અડવાણીની આ બગાવત છે કે હતાશા? તેમનો મોદીવિરોધ સ્વાર્થપ્રેરિત છે કે પક્ષપ્રેરિત?

BJPએ કેસરિયાં કરવાનો નિર્ણય લઈ લીધો છે ત્યારે લાલજી બદલાતા સમયને જોઈ નથી શકતા
(ખાસ બાત - રમેશ ઓઝા)

BJPએ કેસરિયાં કરવાનો નિર્ણય લઈ લીધો છે. ગોવામાં BJPની રાષ્ટ્રીય કારોબારીએ મોદીના નેતૃત્વને મંજૂરીની મહોર મારી દીધી છે. ટેક્નિકલી યસ, અત્યારે નરેન્દ્ર મોદીની નિમણૂક માત્ર સેન્ટ્રલ ઇલેક્શન કમિટીના વડા તરીકે થઈ છે એ વાત સાચી, પરંતુ વાત આટલેથી અટકવાની નથી. પક્ષની અંદર નીચેથી દબાણ એટલું પ્રચંડ છે કે મોદીના રથને અટકાવવો મુશ્કેલ છે. નરેન્દ્ર મોદી BJPને હાઇજૅક કરી ચૂક્યા છે. BJPના નેતાઓ આ વાત જાણે છે અને હવે તેમણે નરેન્દ્ર મોદી સાથે જવા સિવાય છૂટકો નથી. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વિવિધત્ કે અવિધિવત્ BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર હશે એ લગભગ નક્કી છે. મોદીના નેતૃત્વમાં BJP સત્તા મેળવશે કે કેમ એ તો સમય જ કહેશે, પરંતુ BJPએ મોદીના નેતૃત્વ હેઠળ નસીબ અજમાવવાનો નિર્ણય લઈ લીધો છે અને એ અર્થમાં આ કેસરિયાં છે.

ગોવામાં BJPએ લીધેલો નિર્ણય ઐતિહાસિક છે એટલે એની બહોળી રાજકીય પ્રતિક્રિયા પેદા થવી સ્વાભાવિક છે.

પહેલી પ્રતિક્રિયા BJPના ભીષ્મપિતામહ લાલકૃષ્ણ અડવાણીએ પક્ષના તમામ મહત્વના હોદ્દાઓ પરથી રાજીનામું આપીને આપી દીધી છે. અડવાણીએ પક્ષપ્રમુખ રાજનાથ સિંહને પત્ર લખીને કહ્યું છે કે તેમને માટે પક્ષના હોદ્દાઓ પર રહેવું અસહ્ય છે, જે પક્ષમાં તેઓ યુવાનવયે જોડાયા હતા અને જે પક્ષ માટે તેમણે અને બીજાઓએ જીવન સમર્પિત કર્યું હતું એ પક્ષ હવે ખોટા માર્ગે ફંટાઈ ગયો છે. તેમણે આક્ષેપ કયોર્ છે કે એક સમયે પક્ષના નેતાઓને મન દેશહિત અને પક્ષહિત સર્વસ્વ હતાં, જ્યારે આજે પક્ષના નેતાઓ સ્વહિત માટે કામ કરી રહ્યા છે. તેમનો ઇશારો કેવળ નરેન્દ્ર મોદી સામે નથી; પરંતુ મોદીને ટેકો આપનારા રાજનાથ સિંહ, અરુણ જેટલી અને નીતિન ગડકરી સામે પણ છે. આ બધા નેતાઓ અડવાણીને કારણે અને તેમની મદદથી પક્ષમાં આગળ આવ્યા છે. હજી ગઈ કાલ સુધી તેઓ અડવાણીના ચેલા હતા. લાલકૃષ્ણ અડવાણીએ રાજીનામાના પત્રમાં એમ પણ કહ્યું છે કે BJP હવે વિચારનિષ્ઠ આદર્શવાદી પક્ષ રહ્યો નથી. આ એ જ અડવાણી છે જેમણે ૨૦૦૫માં BJPને માત્ર રાજકીય પક્ષ નહીં પણ દેશહિત માટેની ઈશ્વરી યોજનારૂપ ગણાવ્યો હતો.

ભારતીય રાજકારણમાં જે પક્ષ હાંસિયામાં હતો એને કૉન્ગ્રેસનો વિકલ્પ બનાવનારા લાલકૃષ્ણ અડવાણી આજે દુ:ખી છે. ૮૬ વર્ષના જૈફ અડવાણીની આ બગાવત છે કે પછી હતાશા છે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. જો બગાવત હોય તો એમાં તેમને સફળતા મળશે કે કેમ એ બીજો પ્રશ્ન છે. ગોવામાં BJPના નેતાઓએ અપનાવેલું વલણ જોતાં અડવાણીની આ હતાશા હોય એમ લાગે છે. ગોવામાં તેઓએ નીચેથી આવી રહેલા દબાણને ખાળવાનો પ્રયાસ સુધ્ધાં નહોતો કયોર્ અને ઉપરથી લાલકૃષ્ણ અડવાણીના વિરોધની ઉપેક્ષા કરી હતી. તેઓ ધારત તો નરેન્દ્ર મોદીને ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય સંસદીય બોર્ડની બેઠક સુધી મુલતવી રાખી શક્યા હોત, પરંતુ તેમણે એવો પ્રયાસ નહોતો કયોર્. અડવાણી અને મોદી એ બેમાંથી કોઈ એકને નારાજ કરવાના હોય તો અડવાણીને નારાજ કરવામાં ઓછું જોખમ છે એવું તેમના વલણમાં જોવા મળ્યું હતું. તમે બીજી એક વાત નોંધી? ગોવામાં મોદીની તાજપોશી પછી અડવાણીસમર્થકોનો સૂર બદલાવા લાગ્યો છે. ઉમા ભારતીએ પક્ષપ્રમુખ રાજનાથ સિંહને પત્ર લખીને કહ્યું હતું કે હું ગોવાની બેઠકમાં હાજર નહોતી રહી એનું કારણ હું મોદીનો વિરોધ કરી રહી છું એ નહોતું. યશવંત સિંહાએ કહ્યું હતું કે હું કોઈ વ્યક્તિને જોઈને રાજકીય નિર્ણયો લેતો નથી કે રાજકીય વલણ અપનાવતો નથી, પણ મુદ્દાઓને મહત્વ આપું છું. ટૂંકમાં કહીએ તો, વાતનો સાર એ કે અડવાણી જો બગાવત કરવાના મૂડમાં હોય તો પણ તેમને કેટલા સમર્થકોનો ટેકો મળશે એ એક પ્રશ્ન છે. અડવાણીની આ હતાશા છે. બુઝાતા દીપકનો છેલ્લો ટમટમાટ છે. લાલકૃષ્ણ અડવાણીની રાજકીય કારકિર્દીનો અંત આવી ગયો છે અને BJPમાં વાજપેયી-અડવાણી પછીનો મોદીયુગ શરૂ થયો છે. અડવાણી બદલાતા સમયને જોઈ શકતા નથી.

લાલકૃષ્ણ અડવાણીનાં વળતાં પાણી ૨૦૦૫થી શરૂ થયાં હતાં. ૨૦૦૫માં લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાનની યાત્રાએ ગયા હતા અને તેમણે મોહમ્મદઅલી ઝીણાને સેક્યુલર રાષ્ટ્રવાદી ગણાવ્યા ત્યારે સંઘપરિવારમાં વિવાદ થયો હતો. એ સમયે એકલા પડી ગયેલા અને ઘેરાઈ ગયેલા અડવાણીના પડખે અટલ બિહારી વાજપેયી સહિત કોઈ ઊભું નહોતું રહ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અડવાણીને પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપવાનો આદેશ આપ્યો હતો અને છ મહિનાના સમાધાનના સમયગાળા પછી તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. એ સમયે નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રીય વિકલ્પ તરીકે ઉદય પણ નહોતો થયો અને અડવાણીનું રાજકીય કદ આજ કરતાં અનેકગણું મોટું હતું. હવે કલ્પના કરો કે ત્યારે અપમાનિત થયેલા અડવાણી કાંઈ નહોતા કરી શક્યા અને જરૂરી સમર્થન નહોતું મળ્યું તો આજે તેઓ પક્ષને પોતાની સાથે સંગઠિત કરી શકે એ વાતમાં માલ નથી.

અડવાણીનો નારાજગીનો પત્ર રાજનાથ સિંહને સોમવારે સવારે ૧૧ વાગ્યે મળ્યો હતો. એ પત્ર મળ્યાં પછી રાજનાથ સિંહે અડવાણીને ફોન કરીને કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદીને લઈને મળવા માગું છું. અડવાણીએ મોદીને મળવાની સ્પષ્ટ ના પાડી દીધી એટલે રાજનાથ સિંહ તેમને મનાવવા તેમના ઘરે ગયા હતા, પરંતુ અડવાણીએ પોતાના નિર્ણય વિશે પુનર્વિચાર કરવાની ના પાડી દીધી હતી. આ લખાય છે ત્યારે સુષમા સ્વરાજ અડવાણીને મનાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

અડવાણીનો મોદીવિરોધ સ્વાર્થપ્રેરિત છે કે પક્ષહિતપ્રેરિત છે કે પછી બન્ને છે એ ચર્ચાનો બીજો મુદ્દો છે. એમ લાગે છે કે આમાં બન્ને તત્વ કામ કરી રહ્યાં છે. ૮૬ વર્ષની ઉંમરે વડા પ્રધાન થવા ન મળે તો કાંઈ નહીં, પણ કમસે કમ તેમને માનપાન મળવાં જોઈએ અને તેઓ કહે એ રીતે પક્ષે નિર્ણય લેવો જોઈએ એવી તેમની સ્વાભાવિક કામના છે. તેમનો વિરોધ પક્ષહિતપ્રેરિત એ રીતે છે કે તેમને ખરેખર એમ લાગે છે કે નરેન્દ્ર મોદીને કારણે BJP ૧૯૯૬ની સ્થિતિમાં ધકેલાઈ જશે. એમાં એ કદાચ લોકસભામાં સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટો પક્ષ તો હશે, પણ મિત્ર વિનાનો હશે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીને કારણે BJP સત્તાથી દૂર રહી જશે એવો તેમને ભય છે. તેમના આ ભયમાં વજૂદ છે.

નરેન્દ્ર મોદીની તાજપોશીની પહેલી પ્રતિક્રિયા જનતા દળ-યુનાઇટેડે આપી છે. બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે કહ્યું છે કે BJPએ પોતાનો નિર્ણય લઈ લીધો છે અને હવે નિર્ણય લેવાનો વારો અમારો છે. બે મહિના પહેલાં નીતીશકુમારે BJPને ૨૦૧૩ના અંત સુધીનો સમય આપ્યો હતો. હવે નીતીશકુમાર કહે છે કે આ વર્ષના અંત સુધી રાહ જોવાની જરૂર નથી. કદાચ આ અઠવાડિયાના અંતમાં કે આવતા અઠવાડિયે JDU પક્ષની બેઠક બોલાવશે અને  NDA સાથે છેડો ફાડવાનો નિર્ણય લેશે. આમ એટલા માટે લાગે છે કે સોમવારે નીતીશકુમારે આપેલી પ્રતિક્રિયામાં આનો સંકેત આપી દીધો છે. બિહારમાં મહારાજગંજમાં લોકસભા માટેની પેટાચૂંટણીમાં JDUના ઉમેદવારના થયેલા પરાજયને નીતીશકુમારની કમજોરી કે વળતાં પાણી સમજવાની જરૂર નથી. એ બેઠક લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળની જ હતી અને એ એને ફરી મળી છે, JDUએ ગુમાવી નથી. આમ પણ NDAની સ્થિતિ અત્યારે નાજુક છે. શિવસેના અને અકાલી દળ સિવાય કોઈ મોટો પક્ષ અત્યારે NDAમાં નથી. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બનવું હોય તો ૧૨૫થી ૧૫૦ બેઠકો આપી શકે એવા મિત્રપક્ષોને ભેગા કરવા પડે. ટૂંકમાં કહીએ તો, એવા કેટલાક પ્રાદેશિક પક્ષોને સાથે લઈને NDAની પુનર્રચના કરવી પડે જેમને નરેન્દ્ર મોદી સ્વીકાર્ય હોય. તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતાએ પોતાના ‘ગુડ ફ્રેન્ડ’ મોદીને અભિનંદન આપ્યાં છે. જયલલિતા કે કરુણાનિધિ બેમાંથી કોઈ એક NDAમાં જોડાઈ શકે છે. જ્યાં કૉન્ગ્રેસ અને સ્થાનિક પક્ષોની સીધી લડાઈ છે એવાં રાજ્યોમાં સ્થાનિક પક્ષોનો મોદીને ટેકો મળી શકે છે, પરંતુ એના ટેકે ૧૫૦નો આંકડો પાર કરવો મુશ્કેલ છે. માટે જ પ્રારંભમાં કહ્યું એમ, BJPએ કેસરિયાં કરવાનો નિર્ણય લીધો છે. કાં આ પાર કાં તે પાર.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK