સફળતા+નશો+નિષ્ફળતા+ડિપ્રેશન = કિલર કૉકટેલ

રાતે લગભગ અઢી-ત્રણનો સમય હશે અને એક સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર એક ફ્લૅશ ઝબૂક્યો : જિયા ખાન નો મોર, RIP જિયા...જિયા ખાન

પિન્કી દલાલ


જે લોકો આંખમાં ઉજાગરા આંજીને જીવે છે તે ૨૪ હૃ ૭ બ્રેકિંગ ન્યુઝના ભૂખ્યા જીવોએ માત્ર ત્રણ જ મિનિટમાં આ સમાચાર ટીવી-માધ્યમ સુધી પહોંચાડી દીધા.

બીજા દિવસનું મળસકું થાય એ પહેલાં તો આશ્વાસનના સંદેશાઓનો મારો ચાલ્યો. જિયા ખાન સાથે કામ કરી ચૂકેલા અમિતાભ બચ્ચન કે આમિર ખાન કે પછી તેના મિત્રો-સંબંધીઓ આવો ખરખરો કરે એ તો સમજાય, પણ દુબઈમાં બેઠેલા કે પછી ગારિયાધારમાં વસતા પ્રશંસકો માત્ર આશ્વાસન આપતા ટ્વીટ્સ કે સ્ટેટસથી સંતુષ્ટ ન હોય એમ તેમણે માત્ર ત્રણ ફિલ્મો કરી ચૂકેલી આ અભિનેત્રીની સરખામણી હૉલીવુડ-સમ્રાજ્ઞી મૅરિલિન મનરો ને આપણા ગુરુ દત્ત સાથે કરતા પેજ પણ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર ક્રીએટ કરી નાખ્યા.

બમ્બૈયા ગ્લૅમરવર્લ્ડમાં નંબર-ગેમ ચાલી રહી હતી. છેલ્લાં થોડાં વર્ષમાં ગ્લૅમરવર્લ્ડની આ ચોથી આત્મહત્યા છે. ગયા વર્ષે વિવેક બાબાજી, એ પૂર્વે નફીસા જોસેફ, કુલજિત રંધાવા.

બાકી હતું એમ જિયા ખાનનું પ્રકરણ તાજું જ હતું કે પૉપસ્ટાર માઇકલ જૅક્સનની દીકરી પૅરિસ જૅક્સનના આત્મહત્યાના પ્રયાસના સમાચાર આવ્યા. આ લખાય છે ત્યારે છેલ્લી અપડેટ પ્રમાણે પૅરિસ હૉસ્પિટલમાં છે.

આ સેલિબ્રિટી-સુસાઇડના સમાચાર એટલાબધા ચકચારપૂર્ણ હોય છે કે એને કારણે ઘણી વાર મહત્વના સમાચારો અંધારામાં વહી જાય છે. જિયા ખાનની આત્મહત્યાના સમાચાર પાનાની જાન બની રહ્યા હતા ત્યારે પણ ભારતભરમાં નાનાં-મોટાં શહેરોમાં એવી આત્મહત્યાઓ થઈ રહી હતી જેની હેસિયત અખબારમાં એક ફકરાથી વધુ નહોતી.

વિવેકા બાબાજી 

પોતાની મિત્ર કરતાં પરીક્ષામાં ઓછા માર્ક આવવાથી લઈને પોતાને ગમતી છોકરીએ પોતાના દોસ્તને ભાવ આપ્યો એવીબધી ક્ષુલ્લક વાતોથી લઈ નાણાકીય ભીડ કે પછી સટ્ટાબાજીમાં વહોરી લીધેલી તારાજી આ આત્મહત્યાઓના કારણમાં હતી, પરંતુ ગ્લૅમર ન હોય એવી આત્મહત્યાને કવરેજ શું મળે?

એમાં પણ જો ફટાકેદાર, મસાલેદાર રાજકીય ઘટના કે સ્કૂપ ન હોય તો પછી આ સેલિબ્રિટી-સુસાઇડ સ્ટોરીને એટલુંબધું કવરેજ મળે કે આત્મહત્યા કરનારને જન્મારામાં ન મળી હોય એટલી પ્રસિદ્ધિ મળી જાય. શરત માત્ર એટલી કે મરનારનું સેલેબ હોવું જરૂરી છે.

સેલેબનો અર્થ જ થાય છે સેલિબ્રિટી. નામ, દામ, દોર-દમામ, શોહરતનો ગ્લૅમરસ માન-મરતબો. આ બધાનું કૉકટેલ એટલે સેલિબ્રિટી. જો તમને પ્રશ્ન થતો હોય કે ભાઈ, એ જો બધું હોય તો માણસ આત્મહત્યા કરે જ શું કામ? તો એ જાણી લેવું પણ એટલું જ જરૂરી છે કે આત્મહત્યાના વિચાર અને શિકારની દૃષ્ટિએ આ વર્ગ સૉફટ ટાર્ગેટ છે.

બધું હોવા છતાં કંઈક વધુ મેળવવા પાછળ મુકાયેલી દોટ, વધુ ને વધુ મેળવવાની ઇચ્છા, પહેલા નંબર પર પહોંચવાની દોટ, ત્યાં પહોંચ્યા પછી નંબર વન પર અણનમ રહેવા માટેની રેસ.

આ છે અસલામતી નામના વૃક્ષનાં બીજ, જે પાંગરીને વટવૃક્ષ બને એ માટે જરૂરી હોય છે આંશિક સફળતા, એને કારણે ઉદ્ભવતો નશો, એ પછી આવતી નિફષ્ળતા અને એને પગલે આવતી હતાશા.

નફીસા જોસેફ

જોકે આ હતાશામાં સૌથી મોટો ઉદ્દીપક છે પ્રેમમાં નિષ્ફળતા, જે વ્યાવસાયિક નિષ્ફળતાને વધુ બહેકાવી દે છે.

બૉલીવુડ હોય કે ટેલીવુડ, મૉડલ હોય કે નિર્માતા... ગ્લૅમરવર્લ્ડ પર એક નજર નાખો તો સિલ્ક સ્મિતાથી લઈને પરવીન બાબી, દિવ્યા ભારતી કે પછી ગુરુ દત્ત, ‘અમર અકબર ઍન્થની’ જેવી ફિલ્મ બનાવનાર મનમોહન દેસાઈ એ તમામ નામો માત્ર ને માત્ર અસલામતીની જાળમાં સ્વાહા થઈ ગયાં છે.

આ અસલામતીનું કૉકટેલ જ એટલું જીવલેણ છે કે એને જીરવવું ભલભલા માટે મુશ્કેલ થઈ જાય છે. એ પછી સૌંદર્યસમ્રાજ્ઞી ક્લિયોપૅટ્રા હોય કે સરમુખત્યાર ઍડોલ્ફ હિટલર. કે પછી એક સમયે વિશ્વના સૌથી ધનાઢ્ય કુટુંબમાં ગણના પામનાર શિપિંગ-મૅગ્નેટ ઓનેસિસની દીકરી ક્રિસ્ટીના ઓનેસિસ અને ક્રિસ્ટીનાનાં ચોથાં લગ્ન્થી થયેલી પુત્રી અથીના ઓનેસિસ... અને આ બધાની અસલામતીનાં કારણ તો ખરેખર જાણવા જેવાં છે.

ક્લિયોપૅટ્રાની વાતમાં તો રિચર્ડ બર્ટન અને લીઝ ટેલરવાળી ક્લાસિક મૂવીની વાર્તા સાચી માની લઈએ તો આપણને રાજપુતાણીના જૌહર જેવી લાગણી થાય અને જોકે હિટલર જેવો ક્રૂર સરમુખત્યાર પોતાનો ડૂબતો સિતારો જોવા માટે માનસિક રીતે તૈયાર ન હોય એ સ્વાભાવિક છે, પણ ગ્લૅમરવર્લ્ડની અસલામતી કેવી હોઈ શકે?

હૉલીવુડની સેક્સ-સિમ્બોલ મૅરિલિન મનરો માટે એવી વાત છે કે પોતાના ચહેરા પર પગપેસારો કરી રહેલી કરચલીએ આ ૩૬ વર્ષની અભિનેત્રીને એવી તો ડરાવી મૂકેલી કે તેણે સ્લીપિંગ પિલ્સની બાટલી આખી ખાલી કરી નાખી. એવું જ કંઈક પરવીન બાબી સાથે થયું. ગ્લૅમર વિનાની જિંદગી જીવતાં-જીવતાં પરવીન બાબી લગભગ ગાંડપણની હદે પહોંચી ચૂકી હતી.

કુલજિત રંધાવા

તાજેતરમાં થયેલી આત્મહત્યાના બનાવો જો તાજા હોય તો એ છે મૉડલ વિવેક બાબાજી, નફીસા જોસેફ, કુલજિત રંધાવા... આ બધી છોકરીઓ બોલ્ડ ઍન્ડ બ્યુટિફુલ હતી. તમામ મુશ્તાક હતી પોતાની બ્યુટી પર અને નસીબ પર. પહેલાં થોડુંઘણું કામ મળ્યું, ગાડું ગબડ્યું એટલે ખર્ચા તથા લાઇફસ્ટાઇલ એ પ્રકારનાં થયાં. કામ મળતું બંધ થયું, પણ લાઇફસ્ટાઇલ તો એવી જ અફલાતૂન રહી. પરિણામ? આ જ કારણ જિયા ખાનના કેસમાં પોલીસ આપે છે.

વ્યક્તિ કોઈ પણ અસાધારણ ખૂબી ધરાવતી હોય, પણ એ તેને માટે મારણ બની શકે છે એવું હવે સાઇકોલૉજીનો નવો અભ્યાસ કહે છે.

સુંદર દેખાવવાળી કે પૈસાદાર વ્યક્તિ જ અસલામતીનો ભોગ બને છે એવું માની લેવું પણ ભૂલભરેલું છે. જો એમ જ હોત તો એક અતિ સંવેદનશીલ કવયિત્રી સિલ્વિયા પ્લાય કે નામાંકિત નવલકથાકાર વર્જિનિયા વુલ્ફ ડિપ્રેશનમાં સરી જઈને આપઘાત કરી શકે? એ પણ માત્ર પોતાની કૃતિને પોતે ધારેલો પ્રતિભાવ ન મળે એટલે? આ બન્ન્ો ડિપ્રેશનમાં ગરક હતી અને એ ડિપ્રેશન પણ અસલામતી નહીં તો બીજું શું?

રૂપ, દોલત, નામ, કામ જે મંઝિલે પહોંચાડે છે ત્યાં સદાકાળ ટકી રહેવાની લાલસા જન્મ આપે છે આત્મહત્યા તરફ દોરી જતી અસલામતીને.

નથિંગ ઇઝ પર્મનન્ટ. સુખ, દુ:ખ, નામના, કીર્તિ, નાણાં વગેરેની આવન-જાવન સાપેક્ષ ભાવે જોતાં શીખી જવાય તો? એ જ તો છે ખરા અર્થમાં આર્ટ ઑફ લિવિંગ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK