આંખો ચમકાવી નાખે એવાં કામ વિના આંખે

આજે વર્લ્ડ સાઇટ ડે છે ત્યારે મળીએ એવા કેટલાક વીરલાઓને જે દૃષ્ટિ ન હોવા છતાં પેઇન્ટિંગ કરે છે, દરિયાનાં મોજાંની થપાટો સાથે સર્ફિંગ કરે છે, મસ્તમજાનું કુકિંગ કરે છે અને કાર પણ ડ્રાઇવ કરે છે


સેજલ પટેલ


જ્યારે ભગવાન શરીરમાં એક ઊણપ આપે તો શરીરની અન્ય ક્ષમતાઓ આપમેળે સતેજ થઈ જાય છે. જ્યાં જન્મથી જ દૃષ્ટિ ન હોય ત્યારે કુદરતી રીતે જ વ્યક્તિની લર્નિંગ પ્રોસેસ આંખ વિના જ શીખવા માટે ઘડાઈ ગઈ હોય. એટલે જ આસપાસમાં નજર કરીએ તો આંખ વિના પણ પોતાની રોજબરોજની જિંદગીને ઘણી સહજતા અને સરળતાથી જીવતા હોય એવા ઘણા લોકો મળી આવશે. દૃષ્ટિ ન હોય એવા લોકો સંગીતમાં ખૂબ જ અવ્વલ હોય છે, પણ આજે આપણે એવા કેટલાક લોકોને મળીશું જેમણે આપણી આંખો ચમકાવી નાખે એવાં કામો વિના આંખે કર્યા છે.


પેઇન્ટર જૉન બ્રૅમ્પ્લિટ


દૃષ્ટિ વિના પેઇન્ટિંગ

નાનપણથી જ રંગો, ચિત્રો અને દૃશ્યોને પોતાના કૅન્વસ પર ઉતારવાનું પૅશન ધરાવતા જૉન બ્રૅમ્પ્લિટને માથે આભ ફાટી પડેલું જ્યારે છેક ૩૦ વર્ષની ઉંમરે વાઈના હુમલાને કારણે તેની આંખો ચાલી ગઈ.

શરૂઆતમાં આ માણસને કેવું ડિપ્રેશન આવ્યું હશે એની કલ્પના કરવા માટે આપણી સંવેદનશીલતા પણ ટૂંકી પડે. જોકે દુખનું ઓસડ દહાડા એ ન્યાયે જૉને જીવનના આ ટર્નિંગ પૉઇન્ટને ધીમે-ધીમે સ્વીકાર કરવો શરૂ કર્યો. એમાં પણ તેને પેઇન્ટિંગ જ કામ લાગ્યું. દૃષ્ટિ ચાલી ગયા પછી પણ તે કલાકો સુધી પોતાનાં ચિત્રો અને પેઇન્ટિંગ કિટને પંપાળતો રહેતો. જ્યારે તેની પાસે દૃષ્ટિ હતી ત્યારે તેને પોતાની કિટમાંના બધા જ કલરનું ટેક્સ્ચર સરખું લાગતું હતું, પણ જ્યારે કલર જોઈ શકાતો નહોતો ત્યારે તેની આંતરિક દૃષ્ટિ જે-તે કલરનું ટેક્સ્ચર ફીલ કરીને કલર આઇડેન્ટિફાય કરવા લાગી. એ પછી તેણે ફરી પેઇન્ટિંગ કરવાનું શરૂ કર્યું. આટલાં વષોર્ દરમ્યાન જે સૃષ્ટિ તેણે પોતાની આંખે જોઈ હતી એને કૉપી કરવાને બદલે હવે તે અંદરથી જે સ્ફુરણા થાય એનાં ચિત્રો પેઇન્ટ કરે છે. એ પણ ઍબ્સર્ડ આર્ટ નહીં; માણસો, પ્રાણીઓ, કુદરતી દૃશ્યો, ઝરણાં જેવી રિયલ લાઇફ ચીજો એ વગર આંખે પેઇન્ટ કરે છે.

વગર આંખે પેઇન્ટ કરેલા તેનાં ચિત્રોનું વિશ્વના વીસ દેશોમાં એક્ઝિબિશન થઈ ચૂક્યું છે. તે જોઈ ન શકતા લોકોને જીવનના રંગો ફીલ કરતાં શીખવતી વર્કશૉપ્સ પણ કરે છે.

આંખ વિના કાર-ડ્રાઇવિંગ

કાર-ડ્રાઇવર માર્ક ઍન્થની રિકોબોનો


આ સવાલનો જવાબ થોડોક ટ્રિકી છે. નૉર્મલી કાર જે રીતે ડિઝાઇન કરવામાં આવે છે એ દૃષ્ટિ વિના ચલાવવી હોય તો આસપાસના લોકો માટે તો ઠીક, તેના પોતાના માટે પણ જોખમી છે. પણ જો હાથ કે પગમાં ખામી હોય એવા લોકો કારમાં મૉડિફિકેશન કરીને કાર ચલાવી શકતા હોય તો જોઈ ન શકતા લોકો માટે વિશિષ્ટ સેટિંગ ધરાવતી કાર કેમ ન બનાવી શકાય? માર્ક ઍન્થની રિકોબોનો નામના ભાઈ ર્ફોડની એસ્કેપ નામની કારમાં ખાસ પ્રકારની ટેક્નૉલૉજી ડેવલપ કરાવીને સ્પીડવે પર સડસડાટ દોડાવવાનું પરાક્રમ કરવા માટે જાણીતા છે. વર્જિનિયાની ટેક્નિકલ ટીમ અને એક કાર-કંપનીએ ભેગા મળીને જોઈ ન શકતા લોકો પણ રોડ પર સેફ્ટી સાથે વાહન ચલાવી શકે એવું સંશોધન કર્યું છે. માર્ક ઍન્થની રિકોબોનો નૅશનલ ફેડરેશન ઑફ ધ બ્લાઇન્ડ ઇન્સ્ટિટયૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

કારમાં કૅમેરા અને લેસર-સેન્સર્સ લગાવીને એનાં સિગ્નલ્સ વાઇબ્રેશન-રૂપે ડ્રાઇવ કરનાર વ્યક્તિના હાથ અને પગમાં જાય એવી વ્યવસ્થા નવી કારમાં કરવામાં આવી છે. ખાસ પ્રકારના ગ્લવ્સ અને બેલ્ટ પહેરીને માર્ક ફ્લોરિડાના ડેટોના ઇન્ટરનૅશનલ સ્પીડવે પર ૪૦થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવે છે એટલું જ નહીં, તેમની વચ્ચે પ્રયત્નપૂર્વક ઊભી કરવામાં આવતી અડચણોને પણ લેસર-સેન્સર્સ દ્વારા મળતાં સિગ્નલ્સથી પારખીને વિના કોઈ ગફલત પાર કરી જાય છે.

હજી આવી કાર માર્કેટમાં આવી નથી, પણ જો જોઈ શકતા લોકો ટ્રાફિકના નિયમોને પાળતા થઈ જાય તો ન જોઈ શકતા લોકો માટે ભવિષ્યમાં કાર ચલાવવાનો રસ્તો મોકળો થઈ શકે એમ છે.

દૃષ્ટિ વિના અવ્વલ રસોઈયો

એનું અવ્વલ ઉદાહરણ છે અમેરિકાની ક્રિસ્ટિન હા. ૨૦૧૨માં અમેરિકન ટીવી રિયલિટી શો ‘માસ્ટરશેફ’ની વિનર ક્રિસ્ટિન લીગલી બ્લાઇન્ડ છે. જન્મી ત્યારે નૉર્મલ આંખો હતી, પણ ન્યુરોમાયેલાઇટિસ ઑપ્ટિકા નામના ઑટો-ઇમ્યુન ડિસીઝને કારણે તેની દૃષ્ટિ ઝાંખી થતી ગઈ. આ રોગમાં ઇમ્યુન સિસ્ટમ ખોટાં સિગ્નલ્સને કારણે કરોડરજ્જુ અને મગજના એવા ભાગને ડૅમેજ કરે છે જ્યાંથી દૃષ્ટિને લગતા ન્યુરોન્સ સંકળાયેલા હોય છે. ૨૦૦૭માં એટલે કે આશરે ૨૭ વર્ષની ઉંમરે તેની આંખે દેખાવાનું સાવ બંધ થઈ ગયું.

જ્યારે આંખ સાબૂત હતી ત્યારે તે ઑસ્ટિનની યુનિવર્સિટી ઑફ ટેક્સસમાંથી બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન અને મૅનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમનું ભણી. જોકે આંખ સાવ જ ચાલી જતાં આ ભણતરને બળે જૉબ મળવાની ધારણા સાવ એળે ગઈ. ડિપ્રેશન અને જીવનના કપરા ગાળાને પચાવવા માટે તેણે પોતાના જ ઘરમાં કુકિંગ શરૂ કર્યું. જોઈ ન શકતી વ્યક્તિ માટે સ્મેલ, ટેક્સ્ચરની ફીલ, ચીજોના આકાર વગેરે પર ખૂબ આધારિત રહેવું પડે. ગયા વર્ષે માસ્ટરશેફનું ટાઇટલ જીતીને અઢી લાખ ડોલર જીતનારી ક્રિસ્ટિનનું કહેવું છે કે ‘હું જાતે જ મારી ગ્રોસરી ખરીદવા જાઉં છું. બધી જ ચીજોની ટિપિકલ સ્મેલ, આકાર અને ટેક્સ્ચર પરથી હું એને અલગ તારવું છું. મારી બનાવેલી વાનગીને કદાચ હું કોઈને જોતાં જ ગમી જાય એટલી સુંદર રીતે સજાવી નથી શકતી, પણ એના સ્વાદની બાબતમાં કોઈ કૉમ્પþોમાઇઝ નથી કરતી.’

હવે તો ક્રિસ્ટિને જોઈ ન શકતા લોકો માટે કુકિંગ ક્લાસિસ શરૂ કર્યા છે જેમાં તે સુપરમાર્કેટમાં જઈને શૉપિંગ કરવાથી માંડીને ઇન્ટરનૅશનલ ક્વિઝિન બનાવતાં શીખવે છે. માસ્ટરશેફ બન્યા પછી તો તેના ક્લાસિસમાં નૉર્મલ દૃષ્ટિવાળાઓની પણ લાઇન લાગી છે.

દૃષ્ટિ વિના સમુદ્રમાં સર્ફિંગ


સર્ફર ડેરેક રબેલો

સર્ફિંગ એ સાહસવીરોની સ્પોર્ટ છે. આંખ સામે અંધારપટ હોય ત્યારે દરિયાનું મોજું ક્યાંથી આવી રહ્યું છે અને પ્રવાહ કઈ તરફનો છે એનો અંદાજ લગાવીને સર્ફિંગ કરવું નામુમકિન લાગતું કામ છે. જોકે બ્રાઝિલનો ડેરેક રબેલો એનો જબરો શોખીન છે.

ડેરેક જન્મ્યો એ પહેલાંથી તેના પિતાની ઇચ્છા હતી કે તેઓ પોતાના દીકરાને સર્ફર બનાવશે. ૧૯૯૨માં ડેરેકનો જન્મ થતાં જ તેમની મુરાદ પર પાણી ફરી વળ્યું. દીકરાને જન્મજાત ગ્લુકોમાની તકલીફ હતી. એને કારણે તે ખૂબ જ ધૂંધળું એટલે કે બાથરૂમમાં અરીસા પર પાણીની વરાળ બાઝેલી હોય ત્યારે એમાં જે દેખાય એટલું જ જોઈ શકતો. આ દૃષ્ટિ પણ લગભગ ત્રણ વર્ષની ઉંમર સુધીમાં સાવ જતી રહી. જ્યારે બાળપણમાં કાલીઘેલી ભાષામાં બોલતા શીખેલા ડેરેકને ખબર પડી કે પોતાના પપ્પા તેને એક અવ્વલ સર્ફર બનાવવાનું સપનું સેવતા હતા ત્યારે તેણે સર્ફિંગ કરવાની જીદ પકડી. સ્વિમિંગ શીખ્યો અને પછી આંખ સિવાયની બાકી તમામ ઇન્દ્રિયોને કામે લગાડીને તેણે સર્ફબોર્ડ પર પણ હાથ અજમાવવો શરૂ કર્યો.

અત્યારે ૨૧ વર્ષની ઉંમર સુધીમાં ડેરેક હવાઈ ટાપુના સૌથી ડેન્જરસ ગણાતા સમુદ્રમાં ખૂબ સહજતાથી સર્ફિંગ કરી લે છે. તે આ કેવી રીતે શીખ્યો, કઈ રીતે આ કળા હસ્તગત કરી એ બધા વિશે એક ડૉક્યુમેન્ટરી બનાવવામાં આવી છે : ‘બ્રાઇટ સાઇટ - ધ ડેરેક રબેલો સ્ટોરી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK