ખાસ - બાત : ૧૧ વર્ષ પહેલાં ગોવામાં મોદીને બચાવવા વાજપેયી સાથે કરેલા ઘોર વિશ્વાસઘાતનો અફસોસ અડવાણીને આજે થતો હશે?

૨૦૦૫માં સંઘ સામે લાલજીની હિંમત ઓછી પડી ત્યારથી તેમના અરણ્યવાસનો પ્રારંભ થયો હતો


રમેશ ઓઝા

૨૦૦૨ના ગોધરાકાંડ અને ગુજરાતના નરસંહાર પછી નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્ય પ્રધાનપદેથી હટાવવાનો નિર્ણય લેવાઈ ગયો હતો. કારોબારીએ નરેન્દ્ર મોદીને હટાવવાનો નિર્ણય ન લેવો પડે અને એ રીતે તેમનું અપમાન ન થાય એ માટે નરેન્દ્ર મોદીને કહી દેવામાં આવ્યું હતું કે તે પોતે જ પોતાના પ્રવચનને અંતે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામાની જાહેરાત કરી દેશે અને ગોવાથી જ ફૅક્સ દ્વારા ગુજરાતના ગવર્નરને રાજીનામું મોકલી આપશે. હજુ બે દિવસ પહેલા ગુજરાત જઈને મોદીને રાજધર્મની શીખ આપી આવેલા વડા પ્રધાન વાજપેયી ગોવામાં કાર્યકારિણીના મંચ પર નિશ્ચિંત બેઠા હતા કે બધું ઠરાવેલ ઘટનાક્રમ મુજબ થશે અને સરકારની આબરૂ જળવાઈ રહેશે. અનેક નેતાઓ ગુજરાત વિશે બોલી લીધા પછી નરેન્દ્ર મોદીનો બોલવાનો વારો આવ્યો. તેમણે અસરકારક રીતે પોતાનો બચાવ કર્યો, હિન્દુત્વનો જયજયકાર કર્યો, સ્યુડો-સેક્યુલરિઝમ પર પ્રહારો કર્યા અને રાજીનામાની જાહેરાત કર્યા વિના બેસી ગયા.

મોદીને ત્રણ-ત્રણ વાર બચાવ્યા

અટલ બિહારી વાજપેયી માટે આ આંચકો હતો. તેમણે અડવાણી સામે જોયું ત્યારે અડવાણીએ નજર ફેરવી લીધી. વાજપેયીને અંધારામાં રાખીને એક બીજી સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી જેમાં મોદીએ પોતાનો જોરદાર બચાવ કરવાનો હતો અને પછી મોદીને સમર્થન આપનારો અને તેમનામાં વિશ્વાસ વ્યક્ત કરનારો ઠરાવ આવવાનો હતો જેને અડવાણી ખુદ સમર્થન આપવાના હતા. ૧૧ વર્ષ પહેલાં આ જ ગોવામાં આ જ લાલકૃષ્ણ અડવાણીએ પોતાના આજીવન મિત્ર અને વરિષ્ઠ સાથી અટલ બિહારી વાજપેયી સાથે વિશ્વાસઘાત કરીને નરેન્દ્ર મોદીને બચાવી લીધા હતા. વાજપેયી સાથે વિશ્વાસઘાત કરવા બદલ અડવાણીને આજે અફસોસ થાય છે કે નહીં એ તો મર્યાદાપુરુષોત્તમ રામ જાણે, પણ મોદીને બચાવવા બદલ જરૂર અફસોસ થતો હશે એ નક્કી વાત છે. એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ-ત્રણ વાર અડવાણીએ નરેન્દ્ર મોદીની ખુરશી બચાવી હતી. એક વાર ગોવામાં અને બે વાર ગાંધીનગરમાં અસંતુષ્ટોના બળવા વખતે. ગુજરાતના અસંતુષ્ટોના નેતા કેશુભાઈ પટેલે તો અડવાણી પર ખફા થઈને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પર અડવાણીના ચાર હાથ છે એટલે મોદી દરેક પાપ પછી ઊગરી જાય છે.

વિશ્વાસઘાતના કેટલાય દાખલા

આનું નામ રાજકારણ. વિશ્વાસઘાત રાજકારણનો સ્થાયી ભાવ છે. રાજકારણમાં સત્તા સાધ્ય છે અને સંબંધો સાધન છે. કેટકેટલાય દાખલા આપી શકાય એમ છે. ઇન્દિરા ગાંધી જે નેતાઓના ખભા પર બેસીને વડાં પ્રધાન બન્યાં હતાં એ નેતાઓના પાછળથી ડોકાં વધેરી લીધાં હતાં. શરદ પવારે તેમના માનસપિતા યશવંતરાવ ચવ્હાણ સાથે દગો કર્યો હતો. ભારતમાં સામ્યવાદી આંદોલનના બીજ રોપનારા અને એનું સિંચન કરનારા શ્રીપાદ અમૃત ડાંગેને સામ્યવાદી પક્ષે હડસેલો મારી દીધો હતો. સત્તાનો આવો સ્વભાવ હોવાના કારણે વિશ્વભરમાં સત્તા વિશે ઊંડું ચિંતન ચાલે છે.

અટલજી સાથે અગાઉ પણ છેહ

અટલ બિહારી વાજપેયી માટે આ પહેલો વિશ્વાસઘાત નહોતો. દોઢ દાયકા પહેલાં પણ તેમને આવો અનુભવ થઈ ચૂક્યો હતો. ૧૯૮૦માં જનતા પક્ષમાંથી બહાર આવીને પૂર્વાશ્રમના જનસંઘના નેતાઓએ BJPની રચના કરી ત્યારે પક્ષનું સુકાન વાજપેયીને સોંપવામાં આવ્યું હતું. તેમની ગણતરી એવી હતી કે વાજપેયીનો ઉદારમતવાદી ચહેરો કામમાં આવશે. એ પછી ૧૯૮૪ની સામાન્ય ચૂંટણી આવી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને BJPના નેતાઓની ધારણાથી ઊલટું પક્ષનું ધોવાણ થઈ ગયું. એ સમયે BJPને માત્ર બે બેઠક મળી હતી. પક્ષે ઉદારમતવાદ અને ઉદારમતવાદી વાજપેયીને બાજુએ ફગાવી મૂક્યા અને હિન્દુત્વનો રસ્તો અપનાવી લીધો. વાજપેયી માટે એ કપરો દાયકો હતો. તેમને પક્ષની ઔપચારિક બેઠકો સિવાય બોલાવવામાં નહોતા આવતા. સલાહ લેવાનો તો પ્રશ્ન જ નહોતો. ૧૯૮૦માં ભાજપનું સૂત્ર હતું : અંધેરે મેં એક ચિનગારી, અટલ બિહારી... અટલ બિહારી. પાંચ વર્ષ પછી એ જ અટલ બિહારી ખોવાઈ ગયા હતા. પક્ષના નવા કર્ણધાર લાલકૃષ્ણ અડવાણી હતા જે એ સમયે સંઘના લાડકા હતા. અડવાણીએ સોમનાથથી અયોધ્યાની રથયાત્રા કાઢવાનો નિર્ણય લીધો ત્યારે વાજપેયીએ એનો વિરોધ કર્યો હતો, પણ પક્ષે એને ગણકાર્યો નહોતો. એ સમયે વાજપેયીએ પોતાની દુર્દશા એક કાવ્યમાં વર્ણવી હતી : જાએં તો જાએં કહાં. અટલ બિહારી વાજપેયીની ત્રિશંકુ અવસ્થા કરવા બદલ અડવાણીએ દુ:ખ અનુભવ્યું હોય એવું જાણમાં નથી. લાલકૃષ્ણ અડવાણીની આત્મકથામાં વાજપેયીને પહોંચાડેલી પીડાનો ઉલ્લેખ સુધ્ધાં નથી.

વાજપેયીની ફરી જરૂર પડી

વાજપેયીના અરણ્યવાસનો એક દાયકા પછી ૧૯૯૫માં અંત આવ્યો હતો જ્યારે પક્ષને ફરી એક વાર ઉદાર ચહેરાની જરૂર પડી હતી. બાબરી મસ્જિદના ધ્વંસ પછી તરત જ યોજાયેલી ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભાઓની ચૂંટણીમાં ગ્થ્ભ્નો પરાજય થયો ત્યારે એના નેતાઓને સમજાઈ ગયું હતું કે હિન્દુત્વનો મુદ્દો કેન્દ્રમાં સત્તા સુધી પહોંચાડી શકે એમ નથી. ૧૯૯૩માં યોજાયેલી આ ત્રણ રાજ્યોની ચૂંટણીના પ્રચારમાં જે વાજપેયીને બોલાવવામાં પણ નહોતા આવતા તે વાજપેયીને બે વર્ષ પછી પક્ષનું સુકાન સોંપવામાં આવ્યું હતું.

ઉંમર અડવાણીની સાથે નથી

વાજપેયીથી ઊલટું અડવાણીનો અરણ્યવાસ તેમની હયાતીમાં પૂરો થાય એમ લાગતું નથી, કારણ કે ઉંમર તેમની વિરુદ્ધ છે. અટલ બિહારી વાજપેયીને હડસેલવામાં આવ્યા ત્યારે તેમની ઉંમર ૬૧ વર્ષની હતી એટલે ૭૧ વર્ષની ઉંમરે તેમની પુન: સ્થાપના થઈ શકી હતી. લાલકૃષ્ણ અડવાણીની કમનસીબી એ છે કે તેમનો અરણ્યવાસ ૮૬ વર્ષની પાકટ વયે થઈ રહ્યો છે. ધારો કે નરેન્દ્ર મોદીના વધારે પડતા આત્મવિશ્વાસને કારણે તેમનો ખેલ ઊંધો પડે અને પક્ષને ફરી એક વાર ઠાવકા પીઢ નેતાની જરૂર પડે તો પણ એ જગ્યા અડવાણી નહીં લઈ શકે, કારણ કે ત્યારે તેમની ઉંમર ૮૭ કે ૮૮ની હશે. સંભવત: એનો લાભ સુષમા સ્વરાજને મળશે.

અડવાણી બસ ચૂક્યા


મારા મતે ૨૦૦૫માં લાલકૃષ્ણ અડવાણીની હિંમત ઓછી પડી હતી અને એ રીતે તેઓ બસ ચૂકી ગયા હતા. ૨૦૦૫માં જ્યારે ઝીણાના મુદ્દે સંઘ સાથે ઘર્ષણ થયું ત્યારે તેમણે પોતાની ભૂમિકાને વળગી રહીને પક્ષને સંઘમુક્ત કરવો જોઈતો હતો. તેમણે કહી દેવું જોઈતું હતું કે સંઘનું વિઝન કાલબાહ્ય થઈ ચૂક્યું છે અને પક્ષને નવા દૃષ્ટિકોણની જરૂર છે. સંઘની વિચારધારા ૧૯૨૫ પછી વિકસી જ નથી અને જગત ક્યાંય આગળ નીકળી ગયું છે. તેઓ યોગ્ય સમયે ન્યુ BJPના આર્કિટેક્ટ થયા નહીં અને નરેન્દ્ર મોદીનો ઉદય થયો. BJP છેલ્લાં દસ વર્ષથી વિરોધ ખાતર વિરોધનું નેગેટિવ રાજકારણ કરે છે એનું કારણ પણ અડવાણીની અસમંજસ અવસ્થા છે. પક્ષ નથી સંઘની બેડીથી મુક્ત થઈ શકતો તેમ નથી નવા યુગના નવા પડકારોને કોલ આપી શકતો. પક્ષ સારા દિવસોની વાટ જોતાં દિવસો પસાર કરતો હતો. નરેન્દ્ર મોદીનો ઉદય એ લાલકૃષ્ણ અડવાણીની દાયકા જૂની અસમંજસ અવસ્થાનું પરિણામ છે અને હવે તેઓ પોતે જ એનો શિકાર થઈ ગયા છે.

અડવાણીને વળગાડ કેમ?


ખરું પૂછો તો અડવાણીના અરણ્યવાસનો પ્રારંભ ૨૦૦૫માં થયો છે જ્યારે તેમણે પાકિસ્તાનમાં મહમ્મદઅલી ઝીણાના વખાણ કર્યા હતા અને ય્લ્લ્એ તેમને હડસેલો માર્યો હતો. આમ છતાંય અડવાણી નિવૃત્ત થવાનું નામ નથી લેતા. તેમના વળગી રહેવાનું મુખ્ય કારણ સત્તાની લાલસા કરતાંય પક્ષ માટેની મમત છે. BJPને લાલકૃષ્ણ અડવાણી કરતાં વધુ પ્રેમ ભાગ્યે જ કોઈ કરતું હશે. પક્ષનું ઘડતર કરવામાં જો કોઈનો સિંહફાળો હોય તો એ એકલા અડવાણીનો છે. પક્ષ તેમના માટે સર્વસ્વ છે. કહો કે તેમના જીવનનો એકમાત્ર હેતુ છે. પક્ષ તેમનો પ્રાણ છે. પક્ષના નેતૃત્વ-પરિવર્તનની પ્રક્રિયા તેઓ જે રીતે ઇચ્છે છે એ મુજબ થાળે પડે એ સારુ તેઓ વળગી રહ્યા છે. સમસ્યા એ છે કે પક્ષના ઉપલબ્ધ નેતાઓમાં કોઈ દેશભરમાં વ્યાપક લોકચાહના ધરાવતું નથી અને ઉપરથી તેઓ અંદરોઅંદર ઝઘડે છે. નરેન્દ્ર મોદી ઠીક-ઠીક લોકચાહના ધરાવે છે, પરંતુ નરેન્દ્ર મોદીની સમસ્યા એ છે કે તેઓ માત્ર નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા બનાવટી અને મધ્યમવર્ગીય છે. અડવાણીને ખાતરી છે કે પક્ષ નરેન્દ્ર મોદીના હાથમાં સુરક્ષિત નથી. તેઓ વિકલ્પની ખોજમાં વળગી રહ્યા છે અને વધુ ને વધુ હાંસિયામાં ધકેલાઈ રહ્યા છે. તેમને મન પક્ષ માટે આદર્શ વિકલ્પ સુષમા સ્વરાજ છે, પરંતુ તકલીફ એ છે કે સુષમા સ્વરાજ બધાને સ્વીકાર્ય નથી અને સંઘ માટે તેઓ બહારનાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK