ઑળખો અમેરિકાના ફોન-ઈમેલ સીક્રેટનો પર્દાફાશ કરનારને

અમેરિકન આર્મીમાં ને CIAમાં કામ કરી ચૂકેલા એડવર્ડ સ્નોડેને હૉન્ગકૉન્ગ જઈને આ ધડાકો કર્યો અને હવે અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ તેના પરિવારની ઊલટતપાસમાં લાગી ગઈ છે

ખાસ બાત - સેજલ પટેલ

એડવર્ડ સ્નોડેન.

મૂળ અમેરિકાનો ૨૯ વર્ષનો આ યુવાન ત્રણ અઠવાડિયાં પહેલાં બે-ત્રણ લૅપટૉપ ભરેલી ભારેખમ બૅગ અને મોટી હૅન્ડબૅગ લઈને હૉન્ગકૉન્ગની હોટેલમાં પ્રવેશ્યો ત્યારે કોઈએ ધાર્યું નહીં હોય કે તે અમેરિકાને હલબલાવી મૂકશે. તે કોઈ નૉર્મલ ટૂરિસ્ટ કે બિઝનેસમૅન નહોતો. તે સાથે એવો સળગતો બૉમ્બ લઈને આવ્યો હતો જેનાથી અમેરિકાનાં ગુપ્ત મિશનો ખુલ્લાં પડી જવાનાં હતાં. બૂઝ અલેન હૅમિલ્ટન નામની જે કંપની પાસે અમેરિકાની નૅશનલ સિક્યૉરિટી એજન્સી પોતાનાં ટેક્નિકલ કામો કરાવે છે એનો તે કર્મચારી હતો. એટલું જ નહીં, એક સમયે તે અમેરિકી ગુપ્તચર સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)માં પણ ટેક્નિકલ કન્સલ્ટન્ટ રહી ચૂક્યો હતો.

એ ન્યાયે અમેરિકાની ઇન્ટેલિજન્સ અને સિક્યૉરિટી બાબતની તમામ હિલચાલોથી તે પૂરેપૂરો વાકેફ હતો.

છેલ્લા કેટલાક સમયથી સિક્યૉરિટીના નામે અમેરિકા જે રીતે એક આમ આદમીના અંગત વિશ્વમાં તરાપ મારવાની કોશિશ કરી રહ્યું હતું એ તેના પેટમાં દુ:ખી રહ્યું હતું. કહેવાય છે કે તેણે શરૂઆતમાં કંપની સામે બળવો પણ કરેલો અને લોકોની પ્રાઇવસી જોખમાય એવી ટેક્નૉલૉજી વિકસાવવાની ખિલાફ હોવાની વાત પોતાની કંપનીના વડાઓ સમક્ષ રજૂ કરેલી. જ્યારે તેની વાત પર જરાય ધ્યાન આપવામાં ન આવ્યું ત્યારે નાછૂટકે તેણે મનોમન ગાંઠ વાળી લીધી. તેણે નોકરીમાં ત્રણ અઠવાડિયાંની રજા મૂકી. જે ગર્લફ્રેન્ડ સાથે તે હવાઈના વાઇપાહુ શહેરના અપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતો હતો એ ખાલી કરી દીધો અને ગર્લફ્રેન્ડને સમજાવ્યું કે નૅશનલ સિક્યૉરિટી એજન્સીના ગુપ્ત કામે તે જઈ રહ્યો છે એટલે થોડાક દિવસ તે તેના પેરન્ટ્સ પાસે જતી રહે. માત્ર ત્રણ કમ્પ્યુટર હાર્ડ ડિસ્ક, લૅપટૉપ અને જરૂરી ચીજવસ્તુઓ લઈને તે અમેરિકા છોડીને પહેલી મેએ હૉન્ગકૉન્ગ આવી ગયો.

હૉન્ગકૉન્ગ આવીને તેણે કેટલાંક અંગ્રેજી અખબારોને આપેલા ઇન્ટરવ્યુમાં અમેરિકાના ખાનગી ઇરાદાઓ અને પ્રોજેક્ટ્સની કેટલીક ફાઇલો જાહેર કરી. એમાં તેણે અમેરિકાની જાસૂસીને બેનકાબ કરી દીધી. 

US-984XN

આ છે અમેરિકાની નૅશનલ સિક્યૉરિટી એજન્સી દ્વારા ૨૦૦૭થી ચાલતો ઇલેક્ટ્રૉનિક જાસૂસી માટેનો પ્રોજેક્ટ. એનું કોડનેમ છે પ્રિઝમ. આ પ્રોજેક્ટ અંતર્ગત અમેરિકામાં રહેતી કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ ઈ-મેઇલ મોકલે કે મેળવે, ફોન કરે કે રિસીવ કરે તો એ બધું જ અમેરિકન ગુપ્તચર સંસ્થાને ખબર પડી જાય. આ પ્રિઝમ સિસ્ટમ દ્વારા અમેરિકી સરકાર એવી વ્યવસ્થા ઊભી કરવા જઈ રહી છે જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતી તેમ જ આવતી-જતી દરેક વ્યક્તિના તમામ કમ્યુનિકેશન પર કડક જાપ્તો રાખી શકાય. આ જાપ્તો કઈ રીતે રખાય છે અને આખીયે જાસૂસી વ્યવસ્થા કેવી રીતે ઊભી થઈ છે એનો પર્દાફાશ એડવર્ડે કયોર્. તેણે આપેલા ઇન્ટરવ્યુમાં એ પણ કહ્યું કે ‘જ્યાં મારી પ્રત્યેક હિલચાલ પર નિગરાની રહેતી હોય અને મારી પ્રાઇવસી જરાય ન જળવાતી હોય એવા દેશમાં હું રહેવા નથી માગતો. મને ખબર છે કે બીજા લોકો પોતાની અંગતતા જાળવવા ઇચ્છે તો છે, પણ અમેરિકા જેવી બળવાન સત્તા સામે પડવાની હામ કોઈનામાં છે નહીં.’

બસ, આવા ખળભળાવી નાખતા ઇન્ટેલિજન્સના પ્રોજેક્ટની અતિખાનગી વાતોનો પર્દાફાશ કરનારને અમેરિકા છોડે ખરું? અત્યાર સુધી એડવર્ડ સ્નોડેન એક મામૂલી ટેક્નિશ્યન હતો જે અચાનક જ મોસ્ટ વૉન્ટેડ બની ગયો છે.

કેટલાક લોકો એડવર્ડને હીરો માને છે તો કેટલાક વિશ્વાસઘાતી. છેલ્લા એક અઠવાડિયામાં હજારોની સંખ્યામાં લોકોએ એડવર્ડના કારનામા વિશે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. કોઈએ એને વખાણ્યું તો કોઈકે વખોડ્યું. અમેરિકાની સામે પડવાની જેણે હિંમત કરી છે તે ખરેખર છે કોણ એ જાણવા માટે વિશ્વભરના ઇન્વેસ્ટિગેટિવ પત્રકારો નીકળી પડ્યા છે. જોકે તેના વિશેની ખૂબ પાંખી માહિતી મળી રહી છે, કેમ કે પોતાની પ્રાઇવસી માટે લડનારા આ યુવાને ઇન્ટરનેટ પર મૂકેલા તમામ ડેટા નાબૂદ કરી દીધા છે. CIAમાં કામ કરી ચૂક્યો હોવાથી એડવર્ડ પોતાના આ કારનામાની વળતી પ્રતિક્રિયા કેટલી સજ્જડ હોઈ શકે છે એ વિશે જાણે છે એટલે કદાચ પર્દાફાશ પછીની સ્થિતિઓ માટે માનસિક રીતે તૈયાર છે. એડવર્ડે અમેરિકા છોડીને હૉન્ગકૉન્ગમાં શરણ લીધું, કેમ કે ત્યાં વ્યક્તિસ્વાતંhયને માન અપાય છે એટલે તેને અહીં પનાહ મળશે એવું લાગે છે. જોકે અમેરિકા ધારે તો હૉન્ગકૉન્ગ પર દબાણ લાવીને તેને પકડાવી શકે છે એ જોતાં એડવર્ડે હૉન્ગકૉન્ગની જે હોટેલમાંથી ઇન્ટરવ્યુ આપ્યો હતો ત્યાંથી સોમવારે બપોરે સાડાબાર વાગ્યે જ ચેકઆઉટ કરી લીધું છે. અમેરિકાની આ ખાનગી માહિતી લીક કરી દેવાને કારણે હવે તે સુખ-શાંતિવાળી સફળ જિંદગીનો ભોગ આપીને ભાગતો ફરે છે. હાલમાં ભૂગર્ભમાં છુપાઈ ગયેલા એડવર્ડનો ભૂતકાળ અને તે કોણ હતો એ વિશે વધુ ને વધુ માહિતી મેળવવા માટે નૅશનલ સિક્યૉરિટી એજન્સી પણ છટપટી રહી છે. બ્રિટનની બધી જ ઍરલાઇન્સને તાકીદ કરી દેવામાં આવી છે કે આ માણસ બ્રિટનમાં ન પ્રવેશવો જોઈએ. એડવર્ડે તો અમેરિકા સાથે પંગો લઈ લીધો છે, પણ હવે લગભગ કોઈ દેશ તેને પનાહ આપવા તૈયાર નહીં હોય.

આવો જાણીએ જરાક આ ડેરિંગબાજ એડવર્ડ છે કોણ.

૨૯ વર્ષનો એડવર્ડ આ ૨૧ જૂને ત્રીસ વર્ષનો થશે. નૉર્થ કૅરોલિનાની વિલ્મિંગ્ટન સિટીમાં તે જન્મ્યો. એ પછી મૅરિલૅન્ડના એલિકોટમાં તે થોડુંક ભણ્યો. મમ્મી-પપ્પાએ ડિવૉર્સ લીધા હોવાથી જુદાં રહે છે અને એડવર્ડ હવાઈમાં તેની ગર્લફ્રેન્ડ સાથે રહેતો હતો. મમ્મી એલિઝાબેથ બાલ્ટિમોરમાં ફેડરલ કોર્ટહાઉસમાં ચીફ ડેપ્યુટી ક્લર્ક છે અને પપ્પા લોની સ્નોડેન અમેરિકી કોસ્ટગાર્ડ ઑફિસર છે અને બીજાં લગ્ન કરીને પેન્સિલ્વેનિયામાં રહે છે. નૅશનલ સિક્યૉરિટી એજન્સી અને CIA એડવર્ડના પરિવારની ઊલટતપાસ કરી રહી છે, પણ તેના આ પ્લાન વિશે પેરન્ટ્સ તેમ જ ગર્લફ્રેન્ડ સુધ્ધાં બેખબર છે એવું અત્યારે લાગી રહ્યું છે.

નવાઈની વાત એ છે કે અમેરિકાની સિક્યૉરિટી એજન્સી માટે કામ કરતો એડવર્ડ હાઈ સ્કૂલથી આગળ ભણ્યો નથી. કમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા મેળવવા માટે તે મૅરિલૅન્ડની ઍની અરુન્ડેલ કમ્યુનિટી કૉલેજમાં દાખલ તો થયેલો, પણ કોર્સ પૂરો કયોર્ નહોતો. ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીનું કંઈ પણ ભણ્યા વિના તે અમેરિકાની ટૉપમોસ્ટ ટેક્નૉલૉજી કંપનીઓમાં હાઈ-પ્રોફાઇલ પ્રોજેક્ટ્સ પર કામ કરતો કઈ રીતે થઈ ગયો એ પણ એક કોયડો છે.

૨૦૦૪માં તે અમેરિકન આર્મીમાં પણ જોડાયેલો અને તેની ઇચ્છા સ્પેશ્યલ ફોર્સમાં જૉઇન થવાની હતી. તેને ઇરાક સાથેના યુદ્ધમાં જોડાવું હતું, પણ ટ્રેઇનિંગ દરમ્યાન બન્ને પગમાં ફ્રૅક્ચર થતાં આર્મી છોડી દેવી પડી હતી. એ પછી તરત તેણે નૅશનલ સિક્યૉરિટી એજન્સીમાં સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરવું શરૂ કર્યું અને પછી CIAમાં IT સિક્યૉરિટી કન્સલ્ટન્ટ તરીકે જોડાયો. ૨૦૦૭થી ૨૦૦૯ દરમ્યાન તેણે CIAના સ્વિટ્ઝરલૅન્ડના જિનીવામાં આવેલા ડિપ્લોમૅટિક કવર-સ્ટેશન માટે કામ કર્યું. એ પછી તેણે જપાનમાં અમેરિકી મિલિટરી બેઝમાં પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટર તરીકે પણ કામ કર્યું. છેક છેલ્લે તે બૂઝ અલેન હૅમિલ્ટન નામની ટેકિનકલ કન્સલ્ટન્ટ કંપનીમાં આરામદાયક જિંદગી જીવી રહ્યો હતો. વર્ષે બે લાખ ડૉલર એટલે કે આશરે કરોડ રૂપિયાથી વધુ તે કમાતો હતો. જોકે તેનું આ છમકલું બહાર પડતાં કંપનીના પ્રવક્તાએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હોવાની વાત જાહેર કરી હતી.

એડવર્ડને શેનો ડર?

મિડિયા સામે જ્યારે એડવર્ડે અમેરિકન ગુપ્તચર એજન્સીના ઇરાદાઓ અને ખાનગી પ્રોજેક્ટોની ફાઇલો જાહેર કરી ત્યારે પત્રકારોએ તેને પૂછેલું કે તું આ બધું જાહેરમાં તારી ઓળખ સાથે જાહેર કરી રહ્યો છે ત્યારે એનાં પરિણામોનો ડર નથી લાગી રહ્યો? ત્યારે તેણે જવાબ આપેલો કે ‘અત્યારે મારો સૌથી મોટો ડર એ છે કે હું રિસ્ક ઉઠાવીને આ હાઈ-વૉલ્ટેજ પ્રોજેક્ટનો પર્દાફાશ કરી રહ્યો છું, પણ ખરેખર લોકો આને ગંભીરતાથી લેશે કે કેમ? અંગતતા માટે લોકો જાગશે કે કેમ એ બાબતે મને શંકા છે; કેમ કે લોકોએ સ્વીકારી લીધું છે કે પોતાના ફોનકૉલ્સ, ઈ-મેઇલ, ચૅટ, ઇન્ટરનેટ બૅન્કિંગ-અકાઉન્ટ વગેરે હૅક થઈ શકે છે; એવું થવું એમાં બહુ મોટી વાત નથી. સિક્યૉરિટીના નામે તમારી પ્રાઇવસી જોખમાય એ વાતે લડવાનું જોખમ કોઈ ઉઠાવવા તૈયાર નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK