કલંકિત નેતાઓ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો ઐતિહાસિક છતાં અધકચરો

દોષિત રાજનેતાઓને ચુકાદો આવ્યાની તાત્કાલિક અસરથી ચૂંટણી લડવા અને કોઈ પણ પ્રકારનો હોદ્દો ધરાવવાથી અયોગ્ય જાહેર કરતા સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાથી અપરાધિક છબી અને ઇતિહાસ ધરાવતા ઉમેદવારોના ચૂંટણી લડવાના અધિકાર પર ચૂંટણી પંચ અને રાજકીય પાર્ટીઓ વચ્ચે છેલ્લા બે દાયકાથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવી ગયો છે.


અરિંદમ ચૌધરી

એ વાતમાં કોઈ શંકા નથી કે આ એક ઐતિહાસિક ચુકાદો છે અને દરેક બાબતની ટીકા કરવી ઉચિત તો નહીં જ ગણાય. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાબતે હજી કેટલાક મતમતાંતરો છે, કારણ કે ચુકાદામાં જો અને તો એકસમાન પ્રમાણમાં રહેલા છે.

એક તરફ એક ઉમેદવારની વિરુદ્ધ કેસ પડતર છે એથી તે વ્યક્તિ ભવિષ્યમાં દોષિત ઠરશે જ એવી આશંકાના કારણે તેને અયોગ્ય ગણવી અનુચિત છે, કારણ કે તેના પર લગાવેલા આરોપો ઉપજાવી કાઢેલા પણ હોઈ શકે છે. રાજકારણમાં અવારનવાર બનતું આવ્યું છે એમ કોઈ વ્યક્તિને ચૂંટણી લડતી અટકાવવા માટે સ્થાપિત હિતો દ્વારા કરવામાં આવતા ખોટા આક્ષેપોના કારણે તેને ચૂંટણી લડતી અટકાવી શકાય છે. આ બાબત ઘણી સરળ અને સહેલી છે. તેની વિરુદ્ધ કેસ દાખલ કરો, વાસ્તવિકતાને મારીમચડીને રજૂ કરો અને અંતે તેને દોષિત સાબિત કરી દો. અને આમ એક સારા ઉમેદવારને નકારી કાઢો. વાસ્તવિકતા એ પણ છે કે ભારતના રાજકારણમાં એવા નેતાઓની ટકાવારી ઘણી ઊંચી છે જેમની વિરુદ્ધ  અપરાધિક કેસો ચાલતા હોય અને એમાંના મોટા ભાગના સાચા કેસ હોય, પરંતુ તેઓ તેમના મસલ-પાવરના કારણે દોષિત ઠરતા નથી.

સુપ્રીમ કોર્ટનો ચુકાદો ભારતના જાહેર જીવનમાં પ્રભાવી બની રહેલા મની અને મસલ પાવર પર પણ પ્રકાશ ફેંકે છે. ઘણા કેસોમાં સત્તાધારી પાર્ટીઓ દ્વારા પોતાના લાભ માટે તપાસને ખોટા માર્ગે ચડાવી દેવામાં આવે છે અને સત્તાધારી પાર્ટીના દબાણ હેઠળ પુરાવાનો નાશ કરી નાખવામાં આવે છે અથવા તો ઉપજાવી કાઢવામાં આવે છે. મારે અહીં ઉલ્લેખ કરવો જોઈએ કે આનો અર્થ એ નથી કે એક સાચી અને નિર્દોષ વ્યક્તિ સામે મૂકવામાં આવેલા આરોપોના કારણે તે દોષિત ઠરશે જે એ જરૂરી નથી. સાથે-સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી છૂટછાટે રાજકારણીઓ અને વિશેષ સત્તાધારી પાર્ટીના ઉમેદવારોને કેટલાંક શસ્ત્રોથી સજ્જ પણ કરી દીધા છે.

મોટી સંખ્યામાં નામાંકિત રાજકારણીઓ પર અપરાધિક આરોપો લાગ્યા હતા અથવા તો અત્યારે તેઓ એનો સામનો કરી રહ્યા છે. આપણા ભૂતપૂર્વ વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવથી માંડીને પંજાબ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને ઝારખંડના વર્તમાન તેમ જ કેટલાક ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો અપ્રમાણસર સંપત્તિ, છેતરપિંડી અથવા અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવા આરોપોનો સામનો કરી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓ અને વિચારધારાઓને આ મુદ્દો અસર કરી રહ્યો છે અને આ પાર્ટીઓમાં કૉન્ગ્રેસ અને ગ્થ્ભ્ જેવા રાષ્ટ્રીય પક્ષો તથા અકાલી દળ અને રાષ્ટ્રીય જનતાદળ જેવા પ્રાદેશિક પક્ષોનો પણ સમાવેશ થાય છે. પરંતુ આ શક્તિશાળી લોકોનું જૂથ તેમના મની અને મસલ-પાવર તથા ઉચ્ચ સ્તરના સંપર્કોના કારણે સહેલાઈથી તેમની સામેના પડતર કેસોમાં નિર્દોષ સાબિત થઈ શકે છે.

એ બાબત સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટ અને રાજકારણીઓ વચ્ચે કોઈ પ્રેમ નથી. સુપ્રીમ કોર્ટમાં જજની નિયુક્તિ માટેની હાલની વ્યવસ્થા બદલીને સરકાર અને ન્યાયતંત્ર દ્વારા નિયુક્તિ કરવાની નવી પ્રણાલી દાખલ કરવાના કાયદા મંત્રાલયના પ્રયાસને ભૂલી શકાય નહીં. સુપ્રીમ કોર્ટની તટસ્થ છબીને ખરડી નાખવાનો આ એક સ્પષ્ટ પ્રયાસ હતો. રાજકીય મુદ્દાઓ પર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓની વાત આવે ત્યારે એના જેવી તટસ્થ સંસ્થાને વખોડવાના ઘણા પ્રયાસો રાજકારણીઓ દ્વારા થતા જ રહ્યા છે. આ બધુ દાગી નેતાઓ અને હોદ્દેદારોને ખટલાથી બચાવવા માટે જ કરવામાં આવે છે. ટૂ-જી કૌભાંડ, કોલગેટ અને તાજેતરનું રેલવે લાંચ કૌભાંડ હાલની સરકારને શરમજનક સ્થિતિમાં મૂકી રહ્યા છે. આવી જ સ્થિતિ વિરોધપક્ષોની પણ છે, જેઓ તેમના દ્વારા શાસિત રાજ્યોમાં આ પ્રકારનાં જ કૌભાંડો અને ભ્રષ્ટાચારના દોષિત છે.

આવી સ્થિતિ અને સંજોગોમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન્યાયિક ક્રાન્તિના બદલે સહજ પ્રતીકાત્મક જ બની રહે છે. આ ચુકાદો ન કેવળ શક્તિશાળી રાજકારણીઓને તેમના બદલા લેવાની છૂટ આપશે, પરંતુ લાંબા ગાળે આ ચુકાદાનો દુરુપયોગ થતો પણ સુપ્રીમ કોર્ટ જોશે. આજે ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણીઓ મોટા ભાગે જાતિવાદી અને કોમવાદી સમીકરણોના આધારે જ લડાતી હોય છે, જ્યારે ઉમેદવારોની લાયકાતને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. જ્યાં ભૂખ, જાતિવાદી શોષણ, જીવનનું મૂળભૂત ગૌરવ જેવા હણી નાખતા મુદ્દાઓ છે ત્યાં ઉમેદવારોનો કાયદાકીય રેકૉર્ડ ભાગ્યે જ ધ્યાન પર લેવામાં આવે છે. આ બધી બાબતો ધ્યાનમાં લેતાં સુપ્રીમ કોર્ટે રાજકીય ગલિયારાને વધુ નૈતિક અને પારદર્શક બનાવવા, મની અને મસલ-પાવર વિનાના પ્રામાણિક રાજકીય નેતાઓને રાજકારણમાં લાવવા વધુ અસરકારક આદેશો આપવા જોઈએ. પરંતુ કહે છેને કે ન મામા કરતાં કાણો મામો સારો. આ એક ચુકાદો ભાવિનો માર્ગ તૈયાર કરશે, પરંતુ ભારતીય રાજકારણના કિસ્સામાં થોડામાં પણ સારું છે એમ કહી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK