કોઈ પણ ન્યુઝ-ચેનલ-ન્યુઝ-પેપરને નરેન્દ્ર મોદીના ઉલ્લેખ વગર ચાલતું જ નથી

નરેન્દ્ર મોદીની સામાન્ય જાહેર સભાઓનું પણ લાઇવ ટેલિકાસ્ટ કરવું પડે એટલું તેમનું કદ વિસ્તરી ચૂક્યું છે


રોહિત શાહ

પૉલિસી અને પૉલિટિક્સ (નીતિ અને રાજનીતિ)ની અરસપરસ ભેળસેળ ક્યારેય ન કરવી જોઈએ. પૉલિસીને કોઈ પૉલિટિક્સ કદી નડતું નથી અને પૉલિટિક્સને કોઈ પૉલિસી કદી સદતી નથી. દરેક ઘટનાને રાજનીતિનાં ચશ્માં પહેરીને જોવાનું પાપ હંમેશાં કપટી પૉલિટિશ્યનો કરતા રહે છે. પૉલિસી તો વિરોધના પ્રબળ બવંડર વચ્ચેય સ્વસ્થ-તટસ્થ રહેવાનું સામથ્ર્ય ધરાવે છે.

કાનૂનની દૃષ્ટિએ ગુનો જ ગણાય એવાં કેટલાંક કાર્યો સમાજ અને રાષ્ટ્ર માટે હિતકારી હોય તો વ્યાવહારિક દૃષ્ટિ આદરણીય કાર્ય કહેવાય. કેટલાંક એન્કાઉન્ટર કાયદાની ભાષામાં ગુનો બનતાં હોય, છતાં એના લાંબા ગાળાના લાભ રાષ્ટ્રને મળતા હોય ત્યારે પૉલિસીના માર્ગે ચાલનારા લોકો એ એન્કાઉન્ટરનો પક્ષપાત કરશે અને પૉલિટિશ્યનો પોતાના સ્વાર્થનો રોટલો શેકી શકાય એ માટે ફાલતુ વિરોધની જ્વાળાઓ પ્રગટાવવા મથશે.

નરેન્દ્ર મોદી આપણને ગમે તેટલા અપ્રિય હોય તોય સમગ્ર દેશમાં તેમની વિસ્તરતી પ્રતિભાને અન્ડરએસ્ટિમેટ ન કરી શકાય. એલ. કે. અડવાણી અને સુષમા સ્વરાજ મૅડમ આ વાત ન સમજે તો એ તેમના જ માટે ખોટનો ધંધો બની રહેશે. અડવાણીએ હવે સમજી લેવું જોઈએ કે આ દેશની પ્રજા હવે બુઢ્ઢા-ખૂંસટ નેતાઓથી ત્રાસી ગઈ છે. ભૂતકાળમાં તેમણે ગમે એટલાં સારાં કામ કયાર઼્ હોય તોય હવે ભારતની પ્રજા તેમને પ્રાઇમ મિનિસ્ટર બનાવીને વળતર ચૂકવવા જરાય ઉત્સુક નથી.

નરેન્દ્ર મોદી આપણને ગમે તેટલા પ્રિય હોય તોય તેમના કાનમાં એક કડવી વાત તો અવશ્ય કહેવી જ જોઈએ કે જે વફાદાર અધિકારીઓનો તમને ભૂતકાળમાં ટેકો મળ્યો હોય તેમની ઉપેક્ષા કોઈ પણ સ્વરૂપે ન કરશો. વફાદાર માણસો અધ્યાત્મના ક્ષેત્રમાંય બહુ ઓછા મળે છે ત્યારે પૉલિટિક્સમાં તો મળે જ ક્યાંથી? જે બે-પાંચ વફાદાર મિત્રો-અધિકારીઓને તમારું કદમ વધારવામાં રૂડો સહયોગ આપ્યો હોય તેમના પ્રત્યે ઋણભાવ જાળવી રાખજો.

૨૦૧૪ના ઇલેક્શનમાં કૉન્ગ્રેસ હારશે તો એનો અપયશ એકલા મનમોહન સિંહને જ નહીં આપી શકાય. રાહુલ ગાંધીને પ્રાઇમ મિનિસ્ટર બનેલા જોવા ઝંખતો પ્રત્યેક કૉન્ગ્રેસી એ માટે જવાબદાર ગણાશે. રાહુલ ગાંધી ભારતના વડા પ્રધાન બનવાની કઈ લાયકાત ધરાવે છે? તેમણે દેશ માટે અત્યાર સુધીમાં એવું કયું મોટું કામ કર્યું છે કે પ્રજા તેમને પસંદ કરવા તત્પર બને?

રાજીવ ગાંધીના એ પુત્ર છે અને નેહરુ પરિવારના વંશજ છે એટલી જ લાયકાતને કારણે એ વડા પ્રધાન બનવાને પાત્ર છે એવું નવી જનરેશન શી રીતે માનશે?

નરેન્દ્ર મોદીને સોનિયા મૅડમે એક વખત ‘મૌત કા સૌદાગર’ કહ્યા હતા. મોદી મોતના સોદાગર હોય કે ન હોય, સપનાનાં સોદાગર અવશ્ય છે. તેમને લોકોની આંખમાં સપનાં આંજતાં આવડે છે. ક્યારે ઈંટનો જવાબ પથ્થરથી આપવો એની તેમને ખબર છે એ જ રીતે ક્યારે મૌન રહીને જ સંભવિત સંકટમાંથી હેમખેમ પાર ઊતરી જવું એની પણ તેમને ખબર છે. એક મુત્સદ્દી વ્યક્તિમાં હોય એ તમામ ગુણો-લક્ષણો મોદીમાં છે.

તમે એક વાત માર્ક કરી જ હશે કે અત્યારે તમામ કૉન્ગ્રેસીઓ નરેન્દ્ર મોદીની ટીકા કરવા મંડી પડેલા રહે છે. પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટીને ભૂંસવાનો પ્રયત્ન્ તેમને જ ભારે પડવાનો છે. પ્રજા એક જ વાત સોચે છે કે આ કૉન્ગ્રેસીઓ કેમ આખો દિવસ નરેન્દ્ર મોદીની પાછળ જ પડેલા રહે છે? શું તેમની પાસે તેમણે પોતે કરેલાં સારાં કાર્યોની વાત થઈ શકે એવું કાંઈ જ નથી? છેલ્લાં દસ વર્ષમાં કૉન્ગ્રેસના શાસનમાં શું એવી એક પણ સિદ્ધિ નથી ઉપલબ્ધ થઈ જેને કૉન્ગ્રેસના જમા ખાતે નોંધી શકાય? નરેન્દ્ર મોદી જાહેર ભાષણમાં શું બોલ્યા અને એનો વિરોધ કંઈ રીતે કરવો. બસ, આ એક જ કામ કૉન્ગ્રેસીઓની ફુલટાઇમ જૉબ બની ગઈ છે.

નરેન્દ્ર મોદીના શાસનમાં ભ્રષ્ટાચાર બિલકુલ નથી એવું કહેવામાં સત્યને ઘસરકા પડે એ પૉસિબલ છે. ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’ આ વાક્યનો ઉત્તરાર્ધ સંપૂર્ણપણે સ્વીકાર્ય નથી. મોદી પોતે ‘ખાતા’ હોય એવું માનવામાં આપણને ઝાઝું કષ્ટ પડતું નથી. ગુજરાત ભ્રષ્ટાચારમુક્ત થઈ ગયું છે એવું જુઠ્ઠાણું ફેલાવવામાં મોદીને રસ નથી, એટલે તે હંમેશાં વિકાસની વાત કરે છે. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’

આ મંત્ર મોદીમંત્ર છે.

કોઈ એક પ્રસંગે નરેન્દ્ર મોદી પોતાના વક્તવ્યમાં બોલી રહ્યા હતા કે આજનો યુગ ટીચિંગનો યુગ નથી, લર્નિંગનો યુગ છે. શિક્ષણના સંદર્ભમાં તેઓ બોલ્યા હતા. આજે બાળકને લર્નિંગ માટે અનેક નવા ર્સોસ મળી ગયા છે. સોશ્યલ મિડિયા (ઇન્ટરનેટ, ફેસબુક, ટ્વિટર ઍન્ડ સો ઑન...)એ આજના વિદ્યાર્થીઓને ‘ગૂગલગુરુ’ની ભેટ આપી છે. પોતાને જે શીખવું હોય એનો સબ્જેક્ટ લખીને એન્ટર માર્યું નથી કે તેની સામે માહિતીના સાતે સમુંદર ઘૂઘવાટા કરવા લાગે છે. હવે ટીચિંગ આઉટડેટેડ થઈ ગયું છે, લર્નિંગનો યુગ છે અને લર્નિંગ ઇન્ટરેસ્ટિંગ બન્યું છે.

નરેન્દ્ર મોદીની સૌથી મોટી ખૂબી તરફ કોઈનું ધ્યાન કદાચ નથી ગયું તે એ છે કે તેઓ પોતે આપણી પ્રાચીન સંસ્કૃતિને પૂજનારા છે. વેદ-ઉપનિષદ અને ઋષિ-મુનિઓની વૈરાગ્ય પરંપરાના હિમાયતી છે, કિન્તુ નવી ટેક્નૉલૉજી પ્રત્યે દ્વેષભાવ રાખતા નથી. વારંવાર વિડિયો-કૉન્ફરન્સ કરવી, ટ્વિટર પર પોતાના વિચારો વ્યક્ત કરતા રહેવું અને એ દ્વારા પોતે અપડેટ પણ થતા રહે છે તથા વ્યાપક સંપર્કને પણ ધબકતો રાખે છે. દરરોજ સવારે યોગ કરવા આપણા કેટલાક નેતાઓ પાસે સમય હોય છે? નરેન્દ્ર મોદી દરરોજ સવારે યોગ કરે છે એવું તેમણે તાજેતરમાં જ એક વિદ્યાર્થીના પ્રશ્નના જવાબરૂપે કહ્યું હતું. પરંપરા અને પ્રયોગનો આવો સંગમ એટલું તો પુરવાર કરે જ છે કે નરેન્દ્ર મોદી પાસે વિઝડમ પણ છે અને વિઝન પણ છે. જો એવી વ્યક્તિ આપણને વડા પ્રધાન તરીકે મળવાની હોય તો તેની પ્રતીક્ષા કોને નહીં હોય?

નરેન્દ્ર મોદી આજે માત્ર એક વ્યક્તિ જ નથી, પ્રચંડ આંધી છે. ગુજરાતનો એક મુખ્ય પ્રધાન એવી પ્રતિભા ધરાવે છે કે કેન્દ્રની સરકાર તેની સામે હચમચી જાય છે. તમે કોઈ પણ ન્યુઝ-ચૅનલ કે ન્યુઝ-પેપર નરેન્દ્ર મોદીના કવરેજ વગર નહીં જોઈ શકો. પ્રાદેશિક અખબારો અને ચૅનલોને પણ નરેન્દ્ર મોદી વગર ચાલતું નથી. મોદી એવી પર્સનાલિટી છે જેમના વિશે સતત અવનવી અટકળો થતી રહે છે. અત્યારે મોદી વિશેની સૌથી ગળચટ્ટી અટકળ એ ચાલી રહી છે કે તેઓ ભારતના વડા પ્રધાન બનશે...જ! ગુજરાતમાં જ્યારે ત્રીજી વખત તેમણે ઇલેક્શન જીત્યું ત્યારે તેમનાં માતા હીરાબાએ અત્યંત ભરોસાપૂર્વક કહેલું કે એક દિવસ તે ભારતનો વડો પ્રધાન જરૂર બનશે!

આપણે નરેન્દ્ર મોદીને તેમના બર્થ-ડે પ્રસંગે બીજી તો શી ગિફ્ટ આપી શકીશું? એટલું જ કહીએ કે તમારાં મમ્મીના ભરોસાપૂર્વકના આર્શીવાદ સાચા પડે એવી શુભેચ્છા...

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK