યજ્ઞકુંડમાં એક ચમચી ગાયના શુદ્ધ ઘીની આહુતિથી નીકળતી ધૂમ્રસેરો દ્વારા હવામાં એક ટન જેટલો ઑક્સિજન ફેલાય છે

યજ્ઞવિધિ એ ધર્મ અને વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય છે. એમાં ગાયનું શુદ્ધ ઘી, કસ્તુરી, કેસર, મધ સહિત ચંદન, પીપળો, વડ, આંબાનાં કાષ્ઠ તથા શંખપુષ્પી, બ્રાહ્મી, શતાવરી, તલ, જવ, આમળાં જેવી આરોગ્યપ્રદ-ગુણકારી જડીબુટ્ટીઓની આહુતિ આપવામાં આવતી હોવાથી જનકલ્યાણ અને વાયુમંડળની શુદ્ધિ થાય છેજગદીશચંદ્ર ભટ્ટ

નવરાત્રિમાં ઘણા ભાવિકો ઘરમાં ધૂપ-દીપ અને યજ્ઞ કરીને આદ્યશક્તિ જગદંબાનું આરાધન કરે. આમ પણ આઠમા નોરતે ચંડીયજ્ઞ કરવાની સદીઓ જૂની ધાર્મિક પરંપરા છે. જોકે જાણવા-સમજવા જેવી બાબત એ છે કે યજ્ઞની આ ધાર્મિક પરંપરા સાથે ભારોભાર વિજ્ઞાન પણ સંકળાયેલું છે. આમ તો આપણા દેશમાં મહાશિવરાત્રિ નિમિત્તે શિવભક્તો મહામૃત્યુંજય જપયજ્ઞ કરે, ઘણા ગાયત્રીભક્તો દર રવિવારે ઘરમાં ગાયત્રી યજ્ઞ કરે છે તો ઘણા ભાવિકો ભેગા મળીને એકસો કૂંડી યજ્ઞ પણ કરે છે.

આજે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વૉર્મિંગ અને પૉલ્યુશનની સમસ્યા બહુ ઘેરી અને વિકટ બની રહી છે. વાતાવરણમાં લાખો-કરોડો વાહનો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ, કારખાનાં અને ભારે ઉદ્યોગો દ્વારા ઝેરી રસાયણો સહિત કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને ઠંડા-ઠંડા કૂલ-કૂલ રેફ્રિજરેટર દ્વારા અત્યંત હાનિકારક ક્લોરોફ્લોરોકાર્બન જેવા ગૅસ સતત ફેલાતા રહે છે.

પૉલ્યુશનની આવી ગંભીર સમસ્યાનો નાનકડો પણ અસરકારક ઉકેલ યજ્ઞપરંપરા અને પદ્ધતિમાં રહેલો છે એવું કહીએ તો આજની એકવીસમી સદીની નવી પેઢીને જરૂર આશ્ચર્ય તો થાય. યજ્ઞ સમગ્ર વાતાવરણની શુદ્ધિ તો કરે જ છે અને સાથોસાથ સમસ્ત માનવજાતનું આરોગ્ય પણ વધારે છે. વનસ્પતિ, જંગલો, જળ, વાયુ, આકાશ, અગ્નિ અને પૃથ્વી વગેરે પંચતત્વોને પણ સલામત બનાવે છે. એટલે જ યજ્ઞપરંપરા છેક વેદકાળથી આજ સુધી અખંડપણે ટકી રહી છે આ યજ્ઞપરંપરા ભારોભાર વૈજ્ઞાનિક, સાત્વિક, જનહિતકારી અને સંપૂર્ણ આરોગ્યપ્રદ છે.

યજ્ઞવિધિમાં અગ્નિહોત્ર યજ્ઞવિધિ બહુ વિશિષ્ટ મનાય છે. ભારતભરમાં વેદ સંસ્કૃતિનો પ્રચાર કરનારા અને આર્યસમાજના સ્થાપક સ્વ. દયાનંદ સરસ્વતી કહે છે, અગ્નિહોત્ર યજ્ઞવિધિમાં ગાયનું શુદ્ધ ઘી, કસ્તુરી, મધ, કેસર-ગોળ વગેરે જેવાં સાત્વિક અને સુગંધી દ્રવ્યોનો ઉપયોગ થાય છે. ઉપરાંત અષ્ટસમિધા એટલે કે આઠ પ્રકારનાં વૃક્ષનાં કાષ્ઠ (લાકડાં)નો પણ ઉપયોગ થાય છે જેમાં આંબો, વડ, પીપળો, ચંદન અને ગુલર વૃક્ષનાં કાષ્ઠનો સમાવેશ થાય છે. ઉપરાંત અન્ય સામગ્રીરૂપે એલચી, લવિંગ, શંખપુષ્પી, બ્રાહ્મી, તલ, શતાવરી, ખસ, આમળાં, ઇન્દ્રજળ, જાવિંત્રી, વચ, નેત્રવાલા, ગુલહઠી, કમળ, કેસર, વડની પાંદડીઓ, નારિયેળ, બદામ અને જવ વગેરેનો પણ સમાવેશ થાય છે. આ બધી સામગ્રી મૂળભૂત રીતે આરોગ્યપ્રદ અને ગુણકારી છે.

હવે આ બધી સામગ્રીની યજ્ઞકુંડમાં શુદ્ધ મંત્રોચ્ચાર સાથે આહુતિ અપાય ત્યારે અગ્નિ સાથે સંસર્ગમાં આવવાથી અતિ સૂક્ષ્મરૂપે બનીને હવા સાથે ભળી જાય. વિજ્ઞાનનો નિયમ છે કે સમગ્ર સૃષ્ટિના કોઈ પણ પદાર્થનો ક્યારેય નાશ ન થાય, ફક્ત એનું સ્વરૂપ બદલાય. ઉદાહરણરૂપે પાણીને ઝીરો ડિગ્રીએ રાખવામાં આવે તો એ બરફ બની જાય, પણ એ જ બરફને ગરમ વાતાવરણમાં રખાય તો એનું ફરીથી પાણી બની જાય. ઉપરાંત એ જ પાણીને ઊંચા તાપમાને ગરમ કરાય તો એની વરાળ બનીને હવામાં ભળી જશે. આ કુદરતી ન્યાયે યજ્ઞકુંડમાંની બધી સામગ્રી છેવટે તો અતિ સૂક્ષ્મ કણોનું સ્વરૂપ ધારણ કરીને હવામાં ભળી જશે.

ફ્રાન્સના પ્રસિદ્ધ રસાયણશાસ્ત્રી ડૉ. ટ્રિલવર્ડ અને ભારતના જાણીતા રસાયણશાસ્ત્રી ડૉ. સત્યપ્રકાશે વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સાબિત કર્યું છે કે આંબાનું, ચંદનનું અથવા વડ કે પીપળાનું લાકડું સળગે ત્યારે એમાંથી ર્ફોમાલ્ડીહાઇડ નામનું વિશિષ્ટ તત્વ ઉત્પન્ન થાય છે જેમાં રોગના જીવાણુઓનો નાશ કરવાની વિશિષ્ટ શક્તિ-ક્ષમતા રહેલી છે. આમ યજ્ઞની અષ્ટસમિધા અગ્નિ સાથે સંસર્ગમાં આવે ત્યારે એમાંથી ર્ફોમાલ્ડીહાઇડ ઉત્પન્ન થઈને હવામાં ભળે અને હવામાંના પ્રદૂષિત, ઝેરી અને રોગનાં જંતુઓનો નાશ કરી સમગ્ર વાતાવરણ સ્વચ્છ બનાવે છે.

વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા પુરવાર થયું છે કે યજ્ઞકુંડમાં ગાયના ફક્ત એક ચમચી શુદ્ધ ઘીની આહુતિ આપવામાં આવે તો એમાંથી નીકળતી ધૂમ્રસેરો દ્વારા હવામાં એક ટન જેટલો ઑક્સિજન ફેલાય છે. જરા કલ્પના કરો, યજ્ઞની સમગ્ર વિધિ દરમ્યાન વિશાળ વાતાવરણમાં કેટલોબધો ઑક્સિજન ભળતો હશે. આ બધો ઑક્સિજન શ્વાસ વાટે યજ્ઞવિધિ કરનારા યજમાનોનાં ફેફસાંમાં જશે અને શરીર શુદ્ધ થશે. નવી ચેતના મળશે. આમ સમગ્ર વાતાવરણ અને શરીર બન્ને સ્વચ્છ થાય.

યજ્ઞવિધિમાં વપરાતી શંખપુષ્પી, બ્રાહ્મી, તલ, જપ, જાવિંત્રી, શતાવરી જેવી આરોગ્યપ્રદ જડીબુટ્ટીઓ અગ્નિ સાથે સંસર્ગમાં આવે ત્યારે એમાંથી જે ધૂમ્રસેર હવામાં ભળે એમાં પણ આરોગ્યના ગુણો તો હોવાના જ. આ ધૂમ્રસેર યજ્ઞવિધિ કરનારાના અને આજુબાજુમાં રહેતા માણસોના શ્વાસમાં જશે એટલે શરીરમાં જે કોઈ ઝેરી તત્વો હશે એનો નાશ થઈ જશે અને નવી ઊર્જા-ચેતના મળશે. સાથોસાથ સમગ્ર વાતાવરણમાંનું પ્રદૂષણ પણ દૂર થઈ જશે.

ભારતભરમાં ‘ગાયત્રી પરિવાર’ની સ્થાપના કરનારા અને યજ્ઞ એક અદ્ભુત ચિકિત્સા હોવાનાં વૈજ્ઞાનિક પ્રમાણો સાથે પ્રચાર કરનારા સ્વ. રામશર્મા આચાર્યએ તેમના ‘ગાયત્રી મહાવિજ્ઞાન’ તથા ‘યજ્ઞનું માહાત્મ્ય અને મહત્વ’ પુસ્તકોમાં લખ્યા મુજબ મહારાષ્ટ્રના પુણેની પ્રસિદ્ધ ફગ્યુર્સન કૉલેજના વિજ્ઞાનીઓએ પ્રયોગો દ્વારા પુરવાર કર્યું છે કે ૬’ હૃ ૬’ હૃ ૨.૫’ જાડાઈના તામ્રપત્રમાં આંબાની સમિધા (કાષ્ઠ)ના માધ્યમથી કરાયેલા અગ્નિહોત્ર યજ્ઞમાં ફક્ત એક જ વખતની ૧૦૮ આહુતિથી ૩૬’ હૃ ૨૨’ હૃ ૧૦’ ફૂટના રૂમમાંની ૯૦૦૦ ઘનફૂટ કરતાં પણ વધુ હવામાં કૃત્રિમરૂપે બનાવવામાં આવેલા વાયુથી આજુબાજુનું પ્રદૂષણ સાફ થઈ ગયું હતું. વળી એ હવાના નમૂના લઈને ગૅસ લિક્વિડ ક્રોમેટોગ્રાફ નામના મશીનમાં પરીક્ષણ કરવામાં આવતાં જાણવા મળ્યું હતું કે પેલી હવા સંપૂર્ણપણે શુદ્ધ થઈ ગઈ હતી.

મહત્વની બાબત એ પણ છે કે યજ્ઞમાંથી ફેલાતી ધૂમ્રસેરો ખરેખર તો એક ખાસ પ્રકારની ઊર્જા-ચેતના છે. કારણ એ છે કે એ ધૂમ્રસેરોમાં ગાયનું શુદ્ધ ઘી, કેસર, કસ્તુરી લઈને અષ્ટસમિધા તથા શંખપુષ્પી અને બ્રાહ્મી જેવી જડીબુટ્ટીઓની ગુણકારી અસર હોય છે. આવી ગુણકારી ધૂમ્રસેર હવામાં ઊંચે ચડીને વાદળો સાથે ભળી જાય. પરિણામે જે વરસાદ વરસે એનું જળ પણ શુદ્ધ હોય. આવું શુદ્ધ જળ પૃથ્વીની જમીનમાં ઊતરે એટલે ઉત્તમ પ્રકાર અને આરોગ્યપ્રદ અનાજ અને ફળફળાદિનું ઉત્પાદન થાય. સાથોસાથ વિશાળ જીવસૃષ્ટિને પણ શુદ્ધ પાણી-આહાર મળી રહે.

યજ્ઞપરંપરાનો વૈદિક ઉલ્લેખ

વિશ્વમાં સૌથી પુરાણા જ્ઞાનગ્રંથ તરીકે સંયુક્ત રાષ્ટ્રસંઘે જેનો સ્વીકાર કર્યો છે એ ઋગ્વેદના પહેલા અધ્યાયની પ્રથમ •ચા એટલે કે મંત્રમાં જ યજ્ઞનો ઉલ્લેખ છે. વેદના ઋષિ ગાન કરે છે : ‘હે અગ્નિદેવ, તમે આ યજ્ઞમાં પધારો અને દેવોને પણ બોલાવો. તમે યજમાનનું કલ્યાણ કરનારા છો. અમે તમને નમસ્કાર કરીએ છીએ.’

યજુર્વેદના ૧૮મા અધ્યાયના ૧૪મા મંત્રમાં વેદના ઋષિ કહે છે, ‘યજ્ઞકર્મના ફળરૂપે અમને અગ્નિ, અંતરીક્ષ અને ઔષધીઓની અનુકૂળતા અને સલામતી પ્રાપ્ત થાઓ. ગ્રામ, વન, પશુ, ધન, ગૃહ અને ઉત્તમ સંતાનોથી સંપન્ન બનાવો.’

૧૮મા મંત્રમાં ઋષિ કહે છે, ‘હે યજ્ઞદેવતા... દ્યુલોક, પૃથ્વી અને અંતરીક્ષ, સ્વર્ગલોક, ઇન્દ્ર, વર્ષ, નક્ષત્ર અને બધી દિશાઓ બધા જ પ્રકારના યજ્ઞો દ્વારા અનુકૂળ અને સલામત બનો.’

૨૯મા મંત્રમાં ઋષિ ગાન કરે છે, ‘હે યજ્ઞદેવતા, યજ્ઞના ફળ વડે અમને આયુષ્યની વૃદ્ધિ થાઓ, પ્રાણ રોગરહિત બનો, ચક્ષુ તેજસ્વી જ્યોતિવાળાં બનો અને કાન તથા વાણી ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરો. અમારા મન-આત્મા આનંદમય બને.’

ઋગ્વેદ અને યજુર્વેદનું સર્જન લગભગ ૩૫૦૦ વર્ષ પહેલાં થયું હોવાનાં નક્કર પ્રમાણ મળે છે. સરળ રીતે સમજીએ તો ૩૫૦૦ વર્ષ અગાઉ પણ આપણા ઋષિમુનિઓએ પૃથ્વી, નક્ષત્રો, આકાશ, દિશાઓ અને વનસ્પતિની રક્ષા થવી જોઈએ એવી પ્રાર્થના કરી હતી. આ પ્રાર્થનાનો સ્પષ્ટ અર્થ એ છે કે આપણા ઋષિમુનિઓ પહેલેથી જ પર્યાવરણની શુદ્ધિ અને સમસ્ત માનવજાતના કલ્યાણ વિશે જાગૃત હતા. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ધરાવતા હતા.

યજ્ઞોના વિવિધ પ્રકાર

આપણા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં કુલ ૪૦૦ પ્રકારના વિવિધ યજ્ઞોનો બહોળો ઉલ્લેખ છે. ઉપરાંત શ્રીમદ્ભગવદગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણે કુલ ૧૨ પ્રકારના યજ્ઞોનું ઉત્તમ જ્ઞાન આપ્યું છે. આ ૧૨ યજ્ઞોમાં આત્મસંયમયજ્ઞ, દ્રવ્યયજ્ઞ, તપોયજ્ઞ, યોગયજ્ઞ, સ્વાધ્યાયયજ્ઞ, જ્ઞાનયજ્ઞ, પ્રાણયજ્ઞ અને દેહયજ્ઞનો સમાવેશ થાય છે. ચારેય વેદોમાં અશ્વમેધયજ્ઞ, રાજસૂર્યયજ્ઞ, ઇન્દ્રિયયજ્ઞ, પુત્રકામેષ્ટીયજ્ઞ, દેવયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, અગ્નિહોમયજ્ઞ, સોમયજ્ઞ, હવીરયજ્ઞ, પર્જન્યયજ્ઞ તથા પંચમહાયજ્ઞ વગેરેનો ઉલ્લેખ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK