે છે ને સત્તાવાળાઓના ખિસ્સાં ભરાયા કરે છે તેથી કાયદાઓ પોતે જ પોતાની આંખો પર પટ્ટી પહેરી ફર્યા કરે છે. કરચોરી મોટા પાયે થયા કરે છે. કુબેરોના ભંડાર ધરાવતા ધનપતિઓ વિદેશોમાં અબજો રૂપિયા મૂકી રાખી રાજકારણનો સથવારો મેળવી લે છે અને બધે બધું પોલમપોલ ચાલ્યા કરે છે. મારી સસ્તી છતાં મહામૂલી લાગણી દુભાયા કરે છે.

કાયદાની પોકળતામાં અટવાતી લાગણી

મારા દેશમાં ન્યાય, સમાનતા, સમભાવની વાતો બહુ થાય છે, પણ પૈસા અને પાવર પાસે આ બધાં વેચાઈ જતાં કે ઝૂકી જતાં લાગે છે. ગરીબ કે સાધારણ માણસ આખી જિંદગી અન્યાય સામે લડ્યા કરે તોય ન્યાય મળતો નથી. નબળાની બધા જ સતામણી કરે રાખે છે. પોલીસતંત્રમાં સામાન્ય નાગરિક કરતાં ગલીના ગુંડાથી માંડી લેભાગુ રાજકારણી-નેતાઓ વધુ વર્ચસ ધરાવે છે. કહેવાય છે કે ન્યાયાધીશ પાસે પોતાની ફેવરમાં ચુકાદો મેળવવાના પણ નીચેથી ઉપર ભાવ બોલાય છે, જ્યારે પોતાના અધિકાર માટે પણ આમ આદમી કોર્ટની તારીખોમાં ખોવાયા કરી જીવનના કૅલેન્ડરને પૂરું કરી નાખે છે. એક ઈમાનદાર સામે અહીં એકસો બેઈમાન ફરતા રહે છે અને એથી એક ઈમાનદારની લાગણી પણ ગભરાયા કરે છે.

નવી આશાની પ્રતીક્ષામાં ઊભેલી લાગણી


ઉપરની ઘટનાઓમાં મેં મોટી-મોટી કે ઊંડી-ઊંડી લાગણીની વાત કરી. પરંતુ રોજેરોજ દુભાતી રહેતી મારી નાની-નાની લાગણીની પણ મોટી યાદી બની શકે છે. મારા દેશની ગંદકી જોઈને પણ લાગણી દુભાય છે. રસ્તાઓની, ટ્રાફિકની સતત વધતી જતી દુર્દશાથી લાગણી દુભાય છે. કપાતાં વૃક્ષો, ફેલાતાં જતાં ક્રૉન્કીટ જંગલો, પાણી માટે વલખાં મારતા લાખો લોકો, ગરીબ વર્ગ કે નીચી-પછાત જાતિના લોકો સાથે થતા દુવ્ર્યવહારો, કુમળાં બાળકો પાસે કરાવાતી કાળી મજૂરી વગેરે જોઈ લાગણી દુભાવાનું વર્ષોથી અવિરત ચાલુ છે. ઘણી વાર તો લાગણી દુભાઈ રહી છે એવું યાદ કરવાનું પણ ભૂલી જવાય છે. હવે તો મારી આ લાગણીઓ એક નવી સવારની પ્રતીક્ષામાં રોજ રાતે સૂઈ જાય છે. કદાચ એક દિવસ એ કાયમ માટે સૂઈ જાય એવું બની શકે, પરંતુ એ પહેલાં એ રોજ જાગશે અને નવી આશા બાંધશે. બોલો તમે શું કહો છો? એ સવાર આવશે ખરી?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK